કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 16)

17 March, 2019 12:27 PM IST  |  | રામ મોરી

કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 16)

કંકુના સૂરજ આથમ્યા

નવલકથા

‘ગણેશવિસર્જનના દિવસે... હૉસ્પિટલ બંધ હોય ને એમ છતાં તમને તાત્કાલિક બોલાવીએ તો ઇમર્જન્સી તો હોવાની જ ને... ડૉ. અનાયતા હેગડે તમારી રાહ જોઈ રહ્યાં છે... ક્વિક ફાસ્ટ... ઝડપથી...’ નમ્રતા અને ચિરાગના કાનમાં ડૉ. ઓમકારના શબ્દો વારંવાર અથડાતા હતા. કાર લઈને એ લોકો દિત્યા સાથે ઝડપથી મુંબઈના પેડર રોડ પર આવેલી જસલોક હૉસ્પિટલ પહોંચવા ઝડપથી નીકળ્યાં. મુંબઈના રસ્તાઓ પર ઠેર-ઠેર બંધાયેલા પંડાલમાં વિશાળકાય ગણેશમૂર્તિઓ વિસર્જનનાં ચોઘડિયાં ગણતી જાણે નિરાંતે બેસી એકીટશે રસ્તાઓને જોતી હતી. ગળામાં મોટાં મોટાં ઢોલ, નગારાં અને બૅન્ડ પહેરેલા લોકો ઝનૂનથી થાપ મારતા હતા. નમ્રતા-ચિરાગને લાગતું હતું કે આ થાપ તેમની છાતી પર વાગી રહી છે ને અવાજ તેમના ધબકારાનો થઈ રહ્યો છે. આખો રસ્તો ગીચ ટ્રાફિકથી ભરાયેલો હતો. આખું મુંબઈ ગણેશવિસર્જનની જાહેર રજાને માણવા જાણે કે રસ્તાઓ પર ઊતરી આવ્યું હતું. નમ્રતાના ખોળામાં બેઠેલી દિત્યા કારના વિન્ડોગ્લાસમાંથી બહારનાં દૃશ્યો જોઈને તાળીઓ પાડતી હતી. ચિરાગ સતત હૉર્ન મારી-મારીને રસ્તો ક્લિયર કરાવવા મથતો હતો. કારમાં એ.સી. ચાલુ હતું એમ છતાં બન્ને પતિપત્ની પરસેવે રેબઝેબ હતાં. વારંવાર ધસી આવતા અમંગળ વિચારો નમ્રતા માથું હલાવી-હલાવીને જાણે ખંખેરી નાખતી હતી. બન્નેને થતું હતું કે આ બે-ત્રણ કલાકનો જે રસ્તો છે એ કાપવા માટે બન્નેએ એકબીજા સાથે વાત કરવી જોઈએ, પણ બન્નેને વાતનું અનુસંધાન સાધવા શબ્દો નહોતા મળતા. પોતાની દીકરીને નમ્રતાએ એટલી ભીંસ દઈને પકડી રાખી હતી, જાણે હમણાં આવીને કોઈ તેની પાસેથી એ લઈ જવાનું હોય. બેચેની તો એટલી વધતી જતી હતી કે બન્નેને એકબીજાના રોઈ પડવાનો ડર લાગતો હતો. જ્યારે અકળામણ વધી જતી ત્યારે ત્યારે નમ્રતા ચિરાગનો હાથ પકડી લેતી. ચિરાગ તેને કશું પૂછતો નહોતો, બસ એ હાથને એમને એમ રહેવા દેતો હતો. જાણે બન્ને જણ સમજતાં હતાં કે બન્નેની અંદર અત્યારે વિચારોના કયા વંટોળ ચાલી રહ્યા છે. એકબીજાની સામે જોવું ન પડે એટલે પોતપોતાની સાઇડના વિન્ડોગ્લાસમાંથી બહાર જોઈ લેતાં હતાં. દિત્યા પણ અત્યારે કોઈ જ પ્રકારનાં તોફાન કર્યા વગર પોતાનાં મમ્મી-પપ્પાને અને મુંબઈના રસ્તાઓને ટીકી-ટીકીને જોતી હતી.

મહામહેનતે ટ્રાફિક પાર કરીને બન્ને જણ જસલોક હૉસ્પિટલ પહોંચ્યાં. પોતાના બન્ને હાથે દિત્યાને ઊંચકીને ચિરાગ ફટાફટ હૉસ્પિટલની લિફ્ટ તરફ ઉતાવળા પગલે ચાલ્યો. તેની પાછળ લગભગ દોડી આવતી નમ્રતાએ ફટાફટ લિફ્ટનો દરવાજો ખોલ્યો અને બન્ને ઉપર હૉસ્પિટલમાં પહોંચ્યાં. ન્યુરોપીડિયાટ્રિશ્યન ડૉ. અનાયતા હેગડેની ઑફિસ જાહેર રજાના કારણે ખાલી હતી. એ ખાલી હૉસ્પિટલની ઑફિસનો પૅસેજ જાણે કે ઘેરો સન્નાટો ઊભો કરતો હતો. કૉરિડોર પસાર કરી બન્ને જણ સીધાં ડૉ. અનાયતા હેગડેની કૅબિનમાં દરવાજો ખોલીને એન્ટર થયાં. ચિરાગ અને નમ્રતા આભા બની ગયાં. ડૉ. અનાયતા હેગડેની કૅબિન, ડેસ્ક અને અંદરના સોફા મેડિકલ રેફરન્સ બુક્સથી ભરચક. ક્યાંય પગ મૂકવા જેટલી જગ્યા નહોતી. બધી બાજુએથી મેડિકલ સાયન્સનાં પાનાંઓ થરથરી રહ્યાં હતાં. ડૉ. અનાયતા હેગડે ઉતાવળે-ઉતાવળે પોતાની ડાયરીમાં કશુંક નોંધી રહ્યાં હતાં. તેમની સામે ત્રણ-ચાર ફૂટ જેટલી ઊંચાઈ ઊભી થાય એટલાં પુસ્તકોનો ખડકલો હતો, દિત્યાના રિપોર્ટ્સની મોટી ફાઈલ હતી, એક પારદર્શક બૅગમાં હૈદરાબાદથી આવેલા દિત્યાના જિનેટિક ટેસ્ટના રિપોર્ટ્સ હતા. ડૉ. ઓમકારના હાથમાં પણ ત્રણ-ચાર મોટી-મોટી બુક્સ હતી, જેનાં પાનાં એ ઝડપથી ઊથાલાવી ડૉ. અનાયતા હેગડેને કશીક ડીટેલ્સ લખાવતા હતા. ચિરાગ અને નમ્રતા ત્યાં દરવાજા પાસે જ એમને એમ સ્થિર ઊભાં રહ્યાં. વાતાવરણની ગંભીરતા એ કૅબિનમાં ઘૂંટાઈ રહી હતી. અચાનક ડો. અનાયતા હૅગડેનું એ લોકો તરફ ધ્યાન ગયું,

‘ઓહ, મિસ્ટર એન્ડ મિસિસ મહેતા, પ્લીઝ સીટ. હેલ્લો ડાર્લિંગ દિત્યા... કેમ છે તું ઢીંગલી?’

દિત્યા એકીટશે તેમની સામે જોઈ રહી ને પછી જવાબ આપવાનો પ્રયત્ન કરવા ગઈ, પણ તેની વાત જાણે કે ઢસડાઈ ગઈ હોય એમ શબ્દો સ્પષ્ટ રીતે બહાર આવ્યા નહીં. ડૉ. અનાયતા હેગડેએ પરાણે સ્મિત ટકાવી રાખવાનો જે પ્રયત્ન કર્યો હતો એમાં તેમને થાક લાગ્યો એટલે તે ફરી ગંભીર થઈ ગયાં. નમ્રતાના ધબકારા જાણે કે સાવ થંભી ગયા હતા. તે વારંવાર પોતાનો ડર સંતાડવા થૂંક ગળી જતી હતી અને દિત્યાના માથા પર હાથ ફેરવતી હતી. ચિરાગ પોતાની આંગળીઓના ટચાકા ફોડીને બેચેની ઢાંકવા મથી રહ્યો હતો. ડૉ. અનાયતા હેગડેએ ઊંડા શ્વાસ લીધા અને પોતાનાં ચશ્માં કાઢીને પાણી પીધું. એ પછી એક નજર તેમણે ચિરાગ અને નમ્રતા તરફ કરી.

‘સૉરી, તમને લોકોને મારે તાત્કાલિક બોલાવવા...’

‘પ્લીઝ મૅમ, અમને કહી દો ને કે હૈદરાબાદના રિપોર્ટ શું કહે છે... અમને બન્નેને ગૂંગળામણ થાય છે.’ લગભગ કરગરતો હોય એ રીતે ચિરાગ બોલી ઊઠ્યો.

‘મિસ્ટર ઍન્ડ મિસિસ મહેતા, લુક, આપણા શરીરમાં ત્રણ પ્રકારે રોગ થતા હોય છે. અમુક રોગ જન્મજાત હોય છે, જેને ઇન્ફેન્ટાઇલ બીમારી કહેવાય છે, બાળક જ્યારે પાંચ વર્ષનું હોય ત્યારથી લઈને તે પંદર વર્ષનું થાય એ સમયગાળાની બીમારીને જુવેનાઇલ બીમારી કહેવાય છે અને સોળ વર્ષથી લઈને ચાલીસ વર્ષની વયમાં જે બીમારી થાય એને એડલ્ટ બીમારી કહેવાય છે. આટઆટલા રિપોર્ટ્સથી જે બીમારી આપણી સમજમાં નહોતી આવતી એ બીમારી હૈદરાબાદ લૅબમાં આપણે જિનેટિક ટેસ્ટ મોકલ્યા ત્યાં પકડાઈ છે. દિત્યાને ટે સેક (Tay SachS) નામનો રોગ છે. ટે સેક ઇન જુવેનાઇલ ફોર્મ!’

‘હા તો ફાઇન, તમને હવે રોગ તો ખબર પડી ગઈ... તો આપણે વહેલી તકે એની ટ્રીટમેન્ટ અને દવાઓ શરૂ કરી દઈએ. હેંને ડૉક્ટર?! ચિરાગે પોતાની વાત પર વજન મૂકીને નમ્રતા સામે જોયું. નમ્રતા સખત ગભરાયેલી હતી. તેને એટલું સમજાયું હતું કે દિત્યાની તકલીફનું નામ ને કારણ હવે એ લોકોને મળી ગયું છે. ડૉ. અનાયતા હેગડેએ એક વાર ડૉ. ઓમકાર સામે જોયું. ડૉ. ઓમકાર એક ડગલું આગળ આવ્યા અને ચિરાગ તરફ જોઈને બોલ્યા,

‘મિસ્ટર મહેતા. આ રોગમાં એ રીતે ટ્રીટમેન્ટ શક્ય નથી.’

‘અરે, શક્ય કેમ નથી? આપણે મોટામાં મોટી, મોંઘામાં મોંઘી ટ્રીટમેન્ટ માટે રેડી છીએ. તમે કહેશો ત્યાં જઈશું. ત્રણ શું, બીજાં ત્રણસો પાનાં ભરીને ટેસ્ટ લખી આપો એ બધા ટેસ્ટ ફરી-ફરી કરાવીશું. પૈસાની પણ તમે કોઈ ચિંતા ન કરશો... હું બધું મૅનેજ કરી શકું એમ છું... ઓય નમ્રતા, તું ડૉ. ઓમકારને કહે તો ખરી કે આપણે બધું મૅનેજ કરી શકીએ એમ છીએ.’ નમ્રતાનો ચહેરો ભીડમાં ખોવાયેલા બાળક જેવો થઈ ગયો હતો. તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં ને કંઈ બોલવાનો પ્રયત્ન કરવા ગઈ, પણ તેનો અવાજ ખબર નહીં કેમ, પણ ગળામાંથી નીકળ્યો જ નહીં ને આંસુ ગાલ પર દડી ગયું. તેણે ફટાફટ પોતાનું આંસુ લૂછ્યું અને ચિરાગનો હાથ પકડી લીધો. એ સ્પર્શમાં જાણે સંવાદ હતો કે, ‘ચિરાગ, પ્લીઝ. આ લોકોને સાંભળી લે!’ ચિરાગ ચૂપ થઈ ગયો. શાંત થઈ ગયો ને ડૉ. અનાયતા હેગડેની સામે જોવા લાગ્યો. ડૉ. અનાયતા હેગડેની અનુભવી આંખો બધું નોંધતી હતી. તેમણે પોતાના દુપટ્ટાનો છેડાને સરખો કર્યો અને ચિરાગ-નમ્રતાની આંખમાં આંખ પરોવી આગળ બોલવા લાગ્યાં,

‘જુઓ, તમારી લાગણી હું સમજી શકું છું. હું પણ એક મા છું. સો આઇ કૅન અન્ડરસ્ટેન્ડ. આપણા દરેકના શરીરમાં કોઈ ને કોઈ જિનેટિક બીમારી હોય છે. આપણે દરેક લોકો અમુક તમુક પ્રકારની જિનેટિક બીમારીઓને આગળની પેઢીમાં કૅરી ફૉર્વર્ડ કરતા રહીએ છીએ એટલે જે આ કેરી ફૉર્વર્ડ કરે એને કૅરિયર કહેવાય. હવે જે આ કૅરિયર હોય છે તેના શરીરમાં રહેલી જિનેટિક બીમારીઓ તેને કોઈ નુકસાન ન કરે, પણ તેના થકી થતાં સંતાનોને એ જિનેટિક બીમારી બિલકુલ નુકસાન કરે જ. તમારા બન્નેના શરીરમાં બધા લોકોની જેમ જિનેટિક પ્રૉબ્લેમ હોય એમ આ ટે સેકનો જિનેટિક પ્રૉબ્લેમ છે, પણ તમારાં થકી થતાં સંતાન સુધી એ જિનેટિક બીમારી કૅરી ફૉર્વર્ડ થઈ છે એટલે તમારાં સંતાનોના શરીરમાં ટે સેકની બીમારી લાગુ પડી છે. એટલે અગાઉ તમારાં મૃત્યુ પામેલાં બન્ને બાળકો પણ ક્યાંક ને ક્યાંક આ જુવેનાઇલ ટે સેક બીમારીના લીધે જ પોતાનું જીવન ટકાવી ન શક્યાં. મોંઘામાં મોંઘી સારવાર માટેની, લાંબા-લાંબા ટેસ્ટ ફરી-ફરી કરાવવાની તમારી જે તૈયારી છે એ બાબતે મને રિસ્પેક્ટ છે, પણ વાસ્તવિકતા તો એ છે કે આ રોગની કોઈ દવા જ નથી!’

‘વૉટ?’ ચિરાગ પોતાની ચૅર પરથી એકદમથી ઊભો થઈ ગયો અને તેના અવાજમાં જે કંપન હતું એનાથી દિત્યા ડરી ગઈ. તે મોટા અવાજે રડવા લાગી. નમ્રતા દિત્યાને શાંત કરવાના પ્રયત્નો કરવા લાગી, પણ દિત્યા શાંત થવાના બદલે વધુ ને વધુ મોટા અવાજે રડવા લાગી. ડૉ. અનાયતા હેગડે માટે અત્યારે આ પરિસ્થિતિ જાણે બહુ જ કપરી થઈ પડી હતી. એ વાત કરવા માટે શબ્દો શોધતાં હોય એવું નમ્રતાએ અનુભવ્યું.

‘મિસ્ટર મહેતા, જુવેનાઇલ ટે સેક એ વિશ્વની રૅર બીમારીઓમાંની એક એવી બીમારી છે, જે કરોડોમાં કોઈ એકને થાય છે. આખા વિશ્વમાં આ રોગના અત્યાર સુધી વેઢે ગણી શકાય એટલા કેસ જ નોંધાયા છે અને દિત્યા એ કદાચ ભારતનો પહેલો કેસ છે, જેને આ બીમારી લાગુ પડી છે.’

‘ડૉક્ટર, આની કોઈક તો દવા... કોઈ તો ઇલાજ...’ હવે નમ્રતા પણ દિત્યાને શાંત પાડતાં-પાડતાં જાણે કે પોતે જ રોઈ પડી. તેની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં. ચિરાગ સ્થિર આશાભરી નજરે ડૉ. અનાયતા હેગડેની સામે જોઈ રહ્યો હતો. પોતાની જિંદગીમાં દર્દી સામે આ રીતે અસહાય હોવાનું ડૉ. અનાયતા હેગડે પહેલી વખત અનુભવી રહ્યાં હતાં.

‘ના, મિસિસ મહેતા. વિશ્વમાં સાત હજારથી પણ વધુ એવી કેટલીક રૅર બીમારીઓ છે, જેનો ઇલાજ હજુ સુધી કોઈ શોધી નથી શક્યું, જેની કોઈ દવા નથી. જુવેનાઇલ ટે સેક પણ એવી બીમારી છે, જેની કોઈ દવા કે સારવાર છે જ નહીં.’

‘તો હવે શું કરી શકાય ડૉક્ટર?’ ચિરાગનો અવાજ ધ્રૂજી રહ્યો હતો.

‘હવે હિંમત એકઠી કરવી પડશે. તમારે બન્ને જણે સ્ટ્રૉન્ગ બનવું પડશે. આવનારા દિવસો બહુ જ કપરા આવશે. તમારી દીકરીનું હલનચલન સાવ બંધ થઈ જશે. વ્હીલચૅર પર આવી જશે. આપણું મગજ આપણા અવયવોને સંદેશ આપે એ પછી આપણા શરીરના અવયવો એ મુજબ કામ કરે, પણ આ રોગમાં એ ચેતાઓ નબળી પડી જશે એટલે દિત્યાના મગજમાંથી પાસ થયેલા ઑર્ડર તેના શરીરનાં બાકી અંગો સુધી નહીં પહોંચે એટલે દિત્યા વસ્તુઓ ઓળખવાનું, રંગોને ઓળખવાનું, વ્યક્તિને યાદ રાખવાનું, ચીજવસ્તુઓને પકડવાનું બધું જ ભૂલી જશે. ધીમે-ધીમે તેનું પાચનતંત્ર નબળું પડશે અને તમારે લિક્વિડ આપીને તેનું પેટ ભરવું પડશે, તેને પેટમાં કાણું પાડીને (PEG) દ્વારા અથવા નાકમાં નળીઓ ગોઠવી (RYLES TUBE) દ્વારા પ્રવાહી આપવું પડશે, આગળ જતાં કદાચ તે તેનું આંખનું વિઝન પણ ગુમાવી દેશે, બોલવાનું તો તેનું અત્યારથી બંધ થઈ ગયું છે, પણ તે થોડા વખત પછી સાંભળી પણ નહીં શકે...’

‘પ્લીઝ ડૉક્ટર, પ્લીઝ હેલ્પ અસ. આપણે દિત્યાને આઉટ ઑફ કન્ટ્રી લઈ જવી પડે તો પણ હું તૈયાર છું. તમે કોઈ તો રસ્તો બતાવો પ્લીઝ!’ નમ્રતાએ પહેલી વખત ચિરાગને આમ સાવ ઘૂંટણિયે પડી જતો હોય એ રીતે આજીજી કરતો જોયો. દિત્યા રડવાનું બંધ કરી હીબકાં ભરતી હતી. નમ્રતા દિત્યાના આવનારા દિવસોની કલ્પના માત્રથી એકદમ ડરી ગઈ હતી. આંખે અંધારું બાઝી ગયું હોય એમ તેણે ભીની આંખ બંધ કરી દીધી, જાણે તેણે કશું જોયું જ નથી ને અહીં કશું થયું જ નથી.

‘મિસ્ટર ઍન્ડ મિસિસ મહેતા, તમારે હિંમતથી કામ લેવું પડશે. તમે આમ ભાંગી પડશો તો કેવી રીતે ચાલશે? જુઓ તમે બન્ને જણ એક વસ્તુ મન મક્કમ કરીને સ્વીકારી લો. આ રોગમાં દર્દીનું આયુષ્ય નથી હોતું. તમારી દીકરી બચવાની નથી જ એ વાસ્તવિકતા તમે જેટલી જલદી સ્વીકારી લેશો એટલી જલદી તમે લોકો મુવ ઑન થઈ શકશો. દિત્યાના બચી શકવાના એક પણ ચાન્સીસ નથી. આઇ ઍમ સોરી!’

નમ્રતા અને ચિરાગના કાનમાં લાંબું સુન્ન પડઘાતું રહ્યું. બન્નેમાંથી કોઈ કશું બોલી શક્યાં નહીં. રડી શક્યાં નહીં. એકબીજાની સામે જોઈ શક્યાં નહીં. બન્ને જણ ડૉ. અનાયતા હેગડેની સામે એકીટશે કોઈ નિજીવર્‍ પૂતળાની જેમ બેસી રહ્યાં. ક્યાંય સુધી વાતાવરણમાં એક સન્નાટો ઘેરાતો રહ્યો. ડૉ. અનાયતા હેગડેએ ઊંડા શ્વાસ લીધા, જાણે તેમનું બહુ મોટું વજન છાતી પરથી ઊતરી ગયું હોય એમ આંખો બંધ કરી પોતાની ચૅર માથું ટેકવીને તે પડખું ફરી ગયાં. મા હોવાના નાતે તે સમજી શકતાં હતાં કે એક માતાપિતા માટે આ વાત પચાવવી કેટલી કપરી છે. કૅબિનમાં ક્યાંય સુધી ચુપકીદી રહી. દિત્યા નમ્રતાના ખોળામાં જ સૂઈ ગઈ. નમ્રતા અને ચિરાગ સ્થિર નજરે કોઈ એક શૂન્યમાં જોઈ રહ્યાં હતાં. ડૉ. ઓમકારે પાણીના બે ગ્લાસ નમ્રતા અને ચિરાગ પાસે મૂક્યા અને દૂર જઈને બેસી ગયા. નમ્રતાએ પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને ઘૂંટડો પાણી પીવાનો પ્રયત્ન કર્યો, પણ તેને લાગ્યું કે પાણીનો ઘૂંટડો તેને છાતીમાં વાગ્યો. તે ગ્લાસમાંથી વધારે પાણી પી ન શકી. આંખની સામે દૃશ્યો ધૂંધળાં થઈ જતાં હતાં એટલું પાણી આંખોમાં બાઝી પડ્યું હતું. ચિરાગને છાતીમાં મૂંઝારો થવા લાગ્યો. તેને થયું કે હવે થોડી ક્ષણો જો તે અહીં બેસશે તો તેના ધબકારા બંધ થઈ જશે. દિત્યાને ઊંચકીને તે કેબિનની બહાર નીકળી ગયો. નમ્રતા ડૉક્ટરની ચૅર પર બેસી રહી. તેને ઊભા થવું હતું, પણ તેને લાગ્યું કે બન્ને પગમાં ખાલી ચડી ગઈ છે. બન્ને પગ માટીના થઈ ગયા છે ને હમણા માટી જમીનમાં ભળી જશે ને નમ્રતાનું કોઈ અસ્તિત્વ ક્ષણ પહેલાં હતું એ કોઈ માની જ નહીં શકે. ટેબલના કૉર્નરનો છેડો પકડી તે મહામહેનતે ઊભી થઈ ત્યારે પડખું ફરીને આંખ બંધ કરીને વિચારી રહેલાં ડૉ. અનાયતા હેગડેને સમજાયું કે આ લોકો જઈ રહ્યા છે. પોતાની ચૅર ઘુમાવીને ડૉ. અનાયતા હેગડેએ જોયું કે નમ્રતા જઈ રહી છે.

‘નમ્રતા, મારે એક વાત કરવી છે!’

નમ્રતા ધ્રૂજતી આંખો ડૉ. અનાયતા સામે જોઈ રહી.

‘નમ્રતા, હવે હિંમતથી કામ તારે જ લેવું પડશે. બન્ને જણ આમ ઘૂંટણિયે પડી જશો તો બહુ અઘરું થઈ પડશે. બન્નેમાંથી કોઈ એકે તો સ્ટ્રૉન્ગ બનવું પડશે. મેડિકલ સાયન્સ એવું કહે છે કે સ્ત્રીઓ જન્મથી જ સ્ટ્રૉન્ગ હોય છે. એક પત્ની તરીકે તારી હવે સાચી કસોટી છે. એ જે ભાંગી પડ્યો છે એ એક પિતા છે. તું મા છે, પણ સાથોસાથ એક પત્ની પણ છે. દરેક સ્થિતિમાં બધું સંભાળી શકવાનું વરદાન ઈશ્વરે સ્ત્રીઓને જ આપ્યું છે. ચિરાગનું ધ્યાન રાખજે. ઈશ્વર પર ભરોસો રાખ. તેણે કંઈક તો વિચારી રાખ્યું હશે જ. તું ચિંતા નહીં કરતી કોઈ ને કોઈ રસ્તો નીકળશે જ...’ આટલું બોલ્યા પછી ડો. અનાયતા હેગડે પોતે જ મૂંઝાઈ ગયાં કે હવે આમાં તો શું રસ્તો મળે! નમ્રતાએ ડો. અનાયતા હેગડે સામે આભારવશ હાથ જોડ્યા અને ડૂમો દબાવી ફટાફટ કૅબિનની બહાર નીકળી ગઈ.

આ પણ વાંચો :કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 15)

સાંજના ચાર વાગ્યા હતા. આથમતી સાંજનો બધોય તડકો ચિરાગ અને નમ્રતાની કારમાં ઢોળાઈ રહ્યો હતો. પેડર રોડથી કાર કાંદિવલી ઘર તરફ ધીરે-ધીરે ચાલી રહી હતી. કાર ચલાવી રહેલો ચિરાગ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. તેની બાજુમાં ખોળામાં દિત્યાને લઈને બેઠેલી નમ્રતા હૈયાફાટ રડી રહી હતી. દિત્યા પોતાનાં મમ્મી-પપ્પાને આમ આ રીતે રડતાં જોઈને એકદમ ગભરાઈ ગઈ હતી. એ પોતાની નાનકડી આંગળીઓથી નમ્રતા અને ચિરાગનાં આંસુ લૂછવાનો પ્રયત્ન કરતી હતી, પણ તેની આંગળીઓ ગાલ સુધી પહોંચતી નહોતી ને તે મૂંઝાઈને પોતાના હાથ તરફ એ રીતે જોઈ રહી હતી કે આ કેમ મમ્મી પાસે નથી જઈ રહ્યો. આખું મુંબઈ ગણેશવિસર્જન માટે રસ્તાઓ પર ઊતરી આવ્યું હતું. મોટી મોટી ટ્રકમાં વિશાળકાય ગણપતિની મૂર્તિઓ ગોઠવાયેલી હતી. એ મૂર્તિઓ પર અબીલગુલાલ અને કંકુની છોળો ઊડતી હતી. ઢોલ, નગારાં, બૅન્ડ અને ઝાંઝ મોટા અવાજે તાલબદ્ધ વાગી રહ્યાં હતાં. લાલ, લીલી, ગુલાબી ને વાદળી નવવારી સાડી, લીલી બંગડીઓ, કાળા મોતીનું સોનાનું મંગળસૂત્ર ને ગજરો લગાવેલી મરાઠી સ્ત્રીઓ હાથમાં મંજીરા લઈ ગણપતિનાં કીર્તન ગાતી નાચી રહી હતી. માથામાં કેસરી શિરપાઘ અને આંખે મોટાં ગૉગલ્સ પહેરેલી મરાઠી છોકરીઓ ટ્રેડિશન મરાઠી સાડીઓમાં ગળામાં બૅન્ડ પહેરીને ઝનૂનથી તાલબદ્ધ દાંડી પીટી રહી હતી. સફેદ કુર્તો પાયજામો ને કેસરી શિરપાઘ પહેરેલા છોકરાઓ ઊછળી-ઊછળીને મોટા મોટા મંજીરા ને ઝાંઝ વગાડી રહ્યા હતા. ડી.જે.માં મોટા અવાજે ગણપતિનાં બૉલિવુડ ગીતો વાગતા હતા. ચારેતરફ મોતીચુરના લાડુ, બુંદીના લાડુ અને મોદકનો ભોગ વહેંચાઈ રહ્યો હતો, ગણપતિબાપા મોરયા...પુઢચ્યા વર્ષી લવકર યા...ના નાદ દસે દિશાઓમાં જાણે કે જય ઘોષ સાથે ગુંજી રહ્યો હતો. માથા પર બાજોઠ પર નાની સાઇઝના ઘરે પધરાવેલા ગણપતિ વિસર્જન માટે લોકો લઈ જતા હતા એ આખા સંઘમાં જોડાતા જતા હતા. શણગારેલા હાથી, ઘોડા અને ઊંટ સાથે અંગકસરતો, નૃત્ય અને જોકરના ખેલ રસ્તા વચ્ચે થઈ રહ્યા હતા. ગણપતિ બાપ્પા મોરયાનો જયજયકાર ગગનચુંબી હતો. અબીલગુલાલ અને કંકુથી મુંબઈના રસ્તાઓ જાણે કે લાલગુલાબી બની વિસર્જનમાં નવકલેવર પહેરી હરખાઈ રહ્યા હતા. વિસર્જનના ટ્રાફિકમાં ચિરાગની કાર ફસાઈ એટલે તે કાર બંધ કરીને બેસી રહ્યો. આસપાસ પસાર થતા લોકો ચિરાગ અને નમ્રતાને કારમાં રડતાં જોતાં હતાં. ચોધાર આંસુએ રડી પડેલા ચિરાગને સાંત્વના આપવા નમ્રતાએ પોતાનો હાથ ચિરાગના ખભા પર મૂક્યો અને ચિરાગ નમ્રતાને ભેટી પડ્યો. બન્ને પતિપત્ની વિસર્જનની વેળાએ એકબીજાનો આધાર બની એકબીજા પર વરસી પડ્યાં. દિત્યાએ લૉક ખોલ્યો તો કારનો દરવાજો સહેજ ખૂલી ગયો અને ગણેશમૂર્તિ પરથી ઢોળાતું વિસર્જનનું કંકુ દિત્યાના શરીર પર ઢોળાયું અને દિત્યા કંકુવાળા હાથે તાળીઓ પાડીને હસવા લાગી. (ક્રમશ:)

Raam Mori columnists weekend guide