નામ-બદનામ (પ્રકરણ ૨)

28 March, 2023 10:21 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘પોલીસ થોડી પણ ઊંડી ઊતરી હોત તો આપણો પર્દાફાશ થઈ ગયો હોત! ગૉડ સેવ્ડ અસ! કોઈ બીજાના નામે ફ્લૅટ ભાડે રાખવાની અગમચેતી કામ લાગી!’

નામ-બદનામ (પ્રકરણ ૨)

અતુલ્ય હજી આવ્યા નહીં! 
બુધની સાંજે સામા ઘરે માને એકલાં ભાળીને તારિકાથી હળવો નિ:શ્વાસ નખાઈ ગયો. 
ચાર વરસ અગાઉ અતુલ્ય તેમનાં મા સાથે પાડોશનું ખાલી પડેલું ઘર વેચાણપેટે લઈને રહેવા આવ્યા ત્યારે પોતે કૉલેજના બીજા વરસમાં. 

‘અમે વરસોથી આ મહોલ્લામાં રહીએ છીએ... તારિકાના પિતાજી રેલવેમાં હતા. નાની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. ઈશ્વરને ગમ્યું એ ખરું. તેમનું પેન્શન આવે એમાંથી અમે મા-દીકરી સ્વમાનભેર જીવીએ છીએ. બસ, તારિકાને સારા ઠેકાણે પરણાવું પછી ભલે હરિનું તેડું આવતું!’
ટેમ્પોમાંથી ઘરવખરી ઊતરી રહે ત્યાં સુધીમાં તો ચા-નાસ્તો લઈને પહોંચેલાં સવિતાબહેને અતુલ્યનાં મધર જોડે બહેનપણાં કરી લીધેલાં. સામાન ગોઠવવામાં તારિકાને પણ જોતરી દીધેલી. પછી તો એવું થયું કે બેઉ માતાઓ ઓટલે બેસીને ગપાટતી રહી અને અતુલ્ય-તારિકા ઘર ગોઠવી રહ્યાં. 
‘મમ્મી થોડી હરખપદુડી છે.’ તારિકા સંકોચાતી હતી. આમ કોઈના તેડા વગર મદદે પહોંચવું પણ કેવું લાગે! 

‘લો, મને તો તેમનામાં મમ્મીની જ પ્રતિકૃતિ જણાઈ..’ નિખાલસપણે કહેતો અતુલ્ય આંખોમાં વસી જાય એવો વહાલો લાગ્યો હતો. ત્રેવીસેકની વય, ઊંચાં-પહોળાં કદ-કાઠી, કુંવારિકાનું હૈયું રણઝણાવી દે એવું રૂપ, વાણીની નિર્મળતા અને સ્વભાવની સરળતા... આની હૈયાપાટી કોરી હોય અને ત્યાં મારું નામ અંકાય તો કેવું! 
મુગ્ધ થવાની તારિકાની ઉંમર હતી, પણ આવો ભાવ પહેલી વાર કોઈ માટે જાગ્યો! બીજી પળે જાતને ટપારી : બે-ચાર કલાકના મેળમાં આમ હવામાં ન ઊડ, અતુલ્ય વિશે તું વિશેષ જાણે પણ શું છે?

‘અમે મૂળ ભાવનગરના.’ જાણે તેના મનનો પડઘો પાડતો હોય એમ અતુલ્યે કહેતાં તારિકા સહેજ ડઘાઈ હતી: તમે માઇન્ડ રીડિંગ કરો છો કે શું!
‘શું કહ્યું?’ તેનો બબડાટ અતુલ્યને સમજાયો નહીં. તારિકાએ હોઠ કરડ્યો : નહીં રે. તમતમારે કહો.
‘હં. તો અમે ભાવનગરના. મારા પિતા ત્રિલોકભાઈ સંસ્કૃતના પંડિત. ગામના ગોર તરીકે તેમનો મોભો.’
લોખંડના પટારામાથી તેમની છબિ કાઢતો અતુલ્ય ભાવભીનો બનેલો. એ તસવીર પણ કેવી જાજરમાન હતી. પહોળા કપાળે તિલક, વિદ્વત્તા પોકારતી આંખો ને હોઠના સૌમ્ય સ્મિતમાં પડઘાતી પ્રભુતા... જોતાં જ વંદનાનો ભાવ જાગ્યા વિના ન રહે. 

પહેલા દિવસે તો વિગતે વાત કરવાની ફુરસદ નહોતી, પણ ઘરમાં અને નોકરીમાં ગોઠવાયા પછી માતાઓના સખીપણાને કારણે પણ અતુલ્ય-તારિકાનો મનમેળ અનાયાસ કેળવાતો ગયો. લતાનાં ગીતોથી હરકિસન મહેતાની નવલકથાઓ સુધીની તેમની પસંદ કેટલી એકરૂપ હતી. રસાયણશાસ્ત્રમાં માસ્ટર્સ કરનારો અતુલ્ય તારિકાને ઇંગ્લિશ લિટરેચરમાં પણ ગાઇડ કરી જાણે એ અજાયબીભર્યું લાગતું. 

‘ભાષાનો લગાવ મને વારસામાં મળ્યો છે...’ અતુલ્યનું ગૌરવ રણઝણી ઊઠતું, ‘મેં કહેલુંને, મારા પિતા ત્રિલોકભાઈ સંસ્કૃતના પંડિત. સાધુસંતો સાથે તેમને ઊઠબેસ. મોટા-મોટા અખાડા સાથે તેમનો પત્રવહેવાર ચાલે... મને યાદ છે કે હું આઠેક વરસનો હોઈશ. માનો હાથ પકડીને મંદિરે જાઉં ત્યારે કોઈ સાધુની પણ પધરામણી થઈ હોય તો અચૂક એવા આશિષ પાઠવે કે મોટો થઈ પિતાના પગલે ચાલીને બાપનું નામ રોશન કરજે!’
‘ઓહ, ત્યારે તો તમારે પણ સંસ્કૃતમાં માસ્ટર્સ કરવું જોઈતું’તું.’

‘પિતાજી હયાત હોત તો કદાચ તેમણે મને શાસ્ત્રોનું ભાથું બંધાવ્યું હોત.. ગુરુકુળમાં મોકલીને વેદ-ઉપનિષદ ભણાવ્યા હોત...’ અતુલ્ય ઉદાસીભર્યું મલકતો, ‘પણ એ બનવાનું નહીં હોય. એ વિના માંડ નવ વરસની ઉંમરે હું પિતાનું છત્ર ગુમાવું?’
‘મેં પણ નાની ઉંમરે પિતાને વિદાય આપી... મામૂલી બીમારી ને બે દિવસમાં ખેલ ખતમ! મને તો તેમના હેતનું પણ એવું સ્મરણ નથી. તસવીરોમાં જ તેમની સ્મૃતિ રહી છે.’
આ સમદુખિયાપણું પણ તેમને નિકટ લાવ્યું.

‘મારા ફાધરનું જવું અણધાર્યું હતું... અમે સોમનાથની જાત્રાએ ગયેલા. મંદિર નજીકની ધરમશાળામાં અમારો ઉતારો. ધરમશાળાના પાછલા હિસ્સાનાં પગથિયાં ઊતરો કે સીધો દરિયો દેખાય. બ્રાહ્મમુરતમાં સ્નાન કરવાનો પિતાજીનો નિયમ. આમેય વેરાવળનો દરિયાકાંઠો જોખમી ગણાય છે. તોય પિતાજી દરિયે સ્નાન કરવા જતા. બ્રાહ્મમુરતના કથોરા સમયે તેમને ત્યાં રોકનારું પણ કોણ હોય? બીજા દિવસે સ્નાન કરવા ગયા એ પાછા આવ્યા જ નહીં. સમીસાંજે તેમની તણાયેલી લાશ જ મળી!’
અરેરેરે. 

‘પિતાના પાર્થિવ દેહનું મને સ્મરણ છે, તેમને હચમચાવીને ‘પપ્પા, ઊઠોને!’ કહેતો નવ વરસનો અતુલ્ય હજીયે મારી આંખ સામે તરવરે છે...’ ભીની થતી પાંપણ લૂછીને અતુલ્ય કથન સાંધતો, ‘માએ હૈયે પથ્થર મૂકીને મને સંભાળ્યો, નોકરી કરીને મને ઉછેર્યો અને ખુદ્દારીથી ઉછેર્યો. મને પિતાના ગુણોનો ગર્વ છે એથી કદાચ વધુ મારી માતાની ખુમારીનુ અભિમાન છે. ગોરપદું કરીને હું બે પાંદડે નહીં થઈ શકું એ મને માના સંઘર્ષમાંથી આપમેળે સમજાયું. અને બસ, રસાયણશાસ્ત્ર ભણીને હું કેમિકલની ફૅક્ટરીમાં નોકરીએ લાગી ગયો. વરસેક અંકલેશ્વર જૉબ કરીને વાપીમાં જમ્પ લીધો. અહીં મૅનેજરની પોસ્ટ મળી છે...’
અતુલ્ય ઘણી વાર ફૅક્ટરીની વાતો કરે, શેઠ-શેઠાણીને વખાણે : અમારા અનુરાગ શેઠ ડાયનૅમિક છે. નંદિની શેઠાણી ભાગ્યે જ વાપીની ફૅક્ટરીએ આવે, પણ મળે ત્યારે સૌના ખેરખબર પૂછે. એકદમ ડાઉન ટુ અર્થ. તેમની જોડી રામ-સીતા જેવી શોભે છે! 

અને આપણી જોડી? નહીં પુછાતો સવાલ તારિકાની લાલી વધારી જતો. તેને નિહાળતા અતુલ્ય માટે સંયમ જાળવવો અઘરો બનતો. પ્રણયનો શાબ્દિક એકરાર બેઉ વચ્ચે ભલે ન થયો, અંતરની લાગણી બન્ને માતાઓથી પણ છૂપી નહોતી.
‘તારી માસ્ટર્સની ડિગ્રી આવી જાય કે હું અતુલ્યને બેડી પહેરાવી દેવાની છું...’
હમણાંના અતુલ્યનાં મધર તારિકાને કહી બેસતાં. એવું તો લજાઈ જવાતું.
‘તો જ તેનું સાધુસંતો પાછળ રખડવાનું બંધ થશે...’

ખરેખર તો દર બે-ત્રણ મહિને પિતાની માસિક તિથિની આગળપાછળ ફૅક્ટરીમાં બે-ત્રણ દિવસની રજા મૂકીને અતુલ્ય તીર્થસ્થાને જતો, આજુબાજુ ક્યાંક સાધુમંડળી આવી હોય તો તેમની સેવાનો લહાવો લેતો. ના, આમાં વૈરાગ ઘૂંટવાનું લક્ષણ નહોતું. કેવળ અપમૃત્યુને વરેલા પિતાની સદગતિ માટેની પૂજા-પ્રાર્થનાનું ધ્યેય રહેતું. સાધુસંતો સાથે તેમની સ્મૃતિ વહેંચવાની અભિલાષા રહેતી. તારિકાને આમાં કશું વાંધાજનક નહોતું લાગ્યું. અતુલ્યનો બચાવ થઈ જતો : મા, આખરે તો અતુલ્ય તેમના પિતાના મોક્ષ માટે તીર્થ ઘૂમે છે. સાધુસંતોની સેવામાં પિતાને અનુસરવાનું આશ્વાસન મળતું હોય તો ખોટું શું છે?

‘પિતાને અનુસરવાનું આશ્વાસન...’ માના મુખ પર અકથ્ય ભાવ પ્રસરી જતો. હળવો નિશ્વાસ નાખીને તે બોલી જતાં, ‘અત્તુને તેના પિતાનું દાઝે છે, જાણું છું. ત્રિલોકનું અકાળે જવું તેને ડંખતું પણ હશે, સમજું છું; પણ છેવટે તો જનારાની યાદમા બંધાઈને આપણે તેમના જ મોક્ષમાં વિઘ્ન નાખીએ છીએ એ અત્તુને કેમ સમજાવવું! હું બહુ મંડી રહું તો અત્તુને એવું થાય કે તને પિતાના તર્પણનો પણ વાંધો છે! તું તેને સમજાવીશ?’
હજી બે દિવસ અગાઉ અતુલ્ય નાશિકના ગોદાવરી ઘાટે જવા નીકળ્યા ત્યારે માએ ટહેલ નાખતાં પોતે હકાર તો ભણ્યો, પણ અતુલ્યને હું કઈ રીતે સમજાવું? અરે, તે આવે તો ખરા! 
‘અરે તારિકા!’

આ પણ વાંચો: નામ-બદનામ (પ્રકરણ ૧)

સામેથી માનો સાદ પડતાં તારિકા વિચારમેળો સમેટીને સામા ઘરે દોડી. 
‘અત્તુનો ફોન હતો. તે હવે કાલે આવશે... કહે છે ગોદાવરી તટે મળેલા સંઘમાં પિતાના ઓળખીતા સાધુ મળી ગયા એટલે હવે કાલે તેમને વિદાય કરીને તે પરત થશે.’ દીકરાનો સંદેશ કહીને માએ મોં મચકોડ્યું, ‘બોલ, નોકરિયાત માણસને આમ રજા પાડવાનું પરવડે!’ 
‘ચિંતા ન કરો મા. અતુલ્ય આવે એટલે હું વાત કરીશ.’ 
તારિકાએ કહ્યું ખરું, પણ અતુલ્ય આવે એ પહેલાં તેના ખબર પહોંચવાના હતા! 

અનુરાગની પાંપણના પડદા ઊંચકાયા. 
‘થૅન્ક ગૉડ, તમે ભાનમાં આવી ગયા!’ 
આ તો દેવલાલીના બિલ્ડિંગનો પાડોશી સુદર્શન! 
અમારા ચોથા માળના ફ્લૅટની નીચે આ સુદર્શનનો ફ્લૅટ છે. આધેડ વયનો સુદર્શન નાશિકના પાવરપ્લાન્ટમાં સિનિયર પોસ્ટ પર છે. દેવલાલીમાં ઇન્વેસ્ટમેન્ટ પૂરતો ફ્લૅટ રાખ્યો છે. બે-ત્રણ મહિને એકાદ આંટોફેરો કરી જાય. તે અહીં શું કરે છે! અરે, હું છું ક્યાં? 

અનુરાગે નજર ફેરવી. પોતે હૉસ્પિટલની રૂમમાં છે એવું લાગ્યું. કપાળે સળ ઊપસી. ધીરે-ધીરે ઘટના તાજી થઈ : બુધની મોડી સવારે હું કાવેરીને લઈને બાથરૂમમાં દાખલ થયો, કાવેરીએ ગૅસનું ગીઝર ચાલુ કરતાં બાથટબમાં ગરમ પાણી ભરાવા માંડ્યું... અને મિનિટ-બે મિનિટની અંદર ગૂંગળામણ થવા માંડી... કાવેરી બેહોશ થઈ, મેં હોશ ગુમાવતાં પહેલાં બાથરૂમનો દરવાજો ખોલ્યો હોવાનું યાદ છે... પછી શું થયું?

‘અરે સાહેબ, તમારા બાથટબનો નળ ચાલુ હતો. એમાંથી પાણીનો રેલો મુખ્ય દરવાજાની લૉબી સુધી રેલાયો.. એ તો સારું થયું કે હું આજે સવારે જ મારા ફ્લૅટમાં મરમ્મતના કામે આવ્યો ને મારું ધ્યાન ગયું. બાકી બિલ્ડિંગમાં બીજું કોઈ હતું નહીં. તમને કેટલી બૂમ મારી, દરવાજો ઠોક્યો; પણ વ્યર્થ! છેવટે કી-હોલમાંથી નજર કરતાં તમે ફર્શ પર પડેલા જણાયા... ‘ સુદર્શન સહેજ ગલવાયો, ‘કશુંક અઘટિત બન્યાનું જાણીને મેં પોલીસને જાણ કરી. પોલીસે આવીને દરવાજો તોડ્યો. લકીલી તમે બેઉ જીવિત હતાં. તમને નજીકના નર્સિંગહોમમાં લઈ આવ્યા... તે ઠેઠ મોડી સાંજે હમણાં તમને હોશ આવ્યા!’

તેનું બયાન અનુરાગની ભીતર ઝંઝાવાત જન્માવતું હતું. દોઢડાહ્યો સુદર્શન. તેણે પોલીસને તેડાવવાની શું જરૂર હતી! હવે કેસ છાપે ચડશે : સાથે નહાવા ગયેલું દંપતી ગૅસ ગીઝરના લીકેજને કારણે બેહોશ મળી આવ્યું! આ ખબર નંદિનીને મળતાં અમારા સાત વરસના લગ્નજીવનનો ધી એન્ડ આવી જવાનો!
‘મેં કંઈ ખોટું કર્યું મિસ્ટર અતુલ્ય?’

અતુલ્ય. સુદર્શનના સવાલે અનુરાગને લાગ્યું કે માથેથી ચિંતાનાં વાદળ હટી ગયાં. મેં આ ફ્લૅટ મારા એમ્પ્લોયી અતુલ્યના નામે ભાડે રાખ્યો છે અને બિલ્ડિંગવાસીઓ માટે હું-કાવેરી મિસ્ટર ઍન્ડ મિસિસ અતુલ્ય દવે છીએ એ કેમ ભૂલી જવાયું! હાશ, તો-તો હૉસ્પિટલના રેકૉર્ડમાં કે પોલીસના ચોપડે ક્યાંય અનુરાગ મહેતાનું નામ નહીં હોય! 
સો વી આર સેફ! 
lll

બાપ રે. 
બુધની મોડી રાતે ડિસ્ચાર્જ મેળવી દેવલાલીના ઘરે પહોંચેલાં અનુરાગ-કાવેરી ફ્લૅટના દીદારે સહેમી ગયાં. ફર્શ હજી ભીની હતી, બેડરૂમ અસ્તવ્યસ્ત. સારું છે અમે કેવળ બેહોશ હતાં એટલે પોલીસે પણ સામાનની ઝડતી લઈ કોઈ સગાંને બોલાવવાનું દોઢડહાપણ ન વાપર્યું. નહીંતર અનુરાગના વૉલેટમાં રહેતા વિઝિટિંગ કાર્ડ પરથી મુંબઈના ઘરે જ રિંગ જાત તો-તો અમારો ભાંડો ફૂટી જાત! 

‘હવે કાન પકડ્યા. ગૅસ ગીઝર ઇઝ અનસેફ...’ કાવેરી સહેજ કાંપી. આ તો ઠીક, પોલીસે આવીને દરવાજો તોડ્યો. કોઈ બીજું હોત તો અમને સાવ દિગંબર અવસ્થામાં ભાળી ફોટો પાડીને બ્લૅકમેઇલ કરે એવું પણ બની શકત..
‘પોલીસ થોડી પણ ઊંડી ઊતરી હોત તો આપણો પર્દાફાશ થઈ ગયો હોત! ગૉડ સેવ્ડ અસ! કોઈ બીજાના નામે ફ્લૅટ ભાડે રાખવાની અગમચેતી કામ લાગી!’

મારા નામે કે કાવેરી વતી પણ મારે કોઈ રોકાણ કે ઍગ્રીમેન્ટ કરવું નહોતું. અફેરનો પુરાવો રાખવા જેવું કરવું જ શું કામ? એટલે દેવલાલીમાં કોઈ બીજા નામે ફ્લૅટ ભાડે રાખવાનું નક્કી કર્યું ત્યારે કંપનીના સિનિયર મૅનેજમેન્ટના ઉપરીને બદલે મિડલ મૅનેજમેન્ટના ઑફિસરનું નામ વાપરવાનું કારણ પણ એ જ કે તેની પહોંચ ઝાઝી ન હોય, તેના આધાર કાર્ડ જેવા ડૉક્યુમેન્ટ્સ ઑફિસના રેકૉર્ડ પરથી મળી રહે. બિચારો તેની જિંદગીમાં જાણી પણ નહીં શકે કે શેઠે તેના નામનો કેવો ઉપયોગ કર્યો છે! 
- આજે એ જ નામે અમે બદનામ થતાં રહી ગયાં! 

આની રાહત વાગોળીને અનુરાગે મુદ્દાની વાત છેડી, ‘આ ફ્લૅટના ઓનર હાલ વિદેશ રહે છે અને વરસ સુધી આવવાના નથી. ધો હું તે નિરંજનભાઈને ફોન પર સમજાવી, પેનલ્ટી ભરીને પણ ભાડાકરાર રદ કરી દઈશ. હવેથી મિસ્ટર ઍન્ડ મિસિસ અતુલ્ય દવે ‘કિરણછાયા’માં જોવા નહીં મળે.’ 
નૅચરલી, હવે તો અહીંથી અંતરધ્યાન થવામાં જ મજા છે! 
‘બસ, નંદિની સુધી આ મામલો પહોંચવો ન જોઈએ.’ 

- પણ હાય રે. સવારનાં છાપાંમાં જ સમાચાર ઝળકી ગયા: 
ગૅસ ગીઝરને કારણે દંપતી બેહોશ!ના મથાળા હેઠળ બુધની બપોરે દેવલાલી પોલીસ થાણામાં સુદર્શન રેડીનો ફોન આવ્યો ત્યાંથી શરૂ કરીને મોડી રાતે તેમને ડિસ્ચાર્જ અપાયા સુધીના અહેવાલે અનુરાગના માથે ચિંતાની સળ ઊપસાવી. 

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff