રિવેન્જ ગેમ બ્યુટી ડબલ‌ તો ચાલ ટ્રિપલ (પ્રકરણ-૨)

11 March, 2025 01:45 PM IST  |  Mumbai | Lalit Lad

નીલિમાને બેસાડતાં કહ્યું... રાજ કપૂરે તમને જોયાં હોત તો તેમને તમારામાં બીજી નર્ગિસ દેખાઈ હોત!

ઇલસ્ટ્રેશન

‘સર, ડૂ યુ રિયલી થિન્ક... આઇ કૅન ઍક્ટ?’

કિન્નરીના આ શબ્દો સાંભળતાં જ રાજન હૂડા સમજી ગયો કે તીર બરાબર નિશાન પર લાગ્યું હતું. ગેમ શરૂ થઈ ગઈ હતી...

છતાં રાજને જાણે કંઈ સાંભળ્યું જ ન હોય એવો દેખાવ ચાલુ રાખ્યો.

હકીકતમાં તેને કાચના ટેબલમાં કિન્નરીનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતું! કિન્નરી તેની તરફ આશાભરી નજરે જોઈ રહી હતી...

રાજને હજી વધુ ક્ષણો જવા દીધી.

કિન્નરીએ ફરી વાર પૂછ્યું, ‘સર, તમને ખરેખર લાગે છે કે હું ઍક્ટિંગ કરી શકું?’

રાજને ફોન બાજુ પર મૂકતાં ચહેરો ગંભીર કરી નાખ્યો. ‘ઍક્ટિંગ કદી સહેલી નથી હોતી... યુ સી, કોઈ બીજી જ વ્યક્તિની જિંદગીમાં પ્રવેશીને તેની લાગણીઓને અનુભવવાનું કદાચ સહેલું હશે, પણ એ જ લાગણીને એક્સપ્રેસ કરવી... એ હજારમાંથી એક જ વ્યક્તિ સાચી રીતે કરી શકે છે. વન કૅન ટ્રાય, બટ ધેર ઇઝ નો ગૅરન્ટી ઑફ સક્સેસ...’

રાજને જોયું કે કિન્નરીનો ભોળો ચહેરો અચાનક જાણે હોલવાઈ ગયો. બીજી જ ક્ષણે રાજનને થયું કે શું આ એ જ કિન્નરી છે? એ જ કાતિલ, જાલિમ, વિષકન્યા?

કિન્નરી એની ત૨ફ એ રીતે જોઈ રહી જાણે તે ખૂબ પ્રભાવિત થઈ ગઈ હોય. ‘સર, તમે જે થીમ પર કામ કરો છો એમાં પૂરેપૂરા ડૂબી જતા લાગો છો.’

રાજને ખભા ઉલાળીને સ્મિત કર્યું, ‘યાહ, ધૅટ્સ ધ વે આઇ લાઇક ટુ વર્ક...’

‘અચ્છા?’ કિન્નરીએ પૂછ્યું, ‘અત્યારે તમે કઈ થીમ પર કામ કરી રહ્યા છો?’

‘આઇ ઍમ નૉટ શ્યૉર...’ રાજને બેફિકર અદાથી ઉડાઉ જવાબ આપ્યો, ‘જ્યાં સુધી મને મારી હિરોઇનનો ચહેરો સ્પષ્ટ રીતે નહીં દેખાય ત્યાં લગી...’

રાજને વાક્ય અધૂરું મુકીને અચાનક કિન્નરીના ચહેરા તરફ ધારી-ધારીને જોવા માંડ્યું, ‘યુ નો સમથિંગ? જો તમે તમારો આ બોગસ-બનાવટી મેકઅપ ઉતારી નાખો અને તમારા વાળ...’

રાજન અચાનક ઊભો થઈ ગયો, ‘આઇ ઍમ સૉરી. આઇ હૅવ ગોન ક્રેઝી. તમને આવું બધું કહેવાનો મને કોઈ અધિકાર નથી. આઇ હાર્ડ્લી નો યુ. ઍની વે, મારા ૩૫,૦૦૦ યુરો માટે હું ફોન જ કરી લઈશ. થૅન્ક્સ.’

છેલ્લું વાક્ય બોલતાં જાણે રુદનના કારણે નાકમાં પ્રવાહી ધસી આવ્યું હોય એમ તેણે આંગળીથી નાક લૂછ્યું અને ઝડપથી કૅબિનની બહાર નીકળી ગયો.

આ તેની ગેમનો ખરેખર રિસ્કી શૉટ હતો. જો લાગ્યો તો લાગ્યો અને ન લાગ્યો તો...

તે હજી છ-સાત ડગલાં ચાલ્યો હશે ત્યાં પાછળથી કિન્નરીનો અવાજ સંભળાયો, ‘એક્સક્યુઝ મી, સર!’

રાજન અટક્યો. ફરીને પાછળ જોયું. કિન્નરી લગભગ દોડતી તેની પાસે આવી પહોંચી, ‘આઇ ઍમ રિયલી સૉરી સર, મેં કદાચ તમારાં સેન્ટિમેન્ટ્સ હર્ટ કરી નાખ્યાં લાગે છે. આઇ ઍમ રિયલી સૉરી.’

‘ઇટ્સ ઓકે,’ રાજને સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતો હોય એવા અવાજે કહ્યું, ‘વાંક મારો છે. મને દરેક સેન્સિટિવ ચહેરામાં મારી હિરોઇન દેખાય છે.’

‘યુ મીન...’ કિન્નરીની હરણી જેવી ભોળી આંખોમાં ફરી પેલી આશાનો ઝબકારો થયો, ‘મારો ચહેરો..’

‘ઓકે. આપણે એક કામ કરીએ.’ રાજને કહ્યું. ‘કોઈ સારી રેસ્ટોરાંમાં બેસીને વાત કરીએ? મારું આ કાર્ડ રાખો. એમાં મારો બદલાયેલો નંબર છે.’

કાર્ડ આપીને રાજન ચાલતો થયો. તેણે HSBCની ઑફિસ બહાર નીકળતી વખતે પણ પાછળ ફરીને જોયું નહીં.

‘ધ ગેમ ઇઝ ઑન...’ તે બબડ્યો.

lll

રાજને ઘડિયાળમાં જોયું. આઠ વાગી ચૂક્યા હતા. તેણે ‘ખૈબર’ રેસ્ટોરાંના એન્ટ્રન્સ તરફ નજર રાખીને લાઇમ જૂસની નાનકડી ચુસ્કીઓ લેવાનું ચાલુ રાખ્યું, પણ આઠને પાંચ થઈ... આઠને દસ થઈ... સવાઆઠ થયા... કિન્નરીનો પત્તો નહોતો.

છેવટે બરાબર આઠ ને વીસ મિનિટે કિન્નરી ‘ખૈબર’માં પ્રવેશી. તેણે આછા યલો કલરની કૉટનની કુરતી અને પેલ બ્રાઉન કલરનું ટેક્સ્ચર્ડ ટ્રાઉઝર પહેરેલું હતું. ચહેરા પર સાવ નહીં જેવો મેકઅપ હતો. રાજને હાથ ઊંચો કર્યો. કિન્નરીએ એ તરફ જોઈને તરત જ સ્માઇલ આપ્યું.

રાજન મનોમન ખુશ થઈ રહ્યો હતો. ‘જોયું? કેવી રોલના બાટલામાં ફિફીટ થઈ રહી છે!’

‘સૉરી રાજુ સર, આ ટ્રાફિક.’ કિન્નરીએ આવતાંની સાથે માફી માગી.

‘ઓ, ઇટ્સ ઓકે.’ રાજન બેફિકરાઈથી કિન્નરીને બેસવાનો ઇશારો કરતાં બોલ્યો.

‘સર, મીટ માય મૉમ.’ કિન્નરીએ તેની સાથે આવેલી એક વ્યક્તિની ઓળખાણ કરાવી.

એ સાથે જ રાજન ચમકી ગયો!

કિન્નરી તેની મમ્મીને લઈને અહીં આવશે એવી તો તેણે કલ્પના સુધ્ધાં નહોતી કરી. બે ઘડી માટે તે હલબલી ગયો. કિન્નરી સાથે આવેલી પિસ્તાળીસેક વર્ષની સ્ટનિંગ વુમનને જોતો જ રહી ગયો.

તેનું શરીર સહેજ ભરાવદાર હતું. ડીપ ઓશન બ્લુ રંગનું સ્લીવલેસ ટૉપ એ સ્ત્રીના છાતીના ઉભારને વધારે સેક્સી રીતે ઊપસાવી રહ્યું હતું. સાથે ગોલ્ડન એમ્બ્રૉઇડરીવાળો દુપટ્ટો શરીરને ઢાંકવા માટે નહીં, પણ નજરોને નીચે તરફ આકર્ષવા માટે રાખ્યો હોય એમ કમર સુધી લટકી રહ્યો હતો. નીચે જાંઘથી લઈને પગની ગોરી પિંડીઓ સુધી ચપોચપ બ્લૅક કેપ્રી હતી.

અને તેની ઓશન બ્લુ કલરની આંખો... એમાં તો જાણે કંઈ સંમોહન હતું!

સૌંદર્યથી સ્તબ્ધ થઈ ગયેલા રાજનના મગજમાં નસીબજોગે અણીના સમયે ઝબકારો થયો. નીલિમા કટિયાર... એક જમાનામાં આ સ્ત્રીને હિન્દી ફિલ્મની હિરોઇન બનવાના ધખારા હતા! રાજને હવે આંખનો પલકારો પણ માર્યા વિના એકદમ સાહજિક રીતે ફર્સ્ટ-લાઈન ડિલિવર કરી :

‘વેલ... રાજ કપૂર ડાઇડ લિટલ અર્લી!’

‘વૉટ!’ નીલિમા સહેજ હસી.

‘રાજ કપૂર બિચારા જરા વહેલા મરી ગયા.’ રાજને સ્માઇલ આપી નીલિમાનો હાથ પકડીને તેને બેસાડતાં કહ્યું, ‘યુ સી... એ વખતે રાજ કપૂરે તમને જોયાં હોત તો તેમને તમારામાં બીજી નર્ગિસ દેખાઈ હોત!’

નીલિમા હસી પડી. રાજને નીલિમાનો ખીલી ઊઠેલો ચહેરો જોતાં જ ખાતરી થઈ ગઈ કે તેણે અચાનક નવી ચાલુ કરેલી ગેમનું પહેલું મૂવ પર્ફેક્ટ હતું. રાજન એ પણ સમજી ગયો કે એક જમાનામાં પોતે હિરોઇન નથી બની શકી એ અધૂરું સ્વપ્ન નીલિમા તેની દીકરી કિન્નરી દ્વારા પૂરું કરવા માગતી હતી.

‘યુ નો સમથિંગ?’ નીલિમા ઉત્સાહમાં આવી ગઈ, ‘યુ આર અબ્સોલ્યુટલી રાઇટ. હું નર્ગિસની ડાઇ હાર્ડ ફૅન છું. મને તો નર્ગિસજી સપનામાં આવતાં હતાં!’

‘આઇ કૅન ઇમૅજિન.’ રાજને સહજતાથી કહ્યું, ‘પણ એ વખતે તમે મુંબઈ આવીને ફિલ્મલાઇનમાં કોશિશ કેમ ન કરી?’

‘આઇ ટ્રાઇ!’ નીલિમા બોલી ઊઠી, પછી હસી પડી. ‘પણ એ વખતે મને તમારા જેવી નજ૨ ધરાવતા ડિરેક્ટર જ ન મળ્યા, શું કરું?’

ઘડીભર તો રાજનને થઈ આવ્યું કે સાલી, આ નીલિમાને જ બાટલામાં ઉતારી લઈએ! મહિના-દોઢ મહિનામાં તો આ બાઈ કમ સે કમ વીસ-પચીસ લાખ ઢીલા કરી દે. પણ રાજને ડિનર પત્યા પછી પેંતરો બદલ્યો.

‘નીલિમા, આઇ જસ્ટ લવ ટૉકિંગ ટુ યુ. અને... સાચું કહું? હું મારી નવી ફિલ્મની થીમ બદલવા માટે ઑલમોસ્ટ લલચાઈ પણ ગયો છું! બટ નો, મારી નેક્સ્ટ ફિલ્મની હિરોઇન એક ઇનોસન્ટ, પ્યૉર અને એક્સ્ટ્રીમલી સેન્સિટિવ યંગ ગર્લ છે. ઍન્ડ આઇ ઍમ સૉરી, હું એ થીમ બદલવાનો નથી.’

નીલિમાએ પણ સ્માઇલ આપીને આ તક ઝડપી લીધી, ‘યુ મીન ટુ સે કે તમને મારી કિન્નરીમાં એ હિરોઇન દેખાય છે?’

‘દેખાય તો છે...’

‘પણ...’ રાજને અવાજ સિરિયસ કરી નાખ્યો. ‘ચહેરો દેખાવો એક વાત છે અને એ ચહેરો પેલા પાત્રને ખરેખર જીવી શકે એ અલગ વાત છે.’

નીલિમા હજી તેની ડીપ બ્લુ હિપ્નોટિક આંખો વડે તેની તરફ જોઈ રહી હતી. રાજને એ નજર હટાવી લેતાં કહ્યું:

‘હું મારી હિરોઇન ફાઇનલ કરવા માટે એક ઑડિશન પણ રાખવાનો છું. આઇ સજેસ્ટ કે કિન્નરીને તમે એ ઑડિશન માટે મોકલો, પણ મારી બીજી એક સલાહ છે...’

‘શું?’ નીલિમાએ આતુર થઈને પૂછ્યું.

‘મહેરબાની કરીને, ફૉર ગૉડ્સ સેક... તમે તેને કોઈ પણ ઍક્ટિંગ શીખવનાર પાસે ના મોકલતા, પ્લીઝ...’ રાજને કિન્નરી તરફ જોઈને કહ્યું: ‘ હું કિન્નરીને પસંદ કરીશ તો ઍક્ટિંગ પણ હું જ શીખવીશ...’

‘ખૈબર’ના કોતરણીવાળા
ટેબલ-ફાનસના મંદ ઉજાસમાં રાજને જોયું કે કિન્નરી કરતાં નીલિમા વધારે ઇમ્પ્રેસ થયેલી લાગતી હતી.

ગેમ સફળ થઈ રહી હતી...

lll

રાજન હૂડા ઉર્ફે મલયાલમ ફિલ્મ-દિગ્દર્શક રાજુ ક્રિષ્નને જાણી જોઈને છેક અંધેરીના રણજિત સ્ટુડિયોમાં તદ્દન ફટીચર જેવો, ભાગ્યે જ વપરાતો એક નાનો ફ્લોર ઑડિશન માટે બુક કર્યો હતો. ૨૦ ફીટ બાય ૩૦ ફીટના આ ફ્લોરમાં AC પણ નહોતું.

આખરે જ્યારે ઑડિશન માટે આવેલી લગભગ ડઝનેક જેટલી છોકરીઓ વારાફરતી આવી પહોંચી પછી રાજને તેમના પોર્ટફોલિયો જોઈને જે સૌથી ટૅલન્ટેડ લાગતી હતી તેમનાં ઑડિશન્સ લેવાનું શરૂ કર્યું.

રાજન ઉર્ફે રાજુ ક્રિષ્નને થોડા સાઉથ ઇન્ડિયન ઉચ્ચારો સાથે બધાને બ્રીફ આપીઃ ‘અહીં તમારે કોઈ લખેલા ડાયલૉગ નથી બોલવાના, સિચુએશન એવી છે કે તમારો એક અતિશય લાગણીશીલ દોસ્ત, જે તમને મનોમન ખૂબ જ પ્રેમ કરતો હતો, તેણે અચાનક દસ માળના બિલ્ડિંગ પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી નાખી છે... તેની ખોપરી ફાટી ગઈ છે. તેના લોહીનું ખાબોચિયું નજીકની ગટરમાં વહી રહ્યું છે... તમે એ સ્થળે પહોંચો છો... અને એ વખતે તમે તમારી લાગણી કઈ રીતે વ્યક્ત કરો છો? મને એ બતાડો.’

વારાફરતી પર્ફોર્મન્સ શરૂ થયા. અમુક છોકરીઓએ એટલી જબરદસ્ત ઍક્ટિંગ કરી કે ખુદ રાજન હલબલી ગયો, પણ રાજનની નજર માત્ર ઍક્ટ્રેસોના અભિનય પર નહોતી...

તે ત્રાંસી આંખે, વારંવાર, ધારી-ધારીને એ જોઈ રહ્યો હતો કે કિન્નરીના ચહેરા પર શું હાવભાવ આવી રહ્યા છે.

કારણ કે આ હાવભાવ જ રાજનની કોલ્ડ ગેમની મુખ્ય ચાવી હતા...

રાજને જોયું કે ઍક્ટિંગની સિચુએશન સાંભળતાં જ કિન્નરીનો ચહેરો ફીકો પડી ગયો હતો. ત્યાર બાદ જેમ-જેમ તે બીજી ઍક્ટ્રેસોનો અભિનય જોતી ગઈ તેમ- તેમ વધુ ને વધુ નર્વસ થઈ રહી હતી. એક સમયે તો બિચારી પોતાની ખુરશીના બન્ને હાથા જોરથી પકડીને ધ્રૂજી રહી હતી!

થોડાં ઑડિશન્સ પત્યાં પછી અચાનક રાજને મોટા અવાજે કૉલ આપ્યો: ‘કમ ઑન કિન્નરી! ઇટ્સ યૉર ટર્ન!’

આ સાંભળતાં જ કિન્નરી ઝડપથી ખુરશીમાંથી ઊભી થવા ગઈ. પણ હજી તે પૂરી ઊભી થાય એ પહેલાં જ ચક્કર ખાઈને ખરબચડા સિમેન્ટના ફ્લોર પર ફસડાઈ પડી...

ત્રણચાર ટેક્નિશ્યનો ઝડપથી દોડી આવ્યા. બીજી ઍક્ટ્રેસો પણ કિન્નરીની આસપાસ ટોળું વળી ગઈ પણ રાજન તેની ખુરશીમાંથી હલ્યો પણ નહીં.

‘ગેમ વન, ઓવર...’ તે ધીમેથી બબડ્યો.

(ક્રમશઃ)

columnists gujarati mid-day mumbai exclusive