વારસદાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

24 September, 2021 07:37 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

વાહ, અતુલ્યના પાંચ કરોડ અને એવું જ કીમતી સત્યવતીનું જોબન... - ત્યાં તો ધડામ દઈને દરવાજો ખૂલ્યો ને કાળઝાળ રેશ્માને જોતાં જ મંદારનો કામ નિચોવાઈ ગયો. પોતે કેવળ શૉર્ટ્સમાં છે એનું ધ્યાન આવતાં કમ્મરે ચાદર વીંટાળવા ગયો, પણ

વારસદાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

‘ગુડ મૉર્નિંગ!’ 
સોમની સવારે રાબેતા મુજબનો રણકાર દાખવી અતુલ્યએ વરંડાની બેઠકે ચા પીતાં નીમા-માને એકસરખાં ડઘાવી દીધાં.ત
રેશ્માના આક્ષેપે, લૅપટૉપમાંથી નીકળેલી લિન્કે સ્તબ્ધ થવાયેલું પણ એ પછી માએ પિતા બાબત કહેલા શબ્દોએ સન્નાટો પ્રસરાવી દીધેલો. ખાધા-પીધા વિના રૂમમાં પુરાઈ  જાતને પીંજતો રહ્યો, ‘પપ્પા માટે મા આવું કહી શકે! અરે, મા મને આટલો હલકો ધારી પણ કેમ શકે?’
નો, આઇ નીડ ટુ ટૉક ટુ મૉમ. છેવટે મન મક્કમ કરી પોતે નીચે આવ્યો અને મા-નીમાના વાર્તાલાપે ઘણુંબધું સમજાવી દીધું. પતિનું પતન જાણતી સ્ત્રી એક આક્ષેપે દીકરાની એબ પણ સ્વીકારી લે એમાં ખરેખર તો અસ્વાભાવિક શું છે?  દરેક કટોકટીમાં પડખે રહેવાના કૉલને પાળવાની નીમાની દૃઢતાએ પોતાની આંખો છલકાઈ ગયેલી. ત્યારે તો પોતે વાત કરવાની સ્થિતિમાં નહોતો, પણ હવે કોઈ દ્વિધા નથી.
‘કાલે મેં તમારી વાતો સાંભળી...’ માનો હાથ હાથમાં લઈ અતુલ્યએ કહ્યું, ‘પપ્પાના વાંકની સજા તેમણે ઓઢી, એ તારા પક્ષે તો સંયમતપ હતું મા. તને નતમસ્તક થાઉં છું અને મારા પપ્પા મારા માટે જેવા હતા એવા જ તેમને રાખું છું. વિશ્વાસ રાખ, મેં કંઈ જ ખોટું કર્યું નથી, મા!’
સાંભળીને નીમા ઝગમગી ઊઠી, મા હજી શંકિત હતી, ‘તો પછી તારા લૅપટૉપમાં જે દેખાયું એ ખોટું?’ 
‘એ પણ સાચું જ, મા, પરંતુ મારા લૅપટૉપમાંથી મળેલી લિન્ક મેં જ નાખી હોય એ માનવું ગલત.’
‘મને સમજાય છે.’ નીમા ટહુકી, ‘તમારું પર્સનલ લૅપટૉપ તમે ઑફિસે પણ લઈ જાઓ છો. ઘણી વાર એવું બનતું હોય છે કે તમે ઑફિસમાં ન હો અને તમારું લૅપટૉપ નધણિયાતું પડ્યું હોય, એમાં લિન્ક નાખતાં કેટલી વાર! તમારી કૅબિનમાં સીસીટીવી કૅમેરા સ્વાભાવિકપણે ન હોય એટલે આમ જુઓ તો કૅમેરાની લિન્ક નાખવાનું બહુ મુશ્કેલ નથી.’
‘મતલબ, આપણા શોરૂમના સ્ટાફમાંથી કોઈકે કૅમેરા ફિક્સ કરી અત્તુના લૅપટૉપમાં લિન્ક નાખી?’ મા ડઘાઈ.
‘યસ,  મારા લૅપટૉપમાં મહિનાનો ડાટા છે, મતલબ લાસ્ટ મન્થ હું બિઝનેસ-ટૂર માટે આઉટસ્ટેશન હતો ત્યારે જ કોઈકે કૅમેરા ગોઠવી દેવાની કરામત કરી, પછી મારા આવતાં લૅપટૉપમાં લિન્ક નાખી, જેની મને ભનક પણ નહોતી... ગઈ કાલે આ રહસ્ય ખોલનારી રેશ્મા એકલીનું જ આ કામ હોય એવું સંભવ એટલા માટે પણ નથી, કેમ કે તેણે મારી કૅબિનમાં આવવાનું બનતું જ નથી.’
‘આનો અર્થ એ કે ક્યાંક તો રેશ્મા કૅમેરા-લિન્ક ગોઠવનારનો હાથો બની છે યા તો અજાણતાં જ તે પ્લાનરનો જેકોઈ પ્લાન હોય એમાં અણધારી અટવાઈ છે.’
‘અરેરે’ માને હવે કાવતરાનો અહેસાસ થતો હતો, ‘હું રેશ્માની હાજરીમાં જ તારા પિતા વિશે ગમે એમ બોલી ગઈ. દીકરા, તેમનું નામ ખરડાય નહીં એ જોજે, હં.’
અવશ્ય!
સવારે સૌથી વહેલા શોરૂમ પહોંચી લેડીઝ ચેન્જરૂમમાં જઈને અતુલ્યએ પહેલાં તો પેલો કૅમેરા હટાવી દીધો!
lll
‘લેડીઝ રૂમમાં કૅમેરા ગોઠવનારો કોઈ વિકૃત દિમાગનો પુરુષ જ હોય...’ નીમાએ ગણતરી મૂકી.
સવારના ખુલાસા પછી તે પણ જુસ્સામાં હતી. શોરૂમ આવતાં પહેલાં ખાસ સિદ્ધિવિનાયકનાં દર્શને જઈ આવી હતી, ‘અમારા સુખ આડેનાં સઘળાં વિઘ્નો હરજો, બાપ્પા!’
અત્યારે ઑફિસના ટી-બ્રેકમાં બન્ને એ જ ચર્ચામાં ગૂંથાયાં.
‘સ્ટાફમાં કુલ ૭૮ જેટલા પુરુષો છે, એમાંથી તમારી કૅબિનમાં આવરોજાવરો ધરાવતા માંડ આઠ-દસ જણ હોવાના...’
 ‘સવાલ એ પણ છે નીમા કે આમ કરવા પાછળનો આશય શું?’
નીમા ટટ્ટાર થઈ. ચેન્જરૂમમાં કૅમેરા ગોઠવનાર કેવળ વિકૃત દિમાગ ધરાવતો હોત તો એનું રેકૉર્ડિંગ પોતે નિહાળતો હોત... એને બદલે અતુલ્યના લૅપટૉપમાં લિન્ક મૂકનાર તો કોઈ શાતિર દિમાગ હોવો જોઈએ. તેની બદનિયત દેખીતી છે. વાટ એના ઉઘાડની જોવાની છે!
- અને અતુલ્યનો ફોન રણક્યો. સામે રેશ્મા હતી.
‘હું પોલીસ-મથકની સામે ઊભી છું, શેઠ!’
‘લુક, રેશ્મા, જે થયું એ નિ:શંક ખોટું થયું, પણ એ મેં નથી કર્યું. હું નિર્દોષ છું.’
‘કોણ માનશે! ગુનેગાર હંમેશાં આવું જ કહેતા હોય છે. શેઠ, તું બરબાદ થઈ જઈશ.’
અતુલ્ય-નીમાને એકસરખો ઝબકારો થયો - ‘રેશ્મા થાણાની સામે ઊભી હોય, તેણે પોલીસ ફરિયાદ જ કરવી હોય તો અતુલ્યને ચેતવવો પણ શું કામ જોઈએ?’
‘મતલબ તેણે ફરિયાદ નથી કરવી, ખરેખર તો બદનામીનો ડર બતાવીને તે સોદો કરવા માગે છે!’
સો ધેટ્સ ધ પ્લાન. પ્રતિષ્ઠિત ઝવેરીના લેડીઝ સ્ટાફના ચેન્જરૂમમાં કૅમેરા ગોઠવી એની લિન્ક ઝવેરીના લૅપટૉપમાં નાખી દેવી અને પછી એને બદનામીથી બચાવવાનો ‘ઉપકાર’ દાખવી લાખ-કરોડ જે ધાર્યા હોય એ માગી લેવાના!
‘પાંચ કરોડ.’
અતુલ્યએ બદનામીનો ડર દાખવી ફરિયાદ ન કરવા માટે રેશ્માને વીનવતાં સામેથી આખરી પત્તું ખૂલી ગયું,
‘તમે મને પાંચ કરોડ ચૂકવી દો, હું કોઈને કંઈ નહીં કહું.’
 ‘હાઉ સિલી રેશ્મા. ચેન્જરૂમનો કૅમેરા હું કાઢી ચૂક્યો છું, લૅપટૉપની લિન્ક મેં ડિલીટ કરી દીધી છે. ધેર ઇઝ નો પ્રૂફ.’ 
આ દલીલ થવાની જ હોય એમ સામેથી સંભળાયું, ‘મુંબઈ પોલીસનો આઇટી સેલ પાવરધો છે, શેઠ, ડિલીટ થયેલો ડાટા મેળવતાં તેને વાર નહીં લાગે.’
આ સમજ રેશ્માની તો ન જ હોય! અતુલ્યના લૅપટૉપમાં લિન્ક નાખવાનો અવકાશ રેશ્માને નહોતો, મતલબ એ કોઈનું પ્યાદું બની છે એ તો નક્કી.
‘પાંચ કરોડ તો બહુ મોટી રકમ છે રેશ્મા, મને થોડી મહોલત આપ.’
કાલની મુદત મેળવી અતુલ્યએ કૉલ કટ કર્યો.
અતુલ્યની કૅબિનમાં આવતો-જતો મોટા ભાગનો સ્ટાફ અત્યારે શોરૂમમાં મોજૂદ છે. નીમાની નજર સામે વિશાળ સ્ક્રીન પર ઝબકતા સીસીટીવી કૅમેરાનાં દૃશ્યો નિહાળી રહી. મતલબ, રેશ્મા સાથે જેકોઈ છે તે અહીં જ છે... લેટેસ્ટ ડેવલપમેન્ટ વિશે રેશ્મા જરૂર તેને જાણ કરવાની!
નીમા દરેક કૅમેરાને ઝૂમ કરીને ફટાફટ સ્ક્રીન ફેરવતી રહી.
અને એ ઊછળી - ‘અતુલ્ય, વી ગૉટ હીમ!’
lll
હાઉ કુડ હી!
સત્યવતીને જવાબ મળતો નથી.
‘હજી શનિવારની જ વાત. રેશ્મા વહેલી રજા લઈને નીકળી, પછી કસ્ટમર્સ વચ્ચેના ગૅપમાં હું બાજુના કાઉન્ટરવાળી વૃંદા સાથે ગપાટતી હતી. વૃંદાની ભાભી ઘરમેળે ડ્રેસ મટીરિયલનો કારોબાર કરે છે એટલે નેક્સ્ટ મન્થના બર્થ-ડે માટે કયા રંગનું કાપડ લેવું એની વાતો ચાલતી હતી, એ દરમ્યાન આવી ચડેલો તે કંઈક એવું બોલી ગયો કે લવન્ડર કલરનો ડ્રેસ ટ્રાય કરી જો, એ રંગ તારા પર બહુ શોભે છે!’
ત્યારે તો તેને પોતે બહુ કૅઝ્‍‍યુઅલી લીધું, પણ પછી ઘરે જઈ બાથ માટે વસ્ત્રો ઉતારતાં ટિકટિક થવા લાગ્યું, ‘મારા અન્ડરગાર્મેન્ટ્સ લવન્ડર કલરનાં હતાં!
‘આ રંગનો મારી પાસે કોઈ ડ્રેસ તો છે નહીં, તો પછી મંદારને કેવી રીતે ખબર પડે કે આ રંગ મારા પર બહુ શોભે છે?’
...‘સિવાય કે તેણે મને આંતરવસ્ત્રોમાં જોઈ હોય!’
- ‘પણ એ કઈ રીતે શક્ય બને? શોરૂમ સિવાય અમે બીજે ક્યાંય મળ્યાં નથી.’
- ‘શોરૂમ! યસ, ત્યાંના ચેન્જરૂમમાં અમારે કપડાં બદલવાનાં થાય છે. ચેન્જરૂમમાં હાજર થયા વિના મૅનેજર અન્ડરગાર્મેન્ટ્સનો કલર જોઈ શકતો હોય એ એક જ રીતે શક્ય છે. તેણે ત્યાં છૂપો કૅમેરા ગોઠવ્યો હોય!’
‘હાય રામ! રવિવારની રજા જેમતેમ વિતાવી. આજે ચેન્જરૂમમાં સઘનપણે તપાસ કરી, પણ કૅમેરા ક્યાંય હોય એવું લાગ્યું નહીં. બટ  સ્ટીલ.. આઇ મસ્ટ ટેલ સમવન. આજે બાયચાન્સ નીમા મૅ’મ આવ્યાં છે, તેમને જ કહી દઉં?’
lll
‘આહા!’ સત્યવતીના બયાને નીમાએ અતુલ્ય તરફ જોયું. સો મંદાર ઇઝ કલ્પ્રીટ! આપણે જે જોયું એનો બીજો પુરાવો પણ મળી ગયો!’
ઝવેરીના શોરૂમમાં કામ કરતો મંદાર રેશ્માના પ્રેમમાં પડ્યો અને સંસાર માંડવાની વાતે અમીરીની લાલસા વળ ખાવા લાગી, ‘મારે રેશ્માને રાણીની જેમ રાખવી હોય તો રાજાનો વૈભવ મેળવવો પડે.’
એનો શૉર્ટકટ તેને શેઠને બ્લૅકમેઇલિંગ કરવામાં દેખાયો. સીધી લાઇનમાં અતુલ્યમાં કોઈ એબ નહોતી એટલે તેની ગેરહાજરીમાં લેડીઝ ચેન્જરૂમમાં કૅમેરા ગોઠવી, પછીથી એની લિન્ક અતુલ્યના લૅપટૉપમાં નાખી દીધી. રેશ્માનું તેને પીઠબળ હતું એટલે યોજનામાં પ્રથમ પગલારૂપે રેશ્માએ શોરૂમમાં નોકરી મેળવી, પણ કાર્યસ્થળે બન્ને અજાણ્યાં જ રહ્યાં. થોડો ડેટાબેઝ થયા બાદ રેશ્માએ અતુલ્યના ઘરે જઈ ધડાકો કર્યો. કૅમેરા હોવાનું જાણ્યાની ક્ષણે પોતાના હાવભાવ બરાબર ઝિલાય એ માટે અભિનય પણ અફલાતૂન કર્યો. પોતાની યોજનામાં મંદાર બે ડગલાં ચૂક્યો.
એક, આજે રેશ્માએ અતુલ્યને પાંચ કરોડનો ફોન કરી, એના ફીડબૅક માટે મંદારને કૉલ જોડ્યો ત્યારે તેના ધ્યાન બહાર રહ્યું કે પોતે સીસીટીવી કૅમેરાની ક્લોઝ રેન્જમાં ઊભો છે અને મોબાઇલમાં કૉલરનું ઝબકતું ‘રેશ્મા સ્વીટહાર્ટ’ નામ સુધ્ધાં કૅમેરામાં ઝિલાઈ રહ્યું છે!
બીજી ભૂલ સત્યવતી સમક્ષ લવન્ડર કલર બાબત જીભ કચરીને કરી. ખરેખર તો સત્યવતીને જોયા બાદ તેના જોબનને માણવાની અબળખા શોર મચાવતી હતી અને એ કામ રેશ્માથી છાનું રાખીને જ કરવું પડે એમ હતું, નૅચરલી. મોબાઇલમાં સ્ટોર કરેલી સત્યવતીની તસવીરો તેનું એકાંત દહેકાવતી અને એ ક્ષણે રેશ્માના આગમનનો ટકોરો પડે તો કામના સંકેલી લેવી પડતી!
અત્યારે, પણ મંદાર-રેશ્મા તો એ જ ખુમારમાં છે કે ‘આપણું તીર નિશાને લાગ્યું છે! એમાં વળી અતુલ્યનો બાપ પણ વહેશી હોવાનું જાણવા મળ્યું છે એટલે અમારો કેસ અધરવાઇઝ પણ સ્ટ્રૉન્ગ બનશે. હા, નીમાએ હજી અતુલ્ય સાથે છેડો ફાડ્યો નથી, પણ એમાં તો એવું છેને કે અતુલ્ય જેવા અમીર આદમીનો સંગ કોણ છોડે!’
આવા વિચારોમાં મ્હાલતાં મંદાર-રેશ્માને આગળના બવળાંકની ક્યાં ખબર હતી?
‘સત્યવતી, તારો ડર સાચો છે....’
નીમાએ ઘટનાનો ટૂંકસાર કહેતાં સત્યવતી ડઘાઈ ગઈ.
‘આપણે બદમાશોને છટકવા નહીં દઈએ, સત્યવતી. તું એક કામ કરીશ?’
lll
મોબાઇલની રિંગે રેશ્મા ચમકી, ‘સત્યવતીનો ફોન! ઓહ, આજે રજા પાડી એટલે મૅડમ ફરી લેક્ચર દેવાના મૂડમાં લાગે છે!’
જોકે એ ફોન રિસીવ કરી હલો બોલે એ પહેલાં સામેથી સત્યવતી કહેતી સંભળાઈ,
‘પ્લીઝ મંદાર... ચેન્જરૂમના મારા ફોટો નેટમાં ફરતા ન કરશો... તમારી દરેક માગણી મને કબૂલ છે. યા, તમે ઑફર મૂકી એમ હું થોડી વારમાં મરીન ડ્રાઇવની હોટેલ નિશાનમાં રૂમ નંબર ૬૦૧માં પહોચું છું - ચૂંથી લો મને!’
સડસડાટ બોલીને સત્યવતીએ કૉલ કટ કર્યો અને સામા છેડે રેશ્મા પૂતળા જેવી થઈ.
પુરુષ કોઈ એકનો થઈને રહે તો તેને અપાયેલી ભ્રમરની ઉપમા ખોટી ન ઠરે?
પોતાના જ શબ્દો રેશ્માને વાગ્યા. મેં મંદારને તેની યોજનામાં સાથ આપ્યો અને એ તેની આડમાં પારકાં બૈરાંને ભોગવતો થઈ ગયો?
સત્યવતીનો કૉલ અજાણતાં મને લાગ્યો એમાં તારું પાપ ઊઘડી ગયું, મંદાર, હવે તું ગયો!
lll
સરપ્રાઇઝ... સરપ્રાઇઝ!
હોટેલ નિશાનના ૬૦૧ નંબરના રૂમમાં પલંગ પર આડો પડેલો મંદાર માની નથી શકતો કે ટી-બ્રેકમાં મને આંતરી સત્યવતીએ અચાનક જ કામુક વાતો કરી ઇજન મૂક્યું, ‘તમને ક્યારેય એવું ન થયું કે મને હોટેલમાં લઈ જઈ મજા માણીએ! મને હજી કેટલી તડપાવશો!’
મંદારની સીટી સરી ગઈ. તાબડતોબ રજા મૂકી હોટેલની આ રૂમ લીધી, સત્યવતીને જાણ કરી. તે પણ હવે આવતી જ હશે! વાહ, અતુલ્યના પાંચ કરોડ અને એવું જ કીમતી સત્યવતીનું જોબન...
- ત્યાં તો ધડામ દઈને દરવાજો ખૂલ્યો ને કાળઝાળ રેશ્માને જોતાં જ મંદારનો કામ નિચોવાઈ ગયો. પોતે કેવળ શૉર્ટ્સમાં છે એનું ધ્યાન આવતાં કમ્મરે ચાદર વીંટાળવા ગયો, પણ રેશ્માએ એનો મોકો પણ ન આપ્યો, ‘હવે લાજ કાં ઢાંકે છે, તારી સગલીને બદલે હું આવી એટલે?’
‘સટાક.’ હાથમાં રાખેલો બેલ્ટ વીંઝતાં મંદારની પીઠ થથરી ગઈ. રેશ્માને કોઈ ખુલાસામાં રસ નહોતો. આ પળે પાંચ કરોડનું પણ મહત્ત્વ નહોતું. એ તો મંદારને ફટકારતી લૉબીમાં ઢસડી ગઈ. તમાશો થઈ ગયો.
‘તારા પાપમાં હું ભાગીદાર બની, શોરૂમના ચેન્જરૂમમાં કૅમેરા ગોઠવ્યો, એ અતુલ્યને બ્લૅકમેઇલ કરવા નહીં, તારી વિકૃતિ પોષવા, બદમાશ!’
 ‘બહુ થયું.’ છેવટે નીમાએ ટોળામાંથી આગળ આવી તેનો હાથ પકડ્યો, સાથે અતુલ્ય-સત્યવતી દેખાયાં અને તેમની પાછળ પોલીસને જોતાં જ મંદાર બેહોશ થઈ ગયો, આ ટ્રૅપ હતો એ સમજાતાં રેશ્મા ફસડાઈ પડી!
lll
કથાના ઉપસંહારમાં એટલું કે રેશ્મા-મંદારને ઘટતી સજા થઈ. કૅમેરામાં કૅપ્ચર થયેલા ફોટો ડિલીટ કરી દેવાયા એની સત્યવતી સહિત તમામ લેડીઝ સ્ટાફને હાશ છે. અતુલ્યની નિર્દોષતા યામિનીબહેનના હૈયાને ટાઢક આપી ગઈ.
હા, સુહાગરાતે અતુલ્યએ નીમા સમક્ષ કન્ફેસ કર્યું, ‘શું છે, નીમા કે આપણા વેવિશાળ પછી હું છૂપ છૂપ કે... મોબાઇલમાં... ઍડલ્ટ કન્ટેન્ટ જોતો ખરો.’ કહી ઉતાવળે ઉમેર્યું, ‘મારા માટે એ એજ્યુકેટ થવા જેવું પણ હતું.’
પતિની મીઠડી લુચ્ચાઈ નીમાને સ્પર્શી ગઈ. છતાં મોં ગંભીર કર્યું, ‘આ તો મારે મમ્મીજીને કહેવું જ પડશે.’
ફિક્કો પડતો અતુલ્ય નીમાની આંખોના સ્મિતે તેની શરારત સમજ્યો. ‘મમ્મી’ની બૂમ નાખવા જતી નીમાના હોઠો પર પોતાના હોઠ દબાવી દીધા અને મેડીની બારીમાંથી ડોકિયું કરતો ચંદ્ર આ દૃશ્ય જોઈ વાદળીમાં છુપાઈ ગયો!

સમાપ્ત

columnists Sameet Purvesh Shroff