વેશ્યા કી મૌત (વાર્તા સપ્તાહ- પ્રકરણ 2)

23 November, 2021 07:20 AM IST  |  Mumbai | Rashmin Shah

પાંચમા ડગલે જ હરિસિંહે નિર્ણય કરી લીધો. ધીમે-ધીમે વિખેરાતી જતી પોલીસ-ટુકડીએ મોજડી ઉતારવા માંડી.

વેશ્યા કી મૌત (વાર્તા સપ્તાહ- પ્રકરણ 2)

‘જબ તક ઇશારા ના મિલે, કોઈ 
સામને નહીં આયેગા...’ જીપ છોડતી વખતે હરિસિંહ જનકાંતે છેલ્લી સૂચના આપી દીધી.
પોલીસ-પલટન ચાર ટુકડીમાં વહેંચાયેલી હતી. ચારમાંથી બે ટુકડીને લઈને હરિસિંહે આગળ વધવાનું હતું, તો બીજી બે ટુકડી સાથે સબ-ઇન્સ્પેક્ટર લોકે રહેવાના હતા.
‘સા’બ, અગર આપ કહતે હો તો મૈં આને કે લિએ તૈયાર હૂં.’ કૉન્સ્ટેબલ ઉદય પવારે રસ્તામાં જ હરિસિંહને મોબાઇલ પર પૂછ્યું હતું.
‘ના, જરૂર નથી લાગતી, પણ...’ હરિસિંહે જીપના મિરરમાંથી પાછળ આવતી જીપ જોઈ લીધી, 
‘તમને લોકેનું ટેન્શન છેને?’ 
ઉદય હરિસિંહનું મન કળી ગયો હતો એટલે બીજા છેડેથી પોતાના સિનિયરને વિનાસંકોચ પૂછી પણ લીધું હતું.
‘હંઅઅઅ પણ, ઠીક છે.’ હરિસિંહે જીપમાં બેઠેલા બીજા સ્ટાફને ધ્યાનમાં રાખીને વાત ટૂંકાવી, ‘એન્જૉય યૉર સેલ્ફ...’
વાત માત્ર છોકરીઓની લેવડ-દેવડની હતી, પણ હરિસિંહની સિક્સ્થ સેન્સ કહેતી હતી કે એ અધૂરી માહિતી છે. બાતમીદારે રમત કરી છે એવું તેમનું માનવું નહોતું, પણ હા, તેને લાગતું હતું કે ઇન્ફૉર્મર પાસે અડધી જ ઇન્ફર્મેશન પહોંચી છે.
નક્કી કર્યા મુજબ ઓરેવા કૉમ્પ્લેક્સના પાછળના ભાગેથી હરિસિંહ0માં ન આવે. ઓરેવાના આગળના ભાગને લોકેએ સંભાળી રાખવાનો હતો.
‘લોકે, માઇન્ડ વેલ, ફાયરિંગ નથી કરવાનું.’ 
‘યસ, સર.’ લોકેએ સૅલ્યુટ કરી, ‘ઑર્ડર નોટેડ...’
‘એવરીવન ઑલ ધ બેસ્ટ.’ 
હરિસિંહે બધા સામે જમણા હાથનો થમ્બ કર્યો અને સૌથી પહેલાં આગળ વધ્યા.
વાઇટ ધોતી અને ઝભ્ભામાં હરિસિંહ ડિટ્ટો રાજસ્થાની લાગતા હતા. ધોતી-ઝભ્ભો બીજા પોલીસમૅનને કનડતાં હતાં, પણ હરિસિંહને આ પહેરવેશથી કોઈ તકલીફ નહોતી. ગુજરાતમાં તેમણે અનેક વાર આ પહેરવેશ પહેર્યો હતો. વતન જાય ત્યારે પણ તેઓ ધોતી પહેરીને જોઈ લેતા કે ધોતીની પાટલી વાળવાનું વીસરાઈ તો નથી ગયુંને.
‘ચપાક... ચપાક...’
પગમાં પહેરેલી મોજડીનો અવાજ સૂમસામ રસ્તા પર દેકારો કરતો હતો.
‘મોજડી કાઢી નાખો.’ 
પાંચમા ડગલે જ હરિસિંહે નિર્ણય કરી લીધો. ધીમે-ધીમે વિખેરાતી જતી પોલીસ-ટુકડીએ મોજડી ઉતારવા માંડી.
‘એક મિનિટ...’ હરિસિંહ એકાએક પાછળ ફર્યા, ‘ત્રણ વ્યક્તિ મોજડી પહેરી રાખે.’
બધાને ઉઘાડા પગે જોઈને કોઈને પણ શંકા જઈ શકે એવું લાગતાં હરિસિંહે ત્રણ જણને મોજડી પહેરવાનો આદેશ આપ્યો, પણ આદેશ આપતી વખતે તેમને ખબર નહોતી કે એ ત્રણ મોજડીઓ થકી એવી ભૂલ થશે જેનો પસ્તાવો આખી જિંદગી અકબંધ રહેશે.
lll
ઓરેવા કૉમ્પ્લેક્સની બરાબર પાછળના ભાગમાં આવેલો ગેટ ખુલ્લો જોઈ હરિસિંહને નવાઈ લાગી. સવાર સુધી આ દરવાજે કાટ લાગેલું સદીઓ જૂનું કહી શકાય એવું તાળુ હતું અને અત્યારે, આ ક્ષણે એ જ દરવાજો ખુલ્લો હતો.
હરિસિંહ દરવાજાની નજીક આવ્યા.
‘સ્ટૉપ...’ 
એક કૉન્સ્ટેબલ દરવાજો ખોલવા જતો હતો, પણ હરિસિંહે હાથના ઇશારે તેને રોક્યો.
સવારે તેણે જ આ દરવાજે કાટ જોયો હતો. તાળું ભલે ખૂલી ગયું, પણ જો દરવાજે કાટ અકબંધ રહ્યો હોય તો એ મિજાગરાં અવાજ કર્યા વિના રહે નહીં અને અત્યારે અવાજ આવે એ કોઈને પોસાય એમ નહોતું.
હરિસિંહે આજુબાજુ નજર કરી. 
ઓરેવા કૉમ્પ્લેક્સના આ પાછળના દરવાજાની બરાબર સામે આવેલા બિલ્ડિંગની દીવાલ પાસે લારી પડી હતી. જો લારી ખસેડીને ઓરેવાની દીવાલ સુધી લઈ આવવામાં આવે તો ઓરેવામાં દાખલ થવું સરળ થઈ જાય.
હરિસિંહ લારી પાસે આવ્યા. કોઈ ઉપાડી ન જાય એવા હેતુથી લારીનાં આગળનાં બન્ને ટાયર સાંકળથી બાંધવામાં આવ્યાં હતાં. હરિસિંહે હાથનો ઇશારો કરી સાથે રહેલા બે કૉન્સ્ટેબલને નજીક બોલાવ્યા. હરિસિંહ સાથે કુલ ૬ કૉન્સ્ટેબલ હતા. આ ૬માંથી બે કૉન્સ્ટેબલ સાથે આવ્યા હતા, તો બાકીના ચાર કૉન્સ્ટેબલ બૅકઅપ સાથે પાછળથી દાખલ થવાના હતા.
 ‘ઉઠાઓ...’ 
હાથના ઇશારે જ કૉન્સ્ટેબલને લારી ઉપાડવા માટે હરિસિંહે કહ્યું એટલે બન્ને કૉન્સ્ટેબલ એક બાજુ ગોઠવાયા અને સામા છેડે હરિસિંહ ગોઠવાયા.
લારી ઊંચકતાં પહેલાં હરિસિંહે ઓરેવા કૉમ્પ્લેક્સ તરફ નજર કરી લીધી. બિલ્ડિંગના ડાબા ખૂણે બીજા માળે એક ઑફિસમાં લાઇટ ચાલુ હતી. જોકે બારી અંદરથી બંધ હતી એ પણ જોઈ શકાતું હતું.
‘ઉઠાઓ...’
ઉપરની દિશા તરફ હરિસિંહે હાથ ઊંચો કર્યો એટલે બન્ને કૉન્સ્ટેબલે તેમની સાઇડની લારી ઊંચકી. એક બાજુથી લારી ઊંચી થઈ કે તરત હરિસિંહે પણ પોતાની તરફથી લારી ઉપાડી લીધી.
બરાબર એ જ સમયે, જે સમયે લારી ઉપાડીએ જ સમયે એક કૉન્સ્ટેબલ શેરીમાં દાખલ થયો.
સાહેબ લારી ઉપાડે છે એ જોઈને કૉન્સ્ટેબલ હરખપદૂડો થઈને હેલ્પ કરવાના હેતુથી હરિસિંહ તરફ દોડ્યો.
ઓરેવા કૉમ્પ્લેક્સની એ ગલીમાં અંધારું હતું, પણ રસ્તા પરથી આવતા લાઇટના આછા પ્રકાશને કારણે શેરીમાં ઊભેલી વ્યક્તિને અંદર આવતી વ્યક્તિનો અણસાર નહોતો આવતો, પણ શેરીમાં દાખલ થનારાને અંદર ઊભેલી વ્યક્તિનો અણસાર આવતો.
‘ચપાક... ચપાક... ચપાક...’
કૉન્સ્ટેબલની એ ધીમી દોડને કારણે ગલીમાં મોજડીનો અવાજ ગાજવા માંડ્યો.
મોજડીના એ અવાજ વચ્ચે અંતર ઘટ્યું એટલે અંધારી ગલી વચ્ચે ઊભેલા હરિસિંહ સમજી ગયા કે આવનારા કૉન્સ્ટેબલે હવે ઝડપથી પગ ઉપાડવા માંડ્યા છે.
હવે સવાલ એ હતો કે કેવી રીતે તેને કહેવું કે ‘ગધેડા, તારી મોજડી દેકારો કરે છે.’
હરિસિંહ જનકાંતે ચહેરાના હાવભાવથી લારીની સામે ઊભેલા બન્ને કૉન્સ્ટેબલને લારી નીચે મૂકવા કહ્યું. લારી જેવી નીચે મુકાઈ કે તરત જ હરિસિંહ આવનારા કૉન્સ્ટેબલ તરફ મોજડીનો અવાજ બંધ કરાવવા માટે ભાગ્યા. જોકે એ સમયે હરિસિંહને ખબર નહોતી કે ઓરેવાના ડાબા ખૂણે આવેલી સેકન્ડ ફ્લોરની ઑફિસમાંથી કોઈક તેમને જુએ છે.
‘અલ્તાફ, કુત્તે આયે હૈં...’
lll
સામેથી હરિસિંહને દોડતા આવતા જોઈને કૉન્સ્ટેબલ ઊભો રહી ગયો. 
‘ઉતાર યે...’ 
હરિસિંહની નજર ઓરેવા કૉમ્પ્લેક્સના બીજા માળ તરફ હતી, પણ કૉન્સ્ટેબલે તરત આદેશનું પાલન કર્યું અને ઝડપથી પગ ઝાટકીને મોજડી કાઢી નાખી.
લારી લઈને ઊભેલા કૉન્સ્ટેબલને આ કોઈ દૃશ્ય દેખાતું નહોતું.
લારી સાથે ગલીની વચ્ચે ઊભા રહેવાને બદલે તેમણે ઓરેવાની દીવાલની આડશ લઈ લીધી હતી. હરિસિંહના મનમાં પ્લાન ક્લિયર હતો કે એક વખત ઓરેવા કૉમ્પ્લેક્સમાં દાખલ થવું અને દાખલ થઈને દરેક ફ્લોર ચકાસી લેવો. ૮ ફ્લોરના કૉમ્પ્લેક્સમાં સીધો જ કોઈ ઑફિસ પર હલ્લો કરવો હિતાવહ નહોતો. જોકે હરિસિંહનું એ પ્લાનિંગ મનમાં જ રહી જવાનું હતું. અરે, ઓરેવામાં દાખલ થાય એ પહેલાં જ કોઈ તેમને અટકાવી દેવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.
lll
‘ચાચાજાન, દૂં ક્યા...’ 
અલ્તાફ ચાચાજાન સાથે સેકન્ડ ફ્લોર પર જ હતો, પણ ફરક એટલો હતો કે જે ઑફિસની લાઇટ ચાલુ હતી એ ઑફિસ પછીની ત્રીજી ઑફિસમાં એ લોકો હતા. ઑફિસની લાઇટ બંધ હતી એટલે હરિસિંહ કે પછી તેમની ટીમના કોઈ મેમ્બરનું ધ્યાન એ ઑફિસ તરફ ખેંચાયું નહોતું. જ્યાં છીએ એના કરતાં થોડા અંતર દૂર લાઇટ ચાલુ રાખીને ગેરમાર્ગે દોરવાનો અલ્તાફનો વિચાર પણ અહીં સફળ થયો હતો.
‘ના અલ્તાફ...’ ચાચાજાને બારી પાસે ઊભેલા અલ્તાફનો હાથ સહેજ ખેંચ્યો, ‘કુત્તોં કો પહલે ભોંકને દો. ભોંકેગા તભી તો ચાર ઔર જાગેંગે.’ 
સલીમ ખાને અલ્તાફનો પક્ષ લીધો.
‘અલ્તાફ, તુ યે સબ લે કે યહાં સે નિકલ.’ 
ચાચાજાનને સલીમની વાત ગળે ઊતરી એટલે તેણે પણ અલ્તાફને નીકળી જવાની સૂચના આપી અને સાથોસાથ કહ્યુ,
‘તુ અપને સાથ મુશ્તાક કો રખના...’
‘જી...’ અલ્તાફે ઊભા થઈ ચાચાજાનના હાથમાંથી થેલી લીધી, ‘ખુદા હાફિઝ...’
‘ફતેહ કરો, અલ્લાહ તુમ્હારે સાથ હૈ.’ ચાચાએ અલ્તાફના ગાલે એક ચૂમી ભરી, ‘સબ ખૈરિયત રહે...’
અલ્તાફે મુશ્તાકનો હાથ પકડ્યો. ૧૨ વર્ષનો મુશ્તાક બહેરો હતો.
મુશ્તાકની બહેન અલ્તાફના મોટા ભાઈ સાથે ઉપરના ફ્લોર પર ગઈ હતી. અલ્તાફે હાથ પકડ્યો એટલે આનાકાની વિના મુશ્તાક તેની સાથે ચાલવા માંડ્યો.
મુશ્તાકના મનમાં હતું કે બહેન આવી ગઈ હશે એટલે હવે તેણે ઘરે જવાનું છે.
મુશ્તાકે ખુદા હાફિઝની અદાથી હાથ છાતી સુધી લીધો.
‘અબે હટ સાલે, રંડી કે ભાઈ...’
સલીમે છણકો કર્યો એટલે મુશ્તાકે મનોમન ધારી લીધું કે તેણે ફક્ત ચાચાને ખુદા હાફિઝ કર્યું એટલે સલીમમિયાં ગુસ્સો કરે છે.
મુશ્તાકે ભૂલ સુધારી અને સલીમમિયાંને પણ ખુદા હાફિઝ કર્યું.
આ મુશ્તાકનું જ નહીં, અલ્તાફનું પણ અંતિમ ખુદા હાફિઝ હતું.
lll
‘ચલો બચ્ચોં, અબ કુત્તોં કો મઝા ચખાતે હૈં...’
પાંચેક મિનિટ પસાર થઈ એટલે ચાચાએ બારીના કાચમાંથી ડોકિયું કર્યું.
ચાચાએ જ્યારે બારીમાંથી જોયું ત્યારે હરિસિંહ દબાતા પગલે ઓરેવાની દીવાલ તરફ આવી રહ્યા હતા.
‘પહલે ઇસ કુત્તે કો લો નિશાને પે...’ ચાચાએ સલીમને બારી પાસે ઊભા રહેવાની જગ્યા કરી આપી, ‘બહોત ફુદક રહા હૈ વો...’
હરિસિંહ દીવાલની ઓથ લઈને આગળ વધવા જતા હતા ત્યાં જ તેમના કાન પાસેથી તેજ ગતિએ એક સુસવાટો પસાર થયો અને હરિસિંહ ચમકી ગયા.
‘આ સમયે ભમરા હોતા હશે?’ 
હરિસિંહે ઝડપથી ઉપર નજર કરી. ઓરેવાના સેકન્ડ ફ્લોરની એક ઑફિસની લાઇટ હજીયે ચાલુ હતી. એ ઑફિસમાં કોઈ પણ જાતની ચહલપહલ નહોતી.
હરિસિંહે પગ ઝડપથી ઉપાડ્યો. એકાએક તેમના મનમાં ઝબકારો થયો અને તેમણે ફરી ઉપર જોયું.
જે ઑફિસની લાઇટ ચાલુ હતી 
એની લાઇનમાં બીજી એક ઑફિસની બારી સહેજ ખુલ્લી હતી અને એ બારીમાંથી એક નાનકડો પાઇપ બહાર આવ્યો હતો. એ પાઇપ પરનો ચળકાટ કહેતો હતો કે એ મેટલનો પાઇપ છે. હરિસિંહને પળભર માટે શંકા જાગી, જેને વજૂદમાં બદલવા તલપાપડ હોય 
એમ એ નળીના આગળના ભાગમાં ઝબકારો થયો.
સલીમે સાઇલેન્સર ચડાવેલી રિવૉલ્વરમાંથી ફરી ફાયરિંગ કર્યું, પણ તે નિશાન ચૂકી ગયો અને ગોળી હરિસિંહના માથા પરથી પસાર થઈ ગઈ.
‘ડાઉન...’ 
હરિસિંહે રાડ પાડી.
‘ભોંકા, કુત્તા ભોંકા...’ સલીમે રિવૉલ્વર અંદર ખેંચી લીધી.
‘યા ખુદા. અલ્તાફ કો નિકાલ દે.’ 
ચાચાજાને આકાશ તરફ જોયું.
જો અલ્તાફ હેમખેમ નીકળી જાય તો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને મારવા જે શસ્ત્રસરંજામ આવ્યો એ મૂળ સ્થળે પહોંચી જાય.
‘સલીમ બેટા... છોડના મત ઇન કાફરોં કો.’ 
ચાચાએ પણ ગુલાબની ટોપલીમાંથી પોતાની રિવૉલ્વર ખેંચી લીધી. રિવૉલ્વર ખેંચતી વખતે ચાચાને આંગળીમાં કાંટો વાગ્યો, પણ એ દર્દની ચાચાને કોઈ પરવા નહોતી.
બસ, અલ્તાફ હેમખેમ નીકળી જાય.

વધુ આવતી કાલે

columnists Rashmin Shah