કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (2)

18 June, 2019 10:45 AM IST  |  મુંબઈ | વર્ષા અડાલજા - કથા સપ્તાહ

કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (2)

અગ્નિપરીક્ષા

કથા-સપ્તાહ

હંસાની આંખોમાં હજી અપાર વિસ્મય હતું.

ટેકરી પર ચડતાં-ચડતાં જેમ આસપાસનાં દૃશ્યો ખૂલતાં આવે એમ ચાલીમાં ધીમે-ધીમે પસાર થતા દિવસો જીવનના પહેલદાર પાસાઓને તેની સામે ખોલી રહ્યું હતું. કસ્તુરબા નગરની ચાલી જ સ્વયં એક જીવનદર્શન હતું. પાંચ માળનું જૂનું મકાન. દરેક માળ પર દસેક ઘર. મરાઠી, દક્ષિણ ભારતીય અને ગુજરાતીની મોટા ભાગની વસ્તી. તો ચાલીમાં ઘરકામ કરતાં સ્ત્રી-પુરુષોમાં બિહાર, મધ્ય પ્રદેશ, આસામ અને નેપાલના લોકોય હતા, જેનાથી સાવ અપરિચિત હતી એવી ભાષા... વિચારધારા... રીતરિવાજો... વસ્ત્રો... વાનગીઓ... છતાં કયું અદૃશ્ય તત્ત્વ સૌને એક ગઠરીની જેમ બાંધી રહ્યું હતું!

આ અજબ દુનિયા લાગી રહી હતી હંસાને.

રેસના ઘોડાની જેમ સતત દોડતું આ શહેર હતું, જે તેને હંફાવી દેતું. હવે નવીન પાસે પાંચ-છ દિવસની જ રજા બાકી હતી. નવીને તેનું કામ સમજાવ્યુ હતું. તે વીઆઇપી બિલ્ડર્સને ત્યાં નોકરી કરતો હતો. અજિતસર તેના કામથી ખુશ હતા. તેમની પ્રૉપર્ટીના ફ્લૅટ માટે રસ ધરાવતા લોકોને ઘર બતાવવું, સતત સંપર્કમાં રહીને એ વેચવું, પેપર્સ તૈયાર કરવાં જેવાં કામ તેને હવે ફાવી ગયાં હતાં, પણ એક મોટો પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યો હતો અને હવે નવીન પાસે ૪-૫ દિવસની જ રજા હતી. બન્ને મોડી સવારે નીકળતાં, જોઈતી ઘરવખરીની ખરીદી કરતાં અને હોટેલમાં જમીને બપોરે પાછાં ફરતાં. બિટ્ટુ દોડી આવતો, સામાન ઊંચકાવતો, ગોઠવવામાં હંસાને મદદ કરતો. સાંજ ઢળતાં નવીન હંસાને લઈને વટથી નીકળતો. ચાલીનાં ઘરોમાંથી આંખો મંડાઈ રહેતી, માથામાં મઘમઘતો ગજરો, નવી સાડી, ચંપલ પહેરીને હંસા પતિ સાથે નીકળતી ત્યારે ધન્યતા અનુભવતી. નવીન હંસાને ફરવા લઈ જતો, તેને દરિયો ખૂબ ગમતો. ક્ષિતિજ સુધી વિસ્તરતું એનું વિપુલ જળરાશિ કયા ગામને, દેશને, પૃથ્વીને સ્પર્શીને હિલોળા લેતું હશે એનું આશ્ચર્ય થતું. પછી કોઈ વાર સિનેમા કે નાટક. જાણે સ્વર્ગમાં આકાશગંગામાં તે વહેતી હતી.

પછી રાત્રે કસ્તુરબા નગરમાં પાછાં ફરતાં અહીંની ગંદકીમાં કોહવાતા જીવનની વાસથી તે ઉબાઈ જતી, પણ ઘરનાં બારણાં બંધ કરતાં જ રાતરાણીની મધુર સુગંધ વીંટળાઈ વળતી, જાણે આખો સંસાર ઉંબર બહાર રહી જતો અને તે પતિના આશ્લેષમાં મીણની જેમ પીગળતી રહેતી.

એ સમય પણ રસળતો વહી ગયો.

ધીમે-ધીમે તે અને શહેર એકમેકથી ટેવાવા લાગ્યાં હતાં. વહેલી સવારથી ઓરડીની પાતળી દીવાલોમાંથી આસપાસનાં ઘરના અવાજો ઝમતા રહેતા. જાણે બહારની દુનિયા અનધિકાર ઘરમાં પ્રવેશ કરતી. પતિ ઊઠે એ પહેલાં ચા-દૂધ-નાસ્તો તૈયાર કરતી, નવીનને ઉઠાડતી, તેનો મોબાઇલ ચાર્જ કરવા મૂકી દેતી. તે નાહીને તૈયાર થાય એટલે લંચ-બૉક્સ હાથમાં મૂકતી.

‘તું મને બગાડી રહી છો’ નવીને ફરિયાદ કરી.

‘તમે મને લાડ કરો છો એ પ્રેમ છે કે મને બગાડી રહ્યા છો?’ તેનો જવાબ.

‘તને દલીલમાં નહીં પહોંચાય.’

‘જ્યાં ન પહોંચાય ત્યાં જવું શું કામ?’

‘નો આર્ગ્યુમેન્ટ્સ.’

‘ભૂલી ગયા, હું અંગ્રેજીમાં ‘ઢ’ છું.’

‘ક્લાસમાં જવું છે?’

‘પછી. પહેલાં મને ‘મી મુંબઈકર’ થવા દો અને આ મસ્તીનો ટાઇમ નથી, ઑફિસનું મોડું થશે.’

પતિ જતાં તે કામ લઈને બેસતી સાડીને ફોલ મૂકવાનું. જેમ-જેમ તે ચાલીની સ્ત્રીઓ સાથે ભળતી થઈ એમ તેણે જોયું કે ઘણી સ્ત્રીઓ જુદાં-જુદાં કામ કરીને કમાતી હતી. થોડા સમયમાં એટલું તો તે સમજી ચૂકી હતી કે પૈસાની જરૂર તેમને પણ છે. સુચિુબહેન સાડીને ફોલ મૂકતાં, વૃંદાતાઈ અને તેની વહુને રોજની ૧૦૦ રોટલી વણવાનો ઑર્ડર હતો, શુભા રાઘવન ટ્યુશન કરતી હતી. પતિ જરૂર ના પાડશે એવી ખાતરી હતી એટલે તેને કહ્યા વિના સુ‌ચિબહેન પાસેથી ફોલનું કામ શીખી લીધું. બે-ત્રણ સ્ટોર પાસેથી બન્ને સાડીઓ લઈ આવતાં, ઘણી વાર બિટ્ટુ પણ મદદ કરતો.

બિટ્ટુ પ્રત્યે તેને લાગણી. મા-બાપ વિનાનો છોકરો. કસ્તુરબા નગરને આશ્રયે મોટો થયો. સાવ ભોળો. સૌનાં કામ દોડીને કરે. ખાવા-સૂવાનો જોગ થઈ જતો. કોઈ વાર બપોરે આવી નિમાણે મોઢે ઊભો રહેતો, ‘ભાભી ખાવું છે.’ ઘણી વાર નવીન હંસાને ચીડવતો, ‘ઓહો, બિટ્ટુનાં કાંઈ માનપાન! જાણે ફૅમિલી મેમ્બર.’

ઘવાયેલા સ્વરે હંસા બોલી,

‘ખરા છો તમે, રાતદિવસ સૌ માટે દોડે છે તે! પરમદિવસે તેને માટે સમોસાં રાખી મૂક્યાં હતાં. સાંજ સુધી દેખાયો નહીં તો શોધવા નીકળી. ક્યાં હતો ખબર છે?’

‘હું સીઆઇડી છું?’

‘મશ્કરી રહેવા દો. પાંચમે માળે પડ્યો હતો, તાવથી ધગધગતો. ડૉ. પુરંદરે પાસે લઈ ગઈ અને ટ્રીટમેન્ટ કરાવી ત્યારે ચાર દિવસે બેઠો થયો. તમેય તેને આંટાફેરા કરાવો છોને!’

‘સૉરી હંસા, આવું બધું અમને પુરુષોને ન સૂઝે.’

‘સ્ત્રી કે પુરુષ જેને હૃદય હોય તેણે ધ્યાન રાખવું જ જોઈએ. બા કહેતી, આ પૃથ્વી સૌની છે. કીડી-મંકોડાનેય રહેવાનો હક્ક છે તો બિટ્ટુને કેમ નહીં?’

‘અફકોર્સ. દયાની દેવીને મારા વંદન.’

હંસાએ સ્નેહથી પતિનો હાથ પકડ્યો,

‘છોડો આ નાટક. બાને ચેક મોકલ્યો કે ભૂલી ગયા? ઘરમાં રિપેરિંગ કરાવવાનું છે અને માથે વરસાદ છે. એમ કરો, મને જ આપી દ્યો. હું જ લેતી જઈશ.’

ઘડિયાળ પહેરતો નવીનનો હાથ અટકી ગયો, ‘એટલે?’

ઊંડો શ્વાસ લઈ હંસા જરા અટકી. જાણતી હતી કે નવીન તેને જલદી નહીં જવા દે. તો પપ્પાના પણ કેટલા ફોન આવતા હતા! લગ્નને ત્રણ મહિના થઈ ગયા હતા. મનમાં ઊંડે-ઊંડે આ ઘરની વાત પણ હતી. પપ્પાને મનાવી લઈશ, નવીનના પ્રેમાળ સ્વભાવ વિશે કહીશ, ફળિયામાં બાના ખોળામાં સૂતાં-સૂતાં મુંબઈ વિશે વાત માંડીશ...

‘સમજો મારી વાત. એક આંટો મારી આવું. બા-પપ્પાને મળવાનું પણ ખૂબ મન છે. ટિકિટની પણ ચિંતા નથી, શુભાએ કમ્પ્યુટર પર કરી આપી. અરે એમાં આમ ઉદાસ! હું કાંઈ ઘર છોડીને થોડી જાઉં છું! બિટ્ટુ ટિફિન લાવી આપશે...’

રિસાયેલો નવીન તરત ઘરની બહાર નીકળી ગયો. એ આખો દિવસ પતિને કેમ મનાવવો એના વિચાર કરતી રહી, સાંજે તેની ભાવતી રસોઈ કરી, પણ તે તો ઉપરછલ્લી વાત કરીને થોડું જમી સૂઈ ગયો. પોતે જ પોતાનું મન મનાવ્યું, હજી બે દિવસની જવાની વાર છે તે મનાવી લેશે.

અને અચાનક વહેલી સવારે ડોરબેલ રણકી ઊઠી. હઠાગ્રહથી, અધિકારથી, વૃંદાતાઈ થોડા દિવસથી બીમાર હતાં, પરમદિવસે જ હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. તેને ફાળ પડી. તેણે ઉતાવળે બારણું ખોલ્યું અને સ્તબ્ધ થઈ ગઈ.

પપ્પા! અહીં! તેના ઘરે!

ચંદ્રકાન્તનો સ્વર તીવ્ર હતો,

‘કેમ ઊભી રહી ગઈ? અંદર નથી આવવા દેવો કે?’

તે ભાનમાં આવી, છલછલ આંખે પિતાને વળગી પડી, ચંદ્રકાન્તે‌ દીકરીને માથે સ્નેહથી હાથ ફેરવ્યો, તેને અળગી કરી. ચાલીમાં ખડકાયેલો સામાન, માથે સુકાતાં કપડાં, ઘરોમાંથી ધસી આવતા અવાજ અને હવામાં ગરીબીની એક વિશિષ્ટ ગંધ...

તે માનતા ન હોય એમ ચોતરફ જોતાં જોરથી બોલ્યા,

‘તું અહીં રહે છે એટલે કે... આ સામાનની જેમ તારો સંસાર આવી વસ્તીમાં..’

તેઓ આઘાતથી ચોતરફ જોતા રહ્યા હતા અને અંદરથી બૂમ ધસી આવી,

‘હંસા શું છે સવારના પહોરમાં?’

ચંદ્રકાન્તે દાંત ભીંસ્યા,

‘અને આ લાટસાહેબ પથારીમાં ઘોરતાં તને આવી બૂમો પાડે છે? આપણાં કામવાળાં મણિબહેનનેય તારી બા આમ બોલાવતી નથી.’

ચાલીમાં અવરજવર શરૂ થઈ ગઈ હતી અને લોકો આ તરફ જોઈ રહેતા હતા. શુભાના પતિએ દૂરથી હાથ ઊંચો કર્યો, તેની પ્રૉબ્લેમ આન્ટી? તેણે પણ હાથથી ના પાડી અને પપ્પાને અંદર ખેંચીને બારણું બંધ કરી દીધું. તેમણે હાથ ખેંચી લીધો,

‘એટલે આવા વર્ણશંકર લોકો વચ્ચે આવા ઘરમાં રહેવાનું... જમાઈરાજ, ઊઠો બહાર આવો.’

હંસા ડરી ગઈ. તે જાણતી હતી કે હવે પપ્પા તેનું ન‌હીં માને,

‘પપ્પા, શાંત થાઓ, હું... અહીં મજામાં છું...’

આગળ તે ન બોલી શકી, નવીન સામે ઊભો હતો. તે પણ હંસાની જેમ સ્તબ્ધ હતો. તે હસવાનું કરતાં માંડ બોલ્યો,

‘પપ્પા, તમે આમ અચાનક! ફોન તો કરવો હતો!’

‘શા માટે ફોન કરું? શું કરી લેત? સ્ટેશન લેવા આવત એટલું જને!’

આ કોઈ પ્રશ્ન નહોતો અને એનો જવાબ પણ નહોતો. તે મનમાં ક્રોધથી તમતમી ગયો. ક્ષણવારમાં આ માણસે તેને કોડીનો કરી નાખ્યો, હંસા સામે, પાડોશીઓ સામે. બન્ને સામસામે ઊભા હતા, ખીણની ધાર પર તોળાયેલા પથ્થરની જેમ. હંસાનું ગળું સુકાઈ ગયું. તે માંડ બોલી,

‘પપ્પા તમે થાક્યા હશો. નિરાંતે બેસો, હું ચા મૂકું છું. તમારી બૅગ...’

ચંદ્રકાન્ત ખડખડાટ હસી પડ્યો. તમાચો માર્યો હોય એમ નવીન ઘા ખાઈ ગયો.

‘બૅગ, અરે સામાન જ ક્યાં લાવ્યો છું! જરૂર જ શી બેટા? આપણે બપોરની ગાડીએ તો જઈએ છીએ ગામ.’

‘શું કહ્યું તમે?’

હુકમનું પત્તું ઊતરીને બાજી જીત્યાનો મદ ચડે એમ ચંદ્રકાન્તનો સ્વર તોરીલો હતો,

‘સાંભળ્યુ નહીં જમાઈરાજ? હું મારી હંસાને લઈ જાઉં છું, હમણાં જ. ટૅક્સી ઊભી જ રાખી છે. ટિકિાટો જોવી છે? નહીં? સારું સસરા પર એટલો વિશ્વાસ તો છે કે બોલ્યું પાળી બતાવશે. એયને પછી તમે આ રંગમહેલમાં નિરાંતે રહેજો. ચાલો બેટા, સામાન લેવાની કાંઈ જરૂર નથી. આપણે ત્યાં શું નથી?’

તેઓ હંસાનો હાથ પકડવા આગળ આવ્યા, પણ હંસા ગભરાઈને પાછી ખસી ગઈ.

‘ના ના પપ્પા, હું એમ મારું ઘરબાર, મારા પતિને છોડીને કેવી રીતે આવું?’

નવીને તરત જ કહ્યું,

‘સૂનો સસુરજી, ક્યા કહતી હૈ બીટિયા!’

ચંદ્રકાન્ત ઉશ્કેરાઈ ગયો,

‘હંસા આણે કંઈ મંત્રબંત્ર ભણ્યા લાગે છે. તું આવા ઉકરડામાં રહેશે? તું? અને જો લાગણીના જોશમાં તારે અહીં રહેવું હોય તોય હું રહેવા દેવાનો નથી એ આ સૂરજની સાખે કહી દઉં.’

‘પણ પપ્પા...’

‘તું આનાથી ડરતી હોય તો રહેવા જ દેજે. શું કરી લેશે ઈવડો ઈ? એક સરખું ઘર લેવાની ત્રેવડ નહોતી ને હાલી નીકળ્યો લગન કરવા! મારો વાંક બેટા, તારા બાપને માફ કર. મને વહેમ તો પડ્યો જ હતો એટલે કાંતિકાકાના મહેશને મોકલ્યો’તો આ ઘરની ભાળ લેવા. તેણે મોબાઇલ પર ફોટો મોકલ્યો ને હું અત્તરિયાળ આવ્યો.’

‘હવે નવીનથી ન રહેવાયું. હદ થઈ ગઈ. એમ કોઈ ઘરમાં આવી હંસાનો હાથ પકડી ચાલતી પકડે!

‘જુઓ, હું બીજું સારા લત્તામાં ઘર જોઈ જ રહ્યો છું, હંસાને સરપ્રાઇઝ માટે કહ્યું નહોતું.’

નવીનકુમાર તમારી કંપની હમણાં બાવીસ માળનું સરસ બિલ્ડિંગ બાંધી રહી છે, મહેશે એનાય ફોટો મોકલ્યા છે લ્યો. એમાં તમને કરોડોનો ફ્લૅટ દઈ દેવાની છે? તમારે તો ફ્લૅટ વેચી દેવાના. સાદી ભાષામાં કહું? તમે દલાલ છો દલાલ.’

ગોફણના ઘાની જેમ દલાલ શબ્દ કપાળ પર જોરથી વાગ્યો. છાતીમાં સણકો ઊપડ્યો. હંસાનો જીવ દુભાયો. પિતાનું આવું રૂપ તેણે કદી જોયું નહોતું.

‘પપ્પા પ્લીઝ, તેમનું અપમાન ન કરો.’

‘તું ગભરુ છે, પંખી જેવી. આ માણસે તને પઢાવી છે. મારે કોઈ દલીલ કરવી નથી અને કોઈની દલીલ સાંભળવી નથી. ચાલ, મોડું થાય છે.’

ચંદ્રકાન્તે હંસાનો હાથ પકડ્યો અને ઉતાવળે બારણું ખોલ્યું. ડઘાઈ ગયેલો નવીન દોડીને બારણા આડે ઊભો રહી ગયો.

‘આ મારી પત્ની છે અને તમે તેને બળજબરી ન લઈ જઈ શકો. છોડો એનો હાથ.’

‘આ પકડ્યો અને હું ચાલ્યો, મિસ્ટર દલાલ શું કરશે તું?’

નવીન જીવ પર આવી ગયો,

‘હું પોલીસને ફોન કરીશ. મારી પત્નીના અપહરણનો એફઆઇઆર લખાવીશ, તમને જેલભેગા કરીશ.’

ચંદ્રકાન્ત ઝડપથી ચાલીમાં આવી ગયો,

‘જરૂર પોલીસને ફોન કર, પણ હું આ કમ્પાઉન્ડમાં ઊભો રહી, બૂમો પાડી તારાં કરતૂતોની વાત કરીશ, તારાં કપડાં ઊતરી જશે, વિચારી જો.’

હંસા રડી પડી, એનું કાચની કૂંપીની જેમ ફૂટીને સહસ્ત્ર કરચોમાં વેરાઈ રહ્યું હતું અને એ કશું કરી શકે એમ નહોતી.

‘પપ્પા હાથ જોડું છું, એવું ન કરો.’

‘બસ તો સીધી ચાલ.’

ચંદ્રકાન્ત હંસાનો હાથ પકડી ઝડપભેર દાદરા ઊતરવા લાગ્યો. નવીન રઘવાયો થતો પાછળ દોડ્યો, ‘હંસા...’

ચંદ્રકાન્ત ટૅક્સી સુધી પહોંચી ગયો હતો. નવીન ટૅક્સીના દરવાજા પાસે ઊભો રહી ગયો, ‘તમે મને બદનામ કરશો અને એમ બ્લૅકમેઇલ કરીને હંસાને લઈ જવી છે? ઓકે. ડન. ચાલો કમ્પાઉન્ડમાં, પાડો બૂમ, આપો મને ગાળ, પણ હંસાને નહીં લઈ જવા દઉં.’

ચંદ્રકાન્ત હતપ્રભ બની ગયો. તેની પાસે આ હુકમનું છેલ્લું પત્તું હતું. હવે બાજી જીતવા માટે કશું સિલક બચ્યું નહોતું. બદનામીથી ન ડરનાર બહુ ઓછા લોકો જોયા હતા તેમણે.

અચાનક હંસા નવીન પાસે આવી,

આ પણ વાંચો : કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (1)

‘તમને મારા પર વિશ્વાસ છેને! નિરાશ ન થાઓ. હું પાછી આવીશ. પપ્પા, હું આવું છું તમારી સાથે. ચાલો, ગાડીનું મોડું થાય છે.’

તેણે સ્વસ્થતાથી ટૅક્સીનું બારણું ખોલ્યું અને ડ્રાઇવરને કહ્યું, ‘ચલો સ્ટેશન.’

ચંદ્રકાન્ત માની ન શકતો હોય એમ બન્ને તરફ જોતો ટૅક્સીમાં બેસી ગયો. પલકવારમાં ટૅક્સી કમ્પાઉન્ડની બહાર નીકળી ગઈ.

આખો માળો ચકરાઈને તેના પર તૂટી પડ્યો હોય એમ નવીનની આંખે અંધારાં આવી ગયાં.(ક્રમશઃ)

columnists