વારસદાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 2)

22 September, 2021 07:31 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘અને અચાનક જ પપ્પા માંદગીમાં સપડાયા. માએ તેમની ચાકરીમાં વેઠેલા ઉજાગરાનો હું સાક્ષી રહ્યો છું. પપ્પાની વિદાય બાદ મેં બિઝનેસ સંભાળ્યો.’

વારસદાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 2)

‘મા, તું!’
દરવાજો ખોલતાં અતુલ્યએ અચરજ દાખવ્યું, ‘અત્યારે ઉપર કેમ આવી!’
દીકરાના બોલમાં કાળજી જ હતી, છતાં યામિનીબહેનનાં ભવાં તંગ બન્યાં, ‘કેમ મારાથી અહીં ન અવાય?’ કહેતાં રૂમમાં નજર ફેરવી લીધી, બધું બરાબર જણાયું એટલે મલક્યાં, ‘હું નીચે પાણી પીવા ઊઠી ત્યાં તારી રૂમમાં પ્રકાશ જણાયો. થયું, રાતે ૧૧ વાગ્યેય તું સૂતો નહીં હોય! કે પછી લાઇટ બંધ કરવાનું ભૂલી ગયો હશે એટલે ટકોરા પાડવા પડ્યા.’
‘અગાઉ તો મા ટકોરા પણ ક્યાં દેતી? ૧૫ વર્ષનો થયો ત્યાં સુધી તો હું મા-પિતા સાથે તેમના ઓરડે સૂતો, પછી જીદ કરવી પડી કે મા, મારો કોઈ ફ્રેન્ડ તેમના પેરન્ટ્સ સાથે નથી સૂતો. હવેથી હું પણ મારી રૂમમાં જ સૂઈશ! પપ્પા, તમે જ માને કહોને.’
પપ્પા મમ્મીને જુએ અને પછી હળવેથીક નજર વાળી લે, ‘બેટર યુ ડુ વૉટ યૉર મોમ સેઝ!’
‘બટ પપ્પા...’
‘તારા પપ્પા આ મામલે એક શબ્દ નહીં બોલે.’
કંઈક હતું મમ્મીના સ્વરમાં જે પપ્પાને પણ થીજવી જતું. કદાચ તેમનાં કાર્યક્ષેત્રો વહેંચાયેલાં હતાં વ્યાપારમાં મમ્મીનો ચંચુપાત નહીં એમ ઘરની સીમારેખામાં મમ્મીનું સત્તાધીશપણું સર્વમાન્ય, મારા મામલામાં તો ખાસ. ના, એનો વાંધો પણ નહોતો. માનો નિ:સ્વાર્થ સ્નેહ અનુભવી શકાતો. નાનપણમાં હું બહુ માંદો રહેતો. મમ્મીના ખોળા વગર સૂતો નહીં. માને અને પપ્પાને પણ મારા વિના ગોઠતું નહીં. હા, ક્યારેક માની પાબંદીઓની ગૂંગળામણ થતી, ખાસ કરીને કૉલેજમાં આવ્યા પછી.
‘અંગમાં ચટકા ભરતી જવાની હતી. વૃત્તિનો હણહણતો થનગનાટ હતો. ગર્લ્સ જ નહીં, બૉય્‍સ પણ મારા ઘાટીલા દેહની તારીફ કરતા. પણ એથી શું? બલકે કૉલેજના ગ્રુપમાં છોકરાઓ ખુલ્લા શબ્દોમાં પોતાના અનુભવોની ગાથા છેડે ત્યારે ખુદને સાવ અણઘડ મહેસૂસ કરતો હું. ઘણી વાર તો તેમના ડબલ મીનિંગ પણ સમજાતં નહીં. ક્યારેક એ મજાકનો વિષય પણ બનતું.’
‘કઈ સદીમાં જીવે છે તું! અરે, હવે તો બધું મોબાઇલની એક ક્લિક પર ઉપલબ્ધ છે.’
‘તેમને કેમ કહેવું કે મારા મોબાઇલમાં હજીય પેરન્ટ-લૉકનું સેટિંગ નીકળ્યું નથી!’
આની અકળામણમાં ક્યારેક મા સાથે દલીલ થતી, માનો એક જ જવાબ હોય, ‘તારી ઉંમર એવી છે દીકરા, મને એનો ફડકો છે. લગ્ન કરીને થાળે પડ, પછી મને ચિંતા નહીં!’
આ એક મુદ્દે પપ્પા હંમેશાં કીપ મમ જ રહ્યા. બાકી હેત તો તેમનુંય ઓછું નહોતું. વ્યાપારની વાતો કરી તેમણે ખરેખર તો મને ક્યારનો ઘડવા માંડેલો. ઝવેરાતની પરખ કરવાનું તેમણે જ શીખવેલું. 
કોઈ મારી તારીફ કરે તો ગર્વથી કહેતા, ‘ઝવેરીનો દીકરો તો 
પાણીદાર જ હોયને!’
પપ્પા આવું કંઈક કહે ત્યારે મા અચૂક બોલી ઊઠતી, ‘અતુલ્ય તમારો દીકરો ખરો, પણ તેનામાં સંસ્કાર તો મારા જ!’
‘હાસ્તો’ પપ્પા ખેલદિલીપૂર્વક કબૂલતા, ‘તારી કેળવણીનું મૂલ્ય તો અંકાય નહીં એવડું છે!’
‘આમાં તારીફ જ હતી, કટાક્ષ કે કટુતા નહોતાં છતાં ક્યારેક લાગતું કે પપ્પા-મમ્મી વચ્ચે કશુંક એવું છે જે મારી સમક્ષ પૂરેપૂરું ઊઘડ્યું નથી, યા તો મારી સમક્ષ હોવા છતાં હું સમજી શક્યો નથી!’
‘...પણ હશે, એ ક્ષણોમાં મને પપ્પા-મમ્મીનો ડાહ્યો દીકરો બની રહેવાનું ગમતું.’
‘અને અચાનક જ પપ્પા માંદગીમાં સપડાયા. માએ તેમની ચાકરીમાં વેઠેલા ઉજાગરાનો હું સાક્ષી રહ્યો છું. પપ્પાની વિદાય બાદ મેં બિઝનેસ સંભાળ્યો.’
‘તું હવે બહારની દુનિયામાં ડગ મૂકે છે દીકરા. દરેક ઠેકાણે હું તારી સાથે નહીં હોઉં, પણ મારા સંસ્કારનું ભાથું સદા તારી પાસે રાખજે. એને લજવતો નહીં.’ શેઠ તરીકે શોરૂમ જવાના પહેલા દિવસે દહીં ખવડાવીને 
માએ કહેલું.
‘ટ્રસ્ટ મી મૉમ, તને દુઃખ થાય એવું હું કંઈ નહીં કરું.’
અને ખરેખર વ્યાપારમાં જોતરાયા પછી બીજા કશા માટે ફુરસદ નહોતી જાણે. માએ પણ ધીરે-ધીરે નિયંત્રણો ઓછાં કરવા માંડેલાં. હવે તે મારી રૂમમાં ખાસ આવતી નહીં, નોક કર્યા વિના તો ક્યારેય નહીં. મા હસતી પણ ખરી, ‘હવે તારરાં લગ્ન લેવાં છે એટલે મારે પણ જાતને કેળવવી પડશેને!’
લગ્ન. ભીતર કંઈક ઊછળતું. મર્દાનગીભર્યા દેહનો ઉઘાડ પોતાને જ હંફાવી જતો. એમાંય નીમા સાથેની સગાઈ પછી વૃત્તિને બહેકવાનો ઢાળ મળ્યો. ‘તેની સામે હું સંયમ ભલે અચળ રાખું, એ પછીથી મને 
કેટલું પજવે છે એ મારા સિવાય તો કોણે જાણ્યું!’
- ‘અત્યારે પણ મોબાઇલમાં હું જે જોતો હતો એની ગંધ માને આવી તો તો...’
સચેત થઈ અતુલ્યએ બે-ત્રણ બગાસાં ખાધાં, ‘મા, હું લાઇટ બંધ કરવાનું ભૂલી 
ગયો હોઈશ.’
યામિનીબહેનને પણ વધુ ઊભાં રહેવાનું ઠીક ન લાગ્યું. ‘બની શકે, અતુલ્ય નીમા સાથે ચૅટ કરતો હોય! બે જુવાન હૈયાંની અંગત ક્ષણોમાં મારે આવવાનું ન હોય...’ તેઓ જવાનું વિચારતાં હતાં ત્યાં અતુલ્યએ તેમનો હાથ પકડ્યો, ‘મા, હું એવું કોઈ કામ નહીં કરું કે તારે નીચાજોણું થાય.’ અતુલ્યના સ્વરમાં રણકાર હતો, ‘મારામાં અમૂલખરાયનું લોહી વહે છે મા, એને પાતળું નહીં પડવા દઉં હું.’
‘અતુલ્ય આ શું બોલી ગયો!’ યામિનીબહેને ચૂંથારો અનુભવ્યો, ‘મારામાં અમૂલખ ઝવેરીનું લોહી છે... તેને કેમ કહેવું કે એ જ મારા ડરનું એકમાત્ર કારણ છે!’
કદી કોઈને નહીં કહેવાયેલો 
ભેદ આજે ઉલેચાઈ જવાની ભીતિ 
હોય એમ યામિનીબહેન દીકરાનો ગાલ થપથપાવીને ઝડપભેર ત્યાંથી નીકળી ગયાં!
દરવાજો બંધ કરીને અતુલ્યએ પલંગમાં પડતું મૂકીને મોબાઇલ કન્ટિન્યુ કર્યો.
lll
‘ગુડ મૉર્નિંગ, સર!’
શનિની બીજી સવારે શોરૂમના રાબેતા મુજબના રાઉન્ડ પર નીકળેલો અતુલ્ય પહેલે માળના બ્રાઇડલ સેક્શનમાં પહોંચ્યો ત્યારે ફ્લોર-ઇન્ચાર્જ નાણાવટીએ અદબભેર આવકાર આપ્યો. શેઠની હાજરીથી સ્ટાફ પણ અલર્ટ થઈ ગયો. ૯ વાગ્યે શોરૂમ ખૂલે એ પહેલાં સાડાઆઠ વાગ્યે સ્ટાફે હાજર થઈ પોતપોતાનાં કાઉન્ટર સંભાળી ડિસ્પ્લે સજાવી દેવાનાં રહેતાં. આ ગાળામાં એક ચક્કર લગાવીને અતુલ્ય સ્ટાફની ચીવટાઈ પણ ચકાસી લેતો એમ ખબરઅંતરની આપ-લે દ્વારા રેપો પણ કેળવી લેવાતો.
‘ઑલ વેલ, નાણાવટી?’ અતુલ્યએ પૂછ્યું, ‘તમારાં મધરને કેમ છે હવે?’
 ‘શેઠ કેટલા જનરસ છે!’ સત્યવતી કાઉન્ટર પરની પોતાની જોડીદાર રેશ્માના કાનમાં ગણગણી.
કૉલેજ પતાવીને છએક મહિના અગાઉ જોડાયેલી સત્યવતીની આ પ્રથમ જૉબ હતી. ભાયખલાની ચાલમાં વિધવા મા સાથે રહેતી સત્યવતી બહુ ઝડપભેર નવા પરિસરમાં ગોઠવાઈ ગઈ. નિયતની સાફ, દેખાવમાં રૂપાળી ને જીભની મીઠડી. કસ્ટમર્સ સાથે પોતીકાપણાના ભાવ સાથે ડીલ કરતી એટલે તેના કાઉન્ટર પરથી કંઈ ને કંઈ ઉપાડ રહેતો જ. સ્ટાફની સ્કિલ અતુલ્યથી છૂપી ન રહેતી. સર્વિસના ચોથા મહિને સત્યવતીને જૉબમાં કન્ફર્મ કરી, સ્વતંત્ર કાઉન્ટર મળ્યું અને નવી ભરતી થયેલી રેશ્માને 
તેની મદદનીશ તરીકે અપૉઇન્ટ કરવામાં આવી.
વયમાં સત્યવતી જેવડી જ રેશ્માની પણ આ પ્રથમ જૉબ હતી. માટુંગાથી આવતી રેશ્માનાં માબાપ કંઈ ખમતીધર નથી, નાનો ભાઈ હજી ભણે છે, એ હિસાબે નોકરીની જરૂરિયાત દેખીતી હોવા છતાં તેનું વલણ સત્યવતીને ક્યારેક ખટકી જતું. કસ્ટમર આવે ત્યારે તે સત્યવતી કહે એટલું ચોકસાઈથી કરે, પણ સેલ્સગર્લ તરીકે ગ્રાહક સાથે રેપો કેળવવા કે પછી મન્થ્લી ઇન્વેસ્ટમેન્ટની સ્કીમ વિશે સમજાવવાથી અળગી રહે. લંચ માટે બૅચ અનુસાર ગ્રાઉન્ડ ફ્લોરની કૅન્ટીનમાં જવાનું હોય એમાં સ્વાભાવિકપણે સત્યવતી-રેશ્માએ વારાફરતી જવાનું થાય, લંચમાં બીજો સ્ટાફ પણ હોય એમાં મૅનેજર મંદાર જેવા તો સત્યવતીને કહે પણ ખરા, ‘આ નવી છોકરી રેશ્મા બહુ અળગી-અતડી નથી લાગતી!’
ગયા અઠવાડિયે તો રાઉન્ડ પર નીકળેલા અતુલ્યસરે પણ કહ્યું હતું, ‘સત્યવતી, રેશ્માને તારા જેવી 
બનાવી દેજે!’
- અત્યારે પણ એ સાંભરી સત્યવતીએ રેશ્માને ટકોરી, ‘સર આવ્યા છે ત્યારે તો થોડી 
ઍક્ટિવ રહે!’
ત્યારે તો રેશ્મા કંઈ ન બોલી, પણ અતુલ્ય ગયા બાદ મોં ખોલ્યું, ‘તું ખબર નહીં શેઠમાં શું ભાળી ગઈ છે. બાકી મને તો તે વિષયી પુરુષ લાગ્યો. આપણને કેવું 
ઘૂરી-ઘૂરીને જોતો હોય છે!’
‘નૉનસેન્સ...’ ધારણા બહારનું સાંભળી સત્યવતી તપી ગઈ, ‘તારું ભેજું તો ઠેકાણે છેને. સરે આપણને તાકવાની જરૂર જ નથી. તારા-મારા કરતાં ક્યાંય રૂપાળી તેમની વાગ્દત્તા છે. અરે, ગયા અઠવાડિયે આવ્યાં ત્યારે તેં જોયાં તો હતાં નીમા શેઠાણીને!’
‘એ બધું સાચું, સત્યવતી, પણ આ તો પુરુષની જાત. કોઈ એકનો થઈને રહે તો તેને અપાતી ભ્રમરની ઉપમા ખોટી ન ઠરે?’
બોલ્યા પછી પોતાના જ શબ્દો પર વિચાર કરતી થઈ ગઈ રેશ્મા!
lll
‘બાય.’
સાંજે ૬ વાગ્યે રેશ્મા સત્યવતીને બાય કહીને કાઉન્ટર પરથી નીકળી. ‘ખરી છોકરી છે!’ સત્યવતીના ચિત્તમાં પડઘો પડ્યો, ‘હજી પ્રોબેશન પર છે છતાં ડ્યુટી-અવર્સમાંથી વહેલી રજા લેવા માંડી! કહેતી’તી ઘરે મહેમાન આવવાના છે. અરે! ગેસ્ટ્સને વેલકમ કરવા તારા ઘરે અન્ય મેમ્બર્સ છે જને, પણ જેને નોકરીની કિંમત ન હોય તેને કહીને શું ફાયદો!’
lll
અને રેશ્મા ચેન્જરૂમમાં દાખલ થઈ. એકસાથે ૧૦ લેડીઝ ચેન્જ કરી શકે એટલો સ્પેશ્યલ રૂમ અત્યારે ભેંકાર હતો. લૉકરમાંથી પોતાની બૅગ કાઢી તે મિરર તરફ વળે છે ત્યારે ચમકવા જેવું થયું. મિરરની વુડન ફ્રેમમાં કંઈક અજીબ લાગ્યું હોય એમ હળવા પગલે તે નજીક આવી. નાનકડા સ્ટુલ પર ચડીને બ્રાઉન ફ્રેમ પર હાથ ફેરવ્યો. ફ્રેમમાં થોડા-થોડા અંતરે કાચ જેવા પથ્થર જડ્યા હતા. ‘બટ યસ, ફ્રેમના ઉપલા હિસ્સાની સીધી પટ્ટીમાં મધ્યમાં જડેલા પથ્થર અલગ છે...’
- ‘આ તો કૅમેરા છે!’
આનો ધક્કો અનુભવતી હોય એમ રેશ્મા ડગમગીને સ્ટુલ પરથી નીચે બેસી પડી. આમ-તેમ જોતી તેની કીકીમાં વિહ્‍વળતા હતી. બીજી ક્ષણે થરથર ધ્રૂજતી તે પોતાની બૅગ સંભાળીને બહાર નીકળી ગઈ.
lll
‘છોકરી, તું હોશમાં તો છેને!’
યામિનીબહેનના ત્રાડ જેવા સ્વરે કિચનમાંથી નીમા અને રૂમમાંથી અતુલ્ય હૉલમાં દોડી આવ્યાં.
‘રેશ્મા, તું અહીં!’ અતુલ્યએ મા સામે ગોઠવાયેલી યુવતીને સંબોધતાં નીમાને ઓળખ થઈ. ‘ઓહ, આ તો પેલી શોરૂમની એમ્પ્લૉઈ! પણ રાતે નવના ટકોરે તેણે કેમ અહીં આવવાનું થયું? અને તેણે એવું તે શું કહ્યું કે મા આટલાં કાળઝાળ થઈ ગયાં?’
‘રેશ્માનું કહેવું છે અતુલ્ય કે 
લેડીઝ ચેન્જરૂમમાં તેં છૂપો કૅમેરા ફિટ કરાવ્યો છે?’
અતુલ્ય ખળભળી ગયો. નીમા સમસમી ગઈ, ‘આ શું બકવાસ માંડ્યો છે, રેશ્મા?’
‘બકવાસ નથી, મૅડમ.’ રેશ્મા આવેશમાં ધ્રૂજતી હતી, ‘કૅમેરા હજી ચેન્જરૂમમાં લાગ્યો હશે અને એનું રેકૉર્ડિંગ સાહેબના મોબાઇલ કે લૅપટૉપમાં ઝિલાતું હોવું જોઈએ.’
તેનાં અશ્રુ વહ્યાં, ‘હાય હાય, અમારી આબરૂ પર આ કેવો ઘા. 
અમે તો કોઈને મોં દેખાડવાલાયક 
ન રહ્યાં!’
‘નીમા, અતુલ્યનો મોબાઇલ ચેક કર, તેનું લૅપટૉપ લઈ આવ, ક્વિક!’
યામિનીમાના આવેશ સામે કોઈની દલીલ ન થઈ.
‘આ લે, રેશ્મા, તું જ મારો ફોન ચેક કરી લે...’ અતુલ્યએ પોતાનો મોબાઇલ અનલૉક કરી રેશ્માને ધર્યો.
અતુલ્યના મોબાઇલમાં કંઈ ન મળ્યું.
‘બની શકે ઉપરથી અહીં આવતા સુધીમાં તમે મોબાઇલમાંથી બધું ડિલીટ કરી નાખ્યું હોય!’
‘આ લૅપટૉપ પણ જોઈ લે.’ નીમાએ ટિપાઈ પર યુનિટ મૂક્યું. કડવાશથી બોલી પણ, ‘શેઠ પર આરોપ મૂકતાં તને શરમ પણ ન આવી.’
- લૅપટૉપના સેટિંગમાં કૅમેરાની લિન્ક મળી આવી. ડાઉનલોડ થયેલું રેકૉર્ડિંગ જોતાં જ નીમાએ હિમાલય તૂટતો અનુભવ્યો. રેશ્મા આવેશમાં ધ્રૂજી રહી અને દીકરા તરફ ધસી 
જઈ તેનો કૉલર પકડી યામિનીબહેને ધડાધડ લાફા વીંઝવા માંડ્યા, 
‘મારી જીવનભરની તપસ્યા તેં 
ધૂળમાં મેળવી, કપાતર! આખરે તું પણ તારા બાપનો વારસદાર, બાપ જેવો વહેશી જ નીકળ્યો!’
તેમના શબ્દોએ અતુલ્યમાં સન્નાટો પ્રસરાવી દીધો.

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff