વાર્તાકાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૨)

14 September, 2021 08:10 AM IST  |  Mumbai | Rashmin Shah

‘હવે તો તમે જીદ છોડી દ્યો...’ દેવિયાનીના અવાજે તમારી આંખો ખોલી, ‘મળી લ્યો એ લોકોને એક વાર. દેવને ખાતર પણ મળી લ્યો એક વાર...’

વાર્તાકાર

‘પણ તમે આવું શું કામ કરો છો?’ પત્નીની લપ હજી અકબંધ હતી, ‘એક વાર મળી તો લ્યો. એવું બને કે એ લોકો તમારી જૂની વાર્તા માટે પણ રાજી થઈ જાય.’

આંખ ઊંચી કરીને તમે પત્ની સામે જોયું. આંખોમાં વસવસો હતો.

- શું કામ, શું કામ, આ બાઈ તમને સમજવાની દરકાર નથી કરતી.

એ દિવસે પણ કંઈક આવો જ માહોલ હતો.

જે ભૂતકાળ તમે હૃદયમાં ધરબીને બેઠા હતા એ અત્યારે લાવારસ બનીને બહાર આવવા ખદબદતો હતો. લાખ પ્રયાસો પછી પણ એ ઘટના અત્યારે ફરી ફૂંફાડા મારતી હતી.

મુશળધાર વરસાદ, વરસતા વરસાદ વચ્ચે પસાર થતી બાઇક, ચશ્માં પરથી રેલાતું પાણી અને એક ધડાકો. આજે પણ એવી જ મુશળધાર વરસાદની રાત છે. આકાશ સાંબેલાધાર વરસી રહ્યું છે અને મુંબઈ તરબતર થઈ ગયું છે. તમારી આંખોના ખૂણા ભીના થવા લાગ્યા. આંખ સામે દેવ આવી ગયો.

‘પપ્પા મારું નામ કેવું છે, કાં?’

એક વખત દેવે પૂછ્યું અને તમને સવાલને બદલે દેવનો દેશી જેવો લાગતો કાં’કારો ખૂંચ્યો હતો.

‘પહેલાં તો મને એ કહે કે તું વાત-વાતમાં કાં કેમ બોલે છે?’

‘મમ્મી બોલે છે એટલે...’

તમને દેવિયાની પર પારાવાર ગુસ્સો આવ્યો હતો. લાખ વખત કહ્યું હતું દેવિયાનીને કે લાઇફમાં કોઈ પર્ફેક્ટ નથી હોતું, પણ પર્ફેક્ટ બનવું પડતું હોય છે, પણ ના, દેવિયાની નામની ગમારને સમજાતું નહોતું.

‘કેમ, તારા નામમાં એવું તે શું છે કે તને નવીન લાગે છે.’ દેવિયાની પરનો ગુસ્સો દબાવીને તમે દેવને પૂછ્યું,

‘મારા નામમાં એક નહીં, બે દેવ આવે.’ દેવે જમણાં હાથની પહેલી આંગળી ઊંચી કરી, ‘એક મારું દેવ અને બીજું તમારું દેવ. દેવ દેવધર શાહ.’

‘હા, બેટા, તારા નામમાં બે દેવ આવે છે.’ તમે દેવને ખોળામાં લીધો, ‘દુનિયામાં બધાને એક ભગવાન બચાવે, પણ તને બચાવવા બે દેવને તારા નામમાં ઊભા રાખી દીધા...’

‘બે નહીં, ત્રણ પપ્પા.’ દેવે તમારી સામે જોયું, ‘મમ્મીનું નામ દેવિયાની એટલે ત્રીજું મમ્મીના નામનો દેવ.’

‘હા, બેટા, બે નહીં, ત્રણ દેવ તારે માટે ઊભા છે.’

ત્રણ દેવ બસ ઊભા જ રહ્યા, અને દેવનો જીવ ગયો.

ધડામ...

lll

આજે કેમ સવારથી દેવ યાદ આવ્યા કરે છે?

દોઢ દાયકો વીતી ગયો દેવને ગયાને અને છતાં એવું લાગે છે કે હજી કાલે જ દેવે તમારી આંગળી છોડી.

તમે ઊભા થઈને ગૅલરીમાં ગયા. ફ્લૅટની ગૅલરીમાંથી એસ. વી. રોડ દેખાતો હતો. બોરીવલીમાંથી નીકળીને કાંદિવલીમાં ઘૂસતો અને ત્યાંથી આગળ મલાડમાં થઈને ગોરેગામ જતો એસ. વી. રોડ. આ જ રોડ પર એક રાતે એક ધડાકો થયો અને એ ધડાકાએ તમારી જિંદગીને થંભાવી દીધી. માત્ર તમારી જ નહીં, દેવિયાનીની જિંદગી પણ આ ધડાકા સાથે અટકી ગઈ હતી.

તમે આંખો બંધ કરી.

‘હવે તો તમે જીદ છોડી દ્યો...’ દેવિયાનીના અવાજે તમારી આંખો ખોલી, ‘મળી લ્યો એ લોકોને એક વાર. દેવને ખાતર પણ મળી લ્યો

એક વાર...’

દેવ...

તમને તમારી હથેળી એકાએક કોઈ છોડતું હોય એવો ભાસ થયો. ૧૫ વર્ષ પહેલાં થયો હતો એવો જ ભાસ. પ્રયાસ કર્યા તો પણ આંખમાંથી આંસુ બહાર સરી આવ્યાં.

તમે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા અને દેવિયાની પીઠ પર હાથ ફેરવતી રહી.

lll

‘છોકરાની રજા આમ જ પૂરી થઈ જશે અને તમને અસર પણ

નથી થતી...’

દેવિયાની આજે કંઈક વધારે પડતી જીદ કરતી હોય એવું તમને લાગતું

હતું, પણ તમને દેવિયાનીની આ વાહિયાત જીદ અને ફાલતુના

બકવાસ સામે સહેજ પણ વાંધો નહોતો. તમારું ધ્યાન નવલકથાના પ્રકરણમાં હતું. સવારે પ્રકરણ આપવાનું છે

અને અત્યારે કારણ વિના દેવિયાની લપ લઈને બેઠી છે.

‘હું તમને કહું છું, સાંભળો છો?’

જવાબ આપ્યા વિના તમે કોરા કાગળ જોતા રહ્યા.

આજે પ્રકરણ માટે તમને કંઈ સૂઝતું નહોતું. ગયા પ્રકરણના મુદ્દા નોંધાઈ ગયા હતા છતાં તમને સૂઝ નહોતી પડતી કે નવા ચૅપ્ટરમાં શું કરવું. વાર્તા હવે પછીનાં ત્રણ હપ્તામાં પૂરી કરવી હતી એટલે વાર્તાના તમામ હિસ્સા અને પાત્રોને પણ તમારે એક ચોક્કસ જગ્યાએ એકઠાં કરવાનાં હતાં.

‘હાલો, હવે ઊભા થાઓ’ દેવિયાનીએ કહ્યું, ‘દેવને બહાર જમવા લઈ જવો છે.’

‘ના પાડીને તને એક વાર.’ તમારો ગુસ્સો બહાર આવી ગયો, ‘નથી જવું ક્યાંય. ઘરમાં જ બનાવી નાખ...’

‘મમ્મી, ભૂખ લાગી છે.’

બહારથી દેવનો અવાજ આવ્યો.

‘હું જમવાનું નથી બનાવવાની.’ છણકો કરી દેવિયાની બહાર નીકળી ગઈ અને બહાર જઈને તેણે દેવને ધમકાવ્યો, ‘એય તું ચૂપ મર...’

તમે બૉલપેનનો ઘા કર્યો.

‘શું છે તારે...’

તમે બહાર આવ્યા. દેવિયાનીને તમાચો ઠોકી દેવાનું તમને મન થતું હતું. જો દેવ આવીને પગે વળગ્યો ન હોત તો તમે દેવિયાનીને થપ્પડ મારી લીધી હોત.

સમજે શું આ બાઈ તેના મનમાં. વાર્તા લખવી એટલે શું એની તો ભાન છે નહીં તેને. વાર્તા લખવા માટે જાતમાં એકસાથે અનેક વ્યક્તિઓને પોષવી પડે. એક ગર્ભવતી સ્ત્રીને જેટલી વેદના થાય એટલી વેદના સહેવી પડે. ગર્ભવતી સ્ત્રીને તો નવમા મહિના વેદનાનો સહેવાસ થાય, પણ અહીં તો દરેક પ્રકરણે વેદનાનો અનુભવ કરવો પડે. જો વાર્તા લખવી રમતવાત હોત તો દુનિયાનો દરેક બીજો પુરુષ વાર્તાકાર બનીને જ ઘર ચલાવતો હોત. શાંતિથી ઘરમાં રહો. રાત પડ્યે થોડાં કાગળ ચીતરો અને બીજી સવારે એ વેચીને ઘરનું રૅશન ખરીદી લાવો. સિમ્પલ.

‘કંઈ નહીં... મેં કીધું, હું જમવાનું નથી બનાવવાની.’ દેવિયાનીનો તોર અકબંધ હતો, ‘તમારે બન્નેને જે કરવું હોય એ કરો.’

‘પપ્પા, ચાલોને બહાર જઈએ.’

ઊંડો શ્વાસ લઈ તમે તૈયાર થવા માટે દેવિયાનીને કહ્યું અને દેવિયાનીએ ના પાડી.

‘ના, તારે આવવાનું છે.’ દેવે દેવિયાનીને આગ્રહ કર્યો, ‘હું કહું એટલે આવવાનું...’

‘કીધુંને મારે નથી આવવું.’ દેવિયાનીએ તમારી સામે જોયું, ‘તમે બેય જઈ આવો.’

‘હવે નાટક મૂક, ઊભી થા એટલે વાત પતે...’

જાણે દેવિયાની તમારા કહેવાની જ રાહ જોતી હોય એમ ઊભી થઈ ગઈ. જોકે તમને ખાતરી હતી કે હજીયે

તેનાં નાટક ચાલુ રહેવાનાં છે. હવેનો સીન હોટેલમાં ભજવાશે એની તમને ખાતરી હતી.

બહાર વરસાદ ચાલુ હતો.

દેવિયાની પહેરેલા કપડે નીચે ઊતરી ગઈ. તમને કહેવાનું મન થયું કે તારે માટે નહીં તો દેવ માટે તો રેઇનકોટ લે, પણ ના, તમે દેવિયાનીને બોલાવવા નહોતા માગતા. તમારા મનની ઉપરની સપાટી પર હવે ગુસ્સો હતો અને નીચેના સ્તરે નવલકથાનું ન લખાયેલું પ્રકરણ. આજ સુધીનો તમારો રેકૉર્ડ હતો કે તમે વાર્તામાં ક્યારેય બ્રેક લીધો નથી. એક વાર્તાકારે તેની સમગ્ર કરીઅર દરમ્યાન ક્યારેય આ પ્રકારે ચાલુ વાર્તાએ બ્રેક ન લીધો હોય એવું જ્વલ્લે જ બનતું હોય છે. તમને તમારા આ રેકૉર્ડ પર ગર્વ હતો. એક ફરજપરસ્ત અધિકારીને પોતાની ફરજ પૂરી કર્યાનું જેવું અભિમાન હોય એવું જ અને એટલું જ અભિમાન તમને તમારી આ બ્રેક-લેશ કરીઅર માટે હતું. જોકે આજે તમને ડર લાગતો હતો કે રેકૉર્ડ તૂટી જશે.

તમે બાઇક ચાલુ કર્યું કે તરત દેવ બાઇકની પેટ્રોલની ટૅન્ક ટાંકી પર બેસી ગયો. આ દેવનો નિયમ હતો. દેવ આગળ બેસતો એટલે દેવિયાની તરત ટોકતી, ‘ધ્યાન રાખજો. દેવને કંઈ થાય નહીં,’ પણ આજે દેવિયાની કશું બોલ્યા વિના પાછળ બેસી ગઈ.

‘ક્યાં જવું છે, બેટા.’ તમે અપાર્ટમેન્ટની બહાર નીકળીને

દેવને પૂછ્યું,

‘ભાજીપાંઉ ખાવા...’

તમે બાઇક એસ. વી. રોડ પર લીધી. વરસાદનું જોર અકબંધ હતું અને આ જોર વચ્ચે તમારા મનમાં વાર્તાનું નવું પ્રકરણ ચાલતું હતું.

સ્ટોરીમાં ડબલ પર્સનાલિટી ધરાવતી એક યુવતીની વાત હતી. યુવતીની એક પર્સનાલિટી અતંર્મુખી હતી તો બીજી પર્સનાલિટી બોલ્ડ હતી. આ એક યુવતી બે પર્સનાલિટી સાથે, જુદા-જુદા નામ સાથે ફરે છે અને બન્નેની ઓળખ જુદી છે. બે યુવક આ એક જ યુવતીના પ્રેમમાં પડે છે. બન્ને એવું ધારે છે કે યુવતી ટ્વિન્સ છે.

- ઓહ...!

હજી તો ડૉક્ટર સાથે પણ વાત કરવાની છે. જાણવાનું છે કે ડબલ પર્સનાલિટી ધરાવતી આ છોકરીને કોઈ એક પર્સનાલિટી પર અટકાવી દેવી સાયકોલૉજી મુજબ શક્ય છે ખરું કે પછી ન્યુરોસર્જરીથી એ શક્ય બને?

કેટલા વાગ્યા?

તમે ડાબો હાથ ઊંચો કરી કાંડું આંખ સામે લાવ્યા અને બરાબર એ જ સમયે દેવે પણ તમારી જમણી સાઇડથી ઝૂકીને પાછળ મમ્મી સામે જોયું.

‘મમ્મી ઠંડી લાગે છે...’

વરસતા વરસાદ સાથે સૂસવાટા મારતા પવન વચ્ચે દેવિયાનીને દેવના શબ્દો સંભળાયા નહીં એટલે દેવિયાની પણ જમણી બાજુએ ઝૂકી જેને લીધે બાઇક પણ જમણી તરફ ઝૂકી. તમે તરત હાથ હૅન્ડલ પર પાછો લાવીને બાઇક પર કન્ટ્રોલ કર્યો.

જો બીજો કોઈ દિવસ હોત તો તમને દેવ અને દેવિયાની પર ગુસ્સો આવ્યો હોત, પણ આજે તમે શાંત રહ્યા.

‘મમ્મી ઠંડી લાગે છે.’

ફરીથી દેવે પાછળ ફરીને મમ્મીને કહ્યું. આ વખતે તેનો અવાજ મોટો હતો એટલે દેવિયાનીને સંભળાઈ ગયું. રાતે ૧૦ વાગી ગયા હતા. ડિનર કરતાં એકાદ કલાક તો નક્કી. રાતે મોડેથી ડૉક્ટરને ઉઠાડી વાર્તા માટે સવાલ કરવો યોગ્ય નથી, પણ વાર્તા જો ત્રણ હપ્તામાં પૂરી કરવી હોય તો વાત કરવી જ પડે.

બરાબર એ જ સમયે તમારી આંખ સામે એક કાળા રંગની ચાદર આવી. તમે એકદમ ગભરાઈ ગયા. જો મનમાં વિચારોમાં ન ચાલતા હોત તો તમને ખબર હોત કે દેવિયાનીએ પાછળ પોતાનો દુપટ્ટો દેવને ઓઢવા માટે આપ્યો છે.

પણ શું છે?

તમે રાડ પાડી. રસ્તા પર તમને કંઈ દેખાતું નહોતું. રાડ પાડવાની સાથોસાથ તમે હાથથી દુપટ્ટો દૂર કરવાની કોશિશ કરી. એ જ સમયે દેવે પણ ચૂંદડી ખેંચવાની કોશિશ કરી અને દેવિયાનીએ પણ જોયું કે દેવ દુપટ્ટો પકડી નથી શક્યો અને દુપટ્ટો તમારા માથા પર વીંટળાય છે એટલે તમે પણ દુપટ્ટો ખેંચવાની કોશિશ કરી. હવે બાઇક તમારા કાબૂમાં નથી.

આંખ સામે અંધકાર અને પછી જોરથી એક ધડાકો.

ધડામ...

આંખોમાં ફરી પ્રકાશ આવ્યો ત્યારે તમે રસ્તા પર પડ્યા હતા. તમે મહામહેનતે ઊભા થયા. આજુબાજુમાં નજર કરી. દેવિયાની દસેક ફુટ દૂર હતી અને દેવ તેની બાજુમાં જ હતો. તમે દેવ પાસે પહોંચ્યા.

તમે જેવો દેવને ઊંચકવા ગયા કે દેવે આંખો ખોલી,

‘ભૂખ લા...ગી...’ તરત

દેવના શબ્દો તૂટતા હતા. તેના મોઢામાંથી લોહી નીકળતું હતું.

‘હા, બેટા...’ દેવે તમારો હાથ પકડ્યો.

તમે દેવને ખોળામાં લીધો, પણ આ શું, દેવે તમારો હાથ છોડી દીધો.

 

વધુ આવતી કાલે

columnists Rashmin Shah