જીત-હાર (પ્રકરણ ૧)

29 May, 2023 11:32 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘આજનો સ્ટૉક તો ખતમ થઈ ગયો. યુ ટેક ધીસ. હું બીજાં ફ્લાવર્સ લઈ લઈશ... તારી મૉમને તો ગુલાબ પણ બહુ પસંદ હતાં.’

જીત-હાર (પ્રકરણ ૧)

શ્રી ગજાનન જય ગજાનન... 
લતા મંગેશકરના કંઠે મઢી ગણેશધૂનથી વહેલી પરોઢના વાતાવરણમાં મધુરતા પ્રસરતી ગઈ. કોલાબા ખાતે આવેલા મહેતા મૅન્શનમાં દિવસની શરૂઆત આમ જ થતી અને આજનો દિવસ તો ઘરના સભ્યો માટે ઉત્સવનો હતો. આજે અબજો રૂપિયાની નેટવર્થ ધરાવતા બિઝનેસ ટાયકૂન અમરનાથ મહેતાનાં સ્વર્ગવાસી ધર્મપત્ની અને કંપનીની આવતી કાલ એવા તેમના એકના એક દીકરા આકારની મમ્મી યામિનીદેવીનો પચાસમો જન્મદિવસ! 
માલિકની સૂચના મુજબ સ્ટાફે પણ આજે વહેલા ઊઠીને ઉજવણીની તૈયારીમાં પરોવાઈ જવાનું હતું. મંદિરમાં દીવો કરીને હાઉસકીપર માર્ગરેટ ઘરમાં પ્રવર્તતી ચહલપહલ જોઈ રહ્યાં.   
lll

‘ડૅડી, મારી મમ્મી ક્યાં છે? નાની કહેતી હતી કે તે ભગવાનના ઘરે જતી રહી... ભગવાનનું ઘર ક્યાં છે? ચાલોને, ત્યાં જઈને મમ્મીને લઈ આવીએ!’

‘જન્મદિન મુબારક પ્રિયે!’
અમરનાથ પત્નીના અધરોને ચૂમવા ગયા કે યામિનીએ મોં ફેરવીને તેમની પીઠે ધબ્બા માર્યા : હટો, આખી રાત મને જંપવા નથી દીધી... ફિફ્ટી પ્લસ થયા તોય તમારું જોશ થમતું નથી, પણ મનેય હવે પચાસ થયાં એ તો લક્ષમાં લો!’  
‘તું કોઈ ઍન્ગલથી પચાસની લાગતી નથી યામુ. મારું જોશ થમતું ન હોય તો એમાં વાંક તારા આ જોબનનો છે... યાદ છે, આપણાં અરેન્જ્ડ મૅરેજ વખતે તને દુલ્હનના વેશમાં જોઈને ફોટોગ્રાફર કૅમેરા ક્લિક કરવાનું ભૂલી ગયેલો! આપણા વડીલો આપણને રામ-સીતાની જોડી ગણતા ને સુહાગરાતે આપ સાહેબાએ સીતાની જેમ જ વચન માગ્યું હતું કે તમારા જીવનની હું પહેલી અને આખરી સ્ત્રી હોઈશ. સાંભરે છેને! યામિની? તું કંઈ બોલતી કેમ નથી?’  

અને પલંગમાં બેઠા થઈ ગયા અમરનાથ. સામે જ પત્ની ફુલસાઇઝ પોર્ટ્રેટમાં મલકતી હતી : ભૂલી ગયા, મારી વિદાયને આપણા કુંવરની ઉંમર જેટલાં વરસો થવાનાં! 
અને અમરનાથનો નિસાસો સરી ગયો : તારી વિદાય મારાથી કેમ ભુલાય યામુ. મારા જ વાંકે મા તને ખોઈ... અને તેં પણ તો મને છેતર્યો... 
સાંભળીને તસવીરમાં પત્નીના હાવભાવ પલટાતા લાગ્યા એટલે તેમણે પાંપણ લૂછી, રણકો બદલ્યો, ‘આઇ નો, નો ટિયર્સ ટુ ડે!  ચલ, શુભ દિનની શરૂઆત તને તારાં ગમતાં ફૂલોના ગુલદસ્તાથી કરું... હું હમણાં આવ્યો હોં યામુ!’
અને અમરનાથ ગાર્ડનમાં દોડી ગયા. 
lll

હૅપી બર્થ-ડે મૉમ!
પથારીમાંથી ઊઠતાંવેંત માને વિશ કરીને આકાર સામી દીવાલે લટકતી માની છબિને ભાવથી નિહાળી રહ્યો. 
કેટલો નમણો ચહેરો. આંખોમાં ભરપૂર વાત્સલ્ય, સ્મિતમાં છલકતી નિખાલસતા... કાશ, માને આયુષ્યનું સુખ હોત તો તેની મમતાના મામલે હું દુનિયાનો સૌથી શ્રીમંત દીકરો હોત! પણ તે બિચારી તો મને જન્મ આપ્યાના મહિનોમાસમાં જ ઈશ્વરના ધામમાં પહોંચી ગઈ.
- ના, પહોંચાડી દેવામાં આવી! મા જીવતી હોત જો તે બિઝનેસ ટાયકૂન ગણાતા અમરનાથ મહેતાને ન પરણી હોત... 
ભીતર જૂના અંગારા દહેકી ઊઠ્યા. નવ વરસની ઉંમરે એ સત્ય જાણ્યાની ક્ષણેથી સળગેલી જ્વાળા બુઝાઈ જ ક્યારે છે?

‘ડૅડી, મારી મમ્મી ક્યાં છે? નાની કહેતી હતી કે તે ભગવાનના ઘરે જતી રહી... ભગવાનનું ઘર ક્યાં છે? ચાલોને, ત્યાં જઈને મમ્મીને લઈ આવીએ!’
ચાર-પાંચ વરસની ઉંમરનું એ પહેલું ઝાંખું સ્મરણ છે. પોતે નર્સરીમાં જતો થયો, ત્યાં બીજા ફ્રેન્ડ્સની મમ્મીઓને વહાલ કરતી જોઈને બાળક આકારના ચિત્તમાં પહેલી વાર જીવનમાં, ઘરમાં કશુંક ખૂટતું હોવાનો અહેસાસ થયો: મા! 
અમારા ઘરે પિતા છે, નાનીમા છે, હાઉસકીપર માર્ગરેટ આન્ટી છે, બીજા નોકરચાકર છે - મા ક્યાં? 

વ્યાપારમાં વ્યસ્ત પિતા દીકરા માટે સમય ચોરી લે ખરા, પણ તે મા વિશે પૂછતો થયા પછી વાત ઉડાવી દેતા અને નવાં રમકડાં લાવીને બહેલાવવાની કોશિશ કરતા. 
પણ એમાં પેલું બાળકને બચ્ચી ભરતી માનું વહાલ ક્યાં! ભગવાનના ઘરેથી તે પાછી નહીં જ આવે?
દીકરાના નિર્દોષ સવાલો કાળજું ચીરતા હોય એમ એક વાર તેને વળગીને અમરનાથ રડી પડેલા : હું તારી માનો ગુનેગાર છું, તારો ગુનેગાર છું! મારા કારણે તારી મા રિસાઈ ગઈ દીકરા!’
પિતાને રડતા જોવાનો આકાર માટે પહેલો પ્રસંગ હતો. કદાચ એટલે પણ તેમના શબ્દો ચિત્તમાં અંકાઈ ગયા. ગુનેગારનો અર્થ તો ત્યારે નહોતો ખબર, પણ એટલું મગજમાં બેસી ગયું કે ડૅડીના કારણે મમ્મી રિસાઈને ભગવાનના ઘરે જતી રહી! આકાર ગૂંગળાતો, ડૅડી પ્રત્યે અકળાતો : તમે એવું તે શું કર્યું કે મા રિસાઈ ગઈ? 

જવાબમાં અમરનાથ નિસાસો નાખીને રહી જતા : એ તને હમણાં નહીં સમજાય... 
આકારની ગૂંગળામણ એથી સમતી નહીં. એમાં નાનીના અવસાને તેને ભગવાનના ઘરે જવું એટલે શું એ સમજાયું. 
નાનીની જેમ મા પણ મૃત્યુ પામી છે, તે કદી પાછી નહીં આવે! તે રડી ઊઠતો. સમજ વિસ્તરતી ગઈ એમ પિતા માટે અભાવ પણ પ્રસરતો ગયો : જેના પ્રતાપે મા મૃત્યુ પામી હોય તેના પ્રત્યે ભાવ જાગે પણ કેમ? 

અલબત્ત, તેનું કુતૂહલ સળવળતું, ગુનેગારનો મતલબ સમજાતો થયા પછી પૂછવાથી પિતા સાચું જ કહેશે એવો ભરોસો નહોતો રહ્યો. નાનીની વિદાય બાદ ઘરમાં એક જ વ્યક્તિ હતી જેને પૂછવામાં સંકોચ ન થાય : માર્ગરેટ આન્ટી! 
નવ વરસનો થયેલો આકાર જાણતો કે મારા જન્મના વરસેક અગાઉથી કોલાબાની આ વિશાળ વૈભવી વિલામાં  હાઉસકીપર તરીકે જોડાયેલાં માર્ગરેટ વયમાં મૉમથીયે વરસેક નાનાં છે અને નાનીના દેહાંત પછીનાં આ ચાર વરસોમાં ઘરનાં સઘળાં સૂત્રો સંભાળે છે. પોતે ખ્રિસ્તી છે છતાં ઘરના ઠાકોરજીને પારણાં કરાવવાનું નાનીની જેમ જ કરે છે. તેમના કામમાં ડૅડી પણ ચંચુપાત નથી કરતા. મને તો કેટલા પ્રેમથી સાચવે! તેમને સહજપણે પૂછી શકાય. 

અને અમરનાથ બિઝનેસ-ટૂર પર હતા એ દરમ્યાન આકારે માર્ગરેટને પૂછી લીધું, ‘હેં, આન્ટી, મારી મૉમના મૃત્યુ માટે ડૅડી જવાબદાર છેને?’
‘હેં!’ ચમકી ગયેલી માર્ગરેટ, ‘આવું તને કોણે કહ્યું!’
‘ખુદ ડૅડીએ...’ આકારે સંદર્ભ કહેતાં માર્ગરેટ આંખ મીંચી ગઈ. ઊંડો શ્વાસ લઈને આંખો ખોલી એમાં અનુકંપા વર્તાઈ. માથે હાથ ફેરવીને વાત વાળવાની કોશિશ કરી : ‘વીતી વાતો ભૂલી જવાની હોય, તારા ડૅડી ગુનો કરીને પસ્તાય છે એ કમ છે!’ 
એથી તો બાળકની જિજ્ઞાસા ભડકી : ‘મતલબ, ડૅડીએ કંઈક ખોટું કરેલું ખરું!’ 

તેના હઠાગ્રહને વશ થતાં હોય એમ બીજી-ત્રીજી વારની પૃચ્છાએ માર્ગરેટે ભેદ ખોલવાની ઢબે કહેલું : ‘તારા પિતાને વહેમ હતો... કે તારી માનું તેમના મિત્ર જોડે લફરું છે!’
આકાર સ્તબ્ધ. લફરાનો અર્થ બરાબર સમજાયો : બીજા શબ્દોમાં પિતાને મમ્મીના ચારિત્ર પર ભરોસો નહોતો! હાઉ ડેર હી થિન્ક લાઇક ધૅટ! 
તારાં મધર તો દેવી સ્વરૂપ હતાં... મને તેમણે જ નોકરીએ રાખેલી : તારો ધરમ જુદો છે તો શું થયું, નીયત તો પાક છે! બાકી તારાં મધરની વિદાયે હું સંસારમાં એકલી પડી. મૅડમે મને ઓથ આપી... ગળામાં લટકતા ક્રૉસને કપાળે અડાડીને માર્ગરેટે દુઆ કરી હતી. ‘મે ગૉડ બ્લેસ હર સોલ’ કહીને ઉમેરેલું, ‘મારા આવ્યા બાદ મૅડમ ગર્ભવતી બન્યાં... સી વૉઝ સો હૅપી. બટ યૉર ફાધર...’ 

હળવો નિશ્વાસ નાખીને માર્ગરેટે કડી સાંધેલી, ‘તને કદાચ ખ્યાલ નહીં હોય... તારા પિતાના એક મિત્ર હતા, દિવાકરભાઈ... સંસારમાં એકલપંડો આદમી, કંપનીમાં પાર્ટનર પણ ખરો. ઘરે તેમનો આવરો-જાવરો રહેતો. તારા પિતાજી વેપારના કામકાજ અર્થે ફૉરેન જાય ત્યારેય મિત્રદાવે તે આવતા. એમાં લગ્નનાં છ વરસે મૅડમને એંધાણી રહી એથી ખુશ થવાને બદલે તારા પિતાજી વહેમાયેલા : બારે દા’ડા અહીં રહેતો’તો ત્યારે તને ગર્ભ ન રહ્યો, મારું ટૂરિંગ વધ્યું પછી જ તું કેમ પ્રેગ્નન્ટ થઈ? કોઈ બીજાનું બીજ તો મારા માથે નથી મારતીને!’
માર્ગરેટની જુબાની સાંભળતો આકાર સમસમી ગયેલો : ડૅડી આવો આક્ષેપ કરી જ કેમ શકે? 

‘બેશક, સર અને મૅડમ બન્ને સૂઝવાળાં એટલે બેડરૂમનો ઝઘડો કદી બહાર આવ્યો નહીં, પણ હાઉસકીપિંગમાં મારે બેડરૂમમાં પણ જવું પડે એટલે મારા કાને તેમના વાદ-વિવાદ અફળાતા રહેતા... ખેર, એ જ ભરમમાં તારા ફાધરે દિવાકરને કંપનીમાંથી છૂટા કરી દીધા! અને કુદરતનું કરવું જો આકુ, એના બીજા જ મહિને દિવાકરભાઈ પ્લેન ક્રૅશમાં મૃત્યુ પામ્યા! આઇ શૂડ નૉટ ટેલ યુ, બટ તારા પિતા એથી ખુશ હતા. યામિની મૅડમને કહેતા : તારો યાર કમોતે મર્યોને!’
માર્ગરેટનો સાદ ભીંજાતો : આ બધું મૅડમને પીંખતું. બસ, આનું જ વસમું લાગ્યું. તે સુકાતા ગયાં. પ્રસૂતિ પણ બહુ પીડાદાયક રહી અને સુવાવડ પછી તેમણે ખાટલો છોડ્યો જ નહીં. મહિનામાં તો નબળું પડેલું હૃદય બંધ પડી ગયું!
આકારનાં આંસુ ખરતાં : મા! 

‘હું તને બધો ભેદ કહી ચૂકી છું એવું ભૂલેચૂકે તેમને ન કહીશ, ન જતાવીશ આકાર... નહીં તો સર મને તારાથી, આ ઘરથી દૂર કરી દેશે...’
‘આજે સત્ય કહીને તમે તો મારા લાગણીતંત્રનો આધાર બની ગયાં આન્ટી, તમે દૂર થાઓ એવું હું કંઈ જ ન કરું...’ 
‘ઓહ માય સન!’ આકારને ગળે વળગાડીને માર્ગરેટે ઉમેરેલું, ‘શક્ય છે તારાં મધરના ગયા પછી સરને પોતાનો વહેમ બોદો લાગ્યો હોય, પત્નીને બેવફા માનવાનો ગુનો ડંખ્યો હોય... પણ એથી શું!’  

યસ ડૅડી, તમારું પાપ પરખાયા પછી તમારો પસ્તાવો સાચા દિલનો હોય તો પણ મને સ્પર્શવાનો નહીં! 
નવ વરસની વયે વાળેલી ગાંઠ આજેય ઢીલી નથી પડી, છૂટવી તો હવે અસંભવ છે! 
અમરનાથ તેની કાળજી રાખે, વેપારની અતિવ્યસ્તતા વચ્ચે પણ કદી પેરન્ટ્સ મીટિંગમાં ચૂકે નહીં, વેકેશનમાં દેશ-વિદેશની ટૂર ગોઠવી કાઢે... આકાર તેમની જોડે જાય ખરો, તેમની આમન્યા પણ રાખે; પણ તેનું અંતર પિતાના વહાલથી ભીંજાય નહીં : આ જ તમારી સજા, પિતાને હૃદયથી દૂર રાખું એ જ મારી માનું તર્પણ!
‘આકાર મારા પ્રત્યે ઉષ્માહીન છે એવું તમને નથી લાગતું માર્ગરેટ? તમે તેને કહ્યું તો નથીને...’ પિતાની જાણ બહાર દૂર ઊભો ૧૨ વરસનો આકાર તેમનો ધ્રાસકો અનુભવી શકે. તેને જોઈ શકતાં માર્ગરેટ આંખોથી જ ધરપત પાઠવીને પિતાને કહેતાં સંભળાય : આકુને કહેવા જેવું મને કંઈ યાદ નથી... બની શકે કે તે  માતા માટે હીજરાતો હોય. બાકી તમારી કોઈ ફરિયાદ તેણે ક્યારેય નથી કરી...’  

અઢારની વયે ન રહેવાતાં તેણે અમરનાથને પૂછેલું : ‘ડૅડી, તમારો દિવાકર નામનો કોઈ પાર્ટનર હતો ખરો?’ 
ધારેલું એમ નામ સાંભળતાં જ અમરનાથ ખળભળી ગયેલા : તે ગદ્દારનું નામ ન લઈશ. મિત્રદાવે મેં તેને પાર્ટનરશિપ ઑફર કરી, તેણે આપણી જ કંપનીમાં છેતરપિંડી આચરીને મારી પીઠમાં ઘા કર્યો. આઇ થ્રો હિમ આઉટ! 

કેટલી સ્માર્ટલી મિત્રના માથે બિઝનેસનું ફ્રૉડ થોપીને અંગત દ્વેષ છુપાવી ગયા ડૅડી! આકારને પિતાના ગુનામાં શંકા ન રહી. માએ જે વેઠ્યું એની કલ્પના તેને પિતાથી અળગો રાખતી. ગ્રૅજ્યુએશન પછી બે વરસ લંડનમાં બિઝનેસ મૅનેજમેન્ટનું ભણ્યો ત્યારે ઘરથી દૂર રહેવામાં સુકૂન અનુભવાયું હતું. મિત્રોનું ગ્રુપ તો ત્યાં પણ નહોતું, છતાં મુક્તતા વર્તાતી. બે મહિના અગાઉ પરત થયા પછી એવું લાગ્યું જાણે કશું જ બદલાયું નથી... પિતાનો ગુનો હજીયે ભુલાયો નથી. 
- પણ ક્યાં સુધી આમ જ ચાલશે? 

સવાલ ચુભ્યો હોય એમ આકારે માથું ખંખેર્યું : નો, મૉમના બર્થ-ડેએ કોઈ અણગમતી વાત નહીં! 
ફટાફટ ફ્રેશ થઈને તે ઘરની પાછળના ગાર્ડન તરફ ભાગ્યો : માને બહુ ગમતા રજનીગંધાની કળીઓ ચૂંટવી હતી. 
પણ બગીચામાં પગ મૂકતાં થંભી જવાયું, ઉમંગ પર પણ બ્રેક લાગી ગઈ. સામે જ પિતા દેખાયા. તે પણ નાઇટરોબમાં રજનીગંધાની કળીઓ ચૂંટી રહ્યા હતા. શ્યૉર મૉમ માટે જ!
આકારને જોતાં અમરનાથ જોકે ખીલી ઊઠ્યા : ‘હાય સન, ગુડ મૉર્નિંગ! સવાર-સવારમાં બગીચામાં? ઓહ, મસ્ટ ફોર રજનીગંધા!’
‘યા...’ આકારનો ટૂંકો જવાબ.

‘આજનો સ્ટૉક તો ખતમ થઈ ગયો. યુ ટેક ધીસ. હું બીજાં ફ્લાવર્સ લઈ લઈશ... તારી મૉમને તો ગુલાબ પણ બહુ પસંદ હતાં.’
પિતાએ ધરેલાં ફૂલ લેવા તેના હાથ જોકે લંબાયા નહીં, ‘હું મારી મૉમ માટે જાતે જ ફૂલ ચૂંટીશ.’ 
આકાર આગળ વધી ગયો. તેની દિશામાં જોઈને હાથમાં પકડેલાં ફૂલો પસવારતા અમરનાથ પરાણે મુખ મલકતું રાખીને તેમની રૂમ તરફ વળ્યા અને કિચનની ગ્લાસ-વિન્ડોમાંથી આટલું આ દૃશ્ય જોઈને હાઉસકીપર માર્ગરેટના ચહેરા પર ન કળાય એવો ભાવ પ્રસરી ગયો.

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff