કથા સપ્તાહ : તેરા ‌જિક્ર હૈ યા ઇત્ર હૈ... (1)

27 May, 2019 02:46 PM IST  |  | રશ્મિન શાહ - કથા સપ્તાહ

કથા સપ્તાહ : તેરા ‌જિક્ર હૈ યા ઇત્ર હૈ... (1)

એક લોહિયાળ લવસ્ટોરી

કથા સપ્તાહ

‘બધું બરાબર છે... તું તારે કોની ચિંતા કરતો નહીં.’ ઇન્સ્પેક્ટર ગગનદીપ ગંભીરે હાથમાં રહેલી સિગારેટ ધીમેથી ઍશટ્રેમાં મૂકી ઇર્શાદની સામે જોયું, ‘તારે ગભરાવાનું પણ નથી. લવ ઇઝ ઇટર્નલ... સમજાયું? પ્રેમ શાશ્વત છે, અનંતકાળ સુધી એ અકબંધ રહે છે. તેં ભૂલ શું કરી છે, કંઈ નહીં...’

‘પણ સાહેબ...’

ઇર્શાદથી અજાણતાં જ હાથ જોડાઈ ગયા હતા. હિન્દુ પોતાના મંદિરમાં જઈને હાથ જોડે છે એ તેને ખબર હતી તો ઇર્શાદને એ પણ ખબર હતી કે માફી માગવા કે વિનંતી કરવા માટે પણ હાથ જોડવાની આ પ્રતિક્રિયા આપવામાં આવે છે. સામાન્ય રીતે તે આ રીતે હાથ જોડતો ત્યારે અબ્બા તેના પર હસતા અને કહેતા પણ ખરા: ‘પાગલ મત બન, ઐસા કરેગા તો કોઈ અપની બેટી નિકાહ કે ‌‌‌લિયે દેગા નહીં.’

એ સમયે ઇર્શાદને ખબર પણ ક્યાં હતી કે તે નિકાહ કરવા માટે મુ‌સ્લિમ છોકરી પસંદ પણ ક્યાં કરવાનો છે.

‘અરે હાથ મત જોડ... તેરી બીવી વાપસ આયેંગી... જાએંગી કહાં યાર.’

‘સાહેબ, એ લોકો એને નહીં આવવા દે, આઇ ઍમ શ્યૉર. બહોત પૈસેવાલે હૈ વો લોગ...’

‘પૈસેવાલે હૈ તો ક્યા હુઆ, તું દિલવાલા હૈ...’ ઇન્સ્પેક્ટર ગગનદીપ ગંભીર સહેજ નજીક આવ્યા, ‘ઔર પૈસેવાલે દિલવાલો કે પાસ ગરીબ હોતે હૈ બેટે...’

ઇર્શાદને સમજાયું નહીં કે હવે શું કહેવું અને શું કરવું. વાત પરથી લાગી રહ્યું હતું કે ઇન્સ્પેક્ટર સહકાર આપવા માટે તૈયાર છે. પ્રેમની પરિભાષા સમજાવ્યા વિના જ તે લાગણીઓનું અનુબંધન સમજી રહ્યા છે એ વાતની તેને ખુશી પણ હતી, પણ એ ખુશીથી ચમચમ અને રસગુલ્લા થોડાં બનાવી શકાય છે. એ બનાવવા માટે જેમ સામગ્રી જોઈએ એ જ રીતે મદદ કરવા માટે પણ હરકતમાં આવવું પડે અને એ હરકતમાં આવવા માટે ઇન્સ્પેક્ટરને કોઈ ઉતાવળ ન હોય એવું ઇર્શાદને લાગી રહ્યું હતું, સતત અને એકધારું.

‘આપણે જવું છે એ લોકોના ઘરે? જઈને લઈ આવીએ...’

ઇર્શાદ આગળ કંઈ બોલે એ પહેલાં તો ઇન્સ્પેક્ટરે એને અટકાવી દીધો.

‘તું કભી ક્રિકેટ ખેલા હૈ...’ ઇર્શાદને આ પ્રશ્ન અસ્થાને લાગ્યો, પણ તેણે જવાબ હંકારમાં આપ્યો એટલે ગગનદીપે કહ્યું, ‘ગલીમાં ક્રિકેટ રમતાં હોઈએ અને કોઈના ફ્લૅટમાં બોલ જાય તો સીધું એના ઘરમાં ઘૂસી નથી જવાતું. પરમિશન... પરમિશન લેવી પડે પહેલાં અને એ પરમિશન પછી જ એના ઘરમાં જઈને બૉલ લાવી શકાય. રાઇટ?’

‘સૉરી દાદા... મને સમજાયું નહીં. આઇ ઍમ સોરી.’

‘દાદા પણ કહેવાનું અને સૉરી પણ કહેવાનું???!!!’

ગગનદીપે ટેબલ પર પડેલા ફાઈલના ઢગલાની નીચેથી એક કોરો કાગળ બહાર ખેંચી લીધો અને વર્દીના શર્ટના ડાબા ખિસ્સામાંથી બૉલપેન બહાર કાઢી.

‘દાદાનો અર્થ થાય છે મોટા ભાઈ... બંગાળી જુબાન છે આ. મોટા ભાઈની માફી ના માગવાની હોય ઇર્શાદ.’

‘શું કરું આનું હું?’

આંખ સામે ધરાયેલા કાગળ અને પેનને જોઈને ઇર્શાદની આંખમાં આ પ્રશ્ન અંકાઈ ગયો અને ગગનદીપ પણ એ પારખી ગયા.

‘ફરિયાદ... ફરિયાદ તો લખવી પડશેને, તો જ તો પોલીસ એ મોટા માણસના ઘરમાં જઈને કરિશ્માને લઈ આવશેને.’

‘હા સર...’ ઇર્શાદે પેનનું ઢાંકણું ખોલ્યું અને લખવાનું શરૂ કરવા માટે કાગળ નજીક ખેંચ્યો, ‘શું લખું?’

‘જે બન્યું છે એ બધું લખી નાખ... કોઈનાથી ડર્યા વિના. કોલકાતા તારી પાછળ જ છે.’

‘ઓકે...’

ઇર્શાદે કાગળની જમણી બાજુએ પોતાનું નામ સૌથી પહેલું લખ્યું.

ઇર્શાદ રહેમત દલ.

નામ લખ્યું ત્યારે એક સેકન્ડ માટે ઇર્શાદને યાદ આવી ગયું હતું કે ફરિયાદ ક્યારેય ફરિયાદીએ ન લખવાની હોય, એ તો પોલીસ લખે. આવું શું કામ થઈ રહ્યું છે એ જાણવાની તેને ઇચ્છા પણ થઈ આવી, પણ આંખ સામે ધસી આવેલા અઢી વર્ષના ભૂતકાળમાં છુપાયેલી મીઠી યાદોના ધસમસતા પ્રવાહે ઇર્શાદના મનમાં આવેલી શંકાને ભસ્મીભૂત કરી નાખી. જો એ સમયે ઇર્શાદ યાદોની આંગળી પકડીને લટાર મારવા ન નીકળ્યો હોત તો આજનો વર્તમાન કંઈક જુદો જ હોત. વર્તમાન પણ જુદો હોત અને પ્રેમનો આવિષ્કાર પણ જુદો હોત. આંખોમાં આંસુ સાથે રહેમત દલ દીકરાનો ફોટોગ્રાફ હાથમાં લઈને પથારી પર પડ્યા પોતાના પૅરૅલાઇઝ્ડ દેહને કોસતા ન હોત અને હૅરી લૅનમાં રહેતો અને હવે જિંદગીભર વ્હીલચૅર પર બેસવાની સજા ભોગવતો પપ્પુ મોત માટે ભગવાન પાસે ભીખ ન માગતો હોત.

જો એ સમયે ઇર્શાદ યાદોની આંગળી પકડીને લટાર મારવા ન નીકળ્યો હોત તો...

પણ ઇતિહાસ હંમેશાં આ ‘જો’ અને ‘તો’ વચ્ચે જ રચાતો હોય છે.

*****

‘પ્લીઝ કીપ ક્વાઇટ...’

ઇર્શાદે ધીમા, પણ કડક અવાજમાં કહ્યું એટલે ક્લાસરૂમમાં થોડી શાંતિ પ્રસરી ગઈ, પણ એ શાંતિ વચ્ચે પણ કોઈનો દબાયેલો અવાજ ઇર્શાદ સુધી પહોંચી ગયો.

‘હેલો... હેય મિસ...’ ઇર્શાદે ત્રીજા ડેસ્ક પર મૉનિટરની પાછળ ચહેરો સંતાડીને હસી રહેલી છોકરીને ઉદ્દેશીને કહ્યું, ‘આઇ ઍમ ટૉકિંગ વિથ યુ, જો ઇન્ટરેસ્ટ ન હોય તો તમે ક્લાસરૂમની બહાર જઈ શકો છો, પણ જેને ભણવું છે એને ભણવામાં ડિસ્ટર્બ નહીં કરો, પ્લીઝ...’

‘ઓકે... આઇ ઍમ સૉરી.’

છોકરીએ હસવાનું દબાવીને માફી તો માગી લીધી, પણ પેટમાં અટવાયેલી વાત અને એ વાતના કારણે મનમાં થઈ રહેલી ગુદગુદી અટકી નહોતી રહી એટલે માફી માગ્યા પછી પણ તેનાથી ખડખડાટ હસી પડાયું.

સરેઆમ, બધાની હાજરીમાં અને શરમ મૂકીને.

‘ગેટ આઉટ...’

‘નો...’

હસવાનું ચાલુ જ રહ્યું અને હસતાં હસતાં જ છોકરીએ જવાબ પણ આપી દીધો - ના નહીં જાઉં. ક્લાસરૂમમાંથી તમને બહાર કાઢી મૂકવામાં આવી રહ્યા હોય એ પછી તમે માફી માગો એ સમજી શકાય. બીજી વખત આવી ભૂલ નહીં થાય એવું કહી શકો એ પણ સમજી શકાય. અરે, તમે રિક્વેસ્ટ કરીને પણ ક્લાસરૂમમાં બેસી રહો, પણ એવું કંઈ કરવાને બદલે નફ્ફટાઈ સાથે તમારું હસવાનું ચાલુ રહે અને એ ચાલુ રાખીને પણ તમે સ્પષ્ટ, ચોખ્ખીચણાક રીતે ના પાડી દો એ તો કેવી રીતે ચાલે. અરે, ચાલવાની વાત તો એક બાજુએ રહી, તમે એવું પગલુ ભરી પણ લો છો અને કહી પણ દો છો કે તમે ક્લાસરૂમની બહાર નહીં જાવ. હદ કહેવાય.

બેશરમીની હદ અને દાદાગીરીની પણ હદ.

‘પ્લીઝ, મિસ... તમે ક્લાસરૂમની બહાર જાવ. બીજાને ડિસ્ટર્બ થઈ રહ્યું છે. પ્લીઝ ગેટઆઉટ...’

આ વખતે નકારમાં માથું ધુણાવીને છોકરીએ ના પાડી. છોકરીની ના જોઈને ઇર્શાદને પહેલી વાર ગુસ્સો આવ્યો. ભણવા આવવું છે, મોંઘામાં મોંઘી ફી ભરવી છે અને એ પછી ભણવું નથી અને કોઈને ભણવા પણ દેવું નથી. ખરા લોકો છે.

‘ગિવિંગ યુ વૉર્નિંગ લાસ્ટ ટાઇમ... યુ જસ્ટ ગેટઆઉટ.’

વધી ગયેલા અવાજ અને બદલાઈ ગયેલા સૂરના કારણે છોકરીનું હસવાનું બંધ થયું, પણ તેના ચહેરા પર રહેલી મસ્તી હજુ પણ અકબંધ હતી.

‘આઇ ઍમ સૉરી સર બટ... સી વૉગ પોક્ડ મી.’

‘ધૅટસ નન ઑફ માય બિઝનેશ. જસ્ટ ગેટ લોસ્ટ. આઇ ડોન્ટ વૉન્ટ ટુ સી...’

‘સર, એક મિનિટ...’

ઇર્શાદના બદલાયેલા તેવરને જોઈને વચ્ચે બોલેલા સુદીપને આગળ બોલવાની હિંમત ન ચાલી. તે ચૂપ થઇ ગયો. આંખના ઇશારે સુદીપને સમજાવ્યા પછી ઇર્શાદે નજર પેલી છોકરી તરફ કરી અને ચપટી વગાડીને ક્લાસરૂમનો દરવાજો દેખાડ્યો. ઇર્શાદે ફરી વખત દરવાજો દેખાડ્યો, પણ છોકરીના પગમાં કોઈ મૂવમેન્ટ ન આવી એટલે ઇર્શાદે હાથમાં રહેલી બુક ટેબલ પર જોરથી પછાડી.

આ પણ વાંચો : કથા સપ્તાહ : આંસુની આરપાર (5)

‘જ્યાં સુધી આપશ્રી આ ક્લાસરૂમમાં હશો ત્યાં સુધી હું સ્ટડી શરૂ નહીં કરું. નાઉ યુ ડિસાઇડ... તમારી એકની ભૂલના કારણે ક્લાસના બીજા સ્ટુડન્સને...’

ધડામ.

બાકીના શબ્દો ઇર્શાદના મોઢામાં જ અકબંધ રહી ગયા. છોકરીએ પોતાના હાથમાં રહેલી તમામ બુક્સનો જમીન પર ઘા કરી દીધો હતો અને ક્લાસરૂમની બહાર નીકળી ગઈ હતી. છોકરીના તોર અને મિજાજને જોઈને ઇર્શાદને ખબર નહોતી પડી કે તેણે એ છોકરીની દયા ખાવી જોઈએ કે પછી એના પર આવી ગયેલા ગુસ્સાની માત્રામાં વધારો કરવો જોઈએ. જોકે એ સમયે તો ઇર્શાદે એ વાત અને એ ઘટના પર વધારે ધ્યાન આપ્યા વિના તરત જ માયા સૉફ્ટવેર વિશે સમજાવવાનું શરૂ કરી દીધું હતું, પણ ઇર્શાદે એ સમયે જે કોઈને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો એ કોઈને સૉફ્ટવેરમાં સમજણ નહોતી પડતી. ક્લાસના તમામ સ્ટુડન્ટ્સમાં એક જ વાત મનમાં ફરતી હતી: પચીસ વર્ષના ઊગીને ઊભા થતા સૉફ્ટવેર એન્જિનિયરે કોલકાચાની સૌથી શ્રીમંત એવી હાંડા ફૅમિલીની એકમાત્ર દીકરીને ક્લાસરૂમમાંથી બહાર કાઢી મૂકી, સરનું આવી બન્યું હવે... (વધુ આવતી કાલે)

Rashmin Shah columnists