કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ - 20

15 April, 2019 04:36 PM IST  |  | નવલકથા - રામ મોરી

કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ - 20

કંકુના સૂરજ આથમ્યા

રાતે બે વાગ્યા હતા. ચિરાગ અને નમ્રતા દિત્યાને ઊંચકીને બાથરૂમમાં લાવ્યાં હતાં. ચિરાગે પોતાના મજબૂત બાવડાથી દિત્યાને પકડી રાખી હતી અને એ મોટા બાવડામાં ૧૦ વર્ષની દિત્યા કરમાયેલી વેલ જેવી ઢળી પડેલી હતી. દિત્યાના પગ પાસે નાના સ્ટૂલ પર નમ્રતા હાથમાં ટમલર લઈને બેઠી હતી. તે ધીમી ધારે પાણી દિત્યાના પગના તળિયા પર અને સાથળ પર રેડતી હતી. છેલ્લા અઢારેક કલાકથી દિત્યાએ ડાઇપર બગાડ્યાં નહોતાં. તેના શરીરમાં યુરિન અકબંધ હતું. ડૉ. સ્વપ્નિલ કદમે આ રીત શીખવેલી કે દિત્યા જ્યારે યુરિન ન કરે ત્યારે અટકી ગયેલા એ મૂત્રને વહેડાવવું બહુ જરૂરી છે, નહીંતર દિત્યાની કિડની અને બ્લડ પર એની અસર થશે, એટલે જ્યારે-જ્યારે આવી મોમેન્ટ આવે ત્યારે તેના પગના તળિયા પર પાણી રેડો જેથી આપોઆપ યુરિન વહી જાય. લગભગ એકાદ કલાકથી વધુ સમય થયો હશે અને ચિરાગ-નમ્રતા આ રીતે અહીં બાથરૂમમાં પુરાયેલાં હતાં. ચિરાગે નોંધ્યું કે નમ્રતાના ચહેરા પર થોડી નારાજગી છે.

નમ્રતા, શું થયું છે તને? થાય એ તો... દિત્યાને...

ચિરાગ, મને દિત્યા માટે કોઈ અકળામણ નથી, પણ તમે જે રીતે સોસાયટીની બધી માથાકૂટમાં ફસાઈ રહ્યા છો એ મને નથી ગમતું.

ઓહ કમઑન નમ્રતા, હું જવાબદારીમાંથી કેવી રીતે છટકી શકું? સોસાયટીની ચૅરમૅન કોઈ જાણ કર્યા વગર વિદેશ ફરવા જતી રહી છે અને ભાડૂતલોકો અહીં જે પર્મનેન્ટ રહે છે તેને અકળાવે એવી ડિમાન્ડ કરે, નવાં-નવાં ગતકડાં કરે તો કોઈકે તો અવાજ ઉઠાવવો પડશેને?

ચિરાગ, એ લોકોને ઝઘડવામાં રસ છે અને આપણી પાસે એવો ફાલતુ ટાઇમ નથી! તારી એ બધી મહેનતનો કોઈ અર્થ નથી, કોઈ પરિણામ નથી મળવાનું.

તારી વાત હું સમજું છું, પણ સેક્રેટરી છું તો મારે આવા ક્રિટિકલ ટાઇમમાં ચૂપ ન રહેવું જોઈએ. હા, તું એ બાબતે એકદમ સાચી છે કે એમાંથી કોઈ આપણને જશ નથી આપવાનું અને આ બધા કાંટાળા તાજ છે. અને રહી વાત પરિણામની તો નમ્રતા રિઝલ્ટ તો આપણને દિત્યાની ટ્રીટમેન્ટમાં પણ નથી મળ્યુંને? એમ છતાં આપણે આપણી શ્રદ્ધા સાથે સતત ટ્રીટમેન્ટ કરાવીએ છીએને? દિત્યાની પાછળ રાતદિવસ મથીએ છીએને? રિઝલ્ટ કંઈ પણ આવે તોય મથ્યા કરવાનું એ મારો સ્વભાવ મને આપણી દીકરીએ આપ્યો છે. નમ્રતા કશું બોલ્યા વિના દિત્યાના પગ પર પાણીની ધાર વધારવા લાગી અને થોડી વારે દિત્યાના સાથળ પાસેથી લાલાશભર્યું પીળું પ્રવાહી વહીને બાથરૂમના ફર્શ પર રેલાયું અને હજી એ વધુ વિસ્તરે એ પહેલાં અટકી ગયું. નમ્રતાએ ચિરાગની સામે જોયું.

ભલે ઓછું તો ઓછું, પણ થોડુંઘણું યુરિન આવ્યું એ સારી બાબત છે નમ્રતા... ચાલ તેને સુવડાવી દઈએ! બન્ને જણ દિત્યાને બેડરૂમમાં લાવ્યાં અને સૂવડાવી. ચિરાગ તેની બાજુમાં બેસીને દિત્યાની કૃશકાય આંગળીઓ પર હાથ ફેરવતો રહ્યો. માથામાં સહેજ-સહેજ વાળના નાનકડા ગુચ્છાઓ, સંકોરાઈ ગયેલી કાળી પડી ગયેલી ત્વચા, ઊંડી ઊતરી ગયેલી આંખો, પાતળા ને કડક હાથપગ જેમાં ત્વચા હાડકા સાથે ચીપકી ગઈ હતી. અડધી બિડાયેલી અને ઘેરાયેલી પીળી પડી ગયેલી કીકીઓ, સુકાયેલા હોઠ ને એકદમ ધીમા ચાલતા શ્વાસ. અચાનક નમ્રતા અને ચિરાગને ઊલટી થઈ આવે એવી દુર્ગંધ આવી. બન્ને જણ એક ક્ષણ માટે એકબીજાની સામે જોઈને સ્થિતિ સમજવાનો પ્રયત્ન કરતાં રહ્યાં. નમ્રતાએ વીજળીવેગે દિત્યાનું ડાઇપર ચેક કર્યું તો સફેદ ફોદા જેવા પાણીના ઝાડા ધીમો નળ શરૂ થયો હોય એવા વેગ સાથે દિત્યાના શરીરમાંથી વહી રહ્યા હતા જેની ગંધ દિમાગને તમ્મર લાવી દે એવી હતી. બંને જણ ડાઇપરથી દિત્યાના ઝાડા સાફ કરવા લાગ્યા, પણ એ પાણી જેવા ઝાડા અટક્યા નહીં. નમ્રતાએ કૉલ કરીને પોતાની સોસાયટીની ફ્રેન્ડ સોનિયા, મોના અને ફાલ્ગુનીને બોલાવી લીધી. રાતે સાડાત્રણ વાગ્યા સુધી દિત્યાના શરીરમાંથી સફેદ ફોદા જેવા પાણીના ઝાડા સતત વહેતા રહ્યા અને તેનું શરીર ઠંડું પડવા લાગ્યું. ચિરાગ અને નમ્રતા દિત્યાના હાથપગ ચોળીને તેને ગરમી આપવા લાગ્યાં. ફાલ્ગુનીએ દિત્યાનું બીપી તપાસ્યું તો દિત્યાનું બીપી ધીરે-ધીરે ઘટી રહ્યું હતું. વહેલી સવાર થઈ ગઈ, પણ દિત્યાની સ્થિતિમાં કોઈ ફેરફાર ન થયો. ફાલ્ગુનીની સ્થિર થઈ ગયેલી ફડકો સાચવેલી આંખો જોઈ નમ્રતાને ધ્રાસકો પડ્યો. ચિરાગે સોનિયા સામે જોયું,

સોનિયા, તમે તાત્કાલિક પાર્કિંગમાંથી ગાડી કાઢો, આપણે હૉસ્પિટલ ભાગવું પડશે. સોનિયા દાદરા ઊતરતી ઝડપથી કાર લેવા દોડી. ચિરાગે દિત્યાને ઊંચકી લીધી અને લિફ્ટ તરફ ભાગ્યો. દિત્યાના રર્પિોટ્સ અને ફાઇલ ફટાફટ એકઠી કરી રહેલી નમ્રતા આખી ધ્રૂજી રહી હતી. ફાલ્ગુનીએ નમ્રતાના બન્ને હાથ પકડી રાખ્યા.

નમ્રતા, ઊંડા ધીમા શ્વાસ લે અને શાંતિથી કામ પર ધ્યાન આપ! નમ્રતાની આંખો છલકાઈ. તેણે તરડાયેલા અવાજે કહ્યું,

અમારા શ્વાસ તો તારી સામે તૂટી રહ્યા છે ફાલ્ગુની! નમ્રતા પણ ચિરાગની પાછળ દોડી ગઈ.

સવારનો ટ્રાફિક મુંબઈની સડકને ચારે બાજુથી ઘેરીને ઊભો હતો. સોનિયા કાર ચલાવતી હતી. નમ્રતાના ખોળામાં દિત્યા ડચકાં ખાઈ રહી હતી. ચિરાગ વિન્ડો ગ્લાસમાંથી અડધો બહાર નીકળીને બૂમો પાડી-પાડીને રસ્તો ક્લિયર કરાવતો હતો. કારમાં બેઠાં ત્યારથી નમ્રતા એકધારું રડી રહી હતી. ચિરાગ ટ્રાફિક પર ભયંકર અકળાયેલો હતો,

નમ્રતા, પ્લીઝ, તું યાર રડવાનું બંધ કરીશ તો મને કાંઈક સૂઝશે... સોનિયા, સિગ્નલ તોડવું પડે તો તોડી કાઢ, પણ અમને જલદી હૉસ્પિટલ પહોંચાડ...

ચિરાગ, આપણી દીકુ... તેનું શરીર સાવ ઠંડું પડી ગયું છે સોનિયા, દિત્યાની નાડી બંધ થઈ ગઈ છે... મને ધબકારા... નમ્રતાના ડૂમાએ તેને આગળના શબ્દો બોલવામાં ઢસડી પાડી અને સોનિયાએ બમણા ઝનૂનથી સ્ટિયરિંગ ઘુમાવ્યું. સડસડાટ બધાં સિગ્નલ તોડીને સોનિયાએ કાર કાંદિવલીમાં ડૉ. સ્વપ્નિલ કદમના ક્લિનિકે ઊભી રાખી દીધી. ચિરાગ અને નમ્રતા જાણે પગથિયાં કૂદતાં હોય એટલી ઝડપે અંદર એન્ટર થયાં ત્યારે તેને પૅસેજમાં જ ડૉ. સ્વપ્નિલ કદમ સામા મળી ગયા. ડૉક્ટરની અને ચિરાગ-નમ્રતાની આંખો એક થઈ. એક પણ શબ્દની આપલે કરવાની જરૂર ન પડી અને ડૉક્ટર સામા દોડ્યા. દિત્યાનો હાથ પકડીને તેમણે નાડીના ધબકારા તપાસ્યા અને લગભગ ચિલ્લાતા હોય એ રીતે બોલ્યા,

ગો ફાસ્ટ... ઉપર તેને તેની રૂમમાં લઈ જાઓ... ડૉ. પાર્થ, નર્સ... હરી અપ! ગણતરીની મિનિટોમાં બધું જાણે વંટોળે ચડ્યું. પથારીમાં નિશ્ચેતન દિત્યા સ્થિર હતી. તેના શ્વાસ લગભગ બંધ થઈ ગયા હતા. પાતળા હાથપગને ખેંચ આવી હોય એમ લાકડા જેવા કઠણ અને ઠંડા પડી ગયા હતા. નમ્રતા તેની બાજુમાં ઊભી-ઊભી રડી રહી હતી. ચિરાગ મૂંઝાઈને બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં ઉકેલી ન શકાય એટલી ગૂંચવણોનાં અંધારાં ડોકાતાં હતાં. નમ્રતાને લગભગ ધક્કો મારતી હોય એવા ઝનૂનથી નર્સે રૂમની બહાર કાઢી. નમ્રતા અંદર દિત્યા સાથે રહેવા માગતી હતી તો ડૉ. પાર્થે રિક્વેસ્ટ કરતાં કહ્યું,

હવે પછીની જેકાંઈ ટ્રીટમેન્ટ થશે એ તમે નહીં જોઈ શકો... આઇ રિક્વેસ્ટ... પ્લીઝ બહાર વેઇટ કરો! ચિરાગ અને નમ્રતા સામે એક નર્સ ભાગતી-ભાગતી ઇંજેક્શનનો મોટો ઢગલો લઈને રૂમમાં અંદર ગઈ અને દરવાજા બંધ થઈ ગયા. નમ્રતા દીવાલને અઢેલીને નીચે બેસી ગઈ. ચિરાગ તેની બાજુમાં હતો. ચિરાગના ખભે માથું મૂકીને તે રડી રહી હતી.

ચિરાગ, દીકુને કંઈ થઈ ગયું તો હું મને ક્યારેય માફ નહીં કરી શકું. ગઈ કાલ સવારથી મને સતત બેચેની જેવું લાગતું હતું. અમસ્તું તેને થોડુંઘણું બીપી ઉપર-નીચે થાય અને આપણે હૉસ્પિટલ દોડી આવીએ છીએ. આજે આટલુંબધું થઈ ગયું અને આપણને... ઇટ્સ માય ફૉલ્ટ!

નમ્રતા, શાંત થા. તારી જાતને તારે બ્લૅમ કરવાની જરૂર નથી. વી આર ડુઇંગ અવર બેસ્ટ. મને તો હવે એવું સમજાઈ રહ્યું છે કે આ બધું ડિઝાઇન થયેલું છે અને આપણે એક ડિઝાઇનને ફૉલો કરીએ છીએ. પીડા જેટલી પણ આપણા ભાગે લખાયેલી છે એ આપણે જ ભોગવવાની છે! દિત્યા બહુ સ્ટ્રૉન્ગ છે, તું હિંમત રાખ.

એ આખો દિવસ ઉચાટમાં પસાર થયો. દિત્યાના શરીરમાં-હાથમાં નસ નહોતી મળતી તો મહામહેનતે ડૉ. પાર્થ ઓઝા નસ શોધી શક્યા. દવાઓ અને ઑક્સિમીટરથી તેના શરીરમાં લોહીનું પરિભ્રમણ થોડુંઘણું શક્ય થયું. બીપી થોડુંઘણું નૉર્મલ થયું, પણ ડૉક્ટરના કહેવા પ્રમાણે દિત્યાના આખા શરીરમાં ઇન્ફેક્શન લાગ્યું છે. તેના બ્લડમાં ફંગસ એકઠી થઈ છે અને એ ઇન્ફેક્શન એના ધબકારા અટકાવી દે છે. નમ્રતા અને ચિરાગ સતત દિત્યાના બેડ પાસે બેસી રહેતાં. પાંપણ પલકાર્યા વિના બન્ને જણ દિત્યાના ચહેરા સામે જોઈ રહેતાં કે કાશ એક વખત અમારી દીકરી ભાનમાં આવે અને માત્ર એક વખત અમને શાંતિથી જોઈ લે. ડૉક્ટર્સના કહેવા પ્રમાણે દિત્યાના શરીરમાં અત્યારે કોઈ પ્રકારની ચેતના નથી રહી. તેને કશું દેખાતું નથી, સંભળાતું નથી કે કોઈ પીડા તે અનુભવી શકતી નથી. ચિરાગ નમ્રતાને કહેતો,

નમ્રતા, આપણી દીકરી આ જે અવસ્થામાં દવાખાનામાં સૂતી છે એ તો તપસ્વીની અવસ્થા છે! નમ્રતા ભીની આંખે મંદ-મંદ સ્મિત કરી લેતી હતી, પણ છેલ્લી વાર દીકુ અમને જોઈ લે એ ઇચ્છા તો છાતીમાં સતત સળવળતી હતી. ચિરાગ અને નમ્રતા બન્ને વારાફરતી ઘેર જતાં. ફ્રેશ થઈને દવાઓ લઈને, દિત્યાનું પ્રવાહી ફૂડ બનાવીને, બિલ ચૂકવીને, ઑફિસ અને ઘરનું કામ પતાવી પાછાં હૉસ્પિટલ આવી જતાં. આ રીતે પણ સતત દિત્યાની સામે ને સામે હાજર રહેતાં. દવાખાનામાં સતત ત્રણ દિવસથી ખડેપગે એ લોકો દિત્યા આંખ ખોલે એની રાહ જોઈ રહ્યાં હતાં. ઑક્સિમીટરના ઇશારે દિત્યાના શ્વાસ તોળાઈ રહ્યા હતા. હૃદયના ધબકારા મંદમંદ ધબકીને હું હજી સુધી અહીં જ છું પપ્પા! એવું કાલુઘેલું બોલીને જાણે પજવી રહ્યા હતા.

ત્રીજા દિવસની સવારે નમ્રતા ઘરે ગઈ અને દિત્યાનું ફૂડ લઈને હૉસ્પિટલ પાછી આવી ત્યાં સુધીમાં દિત્યાએ નાકમાં લગાવેલી રાઇલ્ઝ ટ્યુબ કાઢી નાખી હતી. તેના હાથપગ હલતા હતા અને નળીઓ વારંવાર નીકળી જતી હતી. એક જણે તેના હાથપગ પકડીને સાથે બેસી રહેવું પડતું. નમ્રતા હૉસ્પિટલ આવી ત્યારે રાતોની રાતોના ઉજાગરાથી સૂજી ગયેલી ચિરાગની આંખો ઘેરાતી હતી અને એ બેશુદ્ધ જેવી અવસ્થામાં દિત્યાના માથા પર હાથ ફેરવતો હતો.

ચિરાગ, તમે ઘેર જાઓ. ફ્રેશ થઈને થોડું વ્યવસ્થિત જમીને પાછા આવી જજો.

જવાબમાં ચિરાગે આંખો ચોળી અને દિત્યાના ઑક્સિમીટર તરફ અને નળીઓમાં ઘેરાયેલા મુરઝાયેલા ચહેરા તરફ જોયું.

ચિંતા ન કરો ચિરાગ, હું અહીં જ છું. તમે ફ્રેશ થઈને તરત આવી જજો. ચિરાગ ઊભો થયો. તેણે દિત્યાના નાક પર લાગેલી રાઇલ્ઝ ટ્યુબ ડિસ્ટર્બ ન થાય એ રીતે દિત્યાના ગાલ પર ચુંબન કર્યું અને થોડી વાર સુધી દિત્યાના કપાળ પર, વાળ પર હાથ ફેરવતો રહ્યો.

નમ્રતા, અત્યારે હું જો એમ કહું કે પપ્પાને સૌથી વહાલું કોણ? તો મારી દીકરી તાળીઓ પાડીને જવાબ આપે કે દિત્યા! તે આગળ બોલી ન શક્યો. નમ્રતા ચિરાગને જોઈ ન શકી. તેણે મોઢું ફેરવી લીધું. ચિરાગના ગળે ડૂમો ભરાયો. તેણે દિત્યાના કપાળને ફરીથી ચૂમી લીધું અને ઝડપથી ત્યાંથી નીકળી ગયો. નમ્રતાએ આંસુ લૂંછ્યાં. ક્યાંય સુધી ચૂપચાપ તે દિત્યાની સામે બેસી રહી.

દીકુ, આ રમત તેં બહુ રમી લીધી. આવી સંતાકૂકડી તો અમને ન ફાવે. પપ્પા અને મમ્મી થાકી ગયાં છે બેબી. તું જીતી ગઈ અને અમે હારી ગયાં બસ... તું બસ આંખો ખોલીને જોઈ લે કે અમે લોકો તને... પોતાના ડ્રેસના દુપટ્ટાથી તેણે મોઢું ઢાંકી દીધું અને દીવાલને માથું અઢેલીને દિત્યાનો હાથ પકડીને આંખો બંધ કરીને બેસી રહી. ઑક્સિમીટરમાં લાલ અક્ષરોએ લખેલા આંકડાઓ બીપ બીપ અવાજ કરતા હતા. ઍર કન્ડિશનરના પંખાનો અવાજ ધીમે-ધીમે આવી રહ્યો હતો. બારી બહાર સૂરજ રૂમમાં પીળો તડકો ઢોળવા મથી રહ્યો હતો. વાતાવરણમાં ઘેરો સન્નાટો હતો. નમ્રતાની આંખો મીંચાયેલી હતી...

લિફ્ટના અવાજ આવવા લાગ્યા... ફોનમાં સતત રિંગ વાગતી રહે છે... સિક્યૉરિટી ગાર્ડ ચિલ્લાતો હતો કે નમ્રતાજી, દિત્યા સ્કૂલ કી રિક્ષા મેં થી હી નહીં... ટીવી-સ્ક્રીન પર ટ્રાફિકમાં ફસાયેલી ઑક્સિમીટર પહેરેલી દિત્યા રડી રહી છે... તેના સાથળમાંથી લાલાશ પડતું ઘેરું પીળું યુરિન વહી રહ્યું છે... ચારે બાજુથી બિલ્ડિંગ વધુ ને વધુ મોટાં થઈ રહ્યાં છે... નમ્રતા ઘરમાંથી દોડીને લિફ્ટ તરફ ભાગે છે... લિફ્ટ પાસે ભાંખોડિયા ભરતો આદિત્ય ઊભો થઈને તાળીઓ પાડવા જાય છે તો સંતુલન ગુમાવે છે. નમ્રતા આદિત્યને પકડવા જાય તો તેની સલવારમાંથી લાલ લોહીની ધાર નીચે બાથરૂમના ફર્શ પર રેલાય છે... નમ્રતા ઝૂકીને સલવાર સાફ કરવા જાય છે તો ટીવીમાંથી ચિરાગનો અવાજ સંભળાય છે... સોસાયટીના લોકોનો કોલાહલ... ચિરાગની બૂમો... લિફ્ટ ઉપર આવે છે અને નમ્રતા પાછળ ફરીને જુએ તો આદિત્ય ક્યાંય દેખાતો નથી અને લિફ્ટ નીચેની તરફ ભાગે છે... લિફ્ટ નીચે અટકતી જ નથી... એ ભાગતી જ જાય છે... લિફ્ટમાં દિત્યાના વાળના ગુચ્છાઓ ઊભરાતા જાય છે... રાઇલ્ઝ ટ્યુબ નમ્રતાના નાક પર લાગી જાય છે... શ્વાસ લેવામાં તકલીફ પડે તો તે લિફ્ટમાં ફૅનની સ્વિચ શોધવા તરફડે છે... લિફ્ટ બમણા ઝનૂનથી નીચે ફંગોળાય છે... દિત્યા મમ્મી-મમ્મીની બૂમો પાડતી રહે છે... આદિત્યનો રડવાનો અવાજ... ચિરાગ હિબકાં ભરી રહ્યો છે... સાયરન સંભળાય છે....ને બીપ બીપ બીપ મશીનમાંથી અવાજ સંભળાય છે ને કોઈક ધક્કો માર્યો અને નમ્રતા જસલોક હૉસ્પિટલના આઠમા માળેથી નીચે ફંગોળાઈ......

અને તેની આંખો ખૂલી ગઈ. પરસેવે રેબઝેબ આખી હાંફી રહી હતી. તેણે માંડ-માંડ ગળા નીચે થૂંક ઉતાર્યું અને જોયું તો દિત્યાના ઑક્સિમીટર મશીનમાંથી બીપ બીપ બીપ અવાજ આવતા હતા. તેણે આંખો ચોળીને જોયું તો બીપી ચાલીસે અને ઑક્સિમીટરમાં ઑક્સિજન-લેવલ પંચાવને જઈને અટકી ગયું હતું અને શ્વાસ લગભગ બંધ હતા. દિત્યાને લાગેલી આખી મશીનરીમાંથી સાયરન વાગતી હતી. નમ્રતા ચિલ્લાઈ ઊઠી,

ડૉક્ટર!! એ ચીસ એટલી મોટી હતી કે આખું ક્લિનિક હચમચી ઊઠ્યું. ડૉક્ટર્સ અને નર્સ દોડી આવ્યાં ત્યાં સુધીમાં નમ્રતાએ ઑક્સિજનનું લેવલ વધારી દીધું અને દિત્યાની છાતી પર પમ્પિંગ કરવા લાગી. નર્સ અને ડૉક્ટર્સે નમ્રતાને સાઇડ કરી અને દિત્યાને ફરી ઇંજેક્શન આપવા લાગ્યાં. નમ્રતા બે હાથ જોડીને ઊભી રહી ગઈ. દસ-પંદર મિનિટ બધાં મથતાં રહ્યાં અને અંતે ડૉ. સ્વપ્નિલ કદમે નમ્રતા સામે જોયું. નમ્રતાએ ડૉક્ટરની આંખમાં એક અફાટ રણનો નિસાસો જોયો. ડૉ. સ્વપ્નિલ કદમે નમ્રતાના ખભે હાથ મૂક્યો, પણ એક શબ્દ બોલી ન શક્યા. નમ્રતાને લાગ્યું કે ડૉક્ટરની આંખમાં કંઈક ભીનાશ અને બધું ધૂંધળું-ધૂંધળું. એ એક ડગલું પાછળ હટી ગઈ. તેના ધબકારા ધીમા થઈ ગયા. તેના ગળામાં શોષ પડ્યો. હથેળીઓ જાણે કે સાવ ઠંડી પડી ગઈ. ઊભી ઊભી ધ્રૂજતી હતી. ડૉક્ટરે પોતાના ગળા પરથી સ્ટેથોસ્કોપ ઉતાર્યું અને નર્સના હાથમાં આપ્યું. દિત્યાના શરીરને પ્રણામ કર્યા અને ત્યાંથી ભાગી છૂટતા હોય એમ નીચી નજર કરીને નીકળી ગયા. બધા ડૉક્ટર્સ અને નર્સ બહાર નીકળી ગયાં. નમ્રતા હજી પણ પોતાની જગ્યાએ સ્થિર ઊભી હતી. તેને લાગ્યું કે બધું હવામાં તોળાઈ રહ્યું છે. તે, દવાખાનું, દિત્યાનો બેડ અને દિત્યા. બધું ગોળ-ગોળ ફરી રહ્યું છે અને અચાનક બધું પછડાયું. તેણે એક ડગલું આગળ આવવાની હિંમત કરી. દિત્યાનું મોઢું ખુલ્લું હતું. રાઇલ્ઝ ટ્યુબ નીકળી ગઈ હતી. શરીર સ્થિર હતું. આસપાસ લાગેલી મશીનરી ધીમા અવાજે શાંત પડી ગઈ હતી. શ્વાસોશ્વાસ શાંત હતા. અચાનક નમ્રતાને લાગ્યું કે છાતીમાંથી વાવાઝોડું ફૂંકાયું. સંતુલન ગુમાવ્યું અને તે પડવા ગઈ કે દિત્યાનો હાથ પકડીને તેના બેડ પર બેસી ગઈ.

દીકુ... એ દીકુ... બેબી... મમ્મા... દિત્યા! દિત્યા શાંત હતી. એક અદૃશ્ય તમાચો નમ્રતાના ગાલ પર પડ્યો અને તેનાથી કાળી ચીસ નીકળી ગઈ.

દિત્યા... મારી દીકરી... ઓ મા... મારું પેટ... મમ્માને કહ્યા વગર તું આમ કેવી રીતે... દીકુ! એ ઓરડો, એ પલંગ, મેડિકલ મશીનરી, વાતાવરણ, હૉસ્પિટલ અને આસપાસ ગૂંથાયેલું જગત ધણધણી ઊઠ્યું. દિત્યાના શરીરને છાતીએ વળગાડીને હૈયાફાટ રોઈ પડી. તેનું આક્રંદ એટલું તીવþ હતું કે આસપાસની રૂમમાં બેસેલા લોકો કે પૅસેજમાં ઊભેલી નર્સમાં એવી હિંમત નહોતી કે નમ્રતા પાસે જઈ શકે. તે દિત્યાના ગાલ પર ચૂંટીઓ ખણવા લાગી, હળવા મુક્કા તેની છાતી પર મારવા લાગી... તેના નાકમાંથી અને મોંમાંથી લાળ પડતી હતી. તેનું આખું શરીર ધ્રૂજતું હતું. દિત્યાના નાનકડા દેહ પર તે ઢોળાઈ ગઈ હોય એમ ભેટીને એ છુટ્ટા મોઢે રડતી હતી...

એય દીકુ, તું આમ મમ્માને છેતરીને ન જઈ શકે... તારી નમિતા કોઈને શું જવાબ આપશે... તું મારો જીવ હતી મારી દીકરી... તું મને ગુડબાય કહેવા પણ ન રોકાઈ ? રાતદિવસ હું તારી સાથે એટલા માટે હતી કે તું મને કહ્યા વગર જતી રહે? હું આખી જિંદગી મને કોસતી રહીશ કે મારી આંખ બંધ હતી અને મારી દીકરી જતી રહી... હે ભગવાન. દિત્યા... દિત્યા પ્લીઝ, તારી નમિતા પર દયા કર... હું તારી સામે હાથ જોડું છું... હું તારા પપ્પાને શું જવાબ આપીશ કે દિત્યા મને કહ્યા વગર જતી રહી. તું તો ગુડગર્લ છેને... મારી સામે જો તો ખરી... પ્લીઝ મારી સાથે વાત કર... આંખ ખોલ અને મને જો... હું તારી સામે હાથ જોડીને ભીખ માગું છું કે આમ ન જતી રહે... દીકુ, પ્લીઝ... ઓ મા... મારી દીકરી... મારી દીકુ! નમ્રતાનું માથું દિત્યાની છાતી પર હતું અને તે મોટા અવાજે તરડાયેલા હિબકે રડી રહી હતી. એકાએક નમ્રતાના વાળ પર શ્વાસ અથડાયા, એક ધબકારો સંભળાયો. નમ્રતાને ફાળ પડી. તે એકદમ બેઠી થઈ ગઈ અને ફાટી આંખે દિત્યા સામે જોઈ રહી. દિત્યાના શરીરમાં સંચાર થયો. બંધ પડી ગયેલું ઑક્સિમીટર એકાએક બોલી ઊઠ્યું. દિત્યાના શરીરમાં હલનચલન થઈ. નમ્રતાના ગળામાં અવાજ અટવાઈ ગયો. તેણે દિત્યાના બન્ને હાથ પકડી લીધા. દિત્યાએ ઊંડા શ્વાસ લીધા અને તેનું શરીર હલ્યું... તેણે ધીરેથી આંખો ખોલી. નમ્રતા આભી બની ગઈ. આ ભ્રમ છે કે વાસ્તવિકતા! દિત્યાએ નમ્રતાની આંખોમાં જોયું. તેના હોઠ સહેજ ધ્રૂજ્યા, આંગળીઓ હલી અને નમ્રતાની આંગળીઓ પર પકડ મજબૂત બનાવી,

મમમમ્મીઈઈઈઈતતતતાઆઆઆ! આટલું બોલીને તેના સુકાયેલા હોઠ થોડા મલક્યા અને ભીના થયા. ધડામ અવાજ સાથે કોઈ દરવાજે અથડાયું. નમ્રતાએ એ તરફ જોયું તો ફંગોળાતો, હાંફતો, પરસેવે રેબઝેબ ચિરાગ અંદર ધસી આવેલો. નમ્રતાની આંખો આ આશ્ચર્ય સમાવવા નાની પડી હતી. તે ચિરાગને જોઈને હરખાઈને રોઈ પડી. એક-એક પલકારામાં યુગો જીવાઈ રહ્યા હતા. ચિરાગ ધીમા પગલે દિત્યા પાસે આવ્યો. દિત્યાની કીકીઓ ચિરાગ તરફ ધીરેથી ફરી અને હોઠ થોડા વધુ ફફડ્યા. ચિરાગ અને નમ્રતાની આંખો વરસતી રહી. બન્નેએ ઝનૂન સાથે દિત્યાને છાતીએ ચાંપી દીધી.

આ પણ વાંચો : કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ - 19

આ ક્ષણને બન્ને જણે પોતાની છાતીમાં, પોતાના fવાસમાં, પોતાની સ્મૃતિમાં કેદ કરી લીધી. બન્ને જણે પોતાની આંખો સજ્જડબંધ મીંચી રાખી, જાણે આ સપનું હોય તો પણ એને તૂટવા નથી દેવું. અને ક્ષણ બે ક્ષણમાં બન્નેએ અનુભવ્યું કે ધબકારા બંધ થઈ ગયા. ધ્રૂજતા હાથે દિત્યાને ધીરેથી ડરતાં-ડરતાં અળગી કરી. દિત્યાને હળવેકથી પથારીમાં સૂવડાવી તો આંખો સ્થિર હતી, શ્વાસ બંધ હતા, ધબકારા અટકી ગયા હતા, હોઠ અધખુલ્લા રહી ગયા હતા, હથેળી ખુલ્લી થઈ ગઈ હતી અને આંગળીઓની પકડ ઢીલી થઈ ગઈ હતી... ચિરાગ અને નમ્રતાનું અસ્તિત્વ થીજી ગયું ને ૧૦ વર્ષની દિત્યાનો દેહ શાંત હતો!

( ક્રમશ :)

Raam Mori columnists