તારા-સિતારા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

20 January, 2022 10:10 AM IST  |  Mumbai | Rashmin Shah

માયા મૂંઝવણમાં મુકાઈ ગઈ અને મૂંઝવણ વચ્ચે જ તે રૂમના બેડ પર બેઠી. માયા જેવી બેડ પર બેઠી કે તરત તેનું ધ્યાન બેડની બરાબર સામે આવેલા બાથરૂમ પર ગયું.

તારા-સિતારા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

‘સિતારા, નીચે પોલીસ આવી છે ને અત્યારે કારણ વિના ઇન્ક્વાયરી કરે છે...’
ઇન્સ્પેક્ટર સુબોધ અવાજની દિશામાં આગળ વધ્યા. તારાનો અવાજ હવે વધારે સ્પષ્ટ સંભળાતો હતો,
‘મને આપણે ત્યાં કોઈ લપ નથી જોઈતી...’
‘હટ...’
‘સિતારા, તારે તો આવા ઊંહકારા કરીને ઊભા રહી જાવું છે. નીચે, નીચે મારે બધાનો સામનો કરવો પડે છે...’ 
‘અહીં હું પણ તારા વતી એ જ કરું છું...’
જો કોઈએ તારાને ધ્યાનથી ન સાંભળી હોય, તેના અવાજને પ્રોપર રીતે નોટિસ ન કર્યો હોય તો તેને એવું જ લાગે કે આ બીજો અવાજ પણ તારાનો જ છે. હા, બન્ને અવાજ સમાન નહોતા, પણ એમાં સમાનતાનો ભાવ ભારોભાર હતો. તારાનો અવાજ સહેજ પાતળો હતો તો બીજો અવાજ, સિતારાનો અવાજ વજનવાળો હતો.
‘તને મેં ક્યારેય કહ્યું નથી કે તું મારે માટે ક્યાંય ઇન્વૉલ્વ થા...’ 
‘હું પણ એ જ કહું છું, મારા માટે ઇન્વૉલ્વ થવાની જરૂર નથી.’
‘તું મારી બહેન છો...’ તારાનો અવાજ ગળગળો થવા માંડ્યો, 
‘તારા માટે હું નહીં કરું તો કોને
માટે કરીશ...’
‘... ...’
સામેથી કોઈ જવાબ ન આવ્યો એટલે તારાએ કહ્યું,
‘હું તારા બેનિફિટ માટે કહું 
છું. તું હમણાં, થોડા દિવસ તારી 
રૂમમાં રહેને...’
‘ના, મને ખબર છે, પછી તું મને ત્યાંથી બહાર નહીં આવવા દે...’
‘અરે, ગાંડી થઈ છો તું. તારા વિના હું રહી શકું, લાગે છે તને એવું?’
‘ના, ને એ બધું મૂક... હું રૂમમાં નહીં જાઉં.’ સિતારાએ ચોખવટ પણ કરી, ‘તું... તું કહીશ તો હું આ રૂમમાંથી જ બહાર નહીં આવું, બસ...’
‘ના, તું વાત માન મારી સિતારા. એકાદ દિવસ, ચોવીસ કલાક માટે તું તારી રૂમમાં જા. હું છેને, પેલા ઇન્સ્પેક્ટરને ઉપર લાવીને બધું 
દેખાડી દઉં...’
પોતાના ઉલ્લેખથી સુબોધ સહેજ સાવચેત થઈને ઊભો રહી ગયો.
‘ઇન્સ્પેક્ટરને ખબર પડી ગઈ 
છે કે ઉસ્માન વિશે તેને અહીંથી જેકંઈ ખબર પડશે એ બધું કામનું છે. તું એક દિવસ માટે...’ 
‘નાઆઆઆ...’
‘પ્લીઝ...’ સિતારાનો અવાજ આવ્યો, ‘તું મારો હાથ મૂકી દે...’
સંવાદના આધારે ઇન્સ્પેક્ટર સુબોધ સમજી ગયા કે અત્યારે અંદર શું ચાલે છે. જોકે સુબોધને એ નહોતું સમજાતું કે તારા શું કામ પોતાની સિસ્ટર સિતારાને તેનાથી દૂર રાખવા માગે છે. 
‘જો, હું જે કહું છું એ તારા 
માટે છે...’
‘ના, મને ત્યાં એકલી નથી ગમતું...’ 
‘અરે, હું આવીશને ત્યાં... આજે રાતે હું ત્યાં સૂઈશ. પ્રૉમિસ.’
રૂમમાંથી પગલાંનો અવાજ નજીક આવવા માંડ્યો એટલે સુબોધ સમજી ગયો કે તારા સિતારાને લઈને બહાર આવે છે. સુબોધ ઝડપથી રૂમની બરાબર સામે આવેલા કિચનમાં 
છુપાઈ ગયો.
રૂમનો દરવાજો ખૂલ્યો.
તારાએ તેના બન્ને હાથમાં સિતારાને તેડી હતી.
‘શું સિતારા ચાલી નહીં શકતી હોય? કે સિતારા કોઈ માનસિક રોગથી પીડાતી હશે?’ 
કિચનમાં છુપાયેલા સુબોધને સિતારાને મળવાની, તેને જોવાની તાલાવેલી જાગી.
તારા અને સિતારાની ધીમા શ્વરની આ વાતો સુબોધને સંભળાતી નહોતી.
‘હું હમણાં પાછી આવું છું...’ 
સિતારાને રૂમમાં મૂકીને એક જ મિનિટમાં તારા અંદરથી બહાર આવી. બહાર આવી તેણે ઘરમાં નજર કરી અને પછી તે નીચે હોટેલમાં જવા માટે પગથિયાં ઊતરી ગઈ.
તારા જેવી નીચે જવા રવાના થઈ કે તરત સુબોધ કિચનમાંથી બહાર આવ્યો. તે ઝડપથી સિતારાને મળવા, સિતારાને જોવા માગતો હતો.
એ સમયે સુબોધને ખબર નહોતી કે સિતારાને મળ્યા પછી તે માત્ર ઉસ્માનને જ નહીં, ઉસ્માન સિવાય પણ ગુમ થયેલા બીજી ૬ વ્યક્તિને પણ શોધી લેવાનો છે.
lll
સુબોધ જ્યારે સિતારાની રૂમ તરફ આગળ વધતો હતો ત્યારે ફર્સ્ટ ફ્લોર પર ઉસ્માન જે રૂમમાં રહ્યો હતો એ રૂમમાં માયા પહોંચી ગઈ હતી. માયા અને ઉસ્માન વચ્ચે કોઈ અમર પ્રેમ નહોતો, પણ તેમના સંબંધોમાં માયા તરફથી સંપૂર્ણ પ્રામાણિકતા રહી હતી. માયા ઇચ્છતી હતી કે ઉસ્માનના કોઈ સમાચાર મળી જાય. આ જ કારણે તે સુબોધને સાથ આપવા તૈયાર થઈ હતી.
ઉસ્માન જે રૂમમાં રહ્યો હતો એ આખી રૂમ માયાએ ફેંદી નાખી હતી, પણ તેને કોઈ એવો પુરાવો નહોતો મળ્યો જેના આધારે ઉસ્માન સુધી પહોંચી શકાય.
‘હવે શું કરવું?’
માયા મૂંઝવણમાં મુકાઈ ગઈ અને મૂંઝવણ વચ્ચે જ તે રૂમના બેડ પર બેઠી. માયા જેવી બેડ પર બેઠી કે તરત તેનું ધ્યાન બેડની બરાબર સામે આવેલા બાથરૂમ પર ગયું. 
માયા ઊભી થઈ બાથરૂમમાં આવી.
બાથરૂમની જગ્યા એક ઑર્ડિનરી હોટેલના બાથરૂમ જેવી જ હતી. એને લક્ઝુરિયસ દેખાડવાની કોશિશ થઈ હતી, પણ બાથરૂમમાં પડેલી તમામ આઇટમ ચીલાચાલુ હતી. બાથરૂમમાં કર્ટન માટે પાઇપ હતી, પણ એ પાઇપ પર કર્ટન નહોતો. 
માયાને નવાઈ લાગી. એવું બને નહીં. કાં તો કર્ટન માટે પાઇપ ન હોય અને જો પાઇપ હોય તો એ પાઇપ પર કર્ટન ટિંગાતો હોય. માયાએ એ પાઇપને ધ્યાનથી જોયો. કર્ટનનો પાઇપ વચ્ચેથી વળી ગયો હતો. 
માયાએ પાઇપ પરથી નજર હટાવીને બાથરૂમને ફરીથી જોયો. બાથરૂમની જમણી બાજુએ કમોડ હતું. કમોડની પાછળ એક નાનકડું વેન્ટિલેશન હતું, જે બાથરૂમની ફર્શથી સાડાપાંચ ફુટ જેટલું ઊંચે હતું. આ વેન્ટિલેશનના ખુણે કાગળનો ડૂચો પડ્યો હતો.
માયાએ કમોડ પર ઊભા થઈને એ કાગળ હાથમાં લીધો. માનવામાં ન આવે એમ એ કાગળનો ડૂચો ભારે હતો, એમાં અંદર કંઈ ભર્યું હોય એવું સ્પષ્‍ટ લાગતું હતું.
માયાએ કાગળનો એ ડૂચો ખોલ્યો અને તેની આંખો પહોળી થઈ ગઈ. 
કાગળના એ ડૂચામાં હથેળી દબાઈ જાય એવડો મોટો ડાયમન્ડ હતો. 
માયા એ ડાયમન્ડને જોતી હતી એ દરમ્યાન બહારથી અવાજ આવ્યો, ‘ઓઓઓ...’
રાડ સુબોધની હતી.
માયાના હાથમાં ડાયમન્ડ આવવો અને એ જ સમયે ઉપરથી સુબોધનું રાડ પાડવું એ બન્ને ઘટના લગભગ એકસાથે બની હતી.
lll
તારા જેવી નીચે જવા માટે નીકળી કે તરત સુબોધ કિચનમાંથી બહાર આવ્યો હતો. તે સિતારાને મળવા માગતો હતો. તેને એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે તારા-સિતારા ઉસ્માન વિશે કંઈક જાણે છે એ નક્કી છે.
સુબોધ દબાતા અને છતાં ઉતાવળા પગલે સિતારાની રૂમ પાસે પહોંચ્યો. રૂમને બહારથી સ્ટૉપર મારી હતી.
સહેજ પણ અવાજ ન થાય એ રીતે સુબોધે સ્ટૉપર ખોલીને રૂમની અંદર નજર કરી. રૂમની વિન્ડો પાસે એક યુવતી બેઠી હતી. તેની પીઠ દરવાજા તરફ હતી.
‘હેલો સિતારા...’ 
સુબોધ રૂમની અંદર ગયો, પણ ન તો સિતારા સુબોધની તરફ ફરી કે ન તો તેણે સુબોધને કોઈ જવાબ આપ્યો. 
‘સિતારા, હું તારી સાથે વાત કરું છું...’
સિતારા તરફથી કોઈ સળવળાટ ન થયો.
હવે સુબોધના મનમાં શંકા જાગી. તે ઝડપથી આગળ વધીને સિતારાના ફેસ સામે આવ્યો અને સિતારાને જોતાં જ તેના શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ. બેકાબૂ બની ગયેલી એ ધ્રુજારીએ તેના મોઢામાંથી ચીસ પણ ઓકી નાખી, ‘ઓઓઓ...’
lll
સુબોધની આ ચીસ માયાએ સાંભળી હતી, તો માયાની સાથે સુબોધની એ ચીસ નીચે પહોંચી ગયેલી તારાએ પણ સાંભળી હતી. ઉપરથી આવેલા અવાજને પારખીને તારા ઝડપથી રિસેપ્શન-કાઉન્ટરની બહાર નીકળી. 
એ જ સમયે માયા પણ રૂમ-નંબર ૧૦૧માંથી બહાર નીકળી. તારાએ સૌથી પહેલાં માયાને જોઈ. એક અજાણી યુવતીને ઉસ્માનવાળી રૂમમાંથી બહાર નીકળતી જોઈને તારાની કમાન છટકી, પણ અત્યારે તેનું ઉપર પહોંચવું જરૂરી હતું એટલે તે સીધી ઉપર તરફ જવા માટે સીડી તરફ ભાગી. તારાને ભાગતી જોઈને માયાને શક ગયો અને તે પણ તેની પાછળ ભાગી.
તારાની પાછળ ભાગતી માયાને એકાએક તારા પર ખીજ ચડી અને તેણે પોતાના હાથમાં રહેલા ડાયમન્ડનો ઘા તારા પર કર્યો. તમતમી ગયેલા મગજમાં ભરાયેલા ભારેખમ ગુસ્સાથી ફેંકવામાં આવેલો ડાયમન્ડ સીધો તારાના મસ્તકના પાછળના ભાગમાં વાગ્યો અને તારા તમ્મર ખાઈને 
નીચે પડી. 
માયાએ કરેલા ડાયમન્ડના એ ઘાએ અનેક ઘટનાઓ પરથી પડદો હટાવ્યો તો અનેક જોખમી ઘટનાઓ રોકવાનું કામ પણ કર્યું.
lll
‘ઉસ્માનનું મર્ડર સિતારાએ કર્યું એવું અત્યારે સિતારા કહે છે... સિતારાનું કહેવું છે કે જો ઉસ્માનને તેણે માર્યો ન હોત તો ઉસ્માન તારાનો મિસયુઝ કરવાનો હતો.’
 ‘મને કંઈ સમજાતું નથી. પ્લીઝ, સમજાય એવી સરળ ભાષામાં કહો...’ 
ઇન્સ્પેક્ટર સુબોધની આંખ સામેથી હજી પણ સિતારાનું હાડપિંજર હટતું નહોતું.
‘સાવ સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે તારા સ્પ્લિટ પર્સનાલિટી ધરાવે છે. આ એક સાયકોલૉજિકલ પ્રૉબ્લેમ છે. આ પ્રૉબ્લેમ હોય ત્યારે વ્યક્તિના મનમાં એક બીજી વ્યક્તિ પણ જીવતી હોય.’
‘મીન્સ તારાના મનમાં...’ 
‘એક્ઝૅક્ટલી, તારાના મનમાં તારા ઉપરાંત સિતારા પણ જીવતી હતી. તમને ખબર છે એમ સિતારા તારાની મોટી સિસ્ટર. બન્ને નાનપણમાં જ એકલી પડી ગઈ. એકલી પડવાને લીધે બન્ને એકબીજાની સપોર્ટ સિસ્ટમ બની ગઈ. તારાને સિતારા માટે જબરદસ્ત લગાવ, પઝેસિવનેસ જેવો, પણ સિતારા માટે એવું બિલકુલ નહોતું. સિતારાને કોઈકનો સાથ જોઈતો હતો. સિતારાને હોટેલના જ મૅનેજર સાથે રિલેશનશિપ થઈ અને એ રિલેશન આગળ વધ્યાં એટલે તારાની સિતારા માટેની પઝેસિવનેશ બહાર આવવા લાગી. એક વખત તારા સિતારાને પેલા મૅનેજર સાથે બેડ પર જોઈ ગઈ એટલે તેણે ગુસ્સામાં બન્નેને મારી નાખ્યાં, પણ એ પછી તેને સમજાયું કે સિતારાની તેને ખૂબ જરૂર છે, સિતારા વિના તેને નહીં ચાલે એટલે તારાએ પેલા મૅનેજરની ડેડબૉડીનો નિકાલ કર્યો, પણ સિતારાની બૉડીને ઘરમાં સાચવી રાખી. તારા એ બૉડી સાથે એ જ રીતે રહેતી જે રીતે તે પહેલાં સિતારા સાથે રહેતી હતી. સમય જતાં એવો પિરિયડ આવી ગયો કે સિતારા તારાના મનમાં જ રહેવા લાગી. જ્યારે તારા કોઈ પુરુષ પ્રત્યે અટ્રૅક્ટ થાય ત્યારે તેનામાં રહેતી પેલી સિતારા બહાર આવી જાય.’
‘તો ઉસ્માનની સાથે...’ 
સાઇકિયાટ્રિસ્ટ રોશન અગ્રવાલ અટક્યા કે તરત સુબોધ ચક્રવર્તીએ સવાલ કર્યો.
‘સિતારાના કહેવા મુજબ ઉસ્માને તારા સાથે જબરદસ્તીથી ફિઝિકલ રિલેશન બાંધ્યાં એટલે તેણે ઉસ્માનનું મર્ડર કર્યું.’
‘અને તારા શું કહે છે...’
‘ઇન્સ્પેક્ટર, હવે તારાના દિમાગ પર સંપૂર્ણ કબજો સિતારાનો છે. અત્યારે તે એવી જ રીતે વાત કરે છે જાણે તે સિતારા છે.’ રોશન અગ્રવાલ ઊભા થઈને સુબોધની પાસે આવ્યા, ‘આ પ્રકારના માનસિક રોગીઓ દુનિયામાં અઢળક છે, પણ મોટા ભાગના લોકોને આ બીમારી વિશે ખબર નથી એટલે... ઇન્સ્પેક્ટર, તમે સાંભળ્યું હશે કે નાના ગામમાં લોકોને માતાજી આવે. કેટલાયને ભૂત વળગે. હકીકત તો એ છે કે એ બધા તારાની જેમ જ સ્પ્લિટ પર્સનાલિટી ધરાવે છે. હા, પ્રમાણભેદ હોઈ શકે.’
lll
‘તારાને એમાં વળી શું ખરાબ લાગવાનું, મેં જેકંઈ કર્યું એ તારાના લાભ માટે તો કર્યું હતું. તારાએ પણ અમારા મૅનેજરને કાઢી મૂક્યો ત્યારે મેં પણ ક્યાં વાંધો લીધો હતો... આજે પણ તારાની સાથે જ રહું છુંને, એ પણ હસતા મોઢે...’

સંપૂર્ણ

columnists Rashmin Shah