Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ 307

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ 307

16 February, 2019 12:58 PM IST |

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ 307

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ 307


 

‘ચમકાદડ યા તો... ગોલી થી.’



જે સમયે ઇબ્રાહિમ અને કુતુબ વચ્ચે વાતો ચાલતી હતી ત્યારે ફાર્મહાઉસમાં દિલીપસિંહ અને તેના સાથીઓ ઑલરેડી પથરાઈ ગયા હતા. દિલીપસિંહના હાથે પહેલી હત્યા થઈ ગઈ હતી અને ભૂપતસિંહના ફાર્મહાઉસના ચોકીદારનો જીવ લેવાઈ ગયો હતો. ફાર્મહાઉસના ગેટથી પાંચસો મીટર દૂર પાર્ક થયેલી ગાડીમાંથી દિલીપસિંહે કરેલી આ હત્યાના દૃશ્યની આડકતરી ઝલક લઈ લેવામાં આવી હતી.


ગાડીમાં બેઠેલા લાહોરના પોલીસ-કમિશનર ઇરફાન ખાનનું ધ્યાન માત્ર ફાર્મહાઉસના ગેટ પર હતું અને અંતર પણ એટલું હતું કે સ્વાભાવિક રીતે થઈ રહેલી વાતો તેમને સંભળાવાની નહોતી અને તેમને એ વાતમાં રસ પણ નહોતો, પરંતુ દીવાલ ઠેકીને અંદર દાખલ થયેલા દિલીપસિંહે તેના સાથીને માસમાણી ગાળ ભાંડી એટલે ખાનના કાન સરવા થયા હતા. ખાનને કાઠિયાવાડ સાથે સંબંધ હતો, જેને લીધે કેટલાક ગુજરાતી શબ્દો ઓળખવા તેમના માટે સહેલા હતા. માસમાણી ગાળ પણ એ ઓળખીતા શબ્દો પૈકીનો જ એક શબ્દ હતો. ચોક્કસપણે ખાનને એ સમયે પણ નવાઈ લાગી હતી કે આ શબ્દ તેને કેવી રીતે ખબર છે, પણ એ નવાઈનો જવાબ શોધવાનો આ સમય નહોતો.

સમય હતો ઍક્શનનો, સમય હતો રીઍક્શનનો.


દિલીપસિંહ ફાર્મહાઉસમાં દાખલ થયો એ જોઈને ખાને હરકતમાં આવવાનું હતું, પણ ખાન માટે મોટી મૂંઝવણ એ ઊભી થઈ કે આવા સમયે તેણે કરવું શું જોઈએ? બચાવવા માટે અંદર ફાર્મહાઉસમાં જવું જોઈએ કે પછી અંદરોઅંદર લડી મરે એ પછી જે બાકી બચે તેની સામે હથિયાર ઉગામવું?

ખાનની આ વિમાસણનો જવાબ અંદરથી થોડી વાર પછી મળ્યો.

ઠણાંગ...

જે અવાજ કુતુબ અને ઇબ્રાહિમે સાંભYયો હતો એ જ અવાજ બહારની નીરવ શાંતિ વચ્ચે ખાને પણ સાંભYયો હતો. ફરક માત્ર એટલો હતો કે કુતુબના અનુભવી કાનનો ઇબ્રાહિમને વિશ્વાસ નહોતો અને ઇરફાન ખાનના અનુભવી કાનની સલાહ તેને મળવાની નહોતી.

***

‘વાઘજી, જેલર સાથે વાત કરી લો અને ભૂપતને સાંજે છોડી મૂકો...’ જેલમાંથી બહાર નીકYયા પછી રોલ્સ રૉયસ કારનો દરવાજો ખૂલ્યો, પણ કારમાં દાખલ થવાને બદલે નવાબે સૂચના આપવાનું કામ પહેલાં કર્યું હતું, ‘ભૂપતને છોડતા પહેલાં એવી જાહેરાત પણ કરાવી દો કે તેની ઉંમરને જોઈને આ માફી આપવામાં આવી છે...’

‘ગુસ્તાખી માફ પણ...’ વાઘજી ઠાકોર નવાબની નજીક આવ્યા. જોકે પદનું અંતર જાળવવાનું તેઓ ચૂક્યા નહીં, ‘નવાબસાહેબ, આવો નર્ણિય લેવાનું કારણ જાણી શકું?’

‘ના...’ નવાબે વાઘજીની સામે જોયું, ‘ઠાકોર, સવાલ ઘરવાળીને પૂછી શકાય, રાજના ઘણીને નહીં... એટલું યાદ રાખજો. હવેથી ગુસ્તાખી એવી કરવી કે જેની માફીની અપેક્ષા તમે રાખી શકો.’

નવાબનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો. ચહેરાની આ રતાશ ગુસ્સાના કારણે હતી કે પછી તડકાના કારણે એ વાઘજી ઠાકોરને સમજાયું નહોતું.

‘ક્ષમા... હવે આ ભૂલ ક્યારેય નહીં થાય.’

‘મારા ગયા પછી પેલા છોકરા પર હાથ ઉપાડવાની ભૂલ પણ ન કરતા...’

‘એવું કર્યું જ નથી... તે છોકરો ખોટું બોલે છે.’

‘ભૂપતે એક શબ્દની એના વિશે ચર્ચા કરી નથી...’ નવાબના ચહેરા પર પથરાયેલી રતાશમાં હવે અણગમો ઉમેરાયો હતો, ‘જીભે જે વાત નથી કહી એ વાત ભૂપતના ફાટી ગયેલા હોઠના ખૂણા કહી ગયા છે...’

મનમાં તો હતું કે નવાબ રવાના થાય એટલે તરત જ જેલમાં જઈને ભૂપતને સીધોદોર કરવો, પણ નવાબે હાથ બાંધી લીધા એટલે વાઘજી ઠાકોરની એ ઇચ્છા મનમાં જ રહી ગઈ. નવાબસાહેબને રવાના કરીને તે જેલમાં દાખલ થયા અને ભૂપતની માફીના કાગળો તૈયાર કરાવ્યા. જેલરને પણ અચાનક લેવામાં આવેલા આ નર્ણિયથી આર્ય થયું હતું, પણ તેણે વાઘજી જેવી ભૂલ કરી નહીં અને ભૂપતની માફી વિશે કોઈ પૂછપરછ કરી નહોતી. શાંતિથી કાગળો પૂરા થયા પછી જેલરે ભૂપતને છોડવાનો આદેશ આપ્યો એટલે વાઘજી ઠાકોરે તેમને અટકાવ્યા.

‘મારા નીકળી ગયા પછી તેને છોડવાનો છે...’

જેલના પરિસરમાંથી બહાર આવ્યા પછી વાઘજી ઠાકોર મુત્સદીગીરી અપનાવીને પરિસરના એક ઝાડ નીચે બેઠેલાં હુમાતાઈ અને તેની દીકરીઓને સામે ચાલીને આ ખુશખબર આપી આવ્યા હતા. હુમાતાઈ માટે તો એ સમયે વાઘજી ઠાકોર સાક્ષાત્ મોહમ્મદ પયગંબર બની ગયા હતા. તેમણે વાઘજીના પગ પકડી લીધા.

‘તાઈ રહેવા દો આ બધું... ખાલી છોકરાને એટલું સમજાવજો કે આ બધું કોના કારણે શક્ય બન્યું... કોના કારણે?’ પોતે જ જવાબ પણ આપ્યો, ‘વાઘજી ઠાકોરના કારણે. નાના-મોટાનું માન રાખવાનું શીખવો દીકરાને હવે. જો ધાર્યું હોત તો...’

વાઘજીથી વધુ જૂઠું બોલાયું નહીં. તેને ભૂપતનો ચહેરો અને એ ચહેરા પર પથરાયેલો રોફ યાદ આવી ગયો એટલે તે ત્યાંથી રવાના થઈ ગયો. રવાના થતી વખતે તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે હુમાતાઈને મળતી તમામ આર્થિક સહાય કોઈ પણ હિસાબે બંધ કરાવીને ભૂપતે કરેલી તોછડાઈનો બદલો લેવો.

એ ઘડી અને પછી સીધી આજની ઘડી.

ભૂપત અને વાઘજી પહેલી વાર આમને-સામને થયા હતા.

‘જે દિવસે નવાબસાહેબથી મોટી રિયાસત ઊભી કરી લઈશ એ દિવસે તમારા પેટમાં કોણ જાણે કેવી આગ લાગશે?’

ભૂપતને જોતાંવેંત વાઘજી ઠાકોરને જેલમાં બોલાયેલા આ શબ્દો યાદ આવી ગયા અને મોઢામાં રહેલી કડવાશ વધી તીવ્ર થઈ.

માણસ આવીને ભૂપતના કાગળો મૂકી ગયો એટલે વાઘજીએ ભૂપતની સામે જોયા વિના કે માણસને એક પણ સવાલ પૂછ્યા વિના કલમ શાહીમાં ઝબોળી અને બધા કાગળો પર પોતાના હસ્તાક્ષર છાપી દીધા. માણસ કાગળો લઈને રવાના થઈ ગયો એટલે વાઘજી ઠાકોર ફરીથી પોતાના કામે લાગી ગયા હોવાનો ડોળ કરવા લાગ્યા. જોકે એ ત્રાંસી આંખે તેમની નજર તો ભૂપત પર જ ખોડાયેલી હતી.

ભૂપત હજી પણ ત્યાં જ ઊભો હતો અને વાઘજી ઠાકોરને ત્રાટક કરતો હતો. થોડી વાર સુધી પોતાના કામમાં જ વ્યસ્ત હોવાનો ડોળ કર્યા પછી વાઘજીને ભૂપતના આ પ્રકારના વર્તનથી અકળામણ થવા માંડી. અલબત્ત, તેમણે આ અકળામણ દબાવીને શક્ય હોય એટલું નીચે, કાગળમાં નજર નાખીને કામ કરવાનું ચાલુ રાખ્યું. સામા પક્ષે ભૂપતને પણ જાણે કે કોઈની પડી ન હોય અને તેની પાસે પુષ્કળ સમય હોય એ રીતે વર્તી રહ્યો હતો. વાઘજીએ એક વખત ત્રાંસી નજરે જોઈ પણ લીધું હતું કે હાથમાં કપડાની થેલી લઈને આવેલા ભૂપતે હવે થેલી બાજુમાં મૂકીને પલાંઠી મારી અને દરબારગઢની જમીન પર બેસી ગયો હતો.

‘શું છે તારે? શું અહીં બેઠો છે...’ રહેવાયું નહીં એટલે વાઘજી ઠાકોર હાથમાં રહેલી કલમનો ઘા કરીને તાડૂકી ઊઠuા, ‘શું ક્યારનો મને ઘૂર્યા કરે છે?’

‘જોતો હતો કે કેટલી વાર સુધી તમે મને અણદેખ્યો રાખી શકો છો...’ ભૂપતના અવાજમાં ઠાવકાઈ હતી, ‘પણ લાંબું ન ટકી શક્યા તમે ઠાકોર.’

‘કામ શું છે એ બોલ...’

‘હજી સુધી કામ પડ્યું નથી; પણ બસ, એટલું ધ્યાન રાખજો કે તમારું કામ મને પડે નહીં...’

‘તું... તું કહેવા શું માગે છે?’

‘કહેવા નહીં, ચેતવવા માગું છું...’ ભૂપત ઊભો થયો અને મક્કમ ચાલે વાઘજી ઠાકોરની નજીક આવ્યો. ભૂપતના દરેક ડગલે વાઘજી ઠાકોર આજુબાજુમાં જોઈ લેતા હતા, પણ કમનસીબે દરબારગઢમાં બીજા કોઈનો પ્રવેશ નહોતો થતો. વાઘજી ઠાકોર કોઈને રાડ પાડીને અંદર બોલાવે એ પહેલાં તો ભૂપત તેની સાવ લગોલગ આવી ગયો, ‘તમને અને મને બન્નેને ખબર છે કે સેનામાં ગયા પછી મને બે વર્ષ રજા મળવાની નથી... જો શીખવામાં હું પાછો પડું તો આ સમયગાળો લંબાઈ પણ શકે છે. મારી ગેરહાજરીના આ સમયમાં હુમાતાઈને કોઈ તકલીફ પડવી ન જોઈએ.’

‘છોકરા તું, તું કોની સાથે વાત કરે છે એ તને ભાન છે?’

‘હા, ભાન છે... વાઘજી ઠાકોર સાથે.’ ભૂપતે ઉચ્છ્વાસ છોડ્યો, ‘નવાબસાહેબને અવળા રસ્તે ચડાવીને પોતાનું ઘર ભરતા એક દીવાન સાથે.’

‘એય છોકરા...’ દીવાન વાઘજી ઠાકોર ઊભા થઈ ગયા. તેમનો હાથ કમરે રહેલી નાની તલવાર જેવી ગુપ્તી પર પહોંચી ગયો હતો, ચહેરા પર પરસેવો અને આંખોમાં ગુસ્સો ઊતરી આવ્યો હતો, ‘ચીરી નાખીશ જીવતો તને...’

‘છૂટ છે... જો હિંમત હોય તો.’ વાઘજી ઠાકોરે ગુપ્તી ખેંચી લીધી.

‘તારી હત્યા માટે મારે કોઈને જવાબ પણ આપવો નહીં પડે...’

‘હત્યા માટે નહીં પણ રાજ માટે કારતૂસ ખરીદવાને બદલે કારતૂસનાં ખાલી ખોખાં ખરીદવા બદલ તો જવાબ આપવો પડશેને?’

વાઘજીનાં બે નેણ નાકની સીધી લીટીમાં ગોઠવાઈ ગયાં. વધુ ઝાટકો તો ત્યારે આવ્યો જ્યારે ભૂપતે રૂપિયાનો આંકડો પણ કહી દીધો, ‘પોણાબે લાખ રૂપિયાનો આ ગોટાળો છે. આખા જૂનાગઢ રાજ્યના એક મહિનાની આવક જેટલા રૂપિયા તો દીવાનસાહેબ તમે તમારા ઘરમાં ભરી લીધા. એવા હેતુથી કે અંગ્રેજ સરકાર જો ભૂલેચૂકે જૂનાગઢનો કારભાર સંભાળી લે તો તમારે નાણાંની કોઈ ફિકર કરવી ન પડે... ખોટું કહેવાય આ વાઘજી ઠાકોર. જેનું ખાધું એની જ થાળીમાં તમે છી-છી કર્યું... હદ છે આ તો.’

‘તું આક્ષેપ કરી રહ્યો છો...’

‘ના, આરોપ મૂકી રહ્યો છું.’ ભૂપતે ખિસ્સામાંથી કેટલીક ચિઠ્ઠીઓ કાઢીને વાઘજી ઠાકોર પર ફેંકી, ‘જે દિવસે મને કારતૂસ ગણવા માટે તોશાખાનામાં મોકલ્યો એ દિવસે કારતૂસની પેટીઓમાં આ કાગળિયાં રહી ગયાં હતાં... જો ધાર્યું હોત તો આ કાગળ નવાબસાહેબને આપી દીધા હોત અને નવાબનો માનીતો બની શક્યો હોત.’

જમીન પર પડેલી ચિઠ્ઠીઓની ખરાઈ કર્યા પછી વાઘજી ઠાકોર પાસે પોતાની જાતને ગાળો આપવા સિવાય કંઈ બાકી વધ્યું નહોતું. જીભ સિવાઈ ગઈ હતી અને પગમાં ઊભા રહેવાની તાકાત પણ ઓસરી ગઈ હતી.

‘તો કેમ નવાબસાહેબને ચિઠ્ઠી ન આપી તેં?’

‘બહુ સીધી વાત છે... સ્વાર્થ. મારા સ્વાર્થને કારણે મેં ચિઠ્ઠી તેમને આપવાને બદલે તમને હાથમાં પકડાવી છે. આની કોઈ નકલ પણ મારી પાસે નથી અને એકેય ચિઠ્ઠી મેં સંતાડી પણ નથી. ગણી લો તમે, સો પેટીની સો ચિઠ્ઠી છે આ બધી...’ ભૂપતે દરબારગઢમાં નજર ફેલાવી, ‘વાઘજી ઠાકોર, એક વાત યાદ રાખજો... રાજ મારા બાપની જાગીર નથી કે મને તમારા આ કામથી દુખ પહોંચે.’

‘કામની વાત કરીએ... બોલ શું આપું તને?’

‘શાંતિ... મનની શાંતિ.’ ભૂપત વાઘજી ઠાકોરની નજીક ગયો, ‘મારી ગેરહાજરીમાં હુમાતાઈ અને મારી બે બહેનને કોઈ તકલીફ પડવી ન જોઈએ આ વાતની શાંતિ આપો એટલે હું ખુશ અને તમે પણ ખુશ.’

વાઘજી ઠાકોરે થૂંક ગળે ઉતાર્યું.

‘હુમાતાઈની દરેકેદરેક વાતની તકલીફ આજથી મારી...’

ભૂપતે વાઘજી ઠાકોરની સામે હાથ જોડ્યા અને પછી પોતાની કપડાંની થેલી લઈને દરબારગઢની બહાર નીકળવા પગ ઉપાડ્યા. ભૂપતની ચાલમાં રહેલો જુસ્સો જોઈને વાઘજી ઠાકોરને ભૂપત માટે માન પહેલી વાર માન થયું.

- છોકરો દમવાળો છે. જો કામ કરશે તો પૂરા ખંતથી કરશે, પણ જો કામ નહીં કરે તો?

બીજી જ ક્ષણે વાઘજીના મનમાં સવાલ જન્મી ગયો. મનમાં જન્મેલા આ વિચારનો જવાબ વાઘજીના હૈયાએ આપી દીધો.

- જો કામધંધે નહીં વળગે તો દાદાગીરી બહુ આકરી કરશે.

***

જૂનાગઢ રાજ્યનું સેના ટ્રેઇનિંગ સેન્ટર માણાવદરમાં હતું. સૈનિકોને કેટલો સમય ટ્રેઇનિંગ આપવી પડશે એ માટે તેની ઉંમર જોવામાં આવતી હતી. દેશ આખામાં સૌથી નાની વયના સૈનિક ભરવાનું કામ જૂનાગઢે કર્યું હતું. દેશભરમાં જ્યારે ૧૬ વષ્ોર્ સેનામાં ભરતી થતી ત્યારે જૂનાગઢમાં ૧૪ વર્ષથી સેનામાં ભરતી કરવામાં આવતી હતી. સેનામાં ભરતી થનારા સૌથી નાના એટલે કે ૧૪ વર્ષના બાળક માટે પ્રશિક્ષણનો સમય બે વર્ષનો રાખવામાં આવ્યો હતો. આ બે વર્ષ દરમ્યાન ટ્રેઇનિંગ લેનારા બાળસૈનિકોનો અનેક વખત જાસૂસ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, જેની કોઈને જાણકારી નહોતી. ભૂપતને પણ સેનામાં મોકલવા માટે નવાબ મહોબતઅલી ખાન એટલે જ તરત જ તૈયાર થઈ ગયા હતા. જોકે ભૂપતની ઉંમરને કારણે માણાવદરના ટ્રેઇનિંગ સેન્ટરમાં પણ બધાને અચરજ થયું હતું. જો ભૂપત ફોજમાં ભરતીના કાગળ લઈને પહોંચ્યો ન હોત તો ચોક્કસપણે તેને પાછો મોકલી દેવામાં આવ્યો હોત.

‘દસ વર્ષ પૂરાં થયાં ત્યાં સેનામાં જોડાવાનું મન થઈ ગયું!’ અલગ-અલગ પ્રકારનું ફાયરિંગ શીખવતા મુસ્તફા પટેલે ભૂપતના કાગળો જોવાનું ચાલુ રાખ્યું હતું, ‘ ભણવું ગમતું નથી લાગતું... શું બહુ ગમે?’

‘લડવું...’

ભૂપતના અવાજમાં રહેલું સ્વાભિમાન મુસ્તફા પટેલને સ્પર્શી ગયું. તેણે નજર ઊંચી કરીને ભૂપત સામે જોયું.

‘સ્વાભિમાન અને અભિમાન વચ્ચે એક પાતળી ભેદરેખા છે. જો સ્વાભિમાન જાળવી રાખશે તો ઊગવાની તક મળશે, પણ જે ક્ષણે અભિમાન કરશે એ ક્ષણથી નવું શીખવાનું ઝનૂન ચાલ્યું જશે.’

‘સ્વાભિમાનના જોરે જ અહીં આવ્યો છું... જો મનમાં અભિમાન રાખ્યું હોત તો કહી દીધું હોત કે તમે જે શીખવો છો એ તો હું આઠ મહિના પહેલાં શીખીને બેઠો છું.’

‘કહેવું અને કરવું બન્ને વચ્ચે તફાવત છે...’

‘આ તફાવત જ્યાં એક થાય છે એ જગ્યાને ભૂપતસિંહ ચૌહાણ કહે છે...’

‘હં...’ મુસ્તફા પટેલે ખુરસીને ટેકો આપ્યો, ‘આઇ લાઇક યૉર સ્પિરિટ...’

‘થોડા દિવસ સાથે રહેશો તો હું પણ ગમવા માંડીશ.’

ભૂપતમાં રહેલો આત્મવિશ્વાસ હવે મુસ્તફાને ગમવા લાગ્યો હતો, પણ તેને ભૂપતના આત્મવિશ્વાસ કરતાં ભૂપતની ક્ષમતામાં વધુ રસ હતો. મુસ્તફાએ પોતાની કમરેથી પિસ્તોલ કાઢીને ટેબલ પર મૂકી.

‘તારી બરાબર પાછળ એક ગરોળી છે... પાછળ ફર્યા વિના ગરોળીને મારીને દેખાડે...’

ભૂપત આગળ વધ્યો. રિવૉલ્વર હાથમાં લીધી અને પછી ટેબલ પર પડેલા કાગળો ઊડે નહીં એ માટે કાગળો પર રાખવામાં આવેલું કાચનું પેપરવેઇટ પણ હાથમાં લીધું અને પછી અવળા પગે બે ડગલાં પાછળ ચાલીને ફરીથી એ જ જગ્યા પર આવીને ઊભો રહ્યો જ્યાં તે પહેલાં ઊભો હતો.

પાછા આવ્યા પછી ભૂપતે આંખો બંધ કરીને એક ઊંડો શ્વાસ લીધો અને પછી આંખો ખોલીને પોતાની સામેની દીવાલ પર ધ્યાન કેãન્દ્રત કર્યું.

‘મેં તને પાછળની દીવાલની, તારી પીઠ પાછળની દીવાલની ગરોળી તાકવા કહ્યું છે... મને એ ગરોળી મરેલી જોઈએ. એ ગરોળી જો તું...’

શિશશશ...

ભૂપતે નાક પર આંગળી મૂકીને સિસકારો કર્યો. તેની આંખો હજી પણ સામેની દીવાલ પર તકાયેલી હતી. તે એવી રીતે વર્તી રહ્યો હતો કે જાણે પાછળની દીવાલનું કોઈ અસ્તિત્વ જ નથી. ભૂપતના સિસકારાથી મુસ્તફા મૂંઝાયા ખરા, પણ ભૂપતની હરકત જોવાની તેમની દિલચસ્પી વધી ગઈ.

ભૂપત જાણે કે શ્વાસ લીધા વિના પૂતળું ઊભું હોય એમ ઊભો હતો. પંદર-વીસ પળ એમ જ ઊભા રહ્યા પછી તેણે અચાનક પોતાના હાથમાં રહેલું કાચનું પેપરવેઇટ પોતાની આંખ સામેની દીવાલ તરફ ફેંક્યું. અચાનક પેપરવેઇટનો ઘા પોતાના તરફ થયો એટલે મુસ્તફા પટેલ પણ ગભરાઈ ગયા. સ્વબચાવના ભાગરૂપે તેમણે પોતાની મૂંડી નીચી કરી દીધી. મુસ્તફા પટેલની મૂંડી નીચી થઈ અને પેપરવેઇટ દીવાલ સાથે અફળાયું, પણ બીજી જ ક્ષણે ભૂપતે પોતાનો જમણો હાથ કોણીએથી અવળો વાળીને પીઠ પાછળ કર્યો અને રિવૉલ્વરમાંથી ફાયરિંગ કર્યું.

સનનન...

રિવૉલ્વરમાંથી છૂટેલી ગોળી ભૂપતની પીઠ પાછળ આવેલી દીવાલમાં ખૂંપી ગઈ.

‘જોઈ લો સાહેબ, ગરોળી મરી ગઈ છે...’

ભૂપતે રિવૉલ્વર મુસ્તફાના ટેબલ પર મૂકીને દીવાલ તરફ હાથ કર્યો. દીવાલ પર લોહીનું એક ઇંચ જેવડું ધાબું હતું અને ગોળી વાગવાને કારણે બે ટુકડામાં વહેંચાઈ ગયેલી ગરોળી જમીન પર પડી હતી. મુસ્તફા દીવાલ, ગરોળીના ટુકડા અને ભૂપતને જોતા રહ્યા. તેમને હજી પણ માન્યામાં નહોતું આવતું કે ભૂપતે આ કામ કેવી રીતે કર્યું.

‘સામેની દીવાલ પર પતંગિયું હતું. પતંગિયું પોતાના બચાવ માટે ગરોળી પર આંખ માંડીને બેઠું હતું... ગરોળીનું ધ્યાન બીજે કરવા મેં પહેલાં પતંગિયું ઉડાડ્યું. જેવું એ ઊડ્યું કે ગરોળી પતંગિયાને પકડવા માટે પતંગિયા તરફ સરકી એટલે મેં નિશાન લઈને...’

‘બુદ્ધિ અને શક્તિનો એકસાથે ઉપયોગ કરી શકે એ ક્યારેય પાછો પડતો નથી.’ મુસ્તફા ખુરસી પરથી ઊભો થયો, ‘અઢાર વર્ષથી સેનામાં શીખવું છું, આવનારા સૌ મને સલામી આપી છે; પણ આજે મારી આ સલામી તને...’

મુસ્તફા પટેલે ડાબો પગ જમીન પર ઠોક્યો અને પછી જમણો હાથ કપાળે મૂકીને ભૂપતને લશ્કરી શિસ્તની સલામી આપી.

***

આહ...

સાઇલેન્સર ચડાવેલી બંદૂકમાંથી છૂટેલી ગોળી ઇબ્રાહિમના કપાળની બરાબર મધ્યમાં કાણું કરીને સીધી પાછળ આવેલી દીવાલમાં ઘૂસી ગઈ.

ઇબ્રાહિમના કપાળમાંથી છૂટેલા લોહીના ગરમ ફુવારાના કેટલાક છાંટાઓ કુતુબના ચહેરા પર આવ્યા અને ભૂતકાળને વાગોળી રહેલા કુતુબની બંધ આંખો ખૂલી.

(આવતા શનિવારે સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2019 12:58 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK