Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ - 19

કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ - 19

07 April, 2019 03:25 PM IST |
નવલકથા - રામ મોરી

કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ - 19

કંકુના સૂરજ આથમ્યા

કંકુના સૂરજ આથમ્યા


એક મોટી ઉધરસ આવી ને દિત્યા બેડ પરથી અડધી બેઠી થઈ ગઈ. બહાર ડ્રૉઇંગરૂમમાં ચિરાગ સાથે વિન્ડોના પરદા બદલતી નમ્રતાના હાથમાંથી વિન્ડો કર્ટનની પાઇપ સરકી અને ચિરાગ એ પાઇપને સંભાળે એ પહેલાં ફ્લાવરવાઝ સાથે અથડાઈને મોટા અવાજ સાથે ફ્લાવરવાઝ નીચે પડીને તૂટી ગયો. દિત્યાની ઉધરસનો અવાજ સાંભળી નમ્રતા બેડરૂમ તરફ દોડી ને તેની પાછળ ચિરાગ દોડ્યો. બન્ને જણા બેડરૂમમાં આવ્યાં ત્યાં સુધીમાં દિત્યાના નાકમાંથી રાઇલ્ઝ ટ્યુબ નીકળી ગઈ હતી ને નાકમાંથી ફૂડ તરીકે અપાયેલું બધું પ્રવાહી ધીમી ધાર સાથે નળ ખૂલી ગયો હોય એમ બધું બેડ પર ને દિત્યાના શરીર પર ઢોળાઈ રહ્યું હતું. એક ક્ષણ માટે તો બન્ને જણ ડઘાઈ ગયા. શું કરવું ને શું કરી શકાય એ દિશામાં જાણે વિચારો ગૂંચવાઈ ગયા. પોતાના જાંબલી દુપટ્ટાથી નમ્રતા દિત્યાનું મોં લૂછવા લાગી, પણ ખોરાક તરીકે શરીરમાં અપાયેલું ઘટ્ટ પ્રવાહી અટકતું નહોતું. પેપર નૅપ્કિન, નૅપ્કિન અને ટુવાલથી બન્ને જણા દિત્યાનું શરીર ને મોં લૂછતા રહ્યા, પણ લાગલગાટ ત્રીસ મિનિટ પછી પણ પ્રવાહી અટક્યું નહીં ત્યારે નમ્રતાને તેની સોસાયટીની ડૉક્ટર દોસ્ત ફાલ્ગુની યાદ આવી. એ ફોન કરવાની સમજ પણ ખોઈ બેઠી હોય એમ પોતાના શ્વાસને મુઠ્ઠીઓમાં બાંધીને ફાલ્ગુનીને બોલાવવા દોડી. નમ્રતા જે ઝડપથી અથડાતી-કુટાતી બોલાવવા આવેલી કે ફાલ્ગુની પણ નહીં કહેતાંં સુધીમાં પણ ઘણું બધું સમજી ગઈ, એ નમ્રતાની સાથે દોડી. બન્ને જણ દિત્યા પાસે પહોંચ્યાં ત્યારે ચિરાગનાં અરધાં કપડાં દિત્યાના નાકમાંથી નીકળતા ઘટ્ટ પ્રવાહીમાં પલળી ગયાં હતાં. ફાલ્ગુનીએ જોયું કે દસ વર્ષની દિત્યાનું શરીર કમાનની જેમ ટટ્ટાર થઈ ગયું છે. એ ઝોકાં ખાઈ રહી છે ને શ્વાસ તૂટી રહ્યા છે. દિત્યાની હાલત જોઈને તે બોલી ઊઠી,

હે ઈશ્વર થોડો તો દયાળુ થા! ચિરાગને ખસેડી ફાલ્ગુનીએ દિત્યાની આંખો ચકાસી ને દિત્યાનું બી.પી. માપ્યું તો દિત્યાનું બી.પી. ધીરે ધીરે ધીમું પડતું જતું હતું. દિત્યાનું શરીર તાવથી ધગધગી રહ્યું હતું. નમ્રતા પરસેવે રેબઝેબ હાંફી રહી હતી, તે એકધારું કોઈ સંદર્ભ વિના ક્યારનીયે બોલ્યે જ જતી હતી,



ડૉ. અનાયતા હેગડેએ કહ્યું જ હતું... ન્યુમૉનિયા... ફેફસામાં ખોરાક જતો રહે છે... એનું મીલ બનાવવાનું જાતે શીખું છું... સાત-આઠ માળના દાદરા ચડઊતર કરી હૉસ્પિટલની કૅન્ટીનમાં શીખવા જતી... તેની અન્નનળી તો બંધ થઈ ગઈ હોય ને... ફાલ્ગુની તેને સંભળાતું તો હશે ને.... તેને કેમ આટલો બધો તાવ... ચિરાગ આ ફૂડ તો તેના નાકમાંથી સતત નીકળ નીકળ કરે છે... તેનું શરીર કેમ કંપી રહ્યું છે...


લગભગ કલાકથી પણ વધારે સમય થઈ ગયો ને ફાલ્ગુની મથતી રહી, પણ દિત્યાની સ્થિતિમાં કોઈ સુધારો નહોતો ત્યારે એ ચિરાગ અને નમ્રતાની સામે જોઈને બોલી,

આઇ થિન્ક આપણે હવે દિત્યાને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવી જોઈએ! કંઈકેટલાય અટવાયેલા થડકારો ને અટકી ગયેલા ધબકારને લઈ કાંદિવલીમાં ડૉ. સ્વપ્નિલ કદમની હૉસ્પિટલે એ લોકો પહોંચ્યા ત્યારે રાતના બે વાગ્યા હતા. દિત્યાને તાત્કાલિક ઍડમિટ કરવામાં આવી. ડૉ. સ્વપ્નિલ કદમ, ડૉ. પાર્થ ગણાત્રા અને નર્સ સહિત આખો કાફલો દિત્યાની સારવારમાં લાગી ગયો. દિત્યા હૉસ્પિટલના બિછાના પર જે રીતે તંગ શરીર સાથે હાંફી રહી હતી એ જોઈને નમ્રતા મોટા અવાજે રડી પડી. તેને સાંત્વના આપી રહેલો ચિરાગ પણ રડી પડ્યો. ડૉ. સ્વપ્નિલ કદમે ફાલ્ગુની સામે જોયું. ફાલ્ગુનીએ બન્નેને હિંમત આપીને બહાર મૂકી ગઈ,


‘તમે લોકો ચિંતા નહીં કરો... હું અંદર દિત્યા સાથે રહીશ, બસ. તમે બન્ને જણા બહાર રહો. ડૉક્ટરને તેમનું કામ કરવા દો. અત્યાર સુધી તમે હિંમત બતાવી છે ને હવે આમ કાંઠે આવીને ભાંગી પડશો? ભગવાનને પ્રાર્થના કરો, બધું બરાબર થઈ જશે...’ ને પછી પોતાની વાત અધૂરી મૂકીને ફાલ્ગુની અંદર ડૉક્ટર્સ પાસે દોડી ગઈ. રાત ઘેરાતી જતી હતી ને એ રાતનું અંધારું ધીમે-ધીમે ચિરાગ અને નમ્રતાની આંખોમાંથી ચળાતું જતું હતું. હૉસ્પિટલના પૅસેજમાં બેન્ચ પર એકબીજાને અડોઅડ બેઠેલાં બન્ને જણનાં શરીર અંધારાના ઓથારે હતાં, પણ જીવ તો અંદર દિત્યામાં અટવાયેલો હતો. નર્સ અને બીજા ડૉક્ટર્સની અવરજવર સતત વધી રહી હતી. થોડી વારે ડૉ. સ્વપ્નિલ કદમ બહાર આવ્યા.

‘ચિરાગ, નમ્રતા. મને એવું લાગે છે દિત્યાને હવે વેન્ટિલેટર પર રાખવી જોઈએ. તમને બીજી એક હૉસ્પિટલનું ઍડ્રેસ અને રેફરન્સ લખી આપું છું. સવાર સુધીમાં જો કોઈ સુધારો ન થાય તો દિત્યાને વેન્ટિલેટર પર રાખવી જ પડશે. આપણી પાસે કોઈ ચૉઇસ નથી. જે વાતનો ડર હતો એ વાત જ સામે આવીને ઊભી રહી. ચિરાગ અને નમ્રતા એકબીજાની સામે જોવા લાગ્યાં. બન્નેને એકબીજાની આંખોમાં ડૉ. અનાયતા હેગડે દેખાયાં, જે કહી રહ્યાં હોય કે, ‘ચિરાગ નમ્રતા, પર્સનલી એક રિકવેસ્ટ કરીશ કે દિત્યાને આગળ જતાં વેન્ટિલેટર ન આપશો. લેટ હર ગો પીસફુલી! આઇ વિશ કે જે દૃઢતાથી તમે લોકો રાઇઝ ટ્યુબ બાબતે શ્યૉર હતાં એટલાં જ શ્યૉર વેન્ટિલેટર બાબતે હશો. દિત્યાને ઉછીના શ્વાસ આપવાની જરૂર નથી! એના ભાગની જિંદગી એક સુંદર માબાપ સાથે તેણે જીવી લીધી, પણ હવે તેને બાંધી રાખવાનો કોઈ અર્થ નથી!’ બન્ને પતિપત્નીની નજર દૂર દૂર સુધી પૅસેજમાં પથરાયેલા નાના નાના બલ્બની આસપાસ ભરડો લેતા અંધારામાં કશુંક ફંફોસતી હતી. તેમની સજળ આંખો જોઈને ડૉ. સ્વપ્નિલ કદમને લાગ્યું કે કદાચ આ પ્રશ્નનો જવાબ અત્યારે ચિરાગ અને નમ્રતા પાસે નથી. ડૉક્ટર જવાબ લીધા વિના ચૂપચાપ પોતાની કૅબિનમાં જતા રહ્યા. થોડી વાર સુધી વાતાવરણમાં ચુપકીદી તોળાતી રહી. નર્સ દિત્યાની રૂમમાંથી બહાર આવી અને બોલી,

‘દિત્યાના પેરન્ટ્સ... દિત્યા પાસે આવી શકો છો! નર્સની બૂમ સાંભળી નમ્રતા તરત ઊભી થઈ ગઈ,

‘ચિરાગ... ચિરાગ, તમે સાંભળ્યું? નર્સ બોલી એ તમે સાંભળ્યું? દિત્યા આપણને બોલાવે છે... ચલો...’ ચિરાગ કશો જવાબ આપે એ પહેલાં નાની છોકરી દોડી જતી હોય એમ નમ્રતા પૅસેજમાં દોડતી દિત્યાને અપાયેલા કમરા તરફ દોડી. ચિરાગ ભારે હૈયે ઓગળતા જતા પગલે નમ્રતાની પાછળ પાછળ એ અંધારું ચીરતો દિત્યાની રૂમમાં પ્રવેશ્યો. કંઈકેટલીયે નળીઓ, ઑક્સિમીટર અને બાટલાની વચ્ચે એકવડિયું દસ વર્ષનું અસ્તિત્વ હૉસ્પિટલના સફેદ બિસ્તર પર ધીમા શ્વાસ લઈ રહ્યું હતું. દિત્યાની બાજુમાં બેઠેલી ફાલ્ગુનીએ જગ્યા કરી આપી એટલે નમ્રતા ત્યાં આવીને દિત્યાનો હાથ પકડી ચૂપચાપ બેસી રહી. ચિરાગ બારસાખ પાસેથી ટેબલ ખસેડી દિત્યાના ઓશીકા પાસે બેઠો અને નળીઓનાં ગૂંચળાની વચ્ચે દિત્યાનું કપાળ શોધી એના પર ધીમે ધીમે હાથ ફેરવવા લાગ્યો. ફાલ્ગુની આ બન્ને તપસ્વી પતિપત્નીને એકીટશે જોઈ રહી.

સવાર પડી એટલે દિત્યાની સ્થિતિમાં સુધારો થયો. તેણે આંખો ખોલી અને તેના શ્વાસ નિયમિત અને શાંત થયા. બી.પી. નૉર્મલ થયું, તાવ ઊતરી ગયો હતો. નમ્રતા અને ચિરાગે ફાલ્ગુનીનો આભાર માન્યો. ડૉ. સ્વપ્નિલ કદમ જાતે બધું તપાસી ગયા અને થોડો સમય હજુ અહીં હૉસ્પિટલની દેખરેખમાં રાખવાની સલાહ આપી અને જતા રહ્યા. દિત્યા શાંત સૂઈ ગઈ હતી. અત્યારે હૉસ્પિટલની એ રૂમમાં દિત્યા પાસે નમ્રતા એકલી હતી. નમ્રતા એ રૂમની બારી પાસે બેઠેલી હતી. એ બારીની સામેની દીવાલે કાચના ટુકડાથી કવર કરેલી ધારદાર દીવાલ પર પાંગરેલી બોગનવેલનાં ગુલાબી ફૂલોને એકીટશે જોતી હતી. હાથમાં બે કપ ચા લઈને ચિરાગ રૂમમાં એન્ટર થયો. એક કપ તેણે નમ્રતા તરફની બારીની પાળીએ મૂક્યો અને પોતાના ભાગના કપની કિનારીઓને પંપાળતો એ પણ સામેની દીવાલ તરફ કશોક આધાર ફંફોસતો બેસી રહ્યો.

‘ચિરાગ, તમે હવે ચિંતા ન કરો... દિત્યાને સારું છે. બહુ જલદી આપણે આપણી દીકુને ઘેર લઈ જઈશું. મને તો એવી પણ આશા છે...

‘જ્યોત બુઝાઈ જાય એ પહેલાંનો શાંત પડેલો આ ફડફડાટ છે નમ્રતા!’ ચિરાગે કપની સપાટી પર હથેળી દાબી ગરમ ગરમ વરાળને ઢાંકી દીધી. નમ્રતા ચિરાગની સામે જોઈ ન શકી, એણે તરત મોઢું ફેરવી લીધું અને બોગનવેલને જોવા લાગી. એની આંખની ખૂણા ભીના થઈ ગયા અને પીડાના એક-બે સળ તેની છાતીમાં ઊપસી આવ્યા. ચિરાગ સાક્ષીભાવે દીવાલ પર લાગેલા કાચના ટુકડાઓને જોતો હતો, જેના પર ચડેલી બોગનવેલની ડાળખીઓની ચામડીમાં ઘસરકા પડેલા હતા. રૂમમાં ઑક્સિમીટરનો બીપ બીપ બીપ અવાજ ધીમા સાદે સમયાંતરે સંભળાતો હતો.

€ € €

ધીરે-ધીરે દિત્યા તેનું હોવાપણું ગુમાવી રહી હતી. પીડા, આંસુ, ફરિયાદ, અભાવ, નિ:સહાયતાનો એક આખો દોર પૂરો થઈ ચૂક્યો હતો. દિત્યા હવે નથી બચી શકવાની એ ધારદાર વાસ્તવિકતા સતત ચિરાગ અને નમ્રતાને લોહીલુહાણ કરતી હતી. હવે બહુ જલદી આંસુ નહોતાં આવતાં, કેમ કે આંસુ કદાચ ખૂટી પડ્યાં હતાં. દિત્યાને લઈને તાત્કાલિક હૉસ્પિટલ જવું પડે, કલાકો ને દિવસો સુધી સારવાર થાય, જાતજાતના રિપોર્ટ કરવાના, બી.પી. અને શુગરનું લેવલ ચકાસતાં રહેવાનું, દિત્યા આંખો ખોલે એ ઇન્તેઝારી માટે કલાકો સુધી તેની સામે બેસી રહેવાનું, ઉજાગરા અને દોડાદોડી આ બધાની માનસિક અસર ચિરાગ અને નમ્રતાના સ્વભાવ પર પડી તો એ બન્ને લોકો ક્યારેક ઊંચા અવાજે ઝઘડી પડતાં ને પછી દિત્યાની બીમારીનો ઊથલો વગર શબ્દોની આપલેમાં સમાધાન કરાવી આપતો, એકબીજાનો હાથ પકડી હવે તે પતિપત્ની કલાકો ચૂપ રહેતાં. દિવસો સાક્ષીભાવે પસાર થઈ રહ્યા હતા અને દસ વર્ષની દિત્યાની સ્થિતિ વધુ ને વધુ નાજુક થતી જતી હતી. બધા લોકો જાણે કશુંક બનવાની રાહ જોતા હતા. દૂર કોઈ પાછલા પરોઢના પારિજાતની છાંય તળે ધીમે ધીમે ફૂલો ખરતાં જતાં હતાં ને આવનારી દરેક સવાર ઝાકળભીનાં આંસુ તોળી રહી હતી!

€ € €

રાતના નવ વાગ્યાનો સુમાર હતો. શાંત વાતાવરણમાં સાંજના સમયે વરસી ગયેલા વરસાદની ધીમી સુગંધ હતી. નીચે સોસાયટીના ગાર્ડન પાસે બધા પુરુષોની બબાલો ચાલતી હતી. ચિરાગ સોસાયટીના સેક્રેટરીપદ પર કામ કરતો હતો ને સોસાયટીમાં રહેતા ભાડૂઆતોનો ત્રાસ વધતો જતો હતો. સ્થાનિક રહીશો અને ભાડૂઆતોની બબાલમાં ચિરાગ ઢસડાઈ રહ્યો હતો. નમ્રતા દિત્યા પાસે બેસીને ધીમું ધીમું તાલબદ્ધ કશુંક ગણગણતી હતી. ડોરબેલનો અવાજ સંભળાયો અને નમ્રતાએ દરવાજો ખોલ્યો તો સામે હર્ષા ઊભી હતી. હર્ષા એ નમ્રતા અને ચિરાગના કૉમન મિત્ર મેહુલની પત્ની હતી. પંચશીલ રેસિડેન્સીમાં જ તેમનું ઘર હતું.

‘અરે આવ આવ હર્ષા!’ પાંત્રીસેક વર્ષની હર્ષાએ ફૂલ ગોટા ડિઝાઇનની સિલ્કની સાડીનો પાલવનો છેડો દાંત તળે દબાવ્યો ને અંદરના રૂમ તરફ ઈશારો કરીને ધીરેથી બોલી,

‘દિત્યા સૂઈ ગઈ છે?’ નમ્રતાને હર્ષાની એ આખી પ્રતિક્રિયામાં એક નિર્દોષ બાળક દેખાયું. એ હસી પડી ને હર્ષાનો હાથ દબાવીને બોલી,

‘ડોન્ટ વરી. દિકુ સૂઈ ગઈ છે... ને આમ પણ ડૉક્ટર્સનું કહેવું છે કે જીભની જેમ દિત્યાના કાન પણ જતા રહ્યા છે. એટલે તેની આસપાસ કોણ બોલી રહ્યું છે ને શું બોલાઈ રહ્યું છે એ વિશે તેને કોઈ અંદાજ નથી હોતો. નમ્રતા બોલતી બોલતી બેડરૂમ તરફ આગળ વધી ગઈ ને અચાનક તેને લાગ્યું કે હર્ષા આવી નથી રહી. તેણે પાછું ફરીને જોયું તો ડ્રૉઇંગરૂમના નાઇટલૅમ્પના અજવાસમાં તે હજુ ત્યાં જ સ્થિર ઊભી છે.

‘હર્ષા, તું ત્યાં કેમ ઊભી છે? અંદર આવ!’

‘દિત્યાની સ્થિતિ વિશે કેટલી સરળતાથી તું બોલી ગઈ બધું નમ્રતા... મારામાં આવી હિંમત નથી હોં! હું તો મારાં બાળકો ને મારા વર...’ નમ્રતાએ જોયું કે હર્ષાના બાકીના શબ્દો તેની આંખમાંથી દડી ગયા. તેણે ફટાફટ સાડીના પાલવથી આંખો લૂછી. નમ્રતાએ હર્ષાનો હાથ પકડ્યો અને અંદર બેડરૂમમાં દિત્યા સૂતી હતી ત્યાં તેને લાવી.

‘સાચું કહું હર્ષા તો મારામાં આટલી હિંમત નથી. હું બિલકુલ મજબૂત મનોબળવાળી નથી. દિત્યાને જ્યારે ઠોકર વાગતી તોય હું હાંફળીફાંફળી થઈ જતી. આજે મારી દીકરી જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાય છે. કઈ ઘડીએ તે મને છેતરીને...’ બાકીના શબ્દો નમ્રતા પણ ન બોલી શકી. થોડી વાર સુધી બેડjદ્દમમાં શાંતિ પથરાઈ રહી છે.

‘સંતાનો માબાપને બધું શીખવી દે છે હર્ષા. સંતાનો મોટાં થઈ જાય ને પોતપોતાની દુનિયામાં ગોઠવાઈ જાય, પણ માબાપ ક્યારેય મોટાં નથી થઈ શકતાં. માબાપ સમયના એક ખંડમાં સ્થિર થઈ જતાં હોય છે.’

‘હું તો નમ્રતા, તને એમ પણ નહીં કહી શકું કે તારી સ્થિતિ હું સમજી શકું છું, પણ તારી પીડા એક મા હોવાના નાતે મને ચોક્કસ અનુભવાય છે. દરેક સ્ત્રીને વહાલો હોય એમ મારો સંસાર મનેય વહાલો છે. ઈશ્વરે ઊભી કરેલી પરિસ્થિતિ બાબતે આપણે વધુ તો શું કરી શકીએ.

‘હર્ષા, મને ડૉક્ટર્સ જ્યારે એમ કહે છે કે તમારી દીકરીને સંભળાતું નથી. એનું મગજ પણ હવે જીવંત નથી. એની ત્વચાની સંવેદના અને ચેતના જતી રહી છે. હમણાં હમણાંથી તો એવું પણ કહે છે કે દિત્યાની આંખોનું તેજ હવે જતું રહ્યું છે... એટલે અત્યારે આપણી હાજરી, આપણે જે કંઈ બોલી રહ્યા છીએ કે આપણે દિત્યાને સ્પર્શ કરીશું એ કશું પણ એને ખબર નથી, આવું ડૉક્ટર્સ કહી રહ્યા છે.’

હર્ષાની આંખો તગતગી. તેણે પોતાની હથેળી દિત્યાના સુકલકડી શરીરની તણાયેલી કઠ્ઠણ ચામડી પર મૂકી અને હળવા હાથે ચેતના અનુભવવાનો પ્રયત્ન કરવા લાગી. લાંબા વાળની ગૂંચ એટલી વધી જતી હતી કે દિત્યાના વાળ કાપવા પડેલા તો અત્યારે તેના માથા પર થોડા થોડા વાળનાં ઝીણાં ગુચ્છાં હતાં. આંખો અંદર ઊંડી ઊતરી ગઈ હતી.

‘પણ હું ડૉક્ટર્સની સામે એવી દલીલ કરું છું કે બધા જ વિજ્ઞાનની ઉપર મમતાનું વિજ્ઞાન છે. તમે અને તમારું મેડિકલ સાયન્સ કંઈ પણ કહે, પણ મને મારી દીકરીની દરેક ચેતના અનુભવાય છે. હર્ષા, હું કલાકો સુધી દિત્યા સાથે વાતો કરું છું તો તે મારી દરેક વાતો સાંભળે છે. મને સમજાય છે કે મારી દરેક વાતોના તે ચૂપ રહીને પણ સતત હોંકારા આપતી રહે છે. મારી દીકરી મારી હાજરી અનુભવે છે.’ હર્ષા નમ્રતાની પાસે આવી અને નમ્રતાની પીઠ પર ધીમે ધીમે હાથ ફેરવવા લાગી, જાણે કહી રહી હોય કે હા નમ્રતા, મને તારી વાત પર વિશ્વાસ છે જ! ખાસ્સા સમય સુધી બન્નેમાંથી કોઈ કશું બોલ્યું નહીં. હર્ષાએ ધારી ધારીને દિત્યાનો ચહેરો જોયો તો તેના નાક પાસે એક રુઝાયેલો ઘા હતો.

‘નમ્રતા, દિત્યાના નાક પર આ એને...’

‘દિત્યા જે દિવસોમાં હાઈપર રહેતી એ સમયનું નિશાન છે. હું અને ચિરાગ બન્ને દિત્યાને બાથરૂમમાં નવડાવતા હતા ત્યારે અમારા હાથમાંથી તે છટકી અને ચોકડીની ધાર નાક પર વાગી. એ તો નહોતી રડી, પણ અમે બન્ને એ આખી રાત એકબીજા પર ગુસ્સો કરીને બહુ રડેલાં!’ આટલું કહી નમ્રતા ભીની આંખો થોડું હસી પડી. ત્યારે હર્ષાને સમજાયું નહીં કે આ વાત પર તે શું રીઍક્શન આપે. અચાનક નમ્રતાને કશું યાદ આવ્યું હોય એમ તે પ્લાસ્ટિકનું વાસણ ફટાફટ લઈ આવી અને દિત્યાનું ડાયપર કાઢીને તે બેડ પર બેસી ગઈ. રાતના એક વાગ્યો હતો. હર્ષા ફફડતા જીવે ચૂપચાપ જોયા કરતી હતી. નમ્રતાએ દિત્યાની ગુદામાં આંગળી નાખી અને મળને ધીરેથી બહાર કાઢીને પ્લાસ્ટિકના વાસણમાં લૂછવા લાગી. કઠ્ઠણ મળ દિત્યાથી નહોતું નીકળતું એટલે સમયાંતરે દિવસમાં બેત્રણ વખત નમ્રતાએ કાઢવું પડતું. હર્ષાથી આ જોઈ ન શકાયું, તે આડું જોઈ ગઈ. નમ્રતાએ દિત્યાને ડાયપર બદલી દીધું અને હાથપગ ધોઈને બાથરૂમની બહાર આવી ત્યારે હર્ષા રોઈ પડી.

‘હર્ષા, શું થયું તને?’

‘દિત્યા બહુ નસીબદાર છે નમ્રતા, કે તેને તમારા જેવા પેરન્ટસ મળ્યા છે... મને થાય છે કે તારી જગ્યાએ હું હોત તો હું શું કરત...’

‘તું એ જ કરત જે હું કરું છું! હા, પણ હું તારા માટે એટલી પ્રાર્થના તો કરીશ જ કે તારાં સંતાનો ને તારા ઘર પર કોઈ પ્રકારના કાળના અંધારાનો છાંયો ન પડે!’

હર્ષા ઊભી થઈ અને એક ડગલું આગળ ચાલીને ઊભી રહી ને પાછળ ફરી બેડરૂમના દરવાજે ઊભી રહી ને સજળ આંખે બોલી,

‘તો હું ઇચ્છીશ કે મારાં સંતાનો કે મારા ઘર પર આવનારી કાળની થાપટ પહેલાં મારી પાસે આવે, એને હું સામી છાતીએ ઝીલી લઈશ, પણ મારા પરિવારને જરાસરખી પણ ઊની આંચ ન આવવી જોઈએ. નમ્રતા ઊભી થઈ અને હર્ષાને ગળે વળગી. બન્નેએ પોતપોતાનાં આંસુ લૂંછ્યાં અને પછી કોઈ કારણ વિના થોડું હસી.

‘મેહુલે મને કહ્યું કે ચિરાગ નીચે બબાલમાં ફસાયેલો છે તો ઘેર નમ્રતા એકલી છે તો તું જઈ આવ. મને પણ ઘરે બેઠાં બેઠાં કોઈ કારણ વગર બેચેની લાગતી હતી તો તારી પાસે આવી ગઈ!’

‘સારું કર્યું તું આવી એ. મને તો ગમ્યું! હર્ષાએ એક નજર દિત્યા તરફ કરી અને મેઇન દરવાજા તરફ ચાલી. નમ્રતા તેની પાછળ પાછળ દરવાજો બંધ કરવા ગઈ. નાઇટલૅમ્પના લાલ અજવાસમાં પીગળતી જતી હર્ષા ઘરની બહાર નીકળી અને ચંપલ પહેરતાં બોલી,

નમ્રતા, બધાનું ધ્યાન રાખજે! તે ઝડપથી દાદરા ઊતરી ગઈ અને નમ્રતા લાલ અંધારામાં ક્યાંય સુધી ઊભી રહી.

€ € €

વહેલી સવારે લોકોનો કોલાહલ સંભળાયો તો નમ્રતા એકદમથી જાગી ગઈ. તેણે જોયું તો દિત્યા તેની બાજુમાં સૂતી હતી, પણ ચિરાગ નહોતો. તે ઉભી થઈ અને બારી બહાર જોવા લાગી તો સોસાયટીમાં લોકોનું ટોળું એકઠું થયું હતું. કશું સમજાયું નહીં. તેણે હાથમાં ફોન લીધો અને ચિરાગને કૉલ કર્યો, પણ ચિરાગે કૉલ રિસીવ ન કર્યો. વૉશબેસિન પાસે જઈને પાણીની છાલકો મારી ચહેરો સાફ કર્યો અને છુટ્ટા વાળ રબરબૅન્ડમાં બાંધી, બ્લૅક ડ્રેસનો ઑફવાઇટ દુપટ્ટો ગળે નાખી સ્લીપર પહેરી નીચે જવા ગઈ કે તરત ચિરાગ લિફ્ટમાંથી બહાર આવ્યો,

‘નમ્રતા, મારો સફેદ કુર્તો આપ!’

‘પણ વાત શું છે ચિરાગ? શું થયું? સવાર સવારમાં આ રોકકળ.’

ચિરાગે નમ્રતાનો હાથ પકડ્યો, ‘નમ્રતા, હર્ષાભાભીને રાત્રે હાર્ટઅટૅક આવી ગયો... શી ઇઝ નો મોર!’

‘વૉટ ? હજુ ગઈ કાલે રાત્રે તો... ચિરાગ... આમ અચાનક...!’ નમ્રતા બે ડગલાં પાછળ ગઈ તો દીવાલ સાથે તેનું માથું ટકરાયું. તે સીધી પોતાના બેડરૂમ તરફ દોડી અને દિત્યાના નાક પાસે આંગળીઓ રાખી શ્વાસોશ્વાસ તપાસવા લાગી. તેની પાછળ દોડી આવેલા ચિરાગે તેને પકડી,

‘નમ્રતા, શું કરે છે તું? દિત્યા ઑલરાઈટ છે!’

આ પણ વાંચો : કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 18)

‘ના ચિરાગ, એ... એ હર્ષા નહોતી... એ મૃત્યુ હતું... મને ગઈ કાલે મૃત્યુ મળવા આવેલું ને કદાચ કહેતું હતું કે હું ગમ્મે ત્યારે આવી જઈશ તારી જાણ બહાર!’ નમ્રતા ચિરાગની છાતીમાં માથું મૂકીને છુટ્ટા મોંએ મોટા અવાજે રડી પડી. ચિરાગ તેને શાંત પાડવા લાગ્યો. નમ્રતાએ જોશથી પોતાની આંખો મીંચી રાખી તો લાલ અંધારામાં ઢળતા અંબોડામાં ફૂલ ગોટ્ટાની ગુલાબી સિલ્કની સાડીના પાલવનો છેડો પકડીને ઊભેલી હર્ષાનો અવાજ તેને સંભળાયો કે,‘તો હું ઇચ્છીશ કે મારાં સંતાનો કે મારા ઘર પર આવનારી કાળની થાપટ પહેલાં મારી પાસે આવે, એને હું સામી છાતીએ ઝીલી લઈશ, પણ મારા પરિવારને જરાસરખી પણ ઊની આંચ ન આવવી જોઈએ!

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2019 03:25 PM IST | | નવલકથા - રામ મોરી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK