રાણીસાહેબનો આત્મા બંજર ધરતી પર લીલીછમ પ્રેમકહાણી (પ્રકરણ ૨)

05 August, 2025 02:48 PM IST  |  Mumbai | Lalit Lad

માછલીની જેમ ચળકતી તેની ત્વચા જોઈને મારા પર કંઈક જાદુ જેવું થઈ રહ્યું હતું

ઇલસ્ટ્રેશન

રાજસ્થાનના હમીરગઢ નામના એક સાવ નાનકડા ગામથી આઠ કિલોમીટર દૂર આવેલા આ ડાક બંગલાની આસપાસ છેક દૂર-દૂર સુધી માત્ર બંજર જમીન જ હતી.

એમ તો આ ડાક બંગલો કંઈ સરકારી ગેસ્ટ હાઉસ જેવો પણ નહોતો. હકીકતમાં એ કોઈ જૂના જમાનાનો મહેલ હતો.

અહીં સુધી મને મૂકવા આવેલા છકડાવાળા ભુવને મને આ મહેલની અજીબ કહાણી સંભળાવતાં કહ્યું હતું કે ‘અહીં એક રાણીને દીવાલમાં જીવતી ચણી લેવામાં આવી હતી!’

ખેર, હું અહીં આ મહેલના વિશાળ, લાકડાની કોતરણીવાળા, મોટા-મોટા ખીલાથી મઢેલા દરવાજા પાસે તો પહોંચી ગયો હતો પણ...

છકડો સ્ટાર્ટ થવાની ઘરઘરાટી સંભળાયા પછી મેં મારી પીઠ તરફ જોયું તો ચારે બાજુ પથરાયેલી બંજર જમીનમાં પેલો છકડો તો ક્યાંય દેખાયો જ નહીં.

મારા શરીરમાંથી હળવી ધ્રુજારી પસાર થઈ ગઈ. મનમાં થયું કે અહીં માત્ર એક રાણીનો પ્રેતાત્મા નહીં, એ સિવાય પણ કંઈક બીજું ઘણુંબધું રહસ્યમય છે.

લાકડાના દરવાજા પર મને જે મોટું લોખંડનું કડું દેખાતું હતું એને પકડીને મેં બે-ત્રણ વાર જોરથી પછાડ્યું. થોડી ક્ષણો પછી એ દરવાજો કિચૂડ અવાજ સાથે ખૂલ્યો, પણ દરવાજાની પાછળ મને કોઈ દેખાયું જ નહીં!

ફરી એક વાર મારી છાતી એક ધબકારો ચૂકી ગઈ! પરંતુ બીજી જ ક્ષણે એ દરવાજા પાછળથી એક પડછંદ માણસ બહાર આવ્યો.

પૂરા સાડાછ ફુટની મજબૂત અને કસાયેલી કાયા, કાળો ડિબાંગ ચહેરો, એનાથી પણ કાળી ભમરાળી લાંબી દાઢી અને મોટી-મોટી મૂછો, આંખોમાં જાણે છ-છ રાતના ઉજાગરા કર્યા હોય એવી લાલાશ હતી.

તેના હાથમાં લાંબી કડિયાળી ડાંગ હતી. માથે કંઈ બાવીસ આંટાવાળી પાઘડી હતી અને શરીરે મેલું અંગરખું હતું. તેણે લાલઘૂમ આંખો વડે મને પગથી માથા સુધી નજર નાખીને જોયો.

‘ક્યૂં આએ હો?’

મેં થોડી હિંમત ભેગી કરીને કહ્યું, ‘યે ડાક બંગલા હૈ ના? મૈં યહાં રહને આયા હૂં.’

પેલો પડછંદ માણસ મને ધારી-ધારીને જોતો રહ્યો. પછી પોતાની લાંબી મૂછ પર હાથ ફેરવતાં બોલ્યો, ‘કલેક્ટર કી ચિઠ્ઠી કે બિના યહાં કોઈ નહીં રહ સકતા.’

‘લાયા હૂં.’ મેં તરત જ કહ્યું. ‘કલેક્ટર કી ચિઠ્ઠી લાયા હૂં.’

હવે તેની નજર જરા નરમ પડી. ‘ઠીક હૈ, આ જાઓ.’ તે બોલ્યો.

પછી પીઠ ફેરવીને તે અંદરની તરફ ચાલવા લાગ્યો. મેં કહ્યું, ‘યે મેરા સામાન...?’

મારી વાત તો તેણે સાંભળી જ નહીં. તે અંદરની બાજુ ડગલાં ભરતો જઈ રહ્યો હતો. હું હજી ત્યાં જ, લાકડાના વિશાળ દરવાજા પાસે જ ઊભો રહી ગયો...

બહારથી જે ઝાંખા પીળા પથ્થરનો ભવ્ય મહેલ જેવો દેખાતો હતો એ અંદરથી તો સાવ જુદો જ નીકળ્યો. અહીં અંદરના પથ્થરો પર કાળાશ ફરી વળી હતી. દરવાજા સામે ખુલ્લો ચોક હતો જેની ફર્શ પર જડેલી લાદીઓ ઠેર-ઠેરથી તૂટી ગયેલી દેખાતી હતી.

ચોક પૂરો થાય પછી સામે જે હતું એ ‘મહેલ’ નહીં પણ ‘હવેલી’ કહી શકાય એવું જ હતું. પહોળી પરસાળના એક ખૂણે કાળી કાથી ભરેલો ખાટલો પડ્યો હતો. ખાટલાની આસપાસ બે-ચાર પિત્તળ-તાંબાનાં વાસણો હતાં. એક દોરી પર લૂગડાં લટકતાં હતાં જેમાં એક ધોતિયું અને એક ચૂંદડી ઉપરાંત બે ચાદર હતી.

એ જ ખૂણામાંથી ધુમાડો નીકળી રહ્યો હતો જે ફેલાઈને હવેલીની ઉપર તરફ જતાં પગથિયાં તરફ જઈ રહ્યો હતો.

મેં જેમતેમ કરીને મારી બન્ને બૅગ ઉપાડી, કૅમેરા ખભે લટકાવ્યો અને અંદર દાખલ થયો. પેલો પડછંદ માણસ આગળ પગથિયાં પાસે જઈને અટકીને ઊભો હતો.

મને થતું હતું. ‘કમાલનો માણસ છે? મારો સામાન પણ ઊંચકતો નથી?’ પરંતુ મેં પૂછ્યું કંઈ બીજું, ‘યહાં નીચે કોઈ કમરા ખાલી નહીં હૈ?’

‘નીચે ચામાચીડિયાં રહે છે.’ તે રૂક્ષ અવાજે બોલ્યો. ‘ઉપર આવી જાઓ. અહીં રાજકુમાર માટેનો ખંડ છે. મહેમાનો એમાં જ રહે છે.’

રાજકુમાર? મને મારી જાત પર જરા હસવું આવી ગયું. ક્યાંનો રાજકુમાર? મારો સામાન મારે જાતે ઉપાડવો પડે છે. આ ચોકીદાર જેવો માણસ મને મચ્છરની જેમ ટ્રીટ કરે છે અને હું આ બંજર જમીનની વચ્ચે આવેલી નાનકડી હવેલીનો એકમાત્ર મૂરખ મહેમાન છું જે અહીં ‘ફોટોગ્રાફી’ કરવા આવ્યો છે! ચલો, દેખતે હૈં આગે-આગે હોતા હૈ ક્યા...

પરંતુ તૂટેલા સંગેમરમરના પથ્થરવાળાં પગથિયાં ચડીને હું જેવો તે રાજકુમારની રૂમમાં દાખલ થયો કે સાવ દંગ રહી ગયો!

છત પર લટકતાં ભવ્ય ઝુમ્મરો, વિશાળ કોતરણીવાળા સોફા, અતિશય બારીક કારીગરીવાળી કાર્પેટો, ઊંચી-ઊંચી બારીઓ પર ઝૂલી રહેલા ભારેખમ રેશમી પડદા...

આ જોઈને હું મનોમન બોલી ઊઠ્યો, ‘વસૂલ છે બૉસ!’

ખરેખર વસૂલ હતું! કેમ કે મુંબઈમાં મારા દોસ્તો મારી મજાક ઉડાવી રહ્યા હતા કે ‘સાલા, પાગલ થયો છે? અમારી સાથે ગોવા જઈને જલસા કરવાને બદલે તારે કોઈ રણમાં જઈને ફોટો પાડવા છે? અલ્યા, શેના ફોટો? રેતીના?’

પણ ક્યા બાત હૈ! મને ફાઇનલી ખાતરી થવા લાગી હતી કે હું બિલકુલ સાચી જગ્યાએ આવ્યો છું...

lll

આ રાજસ્થાનના રણપ્રદેશની આબોહવા મુંબઈથી સાવ અલગ હોય છે. અહીં બપોરે બળબળતી ગરમી હોય છે, પરંતુ જેવી સાંજ પડવા લાગે કે તરત મસ્તમજાનો ઠંડો પવન આવવા લાગે છે. અહીં રેગિસ્તાનની રાતો તો ઑર ઠંડી હોય છે અને સવાર? આહા... એનો મિજાજ પણ અલગ જ હોય છે.

હું સાંજે ચારેક વાગ્યે મારાં કપડાં વગેરે બદલીને, મારી કૅમેરા-બૅગ ખભે ભરાવીને નીચે ઊતર્યો ત્યારે મહેલના દરવાજાની બહાર એક ઊંટ મારા માટે ઊભું હતું. સાથે એક માણસ પણ હતો. મારા પિતાજીના મિત્ર, જે અહીંના કલેક્ટર હતા તેમણે આ વ્યવસ્થા કરાવી હતી.

ઊંટ પર સવાર થઈને હું નીકળી પડ્યો.

જેમ-જેમ સાંજ પડતી ગઈ તેમ-તેમ પ્રકાશનો રંગ બદલાતો ગયો. શરૂઆતમાં થોડો પીળાશ પડતો, પછી તાંબાવરણો અને છેલ્લે બિલકુલ સોનેરી!

હું અહીંના રણની રેતીમાં બનેલી જાતજાતની પૅટર્નના ફોટોગ્રાફ્સ પાડતો રહ્યો. ઊંટવાળો મને કહેતો હતો કે અહીં સતત પવન ફૂંકાવાને કારણે રણમાં રેતીની ટેકરીઓ રોજ પોતાની જગ્યા બદલતી રહે છે! આના કારણે રણમાં જો વધારે અંદર જાઓ તો ભલભલા ભોમિયા પણ રસ્તો ભૂલી જતા હોય છે.

જોકે મને સહેજ પણ અંદાજ નહોતો કે આજે મારી સાથે પણ એવું જ કંઈક થવાનું છે!

હું કલાકો લગી રણના સૌંદર્યને મારા કૅમેરામાં કંડારતો રહ્યો. છેક મોડી સાંજે જ્યારે લાલચોળ બની ગયેલો સૂરજનો ગોળો ક્ષિતિજની પેલી પાર ધીમે-ધીમે ઊતરી રહ્યો હતો એ જ વખતે મને મારા કૅમેરામાં એક સ્ત્રીનો આકાર દેખાયો. તે એક ટેકરી પરથી ધીમા પગલે નીચે ઊતરી રહી હતી.

મેં તરત જ મારો સવા ફુટનો ટેલિસ્કોપિક લેન્સ મારા કૅમેરામાં લગાડ્યો... અને હું ચકિત થઈ ગયો! તે સ્ત્રીનું સૌંદર્ય અદ્ભુત હતું!

હતી તો તે કોઈ ગામઠી સ્ત્રી જ; પરંતુ તેની માંજરી આંખો, ગુલાબની કળી જેવા હોઠ, કપાળ પરથી ફરકી રહેલી રેશમી વાળની લટો, કડક છતાં લચકતી મુલાયમ કાયા, નાગણની જેમ સરકતી તેની ચાલ અને કોઈ ડાર્ક માછલીની જેમ ચળકતી તેની ત્વચા... આ જોઈને મારા પર કંઈક જાદુ જેવું થઈ રહ્યું હતું!

હું ફોટો પાડતો-પાડતો તેના તરફ આગળ વધતો રહ્યો. તે સ્ત્રી મારી હાજરીથી બિલકુલ બેખબર હતી. તે ધીમા અવાજે કોઈ રાજસ્થાની લોકગીત ગાઈ રહી હતી.

હું હવે તેની બિલકુલ નજીક પહોંચી ગયો હતો. મારા પગ નીચે સરકી રહેલી રેતીનો અવાજ સાંભળીને તે ઊભી રહી ગઈ. તેણે તેની હંસ જેવી ગરદન ફેરવીને મારી તરફ જોયું.

હું તેની માંજરી આંખોથી ‘મેસ્મેરાઇઝ’ થઈ રહ્યો હતો... મને એમ હતું કે તે કંઈક બોલશે, પરંતુ તે મીણની પૂતળીની માફક સ્થિર ઊભી હતી.

ક્ષણો પસાર થતી રહી. પછી જાણે તેણે મને આંખથી એવો ઇશારો કર્યો કે ‘આવો મારી પાછળ...’ અને હું કોઈ અદૃશ્ય દોરી વડે બંધાઈને તેની પાછળ-પાછળ ચાલવા લાગ્યો.

મને ખરેખર ખબર નથી કે હું આ રીતે તેની પાછળ-પાછળ ક્યાં સુધી ચાલતો રહ્યો, પણ જ્યારે તે ઊભી રહી ત્યારે જ મેં આજુબાજુ જોયું...

આવી જગ્યા તો કોઈ સ્વપ્નમાં જ હોઈ શકે! અહીં એક નાનકડું તળાવ હતું, જેના તળિયામાંથી નીલવર્ણો પ્રકાશ આવી રહ્યો હતો! તળાવની ચારે બાજુ સફેદ રંગના જે ઊંચા-ઊંચા ખરબચડા પથ્થરો હતો એના પર આ નીલવર્ણા પ્રકાશ વડે પાણીની લહેરોના આકારો રમી રહ્યા હતા.

હવે તે ચાલીને મારી નજીક આવી ગઈ. મારી આંખોમાં આંખો પરોવીને તે લગભગ શ્વાસ લેતી હોય એવા ધીમા અવાજે બોલી, ‘અબ વાપસ કૈસે જાઓગે બાબુ?’

‘હેં?’

મારા મોંમાંથી આ એક જ અક્ષર નીકળ્યો. હું હજી સ્વપ્નમાં જ હોઉં એ રીતે જાણે રેતીથી એક વેંત અધ્ધર ‘તરી’ રહ્યો હતો.

હજી હું આગળ કંઈ વિચારું કે બોલું ત્યાં તો એક જ ક્ષણમાં આખો નીલવર્ણો નજારો ગાયબ થઈ ગયો!

હવે મારી ચારે તરફ નર્યો કાળો ડિબાંગ અંધકાર હતો...

(ક્રમશઃ)

columnists gujarati mid day mumbai exclusive