14 August, 2025 03:01 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
અલવિદા!
શિવાલયના ઉંબરે બેઠેલા આશ્લેષનું હૈયું બોઝલ છે.
કેટલી હોંશભેર પોતે ઘરે ગયો હતો! મુખ્ય દરવાજો ઠોકી માની ઊંઘમાં ખલેલ પાડવી નહોતી એટલે ઝાંપો ખોલી સીધો વરંડાના પગથિયે વળ્યો. ધોધમાર વરસાદમાં પૂરેપૂરો ભીંજાઈ ગયેલો. નિયતિ મારા કોરા થવાનીયે રાહ નહીં જુએ... મેડીનાં પગથિયાં ચડતાં કામ દહેકવા લાગેલો, પણ રૂમના દરવાજા સુધી પહોંચાય એ પહેલાં બારીમાંથી નજર અંદર ગઈ અને...
કામાંધ બનેલાં સ્ત્રીપુરુષે બારીનો પડદો ઢાંકવાની પણ જહેમત નહોતી લીધી એમાં પત્નીની બેવફાઈ આંખે ચડી ગઈ!
બીજું કોઈ હોત તો દરવાજો તોડી રંગમાં ભંગ પાડ્યો હોત, પુરુષને પીટ્યો હોત, પત્નીને કુલટા કહી ઘરની બહાર તગેડી હોત...
આશ્લેષથી એવું ન થયું. તેનું ઊર્મિતંત્ર થીજી ગયેલું. તે પગથિયે બેસી પડ્યો. બારી કદાચ પૂરી ઢંકાઈ નહીં હોય એટલે રૂમમાંથી આવતા બેશરમ ઉદ્ગારોનો માર સહેતો રહ્યો. અને એક તબક્કે...
‘મેં ડોશી અને આશ્લેષના અંજામનો પ્લાન વિચારી રાખ્યો છે.’
પુરુષના સ્વરે તે સજાગ થયો: નિયતિ અમને હટાવવાના નિર્ધાર જેટલી તેના આ શૈયાસાથી સાથે આગળ વધી ગઈ?
‘એ બધું પછી, પ્યારના સમયે કેવળ પ્યાર કરવાનો, જોરાવર...’
વધુ સહેવાની શક્તિ ન હોય એમ આશ્લેષ ત્યાંથી નીકળી ગયેલો. કદમ એમ જ ઊપડતા ગયા. જીવને જંપ નહોતો, મનને પ્રતિક્રિયા સૂઝતી નહોતી.
તેં... નિયતિ તેં આવું કર્યું? મેં, માએ તને સદા હથેળીમાં રાખી. તું માની ચાકરીમાં ગામ રહી એથી મારું અંતર તારી આરતી ઉતારતું હતું. તારી તનપ્યાસથી હું બેખબર નહોતો, અરે એટલે તો હું કામના ભારણ વચ્ચેય ગામ આવી જતો, તને ફેરવવાના પ્લાન બનાવતો પણ કદાચ ત્યાં સુધીમાં તું જોરાવરનો વિકલ્પ અપનાવી ચૂકેલી. તારા સંદર્ભ હવે સ્પષ્ટ છે. તારું પતન અહીં નથી અટકતું, તારા પ્રેમી સાથે મળી તું મને, માને મારવાનું વિચારે! આટલી અધમતા? અરે, માને ઠીક કરી આપણી જુદાઈનો અંત આણવા મેં હીરા ચોર્યા.
હીરા!
આશ્લેષ ચમકી ગયેલો: જેને મારે રાજરાણીનું સુખ આપવું હતું તે તો કોઈ બીજાની બાહોંમાં...
ધગધગતો નિસાસો સરી ગયેલો.
સવાલ છે, હવે શું? નિયતિને છૂટાછેડા આપી દઉં? મને, મારી માને મારવાની મનસા રાખનારાઓને સ્વધામ પહોંચાડી દઉં? કે પછી પત્નીની બેવફાઈથી કાપુરુષ ઠરેલો હું આ..પ..ઘાત કરી લઉં?
મારવા-મરવામાંથી છેવટે મરવાનું નક્કી કરી લીધું હોય એમ બજારમાંથી થોડી ખરીદી કરી આશ્લેષ શિવગઢ શિવાલયના રસ્તે વળી ગયો....
અશ્રુ ખાળી આશ્લેષે વિચારમેળો સમેટી સાથેની સામગ્રી પર નજર ટેકવી. મીઠાઈના ડબ્બામાં મૂકેલા બરફીના ચોસલાંઓમાં વાંદા મારવાની દવા ભેળવી દીધી છે, નિયતિને ‘આ શનિ-રવિ નથી આવવાનો’ એવો મેસેજ કરી દીધો છે. પોતાની શોધખોળ મોડી થાય એવું જ તેને જોઈએ છે. ઝેરને પચવાનો સમય તો આપવો પડેને! વાંચીને નિયતિ ‘ઓકે’ લખે છે, પૂછતીયે નથી કે કેમ નથી આવવાના! ખેર, આશ્ળેષે હવે મોબાઇલ સ્વિચ્ડ ઑફ કરી દીધો છે. અને હા, માને સંબોધી અંતિમ ચિઠ્ઠી પણ લખાઈ ચૂકી છે.
પૂનમના અજવાસમાં તેણે વધુ એક વાર કાગળનું લખાણ વાંચ્યું :
વહાલી મા,
તને આ પત્ર મળશે ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. બધું આધુંઅધૂરું છોડીને જાઉં છું. તને અપાહિજ અવસ્થામાં મૂકીને જાઉં છું મા, એ બદલ ક્ષમા કરજે.
પણ શું કરું મા, તારી વહુની બદચલની અસહ્ય છે. અમારી સોહાગસેજ પર જ તેને પરપુરુષ સાથે રંગરેલી મનાવતાં મેં નજરે જોઈ છે. એ દૃશ્યના ઝબકારા મને નપુંસક જેવું ફીલ કરાવે છે મા, તને વધુ તો શું લખું!
પોલીસને પણ માલૂમ થાય કે મારી માનો જીવ જોખમમાં છે, મારી પત્ની તેના યાર જોરાવર સાથે મળી મારી માને મારી નાખવા માગે છે એની ફરિયાદ નોંધી ઘટતું કરશો.
અને હા મા, જતાં પહેલાં મારું એક પાપ પણ કબૂલી લઉં.
(હીરાની અદલાબદલી વિશે વિસ્તારથી લખી આશ્લેષ ઉમેરે છે:)
ઝવેરચંદ શેઠના હીરા મેં શિવગઢના શિવાલયમાં છુપાવ્યા હતા એ હવે મારા પૅન્ટના ગજવામાં મૂક્યા છે. શિવાલયમાં જ હું ઝેર ખાઈ પોઢી જાઉં છું એટલે મારી લાશનુ શું થશે એ જાણતો નથી પણ કોઈ ભલો માણસ મને ભાળશે તો આ ચિઠ્ઠી અને હીરા બેઉ તારા સુધી પહોંચાડશે એમ માની એટલું જ ઉમેરીશ કે હીરા ઝવેરચંદ શેઠને પહોંચાડી મારા વતી માફી માગી લેજે.
આ જન્મે તારી આંતરડી ઠારી નથી શક્યો મા, એટલે આવતા ભવે તારી જ કૂખે જન્મવાનો વાયદો કરીને વિરમું છું.
લિ. તારો કમનસીબ બેટો,
આશ્લેષ!
આખરી અક્ષરે આશ્લેષની પાંપણ છલકાઈ. મારા આપઘાતના ખબરે મા મુરઝાઈ જશે ને નિયતિ સાચાંખોટાં આંસુ સારશે, પછી પોલીસ-ફરિયાદનું જાણી હાયકારો નાખશે: આશ્લેષે બીજા જ કોઈ કારણે આપઘાત કર્યો ને મને વગોવી ગયા! બાકી જોરાવર સાથે મારું કોઈ અફેર નથી!
-તે જે કરશે એ, જીવ, તું હવે મર્યા પછી શું થશે એના વિચાર છોડ. ઝેર ખાવામાં દેર ન કર!
અને આશ્લેષે મીઠાઈનો ટુકડો મોંમાં મૂક્યો એ જ ક્ષણે કેડી આગળ કશોક સંચાર સંભળાતાં તે પોતાની સામગ્રી સમેટી શિવાલયના પાછલા હિસ્સામાં દોડી ગયો: ના, મરતાં પહેલાં મારે કોઈની આંખે ચડવું નથી.
તેના ગયાની બીજી મિનિટે યુગલ શિવાલયના પરિસરમાં પ્રવેશ્યું.
‘આ તમે મને ક્યાં લઈ આવ્યા, અખિલ!’
યુવતીના સાદે બીજો ટુકડો મોંમાં મૂકતાં આશ્લેષ અટકી ગયો. દીવાલની આડશેથી નજર નાખી.
lll
‘આ તમે મને ક્યાં લઈ આવ્યા, અખિલ!’
કેસરના સ્વરમાં થડકો હતો.
આમ તો સાંજે નોકરીએથી છૂટી સીધા શિવગઢ પહોંચવાનું હતું. સવારે વિજયનગરના બસમથકે અખિલે પાકું કરેલું : સાંજે છ વાગાની બસ શિવગઢ થઈને જશે. મેં પૂજારીકાકા જોડે વાત કરી લીધી છે. સંધ્યાકાળે લગ્ન તો નહીં થાય, પણ પૂજારીકાકાને ત્યાં રોકાઈ સવારે તેઓ આપણને પરણાવી દે એટલે બપોરે મુંબઈની બસ પકડી લઈશું.
દિવસભર આનો ખુમાર રહ્યો. જોકે પગાર લેવામાં અખિલને વાર થઈ એમાં છની બસ જતી રહી, નવની બસ પકડી અહીં આવ્યાં તો ખરાં પણ..
સાંકડી કેડીએથી શિવાલયના વળાંકે કદમ વધતાં ગયાં એમ કેસરને મૂંઝવણ થઈ. અહી કેવી નિર્જનતા છે!
એમાં વળી શિવાલયનો પરિસર ખંડેર જેવો દેખાતાં આંખોમાં શંકા સળવળવા લાગી: મંદિર તો વરસોથી અપૂજ રહ્યું હોય એવું અવાવરું છે. અહીં કોઈ લગ્નવિધિ સંભવ નથી. અરે, પૂજારીની ખોલી સુધ્ધાં નથી!
કેસરનો થડકો સ્પર્શતો ન હોય એમ અખિલે તેને ખેંચી : આવી જા, આભ નીચે પોઢી જઈએ! જો, આકાશ આજે ચોખ્ખું છે...
‘તમને શું થયું છે અખિલ? તમારા તેવર મને..’
આનાકાની જતાવતી કેસરને મજબૂતીથી પકડી અખિલે ફર્શ પર લેટાવી ને પોતે તેને લપેટાઈ ગયો: બહુ થયું તારું સતીપુરાણ. આજે તો અહીં જ તારી નથ ઉતારવાનો...
ના, આમાં પ્રેમીની મદહોશી નહોતી, કોઈ કાવતરાખોરનું વહેશીપણું હતું. પ્રણયનું મહોરું ઉતારી ચૂકેલો પ્રીતમ કેવો બિહામણો લાગ્યો! કેસરની ભીતર ઘણું કંઈ એકસાથે તૂટ્યું : પ્યાર, વિશ્વાસ, સમણાં... અખિલને દેવસ્થાનની પણ મરજાદ નહીં?
‘મારે તો તને હોટેલ જ લઈ જવી હતી, પણ મંદિર વિના તું બીજે ક્યાંય રાજીખુશી આવી ન હોત એટલે આ લોકેશન ધ્યાનમાં આવ્યું...’ તે હસ્યો, ‘તારા જેવી સોનપરીને ફસાવવા અમારે કેવા ખેલ કરવા પડે છે!’
ખેલ. અખિલ, તેની ફૅમિલી-સ્ટોરી - બધું તરકટ. આનું અસલી નામ પણ અખિલ નહીં હોય! સાવકી મા દીકરીની શોધમાં આકાશપાતાળ એક નથી કરવાની એ બધું જાણીને જ તેણે બાજી માંડી હોય... અરેરે!
‘મારી પાસે સાયલન્સર ચડાવેલી ગન છે એટલે ચાલાકી કરવાની થઈ તો જાનથી જઈશ.’ કહી અખિલે પોતાની બૅગમાંથી કૅમેરા, બૅટરીથી ચાલતી લાઇટ જેવો સામાન કાઢ્યો એથી કેસરની આંખો વિસ્ફારિત થઈ.
લાઇટ, કૅમેરા ગોઠવી અખિલે ફોન જોડ્યો: યસ, બૉસ. ઑલ સેટ. તમે લાઇવનું સિગ્નલ આપો એટલે અમે શો શરૂ કરીએ.
કેસરનો જીવ ચૂંથાતો હતો.
‘ચાલ, તને કહી જ દઉં.’ શર્ટ ઉતારતાં અખિલે ભેદ ખોલ્યો, ‘અમારી આખી ગૅન્ગ છે. રૂપાળી છોકરીને ફસાવવાની અને તેની સાથેની દરેક રાત નેટ પર હાઈ પ્રીમિયમ લઈ લાઇવ દેખાડવાની. પછી તારી હરાજી થશે.’
‘નહીં!’ કેસરનો પુણ્યપ્રકોપ ઝળકી ઊઠ્યો, ‘હું જીભ કચરી મરી જઈશ પણ તને તાબે નહીં થાઉં.’
એવો જ અખિલે લાફો વીંઝ્યો, ‘કોપરેટ કરેગી તો તેરે કો ભી મઝા આએગા. વર્ના ઑનલાઇન પે લોગ રેપ કો ભી એન્જૉય કરતે હૈં.’
એકાએક કેસરનાં નેત્રો પહોળાં થયાં. એથી ચમકતા અખિલને અંદેશો આવે એ પહેલાં...
સટાક.
પાછળથી માથામાં વીંઝાયેલા ફટકાએ અખિલે હોશ ગુમાવ્યા.
રડતી આંખે કેસર પોતાના તારણહારનાં ચરણોમાં ઢળી: તમને મારા મહાદેવે જ મોકલ્યા!
તે આશ્લેષ હતો.
lll
આના ત્રીજા કલાકે અખિલ સાપુતારાના પોલીસ લૉકઅપમાં હતો. હવે હોશમાં હતો ને સળિયા આડેથી ફરિયાદી જુવાનને ઘૂરતો હતો : છેલ્લી ઘડીએ કેસરનો આ કોણ મદદગાર ફૂટી નીકળ્યો?
‘અખિલ!’
તે ચોંક્યો. જોયું તો કેસર લૉકઅપ આગળ ઊભી છે. તેના ઇશારે અખિલ નજીક ગયો. કદાચ તેનામાં મહોબતનાં બીજ હજી પડ્યાં હોય તો હજીયે વાત વાળી લેવાય એ આશાએ.
‘થૂ!’ કેસર જોરથી થૂંકી. અખિલનું મોં ખરડાઈ ગયું.
ત્યાં પેલો જુવાન (આશ્લેષ) કેસરની પડખે આવી ઊભો રહ્યો.
‘તારા અને તારી ગૅન્ગના દહાડા ભરાઈ ગયા, અખિલ. કાયદો કોઈને છોડતો નથી.’
અને અખિલ ફસડાઈ પડ્યો: પોલીસે મારો મોબાઇલ કબજે કર્યો છે, એના પરથી જ અમારી ગૅન્ગના દરેક ભેદ ખૂલી જવાના, પુરાવા મળી રહેવાના. આવા કેસમાં પોલીસ પૉલિટિકલ પ્રેશર પણ નથી ગણકારતી. બૉસ જર્નાલસિંહ મને જીવતો નહીં છોડે! ઇટ્સ ઑલ ઓવર!
lll
આશ્લેષ-કેસર ઇન્સ્પેક્ટરનો આભાર માની થાણાની બહાર નીકળ્યાં.
‘આશ્લેષ, તમે શિવાલયમાં હાજર ન હોત તો...’ કેસરનો સ્વર ધ્રૂજ્યો, પૂછવાનું સૂઝ્યું: પણ રાતના સુમારે તમે શિવાલયમાં શું કરતા હતા?
એવો જ આશ્લેષ લડખડાયો. હોજરીમાં ગયેલું ઝેર હવે અસર દેખાડતું હતું. આંખે અંધારાં આવતાં હતાં.
‘તમને શું થાય છે, આશ્લેષ?’ કેસર ગભરાણી.
‘કે..સ..ર.. મેં ઝે..ર.. આ..પ..ઘા..ત... હી...રા..’
અને તેણે આંખો મીંચી દીધી... કદાચ હંમેશ માટે!
lll
અડિયલ આશ્લેષ.
રવિવારની સવાર ઊગતા સુધીમાં નિયતિએ આશ્લેષને ગાળો જ દીધી: નથી આવવાનો એવો મેસેજ વહેલો કરી દીધો હોત તો જોરાવર તેના ગામ જવા નીકળત જ નહીંને!
શનિવારની સવારે છૂટા પડતાં પહેલાં જોરાવરે આશ્લેષ-ડોશીને મારવાનો પ્લાન કહેલો: પહેલાં આશ્લેષનો વારો. રાબેતા મુજબ આવતા શનિવારે મુંબઈથી તેને આવતાં મધરાત થવાની... બસમથકેથી તે ચાલતો આવતો હોય છે ને રસ્તો સૂમસામ હોય છે. મારી ઓળખાણમાં એક આદમી છે, રઘુ. અમારા સાહેબોને દારૂ પહોંચાડવા માટે હું તેની મદદ લેતો હોઉં છું. તેને થોડાઘણા રૂપિયા આપીશ તો તે બાઇકની ટક્કરથી એ રાતે આશ્લેષને ખીણમાં ફંગોળી દેશે.
નિયતિએ ડોક ધુણાવેલી: બસમથકેથી ગામની કેડીએ એકબે જોખમી વળાંક છે ખરા. લપસ્યા તો જીવતા ન મળો! આશ્લેષના નસીબમાંય આવું જ મોત હશે!
‘પતિની બારમા-તેરમાની વિધિ કરવા તું ઘરે દીવો કરી કુટુંબીઓ સાથે નદીએ જશે ત્યારે દીવાની જ્યોતથી ઘરમાં આગ ફેલાયાનો દેખાવ સરજી હું ડોશીને જીવતી ભુંજી દઈશ...’
જોરાવરનો પ્લાન તો પર્ફેક્ટ છે. બસ, હવે વહેલો આવે શનિવાર!
એ પહેલાં શું થવાનું છે, શું થઈ ચૂક્યું છે એની નિયતિને ક્યાં ખબર હતી?
(ક્રમશઃ)