વાર્તાકાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

16 September, 2021 08:10 AM IST  |  Mumbai | Rashmin Shah

લેખક તરીકે પ્રસ્થાપિત થવાનો મને ગર્વ છે. મારી દરેક વાર્તાઓ પછી હું અમુક અંશે ઓછો અપરિપક્વ થયો છું એ વાતની મને ખુશી છે.

વાર્તાકાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

‘શું થયું, સરખી રીતે વાત કરો તો કંઈક સમજ પડે.’ પાંચમી વાર દેવિયાનીએ પૂછ્યું, ‘ક્યારના એક જ વાત કરો છો, જોઈએ, શું થાય છે.’
‘પચાસ વાર પૂછીશ તો પણ મારો જવાબ એ જ છે, જોઈએ, શું થાય છે.’ 
દેવિયાની ચૂપ થઈ ગઈ. તે ચૂપ થઈ ગઈ એ વાતનો તમને રાજીપો હતો.
હવે શનિવારને ફક્ત ૨૪ કલાક બાકી હતા. હવે તમારે માનસીને જવાબ આપવાનો છે. 
માનસી પાસેથી છૂટા પડ્યા પછી એક વાત નક્કી હતી કે નવલકથા લખવી. ભલે હું વાર્તાઓમાંથી જન્મ્યો નથી, પણ વાર્તા વચ્ચે મરવાનો છું એ નક્કી છે – તમે તમારા જ શબ્દો સાચા પાડવા માગતા હતા.
બાંદરાથી બોરીવલી આવતા સુધીમાં એક આખો જન્મારો તમારી આંખ સામેથી વહી ગયો અને વહી ગયેલા 
એ જન્મારાએ તમને ભરપેટ આંસુ આપ્યાં હતાં. 
ચોવીસ કલાક વીતી ગયા અને છેલ્લા ચોવીસ કલાક હવે બાકી હતા.
સમય પાણીની જેમ વહેતો હતો.
વીતી ગયેલાં ૧૫ વર્ષનો તમને અફસોસ નહોતો, પણ છેલ્લા ૨૪ કલાક વીતી ગયાનો તમને ભારોભાર વસવસો થતો હતો. તમારો આ વસવસો એકદમ વાજબી હતો. ૧૫ વર્ષ દરમ્યાન અનેક પ્રકાશક અને સાપ્તાહિકના માલિક-તંત્રીઓ વાર્તા લખવા માટે કહી ગયા હતા, પણ તેમની વાતોમાં જરાસરખીય ઉષ્મા નહોતી. માનસીની વાતોમાં ધંધાદારીપણું હતું તો સાથોસાથ નિખાલસતા પણ હતી. માનસીની વાતોમાં દૃઢતા હતી, તો તેના સ્વરમાં સૌમ્યતા પણ હતી. માનસીએ જાણતાં-અજાણતાં એક લેખકને ઉશ્કેર્યો હતો. આ ઉશ્કેરણી અને આ પડકાર અગાઉ કોઈએ નહોતાં આપ્યાં.
- લેખક તરીકે પ્રસ્થાપિત થવાનો મને ગર્વ છે. મારી દરેક વાર્તાઓ પછી હું અમુક અંશે ઓછો અપરિપક્વ થયો છું એ વાતની મને ખુશી છે. 
ઘરે આવીને તમે તમારી દરેક નવલકથાનાં પુસ્તકોની પ્રસ્તાવના 
પર નજર ફેરવી હતી. ‘ઝિંદગી’ નવલકથાની પ્રસ્તાવનામાં તમે લખ્યું હતું, ‘જિંદગી દરેક તબક્કે કંઈક ને કંઈક શીખવતી હોય છે. મૃત્યુની ક્ષણે પણ કેવી રીતે મરવું એ શીખવવાનું જિંદગી ચૂકતી નથી.’ 
જે નૉવેલ માનસીના હાથમાં હતી એ ‘ડૅડી’ની પ્રસ્તાવનાનો અંત હતો, ‘લેખક તરીકે, નવલકથાકાર તરીકે ડિક્લેર થવાને બદલે હું ઇન્જર્ડ થવાનું વધુ પસંદ કરીશ. ઇન્જર્ડ થયા પછી તમે મર્દની જેમ છાતી કાઢીને ચાલી શકો છો, પણ ડિક્લેર થયા પછી તમારી જિંદગીના ખાતામાં વસવસો ચીતરાઈ જાય છે. હું વસવસો કરવા માટે આવ્યો નથી, હું વસવસો મારા વારસદારને આપી જવા માગતો નથી...’
દેવને લેખક-પિતાના પુત્ર તરીકે ઓળખાવાનું ગમ્યું હોત ખરું? 
ફરી દેવ તમને યાદ આવી ગયો.
તમારી આંખ સામેના અક્ષર ઝાંખા થવા લાગ્યા.
તમે જમણી હથેળીની પાછળના ભાગથી આંખો લૂછી નાખી.
‘હેં, એવું ન કરાય કે તમારી 
છેલ્લી વાર્તાને પાછી ચાલુ કરીને 
આગળ વધારો.’
 દેવિયાની ક્યારે પાછળ આવી ગઈ એની તમને ખબર જ નહોતી પડી.
‘ના, એવું ન થાય.’
‘તો પછી નવી જ વાર્તા લખોને.’ 
દેવિયાનીએ તમારી સામે જોયું. કપાળ વચ્ચે મોટો ચાંદલો, નાકમાં ચૂંક અને બ્લાઉઝમાંથી બહાર ડોકાતી બ્રેશિયરની મોટી સફેદ પટ્ટી. દેવના મૃત્યુ પછી દેવિયાનીએ ડ્રેસ પહેરવાનું છોડી દીધું હતું, ‘નવી વાર્તા લખશો તો મને સારું લાગશે.’
દેવિયાનીના શબ્દો સાથે રહેલું નાનકડું ડૂસકું તમે અનુભવી શક્યા. 
‘પણ લખાશે એવું નથી...’
‘અરે, લખાશે તમે જોજોને.’ દેવિયાનીએ તમારો હાથ પકડી લીધો, ‘મારા ખાતર નહીં તો દેવને માટે પણ, હવે આમ નમાલા થવાને બદલે તમને ગમે છે એ કામ કરો.’
તમે હાથ છોડાવીને પુસ્તકો ફરી કબાટમાં ગોઠવવા લાગ્યા. આજે આમ વારંવાર આંખો કેમ ભીની થઈ જાય છે?
‘૧૦૦ વાતની એક વાત... હવે લખવાનું છે એ નક્કી છે હોં.’ 
દેવિયાની બહાર ગઈ, ‘મારા 
ખાતર નહીં તો આપણા...’ 
તમે બન્ને હાથે કાન સજ્જડ રીતે બંધ કરી દીધા.
આ બાઈ આજે વાત-વાતમાં દેવને વચ્ચે લઈ આવે છે.
lll
વાર્તા લખવી છે, પણ દિમાગ સાથ નથી આપતું. વાર્તાના અનેક પ્લૉટ પર વિચાર્યું, પણ ખાસ મજા નથી આવતી. 
શું કરવું હવે?
તમારું ટેન્શન વધતું જાય છે અને ટેન્શન સાથે બ્લડપ્રેશર પણ.
‘ચિંતા કરો મા, બધાં સારાં વાનાં થઈ જશે.’ 
શાક લેવા જતાં પહેલાં દેવિયાની રૂમમાં આવી તમને આશ્વાસન આપી ગઈ. સારું હતું કે અત્યારે તેણે લપ ન કરી. જો લપ કરી હોત તો ખરેખર તમે પહેલાંની જેમ ગુસ્સે થઈ ગયા હોત. વાર્તા લખવી એ શાક લેવા જેવું ફાલતુ કામ નથી. વાર્તા લખવી એટલે એકસાથે અનેક પાત્રોને પેટમાં પોષવાં પડે. વાર્તા લખવી એટલે એકસાથે અનેક પાત્રોના ગર્ભને પેટમાં ઉછેરવો પડે અને પછી બધાં પાત્રોને તંદુરસ્ત જન્મ આપવો પડે.
માનસીએ મીટિંગમાં સ્પષ્ટતા કરી હતી કે તમારે વાર્તાના પ્લૉટની ચર્ચા નથી કરવી. તમને જે યોગ્ય લાગે એના પર તમે કામ કરી શકો છો.
પણ, પણ, પણ, મોટો મુદ્દો એ જ હતો કે વિચારો આવતા નહોતા. સામાન્ય રીતે તમારા વિચારોની ધારા અસ્ખલિત વહેતી હોય, પણ આજે કોણ જાણે કેમ તમારા વિચારો અટકી ગયા હતા. કંઈ સૂઝતું નહોતું તમને. બે-ત્રણ દિવસનાં ન્યુઝપેપર પર પણ નજર કરી લીધી. કદાચ પાનાં ફેરવતાં-ફેરવતાં કંઈ સૂઝી આવે એવા ભાવથી પણ વ્યર્થ. 
એકાએક રૂમની બારીમાંથી દેકારો રૂમમાં દાખલ થયો. તમે ઊભા થઈને બારી પાસે આવ્યા.
બારીની બરાબર નીચે ૩૦ ફુટનો રોડ અને રોડની સામેની બાજુએ ઝૂંપડપટ્ટી હતી, અવાજ ત્યાંથી 
આવતો હતો. 
તમે નીચે નજર કરી.
ઓહ...
રસ્તાની સામે આવેલાં હારબંધ ઝૂંપડાંની બહાર વર-બૈરીનો ઝઘડો ચાલતો હતો. આ રોજનું હતું એવું દેવિયાની કહેતી. કોણ જાણે કેમ પણ તમે ઊભા રહીને નીચે ચાલતો ઝઘડો જોવા લાગ્યા.
વર બૈરીને બેરહેમીથી પીટતો હતો. પત્ની ચીસો પાડતી હતી. બાજુમાં એક નાનો છોકરો ઊભો-ઊભો રડતો હતો. કદાચ દેવની ઉંમરનો જ હશે.
ના.
દેવથી મોટો હશે.
આઠેક વર્ષનો હશે, પણ કુપોષણને કારણે બાળકોની ઉંમર ઓછી દેખાતી હોય છે.
અરે, આ શું?
હવે પત્ની પણ પતિના વાળ 
પકડીને મારામારી કરવા લાગી છે. હલકટ છે બન્ને.
પાંચ-દસ સેકન્ડ પછી ફરી તમારી નજર એ છોકરા પર આવીને અટકી. છોકરો રીતસર તેનાં માબાપને રોકવા મથે છે, પણ પતિ-પત્ની મારામારીમાં એટલાં વ્યસ્ત છે કે બેમાંથી કોઈને બાળકની પડી નથી.
‘ડૅડી’ નવલકથાના વિમોચન 
સમયે આપેલી સ્પીચ તમને અત્યારે 
યાદ આવી ગઈ.
માબાપ બનવું અને સારાં માબાપ બનવું એ બન્ને એકબીજાથી સંપૂર્ણ ભિન્ન પ્રક્રિયા છે. માબાપ બનવાની પ્રક્રિયા બેચાર મિનિટમાં પૂરી થઈ જાય, પણ સારાં માબાપ બનવા માટે કદાચ એક આખો જન્મારો પણ ટૂંકો પડે.
હવે રસ્તા પરનો ઝઘડો ઘરમાં ચાલ્યો ગયો છે.
પહેલાં પત્ની અંદર ગઈ, તેની પાછળ પતિ અંદર ગયો. પેલો છોકરો હજી બહાર ઊભો હીબકાં ભરે છે.
બન્ને નીચ. બેમાંથી કોઈને પોતાના સંતાનની પરવા નથી. 
તમે પણ બારીમાંથી હટી ગયા. તમને અત્યારે એ બાળક કરતાં વધુ ચિંતા વાર્તાની છે. વાર્તા નથી સૂઝતી અને કાલે શનિવાર છે.
શું જવાબ આપીશ કાલે?
lll
રાતે ત્રણેક વાગ્યા છે, તમને હજી પણ ઊંઘ નથી આવતી.
બે વખત તો દેવિયાનીએ જાગીને તમને કહ્યું શાંતિથી સૂઈ જાઓ, આવી ચિંતા કર્યે વાર્તા નહીં, બ્લડપ્રેશર મળે.
તમે બેડ પરથી ઊભા થઈને બારી પાસે આવ્યા.
સ્ટ્રીટલાઇટમાં ઝૂંપડપટ્ટી ચોખ્ખી દેખાતી હતી.
સાંજે કેવો દેકારો હતો ત્યાં અને અત્યારે, અત્યારે કેવી સ્મશાનવત્ શાંતિ છે. જાણે કંઈ બન્યું જ નથી.
તમને એ લોકોની ઈર્ષ્યા આવવા લાગી.
ખરેખર જિંદગી જીવી જાણે છે. થોકબંધ મનદુઃખ છે, મારામારી કરી લે છે, પણ તેમને માટે એ બધું કલાક પૂરતું છે અને આપણે, આપણા જેવા એજ્યુકેટેડ વર્ષો સુધી વાતને ગાંઠે બાંધીને ફરતા રહે.
એકાએક તમારું ધ્યાન એક ઝૂપડા પાસે થતા સળવળાટ તરફ ગયું. આ એ જ ઘર હતું જ્યાં સાંજે ઝઘડો થતો હતો.
તમે આંખો ઝીણી કરીને એ તરફ ધ્યાનથી જોયું.
સાંજે જે પત્ની રસ્તા પર પતિનો માર ખાતી હતી તે અત્યારે, ખાટલા પર સૂતેલા પતિના ચહેરા પર ઝૂકી રહી હતી.
તમે બારી પાસેથી હટી ગયા.
પત્ની હોય તો આવી હોય - સાંજની વાતને કલાકમાં ભુલાવીને ફરી પતિના પડખામાં આવી ગઈ. તમે દેવિયાની સામે જોયું. તમારા બન્ને હોઠ મરકી પડ્યા. દેવિયાની માટેના તુચ્છકારથી.
જો અત્યારે દેવિયાની જાગતી 
હોત તો તમે ખરેખર તેને આ દૃશ્ય દેખાડીને કહ્યું હોત કે હું ઇચ્છું કે તું આવી વાઇફ બને.
નજર ફેરવી દિમાગને બીજી દિશામાં વાળવાની કોશિશમાં તમે લાગ્યા. 
વાર્તા. વાર્તા લખવાની છે, પણ દિમાગ સાલું સાથ નથી આપતું. 
lll
‘અરે, ઊઠોને.’ વહેલી સવારે માંડ આવેલી ઊંઘ પણ દેવિયાનીએ વિખેરી નાખી, ‘જુઓ, સામે પોલીસ આવે...’
‘ક્યાં?’ પોલીસના નામે તમે 
ઝાટકા સાથે બેડમાં બેઠા થઈ ગયા, 
‘કેમ, શું થયું?’
‘જુઓ, આવો...’ દેવિયાની બારી પાસે પહોંચી ગઈ હતી, ‘મંગુબાઈએ તેના વરને મારી નાખ્યો.’
આ બાઈ કંઈ પણ બકબક કરે છે. હજી તમે હમણાં, રાતે તો એ બન્નેને...
તમે ઊભા થઈને બારી પાસે આવ્યા.
અરે, હાં.
આ એ જ ખાટલો હતો જેના પર કાલે રાતે પેલી બાઈ ઝૂકતી હતી. તમે એ જગ્યાને જોતા રહ્યા અને દેવિયાનીનો અવાજ તમારા કાનમાં રેડાતો હતો.
‘નીચેવાળાં માસી કહે છે કે મંગુનો વર તેના દીકરાના દૂધના પૈસાનો દારૂ પી આવ્યો એટલે મંગુએ તેના વર સાથે બહુ કજિયો કર્યો. વરે મંગુને બહુ મારી. રાતે તે સૂઈ ગયો એટલે મંગુબાઈએ સાંબેલું મારીને તેનું માથું ફોડી નાખ્યું.’
‘હેં...’ 
તમારી આંખો પહોળી થઈ ગઈ. રાતે તમે વિચારતા હતા કે દેવિયાનીએ આ બાઈ જેવા બનવું જોઈએ અને 
એ બાઈ...
‘હા, મંગુબાઈ સવાર સુધી લાશ પાસે બેસી રહી. માસી કહે છે કે મંગુનો દીકરો ભૂખ્યો સૂઈ ગયો એટલે મંગુને વર પર બહુ ખીજ ચડી હતી.’
તમારા દિમાગમાં ઝબકારો થયો.
તમને વાર્તા મળી ગઈ હતી.
તમે બારી પાસેથી ખસીને બ્રસ લેવા માટે પગ ઉપાડ્યા.
‘એ સાંભળો, તમને હજી વાર્તાની ચિંતા હોય તો એકાદ-બે દિવસ માગી લ્યો...’ દેવિયાનીનો અવાજ પીઠ પર અથડાયો. તમે દેવિયાની સામે જોયું.
‘ખરાબ ન લગાડતા, પણ સાચું કહું તો મનેય આમ નથી ગમતું.’ દેવિયાનીનો અવાજ ભીનો થયો, ‘મને પહેલાંવાળા દેવધર ઘરમાં જોઈએ છે. ભલેને તે મારા પર દેકારા કરે. વાંધો નહીં...’
તમે દેવિયાનીને બથ ભરી.

સંપૂર્ણ

columnists Rashmin Shah