કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (5)

21 June, 2019 01:33 PM IST  |  મુંબઈ | વર્ષા અડાલજા - કથા સપ્તાહ

કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (5)

અગ્નિપરીક્ષા

ધીમી ધારે વરસતા વરસાદ સાથે સમય પણ વહેતો રહે છે.

પ્રૉપર્ટી ડેવલપરની જાહેરખબર સાથે ઘણી વાર નવીનનું નામ પણ ચમકતું રહે છે. પવઈના તેમના બિલ્ડિંગની બાજુના કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં તેની ઑફિસ છે. ઑફિસ નજીક છે છતાં તેને ભાગ્યે જ સમય મળે છે નિરાંતે જમવાનો કે વાતોનો. નવીન પહેલી વાર હંસાને ઑફિસ બતાવવા લઈ ગયો ત્યારે તેના પ્રોજેક્ટના ફોટોનાં બ્રૉશર જોઈ ચકિત થઈ ગઈ હતી. નવીને કહ્યું હતું, ‘હવે દુબઈમાં કામ કરવું છે. આગે આગે દેખો હોતા હૈ ક્યા!’

કોઈ વાર રશ્મિને લોકલ ટ્રેનની ગિરદીને લીધે મોડું થતું એટલે વેદાંગના ક્લાસ વહેલા હોય તો યશને હંસાને ત્યાં મૂકી જતી. રશ્મિ નિશ્ચિંત થઈ જતી. બન્ને મિત્રો બની ગઈ હતી. રશ્મિ સિંગલ પેરન્ટ હતી એ જાણ્યા પછી, તેને ડિનર માટે કહી દેતી. રશ્મિ પાસેથી બાળકોને ભાવતી ઇટાલ‌િયન અને કૉન્ટિનેન્ટલ ડિશિઝ બનાવતાં શીખી લ‌ીધું હતું. રશ્મિ ઘણી વાર કહેતી,

‘હંસા, તારા અને નવીનભાઈના સપોર્ટ વિના હું શું કરત? દીપક બાઇક- ઍક્સિડન્ટમાં અચાનક...’

‘રશ્મિ, જીવનમાં બધું અણધાર્યું બનતું હોય છે અને જે બને છે એ આપણને ગમતું જ બને એવુ થોડું છે! તારી પાસે વેદાંગ છે, યશ છે... જીવવાનાં કારણો છે તારી પાસે.’

‘અને તારી પાસે? તારી પાસે જીવવાનું શું કારણ છે હંસા? તારા પતિનું આવું ફ્લરિશિંગ. બિઝનેસ છે, નામ છે, સ્ટેટસ છે તોય મને તારી આંખમાં ઉદાસીની છાયા દેખાય છે. વાય?’

‘જવાબ તો મને પણ ખબર નથી રશ્મિ. ઘર છોડીને ચાલી નીકળી હતી ત્યારે હું જાણતી નહોતી કે આ સફર મને ક્યાં લઈ જશે! સાચું

કહું રશ્મિ, ક્યારેક મારા મનમાં હજી મારા ગામના ફળિયાના મોગરાની મહેક ફોરે છે...’

‘અને બા-બાપુજી, દાદી?’

‘દાદી ગયા વર્ષે ચાલી ગયાં, પણ હું ન જઈ શકી. પપ્પાની જીદ છે કે હંસા પોતે ઘર છોડીને ચાલી ગઈ હતી એટલે તે આ ઘરે આવે પછી જ બાને લઈ મુંબઈ આવીશ.’

‘અને પતિદેવ શું કહે છે?’

‘નવીનને તો પપ્પાની માફીથી ઓછું કંઈ ન ખપે.’

‘અહંકારનો ટંકાર ગાંડીવથી ઓછો નથી હંસા, પણ બે પુરુષો વચ્ચે તું અને બા બન્ને વહેરાઓ છો એનું શું?’

ઊંઘી ગયેલા યશને બેડરૂમમાં સુવડાવતાં તે હસી,

‘પપ્પા ન હોય ત્યારે વિનય વિડિયો-કૉલિંગ પર બાની સાથે વાત કરાવે છે ત્યારે ઘરને, ફળિયામાં ઝૂલતા આંબાને જોઈને ખુશ થાઉં છું બસ.’

‘ચાલ જાઉં! કાલે વહેલું જવાનું છે. વેદાંગ પણ ક્લાસમાંથી આવી ગયો હશે.’

‘અત્યારે તું શું જમાડશે? ખાવાનું લઈ જા.’

‘રાતે ૧૦ વાગી ગયા, નવીનભાઈ હજી નથી આવ્યા? તને એકલું નથી લાગતું? લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં... ઍની પ્રૉબ્લેમ ફૉર ચાઇલ્ડ?’

હંસાએ બારણું ખોલ્યું,

‘મારી મા બધી વાત આજે જ કરીશું! ગુડનાઇટ.’

રશ્મિ ગઈ. હંસા ખુલ્લા બારણામાંથી ઝળહળતા કૉમ્પ્લેક્સને તાકી રહી. હાં, બાળકની ઝંખના તો તેને પણ હતી. પોતાના રુધિર-માંસમજ્જાનો અંશ લઈ જન્મેલો પોતાનો જ અંશ... પણ ડૉક્ટરે કહી દીધેલું, ‘તમારા રિપોર્ટ્‍સ નૉર્મલ છે, તમારા હસબન્ડની ટેસ્ટ કરવી પડશે...’

બારણું બંધ કરીને તે ઘરમાં આવી. નવીનને ભાવતી દાળ-ઢોકળી ઘણે વખતે બનાવી હતી. એ ડાઇનિંગ-ટેબલ પર પ્લેટ મૂકે છે ત્યાં ડોરબેલ વાગી, પતિના આગમનની છડી પોકારતી, બારણું ન ખૂલે ત્યાં સુધી સતત રણકતી, અધિકારપૂર્વક. હંસાએ બારણું ખોલ્યું,

‘હાય જાનુ!’

‘આ ખોટો પ્રેમ દેખાડવાનું બંધ કરો તો સારું. કેટલા વાગ્યા?’

નવીન સોફા પર બેસી પડ્યો,

‘અરે હજી મોડું થાત, મીટિંગમાં હતો. ખરા અર્થમાં ભાગીને આવ્યો છું.’

‘તમારી ભાવતી દાળ-ઢોકળી કરી છે, મને ખૂબ ભૂખ લાગી છે.

તમે પણ...’

નવીને હંસાને હાથ પકડીને બેસાડી દીધી.

‘અરે પણ તમને ભૂખ નથી?’

નવીને હસતાં-હસતાં હાથ પહોળા કર્યા,

‘છેને! અને નથી પણ, બોલો

ચતુર સુજાણ.’

‘સૉરી, મારો ઉખાણાં ઉકેલવાનો મૂડ નથી અત્યારે.’

‘લો અભી મૂડ બનાતે હૈં.’

નવીને લેધર પાઉચમાંથી નોટોની થપ્પી કાઢીને ચૂમી લીધી, ટેબલ પર મૂકી અને એના પર ચેક મૂક્યો.’

‘દેખ હંસા દેખ. મને ભૂખ તો લાગી છે, પણ આની લાગી છે.’

હંસા પતિનો ચહેરો જોઈ રહી હતી. તેનાં ખેંચાયેલાં ભવાં અને તગતગતી આંખમાં હિંસક ચમક.

‘આ શું નવીન? આટલાબધા પૈસા!’

સાથળ પર થપાટ મારતો તે ખડખડાટ હસી પડ્યો,

‘રૂપિયાની કડકડતી નોટો છે હંસા, થાય છે હમણાં તારા બાપાને બોલાવીને આ જલવો દેખાડું. બિચારા બેભાન થઈ જાશે. મૂડ નહોતો થઈ ગયોને !

‘ના, મારી સાથે બેસીને જમો તો મારો મૂડ બનશે.’

નવીનની આંખની ચમક એકદમ ભડકો થઈ ગઈ.

‘સાલું, તારી સાથે આ જ પ્રૉબ્લેમ છે. જ્યારે જુઓ ત્યારે મોઢું ચડેલું. બીજી બૈરી હોત તો મારી આરતી ઉતારત, શૉપિંગ કરત, ડાયમન્ડ જ્વેલરી માગત અને તું! દાળ-ઢોકળીની કથા માંડે છે. ગામડાગામથી લાવીને મહેલમાં બેસાડી અને...’

ખુરસીને લાત મારીને તે ઊભો થઈ ગયો. હંસા ઊભી વહેરાઈ ગઈ. પતિની અંદર પુરાયેલા હિંસક જાનવરનો ઘુરકાટ તેણે સાંભળ્યો હતો, પણ આજે એ જાનવર તેની અંદરથી છલાંગ મારી બહાર આવીને તરાપ મારવા તત્પર હતું. તેની આંખમાં અગ્નિ ભભૂકતો હતો, નવીન બરાડ્યો,

‘પાંચ વર્ષ. પૂરાં પાંચ વર્ષમાં મુંબઈની છાતી પર પગ મૂકીને સિંહની ડણક દેવાની મારામાં તાકાત છે. મેં તને શું નથી આપ્યું! આલીશાન ઘર... ગાડી... અને તને કોઈ કદર જ નહીં? ભોથું. એટલે તો તને પાર્ટીમાં લઈ જવાનું છોડી દીધું છે.’

હંસા જડવત્ ઊભી રહી. સામે જ પતિ હતો, જાણે જોજનો દૂર. જે દરિયો તેને ખૂબ વહાલો હતો એને કાંઠે ઊભાં રહી તેણે આવી રહેલા વાવાઝોડાનો અણસાર પારખ્યો હતો, પણ આજે દરિયાનું મોજું ધસમસતું તેના પર ધસી આવતું હતું. આ એ જ પતિ હતો જેને માટે તે પોતાનું સર્વસ્વ છોડીને ચાલી નીકળી હતી!

ભરતીનાં મોજાં પર મોજાં ધસી આવતાં હોય એમ નવીન હજી ગરજતો હતો. તેણે પૈસા પાઉચમાં મૂક્યા અને બીજા બેડરૂમમાં જઈ ધડામ કરીને બારણું બંધ કરી દીધું. માથામાં જોરથી પથ્થર માર્યો હોય એમ ભીતરથી લોહીલુહાણ થતી હંસા પીડાથી વળ ખાતી સોફામાં ઢગલો થઈ ગઈ. સૂકી આંખોમાં બળતરા થવા લાગી. આખી રાત ઊંધમૂંધ પડી રહી. સવારે ઊઠી ત્યારે બારણું હજી બંધ હતું. યશને લઈ તે રશ્મિના ઘરે મૂકી આવી. પાછી ફરી ત્યારે નવીન ચાલી ગયો હતો. ઘરનો સુનકાર અજગરની જેમ ગળી જવાનો હોય એમ તે થથરી ગઈ.

દિવસ રઝળતો, ખોડંગાતો ધીમે-ધીમે ચાલી ગયો. સાંજ ઊતરતી હતી. તે દરિયાકાંઠે બેસી ઘેરાતા અંધકારમાં દૂર સુધી તાકી રહી. જ્યારે પહેલી વાર તેણે દરિયો જોયો હતો ત્યારે થયું હતું કે આટલો વિપુલ જળરાશિ ઘૂઘવી રહ્યો છે એમાં પૃથ્વી ડૂબી તો નહીં જાયને! નવીને તેને ચૂમી લઈ કહ્યું હતું, ‘નારે. પૃથ્વી તે કાંઈ ડૂબતી હશે!’

પણ આજે થતું હતું કે પૃથ્વી આ ઊછળતા મહાસાગરમાં ખરેખર ડૂબી ગઈ છે. તે શું કરે! અભાનપણે જ તે ચાલવા લાગી. દૂરથી ધુમાડો અને ભભૂકતી અગ્નિની કેસરી જ્વાળાઓ જોઈને તે દોડતી બિલ્ડિંગ કૉમ્પ્લેક્સમાં આવી. અહીં લોકોની ભીડ અને દોડાદોડ હતી. તે પણ શ્વાસભેર દોડતી રહી, અરે! નાલંદા આર્કેડ મૉલમાં આગ લાગી હતી! છાતી પર ધગધગતો ડામ દીધો હોય એમ કાળી બળતરા થઈ.

કોચિંગ ક્લાસ!

ઓ ભગવાન! ત્યાં તો દિવસ-રાત કેટકેટલા વિદ્યાર્થીઓ ભણે! એમાં વેદાંગ પણ... પગમાં પ્રાણ પૂરી તે દોડી. નાલંદા આર્કેડને જોતાં જ તેના ગળામાંથી ચીસ નીકળી ગઈ. મૉલનો ઉપલો માળ આગની ભયાનક કેસરી જ્વાળાઓમાં ૧૦૦-૧૦૦ ભઠ્ઠીની જેમ ધખી રહ્યો હતો. કાળા ધુમાડાથી આકાશ ઘેરાઈ ગયું હતું. ચોતરફ ચીસો અને આક્રંદથી હંસાની આંખો ફાટી ગઈ. બાળકો જીવ બચાવવા મરણિયા બનીને છેક ઉપરથી કૂદીને ધડાધડ નીચે પડી રહ્યા હતા. સૌ લાચાર બનીને જોઈ રહ્યા હતા. કેટલાક યુવાનો કૂદી પડતાં બાળકોને ઝીલવાનો પ્રયત્ન કરતા હતા, પણ એટલે ઊંચેથી પડતાં બાળકોને હાથમાં ઝીલવાં શક્ય નહોતું. બંબાવાળા આગ બુઝાવવાનો પ્રયત્ન કરતા હતા, પણ તેમની પાસે મૉલના ઉપરના માળે છેક કોચિંગ ક્લાસ સુધી પહોંચવાની સીડી નહોતીઅને નહોતી ગભરાઈને મોતની છલાંગ લગાવતાં બાળકોને ઝીલવાની સેફ્ટી-નેટ.

ભયાનક દૃશ્ય હતું એ. મોતના તાંડવનું એ દૃશ્ય ફિલ્મોમાં જ સંભવી શકે, પણ એ નજરેજોનારને હાર્ટ-અટૅક આવે એવું નજર સામે બની રહ્યું હતું. નીચે કૂદી પડીને મૃત્યુને ભેટનારાંબાળકોનાં લોહીથી ધરતી રંગાઈ રહી હતી.

અસંખ્ય લોકો ટીવી પર આ લાઇવ દૃશ્યો જોઈને દોડી આવ્યા હતા અને ભીડ વધતી જતી હતી. હંસાનું હૃદય ધબકારો ચૂકી ગયું. રશ્મિ ક્યાં હશે? તે જ્યાં હશે સમાચાર તો બધે જ પહોંચી ગયા હશે. આ ભીડમાં હશે... રસ્તામાં અટવાઈ હશે... વેદાંગ બચી ગયો હશે કે ઘવાયો હશે કે પછી..‍. હંસા બે હાથમાં માથું પકડી પોકે-પોકે રડી પડી. પછી જાત સંભાળતી રશ્મિ-યશને શોધવા માંડી. એરિયા કૉર્ડન હતો અને ઍમ્બ્યુલન્સમાં જીવતાં, ઘવાયેલાં, કણસતાં કે બળેલાં અર્ધદગ્ધ બાળકોને લઈ ઍમ્બ્યુલન્સ દોડતી હતી. એની બાજુમાં એક સ્ત્રી ચીસો પાડતી હતી, કોચિંગ ક્લાસવાળાનું નખ્ખોદ જજો રે!

ભડભડતી આગનો હૈયામાં તણખો લઈ હંસા માંડ કૉમ્પ્લેક્સમાં પાછી ફરી. રશ્મિને ફોન કર્યો, પણ રિંગ વાગતી રહી. ઘરે આવીને ટીવી ચાલુ કર્યું પણ એ દૃશ્યો ન જીરવાતાં બંધ કર્યું. કાલે રાતના બનાવ પછી પતિને ફોન કરવો કે ન કરવોની દ્વિધામાં અટવાતી રહી. ન નવીન આવ્યો, ન તેનો ફોન. આખી રાત સોફામાં જ તંદ્રામાં વીતી. સવારે મોડેથી શરીર ઘસડતી ઊઠી. શાવરની શીતલ જલધારામાં પણ ભીતરની આગ ધખતી રહી.

ડોરબેલ વાગી. તેણે દરવાજો ખોલ્યો અને સ્તબ્ધ થઈ ગઈ. આંગળીએ યશને લઈ રશ્મિ ઊભી હતી. વિખેરાયેલા વાળ, રડીને લાલચોળ થયેલી આંખો, લોહીના ધાબાવાળાં કપડાં... હંસાનો જીવ મુઠ્ઠીમાં હતો,

‘રશ્મિ તું! વેદાંગ...?’

‘બળીને ભડથું થઈ ગયો. તારા વરને પ્રતાપે. તારા પાપે.’

‘ર..શ્મિ... શું બોલે છે તું! વેદાંગ મને કેટલો વહાલો હતો અને મારા પાપે? નવીન..’

‘હા તેના પાપે મારા વેદાંગનો અને બીજાં કેટલાં બાળકોનો જીવ લીધો. મૉલની ટેરેસ પરના કોચિંગ ક્લાસ તારા વરનું પાપ હતું.’

‘શું બોલે છેતું!’

રશ્મિ ખડખડાટ હસી પડી, ૧૦૦-૧૦૦ સ્ત્રીઓ રુદન કરતી હોય એમ હંસાની છાતી ફાટી ગઈ.

‘તને ખબર નથી, તારો વર ઢગલાબંધ પૈસા ક્યાંથી કમાતો હતો! ટીવી ખોલ એટલે તેનાં કાળાં કરતૂતોનું લાંબું લ‌િસ્ટ મળી જશે. ન કોઈ પરમ‌િશન, ન કોઈ સગવડ. આવાં તો બહુ પરાક્રમ છે તેનાં... અત્યારે તો લૉકઅપમાં છે એ રાક્ષસ.’

રશ્મિ હાંફી ગઈ. સુકાયેલાં આંસુથી તેનો ચહેરો બિહામણો લાગતો હતો. યશ રડી-રડીને થાકી ગયો હતો.

‘આજથી ખબરદાર, મારા યશની સામે જોયું પણ છે તો.’

અને રશ્મિ ચાલી ગઈ. આખી કાદવથી ખરડાઈ ગઈ હોય એમ હંસાને ઊબકા આવવા લાગ્યા. મોઢું ધોયું, માંડ સ્થિર થઈ. રસોડાના નાના મંદિર પાસે આવી. દીવો કર્યો. ગળાનું મંગળસૂત્ર ઉતારીને ત્યાં મૂકી દીધું... ઘરમાં ચોતરફ નજર કરી. સાથે લઈ જવાય એવું કશું અહીં નહોતું. ન કોઈ સામાન, ન કોઈ સ્મૃતિ. જતાં-જતાં મોબાઇલની ‌રિંગ વાગી રહી હતી, સ્ક્રીન પર નામ ઝબૂક્યું, ‘નવીન.’ તેણે મોબાઇલ ડાઇનિંગ-ટેબલ પર મૂકી દીધો અને બહાર નીકળી ગઈ. બંધ ઘરમાં મોબાઇલનો રિંગટોન ગુંજતો રહ્યો.

ટૅક્સી કસ્તુરબા નગર પાસે ઊભી રહી. તે ઊતરી અને જૂના ખખડધજ મકાનને જોઈ રહી ત્યાં બિટ્ટુ રાજી થતો દોડતો આવ્યો,

‘ભાભીજી!’

આ પણ વાંચો : 

કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (4)

અને તે બિટ્ટુને ટેકે-ટેકે ચાલવા લાગી.

(સમાપ્ત)

columnists