ટપકાં જોડો - આ મર્ડર તો જ સૉલ્વ થશે (પ્રકરણ - ૩)

28 May, 2025 12:33 PM IST  |  Mumbai | Rashmin Shah

મનમાં હતું કે આજે સાંજે આવીને તેને સમજાવું અને જો તે માને નહીં તો રાતની ટ્રેનમાં પાછો નીકળી જઉં

ઇલસ્ટ્રેશન

‘શૈલેશ પટેલ?’

‘હા.’

‘મુંબઈ પોલીસ... થોડી વાત કરવી છે.’

દરવાજા પાસેથી જગ્યા કરતાં શૈલેશે તરત જ કહ્યું, ‘આવોને અંદર.’

ઘરમાં પ્રસંગનું વાતાવરણ સ્પષ્ટ દેખાતું હતું. ડેકોરેશન પણ હતું અને નવાં કપડાં પહેરીને ફરતા મહેમાનો પણ ડોકાતા હતા. ઘરમાંથી જ તાજી તળાયેલી ઘીની ખુશ્બૂથી લથબથ મીઠાઈની સુગંધ પણ આવતી હતી. સમય અને સંજોગોનું મરજાદીપણું અકબંધ રહે એવા હેતુથી સોમચંદે શૈલેશને કહ્યું, ‘વાત થોડી પર્સનલ છે. અમને અંદર ચર્ચા કરવામાં વાંધો નથી પણ એ સાંભળીને બીજા ડિસ્ટર્બ થશે. જો તમને વાંધો ન હોય તો આપણે બહાર વાત કરીએ.’

‘જી...’ શૈલેશે એક સેકન્ડ માટે વિચાર કર્યો અને પછી તરત તે ઘરની બહાર નીકળી ગયો, ‘ચાલો, ચાવાળાને ત્યાં બેસીએ. અહીં પાસે જ હોટેલ છે.’

lll

‘ચોરી થઈ છે?’ શૈલેશનો પહેલો સવાલ આવ્યો, ‘હું કરિશ્માને ના પાડતો હતો કે આપણે દાગીના ઘરમાં ન રાખવા જોઈએ પણ માની નહીં. કરિશ્મા તો બરાબર છેને સાહેબ, તેને તો ચોરે કંઈ કર્યું નથીને...’

‘અહીં મૅરેજ કોનાં છે?’

ડિટેક્ટિવ સોમચંદે સવાલ પૂછવાનું શરૂ કર્યું પણ એ સમયે ત્યાં બેઠેલા ઇન્સ્પેક્ટર અમોલના મનમાં આખી ઘટના ક્લિયર થવા માંડી હતી.

lll

શૈલેશ ઘરેથી મૅરેજમાં આવવા માટે વાપી આવ્યો. કરિશ્મા કદાચ મૅરેજમાં પાછળથી જૉઇન થવાની હશે. ઘરમાં દાગીના પડ્યા હશે અને એ વાત બહાર લીક થઈ એટલે ચોરે ઘર પર ધાડ પાડી. કરિશ્માએ વિરોધ કર્યો, જેમાં કરિશ્માનું મર્ડર થયું. ઘરમાં ઘૂસનારા ગભરાયા અને તેમણે લાશનો નિકાલ કરવા એના ટુકડા કરી લાશ MIDCની ડ્રેનેજમાં નાખી દીધી.

સિમ્પલ કેસ.

lll

‘મારા ભાઈનાં મૅરેજ છે. મારી ફૅમિલી સાથે કરિશ્માને બહુ બનતું નથી એટલે તેની ઇચ્છા મૅરેજમાં આવવાની ઓછી હતી. સાહેબ, મેં નિયમ રાખ્યો છે કે ફૅમિલીની વાતમાં બેમાંથી કોઈએ એકબીજા પર કચકચ નહીં કરવાની. એમાં પછી થાય એવું કે વાંક તેનો ન હોય કે મારો ન હોય અને એ પછી પણ અમે બેય એકબીજાની સામે મોઢાં ચડાવીને ફરતાં હોઈએ...’ શૈલેશે પૂછ્યું, ‘થયું શું સાહેબ? જરાક ફોડ તો પાડો.’

‘તમારા ઘરની આજુબાજુમાં કેટલીક એવી હરકત જોવા મળી છે જેના માટે અમને કરિશ્મા પર શક છે.’ સોમચંદે કહ્યું, ‘મને કરિશ્માના વધારે ફોટોગ્રાફ્સ જોવા છે.’

‘ફોટો તો સાહેબ ઘરે પડ્યા હોય. અહીં મારી પાસે ક્યાંથી આલબમ હોય?’

‘અહીં, ઘરમાં કોઈએ પાડ્યા હોય. પહેલાંના સમયમાં કે પછી... સોશ્યલ મીડિયા પર પણ તેના ફોટો હોય.’

‘હશે, પણ મને નથી ખબર. તમે કહેતા હો તો અહીં ઘરમાં પૂછી દઉં.’

‘કેમ, તમે બન્ને સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડ્સ નથી?’

‘હંમ. એ બધામાં બહુ માનતો નથી એટલે મેં ક્યારેય એવાં અકાઉન્ટ ખોલાવ્યાં નથી અને વાત કરીએ કરિશ્માની, તો તે સોશ્યલ મીડિયા પર છે કે નહીં એ મેં ચેક નથી કર્યું. કદાચ હોય પણ ખરી ને કદાચ ન પણ હોય.’

‘એક કામ કરો, તમે તમારો ફોન આપો. અમે એમાં ફોટો શોધીએ છીએ. ત્યાં સુધીમાં તમે ઘરે જઈને ફોટોગ્રાફ્સ મળે તો લઈ આવો.’

‘જી.’

શૈલેશ ઊભો થયો અને મોબાઇલ આપી તે ત્યાંથી રવાના થયો કે તરત જ ઇન્સ્પેક્ટર અમોલે પૂછ્યું, ‘શું લાગે છે?’

‘નિર્દોષ હોવાની ઍક્ટિંગ સરસ કરે છે પણ દેખાય છે એટલો સીધો નથી.’ ડિટેક્ટિવ સોમચંદે તારણ બાંધ્યું.

‘ફોનનું શું કરવાનું છે?’

‘ક્લોન. કેટલું સાચું બોલે છે એ જોવું પડશેને?’

‘ક્લોન માટે તો મુંબઈ જવું પડશે.’ અમોલે કહ્યું, ‘એટલા દિવસ કદાચ આ માણસ ફોન ન આપે.’

‘મુંબઈ જવાની જરૂર નથી.’ સોમચંદે પોતાનો ફોન હાથમાં લઈ ફોન કર્યો, ‘અહીં જ બેઠાં થઈ જશે. બસ, એક પાસવર્ડ આપવાનો છે.’

સોમચંદ ફોન પર વાત કરતો હતો એ જ વખતે શૈલેશ બેચાર આલબમ લઈને આવ્યો અને સોમચંદે તરત એનો ઍડ્વાન્ટેજ લઈ લીધો.

‘તમારા ફોનમાં એક OTP આવશે, આપોને...’

‘એ શેના માટે?’ સોમચંદે ઇશારાથી જ પહેલાં OTP આપવાનું કહ્યું, ‘ઝીરો નાઇન એઇટ ફાઇવ થ્રી ટૂ...’

‘આ ફોન હવે મુંબઈ પોલીસના પઝેશનમાં છે એ નોટ કરાવવાનું હતું.’ સોમચંદે ચોખવટ કરી, ‘તમે અહીં મૅરેજમાં બિઝી છો એવા સમયે મોબાઇલ અમે લઈ જઈએ તો તમારું કામ અટકી જાય.’

‘હા સાહેબ, ઘરમાં મોટો દીકરો છું એટલે બધું મારા પર છે.’

‘ફોટોગ્રાફ્સ...’

‘જી, લાવ્યો છું.’

શૈલેશે આલબમ ખોલ્યું અને કરિશ્માના ફોટો દેખાડવાનું શરૂ કર્યું. સાથે તેની કૉમેન્ટરી પણ ચાલુ હતી,

‘આ અમારાં લગ્ન સમયનો ફોટો છે. આ અમે હનીમૂન પર ગયાં એ વખતના ફોટો છે. એ વખતના અમુક ફોટો અમે આમાં નથી રાખ્યા એ તો તમે સમજી શકો.’

‘લેટેસ્ટ ફોટોગ્રાફ્સ. હમણાંના, તાજા ફોટો...’

સોમચંદે પૂછ્યું તો ખરંુ પણ તેની નજર આલબમમાં રહેલી કરિશ્માના ડાબા હાથ તરફ હતી. એ દિવસોમાં કરિશ્માએ તેના ડાબા હાથમાં કોઈ ટૅટૂ કરાવ્યું નહોતું અને સોમચંદને અત્યારે એ ટૅટૂમાં રસ હતો.

‘મર્ડર તો કરિશ્માનું જ થયું છે... કન્ફર્મ, આ છોકરી તો એ જ છે.’

બાજુમાં બેઠેલા ઇન્સ્પેક્ટર અમોલે સોમચંદને મેસેજ કર્યો અને સોમચંદે જવાબ આપ્યો.

‘આપણે મર્ડર કોનું થયું એ શોધવા નથી આવ્યા, આપણે એ શોધવા આવ્યા છીએ કે મર્ડર શું કામ થયું અને કોણે કર્યું?’

lll

‘હું તમને દસ મિનિટ સુધી તો છૂટા નહીં કરી શકું. હા, તમારે ઘરમાં કંઈ કામ હોય તો તમે વિના સંકોચે અમારી સાથે ઘરે જઈ શકો છો. અમે સાઇડ પર બેસી રહીશું અને તમે જે કહેશો એ અમારી ઓળખાણ આપી દેશું.’

‘એમાં વાંધો નહીં. તમારી ઓળખાણ તો મેં ફ્રેન્ડ તરીકે આપી દીધી છે.’ શૈલેશે ઘડિયાળમાં જોયું, ‘દસ મિનિટથી વધારે ટાઇમ ન જાય એનું જરા ધ્યાન રાખશું. મૅરેજ કાલનાં છે એટલે આજે જરાક દોડધામ છે.’

‘તમે કરિશ્માને ક્યાં ને કેવી રીતે મળ્યા?’

‘મુંબઈમાં જ. હું જ્યાં જૉબ કરતો ત્યાં કરિશ્મા રિસેપ્શનિસ્ટ હતી. ઓળખાણ થઈ, પછી પ્રેમમાં પડ્યાં અને અમે મૅરેજ કર્યાં.’

‘મુંબઈ આવ્યાને કેટલો સમય થયો?’

‘મુંબઈ તો સાહેબ, હું આઠેક વર્ષ પહેલાં આવી ગયો. શરૂઆતમાં સ્ટ્રગલ રહી પણ ટર્નરની ડિગ્રી આવી ગઈ પછી કામ ચાલવા માંડ્યું.’

‘હંમ...’

સોમચંદના મોબાઇલમાં શૈલેશના ક્લોન થયેલા ફોનનો ડેટા આવી ગયો અને એ ડેટાનો ચોથો જ ફોટો જોઈને સોમચંદે નિર્ણય લઈ લીધો.

‘મિસ્ટર શૈલેશ, તમારે અમારી સાથે મુંબઈ આવવું પડશે.’

‘હા, પણ મૅરેજ પતાવીને હું આવી જાઉં છુંને...’ શૈલેશના ફેસ પર લાચારી હતી, ‘અંદર બધા મહેમાનો છે. ઘરમાં હું સૌથી મોટો છું એટલે કામ પણ અત્યારે બહુ છે.’

‘કામ તો અમને પણ બહુ છે ને પછી પણ જો, અમે મુંબઈ છોડીને વાપી આવી ગયા. તમારે અત્યારે જ આવવું પડશે અને સૉરી મિસ્ટર શૈલેશ.’

‘પણ સાહેબ... થયું છે શું? હું તમને પૂછ્યા વિના બધી વાતમાં સપોર્ટ કરતો જઉં છું. જરાક વાત તો કરો.’

‘તમારી વાઇફનું મર્ડર થયું છે.’ વાતની શરૂઆત અમોલે કરી અને અનુસંધાન જોડતાં સોમચંદે કહ્યું, ‘મર્ડર પણ ચાર દિવસ પહેલાં થયું છે. અત્યારે એ કેસમાં તમારી અરેસ્ટ નથી કરતા પણ તમે તૈયારી રાખજો, અરેસ્ટ થઈ શકે છે એટલે ઘરે એક પણ જાતનાં એવાં કમિટમેન્ટ નહીં આપતા. બને કે તમે હવે અહીં પાછા આવો નહીં.’

શૈલેશના પગ નીચેથી ધરતી સરકી ગઈ.

lll

‘મિસ્ટર શૈલેશ, તમે વાપી આવી ગયા પછી પણ છેલ્લે ક્યારેય કરિશ્મા સાથે વાત કરી?’

જીપમાં જ સોમચંદની પ્રશ્નોત્તરી શરૂ થઈ ગઈ હતી.

‘પહેલાં તો મેં શુક્રવારે વાત કરી, વાપી પહોંચીને. એ સમયે તે ક્યાંક બહાર જવાની હતી. મેં તેને વાપી આવવા માટે આગ્રહ કર્યો પણ ખબર નહીં, તેને મારા ઘરથી શું ઍલર્જી છે. મારી વાત સાંભળીને તે ઇરિટેટ થઈ ગઈ અને અમારી વચ્ચે થોડી ફાઇટ થઈ. બસ, પછી મારે તેની સાથે વાત નથી થઈ.’

‘તમારા ભાઈનાં મૅરેજ છે. તમને કે તમારા ફૅમિલી મેમ્બરને થયું નહીં કે તમે તેને આગ્રહ કરીને બોલાવી આવો.’

‘સાહેબ, સારા પ્રસંગ તો ગયા તેલ પીવા, તે માઠા પ્રસંગે પણ વાપી નથી આવતી.’ શૈલેશની વાતમાં સહજતા હતી, ‘હું બધું જતું કરું, મારા ઘરના શું કામ જતું કરે.’

‘શુક્રવારના ફોન પછી તમે એક પણ વખત તેને ફોન કર્યો?’

‘કર્યોને, ત્રણચાર વખત ફોન કર્યો પણ તેનો ફોન કાં તો બિઝી આવે અને કાં તો બંધ મળે.’ શૈલેશે સ્વીકાર પણ કર્યો, ‘ઘરમાં પ્રસંગ, હું એકલો એટલે પછી હું ફોનમાં બહુ વધારે પ્રયાસ નહોતો કરતો. મને મનમાં હતું કે જો એક વખત વાત થાય તો તેને સારી રીતે સમજાવીને હું અહીં લઈ આવીશ.’

‘સારી રીતે સમજાવવા ક્યારે જવાના હતા?’

‘મનમાં હતું કે આજે સાંજે આવીને તેને સમજાવું અને જો તે માને નહીં તો રાતની ટ્રેનમાં પાછો નીકળી જઉં.’

‘ટિકિટ લઈ લીધી’તી?’

‘સર, અમારે વાપીવાળાએ ટિકિટ ન લેવાની હોય. અમે ચાલુ ગાડીએ ચડીએ, TCને ફોડી લઈએ, વાત પૂરી. અમારું કામ થઈ જાય...’

lll

‘શૈલેશ, તમારા સિવાય એવું કોઈ ખરું જે આ મર્ડર કરી શકે?’

‘ના સાહેબ.’ બીજી જ ક્ષણે શૈલેશને ટ્યુબલાઇટ થઈ એટલે તેણે પૂછ્યું, ‘મારા સિવાય એટલે શું?’

‘સિમ્પલ છે. એક તમે મર્ડર કરી શકો એમ છો પણ બીજા કોઈનું નામ અમારી પાસે આવ્યું નથી. એ નામ ત્યારે જ આવી શકે જ્યારે આપણે તમારા ઘરે જઈને કરિશ્માનો ફોન શોધીએ અને કાં તો તમે એ આપો.’

‘એવું તો કોઈ મારા ધ્યાનમાં નથી અને હું પણ, હું પણ શું કામ મારી વાઇફનું મર્ડર કરું? તમે, તમે મને વગરકારણે ફસાવો છો.’

‘એવું હશે તો પ્રેમથી માફી માગી લેશું. તમે તો સામે જ હશો પણ...’ સોમચંદે શૈલેશની આંખમાં જોયું, ‘માફી માગવા માટે હવે તમારી પાસે કરિશ્મા નહીં હોય.’

શૈલેશ કંઈ કહે એ પહેલાં સોમચંદે ઇન્સ્પેક્ટર અમોલને કહ્યું, ‘ચાલો, શૈલેશના ઘરે જઈએ.’

સોમચંદ શાહની વાત સાંભળીને પહેલી વાર શૈલેશને પરસેવો વળવાનું શરૂ થયું હતો. પહેલી વાર તેને સમજાયું હતું કે ઇન્સ્પેક્ટર કરતાં પણ આ ડિટેક્ટિવ વધારે ખતરનાક રીતે આંટા ટાઇટ કરે છે.

(વધુ આવતી કાલે)

columnists gujarati mid-day mumbai exclusive Rashmin Shah