કથા સપ્તાહ : તેરા ‌જિક્ર હૈ યા ઇત્ર હૈ... (3)

29 May, 2019 12:46 PM IST  |  મુંબઈ | રશ્મિન શાહ - કથા સપ્તાહ

કથા સપ્તાહ : તેરા ‌જિક્ર હૈ યા ઇત્ર હૈ... (3)

એક લોહિયાળ લવસ્ટોરી

‘તુજે મેરી કસમ, ચલ એક રોટી ખા લે.’

અમ્મીએ થાળીમાં પડેલી બેમાંથી એક રોટી સામેથી કાઢી લીધી એટલે ઇર્શાદે પણ કોઈ જાતની દલીલ વિના થાળીમાં રહેલી રોટી તોડીને મોંમાં ઓરવાનું શરૂ કરી દીધું.

ઘણણણ...

પહેલું, બીજું અને ત્રીજું બટકું મોઢામાં ગયું ત્યાં જ ફ્લૅટની કર્કશ ડોરબેલ વાગી. આખું ઘર જાણે કે એ બેલના અવાજથી સફાળું જાગી ગયું હોય એવો માહોલ સર્જાઈ ગયો હતો. ડાબા અંગને સ્ટૅચ્યુ કહીને પથારીમાં પથરાયેલા અબ્બાજાને સહેજ આંખ ખોલી અને જમણા હાથે દરવાજા તરફ ઇશારો કર્યો. ઇર્શાદે દરવાજો ખોલવા માટે સહેજ પૂંઠ અધ્ધર કરી, પણ અમ્મીએ તેને રોક્યો.

‘તું ખાના ખા લે, મેં દેખતી હૂં કૌન હૈ...’ અમ્મી ઊભી થઈ, ‘બાજુવાળી કૌશર હશે, ખાંડ માંગવા આવી હશે.’

અમ્મી ગઈ કે તરત જ ઇર્શાદે થાળીમાં વધેલી સબ્જી અને દાલ ફરીથી પાછાં તપેલીમાં નાખી દીધાં અને રોટલીનો છેલ્લો ટુકડો મોંમાં મૂકીને હાથ ધોવા માટે ઊભો થઈ ગયો. બહાર અમ્મી કોઈની સાથે વાત કરી રહી હતી એ તેને સંભળાઈ રહ્યું હતું. કૌશરચાચી નહીં, પણ બીજું મહેમાન આવ્યું લાગે છે એનો અંદાજ ઇર્શાદને આવી ગયો હતો. આ અંદાજના કારણે જ ઇર્શાદે પોતાના ઉઘાડા બદન પર ટૉવેલ ઢાંકી લીધો હતો. બહાર નીકળવું હતું, પણ મહેમાન જાય ત્યાં સુધી જો કિચનમાં જ રહે તો વધારે સારું એવું ધારીને ઇર્શાદ ફરીથી જમીન પર બેસવા જતો હતો પણ ત્યાં જ અમ્મી અંદર આવી.

‘તારી ફ્રેન્ડ આવી છે... જા જઈને મળી લે.’

કૉલેજનું કોઈ ફ્રેન્ડ આવ્યું હશે એવું ધારીને ઇર્શાદ ટૉવેલ શરીર પર વીંટાળીને બહાર આવ્યો, પણ બહાર આવ્યા પછી તેના શરીરની શક્તિ ઓસરી ગઈ. સામે એ જ વ્યક્તિ ઊભી હતી જેને તેણે ક્લાસરૂમમાંથી હાંકી કાઢી હતી. ક્લાસરૂમમાંથી તેને હાંકી કાઢી હતી અને એ પછી નોકરીમાંથી તેણે પોતાને હાંકી કઢાવ્યો હતો.

કરિશ્મા હાંડા તેના ઘરમાં હતી.

‘તું કોઈક દિવસ ખરેખર ફસાશે કરિશ્મા...’ ઍડલૅબ્સ મલ્ટિપ્લેક્સના વૉશરૂમમાં જઈને બુરખો કાઢી આવેલી કરિશ્માને જોઈને ઇર્શાદે કહ્યું હતું, ‘તારા પપ્પા મને તો ઠીક, તને પણ મારશે.’

‘વૉટ યુ સેઇડ?’

‘મને તો ઠીક, તને પણ મારશે.’

‘એના પછી?’

‘તું કોઈક દિવસ ફસાશે...’

‘એના પછી???!!!’ ઇર્શાદે પોતાના શબ્દો યાદ કરવા માટે એ શબ્દોને જીભ પર લઈ આવીને મમળાવ્યા, ‘તારા પપ્પા મને તો ઠીક, તને પણ મારશે.’

ઇર્શાદને પોતાની ભૂલ તરત જ સમજાઈ ગઈ.

- તારા પપ્પા.

‘આઇ ઍમ સૉરી. તારા નહીં, આપણા પપ્પા...’

‘ધૅટસ લાઇક માય બાબુ...’

મલ્ટિપ્લેક્સના કૉરિડોરમાં પણ કરિશ્મા ઇર્શાદને વળગી પડી અને તેની ગરદન પર નાનકડી કિસ આપી દીધી. ઇર્શાદના આખા શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઈ. આ ઝણઝણાટી માત્ર કલકત્તા જ નહીં, બંગાળ સરકાર પણ જે માણસના નામ માત્રથી થથરી જતી હોય એ જ માણસની એકમાત્ર દીકરી તમારી ગર્લફ્રેન્ડ હોય તો એ વાતમાં ઉન્માદ પણ હોય અને ગર્વિષ્ઠ ઘમંડ પણ એ જ વાતમાંથી પ્રસરતું હોય. આ ઘટના માત્ર લાગણીઓને સંતુલન આપનારી નથી હોતી, પણ લાગણીની સાથોસાથ સાહજિક રીતે અને સ્વાભાવિક રીતે આત્મસન્માનને પણ મદહોશ કરનારી હોય છે. સામાન્ય ઘરમાં ઉછેર થયો હોય, અમ્મીએ આડોશીપાડોશીનાં ઘરકામ કરીને ભણાવ્યા હોય અને એ ભણતરના જ આધારે શહેરની, સ્ટેટની સૌથી શ્રીમંત પરિવારની દીકરી આજે તમારા માટે જીવ આપવા માટે ઉત્સુક હોય તો એ વાત સહજપણે પૌરુષત્વને પણ નિખારી આપી જાય. ઇર્શાદ માટે એ સમય કંઈક એવો જ હતો.

ક્લાસરૂમની ડિસિપ્લિનને ધ્યાનમાં રાખીને તેણે જે છોકરીને બહાર કરી દીધી હતી એ જ છોકરી આજે તેની ગર્લફ્રેન્ડ બની ગઈ હતી અને તેના ગળાડૂબ પ્રેમમાં હતી. માફી માગવા માટે ઘરે આવેલી કરિશ્માને પણ નહોતી ખબર કે તેને ઇર્શાદના ગુસ્સાથી પ્રેમથી થઈ જશે.

‘આઇ ઍમ ઇન લવ વિથ યૉર ઍન્ગર...’

પહેલી વખત કરિશ્માએ આ પ્રકારનો મેસેજ કર્યો હતો અને પછી એક વાર આ જ વાક્યમાંથી ‘યૉર ઍન્ગર’ શબ્દોનો ક્ષય કરીને તેણે લખ્યું હતું: આઇ ઍમ ઇન લવ વિથ યુ. ઑનેસ્ટલી.

ઇર્શાદ આમ જોઈએ તો ઍપલ ઇન્સ્ટિટ્યૂટમાં કરિશ્માનો સર હતો, પણ ઉંમરમાં બન્ને વચ્ચે એજ તફાવત હતો જે તફાવત સામાન્ય રીતે છોકરા-છોકરી વચ્ચે હોવો જોઈએ. ઇર્શાદ છવ્વીસનો હતો અને કરિશ્મા ચોવીસની હતી. ઇર્શાદ સંજોગોથી એકલો હતો તો કરિશ્મા તેને મળેલા સ્ટેટસના કારણે એકલતાનો અનુભવ કરતી હતી. પહેલી વાર કોઈ તેને એવું મળ્યું હતું કે જેણે તેના સ્ટેટસને ધ્યાન પર નહોતું રાખ્યું, પહેલી વાર કોઈ એવું તેને મળ્યું હતું કે જેણે તેના રુઆબ અને તેના પરિવારને ગણકારવાને બદલે જાહેરમાં તેના પર ગુસ્સો કાઢી લીધો હતો. સહેજ પણ શરમ રાખ્યા વિના, સહેજ પણ સંકોચ કર્યા વિના. શરમ અને સંકોચ વિનાના એ વર્તાવ પછી જ કરિશ્માને સમજાયું હતું કે સંબંધોની ઘનિષ્ઠતા માટે પૈસો અને ઐશ્વર્ય નહીં, પણ જવાબદારીઓનું મહત્ત્વ વધારે હોય છે.

ઘરે પહોંચ્યા પછી કરિશ્માને ઇન્સ્ટ્યિૂટમાં બનેલી ઘટના વિશે તેના પપ્પાએ પૂછયું હતું અને કરિશ્માએ પણ સાચી વાત કહી દીધી હતી. એ સમયે અશોક હાંડાએ કહ્યું હતું: ‘કાલથી તારી સાથે કોઈ ખરાબ વર્તાવ નહીં કરે.’

કરિશ્માને ખબર હતી કે શું રિઝલ્ટ આવ્યું હશે, પણ તેને એ ખબર નહોતી કે તેના પપ્પા કોઈ પગલું ભરે એ પહેલાં જ ઇર્શાદ સામેથી જૉબ છોડીને ચાલ્યો ગયો છે. બીજા દિવસે જ્યારે તે ક્લાસરૂમ પર ગઈ ત્યારે તેને આખી વાત ફ્રેન્ડ્સ પાસેથી ખબર પડી હતી.

‘ડોન્ટ ટેલ ઍનીવન કરિશ્મા... સૌરવસર તેને કાઢી મૂકે એ પહેલાં તો એ રેઝિગ્નેશન મૂકીને નીકળી પણ ગયો હતો. સૌરવસર અને અંકલને પણ બહુ ફાઇટ થઈ પછી...’

પહેલો કોઈ એવો મળ્યો હતો કે જેણે અશોક હાંડાના હથિયાર હેઠાં પાડી દીધાં હતાં. પહેલો એવો કોઈ મળ્યો હતો કે જેણે અશોક હાંડાનું નાક કાપીને હાથમાં મૂકી દીધું હતું. કંઈક એવા જ તોર સાથે કે તું શું મને કાઢવાનો, મેં જ તને રજા આપી દીધી.

ઇર્શાદના આ પગલાએ કરિશ્માને તેની તરફ ખેંચવાનું કામ કર્યું અને એમાં જ્યારે તેને ખબર પડી કે ઇર્શાદ માટે આ જૉબ અને આ ઇન્કમ બહુ જ મહત્ત્વની હતી એ પછી પણ તેણે ખુદ્દારીને અકબંધ રાખવા માટે જૉબ છોડી દીધી ત્યારે કરિશ્માને આ ઍન્ગ્રી યંગમેન પર માન થઈ આવ્યું. કરિશ્મા ઇર્શાદને મળવા માટે કોઈને કહ્યા વિના જ તેના ઘરે ગઈ હતી. વાતનો વિષય બેમાંથી કોઈની પાસે નહોતો અને એ પછી પણ રહેલી ચુપકીદી ઘણુંબધું બોલી રહી હતી.

‘આઇ ઍમ સૉરી...’

‘નો નીડ... રાત ગઈ બાત ગઈ.’ જો વધુ દુઃખી ન થવું હોય તો ઘાને ફંફોસવાનું કામ કરવું ન

જોઈએ. ઇર્શાદે એ જ કર્યું હતું. તેને અત્યારે બીજી કોઈ વાતમાં રસ નહોતો લેવો.

‘હંમેશાં યાદ રાખવાનું કે ભૂતકાળ પાસે ક્યારેય ભવિષ્યકાળ હોતો નથી એટલે જૂની વાતોને ક્યારેય પકડવાની નહીં.’ ઇર્શાદે સ્માઇલ કર્યું, ‘ક્લાસીઝ કેવા ચાલે છે.’

‘નથી ગમતું...’ કરિશ્માએ નજર નીચી રાખીને નાના બચ્ચા જેવા સ્વરમાં જવાબ આપ્યો, ‘ભણવાનું... તમારા વિના.’

એ રાતે મળ્યા પછી ઇર્શાદને પણ ખાતરી હતી કે હવે તેને કરિશ્મા સાથે મળવાનું બનતું રહેશે અને કરિશ્માને પણ ખબર હતી કે હવે તે પોતાની જાતને મળ્યા વિના રોકી નહીં શકે. હકીકત પણ એ જ બની અને બન્ને એકબીજાને નિયમિત મળવા માંડ્યાં. શરૂઆતમાં ઇર્શાદ તરફથી કરિશ્માને મળવા માટે કોઈ પ્રયાસ નહોતા થતા, પણ તેને ખાતરી રહેતી કે કરિશ્મા તેને મળશે. કોઈ વખત એવું પણ બનતું કે કરિશ્માનો ફોન ન આવે કે મેસેજ ન હોય ત્યારે એનો દિવસ બગડી જતો. જૉબ મળી ગઈ હતી, પણ હવે જૉબ કરતાં પણ મહત્ત્વ કરિશ્માનું વધવા માંડ્યું હતું. અમ્મી અને અબ્બાને મળવા કરિશ્મા આવતી ત્યારે તેના ચહેરા પર છવાઈ જતી રોનક અને ચમકને જોઈને એ અનુભવી આંખો પારખી જતી કે સંબંધોમાં સંવેદનાનું સત્ત્વ ઉમેરાવા માંડ્યું છે. અલબત, સંવેદના સાથે વેદના પણ ભવિષ્યના ગર્ભમાં સંતાયેલી છે એ તો કોઈ જાણતું નહોતું.

‘આઇ વૉન્ટ ટુ મૅરી યુ...’

ઉઘાડી છાતી પર હાથ ફેરવતાં કરિશ્માએ ધીમેકથી ઇર્શાદના કાનમાં કહ્યું. જવાબ શબ્દોથી નહીં, પણ સ્પર્શથી જ ઇર્શાદે વાળ્યો અને તેના હોઠ પર ધીમેકથી હોઠ મૂક્યા.

‘ક્યારે કરીશું મૅરેજ કહેને...’

‘તારાં પપ્પા-મમ્મી પરમિશન આપે એટલે...’

‘એ ક્યારેય નહીં મળે...’

કરિશ્માએ જવાબ આપ્યો, જેમાં કોઈ જાતની અવઢવ નહોતી. આર્થિક અને સામાજિક સ્ટેટસ તો વિલન હતાં જ આ સંબંધોમાં, પણ આ સંબંધોમાં મજહબ સુપરવિલન હતો જે કોઈ કાળે હાંડા ફૅમિલી સ્વીકારે એવી શક્યતા નહોતી.

‘આઇ થિન્ક, આપણે આપણી રીતે મૅરેજ કરી લેવા જોઈએ?’

‘અવિશ્વાસ તને કોના પર છે, મારા પર કે તારા પર...’

આ પણ વાંચો : કથા સપ્તાહ : તેરા ‌જિક્ર હૈ યા ઇત્ર હૈ... (2)

મનગમતા બંધન માટે ક્યારેય કોઈને તકલીફ નથી હોતી, પણ શંકાના પરિઘ પર જો બંધન આવતું હોય તો વ્યક્તિએ મેળવતાં ખચકાટ અનુભવતો હોય છે. ઇર્શાદને પણ એ સમયે એવો જ અનુભવ થયો હતો. જોકે તેનો એ અનુભવ ખોટી દિશામાં અને ખોટા તર્કની અટારી પર ઊભો હતો.

Rashmin Shah columnists