વિઘ્નહર્તા સહવાસ - વિશ્વાસની રમત (પ્રકરણ ૪)

04 September, 2025 12:43 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

અરેનને સહેજે અણસાર નહોતો કે પોતાનો બબડાટ સાવ અનાયાસ કોઈ કામે ડોકિયું કરતી શ્રાવણીના કાને ઝિલાઈ રહ્યો છે!

ઇલસ્ટ્રેશન

‘ગ્રેટ! સાઇનાઇડવાળા લડ્ડુ બાપ્પા સુધી પહોંચી ગયા, હવે એમની પધરામણીએ શ્રાવણીની હોજરીમાં જતાં પણ વાર નહીં!’

લેટેસ્ટ રિપોર્ટ લઈ ખુશ થતા અરેનથી બોલી જવાયું.

તેને પોતાની પીઠ થાબડવાનું મન થતું હતુંઃ આખું મર્ડર મેં ઑફિસમાં બેઠાં-બેઠાં પ્લાન કર્યું. ડાર્ક વેબસાઇટ પર જઈ કામની વ્યક્તિઓને તરાશી ફેક આઇડેન્ટિટીથી સાઇટ થ્રૂ દરેકનો સંપર્ક કરી આખી સપ્લાય ચેઇન તૈયાર કરી; જેનો પહેલો છેડો અંતથી, અંતિમ છેડો આરંભથી અને વચ્ચેના છેડા અંત-આરંભ બેઉથી સાવ જ અજ્ઞાત છે! પાસિંગ ધ પાર્સલની રમત રૂમમાં બેસીને રમાડવી જોખમભરી હતી. જે-તે લોકેશન પર અણધાર્યા સંજોગ ઊભા થાય કે કોઈ ઑપરેટર ઊંડો ઊતરવાનો થયો તો પ્લાન બૂમરૅન્ગ થઈ શકત, પણ એ રિસ્ક મેં લીધું ઍન્ડ લુક, આઇ સક્સીડેડ.

‘બસ, બાપ્પાના આગમન સાથે શ્રાવણીના જીવનનો અંત આવી જવાનો!’

અરેનને સહેજે અણસાર નહોતો કે પોતાનો બબડાટ સાવ અનાયાસ કોઈ કામે ડોકિયું કરતી શ્રાવણીના કાને ઝિલાઈ રહ્યો છે!

lll

બાપ્પાના આગમન સાથે શ્રાવણીના જીવનનો અંત આવી જવાનો!

અરેનના ઝીણા શબ્દો શ્રાવણીના ચિત્તમાંથી હટતા નથી. કાળજે કરવત જેવી ફરે છે, હૈયું લોહીની ધારે
વલોવાય છે.

ના, પોતે બરાબર જ સાંભળ્યું. જે બોલાયું એ મજાક નહોતી, મારી હાજરીના જરા જેટલા અણસાર વિના બોલાયું...

વાય? મેં તમારું એવું તે શું બગાડ્યું અરેન કે તમે મારી હ..ત્યાનું વિચારો? આપણાં બે બાળકો નમાયાં થઈ જશે એનોય વિચાર ન થયો તમને?

પણ તમે ક્યાં બીજાનું વિચારો જ છો? તમે એ અરેન રહ્યા જ નથી જે મને ચાહતા હતા, જેને હું ચાહતી હતી. તમારા બદલાવે હું ભીતર કેટલું સળગતી રહી છું તોય દર વખતે મનને મનાવતી રહી છું, એનું આ જ ફળ?

શ્રાવણીએ દમ ભીડ્યો : નહીં અરેન, આજ સુધી તમે તમારું ધાર્યું કર્યું, હવે શું થશે એનો ફેંસલો હું કરીશ!

lll

‘ગણપતિબાપ્પા... મોરયા!’ 

બુધવારની સવારના શુભ મુરતમાં બાપ્પાની વિધિવત સ્થાપના કરવામાં આવી. વિશાળ બેઠકખંડમાં વિવિધરંગી લાઇટિંગ અને રંગબેરંગી ફૂલોથી સજાવેલા નાનકડા મંડપની મધ્યમાં બનારસી કાપડથી શોભિત ટેબલ પર બાપ્પા બિરાજ્યા છે. કપાળે તિલક, ગળામાં પુષ્પમાળા શોભે છે. ચરણકમળ આગળ અખંડ દીવો, મહેકતી ધૂપસળી અને લાડુનો ભોગ ધરાયો છે. બાળકો ખુશખુશાલ છે. લાલ રંગની સાડીમાં શ્રાવણી ગજબની રૂપાળી લાગે છે.

આ ઘરમાં, આ જીવનમાં શ્રાવણી, આ તારી છેલ્લી પૂજા...

સજોડે બાપ્પાની આરતી કરતી વેળા અરેનના ચિત્તમાં તો આ એક જ વિચાર ઘુમરાય છે. મંગળવારની ગઈ સાંજે શ્રાવણી જાતે જઈ બાપ્પાની મૂર્તિ લઈ આવેલી. વહેલી સવારે આંટો મારી અરેને ખાતરી કરેલી: બેઠકના ચોરખાનામાં મીઠાઈનું પૅકેટ સાબૂત છે! હવે અત્યારે પૂજા પતાવી મહારાજ નીકળે કે મૂર્તિનાં ચરણોમાં શીશ નમાવવાના બહાને હું બાપ્પાની બેઠકનું ખાનુંખોલી અચંબો જતાવીશ. પહેલો લાડુ શ્રાવણીને ધરીશ. એ ખાતાં જ તેના પ્રાણ નીકળી જવાના. બીજા ત્રણ લાડુ ભલે સબૂત તરીકે રહેતા. એનાથી એવું જ સાબિત થશે કે કોઈ અમને ચારેયને ખતમ કરવા માગતું હતું. અમે નસીબજોગે બચ્યાં હોઈએ ત્યારે કોઈને મારા પર શક જવો અસંભવ છે... અને સાઇનાઇડ ક્યાંથી આવ્યું, કોણે પાર્સલ કર્યું એ ગુત્થી પોલીસ ક્યારેય ઉકેલી શકવાની નહીં! બેવફા બૈરીને સ્વધામ પહોંચાડવાની આટલી ફૂલપ્રૂફ યોજના કોઈને સૂઝી ન હોત. બાળકો માને ગુમાવી દુખી થશે, પણ હું તેમનું એવું જતન કરીશ કે તેઓ માને ભૂલી જાય!

અને દક્ષિણા લઈ મહારાજની જોડી રવાના થઈ. બાળકો પ્લેરૂમ તરફ ભાગ્યાં, ‘હું પગે લાગી લઉં,’ કહી અરેન ધડકતા હૈયે મંડપ તરફ વ્હીલચૅર વાળે છે કે...

‘પહેલાં પ્રસાદ લઈ લો.’ કહેતી શ્રાવણીએ જ બેઠકનું ખાનું ખોલી મીઠાઈનું બૉક્સ કાઢી, ખોલી અરેનને ધર્યું, ‘લો.’

અરેનની આંખો ફાટી ગઈ, હૈયુ હાંફવા લાગ્યું.

શ્રાવણી તેની ધૂનમાં જ બોલતી હોય એમ બોલી ગઈ, ‘સવારે બાપ્પાને હાર ચડાવતી વેળા મારું ધ્યાન ગયું કે બેઠકમાં ચોરખાના જેવું ખાનું છે. એમાં જોયું તો મીઠાઈનું બૉક્સ! નગીનભાઈ (મૂર્તિકાર)નું કહેવું પડે... ખાનાની, મીઠાઈની સરપ્રાઇઝ પાછી આપણને કહેતા પણ નથી!’

 અરેનના કપાળે પ્રસ્વેદ બાઝ્યો: મૂરખ, બેઠકની ખાસિયતે તો મેં આ મૂર્તિ પસંદ કરી હતી. આમાં સરપ્રાઇઝ નહીં, મોત હતું... તારા માટે!

‘અરે, મોં ખોલો!’ શ્રાવણીએ લાડુ હોઠે અડાડતાં જ અરેને હાથની થાપટ વીંઝી, ‘એને દૂર રાખ શંખિણી, આમાં ઝેર છે!’

લાડુ દૂર જઈને પડ્યો. અરેને જોયું તો શ્રાવણી જરાય હેબતાઈ કે ગભરાઈ નહીં. જાણે કંઈ બન્યું જ ન હોય એમ બૉક્સમાંથી બીજો લાડુ ઉઠાવી પોતે બટકું ભર્યું : ‘પ્રસાદનો અનાદર ન થાય અરેન, પાપ લાગે!’

ફાટી આંખે અરેન શ્રાવણીને લાડુ આરોગતી જોઈ રહ્યો : આમ તો સાઇનાઇડ જીભે અડે કે માણસ મરી પરવારે, પણ શ્રાવણી તો આખો લાડુ ખાઈનેય ખડે પગે ઊભી છે! એ કેમ બને?

લાડુમાં સાઇનાઇડ ભેળવાયું જ નહીં હોય કે પછી લાડુનું બૉક્સ બદલાઈ ગયું હશે? અરે, શ્રાવણીને મેં શંખિણી કહી લાડુમાં ઝેર હોવાનું કહ્યું એની શ્રાવણી તરફથી કોઈ પ્રતિક્રિયા કેમ આવતી નથી? તેણે સાંભળ્યું નહીં હોય કે તહેવારની ધમાલમાં મારું બોલાયેલું સમજી નહીં હોય?

કે પછી શ્રાવણી કોઈ રીતે મારું કાવતરું જાણી ગઈ હોય ને તેણે જ લાડુનું બૉક્સ બદલી નાખ્યું હોય!

આ શક્યતાએ અરેનને થથરાવી દીધો. તો-તો ઝેરી લાડુનો ઉપયોગ શ્રાવણી મારા પર જ કરે કે બીજું કંઈ!

એ દિવસે અરેને ન કંઈ ખાધું, ન પીધું!

lll

બીજી સાંજે કૃત્રિમ તળાવમાં વિસર્જનની વિધિ સંપન્ન થઈ. બાળકો થોડાં ઉદાસ બન્યાં. તેમને રંગમાં લાવી શ્રાવણી ઘરકામમાં પરોવાઈ.

રાત્રે જમી પરવારી, બાળકોને સુવાડી તેણે દમ ભીડ્યો : હવે નિર્ણયની વેળા આવી ગઈ!

lll

મેઇડને રવાના કરી શ્રાવણીએ બેડરૂમનો દરવાજો વાસ્યો. શ્રાવણીને નજીક આવતી ભાળી અરેન થોડો ગભરાયો, થોડો આવેશમાં આવ્યો : તે મને સાઇનાઇડનું ઝેર આપવા આવી હશે તો...

‘તમે મને શંખિણી કહી, મને સાઇનાઇડ આપવા ધમપછાડા કર્યા... શું કામ?’

ન ઉકળાટ, ન અકળામણ. સીધી નજર, સીધો પ્રશ્ન. મારા અફલાતૂન પ્લાનિંગને પાછી ધમપછાડા કહે છે!

હાથના ટેકે પલંગમાં બેઠા થતાં અરેને દાઝ કાઢી : તારું પાપ તું મને પૂછે છે? પુરુષ તરીકે હું નકામો ઠર્યો એટલે તને ઐયાશીનો અધિકાર મળી ગયો? પ્રેમી સાથે મળી તું મને મારવા નહોતી માગતી? પારકા મરદ સાથે બેશરમ હરકતો કરતાં તને લાજ ન આવી?’

શ્રાવણીએ નિશ્વાસ નાખ્યો : તમે મને આટલી હલકી ધારી, અરેન? માન્યું, આપણાં લવ-મૅરેજ નહોતાં પણ પ્રણય તો અરેન્જ્ડ મૅરેજમાં પણ પુરબહાર પાંગરી જ શકે છે. એ ચાહત તમને હતી, મને હતી પણ દામ્પત્યનો એ પાઠ તમે અક્ષમ બનતાં જ ભૂલી ગયા. અને જાણો છો, ત્યાર બાદ તમારા હૈયેથી મારા હૈયા સુધી શું પહોંચ્યું છે? અપમાન, અવહેલના અને હવે શંકા.’  

 હાંફી ગઈ શ્રાવણી, ‘વહેમનું કોઈ ઓસડ નથી, અરેન.’

‘વહેમ? તો-તો તારી ગેરસમજ દૂર કરવા દે.’ તેણે શ્રાવણી સમક્ષ મોબાઇલ ધર્યો, ‘આ સાંભળ.’

‘આ...હ.. શ્રાવ..ણી.. યુ આર ફૅન્ટૅસ્ટિક.’

ઑડિયો-ક્લિપના ઉદ્ગારોએ શ્રાવણીને થીજવી દીધી.

‘આ ક્લિપ મૉર્ફ નથી, જોઈએ તો કોઈ પાસે ખાતરી કરાવી લે. હું એટલો શંકાઅંધ નથી કે કેવળ મનના વહેમે તને મારવાના ઉધામા કરું. ભલું થજો એ શુભચિંતકનું જેણે પુરાવો મોકલી મને ચેતવ્યો.’

‘તો તેને તમારો હિતેચ્છુ નહીં, હિતશત્રુ માનજો.’ શ્રાવણીનો સાદ ભીનો બન્યો, ‘કેમ કે આવું કંઈ બન્યું જ નથી. હું આપણાં બાળકોના સોગંદ...’

‘ખબરદાર કુલટા, તારા પાપને છાવરવા મારાં બાળકોને વચ્ચે ન નાખ.’

‘તો પછી તમારી શંકાનું મારી પાસે કોઈ સમાધાન નથી. બાકી હું સાચી ન હોત તો તમે મને મારવા ઇચ્છી અને તમારી મનસા તમારા જ મોંએ મારા કાનમાં પડી એ ચમત્કાર મારા વિઘ્નહર્તા દેવે કર્યો જ શું કામ હોત!’

શ્રાવણીએ ક્યાંથી ભેદ જાણ્યો એ અરેનને હવે સમજાયું. સાઇનાઇડવાળા લાડવાનો નિકાલ કરી સાદા લાડવાનું બૉક્સ ગોઠવી તેણે મને કેવો ધક્કે ચડાવ્યો! ચમત્કારનો હવાલો દઈ નીકળી જતી શ્રાવણી પાછળ અરેને દાઝ ઘૂંટી: એક દાવ ખાલી ગયો તો શું થયું, હું ફરી કોઈ નવી બાજી માંડીશ. જોઉં છું, તારો દેવ પણ તને કેટલી વાર બચાવે છે!

જોકે જોવાનું અરેને આવ્યું. સવારે ઊઠ્યો ત્યારે પડખે કવર હતું, કવરમાં પત્ર:

‘પ્રિય અરેન,

ના, મેં સંબોધનમાં ભૂલ નથી કરી. કોઈને કદાચ સવાલ થાય કે જે પુરુષ તમારો જીવ લેવા માગે તે પ્રિય કેમ રહે?

એ પુરુષ પતિ હોય તો રહે, એ પતિ અરેન હોય તો રહે.

હજી પણ જાતને આવું સમજાવતી રહું છું. હૈયાને ઘૂંટાવતી રહું છું. કેમ કે મારે જોડવું છે, તોડવું નથી. માથે બેવફાઈનું લેબલ લઈને તો નહીં જ.

બેશક, હું પણ હાડમાંસની બનેલી છું. કામ-વાસનાથી પરે તો કેમ હોઉં? પણ પરણેતરને એ સુખ પતિ તરફથી હોય એટલી સંસ્કાર-સૂઝ પણ છે મારામાં. એ પણ કહીશ કે મને લલચાવવાના, લપસાવવાના યત્નો પણ થયા. તમારી જ એક્સ મોહિની તરફથી!

(મો..હિ..ની! અરેન સ્તબ્ધ બન્યો. શ્રાવણીને તે સ્કૂલમાં ભટકાઈ. મારી દયા ખાઈ શ્રાવણીને પરપુરુષગમન માટે ઉશ્કેરતી રહી જાણી અરેનના દાંત ભીંસાયા: ના, પોતે મોહિની સાથેનું સ્ખલન ભલે કહ્યું, શ્રાવણી સમક્ષ તેને નામથી કદી ઉલ્લેખી નથી. એ હિસાબે અહીં તેનું નામ વાપરી શ્રાવણી બનાવટ કરે છે એવું ધારી ન શકાય...

અરેને આગળ વાંચ્યું:)

પતિના અક્ષમ થતાં હું પરાયા મરદોને માણતી ફરું એવું મોહિની જેવી બાઈ ભલે ધારે, તમે એવું ધારો એમાં ખરેખર તો તમારું અપમાન છે. તમે એવાં ચોમાસાં મને આપ્યાં છે અરેન કે ભવમાં મને ક્યારેય દુકાળ નહીં કનડે. તમે મને મારા જીવનની અણમોલ સોગાત – બે બાળકો – આપ્યાં. અરેન, એ ઉપકારને કાયાના ચટકામાં ધૂળધાણી કરું એટલી હલકટ હું નથી.

પણ તમારી પાસે તો પુરાવો છે. આપણા માણસ પર ભરોસો ન હોય ત્યારે જ બહારની વ્યક્તિ ફૂટ પાડવામાં ફાવતી હોય છે. બાકી તમે જરા બુદ્ધિ વાપરી હોત તો સવાલ થાત કે જેની પાસે મોબાઇલમાં રતિક્રીડા અવાજરૂપે રેકૉર્ડ કરવાની સવલત હોય તે એને ફિલ્મરૂપેય ઝડપી શકે. એવું નથી થયું, કેમ?

આ સવાલ જાતને પૂછજો અને જે જવાબ મળે એને જ અનુસરજો.

એટલું કહી દઉં કે તમારી પાસે જાતતપાસ માટે મહિનાની મુદત છે. ત્યાં સુધી હું મારા પિયરમાં પણ કોઈને કશું નહી કહું. બંગલે પેસ્ટ કન્ટ્રોલ ચાલે છે એટલે છોકરાઓ જોડે અહીં રહીશ એ બહાનું પપ્પા-મમ્મીને ગળે ઉતારવામાં વાંધો નહીં આવે.

ત્યાર બાદ શું થશે એ મારા વિઘ્નહર્તા દેવ પર જ છોડ્યું છે.

તા.ક: : ફરી મને મારવાનું નહીં વિચારતા એમ લખી હું જીવનદાન માગું છું એમ ન માનશો બલકે તમે હત્યાના જુર્મમાં કાનૂનના સકંજામાં સપડાઓ ને મારાં બાળકો નોધારાં બને એવું ન બને એટલા પૂરતું વિનવું છું.

હજી સુધી તો તમારી અર્ધાંગિની, શ્રાવણી!’

(આવતી કાલે સમાપ્ત)

columnists gujarati mid day mumbai exclusive Sameet Purvesh Shroff