છળ-છલના (પ્રકરણ ૨)

08 November, 2022 11:37 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘ન હોય!’ અભિનેત્રી આની ખાતરી કરી સહેજ હેબતાયેલી, ‘મને જેનો અણસાર ન આવ્યો એ તેં એક સ્પર્શમાં કેવી રીતે પામી લીધું?’ 

છળ-છલના (પ્રકરણ ૨)

‘ચિંતા ન કરો, આન્ટી. આપણો પ્રસંગ હેમખેમ પાર પડવાનો જ.’
અનસયૂાબહેન સાંત્વના પાઠવતી નીમાને નિહાળી રહ્યાં. કેટલી સૂઝવાળી છોકરી. પોતાના કામમાં તો હોશિયાર ખરી જ, વાત-વહેવારમાં વિવેકી. ભારોભાર આત્મવિશ્વાસુ. તેના ક્લાયન્ટ અમીર વર્ગના જ હોવાના, તેમની ઈર્ષા કે અદેખાઈનો અવુગણ નહીં. મા-બાપનાં ભરપૂર લાડ પામી છે, એકની એક દીકરી તરીકે તેમના પ્રત્યેની જવાબદારીથી સભાન પણ છે. જુઓને, આમ તો તે આજે બીજી વાર જ ઘરે આવી, તોય કેટલી આત્મીયતા વર્તાય છે તેના ભાવમાં. અને આમાં બનાવટ નથી. અતુલ્યનાં લગ્ન આડે શિખાના કાકાની માંદગી વિઘ્નરૂપ બને એમ છે જાણી કેવી કુશળતાથી મને સધિયારો પાઠવે છે! સાડી-જ્વેલરીમાં તેણે સૂચવેલા બદલાવ સચોટ છે. પાછી કહે પણ છે કે શિખાની તૈયારીમાંથી વખત ચોરી હું તમારા રૂમમાંય ડોકિયું કરી જઈશ, વરની મા તરીકે તમારો વટ પડવો જોઈએને!
છેવટે તેણે રજા માગી કે અનસૂયાબહેને સંભાર્યું, ‘આમ ખાલી હાથે ન જવાય છોકરી! આ લે મીઠાઈનું પડીકું ને કંકોત્રી. તારા પપ્પા જોડે મેં વાત કરી લીધી છે, તમારે સહપરિવાર આવવાનું છે.’

તેમનો આભાર માની નીમા નીકળી કે અતુલ્ય તેની પાછળ લૉબીમાં સરકી આવ્યો.
‘નીમા, મારો નંબર નોંધી રાખ.’ પોતાનો મોબાઇલ નંબર લખાવી તેણે સહેજ શરમાતાં ફોડ પાડ્યો, ‘ફંક્શન માટે શિખા તૈયાર થાય કે મને તેની તસવીર વૉટ્સઍપ કરી દેજે...’
વાગ્દત્તાને નિહાળી લેવાની મુગ્ધ હૈયાની અધીરાઈ નીમાને મીઠડી લાગી.
‘ભલે, પણ આની ટ્રીટ અલગથી લઈશ.’
‘અરે, તું માગશે એ આપીશ!’
નીમાના વદન પર અકથ્ય ભાવ પ્રસરી ગયો. 
એને પારખવાનુ અતુલ્યને તો સૂઝે પણ કેમ!
lll
‘હા, લગ્નના નિમંત્રણ માટે મને અનસૂયાબહેનનો ફોન આવ્યો હતો.’
રાત્રે વાળુ સમયે નીમાએ અતુલ્યના ઘરની સવારની મુલાકાત વિશે કહેતાં દિવાકરભાઈએ હોંકારો ભર્યો, દમયંતીબહેને ટાપશી પૂરી, ‘હું તો કહું છું, આપણે નીમા માટેય હવે મુરતિયા ખોળવા માંડો...’

‘મમ્મીએ તો બસ મને પરણાવી જ દેવી છે.’ નીમાએ લાડ કર્યાં.
એવું નહોતું કે વયસહજ અરમાનો તેના રુદિયે અંગડાઈ નહોતાં લેતાં... બલકે હૈયે એક નામની ઝીણી-ઝીણી ભાત ઊપસવા પણ માંડેલી - અને એ નામ એટલે અતુલ્ય!
અનસૂયાબહેન-અતુલ્યની ઘણી વાતો પિતાજી કરતા. અતુલ્યની સિદ્ધિથી, ગુપ્તદાનની અનસૂયાબહેનની પ્રથાથી પ્રભાવિત થવું સ્વાભાવિક હતું. એકવીસની ઉંમરે એકાદ બિઝનેસ મૅગેઝિનમાં પહેલી વાર અતુલ્યનો ફોટો જોયો ને નીમાનું કુંવારું હૈયું ધડકી ગયેલું - પોતે કરેલી કલ્પનાથીયે ક્યાંય વધુ આકર્ષક હતો વાસ્તવનો અતુલ્ય!
પછી તો મા લગ્નની વાત છેડતી ને નીમાના હોઠે અતુલ્યનું નામ આવી જતું, પણ તેને ઉચ્ચારવાથી ડરતી : અમારી વચ્ચેનો આર્થિક ભેદ તો જુઓ. અતુલ્ય કે તેમનાં મધર ભલેને ગમે એટલાં પરગજુ હોય, હેસિયત બહારનો પ્રસ્તાવ મૂકી તેમની ભલમનસાઈનો ગેરલાભ ન જ લેવાય! વાત ન બની તો મારાં પપ્પા-મમ્મીને એનું કાયમનું દુખ રહી જાય એવું શું કામ થવા દેવું! ક્યારેક એવોય વિચાર આવી જતો કે અતુલ્યની ઑફિસમાં નોકરી મેળવી તેની નિકટ જવાનો રસ્તો ખોળું... પણ ના, એમાં કદાચ અતુલ્યનાં મધરને એવું લાગે કે છોકરીએ નોકરીના બહાને મારા દીકરાને પલોટ્યો!

અતુલ્ય સાથેનો મેળ આકાશકુસુમવત્ લાગવા માંડ્યો. અતુલ્ય સાથે પરણવું સંભવ ન હોય તો તેનું નામ હૈયે ઘૂંટવું પણ શું કામ? આમાં તો જેને પરણીશ તેને અન્યાય કર્યો ગણાશે... એટલે પછી આ નામ, આ લાગણી કદી સપાટી પર આવી જ નહીં.
‘મને તો આપણી દીકરી પર ગર્વ છે.’
પિતાના શબ્દોએ નીમા ઝબકી, વિચારમેળો સમેટી લીધો.
‘સાડી ડ્રેપર તરીકે તેની સિદ્ધિ બિરદાવવા લાયક છે.’
સાડી ડ્રેપર.

નીમાના ચહેરા પર રંગત આવી.
પોતે ત્યારે આઠમા ધોરણમાં હશે. મા કોઈ કામે મોસાળ ગઈ હતી, ને આ બાજુ સ્કૂલની ફૅન્સી ડ્રેસ કૉમ્પિટિશનમાં પોતે ટીચર બનવાનો જોગ સર્જાયો.
‘હવે તો ટીચર્સ પણ ડ્રેસ પહેરે છે બેટા, સાડીમાં બહુ કુથારો છે, રહેવા દે.’
મામાને ત્યાંથી માએ ફોન પર સમજાવ્યું, પણ છોકરી એમ માને!
‘મારાં ટીચર્સ સાડી જ પહેરે છે એટલે હું તો સાડી જ પહેરવાની.’
આ જીદે નાનકડી નીમા મંડી પડી. રોજ સાંજે સ્કૂલેથી આવી સાડી પહેરવાની પ્રૅક્ટિસ કરતી, આજુબાજુવાળાં ભાભી, આન્ટીઝનું માથું ખાતી. એમાં જોકે તેની નિરીક્ષણશક્તિ વિકસી : ગુજરાતી આન્ટી છેડો આગળ રાખે છે, મરાઠી આન્ટી પાછળ...
આનો ફાયદો એ થયો કે પોતાને સાડી પહેરતાં શીખવનારને તે શીખવતી: પાટલી થોડી સાંકડી કરો, છેડો ખુલ્લો રાખો તો કેવું?
આનું પરિણામ આવવું ઘટે એ જ આવ્યું. હરીફાઈમાં ટીચર બનેલી નીમાની સાડીસજાવટની નોંધ ઘણાએ લીધી. પિયરથી પાછાં ફરેલાં દમયંતીબહેન અવાચક હતાં - તું આટલી સરસ સાડી પહેરતી થઈ!

ના, પહેરતી નહીં, પહેરાવતી પણ!
સવારે દમયંતીબહેન નાહી-ધોઈ રહે ત્યાં સુધીમાં ઊઠીને નીમા રાહ જ જોતી હોય - મા, તને હું સાડી પહેરાવું?
આ છોકરડી મને સાડી પહેરાવવાની! દમયંતીબહેનને રમૂજ થતી, પણ નીમાને ઇનકાર કરતાં નહીં, તેને નવી-નવી સ્ટાઇલ ટ્રાય પણ કરવા દે અને પાસપાડોસનું મહિલાવૃંદ તેમની સ્ટાઇલને વખાણે તો ગર્વથી કહી દે - આ મારી નીમાની કમાલ છે!
એટલે પછી સોસાયટીમાં જેને પ્રસંગોપાત્ત જરૂર વર્તાય તે નીમાને તેડાવી દે- મને સાડી પહેરાવવા આવી જજે!
દાદરની મધ્મયવર્ગીય સોસાયટીમાં વિવિધ પ્રાંતના લોકો રહેતા. પરિણામે નીમાને ભાત-ભાતના કલ્ચરની, તેમના પહેરવેશની વિશેષતાઓની સૂઝ પણ કેળવાતી ગઈ.
આમાં સૌથી મહત્ત્વનો વળાંક આવ્યો કૉલેજના બીજા વર્ષમાં.
દિવાકરભાઈના વર્તમાનપત્રની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે ષણ્મુખાનંદ હૉલમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું. ટીવી-ફિલ્મજગતની નામાંકિત હસ્તીઓ દ્વારા અખબારના કર્મચારીઓના સન્માન સમારોહમાં પિતાને ટ્રોફી કોણ આપશે એની ઉત્સુકતા નીમાને વધુ હતી. કર્મચારીગણના પરિવાર ભેગી તે મા સાથે પહેલી જ હરોળમાં બેઠી હતી, ત્યાં નાનકડી ઘટના બની. હિન્દી ફિલ્મોનાં જાણીતાં અભિનેત્રી માલા દવે સન્માન આપવા સ્ટેજનાં પગથિયાં ચડતાં હતાં ત્યાં સાડી પગમાં અટવાતાં તે પડતાં રહી ગયાં, ઉપર જવાને બદલે સાઇડના એક્ઝિટ ડોરમાંથી ગ્રીનરૂમ તરફ ભાગ્યાં.

જાણે શું સૂઝ્યું કે નીમા તેમની પાછળ દોડી, રૂમના દરવાજે તેમને આંતરી લીધા - હું સાડી ઠીક કરવામાં આપની મદદ કરું?
બે જ મિનિટમાં તેણે સાડી એ રીતે પહેરાવી કે માલા દંગ થઈ ગયાં - વાહ રે દીકરી, તારા હાથોમાં જાદુ છે. તું સાડી ડ્રેપર તરીકે કામ કેમ નથી કરતી!
- એ ઘડી ને આજનો દિવસ.
માલાની ભલામણે નીમાની સફર શરૂ થઈ. શરૂ-શરૂમાં નીમાને જાણીતી હસ્તીને જોવા-જાણવાનો રોમાંચ રહેતો. હવે એવી આતુરતા નથી હોતી. આખું વર્ષ તેની અપૉઇન્ટમેન્ટ બુક ફુલ હોય ને લગ્નની સીઝનમાં તો વ્યસ્તતા પૂછો જ મા. ચાર વર્ષની કારકિર્દીમાં કેવા-કેવા અનુભવોય થયા.
કોઈ વેપારીને ત્યાં લગ્નની પચીસમી તિથિ ઊજવવાની હોય, ત્યારે શેઠાણીએ હોંશે-હોંશે લગ્નનું પાનેતર પહેરવા કાઢ્યું હોય, પણ પચીસ વર્ષ જૂનું બ્લાઉઝ ફિટ નહીં થાય, નવું સિવડાવવું પડશે એ ધ્યાન બહાર જ રહ્યું હોય! ત્યારે હાજર સો હથિયારની જેમ નીમા મોજૂદ સ્ટૉકમાંથી સૌથી વધુ મેળ ખાતું બ્લાઉઝ પહેરાવી સાડીની ડિઝાઇન એવી ગોઠવે કે બ્લાઉઝ મૅચિંગ પર ધ્યાન જ ન જાય! પોતાને કુંવારી બતાવતી ટીવી-ઍક્ટ્રેસના પેડુ પર ડિલિવરીના કાપા જોઈ આંચકો ખાઈ જવાય. અરે, સુડોળ વક્ષસ્થળ માટે જાણીતી હિરોઇનને ડિઝાઇનર બ્લાઉઝ પહેરાવતી વેળા નીમાને અણખટ લાગેલી - ડાબા થાન પર ગાંઠ જેવું લાગે છે, ચેક કરાવી લેજો.

‘ન હોય!’ અભિનેત્રી આની ખાતરી કરી સહેજ હેબતાયેલી, ‘મને જેનો અણસાર ન આવ્યો એ તેં એક સ્પર્શમાં કેવી રીતે પામી લીધું?’ 
આનો જવાબ નીમા પાસે નહોતો. આને આંગળીની પરખ કહો, આંતરસૂઝ ગણો કે કુદરતની બક્ષિસ, ક્લાયન્ટનાં સ્ટૅટિસ્ટિક્સ નીમાની આંગળીના ટેરવે રહેતાં, નજરે ન ચડે એવો નગણ્ય ફરક પણ તેને વર્તાઈ આવતો. 
સદ્ભાગ્યે એ ગાંઠ કૅન્સરની નહોતી એની વધાઈ સાથે હિરોઇને નીમાને ડ્રાયફૂટ્સનું ગિફ્ટ હૅમ્પર પણ મોકલાવ્યું હતું!
- પણ આ બધામાં શિખાનું નિમંત્રણ અદકેરું રહેવાનું.
મલબારહિલ રહેતી શિખા અલ્ટ્રામૉડર્ન હતી. તેને સાડી પહેરાવતી વેળા સહેજે અણસાર નહીં કે આ શણગાર અતુલ્ય જોવાના છે! વેવિશાળ સમયે શિખાએ ફરી તેડાવી ત્યારે જાણ્યું. પોતાનું કંઈક અંગત ઝૂંટવાયું હોય એવી પીડા નીમાએ અનુભવી હતી, પણ મા-બાપનેય એ દુખ દેખાવા નથી દીધું. અતુલ્યની પસંદ શિખા હોય તો મારે તેમની ખુશીમાં ખુશ રહેવાનું હોય! વેવિશાળ પ્રસંગે અનસૂયાબહેનને તૈયાર કરવાના બહાને પહેલી વાર અતુલ્યના વરલી ખાતેના પેન્ટહાઉસમાં જવાનું બન્યું. રૂબરૂમાં અતુલ્ય વધુ સોહામણા લાગ્યા. 
પણ ના, અતુલ્ય મારા હતા નહીં અને બનશે પણ નહીં. તેમની દુલ્હનને શણગારવા જેટલો જ મારો હક... 
અત્યારે પણ મન મનાવતી નીમાને આગળ શું થવાનું એની ક્યાં ખબર હતી?
lll

‘રમેશભાઈ આપણા દહાડા સાચવી લે તો સારું. મેં તો કુળદેવીની બાધા પણ રાખી છે.’
મલબારહિલના દાસાણી મેન્શનમાં આવતા અઠવાડિયે થનારાં દીકરીનાં લગ્નનો ધમધમાટ વર્તાઈ આવે છે. આમ તો કંકોત્રીની વહેંચણીથી રિસેપ્શનના ડિનર સુધીની વ્યવસ્થા ઇવેન્ટ પ્લાનર્સને સોંપી દેવાઈ છે, છતાં લગ્નના ઘરમાં છેલ્લી ઘડીનાં કામોની યાદી લંબાતી જ જતી હોય છે.
વિદેશમાં ગ્રૅજ્યુએશન કરનારી શિખા પોતાનું ધાર્યું કરનારી એટલે તેનાં લગ્ન બાબત મા-બાપને ચિંતા રહેતી, પણ છેવટે તો લાડલી દીકરીને સોહામણો વર, મોભાદાર ઘર મળ્યાં એનો હરખ જ હોયને. અતુલ્ય માટે ફાંકડી સ્પોર્ટકાર બુક કરાવી છે. અનસૂયાબહેનના હાથે હવેલીમાં હીરે મઢ્યા ઠાકારજી પધરાવવાના છે. વીણાબહેન રોજ યાદી લઈને બેસતાં, હમણાંના તો ધનસુખભાઈ પણ નામ પૂરતા જ ઑફિસે જઈ ઘરે આવી રહે છે. ‍આવામાં રમેશભાઈની બીમારીએ જીવ અધ્ધર કરી દીધા છે.
‘સૌ સારાં વાનાં થશે, આન્ટી.’ 
પીઠ પાછળના સાદે વીણાબહેન-ધનસુખભાઈ ચમક્યા.
‘ઓહ, નીમા તું છે!’ આગંતુકને ઓળખી વીણાબહેને પતિને ઓળખ આપી, ‘આપણી શિખાની સાડી ડ્રેપર. બહુ ડાહી છોકરી છે.’ 
‘ગઈ કાલે તમારાં વેવાણને ત્યાં ગઈ’તી, ત્યારે જ રમેશઅંકલની હેલ્થ વિશે જાણ્યું...’ નીમા શેઠજીને નમસ્કાર કરી મુદ્દે આવી, ‘શિખામૅમનો કૉલ હતો. કહેતાં હતાં કે સાડીઓની ટ્રાયલ આજે લઈ લેવી છે, જેથી કશું ચેન્જ કરવુ હોય તો ખબર પડે.’
 ‘ભલે બેટા, જો તે ઉપર તેના રૂમમાં જ હશે.’
‘જી’ પોતાની વૅનિટી બૅગ સંભાળતી નીમા સીડીનાં પગથિયાં ચડવા લાગી.
lll

ન હોય!
નીમાનું હૈયું ચૂંથાય છે.
શિખાની રૂમમાં લગ્નનાં જુદાં-જુદાં ફંક્શન્સ માટેની સાડીઓની ટ્રાયલ થઈ રહી છે. નીમાની હાજરીમાં સાડીનાં મૅચિંગ ચણિયાચોળી બદલવામાં શિખાને ખંચકાટ નથી. બ્રા-પેન્ટીમાં તેનું હુશ્ન શ્વાસ થંભાવી દે એવું કાતિલ લાગે છે - અતુલ્યની મરદાનગીને શોભે એવું!
અત્યારે નીમાને આની કન્સર્ન નથી. શિખાની કમરે સાડી વીંટાળી ચણિયામાં ખોસતી વેળા તેના ઉદરને થતો સ્પર્શ જુદી જ ઝણઝણાટી જન્માવે છે. શિખાના પહેલાંના અને અત્યારના માપમાં કશોક ફરક વર્તાય છે. અને એ ચરબીનો ભરાવો તો નથી જ... 
બીજી-ત્રીજી ટ્રાયલે શિખાનું ધ્યાન ખેંચાયું - તું કેમ આમ મારા ઉદરને તાકે છે નીમા? ઑલ ઓકે? 
અને નીમાથી બોલી જવાયું, ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ, શિખામૅમ... તમે પ્રેગ્નન્ટ છો!’
હેં. શિખા સમસમી ગઈ. ત્યાં મહિના પર ચડેલા દિવસોનો આંકડો ઝબૂકતાં નીમાની આગાહી સાચી પુરવાર થતી હોય એમ તમ્મર આવ્યાં. શૉપિંગના બહાને લંડનમાં જૂના કૉલેજમિત્રો સાથે માણેલી મોજ ગર્ભમાં રોપાઈ ગઈ લાગે છે! મૅરેજ પહેલાંની અનવૉન્ટેડ પ્રેગ્નન્સી લગ્નમાં તો બાધારૂપ નહીં બનેને!
‘મારે અનસૂયાઆન્ટી-અતુલ્યને વધાઈ દેવી પડશે.’
નીમાના વાક્યે શિખા ભડકી. નૅચરલી, નીમાને તો એમ જ હોયને કે આ અંશ અત્તુનો છે! નહીં, આ ભેદ અત્તુ સમક્ષ તો ખૂલવો ન જ જોઈએ..
ઍટ ઍની કૉસ્ટ!

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff