પેશન્સ

02 December, 2022 11:31 AM IST  |  Mumbai | Rashmin Shah

‘કોઈ વાત નથી કરવી અત્યારે...’ મમ્મી પાણી લઈને આવી હતી એ ગ્લાસ પપ્પાએ ઢબ્બુના હોઠ પર મૂક્યો, ‘પાણી પીને પહેલાં એકદમ શાંત અને પછી જમવાનું છે.’

પેશન્સ

‘બપોરથી કંઈ ખાધું નથી... થોડી-થોડી વારે ગૅલરીમાં જાય છે ને પછી ત્યાં જ બેસી રહે છે...’ 
મમ્મીના ચહેરા પર ઉદાસી હતી, જે પપ્પા ફોન પર પણ અનુભવી શકતા હતા.
‘કંઈક કરોને...’
‘હંમ...’ શું કરવું એ તો પપ્પા માટે પણ પ્રશ્ન હતો, ‘નેક્સ્ટ મીટિંગ ઇમ્પોર્ટન્ટ છે. એ કમ્પ્લીટ કરીને ઘરે આવું છું...’

‘સહેજ જલદી...’ 
પહેલી વાર મમ્મીએ આવું કહ્યું હતું. અગાઉ અનેક વખત ઇમર્જન્સી ઘરમાં આવી હતી અને એ બધી ઇમર્જન્સી મમ્મીએ હૅન્ડલ કરી હતી અને એ પણ પપ્પાને જરા પણ ડિસ્ટર્બ કર્યા વિના. ઢબ્બુ પડ્યો હોય, વગાડીને આવ્યો હોય એવા સમયે પણ મમ્મીએ એ મેડિકલ ઇમર્જન્સી હૅન્ડલ કરી લીધી હતી તો ફૅમિલીમાં ઊભા થતા સોશ્યલ ઇશ્યુઝ પણ મમ્મી હૅન્ડલ કરી લેતી. આજે તેણે પહેલી વાર કહ્યું હતું, ‘સહેજ જલદી...’
પપ્પા સિરિયસનેસ સમજી ગયા હતા એટલે તેમણે તરત જ સેક્રેટરીને પૂછી લીધું,
‘નેક્સ્ટ મીટ પોસ્ટપોન થઈ શકે?’
lll

ડ્રૉઇંગરૂમના એસીના આઉટયુનિટ માટે બનાવવામાં આવેલા ડકની પાછળના ભાગમાં કબૂતરે માળો બનાવ્યો હતો, જેમાં એણે એક ઈંડું મૂક્યું અને એમાંથી નાનું બચ્ચું આવ્યું. પહેલી વાર પપ્પાએ જ્યારે ઈંડું જોયું ત્યારે તેમણે એ જોવા માટે ઢબ્બુને બોલાવ્યો અને પછી ઢબ્બુ દર બેચાર કલાકે એ જોવા જવા માંડ્યો. ઈંડામાંથી બચ્ચું બહાર આવશે એ વાત જ તેને એક્સાઇટ કરતી હતી. લોકોની અવરજવર થાય તો પક્ષી ઈંડું સેવે નહીં પણ કોણ જાણે કેમ, કબૂતરને ઢબ્બુથી કોઈ પ્રૉબ્લેમ નહોતો. એ ઢબ્બુથી ડરે પણ નહીં અને ઢબ્બુ નજીક જાય તો પણ ડરે નહીં.
બચ્ચું બહાર આવ્યું એ પછી તો ઢબ્બુનું એક જ કામ હતું. 
આખો દિવસ ગૅલરીમાં રહેલા એસીના ડક-પૉઇન્ટ પાસે બેસી રહે. ઢબ્બુએ કબૂતરના એ બચ્ચાનું નામ પણ રાખ્યું હતું, પીસી. 
‘કેમ એવું નામ?’ 

પપ્પાને પ્રિયંકા ચોપડા યાદ આવી હતી, પણ ઢબ્બુનો જવાબ સાંભળીને તે ઇમ્પ્રેસ થઈ ગયા.
‘પિજન કિડ...’ ઢબ્બુએ કહ્યું હતું, ‘એનું શૉર્ટ ફૉર્મ...’
પહેલી વાર બચ્ચાને જોયા પછી તો એ બચ્ચાની એકેક હરકતનું લાઇવ રિપોર્ટિંગ ઢબ્બુ મમ્મીને કરવા માંડ્યો 
‘એણે મારી સામે જોયું મમ્મી...’
‘એ સૂઈ ગયું...’
‘એની મમ્મી એને ખવડાવે છે...’
ગઈ કાલે તો ઢબ્બુ રીતસર ઊછળી પડ્યો.
‘એ મમ્મી... એ ઊડવાની ટ્રાય કરે છે...’
ઊડવાની ટ્રાયમાં જ કબૂતરનું બચ્ચું ફોર્થ ફ્લોર પરથી નીચે પડ્યું અને ગુજરી ગયું. 
lll

મમ્મીએ વિચાર્યું હતું કે ઢબ્બુ જમી લે એ પછી તેને સાચી વાત કરશે પણ સ્કૂલેથી આવ્યા પછી ઢબ્બુને પાર્કિંગમાં જ આ વાતની ખબર પડી ગઈ અને તે રડતો જ ઉપર આવ્યો. હવે પ્રૉબ્લેમ મમ્મી માટે ઊભો થયો હતો. અગાઉ આવું તેણે ક્યારેય જોયું નહોતું કે ઢબ્બુ કોઈની યાદમાં રડે. પપ્પા સિટીમાં ન હોય તો પણ વિડિયો કૉલની હેલ્પથી ઢબ્બુને સમજાવી શકાતો, પણ આજે, આજે તો એ બચ્ચું ગુજરી ગયું હતું જેને જોઈને ઢબ્બુનો દિવસ શરૂ થતો અને રાત પણ એ બચ્ચાની બાજુમાં જ પડતી.
બચ્ચાને જોઈને ગૅલરીમાં સૂઈ ગયેલા ઢબ્બુને પપ્પા તેડીને રૂમમાં લાવતા.

‘સહેજ જલદી...’ 
એકધારો રડતો ઢબ્બુ હવે મમ્મીથી જોવાતો નહોતો એટલે તેણે પપ્પાને જલદી આવવા માટે કહ્યું હતું અને રાતે નવ વાગ્યે ઘરે પહોંચતાં પપ્પા આજે સાંજે સાત વાગ્યે ઘરમાં દાખલ થઈ ગયા.
lll

‘પણ... પણ... એ આમ...’ 
પપ્પાને જોઈ ઢબ્બુ રડી પડ્યો. પોતાની વાત પણ તે કહી શકતો નહોતો. એકધારા રડવાના કારણે તેનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો.
‘પહેલાં એકદમ શાંત... 
સાવ શાંત...’
‘પણ... એ... પણ...’
‘કોઈ વાત નથી કરવી અત્યારે...’ મમ્મી પાણી લઈને આવી હતી એ ગ્લાસ પપ્પાએ ઢબ્બુના હોઠ પર મૂક્યો, ‘પાણી પીને પહેલાં એકદમ શાંત અને પછી જમવાનું છે.’
‘ના, મને નથી જમવું...’
‘જમવું તો પડેને...’ પપ્પાએ પ્રેમથી ઢબ્બુના માથા પર હાથ ફેરવ્યો, ‘પીસીએ તારા માટે એક સરસ સ્ટોરી મોકલી છે...’
ઢબ્બુએ પપ્પા સામે જોયું.

‘હા, સાચે... મને કીધું છે કે ઢબ્બુ જમી લે એટલે તેને મારા વતી આ સ્ટોરી સંભળાવજો...’
‘પ્રૉમિસ...’ પપ્પાએ હા પાડી એટલે ઢબ્બુએ કન્ફર્મ કર્યું, ‘એન્જલ પ્રૉમિસ?’
‘જલદી જમીએ...’ પપ્પાએ પેટ પર હાથ મૂક્યો, ‘બહુ ભૂખ લાગી છેને પાછું મારે પીસીને કન્ફર્મેશન પણ આપવાનું છે કે મેં સ્ટોરી પહોંચાડી દીધી.’
‘હું જરાક જ ખાઈશ...’ 
ઢબ્બુની આંખમાં ફરી આંસુ આવ્યાં, ‘મને... પીસી...’
‘જેટલું ભાવે એટલું ખાવાનું...’ પપ્પાએ ઢબ્બુની આંખમાંથી આંસુ લૂછ્યાં અને મમ્મીને કહ્યું, ‘જલદી આપણું ડિનર રેડી કરો...’
પપ્પાને ખબર હતી, મમ્મીએ પણ બપોરથી કશું નહીં ખાધું હોય.
lll

‘પીસીએ મોકલી એ સ્ટોરી...’ 
ઢબ્બુ રોજ જેટલું જમ્યો તો નહીં, પણ મમ્મી-પપ્પાએ તેને પરાણે થોડું જમાડી લીધો. ઢબ્બુનું જમવાનું પત્યા પછી પપ્પા પણ તેની સાથે ઊભા થઈ ગયા અને બન્ને ઢબ્બુના રૂમમાં ગયા. રૂમમાં જતાં જ ઢબ્બુએ સ્ટોરી યાદ કરી.
‘એટલે તો આવી ગયો... પીસી પણ રાહ જોતું હશે કે ક્યારે તું એ સાંભળે અને ક્યારે હું એને મેસેજ આપી દઉં...’
‘તો ફાસ્ટ... એ બિચારું રાહ જોતું હશે...’

‘સાચી વાત, આપણે કોઈને રાહ ન જોવડાવાય...’ પપ્પાએ સ્ટોરી શરૂ કરી, ‘આ વાત છે એ બહુ વર્ષો પહેલાંની છે... એ સમયની જે સમયે ઋષિઓ હતા.’
‘પેલાને જે બધાં પ્રિન્સ-પ્રિન્સેસને ભણાવતા...’
‘એક્ઝૅક્ટલી, એ જ ઋષિની આ વાત છે...’ પપ્પાએ સ્ટોરી કન્ટિન્યુ કરી, ‘સદીઓ પહેલાંની વાત છે. એક બહુ જ્ઞાની, એકદમ હોશિયાર એવા ઋષિ હતા. તેમનાં મૅરેજ પણ થયાં હતાં અને તેમને બે બાળકો પણ હતાં. ઋષિ પોતે ભગવાનમાં બહુ માને અને બધાનું ધ્યાન રાખે. આજુબાજુનાં ગામોનાં બાળકોને ભણાવે એવા કોઈ આશ્રમ નહીં એટલે ઋષિએ પોતે પોતાના આશ્રમથી દૂર એક ગુરુકુળ બનાવ્યું હતું, જ્યાં બધાંને તે ફ્રીમાં ભણાવે. વર્ષમાં એક જ વાર દક્ષિણા લેવાની અને એમાં પણ નિયમ, જેણે જે આપવું હોય એ આપવાનું... કોઈ ઋષિને બાજરો આપી જાય તો કોઈ ઋષિને કપડાં આપી જાય. કોઈ ઋષિને ગુરુદક્ષિણામાં પોતાનું એક વીક પણ આપી જાય...’’
‘એટલે, એમાં શું કરવાનું?’
‘ઋષિ જે કહે એ કરવાનું.’ પપ્પાએ ઢબ્બુને સમજાવ્યું, ‘એક વીક તેણે જઈને ગુરુકુળમાં રહેવાનું અને એ એક વીકમાં ઋષિ તેને જે કામ સોંપે એ બધાં કામ તેણે કરી દેવાનાં, એની કોઈ મજૂરી લેવાની નહીં...’

‘વાહ, આ સરસ કહેવાય...’ ઢબ્બુના ચહેરા પર પહેલી વાર સહેજ ચમક આવી, ‘પછી શું થયું?’
‘ઋષિનો એક નિયમ, દરરોજ સવારે તે પોતાનાં બન્ને બાળકો સાથે સરસ રીતે નાસ્તો કરે અને પછી ગુરુકુળ જાય. ગુરુકુળથી સાંજે ઘરે આવીને ફરીથી પોતાનાં બન્ને દીકરાઓની સાથે જમવા બેસે. દીકરાઓ પણ પોતાના પપ્પાની રાહ જુએ. નિયમ, બધાએ સાથે જ જમવાનું...’
lll

ઋષિની ગેરહાજરીમાં તેમના બન્ને દીકરાઓ માને ઘરમાં કામ કરાવે અને જો કોઈ કામ ન હોય તો આશ્રમ પાસે આવેલા નાનકડા ખેતરમાં કામ કરે. બન્ને મહેનતુ અને એટલા જ પ્રામાણિક. આખો દિવસ કામ કર્યા પછી ઘરે આવતાં પહેલાં એ બન્ને દીકરાઓ ખેતરના કૂવામાં સરસ રીતે નાહી લે અને પછી ઘરે આવીને પિતાશ્રીની રાહ જુએ. પિતાશ્રીને મોડું થાય તો પણ બન્ને દીકરાઓ તેમની રાહ જુએ. ભૂખ્યા હોય, મા સમજાવે તો પણ તે બન્ને નિયમ પાળે જ પાળે કે રાતે જમવાનું પિતાશ્રી સાથે.
‘દિવસની શરૂઆત ગુરુ સાથે અને દિવસનો અંત ગુરુ સાથે... એનાથી ઉત્તમ જીવન બીજું કયું હોય મા.’
પહેલાં દીકરાએ જેવું વાક્ય પૂરું કર્યું કે તરત જ નાના દીકરાએ કહ્યું,
‘અડધો કલાક ભૂખ્યા રહીશું તો કંઈ નહીં થાય... પિતાજી આવે પછી સાથે જમીશું.’
આવું સાંભળીને મા બન્ને દીકરાઓ પર ખુશ થતી અને પોતાને બહુ ભાગ્યશાળી માનીને ભગવાનનો આભાર પણ માનતી, પણ માની આ ખુશી લાંબી ટકી નહીં અને એક દિવસ...
lll

‘શું થયું?’ 
પપ્પાએ પૉઝ લીધો કે તરત જ ઢબ્બુએ પૂછ્યું અને પપ્પાએ કહ્યું,
‘બન્ને દીકરાઓનું ડેથ થયું...’
ઢબ્બુની આંખો મોટી થઈ પણ તેણે પૅશન સાથે કહ્યું,
‘બરાબર રીતે, ધીમે-ધીમે કહોને સ્ટોરી... ડીટેલમાં...’
પપ્પાએ સ્ટોરી આગળ વધારી.
‘એક સાંજે ખેતરથી ઘરે સમાચાર આવ્યા કે જલદી ખેતરે આવો...’ 
lll

મા તો બિચારી દોડતી-ભાગતી ખેતર પહોંચી અને ત્યાંનું દૃશ્ય  જોઈને તે હેબતાઈ ગઈ. ખેતરના કૂવામાં બન્ને દીકરાઓ ડૂબી ગયા હતા. 
માની આંખમાંથી આંસુ નીકળી ગયાં. તેમને ઋષિવરની યાદ આવી ગઈ, 
પણ કિસ્મતનો ખેલ જુઓ તમે, 
ઋષિવર એ જ દિવસે બહારગામ જવા માટે નીકળી ગયા હતા અને બે દિવસ પછી હવે પાછા આવવાના હતા. ઋષિવરની રાહ જોવી કે દીકરાઓના અંતિમ સંસ્કાર કરવા એ અવઢવ માના મનમાં ચાલતી હતી ત્યાં જ ખેતરના મજૂરોમાંથી એક મજૂર તેમની નજીક આવ્યો.
‘મા, નાની ઉંમરના દીકરાઓ છે... તેમને રાતના સમયે ઘરમાં ન રાખવા જોઈએ...’ માએ પેલા મજૂર સામે જોયું એટલે મજૂરે હાથ જોડ્યા, ‘ઋષિમુનિએ જ અમને આ વાત સમજાવી છે... આપ જેમ કહો એમ...’

રાહ જોવાની ઋષિ અને જો રાહ જુએ તો ઋષિવરે જ કહેલી વાત ખોટી પડે. 
કરવું શું, કઈ વાતને પાળવી?
પિતા અંતિમ વખત દીકરાનો ચહેરો જુએ એ વાતને વળગી રહેવું કે શાસ્ત્રોક્ત અભ્યાસ પછી પતિએ જે વાત ગામવાસીઓને સમજાવી છે એનું માએ પણ પાલન કરવું?
મા માટે જબરદસ્ત અવઢવની પરિસ્થિતિ હતી અને એ બધા વચ્ચે માએ નિર્ણય લઈ લીધો.
‘અંતિમ સંસ્કારની તૈયારી કરો...’
પતિ પરના વિશ્વાસની આ પળ હતી અને એ પળે ધર્મપત્ની સામે માએ શરણાગતિ સ્વીકારી લીધી હતી.
lll

એ જ સાંજે બન્ને દીકરાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને ત્યાર પછી સૌ છૂટા પડી ગયા. ઋષિપત્ની પણ પોતાના આશ્રમ પર પાછી આવી ગઈ. આખો આશ્રમ હવે દીકરાઓ વિના સૂનો લાગતો હતો. હવે તેની પાસે એક જ આશરો હતો કે ઋષિવર આવે અને તે તેમની પાસે પોતાના મનમાં રહેલી વેદનાને બહાર કાઢે પણ એ માટે તેણે હજુ બે દિવસ કાઢવાના હતા. 
કોઈની રાહ જોવાતી હોય ત્યારે સમય ગોકળગાય ગતિએ આગળ વધતો થઈ જાય છે. ઋષિપત્નીની પણ એવી જ હાલત હતી. સમય પસાર નહોતો થતો અને ઋષિની રાહ જોવાતી નહોતી. તેને બહુ મન થતું હતું કે ઋષિને સંદેશો મોકલીને જલદી બોલાવી લે, પણ પતિ હેરાન થશે એવું ધારીને તે જાત પર કન્ટ્રોલ કરતી હતી, પણ એવામાં અચાનક મોડી સાંજે આશ્રમના દરવાજેથી અવાજ આવ્યો,
‘ભાગ્યવાન...’

અરે આ તો ઋષિવરનો અવાજ!
ઋષિપત્ની એકઝાટકે ઊભી થઈ ગઈ અને દરવાજા તરફ દોડી. ભ્રમ નહોતો આ, સાચું હતું ઋષિ વહેલા આવી ગયા હતા.
પત્નીને દરવાજે ઊભેલી જોઈને ઋષિએ તરત જ કહ્યું,
‘બહુ ભૂખ લાગી છે, જલદી જમવાનું પીરસો... બન્ને દીકરા આવે એટલે સાથે જમવા બેસી જઈએ...’ 
lll

ખોળામાં જ સૂઈ ગયેલા ઢબ્બુના કાનમાં હવા ન જાય એ માટે પપ્પાએ ધીમેકથી ખુલ્લા કાન પર હાથ મૂકી દીધો અને મનોમન કહી પણ દીધું.
‘આગળની સ્ટોરી પછી... જ્યારે તું જાગતો હો ત્યારે. કારણ કે સ્ટોરીનો એ જ પૉર્શન તારા માટે ઇમ્પોર્ટન્ટ છે...’

વધુ આવતા શુક્રવારે

columnists Rashmin Shah