પેશન્સ

09 December, 2022 02:46 PM IST  |  Mumbai | Rashmin Shah

‘દઈ દીધો અંતિમ સંસ્કાર...’ વાઇફે કહ્યું, ‘તમે જ ગામવાળાને કીધું’તુંને કે રાત સુધી મૃતદેહને ઘરમાં નહીં રાખવાનો...’

પ્રતીકાત્મક તસવીર

‘સહેજ પહેલાંની પણ સ્ટોરી કહી દોને...’

વૉશરૂમમાંથી બહાર આવતાં જ ઢબ્બુએ પપ્પાને કહ્યું, પણ પપ્પાએ ઢબ્બુની પાસેથી જ સ્ટોરી સાંભળવાનો આગ્રહ રાખ્યો.

સ્ટોરી સાંભળતાં-સાંભળતાં ઢબ્બુ સૂઈ ગયો હતો, પણ અડધા કલાક પછી તે અચાનક જાગી ગયો. પપ્પા અને મમ્મીએ તો આગ્રહ રાખ્યો હતો કે તે અત્યારે સૂઈ જાય, પણ ઢબ્બુને ઊંઘ નહોતી આવતી. એ વારંવાર પીસીને યાદ કરતો હતો. આવી સિચુએશનમાં તેને સુવડાવવાનો આગ્રહ કરવા કરતાં બહેતર હતું કે તે સ્ટોરી સાંભળે, જે સ્ટોરી અત્યારે તેના માટે પણ બહુ મહત્ત્વની હતી.

કબૂતરના ઈંડામાંથી તાજું જ બહાર આવેલું બચ્ચું તેનું દોસ્ત બની ગયું હતું. ઢબ્બુએ એ બચ્ચાનું નામકરણ પણ કર્યું હતું, પીસી. પિજન કિડનું શૉર્ટ ફૉર્મ એવા આ પીસી સાથે ઢબ્બુ આખો દિવસ પસાર કરતો. ઘણી વાર તો તે રાતે પણ એસીનું ડક જ્યાં ફિટ થયું હતું એ ગૅલેરીમાં જ સૂઈ જતો. પીસીની નાનામાં નાની હરકત નોટિસ કરી તે દોડતો મમ્મીને રિપોર્ટ આપવા આવે અને પછી ખુશ થતો ફરી પાછો પીસીના માળા પાસે જઈને બેસી જાય. પીસી કે પછી એના પેરન્ટ્સ એવાં બન્ને કબૂતરને પણ ઢબ્બુનો કોઈ ડર ન હોય એમ તેને પાસે આવવા દે.

ઊડવાની કોશિશ કરવા જતાં એક દિવસ પીસી ફોર્થ ફ્લોર પરથી નીચે પડ્યું અને ગુજરી ગયું. સ્કૂલેથી પાછા આવેલા ઢબ્બુને સોસાયટીમાં નીચે જ આ ન્યુઝ મળી ગયા અને ઢબ્બુ રડતો ઘરમાં આવ્યો. બહુ મનાવવા છતાં પણ તેની આંખોમાંથી આંસુ રોકાતાં નહોતાં. ઢબ્બુની આ હાલત જોઈને મમ્મીથી રહેવાયું નહીં અને તેણે પપ્પાને ઘરે બોલાવી લીધા. જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ સમજવાની આ ઢબ્બુની ઉંમર નહોતી, પણ સમયને સન્માન આપીને આ અવસ્થા તેને સમજાવવાનો સમય આવી ગયો હતો, જેના માટે પપ્પાએ સ્ટોરીનો સહારો લીધો હતો.

lll

‘એક કામ કર, તું મને કહે... શૉર્ટમાં અને જ્યાં તને યાદ નહીં આવે ત્યાં હું તને હિન્ટ આપીશ...’

‘હંમ... સ્ટોરી બહુ વખત પહેલાંની છે.’ યાદ કરતાં-કરતાં ઢબ્બુએ સ્ટોરી કહેવાની શરૂ કરી, ‘પહેલાં જે ઋષિઓ હતાંને એની સ્ટોરી છે. એક ઋષિ હતા, એને બે સન હતા. ઋષિ અને બન્ને સનને... બધાને બહુ બને. બધા દરરોજ સાથે જ જમે. આ બન્ને સન એક વખત ઋષિના ફાર્મના પેલા ઊંડા... જે હોયને, પાણી જેમાં બહુ હોય...’

પપ્પાએ તરત ઢબ્બુને હેલ્પ કરી.

‘કૂવો કહેવાય એને...’

‘હા, એમાં એ બન્ને ડૂબી ગયા...’ ઢબ્બુએ સ્ટોરી આગળ વધારી, ‘એ દિવસે ઋષિ તો આઉટસ્ટેશન ગયા હતા... પણ અહીંયાં, આ વિલેજના લોકોએ તેમને સમજાવ્યું હતું કે ડેડ બૉડીને ઘરમાં રાખી ન મૂકવાનું હોય એટલે પછી ઋષિના જે વાઇફ હતાં એમણે બન્ને સનને અગ્નિદાહ આપી દીધો...’

‘અને પછી વાઇફ તો આશ્રમમાં રાહ જોવા માંડી...’ આગળની સ્ટોરી પપ્પાએ કન્ટિન્યુ કરી અને કહ્યું, ‘તેમની બહુ ઇચ્છા હતી કે ઋષિ જલદી આવી જાય, પણ એ બિચારીને મનમાં થયું કે આવી રીતે તે ઋષિને વહેલા બોલાવશે તો પેલાને પણ ટેન્શન થશે એટલે એ બિચારી રડતી એમ જ એકલી આશ્રમમાં રહી...’

lll

‘ભાગ્યવાન...’

અરે આ તો ઋષિવરનો અવાજ!

ઋષિપત્ની એકઝાટકે ઊભી થઈ ગઈ અને દરવાજા તરફ દોડી. ભ્રમ નહોતો આ, સાચું હતું ઋષિ વહેલા આવી ગયા હતા.

પત્નીને દરવાજે ઊભેલી જોઈને ઋષિએ તરત જ કહ્યું,

‘બહુ ભૂખ લાગી છે, જલદી જમવાનું પીરસો... બન્ને દીકરા આવે એટલે સાથે જમવા બેસી જઈએ...’

શું જવાબ આપે હવે વાઇફ?

તેને તો ખબર હતી કે બન્ને દીકરાઓ હવે ક્યારેય પાછા આવવાના નથી, પણ જે રીતે પતિએ આવતાંની સાથે જ બન્ને દીકરાઓને યાદ કર્યા હતા એ જોતાં તેમને સાચી વાત કહેવાની હિંમત પત્નીમાં નહોતી એટલે તેણે વ્યવહારુ રસ્તો કાઢ્યો.

‘અરે તમે થાકીને આવ્યા છો... જમી લો. તે તો આવશે બન્ને ફરતાં-ફરતાં.’

‘હા તો શું થઈ ગયું? અડધો કલાક આમ કે તેમ...’ ઋષિએ પગમાંથી ચાખડી કાઢી અને ખાટલા પર બેઠક લીધી, ‘થોડી વારમાં શું ફરક પડી જવાનો. રાહ જોઈશ તો વધારે ભૂખ લાગશે... તમારા હાથની વધારે બે રોટલી ખવાશે.’

શું બોલે બિચારી વાઇફ.

તે ચુપ થઈ ગઈ અને ઋષિ તરત જ પોતાના નિત્યક્રમમાં લાગ્યા.

જઈને સ્નાન કર્યું અને પછી પાછા આવીને તેમણે આખા ઘરમાં દીવાબત્તી કર્યાં. ઘરમાં ધૂપ કર્યો અને બધા રૂમનાં ફાનસ સગળાવી તે ફરીથી બહાર આવીને ખાટલા પર બેસી દીકરાઓની રાહ જોવા માંડ્યા.

પતિ ભૂખ્યો છે અને તે દીકરાની રાહ જુએ છે જે ક્યારેય પાછા નથી આવવાના. વાઇફના મનમાં પણ જબરદસ્ત ટેન્શન હતું. આવા સમાચાર આપવા કેવી રીતે જ્યારે પતિ થાક્યોપાક્યો આવ્યો છે, ભૂખ્યો છે. આવા સમાચાર સાંભળીને તેના પર શું વીતે એ વાત પણ વાઇફ બિચારી વિચારતી હતી.

તે હિંમત કરીને ફરીથી પતિ પાસે આવી.

‘જમી લોને, શું કામ સમય બરબાદ કરો છો...’ વાઇફે ઋષિનો હાથ પકડ્યો, ‘ચાલો એવું હોય તો હું તમારી સાથે જમવા બેસું, એકલું નહીં લાગે...’

‘હા પણ આપણે જમી લઈશું તો એ બન્નેને એકલું લાગશેને?’ ઋષિ બોલ્યા, ‘થોડીક રાહ જોઈ લઈએ, આવશે જ હમણાં... હવે વધારે મોડું નહીં થાય.’

lll

ફરી એકાદ કલાક નીકળી ગયો. હવે ઋષિના પેટમાં દોડતા ઉંદરડા મસમોટા મગર બની ગયા હતા. બે વખત તો વાઇફે પણ નોટિસ કર્યું કે ભૂખ ટાળવા ઋષિ જઈને પાણીનો મોટો કળશો પી આવ્યા હતા.

‘હાલોને, જમી લ્યો...’ તેણે બિચારીએ ફરીથી પૂછ્યું, ‘એ લોકોને આવતાં વાર લાગી તો શું કરશો?’

‘આવતાં વાર લાગવાની હોય તો-તો રાહ જોવી પડેને આપણે?!’ અચાનક ઋષિએ વાઇફની સામે જોયું, ‘ભાગ્યવાન, એ બન્ને બહારગામ ગયા છે?’

વાઇફે નજર ફેરવી લીધી.

ઋષિની આંખમાં આંખ મેળવીને ખોટું બોલવું અઘરું હતું.

‘તમને પૂછું છું ભાગ્યવાન, બહારગામ ગયા છે?’

‘ક્યાંક ગયા છે, ચાલોને તમે જમી...’

ઋષિએ વાઇફની વાત કાપી, ફરી પૂછ્યું અને આ વખતે ભાર દઈને પૂછ્યું,

‘હું તમને પૂછું છું, એ બન્ને બહારગામ ગયા છે?!’

અત્યાર સુધી રાખેલો કન્ટ્રોલ હવે વાઇફથી છૂટી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યાં. હવે વધારે ખોટું બોલી શકાય કે સત્ય છુપાવી શકાય એમ નહોતું.

‘એ બેઉ ગયા, કાયમ માટે...’ વાઇફે રડતી આંખો સાથે કહ્યું, ‘મૂકીને નીકળી ગ્યા આપણને, કાયમ માટે...’

વાઇફની વાત સાંભળીને ઋષિની તો આંખો ફાટી ગઈ.

‘આ, આ તું શું બોલે છે...’

‘એ જ જે સાચું છે... કૂવો ભરખી ગ્યો આપણા બેય દીકરાને. લઈ ડૂબ્યો એ પાણીમાં ને પછી આપી દીધા બેઉને અધ્ધર... સપાટી ઉપર, શ્વાસ વિનાના.’

‘હે ઈશ્વર...’ ઋષિને તરત જ યાદ આવ્યું, ‘બેઉ અત્યારે ક્યાં છે... બેઉના દેહ...’

‘દઈ દીધો અંતિમ સંસ્કાર...’ વાઇફે કહ્યું, ‘તમે જ ગામવાળાને કીધું’તુંને કે રાત સુધી મૃતદેહને ઘરમાં નહીં રાખવાનો...’

‘એ તો રોગચાળો ન ફેલાય એટલે કીધું...’

‘ને મેં, તમે ખોટા ન પડો એટલે કર્યું...’

ઋષિ પાસે હવે કોઈ શબ્દો નહોતા. પોતાની ગેરહાજરીમાં વાઇફે આટલી જવાબદારી સંભાળી લીધી એનાથી મોટું આશ્વાસન બીજું કયું હોય.

ઋષિએ ઊંડો નિસાસો નાખ્યો અને આંખો બંધ કરી બન્નેના દીકરાના સ્વર્ગવાસ માટે મનોમન ભગવાને પ્રાર્થના કરી.

બેચાર મિનિટ આશ્રમમાં મૌન પથરાઈ ગયું, જે ખામોશી તોડવાનું કામ પણ ઋષિએ જ કર્યું.

‘ભાગ્યવાન...’ વાઇફે ઋષિની સામે જોયું, ‘ચાલો, જમવાની તૈયારી કરો. બહુ ભૂખ લાગી છે.’

વાઇફ આ શબ્દો સાંભળીને હેબતાઈ ગઈ.

આટલી હૃદયદ્વાવક ઘટના સાંભળીને, શૉકિંગ ન્યુઝ સાંભળીને પણ ઋષિવરને પોતાની ભૂખ યાદ આવતી હતી. વાઇફના મનમાં હતું કે આ સમાચાર સાંભળીને ઋષિ જમશે નહીં અને તે જમી લે એવા ભાવથી જ બિચારી વાઇફે ઋષિને દીકરાઓના મોતના સમાચાર આપ્યા નહોતા અને હવે એ સામેથી એવું કહે છે કે...

lll

‘ભાગ્યવાન, બહુ સરસ બનાવી છે કઢી...’ ખીચડી અને કઢી ચોળતાં-ચોળતાં જ ઋષિએ કહ્યું, ‘આવી કઢી ખાધાને મહિનાઓ થઈ ગયા...’

ઋષિએ વાટકો આગળ ધર્યો.

‘આપ થોડી કઢી હજુ...’

વાઇફ અંચબિત થઈને ઋષિવરનું વર્તન જોયા કરતી હતી. થોડી વાર પછી ઋષિએ ખીચડી માગી અને એ પછી ફરી કઢી માગી. વાઇફે તેમણે જે માગ્યું એ બધું આપ્યું. પેટ ભરાઈ ગયું એટલે ઋષિએ પેટ ભરાઈ ગયાની સાઇન તરીકે મોટેથી ઓડકાર ખાધો અને પછી કાચનો પ્યાલો આગળ ધરીને કહ્યું, ‘થોડી છાસ પીવડાવી દો હવે મને...’

‘છાસ તો નથી બનાવી આજે...’

‘દહીં પડ્યું છે?’ વાઇફે હા પાડી એટલે ઋષિએ કહ્યું, ‘તો બનાવી નાખોને થોડી છાસ. પેટમાં ટાઢક થશે અને પાચન પણ સરળતાથી થઈ જશે.’

વાઇફ આ બધું જોઈને ખરેખર શૉક્ડ હતી કે ઋષિવર એવી જ રીતે વર્તે છે જાણે કે કોઈ ઘટના ઘટી જ ન હોય. આ કેવી રીતે શક્ય બને, કેમ તેમને કોઈ જાતનો અફસોસ નથી, કેમ તેમને થતું નથી કે તેમણે બે દીકરા ગુમાવી દીધા છે?

એ ચૂપચાપ ઊભી થઈ અને તેણે ઋષિ માટે છાસ બનાવી.

ઋષિએ છાસનો ગ્લાસ મોઢે માંડ્યો અને પહેલી સિપ લેતાં જ કહ્યું, ‘વાહ, શું છાસ બની છે આજે... બહુ સરસ.’

વાઇફ કશું બોલી નહીં એટલે ઋષિએ વખાણ કરતાં કહ્યું, ‘તમારા હાથમાં મા અન્નપૂર્ણા વસે છે ભાગ્યવાન. તેને હંમેશાં અકબંધ રહેવા દેજો...’

lll

એ રાતે ઋષિ સૂઈ પણ એવી જ રીતે ગયા જેમ રોજ સૂએ.

પાંચ જ મિનિટમાં તો તેમને ઘસઘસાટ ઊંઘ પણ આવી ગઈ. એ રાત આખી વાઇફ એમ જ પથારીમાં પડી રહી. તેને વારંવાર દીકરાઓ યાદ આવતા હતા તો સાથોસાથ એની આંખ સામે વારંવાર ઋષિનું વર્તન પણ આવતું હતું.

તેઓ આમ કેવી રીતે વર્તી શકે, તેમને કોઈ દુખ જ નથી થયું?

lll

સવાર પડી એટલે રાબેતા મુજબ જ ઋષિ જાગી ગયા, તૈયાર થઈ ગયા અને ગુરુકુળ જવાની તૈયારી કરવા માંડ્યા. હવે ઋષિનાં વાઇફથી રહેવાયું નહીં. તેણે નમ્રતા સાથે હાથ જોડીને ઋષિને પૂછ્યું.

‘એક વાત છે મારા મનમાં, જો આજ્ઞા આપો તો પૂછું?’

‘ચોક્કસ પૂછો...’ ઋષિએ પ્રેમપૂર્વક કહ્યું, ‘જાણતો હોઈશ તો અવશ્ય તમારા સવાલનો જવાબ આપીશ...’

‘કાલે તમને મેં બધી વાત કરી, કહ્યું કે આપણા બન્ને દીકરા ગુજરી ગયા એ પછી પણ તમે તો સાવ જ સામાન્ય રીતે રહો છો. રાતે પેટ ભરીને જમ્યા, સાચું બોલજો જેના બે દીકરા અકાળે અચાનક જ ગુજરી ગયા હોય તેને જમવાનું કેવી રીતે ગળે ઊતરે?’ વાઇફની આંખમાં આંસુ હતાં, ‘ઘસઘસાટ ઊંઘી ગયા... જેણે બે દીકરા ગુમાવ્યા હોય તે કેવી રીતે આમ, આટલી શાંતિની ઊંઘ લઈ શકે? મને તમારું વર્તન સમજાતું નથી...’

‘કારણ કે તમે આગળ વધવા માગતાં નથી ભાગ્યવાન...’ ઋષિના ચહેરા પર સ્મિત હતું, ‘ઈશ્વર તમને વારંવાર તક આપે કે ચાલો, નક્કી કરો કે તમારે હવે કયા રસ્તે ચાલવું છે, દુખી થવું છે કે મેં આપેલું સુખ તમારે આગળ વધારવાનું છે. દીકરા ઈશ્વરે જ આપ્યા હતા અને એણે જ પોતાની પાસે પાછા બોલાવી લીધા. થોડો સમય મને તેમની સાથે રહેવાનો મોકો મળ્યો એના માટે મારે ઈશ્વરનો આભાર માનવાનો હોય કે પછી ઈશ્વરે લીધેલા નિર્ણયનો અનાદર કરીને એને કોસવાનો હોય?!’

ઋષિવર વાઇફની નજીક આવ્યા.

‘દુખ મને કદાચ તમારાથી વધારે છે, દીકરા વિના હું જીવી ન શકું એ સાવ સાચું છે, પણ હું કેમ ભૂલું કે ભગવાને મને ગુરુકુળમાં અઢળક દીકરાઓ દીધા છે, મારે એની પાસેથી સુખ માગીને રાજી થવું જોઈએ કે પછી જે ગયા તે દીકરાના નામે દુખી થઈને રડવા બેસવું જોઈએ.’

lll

પપ્પાએ ધીમેકથી ઢબ્બુનો ચહેરો ઉપર લીધો.

‘નક્કી આપણે કરવાનું છે જે પીસી નથી એની યાદમાં રડવું કે પછી ભગવાને તને જે બીજાં પિજન આપ્યાં છે એમની સાથે રહીને વધારે ખુશ થવું. એ બન્ને પિજન તારા ફ્રેન્ડ થયાં છે તો પછી એમની સાથેની દોસ્તી આગળ વધારવાની હોયને...’

ધીમેકથી હા પાડીને ઢબ્બુ પપ્પાને વળગી રડી પડ્યો.

એ ઢબ્બુનાં છેલ્લી વારનાં આંસુ હતાં.

lll

‘ઑસ્કર અને ગ્રેમી...’

બપોરે ઢબ્બુએ પપ્પાને ફોન કરીને પીસીનાં મમ્મી-પપ્પા એવાં બન્ને કબૂતરનાં નામ પોતે શું રાખ્યાં એ કહ્યું ત્યારે ઑફિસમાં બેઠેલા પપ્પાના ચહેરા પર સ્માઇલ અને મમ્મીની આંખો ભીની હતી.

ઢબ્બુએ આગળ વધવાનું શરૂ કરી દીધું હતું.

 

સંપૂર્ણ

columnists Rashmin Shah