કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 18)

31 March, 2019 11:50 AM IST  |  | રામ મોરી

કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 18)

કંકુના સૂરજ આથમ્યા

નવલકથા

હિલ્ટન પુણેની ટેકરીઓ પર સાંજ થવા આવી હતી. હોટેલરૂમના બેડ પર દિત્યા ઘસઘસાટ સૂતી હતી. ચિરાગ અને નમ્રતાના મિત્રોએ પુણે ફરવા જવાનું નક્કી કર્યું હતું. નમ્રતા અને ચિરાગને દિત્યા માટે કોઈ અગવડ ન થાય એ માટે એ લોકોએ મોટી બસ બુક કરાવી હતી. તેમના કૉમન મિત્રો સોનિયા, સોનિયાનો હસબન્ડ નવીન, અલ્પેશ અને તેની પત્ની મીના અને આશિષ પોતપોતાનાં બાળકો સાથે પુણે જવા તૈયાર થયાં હતાં. નમ્રતા અને ચિરાગ અવઢવમાં હતાં, પણ આશિષે નમ્રતાને કન્વિન્સ કરી હતી,

કમ ઑન નમ્રતા, જ્યારથી દિત્યા બીમાર પડી છે ત્યારથી તમે પતિપત્ની સતત દવાખાનું અને ઘર ને વધુમાં વધુ ઑફિસ આ ત્રણ ચક્કરમાં જ ફસાયેલાં છો. ફ્રેશ ઍર જેવું તમે કંઈ રાખ્યું નહીં. મગજને થોડી શાંતિ તો જોઈએ કે નહીં. બે રાતની જ તો વાત છે ને દિત્યાને જરા પણ અગવડ નહીં પડે એવી બધા લોકો ગૅરન્ટી લે છે. તું જ વિચાર, એ બિચારીને પણ ફરવા જવાનું મન તો હોય ને? તેની જીભ ગઈ છે, બાળસહજ ઇચ્છાઓ તો હજુય તેના મનમાં સળવળે છે. મારી બંને દીકરીઓ, સોનિયાનો દીકરો, મીનાની બે દીકરીઓ બધાં બાળકો સાથે છે તો દિત્યાને વધુ સારું લાગશે. હું તમને તમારા બન્ને માટે નહીં, પણ દિત્ય માટે ફોર્સ કરું છું કે ઘરની બહાર થોડો સમય નીકળો અને ફરવા આવો! નમ્રતા પાસે હવે વિરોધ કરવા માટે કોઈ શબ્દો હતા નહીં અને મોટી બસમાં મુંબઈથી ગીતો ગાતાં હસીમજાક કરતાં સાત-આઠ કલાકની મુસાફરી કરી બધાં હિલ્ટન પુણે પહોંચ્યાં હતાં. આખી મુસાફરીનો કદાચ એટલો થાક લાગ્યો કે દિત્યા પુણે પહોંચતાં હોટેલના કૂણા ગાદલામાં શાંતિથી સૂઈ રહી હતી. બેડ બારી પાસે લાગેલો હતો. નમ્રતા બારી પાસે હાથમાં કૉફીનો કપ પકડીને બેઠેલી હતી. એ થોડી વારે બારી બહાર દેખાતી હરિયાળી ટેકરીઓને જોતી હતી ને થોડી વારે પથારીમાં સૂતેલી દિત્યા તરફ જોઈ લેતી. ચિરાગે નમ્રતાને બહાર ચાલવા આવવા કહેલું, પણ નમ્રતાનું મન નહોતું માનેલું એટલે તે દિત્યા પાસે જ બેસી રહી હતી. બારી બહાર ટેકરીઓ પર ચિરાગ બાળકો સાથે દોડી રહ્યો હતો. ચિરાગ વૉલીબૉલને હવામાં ઉછાળતો અને બાળકો એ વૉલીબૉલ પાછળ દોડી રહ્યાં હતાં. નમ્રતાના ચહેરા પર સ્મિત આવી ગયું. તે એકીટશે હરિયાળી ટેકરીઓ પર દોડી રહેલા ચિરાગને જોવા લાગી. એક નાનકડી છોકરી રડતી રડતી ચિરાગ પાસે આવે છે. નમ્રતા બારીની ગ્રિલ પકડી થોડી નજીક જઈને એ દૃશ્ય જોવાનો પ્રયત્ન કરે છે. ચિરાગ એ નાનકડી છોકરીને વાંકડિયા વાળમાં ફસાયેલાં ફૂલોની નાનકડી ડાળખી સિફતથી કાઢી આપે છે અને એ નાનકડી છોકરી ચિરાગના ગાલે કિસ કરીને હરિયાળા મેદાનમાં દોડી જાય છે. નમ્રતાની આંખમાં હરખ ભીનો થાય છે. ચિરાગ પેલી નાનકડી છોકરીએ જે ગાલે કિસ આપી હતી એ ગાલને પંપાળે છે અને દૂર નમ્રતા જે કૉટેજમાં હતી એ તરફ નજર કરે છે. બન્ને વચ્ચે ખાસ્સુ અંતર હતું, પણ જાણે બન્નેએ પોતપોતાની જગ્યાએ ઊભાં ઊભાં એકબીજાનાં આંસુ લૂછ્યાં. અચાનક નમ્રતાને થયું કે દિત્યા કશું બોલી તો એનું ધ્યાન દિત્યા તરફ ગયું, પણ દિત્યા શાંત હતી. કૉફીનો કપ સાઇડમાં ટેબલ પર મૂકીને તે દિત્યાના બાજુમાં હાથ પકડીને દિત્યાની જ વ્હીલચૅર પર બેસી ગઈ અને દિત્યાના કપાળ પર ધીરે ધીરે હાથ ફેરવવા લાગી. દિત્યાની બંધ આંખો શાંત હતી, જાણે હવે તેને સપના જોવાનોય કંટાળો આવ્યો હશે! દિત્યા કોઈ ટેકા વગર ઊભી ન થઈ શકતી. શરૂ શરૂમાં ચિરાગ સોસાયટીના ગાર્ડનમાં દિત્યાને દોડવા લઈ જતો. પડતી-આખડતી દિત્યા ધ્રૂજતા પગે ચિરાગના હાથ સુધી કે વ્હીલચૅર સુધી પહોંચવા પ્રયત્ન કરતી, પણ સાત-આઠ વર્ષની તે છોકરી ભાંખોડિયા ભરતાં નાના બાળકની જેમ લૉનમાં બેસી પડતી ને પછી મોટા અવાજે રડી પડતી. નમ્રતાએ મોબાઇલ હાથમાં લીધો અને મોબાઇલની ફોટો ગૅલેરીમાં જઈ દિત્યાના ફોટોઝ જોવા લાગી. એક આખું ફોલ્ડર દિત્યાના દરિયાનું હતું. દિત્યાને દરિયો ખૂબ વહાલો. દરિયાના ફોટોઝ નમ્રતા દેખાડતી તો રડતી દિત્યા શાંત થઈ જતી. જ્યારે દિત્યા હસતી રમતી ત્યારે પણ દર અઠવાડિયે એ લોકો મુંબઈના દરિયાકાંઠે જતાં અને નાનકડી દિત્યા જાણે દરિયો પહેરી લેવાની હોય એમ મોજાંઓ સામે દોડી જતી. દરિયાનાં મોજા જ્યારે એના નાનકડા પગને સ્પર્શતાં ત્યારે દિત્યા નાચી ઊઠતી, જાણે કોઈ ગલગલિયાં કરી રહ્યું હોય. દરિયાનાં મોજાંઓ સફેદ ફીણ બની રેતી પર પથરાઈ જતા, એ ફીણને નાનકડી આંગળીઓમાં પકડી હથેળીમાં લઈ દિત્યા ચિરાગ અને નમ્રતા તરફ દોડતી. હવે દિત્યા વ્હીલચૅર પર બેસવા લાગી છે એ પછી પણ ચિરાગ અને નમ્રતા તેને દરિયાકાંઠે લઈ જતાં. વ્હીલચૅરના સ્ટૅન્ડ પર ટેકવાયેલા વાંકા વળી ગયેલા સૂકી ત્વચાવાળા એકદમ પતલી લાકડી જેવા દિત્યાના પગ દરિયાના પાણીને સ્પર્શે એટલા માટે વ્હીલચૅરને ભીની રેતીમાં ચલાવતાં. દરિયાનાં મોજાં વ્હીલચૅરના પૈડાં પાસે પહોંચી જતાં ત્યારે ચિરાગ-નમ્રતા વ્હીલચૅરને સહેજ ત્રાંસી કરતાં અને દિત્યાના પગના પંજાઓ મોજામાં ડૂબી જતા. વ્હીલચૅરમાં બેઠેલી દિત્યા કશું બોલી શકતી નહીં, પણ તેનો રાજીપો હરખનાં ફીણ બની બની ચિરાગ અને નમ્રતાની હથેળીઓમાં આવી જતો. ખારા દરિયાથીયે વધારે ખારાશ અત્યારે તે પતિપત્નીની છાતીમાં પેઠેલી હતી, પણ તેમના ભીના પગનું પાણી આંખોથી છલકાતું રહેતું. મોડી સાંજ સુધી દિત્યાને વ્હીલચૅર પર બેસાડી દરિયાકાંઠે ફેરવતા ને દિત્યાના હરખનું અજવાળું અંધારપં ઉતરી આવ્યા પછીયે ટમટમ્યા કરતું. ચિરાગે બધી ક્ષણો મોબાઇલમાં કેદ કરી હતી, જે ક્ષણો પર બાઝેલી ધૂળ અત્યારે હિલ્ટન પુણેના કૉટેજમાં બેઠાં બેઠાં નમ્રતા ફૂંક મારી મારી સાફ કરતી હતી. લગભગ રાત થવા આવી અને ચિરાગ કૉટેજમાં આવ્યો.

નમ્રતા, બધા લોકો ડિનર માટે રાહ જોઈ રહ્યા છે.

ચિરાગ, આ છોકરી ગઈ કાલની સૂઈ રહે છે. જાગતી જ નથી. મેં ખીચડીનો ઑર્ડર કર્યો હતો, પણ માંડ બે ચમચી ખવરાવી શકી તો પાછી સૂઈ ગઈ.

તે નથી સૂતી ત્યારે સૌથી વધુ ફરિયાદ તને જ થતી હોય છે. હવે આરામથી જો સૂતી છે તો સૂવા દેને. રાત્રે ઊઠે તો જમાડી દઈશું. કિચન ચોવીસ કલાક અવેલેબલ છે અહીંયાં. ચલ, થોડું તું પણ જમી લે. એ પછી ડાઇનિંગ ટેબલ પર બધા લોકો વાતો કરતાં કરતાં હસી હસીને જમી રહ્યાં હતાં, પણ નમ્રતાને કોઈ કારણ વિના અકળામણ થતી હતી.

***

ચિરાગે બિલ્ડિંગના પાર્કિંગમાંથી પોતાની કાર કાઢી ત્યાં સુધીમાં તો નમ્રતા ઊંચીનીચી થઈ ગઈ હતી. હિલ્ટન પુણેનું બે રાતનું મિની વેકેશન પૂરું થઈ ગયું, પણ દિત્યાએ આંખ નહોતી ઉઘાડી. ત્રીજી રાત્રે મુંબઈ પહોંચ્યાં ત્યાં સુધીમાં નમ્રતાએ જીદ પકડી હતી કે દિત્યાને અત્યારે ને અત્યારે હૉસ્પિટલ લઈ જવી છે. એ લોકો કાંદિવલી ડૉ. સ્વપ્નીલ કદમના ક્લિનિકે પહોંચ્યાં ત્યારે શનિવારની એ રાત્રે નાઇટ ડ્યુટી પર ડૉ. પાર્થ ગણાત્રા હાજર હતા. ડૉ. પાર્થની દેખરેખ નીચે તાત્કાલિક દિત્યાને ઍડમિટ કરવામાં આવી ને ડૉ. સ્વપ્નલ કદમ લગભગ દોડતાં હૉસ્પિટલ પહોંચ્યા. તેમણે આવીને આખી પરિસ્થિતિ જોઈ તો તેમણે હાશકારાના ઊંડા શ્વાસ લીધા.

‘નમ્રતા, કશું જ ચિંતાજનક નથી. દિત્યા આરામ કરી રહી છે. લાંબી મુસાફરીનો થાક!’

‘પણ ડૉક્ટર... આ ત્રીજી રાત છે... વચ્ચે બે ચમચી ખીચડી... બાકી... હું તમને કઈ રીતે સમજાવું... મને કશું જ અજુગતું ! આગળના શબ્દો ન સૂઝતા તે ગૂંચવાઈ ગઈ તો ચિરાગે તેના ખભા પર હાથ મૂકી એને શાંત કરી.

નમ્રતા, એ ડૉક્ટર છે. હી નૉઝ હીઝ ડ્યુટી વેરી વેલ. તું ચિંતા ન કર... એમણે કહ્યું તો ખરું કે ચિંતા જેવું નથી ! ડૉ. સ્વપ્નીલ કદમે જોયું કે ચિરાગે સમજાવ્યું એ પછી પણ નમ્રતા ક્યાંક કોઈ ખૂણે આખી વાત સાથે કન્વિન્સ નથી એટલે તેમણે ડૉ. પાર્થની સામે જોયુ,

ડૉ. પાર્થ, આવતી કાલે આપણે દિત્યાના બધા રિપોર્ટ્સ કરી લઈશું. લેટ્સ સી !

ડૉક્ટર, આવતી કાલે જ શું કામ ? આજે અત્યારે ન કરાવી શકાય?

ડો. સ્વપ્નીલ કદમે નમ્રતાની આંખોમાં આશંકાઓનાં કાળાં વાદળં જોયાં અને તેમનો વિચાર બદલાયો.

ડૉ. પાર્થ. દિત્યાનું ચેક-અપ આપણે અત્યારે જ કરીશું ! તેના રિપોર્ટ કરાવો !

એ પછીની બધી ટ્રીટમેન્ટ અને રિપોર્ટ દરમ્યાન નમ્રતા અને ચિરાગ કૅબિનમાં ફફડતા જીવે બેસી રહ્યાં. નમ્રતાનો છૂપો ડર જોઈને ચિરાગ પણ થોડો ચિંતિત થયો હતો. રાતના બે વાગ્યાનો સમય હતો. કૅબિનની બારી બહાર નિયોન લાઇટનો પીળો અજવાસ ઓઢીને મુંબઈની સડકો ઢબૂરાયેલી હતી. વાતાવરણ શાંત હતું. ઘડિયાળના કાંટાનો ટકટક અવાજ આવતો હતો. હૉસ્પિટલમાં રાત્રિરોકાણ કરેલા પેશન્ટનાં સગાંવહાલાંઓની ધીમી ચહલપહલ હતી. ચિરાગ અને નમ્રતા જાણે કે શ્વાસ રોકીને બેઠાં હતાં. થોડી વારે ડો. સ્વપનીલ કદમ ગંભીર ચહેરા સાથે કૅબિનમાં આવ્યા.

નમ્રતા, થૅન્ક યુ સો મચ! તારી જીદના લીધે રિપોર્ટ કર્યા તો ધ્યાનમાં આવ્યું કે દિત્યાનું શુગર એકદમ ઘટી ગયું છે. આપણા શરીરમાં સામાન્ય રીતે ૧૨૦થી ૧૩૦ શુગર લેવલ હોય છે... દિત્યાનું શુગર લેવલ અત્યારે ૩૦ છે. જો એનાથી સહેજ પણ ઓછું શુગર લેવલ હોત તો દિત્યા કૉમામાં જતી રહી હોત !

ચિરાગ અને નમ્રતા એકબીજાની સામે જોઈ રહ્યાં. નમ્રતા તો કશું બોલી ન શકી, પણ ચિરાગ પોતાની ચૅર પરથી અડધો ઊભો થઈ ગયો,

ડૉક્ટર... હવે? ચિરાગને પણ આગળ કોઈ પ્રશ્ન સૂઝ્યો નહીં એટલે કૅબિનમાં આમતેમ જોઈને તે પોતાની અસ્વસ્થતા ઢાંકવા મથવા લાગ્યો.

અત્યારે તો અમે તેને ગ્લુકોઝના બાટલા ચડાવ્યા છે... તેના શરીરમાં ગ્લુકોઝ ઓછું છે એટલે તેને ઑક્સિમીટર પણ લગાવવું પડ્યું છે. આમ હવે તેને ગ્લુકોઝ પર તો નહીં જ રાખી શકાય એટલે સવારે તમે લોકો જસલોક હૉસ્પિટલ પહોંચી જાઓ... ડોન્ટ વરી... અત્યારે બધું કંટ્રોલમાં છે... ડૉ. અનાયતા હેગડે બધું સંભાળી લેશે! નમ્રતાએ ચિરાગનો હાથ પકડ્યો. બન્ને એકબીજાની ભીની આંખમાં જોઈ રહ્યા ને તગતગતી આંખોને જાણે કે એંધાણ મળી ગયાં કે દિત્યા હવે ધીરે ધીરે શ્વાસનો કારોબાર છોડી રહી છે!

***

કાંદિવીલીથી ડૉ. સ્વપ્નીલ કદમના ક્લિનિકથી ઍબ્યુલન્સમાં ગ્લુકોઝના ડ્રૉપ સાથે ઑક્સિમીટરના શ્વાસે ધીમું હલનચલન કરતી દિત્યા અને ચિરાગ-નમ્રતા પેડર રોડ પર આવેલી જસલોક હૉસ્પિટલ પહોંચ્યાં. દિત્યાને તાત્કાલીક ઍડમિટ કરી અને બન્ને પતિપત્ની હૉસ્પિટલના પેસેજમાં બેન્ચ ચૅર પર બેઠાં છે. થોડી વારે ડૉ. અનાયતા હેગડે બ્લુ કૉટન સાડીમાં ઝડપથી મોટાં ડગલાં ભરતાં પેસેજમાં પ્રવેશ્યાં અને નમ્રતા-ચિરાગ પાસે આવીને એટલી ત્વરાથી ઊભા રહ્યાં જાણે એ લોકોનો પૂરો જવાબ પણ સાંભળવાનાં ન હોય.

‘મિસ્ટર ઍન્ડ મિસિસ મહેતા. નક્કી કરો. રાઇલ્ઝ ટ્યુબ કે પેગ !

આ ક્ષણ આવવાની જ હતી, બસ આટલી જલદી આવી જશે એ કલ્પના બન્ને જણને નહોતી. જ્યારે ડૉ. અનાયતા હેગડેએ દિત્યાના રોગનું નામ શોધી કાઢેલું કે ઇટ્સ ટે સેક્સ અને હવે તમારી દીકરીના શરીરના અવયવો એક પછી એક ધીરે ધીરે કામ કરતાં બંધ થશે ત્યારે બન્ને જણ ડૉ. સ્વપ્નીલ કદમને મળેલાં. ડૉ. સ્વપ્નીલ કદમે આ વાત ચિરાગ અને નમ્રતાને સમજાવેલી કે નજીકના ભવિષ્યમાં એવો સમય પણ આવશે કે દિત્યા જમવાનું બંધ કરી દેશે ત્યારે તેને ટકાવી રાખવા તમારે પેગ અથવા રાઇલ્ઝ ટ્યુબનો સહારો લેવો પડશે. પેટમાં કાણું પાડીને નળી નાખવામાં આવે અને એ નળી મારફતે પ્રવાહી ખોરાક આપવાનો એ પેગ ને નાકમાં નળીઓ પેસાડવામાં આવે અને નાક મારફતે પ્રવાહી ખોરાક આપવાનો એ રાઇલ્ઝ ટ્યુબ. ડૉ. સ્વપ્નીલ કદમે એ લોકોને કહેલું કે નમ્રતા તમારે લોકોએ નિર્ણય લેવો પડશે કે તમારી દીકરી માટે કયો ઑપ્શન પસંદ કરશો. એ ક્ષણે નમ્રતાએ ડૉક્ટરને સામો સવાલ પૂછેલો કે ડૉક્ટર અમારી જગ્યાએ તમે હો તો કયો ઑપ્શન પસંદ કરો ત્યારે એક ક્ષણની રાહ જોયા વિના ડો. સ્વપ્નીલ કદમે જે જવાબ આપેલો એ જવાબ અક્ષરશ: અત્યારે નમ્રતા એકશ્વાસે કોઈ પ્રકારના વિરામચિહ્ન વિના ઝડપથી બોલી ગઈ,

ડૉ. અનાયતા, રાઇલ્ઝ ટ્યુબ ! જો બાળક હવે બચવાનું જ ન હોય તો માબાપ તરીકે અમારી ફરજમાં આવે છે કે એને ઓછામાં ઓછું પેઇન આપીને જવા દઈએ! ઑપરેશન કરીને તેના પેટમાં હવે કોઈ વધારાનું કાણું નથી પાડવું!

ડૉ. અનાયતા હેગડે ચિરાગ અને નમ્રતાની સામે અપલક નજરે જોવા લાગ્યાં અને ગળામાં સ્ટેથોસ્કોપ પહેરીને બોલ્યાં,

આર યુ શ્યૉર ? કેમ કે રાઇલ્ઝ ટ્યુબ બાળક માટે ઈઝી છે, પણ માબાપ અને ડૉક્ટર્સ માટે મેક્સિમમ પ્રૉબ્લેમ્સ ઊભા કરશે. બાળકના સામાન્ય હલનચલનથી પણ તે નીકળી જશે. રાઈલ્ઝ ટ્યુબમાં ફૂડ ફેફસામાં જતું રહે તો ન્યુમોનિયા ને હેવી ફીવરના ચાન્સીસ વધારે રહેશે. મોટી ઉધરસ આવશે તો બધું ફૂડ નાકમાંથી બહાર નીકળી જશે... તમને લોકોને રડવાનો સમય પણ નહીં મળે! થોડા પ્રૅક્ટિકલ થાઓ ને વિચારી લો. બન્ને પતિપત્નીએ ચહેરા પર સ્મિત ટકાવી રાખ્યું ને હકારમાં એવી રીતે માથું ધુણાવ્યું કે અમે લોકો બધું નક્કી કરીને જ અહીં આવ્યા છીએ. ડૉ. અનાયતાએ સ્મિત કર્યું ને નમ્રતાના માથા પર હાથ મૂક્યો ને બાજુમાં ઊભેલી નર્સને કહ્યું,

ડૉ. ઓમકારને કહો કે રાઇલ્ઝ ટ્યુબ ફાઇનલ કરે ! એ બે ત્રણ ડગલાં આગળ ચાલ્યા ને ઊભા રહ્યા ને તરુંત પીઠ ફેરવીને ચિરાગ નમ્રતા સામે જોઈને ફરી બોલ્યા,

‘ચિરાગ નમ્રતા, પર્સનલી એક રિકવેસ્ટ કરીશ કે દિત્યાને આગળ જતાં વેન્ટિલેટર ન આપશો. લેટ હર ગો પીસફુલી! આઇ વીશ કે જે દૃઢતાથી તમે લોકો રાઇઝ ટ્યુબ બાબતે શ્યૉર હતા એટલા જ શ્યૉર વેન્ટિલેટર બાબતે હશો. દિત્યાને ઉછીના શ્વાસ આપવાની જરૂર નથી! એના ભાગની જિંદગી એક સુંદર માબાપ સાથે તેણે જીવી લીધી, પણ હવે એને બાંધી રાખવાનો કોઈ અર્થ નથી!’ આટલું બોલીને ડૉ. અનાયતા હેગડે કોઈ જવાબ સાંભળવા ઊભાં ન રહ્યાં ને જાણે આખી સ્થિતિથી ભાગતા હોય એટલી ઝડપથી પોતાની કૅબિન તરફ મોટાં ડગલાં ભરતાં નીકળી ગયાં. નમ્રતા અને ચિરાગ એકબીજાની સામે ન જોઈ શક્યાં. હૉસ્પિટલના પેસેજમાં વિન્ડો ગ્લાસમાંથી તડકો ઢોળાતો હતો ને એક આખી ઘટના, એક કાળખંડ, એક જિવાઈ ચૂકેલી પરિસ્થિતિ ફૂંફાડો મારીને સામે આવીને ઊભી રહી હોય ને ફરી એક વખત નિ:સહાય એને ચૂપચાપ જોયા કરવાની હોય એવા માટીપગા થઈ બન્ને જણા પેસેજમાં બેસી પડ્યાં. દીવાલે માથું અઢેલી ભીની આંખે હૉસ્પિટલની કોરી સફેદ છતને આવનારા સમયના આકાર શોધવા મથતા રહ્યા!

***

ડ્રૉઇગરૂમમાં લોકો હાથ જોડીને બેઠા હતા. આછું ગુલાબી ફ્રૉક, ઘુઘરાળા બેબીકટ વાળ અને ચહેરા પર આછેરું સ્મિત, એક નાનકડા ફોટોમાં સ્થિર થયેલી દસ વર્ષની દિત્યાનું અસ્તિત્વ કેદ હતું. સુખડનો હાર એ ફોટોને પહેરાવેલો હતો ને આવનારા દરેક લોકો ફૂલો તસવીર પાસે મૂકીને હાથ જોડીને પ્રાર્થના કરતાં હતાં. કૉટન લીનન સફેદ કુર્તો-પાયજામો ને સાડીઓમાં ઘેરાયેલો આખો સમૂહ ચુપકીદી સાધીને આંખો બંધ કરીને બેઠો હતો. ગરુડપુરાણનું પઠન ચાલી રહ્યું હતું. સફેદ ડ્રેસમાં માથા પર દુપટ્ટો ઢાંકીને નમ્રતા અને તેની બાજુમાં લીનનનો સફેદ કુર્તો-પાયજામો પહેરેલો ચિરાગ તસવીરમાં બેઠેલી દિત્યાના હલનચલનની જાણે પ્રતીક્ષા કરતાં હતાં. વાતાવરણમાં ગૂગળ ને ચંદનની હાજરી વર્તાતી હતી. બ્રાહ્મણ ધીમા અવાજે ગરુડપુરાણના છેલ્લા અધ્યાયનું પઠન કરી હાથ જોડીને બોલી રહ્યો હતો.

આ પ્રકારે ભગવાન વિષ્ણુએ પોતાના પ્રિય વાહન એવા મહર્ષિ કશ્યપના પુત્ર ગરુડના સર્વે પ્રશ્નોના જવાબ આપ્યા અને મૃત્યુ પછીના યમલોક, સ્વર્ગલોક, નર્કલોક, ગૌલોકનું વિસ્તૃત વર્ણન કરી સમજાવ્યું, ભગવાન વિષ્ણુએ કર્મનો સિદ્ધાંત અને જન્મ-મૃત્યુનું ચક્ર સમજાવ્યું... ભગવાન શ્રી હરિના ચોવીસ અવતારોનું વર્ણન આ પુરાણમાં વિગતે વર્ણવાયું છે. આ પુરાણની કથા પરમપિતા બ્રહ્માજીએ મહર્ષિ વેદવ્યાસને કહી ને સૃષ્ટિ પર આ કથા પહોંચી... મહર્ષિ વેદવ્યાસે આ કથા વિસ્તારપૂર્વક પોતાના શિષ્ય સૂતજીને સંભળાવી, જેણે નૈમિષારણ્ય આશ્રમમાં સ્થિત શૌનકાદિક ઋષિગણોને વિગતવાર સંભળાવી... અંતિમ અધ્યાય પૂર્વે સૂતજી કહે છે એમ અસ્થિવિસર્જનની ક્ષણે તમારા સ્વજનના હોવાપણાની અનુભૂતિ તમે છેલ્લી વખત પ્રત્યક્ષ કરી શકો જો તમારો સંબંધ પવિત્ર હોય તો... પરિક્ષિતના અસ્થિવિસર્જન સમયે મહારાજ જનમેજયને સ્વર્ગસ્થ પિતાનો સાક્ષાત્કાર થયો હતો... પૂર્વે આ ગ્રંથમાં ઓગણીસ હજાર શ્લોક બિરાજિત હતા, હવે સાત હજારનું અસ્તિત્વ છે... જગતના દરેક પ્રશ્નો... બ્રાહ્મણ બોલતા રહ્યા ને નમ્રતાએ ધીરેથી ચિરાગના કાનમાં કહ્યું કે,

આ પણ વાંચો : કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 17)

ચિરાગ, દીકુના અસ્થિવિસર્જન માટે આપણે બન્ને એકલા જઈશું... બધાની હાજરીમાં કદાચ તેની હાજરી મને ન પણ વર્તાય! ચિરાગે પોતાનો હાથ નમ્રતાની ખુલ્લી હથેળી પર મૂક્યો ને બન્ને જણાને લાગ્યું કે તસવીરમાં આળસ મરડતી દિત્યા તાળીઓ પાડીને ખડખડાટ હસી પડી! (ક્રમશ :)

Raam Mori columnists weekend guide