ટપકાં જોડો - આ મર્ડર તો જ સૉલ્વ થશે (પ્રકરણ - ૪)

29 May, 2025 11:59 AM IST  |  Mumbai | Rashmin Shah

શું થયું તારે ને સંજયને?’ શૈલેશ ચૂપ રહ્યો અને ડિટેક્ટિવ સોમચંદની કમાન છટકી, ‘શું થયું તમારી વચ્ચે?

ઇલસ્ટ્રેશન

‘ઘરમાં તો ક્યાંય ફોન નથી શૈલેશ.’ સોમચંદે સોફા પર બેસતાં કહ્યું, ‘હવે શું કરશું?’

‘હું તો શું કહું સાહેબ. તમને નંબર આપું. નંબર પરથી તમે મોબાઇલ નેટવર્ક ચેક કરાવી લો, કદાચ ખબર પડી જાય.’

શૈલેશના જવાબમાં રહેલી સ્માર્ટનેસ સોમચંદ પારખી ગયા હતા.

ટેક્નૉલૉજીએ મોટા ભાગના ક્રિમિનલ-માઇન્ડેડ લોકોને અલર્ટ કરી દીધા છે. CCTV ફુટેજ અને મોબાઇલ નેટવર્ક જેવા ઈઝી રસ્તાઓ પોલીસ સૌથી પહેલાં પકડતી હોય છે એ ટીવીએ એટલું દેખાડી દીધું છે કે નાનામાં નાનું બચ્ચું પણ એનાથી વાકેફ છે.

‘તું જે નંબર આપશે એ એક જ નંબર કરિશ્મા વાપરતી?’

‘હા સાહેબ.’ શૈલેશે વિશ્વાસ સાથે કહ્યું, ‘મારી વાઇફ છે, મને તો ખબર હોયને કે તેની પાસે કેટલા નંબર છે?’

‘હંમ...’ સોમચંદે કહ્યું, ‘તારી વાત સાચી પણ ઘણી વાર વાઇફને કોઈની સાથે અફેર હોય અને સામેના પાત્રએ બીજો નંબર આપ્યો હોય એવું પણ બનેને?’

‘એવું બને તો હસબન્ડના ધ્યાનમાં આવ્યા વિના થોડું રહે સર?’ શૈલેશનો આત્મવિશ્વાસ અકબંધ હતો, ‘બીજી વાત, કરિશ્માને કોઈની સાથે ક્યારેય કોઈ લફરું હતું નહીં. અમારી બેની રિલેશનશિપ બહુ સારી હતી, અમે બહુ સારી રીતે રહેતાં હતાં. તમારે પૂછવું હોય તો તમે આજુબાજુવાળાને પૂછી લો.’

‘રાઇટ.’ સોમચંદે દાઢમાં જવાબ આપ્યો, ‘આજુબાજુવાળાને પૂછી લીધું, એ પણ બધા એવું જ કહે છે.’

વાતમાં સાથ આપતાં હવે સવાલ ઇન્સ્પેક્ટર અમોલે પૂછ્યો.

‘તો એવું શું બન્યું કે કરિશ્માનું મર્ડર થયું? ઘરમાં ચોરી થઈ નથી, બધા ઑર્નામેન્ટ્સ અકબંધ છે. કોઈ ભાંગફોડ થઈ નથી. એવું પણ નથી લાગતું કે ઘરમાં આ કામ કરવામાં આવ્યું હોય તો પછી આખી ઘટના બની ક્યાં અને શું કામ?’

‘સાચું કહું છું સાહેબ, મને કંઈ એટલે કંઈ ખબર નથી. તમે ક્યો એના સોગન ખાઉં. મને, મને આમાં કંઈ એટલે કંઈ ખબર નથી...’ શૈલેશે હાથ જોડ્યા, ‘હું શુક્રવારે અહીંથી નીકળી ગ્યો. પછી વાપીને વાપીમાં જ છું. તમારે જેને પૂછવું હોય તેને પૂછી આવો. હું એક શબ્દ ખોટું નથી બોલતો.’

‘તું ખોટું બોલે છે એવું હું ક્યાં કહું છું, હું એમ પૂછું છું કે આ કામ કર્યું કોણે હશે?’ સોમચંદે સમજાવતાં કહ્યું, ‘જો તેં આ કર્યું નથી. મેં કે અમોલે પણ કરિશ્માને મારી નથી તો પછી કરિશ્માને મારવાનું કામ કરે કોણ?’

‘એ તમારું કામ છેને? એમાં તો હું શું કહું?’

‘સાવ સાચી વાત.’ સોમચંદે શૈલેશના ખભા પર હાથ મૂક્યો, ‘અમને અમારું કામ કરવા દેવા માટે તારે એક નાનકડી હેલ્પ કરવી પડશે. તારે મને અહીં સંજય માનસાતાને બોલાવી આપવો પડશે.’

શૈલેશની આંખો સહેજ પહોળી થઈ. અલબત્ત, તેણે તરત જ પોતાના હાવભાવને સંતાડવાની કોશિશ પણ કરી લીધી. જોકે શૈલેશને ખબર નહોતી કે હાવભાવ છુપાવવામાં તે સહેજ મોડો પડ્યો હતો.

ડિટેક્ટિવ સોમચંદે તેને પકડી પાડ્યો હતો.

‘અમે, અમે બન્ને નથી બોલતા...’ શૈલેશે તરત જ કહ્યું, ‘તે કદાચ મારો ફોન પણ નહીં ઉપાડે. બને કે તેણે મારો નંબર પણ બ્લૉક કરી દીધો હોય.’

‘મારા ફોનમાંથી ફોન કરે તો...’

‘અજાણ્યો નંબર જોઈને કદાચ ઉપાડી લે, પણ પછી વાત ન કરે.’

‘શું થયું તારે ને સંજયને?’ શૈલેશ ચૂપ રહ્યો અને ડિટેક્ટિવ સોમચંદની કમાન છટકી, ‘શું થયું તમારી વચ્ચે?’

સટાક...

બીજી વખત પુછાયા પછી પણ શૈલેશે જવાબ આપ્યો નહીં અને સોમચંદનાં આંગળાંની છાપ તેના ગાલ પર ઊપસી આવી.

lll

સંજય અને શૈલેશ બન્ને ફ્રેન્ડ. બન્ને ITIમાં ભણતા ત્યારથી એકબીજાને ઓળખે. કૉલેજની એ ભાઈબંધી આગળ વધી અને વધતી એ ભાઈબંધી કૉલેજ પછી પણ કન્ટિન્યુ થઈ. અલબત્ત, ત્યાં સુધી જ્યાં સુધી શૈલેશ વાપીમાં રહ્યો. વાપી છોડીને શૈલેશ જૉબ માટે મુંબઈ આવી ગયો અને સંજય સાથે સ્વાભાવિક રીતે સંબંધોમાં થોડો ઘસારો આવ્યો પણ એક દિવસ સંજયે મુંબઈ આવીને શૈલેશને સરપ્રાઇઝ આપી.

lll

‘ક્યારે આવ્યો તું?’

‘અઠવાડિયું થયું.’ સંજયે જવાબ આપ્યો, ‘પહેલાં તારી પાસે જ આવવાનો હતો પણ જૉબ નવી-નવી હતી એટલે ટાઇમ મળ્યો નહીં. આજે રજા હતી એટલે તને મળવા આવી ગયો.’

‘તું મુંબઈ કાયમ માટે આવી ગયો ને મને કહેતો પણ નથી યાર.’ જૂના દોસ્તને મળીને શૈલેશ ખુશ થયો હતો, ‘તું એકલો જ આવ્યો છો કે પછી ભાભી પણ આવ્યાં છે?’

‘ના યાર, હું એક જ આવ્યો. નવી-નવી જૉબ છે. કદાચ ન ફાવે અને પાછા જવું પડે તો ક્યાં બધું લઈને પાછા જવું.’ સંજયે કહ્યું, ‘તું કહે, હવે ક્યારે મૅરેજની ઇચ્છા છે?’

‘એ બધી વાત પછી કરીએ. તું રાતે ઘરે આવ. ત્યાં શાંતિથી બેસીને બિયર પીતાં વાત કરીએ.’

lll

શરૂઆત રજાના દિવસોમાં નિયમિત મળવાથી થઈ અને એ પછી એ નિયમિતતાને કાયમી બનાવવા માટે શૈલેશે જ સંજયને ઑફર મૂકી.

‘સંજય, તું મલાડમાં એકલો રહે, હું અહીં અંધેરીમાં એકલો રહું. આપણે એક કામ કરીએ તો બન્ને એક જ ફ્લૅટ રાખીએ. ખર્ચ પણ બચશે અને એકબીજાની કંપની પણ રહેશે. મજા આવશે એ બોનસ...’

‘મને વાંધો નથી, પણ પછી તારી ગર્લફ્રેન્ડને અહીં આવવામાં પ્રૉબ્લેમ થશે તો?’

lll

‘એ સમયે તારી અને કરિશ્માની રિલેશનશિપ શરૂ થઈ ગઈ હતી?’

‘હા, સંજય મુંબઈ આવ્યો એ પહેલાં જ અમારી રિલેશનશિપ હતી. મારી ફૅમિલીમાંથી મરાઠી છોકરી સામે વાંધો નહોતો પણ કરિશ્માની ફૅમિલીને પ્રૉબ્લેમ હતો એટલે અમે મૅરેજ નહોતાં કરી શકતાં.’

‘હંમ... પછી?’

lll

‘પહેલી વાત, મારી ગર્લફ્રેન્ડ તારી ભાભી છે ને ભાભીને દિયરથી વાંધો ન હોય એટલે એ વાત ભૂલી જા. બીજું કે તું હશે તો મને જ નહીં, તેને પણ કંપની રહેશે. મૅરેજ પછી એવું હોય તો આપણે ફરી અલગ થઈ જઈશું.’

‘તો મને વાંધો નથી અને શૈલેશ, હું અહીં આવી જઉં એ તારા માટે સારું છે.’ સંજયે દિલથી કહ્યું, ‘તારો ખર્ચ બચશે તો તું ઘરે વધારે પૈસા મોકલી શકીશ. મમ્મીની કૅન્સરની સર્જરી પછી એ લોકો પણ ખેંચમાં છે ને તું પણ...’

‘હા યાર... ટ્રાય તો કરું છું કે મૅક્સિમમ ઓવરટાઇમ કરીને વધારે સૅલરી આવે પણ પછી શરીર જવાબ આપી દે છે એટલે વધારે નથી થતું.’ શૈલેશે કહ્યું, ‘હમણાં તો કંપનીમાં એવો પણ નિયમ આવી ગયો કે વર્કર ગમે એટલો સારો હોય પણ તેને બાર કલાકથી વધારે કામ નહીં કરવા દેવાનું, આ નિયમને લીધે પણ ઇન્કમને અસર થઈ છે.’

‘આવો નિયમ શું કામ?’

‘મશીન પર કામ કરવાનું છે. જો એકાદ ઝોકું આવી જાય તો વર્કરનો જીવ જાય ને કંપનીએ કોર્ટના ચક્કરમાં પડવું પડે. કહે છે કે ધીમે-ધીમે મોટા ભાગની ફૅક્ટરીઓમાં હવે આવો નિયમ આવી જવાનો છે. ખાસ કરીને મોટા મશીન પર બેસતા સ્કિલ્ડ સ્ટાફ માટે.’

‘તું ટેન્શન નહીં કર.’ સંજયે પ્રેમથી શૈલેશના ખભા પર હાથ મૂક્યો, ‘હું છું. તને તો ખબર છે. આ કામ તો હું મજા માટે કરું છું. બાકી મસ્ત મજાની વાડી છે, એમાં મસ્ત મજાનો પાક આવે છે ને ત્રણ JCB પણ ફરે છે. કંઈ પણ જરૂર પડે તો સંકોચ વિના કહી દેજેને ભઈલા, પૈસાની જરૂર હોય તો પણ કહી દેજે...’

lll

બે-અઢી વર્ષ પછી ફરી મળેલા મિત્રો માટે બસ, એ દિવસ નવેસરથી આત્મીયતા ઊભી કરવાનું કામ કરી ગયો અને શૈલેશ-સંજય બન્નેની દોસ્તીની ગાડી પહેલાં કરતાં પણ વધારે પુરપાટ આગળ વધવા માંડી. ઘણી વાર તો એવું પણ બનતું કે સંજયે રેન્ટ ભરી દીધું હોય અને શૈલેશ પાસે તે માગે પણ નહીં. ઘણી વાર એવું થાય કે શૈલેશની સૅલેરી ન આવી હોય ને સંજય પૈસા ઘરે મોકલાવી દે.

એવું નહોતું કે શૈલેશ-સંજયની આ દોસ્તી વિશે એ બે જ જાણતા હતા.

શૈલેશે કરિશ્માને પણ સંજયનો સ્વભાવ કહી દીધો હતો તો સંજય કેટકેટલી રીતે એને મદદગાર બને છે એની વાત પણ કરી હતી. કરિશ્મા માટે પણ એ તમામ વાતો અગત્યની હતી, કારણ કે તેના બનનારા જીવનસાથીને સહકાર મળતો હતો.

lll

‘તારી આ બધી વાતોથી તો એવું પુરવાર થાય છે કે તમે બેય જણ ધરમવીર હતા... તો પછી બન્ને વચ્ચે ઝઘડો શું કામ થયો?’

‘સંજયને લીધે.’ શૈલેશે દાંત ભીંસ્યા, ‘હરામખોર, કૅરૅક્ટરનો લૂઝ...’

lll

‘સંજય, તમે શૈલેશને જેટલી હેલ્પ કરો છો એ જોતાં હું એક જ વાત કહીશ, થૅન્ક્સ અ લૉટ... શૈલેશને અત્યારે તમારી બહુ, બહુ, બહુ જરૂર છે...’

મૅરેજના એક વીક પહેલાં કરિશ્માએ જ સંજય માનસતાને ફોન કરી મળવા બોલાવ્યો હતો. બન્ને ફ્રેન્ડને હવે નક્કી થયું હતું કે મૅરેજ પછી એ બન્ને અલગ-અલગ રહેવા જશે. સંજય માનસતાએ ફરી મલાડમાં ફ્લૅટ ભાડે રાખી લીધો હતો અને અંધેરી-ઈસ્ટના આ ફ્લૅટમાં શૈલેશ અને કરિશ્મા રહેવાનાં હતાં.

ફર્સ્ટ નાઇટનું ડેકોરેશન પણ આ ફ્લૅટમાં સંજયે કર્યું અને એનો ઉપયોગ પણ સૌથી પહેલો સંજયે જ કર્યો!

‘નહીં સંજય, શૈલેશને ખરાબ લાગશે...’

‘ખબર પડે તો લાગેને? તું ભૂલી જા જાતને... જસ્ટ એન્જૉય ધ મોમેન્ટ. આપણે આમ જ સાથે રહીશું, ક્યારેય છૂટાં નહીં પડીએ.’

lll

‘પહેલાં કહ્યું હોત તો મેં ક્યારનો શૈલેશને છોડી દીધો હોત...’ કપડાં પહેરતાં કરિશ્માએ સંજયની સામે જોયું હતું, ‘માત્ર એક કારણે તેને પકડી રાખ્યો છે કે તે એક પણ બાબતમાં પૂછપરછ નથી કરતો. બધેબધું ચલાવી લે છે.’

‘હા પણ મારા કેસમાં ઊંધું છેને!’ સંજયે પૅન્ટની ઝિપ બંધ કરતાં કહ્યું, ‘મને પૂછવાવાળા અડધી-અડધી સેકન્ડનો હિસાબ માગે છે.’

‘તું વાઇફને ડિવૉર્સ આપી દેને...’

‘શક્ય નથી.’ કરિશ્માને ફરીથી હગ કરતાં સંજયે કહ્યું, ‘મારો બાપ ઘરમાંથી કાઢી મૂકે અને મારા નામની નોટિસ જાહેર કરી દે.’

‘વાંધો નહીં, આપણે તો સાથે હોઈશું...’

‘જો લુખ્ખા જેવી હાલતમાં સાથે રહેવું હોય તો પછી શૈલેશ ક્યાં ખોટો છે!’ સંજયે હસતાં-હસતાં કહ્યું, ‘તારે ડબલ ટ્રીટ સાથે રહેવાનું. રાત લુખ્ખેશ સાથે કાઢવાની ને દિવસે મારી સાથે શાહુકારી ભોગવવાની.’

‘તું અહીં જ રહે તો... પહેલાંની જેમ.’

‘કરિશ્મા, મને વાંધો નથી પણ હવે આપણે શક્ય હોય એટલું શૈલેશની નજરમાં ન ચડવું જોઈએ અને એટલે જ તારે ને મારે બને ત્યાં સુધી તેની ગેરહાજરીની રાહ જોવાની. એક છત નીચે હશું તો બહુ ઝડપથી શૈલેશની નજરમાં ચડી જશું ને બધું પૂરું થઈ જશે.’ સંજયે કિસ કરી કહ્યું, ‘તારે નામ પૂરતા જ શૈલેશ સાથે રહેવાનું છે. શૈલેશની જરૂરિયાત પણ હું પૂરી કરીશ ને તારી જરૂરિયાત પણ હું પૂરી કરતો રહીશ...’

બસ, તમે બેય જણ મારી જરૂરિયાત પૂરી કરતા રહેજો...

ન કહેવાયેલા એ શબ્દો સ્વાભાવિક રીતે એ દિવસે કરિશ્મા સાંભળી નહોતી શકી અને અત્યારે પણ એ શબ્દો ડિટેક્ટિવ સોમચંદ કે ઇન્સ્પેક્ટર અમોલને સંભળાયા નહોતા.

વધુ આવતી કાલે

columnists gujarati mid-day Rashmin Shah exclusive mumbai