વાર્તાકાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

15 September, 2021 08:04 AM IST  |  Mumbai | Rashmin Shah

‘તમારે કશું કહેવાની જરૂર નથી મિસ્ટર દેવધર.’ માનસીની આંખો એકદમ શાંત હતી, ‘અમને તમારામાં રસ છે અને એટલે જ આપણે સાથે બેઠા છીએ.’

વાર્તાકાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

‘પણ ભાઈ, મેં તો વાર્તા લખવાનું વર્ષોથી છોડી દીધું છે.’
માત્ર અને માત્ર દેવ ખાતર મળી લેવાનું કહ્યું હતું એટલે તમે ઇન્ડિયા હાઉસના પ્રકાશકને મળવા તૈયાર 
થયા હતા.
‘યસ અને અમારે પણ એવા જ વાર્તાકાર જોઈએ છે જે આજકાલની ટિપિકલ વાર્તાઓ સાથે સંકળાયેલા ન હોય.’ માનસીએ હાથથી ચા લેવાનો ઇશારો કર્યો, ‘જે આવી ગયું છે અને જે આવી રહ્યું છે એવું અમારે કશું જોઈતું નહોતું. અમારે શું નથી જોઈતું એ અમને ખબર હતી એટલે અમારી વાત સ્પષ્‍ટ થઈ કે હવે બે ઑપ્શન છે, કાં તો અમે કોઈ ફ્રેશ નૉવેલિસ્ટને લાવીએ અને કાં તો અમે એવા કોઈ એવા નવલકથાકારને લાવીએ જે વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગયા હોય. ફ્રેશ નૉવેલિસ્ટમાં થોડું રિસ્ક છે, પણ તમારા જેવા પીઢ વાર્તાકારનું કમબૅક અમે કરાવીએ તો અમને ફાયદો પણ થવાનો છ.’
તમે કશું બોલ્યા વિના માનસી વખારિયા સામે જોઈ રહ્યા.
‘દેવધર, તમને નથી ખબર, પણ તમારો વાચકવર્ગ આજે પણ એવું ઇચ્છે છે કે તમે ફરીથી નવલકથા લખવાનું શરૂ કરો.’
‘હંઅઅઅ...’ 
તમે હોંકારો ભર્યો. ન કરવો જોઈએ, ખાસ કરીને ઇન્ડિયા હાઉસના ડિપાર્ટમેન્ટ હેડ સામે તો ન જ કરવો જોઈએ છતાં તમારાથી બળદની જેમ ગળામાંથી અવાજ નીકળી ગયો. અલબત્ત, તમારાથી આ હોંકારો સાવ અનાયાસ જ થઈ ગયો હતો. તમને માનસી વખારિયાની વાત ગમી હતી, ‘ખુદા કો ભી ખિદમત પ્યારી, જબ કી હમ તો ઇન્સાન હૈં.’
‘આપણે ૪૦થી ૫૦ એપિસોડની વાર્તા શરૂ કરવી છે.’ માનસી ‘અમે’માંથી ‘આપણે’ પર આવી ગઈ એ તમારા ધ્યાનમાં હતું, ‘નૉવેલ પહેલા અંકથી શરૂ નથી કરવી, પણ પહેલા ઇશ્યુમાં આપણે નૉવેલની અનાઉન્સમેન્ટ કરીશું. અનાઉન્સમેન્ટની સાથે આપણે તમારા કમબૅકની જાહેરાત પણ કરીશું.’
માનસી જે રીતે વાતની દિશા કન્ફર્મેશન તરફ લઈ ગઈ એ જોતાં તમને લાગ્યું કે હવે ચોખવટ કરી 
લેવી જોઈએ.
‘તમને કોણે કહ્યું કે હું વાર્તા લખવા માટે તૈયાર થઈ ગયો છું?’
‘તમારે કશું કહેવાની જરૂર નથી મિસ્ટર દેવધર.’ માનસીની આંખો એકદમ શાંત હતી, ‘અમને તમારામાં રસ છે અને એટલે જ આપણે સાથે 
બેઠા છીએ.’
‘મને નથી લાગતું કે હું હવે લખી શકીશ.’ તમારો અવાજ ઢીલો પડી ગયો. સમયે મારેલો માર તમારા અવાજ પરથી પારખી શકાતો હતો, ‘નવલકથા લખ્યાને એક યુગ પસાર થઈ ગયો. વાચકોની એક નવી પેઢી આવી ગઈ અને વાચકોની આ નવી પેઢીને...’
‘વાચકોની એ નવી પેઢીને આજે પણ દેવધર શાહ જોઈએ છે.’ 
તમારી વાતનું અનુસંધાન માનસીએ પૂરું કર્યું. જરા જુદી રીતે.
‘એક મિનિટ...’ માનસીએ ડેસ્કનું ડ્રૉઅર ખોલીને એક ફાઇલ બહાર કાઢી, ‘આ જુઓ...’
તમે ફાઇલ હાથમાં લીધી, ફાઇલ દળદાર હતી.
ફાઇલ ખોલીને તમે અંદરનાં બેચાર કાગળો ઊથલાવ્યાં.
‘મૅગેઝિન શરૂ કરતાં પહેલાં થયેલા સર્વેની આ ફાઇલ છે.’ માનસી હજી પણ ડેસ્કના ડ્રૉઅરમાંથી ફાઇલ કાઢતી હતી, ‘૫૦,૦૦૦ ગુજરાતી વાચકોને મળીને આ સર્વે થયો છે જેમાં વાર્તા એક અગત્યના હિસ્સા તરીકે સર્વેમાં જોડવામાં આવી હતી. આ સર્વે મુજબ ૨૨,૭૮૪ વાચકો ઇચ્છે છે કે તમારી વાર્તા વાંચવી. પ૦,૦૦૦માંથી ૨૨,૭૮૪ રીડર્સ મિસ્ટર દેવધર, આ હકીકત કોઈ તમને ન કહે, પણ મને કોઈની પાસે ચોરીછૂપીથી કામ કરાવવાનું ગમતું નથી.’
‘મને અફસોસ છે કે બાકીના ૨૭,૨૧૬ વોટ કોઈ બીજું લઈ ગયું છે.’ 
તમારામાં રહેલો એક સફળતમ વાર્તાકાર જાગી રહ્યો હતો, 
સાવ અનાયાસ.
‘અફસોસની જરૂર નથી, કારણ કે અમારા સર્વેમાં કુલ ચાર રાઇટર હતા. તમારા પછીના ક્રમે જે રાઇટર આવે છે તેમને માત્ર ૭૮૦૯ વોટ મળ્યા છે.’
‘તો પણ...’ તમે તમારી વાત સાથે વળગી રહ્યા, ‘મળેલા વોટ કરતાં ગુમાવેલા વોટનો મને અફસોસ છે.’
‘અફસોસ હજી પણ સુધારી શકાય છે, દેવધર.’
‘...પણ.’
‘તમે વાર્તા લખવા ન માગતા 
હો તો હું તમારા પર કોઈ દબાણ ન કરી શકું, પણ હા, હું મનથી એટલું ચોક્કસ ધારીશ કે તમને ડર હતો નિષ્ફળ થવાનો.’
‘દેવધર શાહ નિષ્ફળ થવા માટે સર્જાયો નથી.’ તમે ઉશ્કેરાયા, ‘હા, સફળતાની ટકાવારી ઓછી-વધુ ચલાવી શકું, પણ નિષ્ફળતા, નેવર...’
‘તો પછી તમને શું વાંધો છે વાર્તા લખવા સામે.’
શું કહું આ છોકરીને. 
તમને તમારી મૂંઝવણ કહેવામાં શરમ આવતી હતી.
‘ધેર આર સમ સોશ્યલ પ્રૉબ્લેમ...’ તમે નરેન્દ્ર મોદી જેવો ડિપ્લોમૅટિક જવાબ આપ્યો. 
‘તમારો ખુલાસો મને ગળે 
નથી ઊતરતો.’ 
માનસીએ ટેબલ પર પડેલા ઘડિયાળમાં પોતાના તરફ કરીને સમય જોઈ લીધો. તમને ડર લાગ્યો કે ક્યાંક માનસી આ મીટિંગ પૂરી ન કરી નાખે. આ ડર વાર્તા લખવાની તક હાથમાંથી છૂટી જવાનો નહોતો, ડર વાર્તાની વાતચીત અને તમે લખેલી વાર્તાની યાદોના માહોલમાંથી બહાર નીકળી જવાનો હતો.
૩૦ વર્ષ.
માત્ર ૩૦ વર્ષની ઉંમર હતી ત્યારે જ્યારે છેલ્લી વાર્તા તમે અધૂરી છોડી.
lll
એ રાતે તમે વાર્તાના નવા પ્રકરણના વિચારોમાં હતા. વિચારોમાં પણ, ચિંતામાં પણ. તમે નહોતા ઇચ્છતા કે કોઈ કાળે વાર્તામાં એક વીકનો બ્રેક આવે. બ્રેક આવવો પણ શું કામ જોઈએ, લેખક બ્રેક લે તો તેણે ડૂબી મરવું જોઈએ એવું તમે દૃઢપણે માનતા અને તમારી આ જ વિચારધારાએ તમને વિચલિત કરી દીધા હતા. 
દેવ અને દેવિયાની સાથે તમે બહાર તો નીકળી ગયા, પણ તમે મનથી તેમની સાથે નહોતા. તમે મનથી તો તમારી વાર્તામાં અને તમારી વાર્તાનાં પાત્રો સાથે હતા. તમે તમારા વિચારોમાં હતા અને દેવને ઠંડી ન લાગે એ માટે દેવિયાની પોતાનો દુપટ્ટો આપવા ગઈ. ઘૂઘવાટ કરતા પવન સાથે દેવિયાનીના દુપટ્ટાનો છેડો ઊડીને તમારા ચહેરા પર આવ્યો. તમારા બાઇક પરનું બૅલૅન્સ ગયું અને બાઇકનો અકસ્માત થયો.
બે દેવની હાજરીમાં ત્રીજો દેવ ચાલ્યો ગયો. 
‘ભૂખ લા...ગી...’
દેવના આ અંતિમ શબ્દો આજે પણ તમારા કાનમાં સૂળ ભોંકતા હતા.
માણસ મરે ત્યારે પાણી માગે, દેવે છેલ્લે જમવાનું માગ્યું હતું. દેવ છેલ્લા અડધા કલાકથી જમવાનું માગતો હતો અને દેવ ભૂખ્યો ચાલ્યો ગયો.
તમે દેવના મૃતદેહ અને 
બેભાન દેવિયાનીને લઈને હૉસ્પિટલ પહોંચ્યા હતા.
તમારો આગ્રહ હતો કે વાર્તામાં એક પણ બ્રેક ન હોવો જોઈએ અને તમારી વાર્તાને કાયમ માટે બ્રેક મળી ગયો હતો.
ડબલ ટ્રબલ. તમારી આ વાર્તા કાયમ માટે અધૂરી રહી ગઈ. એવું નહોતું કે આ વાર્તા પૂરી કરવાની તમે ક્યારેય કોશિશ ન કરી. અનેક વખત તમે વાર્તા પૂરી કરવા બેઠા પણ જેવી બૉલપેન કાગળ પર માંડો કે દિમાગ હડતાળ પર ચાલ્યું જતું. તમારી આંખ સામે અંધકાર છવાઈ જતો. 
ધડામ...
કાનમાં ધડાકો થતો અને કોઈ હથેળીની પકડ ઢીલી કરતું હોય એવો ભાસ થતો.
lll
‘તમારો ખુલાસો મને ગળે નથી ઊતરતો.’ માનસીએ ઘડિયાળમાં જોયું, ‘ખુલાસો ગળે ન ઊતરતો હોય ત્યારે માણસને પોતાના વિચારો સાથે અકબંધ રહેવાનો અધિકાર મળી જાય છે.’
‘ખુલાસો સાચો છે કે ખોટો, અધૂરો છે કે પૂરો એ મહત્ત્વનું નથી. મહત્ત્વની વાત એ છે કે તમે સામેની વ્યક્તિના સંજોગો સમજવા માટેની સભાનતા કેળવો.’
સાવ અચાનક, અનાયાસ તમારાથી જવાબ અપાઈ ગયો,
‘તમારી બીજી નવલકથા ‘આઇ લવ યુ’ના સાતમા એપિસોડમાં તૃષા જ્યારે અભિજિતના ખુલાસાને સ્વીકારતી નથી ત્યારે અભિજિત સ્પષ્ટતા કરે છે.’
‘તમને હજીયે તમારાં પાત્રોના સંવાદ યાદ છે, ગુડ.’ માનસીએ 
હાથ લંબાવ્યો.
‘મને એ પણ યાદ છે કે મિત્રો હંમેશાં સાચું કહેતા હોય છે. સારું કહેનારા મિત્રો મિત્રોની નહીં, માત્ર પ્રશંસકની ભૂમિકા નિભાવતા હોય છે.’
‘મારી બન્ને વાત મિત્રતાના દાવા સાથે જ કહી છે.’ માનસીના શબ્દોમાં દૃઢતા હતી, ‘તમે આજે પણ ડિમાન્ડમાં છો અને એ પણ સાચું છે કે તમે 
વાર્તા લખવા તૈયાર નહીં થાઓ 
તો અમે બીજો લેખક શોધી લઈશું, કારણ કે એ વાસ્તવિકતા છે. દુનિયા ક્યારેય અટકતી નથી, દુનિયા કોઈ વિના અટકતી નથી.’
‘પણ મને ડર છે કે હું વાર્તા નહીં લખી શકું.’
‘તમને જ વાતનો ડર છે એ વાતનો અમને વિશ્વાસ છે. ફરક માત્ર એટલો છે કે તમે એવું ધારો છો કે તમારાથી નહીં લખાય અને હું એવું માનું છું કે તમે ના પાડશો એટલે અમારું અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ ખુશ થશે.’
‘ન સમજાયું મને...’
‘એપિસોડદીઠ ૨૦,૦૦૦ રૂપિયા તમારા નામ પર પાસ થયા છે, 
જે નૅચરલી અમારા સીએફઓને 
ગમ્યા નથી.’
૨૦,૦૦૦ અને એ પણ એક પ્રકરણના!
તમારી આંખો પહોળી થઈ. 
પૈસા તમારે માટે ગૌણ હતા, પણ નગણ્ય નહોતા.
‘હા, ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય કોઈને મળ્યા નથી અને આવતાં પાંચ વર્ષ સુધી આ પેમેન્ટ કોઈને મળવાનું નથી.’
‘પણ ફ્રેન્કલી સ્પીકિંગ, મને હજીય ડર છે...’
‘ઓકે. એક કામ કરીએ...’ માનસીએ રસ્તો કાઢ્યો, ‘આજે ગુરુવાર છે. મને વિશ્વાસ છે કે તમારાથી લખાશે અને છતાં તમને ડાઉટ છે તો શનિવાર સુધીનો ટાઇમ લો. જુઓ, તમારાથી લખાશે કે નહીં. શનિવારે સવારે આપણે ફરી વાત કરીએ. જો તમારી પરમિશન હશે તો આપણે આગળ વધીશું.’
તમે ઊભા થઈ કૅબિનના દરવાજે પહોંચ્યા કે પાછળથી અવાજ આવ્યો,
‘હું વાર્તાઓમાં જન્મ્યો નથી, પણ વાર્તાઓ વચ્ચે મરીશ એ નક્કી છે, કારણ કે... કારણ કે મને ક્યારેય હાથની રેખાઓમાં રસ નથી પડ્યો, 
મને હંમેશાં કપાળની રેખાઓએ ઉશ્કેર્યો છે. કપાળની રેખાઓ માણસે પોતાની જાતે બનાવવાની હોય છે, આ રેખાઓ માટે ભગવાન પણ મદદગારી કરી શકતો નથી.’
તમે પાછળ ફરીને જોયું.
માનસીના હાથમાં ‘ડૅડી’ પુસ્તક હતું. 
‘ડૅડી.’
દેવના ગર્ભાધાન સમયે લખાયેલી તમારી નવલકથા. તમે એકઝાટકે ચેમ્બરની બહાર નીકળી ગયા,
માનસી તમારી ભીની થયેલી આંખોના ખૂણા જોઈ ન જાય એવી તીવ્ર ઇચ્છા સાથે. જો તમે પાછળ ફરીને જોયું હોત તો તમને ‘ડૅડી’ના પહેલા પેજ પર રહેલા તમારા હસ્તાક્ષર જોવા મળ્યા હોત. 
૧૭-૧૮ વર્ષ પહેલાં પોતાના નાનકડા હાથમાં ‘ડૅડી’ બુક લઈને ઑટોગ્રાફ લેવા આવેલી માનસીને તમે પૂછ્યું હતું કે ‘ડૅડી કેવા છે’ અને માનસીએ જવાબ આપ્યો હતો, ‘ડૅડી સારા છે.’
‘સારા ડૅડી, બહુ સારા ડૅડી બને એવી શુભેચ્છા સાથે.’ 
ઑટોગ્રાફ પર તમે માનસીને શુભેચ્છા લખી આપી હતી.

વધુ આવતી કાલે

columnists Rashmin Shah