ડાકુ: વટ, વચન અને વેર - પ્રકરણ 308

23 February, 2019 11:53 AM IST  |  | રશ્મિન શાહ

ડાકુ: વટ, વચન અને વેર - પ્રકરણ 308

ડાકુ: વટ, વચન અને વેર

નવલકથા 

ભૂતકાળ અંતિમ તબક્કામાં પહોંચ્યો હતો અને પહોંચેલો એ અંતિમ તબક્કો લોહિયાળ બનવાની તૈયારી પણ કરવા માંડ્યો હતો. જોકે આવી રહેલા સમયની અને આવી રહેલા સમય સાથેની મુશ્કેલીઓથી અજાણ એવા કુતુબ અને ઇબ્રાહિમ હજી પણ પોતાની વાતોમાં રત હતા. કુતુબની આંખો બંધ હતી અને એ બંધ આંખો પર ભૂતકાળનાં દૃશિય પથરાયેલાં હતાં. ભૂપતનું નાનપણ ભૂપતની ડાકુગીરી પર જબરદસ્ત પ્રભાવ ધરાવતું હતું એ જેટલું સાચું હતું એટલું જ સાચું એ પણ હતું કે ભૂપતને મળેલી લશ્કરી તાલીમ પણ તેને પોતાના ડાકુપણામાં કામ આવી હતી.

કુતુબની આંખોમાં પથરાયેલો ભૂતકાળ હવે ઇબ્રાહિમનું જીવન બનવાનું હતું. આ આખી ઘટના દરમ્યાન ઇબ્રાહિમે મનોમન નક્કી કરવાનું શરૂ કરી દીધું હતું કે વહેલી તકે હિન્દુસ્તાન જવું. દાદુની માતૃભૂમિ પર રહેવું અને એ સૌકોઈને મળવું જે દાદુ સાથે જોડાયેલા હતા અને દાદુ માટે એક સમયે કામ કરતાં હતાં.

‘ચાચુ, આપ કો હિન્દુસ્તાન જાને કા મન કરતા હૈ?’

કુતુબના ચહેરા પર ગુલાબી ચમક આવી ગઈ હતી.

‘ચાહત તો યે હી હૈ કિ વહીં પર આખરી સાંસ લે પર...’ આવેલી એ ચમક આછી સરખી ઓસરી, ‘અબ તો વહાં જાના ભી સિયાસતી મામલા હો ગયા હૈ. ક્યા કરેં, યહીં પર જીના હૈ ઔર યહીં પર...’

ઇબ્રાહિમે કુતુબને આશ્વાસન આપ્યું, જે હકીકતમાં તો પોતાની દિલીખ્વાહિશ હતી.

‘ફિક્ર મત કરો ચાચુ, અબ મૈં લે જાઉંગા. બસ, આપ થોડા સબ્ર રખો.’

‘જબ કુછ હો ના સકે તબ સબ્ર રખના હી મુનાસિબ હૈ મેરે બેટે...’

કુતુબે ફરી આંખો બંધ કરી અને બંધ આંખે તે જૂનાગઢના લશ્કરી તાલીમ કેન્દ્રમાં પહોંચ્યો. એ તાલીમ કેન્દ્રમાં, જ્યાં ભરતી થવા માટે ભલભલા મરદમૂછાળાની મૂછોના તાવ ઊતરી જતા હતા અને ચમરબંધીઓનાં નેવેથી પાણી ઊતરી જતાં હતાં.

સેનાની તાલીમનો સમય બે વર્ષનો હતો.

બે વર્ષની આ તાલીમ માટે જૂનાગઢ રાજ્યમાંથી બસોથી વધુ લોકો સેનામાં જોડાયા હતા. સેનામાં જોડાવા માટે વષ્ોર્ એક વાર ભરતી કરવામાં આવતી હોય છે, પણ જૂનાગઢ દેશનું એકમાત્ર એવું રાજ્ય હતું કે જ્યાં સેનામાં દર ચાર મહિને ભરતી કરવામાં આવતી. એ સમયે થયેલી ભરતી પૂરતું જ નહીં, ભૂપત અગાઉ થયેલી તમામ ભરતીમાં પણ ઉંમરમાં સૌથી નાનો હતો. આ નાની ઉંમરના કારણે જ શરૂઆતના સમયે સેનાના સૌનું ધ્યાન ભૂપત તરફ ગયું હતું. એ સૌમાં સેના સુપ્રીમો મુસ્તફા પટેલનો પણ સમાવેશ સુધ્ધા થાય છે. મુસ્તફા પટેલ અને ભૂપત વચ્ચે પહેલી મુલાકાત થઈ, ઘડીભરનો વાર્તાલાપ થયો અને એ વાર્તાલાપ પછી મુસ્તફા પટેલે ભૂપતને અવળી દિશામાં નજર રાખીને ગરોળીનું નિશાન લેવાનું કામ સોંપ્યું. આ કામ અર્જુને કરેલા મત્સ્યવધથી પણ વધુ કપરું હતું. અર્જુને કુંડમાં ભરેલા પાણીમાંથી મત્સ્યની આંખનું નિશાન લેવાનું હતું, જ્યારે ભૂપતની સામે તો ચૂનાના પથ્થરની દીવાલ હતી, જેમાં કોઈ પ્રતિબિંબ દેખાવાનું નહોતું અને એમ છતાં પણ ભૂપતે બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરીને તેની સામે મૂકવામાં આવેલી ચુનૌતીને પાર પાડી હતી. મુસ્તફા પટેલ કંઈ ગાંજ્યો જાય એવો શખ્સ નહોતો. નવાબ મહોબતઅલી ખાનની સેના માટે એ છેલ્લા બે દસકાથી કામ કરી રહ્યો હતો અને જવાન ઘડવાનું કામ કરતો હતો. તેની આંખોમાં પરખ હતી અને ભૂપતમાં રહેલી ક્ષમતા તો તેણે પળભરમાં ઓળખી લીધી હતી. આ ક્ષમતાની સાથોસાથ તેણે ભૂપતનો સ્વભાવ પણ એ જ રાતે ઓળખી લીધો હતો જે દિવસે ભૂપત સેનામાં ભરતી થયો હતો.

‘વાત શું છે ભૂપત, શું કામ બધા બહાર બેઠા છો?’

નવા ભરતી થયેલા કેટલાક લોકો સૂવા માટે તંબુમાં જવાની ના પાડીને બહાર મેદાનમાં બેસી ગયા છે એવા સમાચાર રાતે લગભગ દોઢ વાગ્યે મુસ્તફા પટેલને મળ્યા ત્યારે વાત સાંભળીને પહેલાં તો મુસ્તફાના મોઢામાંથી માસમાણી ગાળ નીકળી ગઈ હતી. સવારે પાંચ વાગ્યાથી કામે તાલીમે લાગી જતા મુસ્તફા પટેલ માત્ર તાલીમ સંબંધિત આદેશ આપવાનું કામ નહોતા કરતા પણ જરૂર પડ્યે તાલીમની તમામ પ્રક્રિયા જાતે કરીને પણ બતાવતા હતા. કહેવાતું કે જૂનાગઢમાં એકમાત્ર મુસ્તફા પટેલ એવી વ્યક્તિ હતી કે જે પિસ્તાલીસ મિનિટમાં ગીરનાર પર્વતનાં સાડાસાત હજાર પગથિયાં ચડીને સડસડાટ નીચે પણ આવી જતા અને આટલું ઓછું હોય એમ ગીરનારની તળેટીથી દરબારગઢ સુધી દોડીને પણ જઈ શકતા.

‘કારણ પૂછયું?’

‘હા, સાહેબ... સામાનમાં અગવડ પડે છે એવું કહ્યું તેમણે?’

‘બાની જાનમાં આવ્યા છે એ હરામખોરો?’ ઊંઘમાં પડેલી ખલેલ મુસ્તફા પટેલની જબાન પર ગોઠવાઈ ગઈ, ‘નરાધમોને કહો કે સેનામાં જે મળે એનાથી ચલાવતાં શીખવાનું હોય.’

‘બધી વાત થઈ ગઈ સાહેબ... પણ અડગ છે બધા. કહે છે કે જ્યાં સુધી પૂરો સામાન નહીં મળે ત્યાં સુધી કોઈ તંબુમાં આરામ કરવા નહીં જાય.’

‘હમં... એ લોકો ના સૂએ તો કંઈ વાંધો નહીં.’ મુસ્તફા પટેલે પોતાની યુક્તિ અજમાવી લીધી, ‘જઈને કહી દે કે સેનામાં રાતના ઉજાગરાની પણ એક તાલીમ હોય છે, તેમની એ તાલીમ આજથી શરૂ...’

આદેશનું પાલન કરતો હોય એમ સેનાના જવાને એક કડક સલામ ઠોકી અને જવાની તૈયારીઓ કરી.

‘એક મિનિટ...’ મુસ્તફાએ નવો આદેશ પણ આપી દીધો, ‘એ લોકોને કહી દેજે કે સવારે પાંચ વાગ્યે સૌએ તલવારબાજી માટે મેદાનમાં હાજર થઈ જવાનું છે. જે કોઈ હાજર નહીં થાય તેને આવતી કાલે ખાલી પાણી પીને દિવસ પસાર કરવો પડશે.’

‘જી સાહેબ...’

જવાન રવાના થયો એટલે મુસ્તફા પટેલે દરવાજાને આંગડિયો માર્યો અને મનમાં ગાળો ભાંડતા ફરીથી પોતાની પથારીમાં પડ્યા. હજી તો માંડ દસ મિનિટ થઈ હશે ત્યાં ફરી બારણે ટકોરા પડ્યા.

ઠક... ઠક...

‘કોણ?’

મુસ્તફાએ પથારીમાંથી જ રાડ પાડી. રાડમાં રહેલી તીખાશ બહાર ઊભેલા જવાનને હાડોહાડ ઊતરી ગઈ, પણ તેણે મન મક્કમ કરીને ફરીથી દરવાજો ખખડાવ્યો અને ધીમા અવાજે પોતાની ઓળખ પણ આપી.

‘શું છે હવે?’ મુસ્તફાએ દરવાજો ખોલ્યો ત્યારે તેનો ચહેરો તાંબા જેવો રાતો થઈ ગયો હતો, ‘હું થોડીવાર સૂઉં કે નહીં?’

‘માફ કરો પણ એ લોકો તમને મળવા માગે છે?’

‘નીચ સાલ્લાઓ...’ મુસ્તફા હવે ખરેખર ઉશ્કેરાઈ ગયા હતા, ‘તેમના બાપનો હું નોકર છું કે તું મને બોલાવવા આવ્યો?’

‘અમારા બાપુજીના નહીં પણ રાજના તો નોકર ખરાને...’

હાડોહાડ શબ્દો મુસ્તફાના હૈયામાં ઊતરી ગયા. તેમણે જવાનની પાછળ જોયું, અંધારું હતું એટલે ચહેરો તો નહોતો દેખાયો પણ કદ અને ઘાટ પરથી તેણે અનુમાન લગાવી લીધું હતું કે એ ભૂપત છે. મુસ્તફાનું અનુમાન સાચું હતું. એ ભૂપત જ હતો. જવાનના બોલાવવાથી મુસ્તફા નહીં આવે એવી ધારણા બાંધીને ભૂપત જવાનની પાછળ મુસ્તફાની બંગલી સુધી આવ્યો હતો.

‘ગુસ્તાખી માફ... પણ અમારે તમારી સાથે વાત કરવી જરૂરી હતી એટલે હું અહીંયા સુધી આવ્યો.’

મુસ્તફાએ જવાનની સામે જોયું. જવાનનો ચહેરો ફીકો પડી ગયો હતો. શરમના માર્યો એ નીચું જોઈ ગયો. તેને ખબર નહોતી કે ભૂપત ક્યારે તેની પાછળ આવી ગયો. એક નાનકડો છોકરો જવાનનો પીછો કરતો પાછળ આવે અને સેનાના જવાનને એની ખબર પણ ન પડે એ ખરેખર શરમજનક ઘટના હતી. આની સજા મુસ્તફા તેને આપશે એની ખાતરી જવાનને હતી.

‘શું વાત કરવી છે?’ મુસ્તફાએ આકાશ સામે જોયું. કડકડતી ઠંડીમાં પાણી ભરેલાં વાદળોએ ઠંડકનો ઉમેરો કર્યો હતો, ‘જે કંઈ વાત થશે એ સવારે જ થશે.’

‘આપ એકલા નિર્ણય ન લઈ શકો...’ ભૂપતના અવાજમાં વિનમþતા તો હતી જ પણ એ વિનમþતાની સાથોસાથ સ્વરમાં મક્કમતા પણ ભરાયેલી હતી, ‘અમે ચાલીસ લોકો છીએ અને અમે સૌ અમારા પ્રfનની રજૂઆત કરવા માગીએ છીએ. જો આપને ત્યાં છાવણી સુધી આવવામાં તકલીફ પડતી હોય તો અમે સૌ અહીં આવી શકીએ એમ છીએ...’

મુસ્તફાએ છાતીમાં ઊંડો શ્વાસ ભર્યો અને નિર્ણય કર્યો.

‘તું જા, હું આવું છું...’

‘વાત શું છે ભૂપત, શું કામ બધા બહાર બેઠા છો?’

‘સાહેબ, અમને કોઈને ઓઢવા માટે મળ્યું નથી. અમારા તંબુઓની વ્યવસ્થા પણ બરાબર નથી. એક તંબુમાં ચારની રહેવાની વ્યવસ્થા છે પણ અમને છ-છ લોકોને સાથે રાખવામાં આવ્યા છે.’

‘હમં... તો?’ મુસ્તફાએ સહેજ નીરસ થઈને જવાબ આપ્યો, ‘તો હું શું કરું? તમારા માટે તંબુ બનાવવા બેસું કે પછી ગોદડું સીવવાનું કામ કરું?’

‘તમે કરવા માગતા હો તો અમારાથી થોડી ના પડાય.’

સામે બેઠેલા ચાલીસમાંથી કોઈ બોલ્યું કે તરત જ મુસ્તફાએ મોઢામાંથી ગાળ કાઢી.

‘કોણ બોલ્યું એ, કોણ બોલ્યું...’

કોઈ જવાબ આપે એ પહેલાં જ ભૂપત પોતાની જગ્યાએથી પૂંઠે સરકીને પાછળ બેઠેલા શખ્સને આડશ આપીને બેસી ગયો. પાછળના એ શખ્સને ભૂપતની આ આડશ આપવાની રીતે ગમી હોય એમ તેણે ધીમેકથી ભૂપતની પીઠ પર શાબાશનો ધબ્બો પણ મારી લીધો.

‘કોણ બોલ્યું એ...’ જવાબ ન મળ્યો એટલે મુસ્તફાએ હાથમાં રહેલી નેતરની સોટી આગળ કરી, ‘યાદ રહે, તમે કોઈ જમાઈ નથી મારા... શું કહું છું હું, ધ્યાનથી સાંભળી લો. તમે કોઈ મારા કે મારા બાપના જમાઈ નથી. આ સેના છે. યુદ્ધ સમયે આજે છે એનાથી પણ બદતર પરિસ્થિતિનો સામનો કરવો પડશે તમારે. જમવા નહીં મળે, નાહવા નહીં મળે, ખાવામાં કીડા-મંકોડા જમી લેવા પડશે. નહોતું કહ્યું કોઈએ તમને? આ લશ્કર છે લશ્કર, તમારા પરમ પૂજ્ય પિતાશ્રીનું પાદર નહીં...’

‘કહેવાની જરૂર નહોતી અમને... અહીંયા આવ્યા ત્યારે જ એ અમે જાણતા હતા પણ આપ એક વાત ભૂલી ગયા છો કે એ જ પરિસ્થિતિની વાત છે એ યુધ્ધ સમયની પરિસ્થિતીની વાત છે. યુદ્ધ ન હોય ત્યારે અને એવા સમયે યોગ્ય સગવડ મેળવવીએ અમારો હક છે અને અમે બીજું કંઈ નહીં પણ એ હક માગીએ છીએ.’

ભૂપતે જવાબ વાળ્યો.

‘હકની માને...’

‘બસ...’ ભૂપતનો અવાજ અચાનક મોટો થઈ ગયો, ‘તમને આવડે છે એના કરતાં દસગણી વધુ અને નવી ભૂંડી ગાળો અમને આવડે છે એ ભૂલતા નહીં મુસ્તફાસાહેબ. આવડે પણ છે અને તમારી જેમ તમારા મોઢા પર જ ચોડતા આવડે છે.’

‘એક મિનિટ ભૂપત...’ મુસ્તફાને અચાનક યાદ આવ્યું કે ભૂપતના તંબુની વ્યવસ્થા તો તેમણે જ કરી હતી. એ તંબુમાં બધી વસ્તુઓ છે કે નહીં એની તપાસ પણ તેમણે જાતે કરી હતી. ‘તારી માટે તો બધી વ્યવસ્થા થઈ છે ત્યારે તું શું કામ આ ટોળાંની આગેવાની લે છે.’

‘અંગત સુખના કારણે બીજાના દુખને નજરઅંદાજ ન કરવાનું હોય.’ ભૂપતે પોતાની પાછળ બેઠેલા સૌની તરફ હાથ કર્યો, ‘આ લોકો તો સૂવા માટે તૈયાર હતા, પણ મેં જ કહ્યું કે આ રીતે રહેવા કરતાં રજૂઆત કરવી જોઈએ. રજૂઆત કરી તો ગાળો ખાવી પડી એટલે અમારી પાસે વિદ્રોહ કરવા સિવાય કોઈ છૂટકો નહોતો.’

- ઓહ... બહાદુરીનો વધુ એક રંગ.

મુસ્તફાનું મોઢું અધખુલ્લું રહી ગયું હતું, જે બંધ થતાં લગભગ અડધી મિનિટ લાગી હતી. આ અડધી મિનિટ પછી તેણે પીઠ પાછળ ઊભેલા જવાનોને આદેશ આપી દીધો હતો.

‘સૌની જે જરૂરી વસ્તુઓ છે એ આપી દો... ઓઢવા માટેની સગવડ હમણાં જ કરી આપવામાં આવે અને તમે બધા સાંભળી લો, જો તંબુની સગવડ ન હોય તો આજની રાત પસાર કરી લો, કાલે સવારે તાલીમ શરૂ કરતાં પહેલાં તંબુઓ બનાવવાનું કામ કરવામાં આવશે અને બધા માટે રહેવાની યોગ્ય વ્યવસ્થા થઈ જશે એ પછી તાલીમ શરૂ કરીશું.’

સૌથી પહેલી તાળી ભૂપતે પાડી, જેના સમુહગાન રૂપે ત્યાં હાજર રહેલા સૌ તાળીઓ પાડી મુસ્તફા પટેલના આ નિર્ણયને વધાવી લીધો. વધારાનો માલ-સામાન જ્યાં રાખવામાં આવતો હતો એ તરફ જવાનો રવાના થયા એટલે તેમની પાછળ હાજર રહેલા બીજા લોકો પણ પોતપોતાની રજાઈ લેવા માટે ગયા. ભૂપતની સગવડ થઈ ગઈ હતી એટલે તેણે એ બધાની પાછળ જવાની જરૂર નહોતી. બધા ગયા એટલે ભૂપત પોતાના તંબુ તરફ ચાલ્યો પણ હજી તેણે બે ડગલાં માંડ ભર્યાં હશે ત્યાં પાછળથી કોઈએ તેનો કૉલર પકડ્યો. ભૂપતે પાછળ ફરીને જોયું. પાછળ મુસ્તફા પટેલ ઊભા હતા.

‘એક વિસ્તારમાં એક ગુંડાનું રાજ હોય, આ મારો વિસ્તાર છે, અહીંનો...’

‘તમારો વિસ્તાર હતો, આજ સવાર સુધી...’

ભૂપતની બેફિકરાઈથી મુસ્તફાના ચહેરા પર સ્મિત આવી ગયું, ઇચ્છા નહોતી તો પણ અને ધાર્યું નહોતું તો પણ.

‘અત્યારથી બધાના સરદાર બનવું છે?’ ભૂપતે હા પાડી એટલે મુસ્તફાએ સવાલ પણ પૂછી લીધો, ‘કેમ?’

‘આજે નાના માણસનું ધ્યાન રાખીશ તો કાલે મોટો માણસ બનીશને...’

‘કેવી ચાલે છે બધાની તાલીમ સૌની? છે કોઈ હોનહાર...’

માગશર મહિનામાં આવેલી ટુકડીના બે વર્ષ પૂરા થવાની તૈયારી હતી ત્યારે નવાબ મહોબતઅલી ખાને મુસ્તફા પટેલને સવાલ કર્યો હતો. બન્ને વચ્ચે દર દોઢ-બે મહિને મુલાકાત થતી. આ મુલાકાત દરમ્યાન મુસ્તફા પટેલ પોતાની જરૂરિયાતો વિશે નવાબને જાણકારી આપતાં તો સામા પક્ષે દુનિયાભરમાં મુકાયેલાં નવાં હથિયાર વિશે નવાબ પાસેથી મુસ્તફા પટેલને જાણકારી મળતી. જરૂરિયાત લાગે એવાં હથિયારોનો એ સમયે મંગાવી પણ લેવામાં આવતાં. કામની બધી વાતો પૂરી થયા પછી અંતિમ પળોમાં નવાબના મોઢે આ પ્રfન અચૂક આવતો. તાલીમ વિશે પુર્છા થતી એટલે મુસ્તફા પણ હીર ઝળકાવી શકે એવા જવાનોનું નામની યાદી નવાબ સમક્ષ મૂકી દેતા. આ યાદીમાંથી કેટલાકને સેનામાંથી રજા અપાવીને નવાબ પોતાના અંગત કાફલામાં પણ ભરતી કરતા તો કેટલાકને સેનામાં જ બઢતી આપીને અલાયદું ખાતું પણ સોંપતા. મુસ્તફા જ્યારે જૂનાગઢ નવાબ સાથે બેઠક કરવા જતા ત્યારે કેટલાકનું ભવિષ્ય સુધરી જતું એવું તાલીમાર્થીઓ પણ હવે જાણી ગયા હતા. સ્વાભાવિક છે કે ભૂપતને પણ આ વાતની જાણકારી હતી. એ જ કારણે જ્યારે મુસ્તફા જૂનાગઢ જવા માટે નીકળતા હતા ત્યારે ભૂપત તેમને મળવા તેમની બંગલી પર આવ્યો હતો.

‘સાહેબ, એક અરજ કરવાની છે...’

‘અરે એવું શું બોલે છે દોસ્ત... હવે અરજ નહીં, હુકમના સંબંધો છે આપણા હવે...’ મુસ્તફાએ વહાલ સાથે ભૂપતને કહ્યું હતું, ‘તું અહીંયા આવ્યો ત્યારે ચહેરા પર એક વાળ નહોતો. બચ્ચુ હતો સાવ બચ્ચુ... હવે જો તારી સામે, આંકડો ચડાવી શકાય એવી મૂ઼છવાળો મર્દ થઈ ગયો છે તું.’

‘મરદને મરદ રહેવા દેવો હોય તો નવાબની સામે બહુ વખાણ કરતા નહીં...’ ભૂપતને મનની વાત કહી દીધી, ‘મારી ઇચ્છા દરબારગઢમાં કે હવેલીમાં નોકરી કરવા જવાની નથી...’

‘પણ ભૂપત, શાંતિની જિંદગી છે એ. પગાર પણ મોટો મળશે. પૈસા દેખાશે...’

‘પૈસો તો તવાયફ પાસે પણ દેખાય જ છેને?’ ભૂપતે મુસ્તફા પટેલની સામે જોયું, ‘પૈસો નહીં, મારે નામ કમાવું છે અને એક વાર મહેલની નોકરીએ ગયો તો પછી નામ કમાવવાનો મોહ ચાલ્યો જશે.’

‘તારું હિત ત્યાં જ છે ભાઈ...’ મુસ્તફાએ ખિસ્સામાંથી સારા અને હોશિયાર જવાનોની યાદી કાઢી, ‘જો આમાં, તારું નામ સૌથી પહેલું છે. પહેલું નામ હું તારું આપવાનો છું ત્યાં...’

‘આપવાના હતા... હવે નહીં આપો.’

‘એવું ન ચાલે... રાજનું નમક ખાધું છે મેં. આવી ગદ્દારી કેમ થાય?’

‘એક વાર ગદ્દારી કરીને મારી સાથે પ્રામાણિકતા નિભાવી લો... જિંદગીભર તમારો ગુલામ થઈને રહીશ.’

‘રાજા બનવા જન્મેલાને સામેથી ગુલામ બનવાની તાલાવેલી છે.’

‘આ તાલાવેલી ગુલામ બનવાની નહીં પણ ખોટી ભાટાઈ નહીં કરવા માટેની છે...’ ભૂપતે મુસ્તફા પટેલનો હાથ પકડી લીધો, ‘જો તમે મારું નામ સૌની ઉપર મૂકો તો તમને મારા સમ છે...’

મુસ્તફા પટેલથી આછો નિસાસો નખાઈ ગયો હતો ત્યારે. એવો જ નિસાસો અત્યારે આ ક્ષણે ફરીથી નખાઈ ગયો જ્યારે નવાબે સવાલ કર્યો, ‘કેવી ચાલે છે તાલીમ સૌની, છે કોઈ હોનહાર...’

- એક જડબાતોડ છોકરો છે. હોનહાર શું, હોનહાર શબ્દને પણ જેની માટે ભારોભાર માન થાય એવો. હવેલીમાં ઊભો હશે તો સિંહ પણ પાંચ વખત અંદર આવતાં પહેલાં વિચાર કરશે. ઊંચાઈ તાડ જેવી છે, દોડતા ઘોડા પર દોડીને ચડી જાય છે, ઝાડ પર લટકતી કેસર તો સૌ પાડે; પણ આ છોકરો તો કેસરનો વાળ પણ વાંકો ન થાય એમ કેસર પર બેઠેલી માખીનું નિશાન લઈને એને ટાળી દે છે...

મુસ્તફા પટેલને કંઈક આવું કહેવું હતું પણ આ બધા શબ્દો તેણે જબાને આવતા અટકાવી દીધા.

‘હા છેને, ઘણા સારા છે. કાળુ વાંક સારો છે... આહિરનો છોકરો છે. સ્વભાવે રમૂજી છે એટલે ખબર નથી પડતી કે ક્યારે શું બોલવું પણ માણસ મહેનતકશ છે. ઇકબાલ ખાન પણ સારો છે. બુદ્ધિશાળી પણ છે. પોરબંદરનો ઓધવ મેર જડ બુદ્ધિનો છે પણ તાકાતવાન ખરો, એક બીજો છોકરો પણ સારો છે, અત્યારે નામ યાદ નથી આવતું...’

‘કેમ મને આજે પહેલી વાર એવું લાગી રહ્યું છે કે જવાબ આપવામાં તમે મૂંઝાઈ રહ્યા છો?’ મુસ્તફા પોતાની સાથે આંખ નથી મિલાવી રહ્યા એ નવાબે નોંધ્યું હતું, ‘આ વખતેના લોકોમાં દમ ન હોય તો એમ સ્પષ્ટ કહી દોને... ક્યારેક એવું બને પણ ખરું કે વર્ષ આખું મહેનત કર્યા પછી પણ પાક સારો ન થાય.’

‘ના, ના... એવું નથી. પાક સારો... એટલે કે તાલીમ સારી જ રીતે પૂરી થઈ છે અને દર વખતે કરતાં તો આ વખતે છોકરાઓ પણ હોનહાર છે.’ મુસ્તફા પટેલનો હાથ આપોઆપ પોતાના શિરે ગોઠવાઈ ગયો, ‘ખુદા કસમ... આ તો સહેજ મનમાં બીજા વિચારો ચાલતા હતા એટલે...’

‘જીભ અને મન વચ્ચે જ્યારે સંતુલન ન હોય ત્યારે ધારી લેવું કે થઈ રહેલી વાત આગળ વધારવામાં કે પછી એ વાત સાંભળવામાં સામેની વ્યક્તિને રસ નથી રહ્યો.’ નવાબ મહોબતઅલી ખાન ઊભા થયા, ‘આપ અત્યારે રજા લો, આરામ કરો અને જતી વખતે વાઘજી ઠાકોરને હોનહારનાં નામ નોંધાવતા જજો.’

નવાબ અવળું ફરીને પોતાના ઓરડા તરફ ચાલવા માંડ્યા એટલે નાછૂટકે મુસ્તફા પટેલે પણ ઊભા થવું પડ્યું. નવાબની નજર પોતાના તરફ હતી નહીં તો પણ આચારસંહિતાનું પાલન થયેલું રહે એવી ભાવના સાથે તેમણે નવાબને એક કડક સલામી આપી અને તે પણ અવળા ફરીને બહાર નીકળવા લાગ્યા.

‘એક મિનિટ મુસ્તફા...’

મુસ્તફા દીવાનખંડની બહાર પગ મૂકે એ પહેલાં જ તેમની પીઠ પર નવાબનો અવાજ અથડાયો. મુસ્તફા લશ્કરી શિસ્ત સાથે તરત જ પાછળ ફર્યા અને આગમન સમયે આપી હતી એવી એક સલામ વધુ એક વખત નવાબને આપી સાવધાનની ભૂમિકામાં નવાબ સામે ઊભા રહ્યા. નવાબે ઇશારો કર્યો એટલે એ સાવધાન અવસ્થા સામાન્ય બની.

‘હુકમ નવાબસાહેબ...’

‘પેલો સૌથી નાનો છોકરો આ વખતે જ તાલીમ પૂરી કરશેને? શું નામ એનું...’ નવાબે દિમાગ પર ભાર દઈને એ એ છોકરાનું નામ યાદ કરવાનો પ્રયાસ કર્યો, ‘અરે પેલો નાનો છોકરો... સજા માટે તમારી પાસે મોકલ્યો હતો એ, વાઘણિયા ગામનો...’

‘ભૂપતસિંહ ચૌહાણ...’ ટળી ગયેલી ચર્ચા ફરીથી ઊઘડશે એવા આછા ડર સાથે મુસ્તફા પટેલે નવાબસાહેબે પૂછેલા પ્રfનનો જવાબ પણ આપી દીધો, ‘હા, ભૂપતની પણ તાલીમ પૂરી થઈ ગઈ છે.’

‘કેવું રહ્યું?’ નવાબસાહેબે ફોડ પાડ્યા વિના, વાતને અધ્યાહાર રાખીને જ સવાલ કર્યો, ‘તમે તંગ કર્યો એને કે પછી એણે તમને તંગ કર્યા?’

‘હા... હા... હા...’ નાનકડું હાસ્ય ર્વેયા પછી મુસ્તફાએ ચોખવટ કરી લીધી, ‘હેરાન કરે એ જ શિષ્ય યાદ રહેતો હોય છે. બાકી ભણેશરીઓ તો ચૂપચાપ પોતાનું કામ પતાવીને નીકળી જાય છે.’

વાતોનો દોર ચાલુ હતો એ દરમ્યાન બહાર રહેલા દિલીપસિંહના સાથીઓ ધીમા પગલે આગળ વધવાના શરૂ થઈ ગયા હતા. આગળ વધતાં આ સાથીઓના દબાયેલા પગલાંઓનો અવાજ કોઈને આવતો નહોતો પણ તેમના પ્રસ્વેદની બદબૂ ઘોડાર સુધી પહોંચી ગઈ હતી અને બીજલે ધમપછાડા શરૂ કરી દીધા હતા. એ ધમપછાડા તરફ સૌથી પહેલું ધ્યાન કુતુબનું ગયું હતું. તેણે તરત જ ઇબ્રાહિમનું ધ્યાન પણ એ તરફ ખેંચ્યું હતું પણ ઇબ્રાહિમે એના પર ધ્યાન આપ્યું નહીં.

આ પહેલી ભૂલ હતી અને આ ભૂલ જ દર્શાવી રહી હતી કે તે બહારવટિયા ભૂપતસિંહ ચૌહાણનો વંશજ હતો પણ ભૂપતસિંહ નહોતો. તેનામાં ભૂપતસિંહનું લોહી હતું પણ લોહીથી કુનેહનો વારસો આવે એવું જરૂરી નથી અને એ પુરવાર પણ થયું હતું.

ફાર્મહાઉસમાં આગળ વધતાં દિલીપસિંહ અને તેના સાથીઓની દિશા ફાર્મહાઉસમાં આવેલી બંગલી તરફની હતી. મહોમદ ખાનની આ બંગલીમાં આમ તો માત્ર વૉચમૅન અને માળી તથા તેનું ફેમિલી રહેતું. પહેલી રાતે પણ આટલા જ લોકો રહ્યા હતા પણ બીજા દિવસે ઇબ્રાહિમે માળીને કહીને રસોયો બોલાવી હતો, જેને લીધે અત્યારે એ બંગલીમાં કુલ ચાર લોકો હતા અને એ ચારમાંથી વૉચમૅનની લાશ દરવાજા પાસે પડી હતી. બંગલીની અંદર સૌથી પહેલાં દિલીપસિંહ આવ્યો. એ સમયે બહારના હૉલમાં માળી સૈયદ સકીલ અને તેની વાઇફ બન્ને ટીવી જોતાં બેઠાં હતાં. અચાનક આવેલા દિલીપસિંહને જોઈને સૈયદ ઊભો થઈ ગયો. તેણે એવું ધાયુર્ હતું કે માલિકના મહેમાનો છે પણ તેની ધારણા ખોટી હતી.

હવે સૈયદ આ પૃથ્વીનો થોડા સમયનો મહેમાન રહેવાનો હતો.

સનનન...

સાઇલન્સર ચડાવેલી બંદૂકમાંથી ગોળી છૂટી અને બીજી ક્ષણે સૈયદની લાશ જમીન પર પડી. સૈયદની વાઇફ મુમિતા હેબતાઈ ગઈ, તેના ગળામાંથી રાડ નીકળે એ પહેલાં જ બીજી ગોળી મુમિતાને ચીરતી પીઠ સોંસરવી નીકળી ગઈ.

મુમિતા સોફા પર જ ફસડાઈ પડી.

દિલીપ સાથીઓને ઇશારો કરીને ડ્રૉઇંગ-રૂમની ડાબી અને જમણી બાજુએ આવેલા રૂમ તરફ જવા કહ્યું અને પોતે સામે આવેલા રૂમ તરફ આગળ વધ્યો.

આહ...

સાયલન્સર ચડાવેલી બંદૂકમાંથી છૂટેલી ગોળી ઇબ્રાહિમના કપાળની બરાબર મધ્યમાં કાણું કરીને સીધી પાછળ આવેલી દીવાલમાં ઘૂસી ગઈ.

ઇબ્રાહિમના કપાળમાંથી છૂટેલા લોહીના ગરમ ફુવારાના કેટલાક છાંટાઓ કુતુબના ચહેરા પર આવ્યા અને ભૂતકાળને વાગોળી રહેલાં કુતુબની બંધ આંખો ખૂલી. ખુલ્લી આંખોમાં ઇબ્રાહિમની લોહી નીતરતી લાશ આવી ગઈ. શરીરમાં વીજળીનો કરન્ટ પસાર થઈ પણ પ્રસરી રહેલા એ કરન્ટ વચ્ચે શરીરમાં ધગધગતું સીસું દાખલ થયું અને કુતુબે એ જ અવસ્થા વચ્ચે જીવ છોડ્યો.

દિલીપ દબાયેલા પગલે કુતુબની નજીક આવ્યો. કુતુબની ખુલ્લી આંખો દિલીપસિંહને ઘૂરી રહી હતી. આંખોમાં રહેલો પ્રકોપ અને આક્રોશ દિલીપસિંહને ધ્રુજાવી રહ્યો હતો. એ આંખો બંધ કરવા માટે તેણે હાથ લાંબો કર્યો પણ એ હાથ આંખ સુધી પહોંચે એ પહેલાં તેની પીઠમાં આગ પ્રસરી ગઈ.

ધડામ.

દિલીપસિંહ જમીન પર પછડાયો.

ચાર મિનિટમાં મહોમદ ખાનના આ ફાર્મહાઉસમાં આઠની લાશ પડી. લાહૌરના ઇતિહાસનો આ સૌથી મોટો હત્યાકાંડ હતો. છ લાશની ઓળખ થઈ, સાતમી લાશની પણ થોડા દિવસો પછી ખબર પડી અને દિલીપસિંહ પણ ઓળખાઈ ગયો પણ આઠમી લાશ ક્યારેય ઓળખાઈ નહીં અને એક વર્ષ પછી લાહૌર પોલીસે આઠમી વણઓળખાયેલી લાશ સાથે કેસ બંધ કર્યો.

લાહૌર પોલીસ માટે એક કેસ બંધ થયો હતો પણ હકીકત એ હતી કે એક ઇતિહાસ ધરબાયો હતો, ઇતિહાસના અનેક વણકહ્યા કિસ્સાઓ અને રહસ્યો પર પડદો પડી ગયો હતો.

બહારવટું છોડતી વખતે...

‘ડાકુ’ પૂરી થયા પછી અપ્રતિમ પ્રતિસાદ વચ્ચે અધૂરી રહી ગયેલી વાતો, ઘટનાઓ અને ઇતિહાસ સાથે એ ફરી શરૂ કરવામાં આવી. કહો કે ‘ડાકુ’નો બીજો ભાગ શરૂ થયો અને એ ભાગને પણ આજે ૬૯ અઠવાડિયાં થઈ ગયાં. લાંબો સમય કહેવાય આ. લગભગ સવા વર્ષ, પ્રિસાઇઝલી કહીએ તો એક વર્ષ અને ૧૪ અઠવાડિયાં. સફર મજેદાર રહી. અથાગ પ્રેમ મળ્યો અને દરેક શનિવારે અભૂતપૂર્વ પ્રતિસાદ આપનારા વાચકોનો સાથ પણ રહ્યો. એ વાચકોમાંથી અનેક સાથે હવે કાયમી દોસ્તી પણ છે.

બહુ ઝડપથી ફરી મળીશું, નવી વાત, નવી વાર્તા અને નવા વિચાર સાથે એવી આશા સાથે આજથી બહારવટું છોડવાનું છે અને શરણાગતિનો પ્રારંભ કરવાનો છે. ‘ડાકુ’ વિશે અભિપ્રાય આપવો હોય તો વિના સંકોચે ૯૮૨૫૫૪૮૮૮૨ પર વૉટસએપ કે caketalk@gmail.com પર ઈ-મેઇલ કરી શકશો, રાહ જોઈશ.

આ પણ વાંચો : ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ 307

ફરી મળીશું, બહુ જલદી.

(સમાપ્ત)

Rashmin Shah columnists