કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 15)

રામ મોરી | Mar 10, 2019, 11:34 IST

દીકરીના જીવતરમાં ઘેરાતા અંધારા સામે ઝઝૂમતાં માબાપની કથા

કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 15)
કંકુના સૂરજ આથમ્યા

નવલકથા

ચિરાગની આંગળીઓ કીર્બોડ પર ટક ટકાટક ટક ટકાટક અવાજ સાથે બપોરની અકળામણ જોડે સંવાદ કરવાના પ્રયત્નમાં લાગેલી હતી. બબુની અંતિમવિધિ પૂરી કરીને નમ્રતા અને દિત્યાને લઈને એ મુંબઈ પાછો આવી ગયો એ ઘટનાને ચારેક મહિના થઈ ગયા છે, પણ હજીયે તેની આંખો સામેથી હૉસ્પિટલના પૅસેજમાં તડકાની પીળી ઉદાસીમાં ડચકાં લેતું ચૌદ દિવસનું બાળક દૂર નથી થતું. દુનિયાને ભરપૂર જીવી લેવા ઝાકળભીની ફૂલપાંદડીઓ જેવી એ આંખોએ ગણતરીના દિવસોનું અજવાળું જોયું. અંધારાની કાળી મેંશ એવી તો અંજાઈ કે કાયમ માટે એવી રીતે મીંચાઈ ગઈ જાણે એ બાળક અહીંયાં ક્યારેય આવ્યું જ નથી. ઑફિસમાં ડેસ્કની આસપાસ કામ કરતા બધા કર્મચારીઓ સૂકાભટ રણના અફાટ કાળજા પર બળબળતી રેતીના ઢૂંવા જેવા સ્થિર હતા ને પોતે એ રણમાં દિશા ભૂલીને ચોતરફથી આવતા દઝાડતા વંટોળની ડમરીઓ ઝીલી રહ્યો છે. આદિત્યનું આમ આવીને ચાલ્યું જવું અને નમ્રતાનું સાવ ચૂપ થઈ જવું એ ચિરાગની અંદર કંઈકેટલીયે તિરાડો ઊભી કરતું હતું, પણ એ સાક્ષીભાવે બધું જોયા કરતો. મુંબઈમાં જસલોક હૉસ્પિટલમાં ત્રણ મહિને માંડ-માંડ ડૉ. અનાયતા હેગડેની અપૉઇન્ટમેન્ટ મળી. આશાનો નાનકડો દીવો સાચવીને બંને જણ તૂફાનની સામે બાથ ભીડીને ઊભાં હતાં. ઑફિસમાં બપોરના બે વાગ્યા હતા. વચ્ચે પ્યુન આવીને કૉફીનો ખાલી કપ ઉઠાવી ગયો ને ફરી પાછો મશીનની કૉફીનો કપ ભરીને મૂકી ગયો. રૂમમાં એસી હોવા છતાં ચિરાગને છાતીમાં ગભરામણ થતી હોય એવું વારંવાર લાગતું હતું. તેણે શર્ટ પરની ટાઈ થોડી ઢીલી કરી અને કમ્પ્યુટરની જમણી બાજુ લાફિંગ બુઢ્ઢાના સ્ટેચ્યુની પાસે મુકાયેલી માટીની બૉટલમાંથી અડધા કલાકમાં આ ચોથી વાર પાણી પીધું. દિત્યાથી હવે બિલકુલ ચાલી શકાતું નહોતું. જસલોક હૉસ્પિટલમાં ડૉ. અનાયતા હેગડેની અપૉઇન્ટમેન્ટ મળી ત્યારે બંને હાથ ઊંચકીને દિત્યાને હૉસ્પિટલ લઈ જવી પડેલી. ડૉ. ઓમકારે ત્રણ પેજ ભરીને બધા ટેસ્ટનાં નામ લખી આપેલાં ને કહેલું કે, ‘મિસ્ટર ઍન્ડ મિસિસ મહેતા, દિત્યાના આ બધા ટેસ્ટ બહુ અગત્યના છે. આઇ નો ઉટ્સ ટુ ટફ... ફિઝિકલી અને મેન્ટલી થકાવી દેશે, પણ આ ટેસ્ટના રિઝલ્ટથી જ આપણે લોકો આગળ વધી શકીશું. દરેક ટેસ્ટ માટેની જુદી-જુદી લૅબની ડીટેલ્સ તમને આ પેજમાં અપાયેલી છે. થોડીક તકલીફ એ રીતે પણ થશે કે બધી લૅબ મુંબઈમાં કોઈ એક જગ્યાએ નથી, જુદા-જુદા વિસ્તારમાં છે... આ બધા રિપોટ્સર્ની ફાઈલ તૈયાર થઈ જાય એ આખી પ્રોસેસના સમયગાળામાં તમારા સાતથી આઠ મહિના ખર્ચાઈ જશે. બધા રિપોર્ટ્સ આવી જાય એ પછી જ ડૉ. અનાયતા હેગડે આ કેસમાં આગળ વધી શકશે.’ નમ્રતા એ ત્રણ પેજમાં લખાયેલા બધા જ પ્રકારના ટેસ્ટનાં નામ વાંચીને ગભરાઈ ગયેલી, પણ ચિરાગે હિંમત કરીને ડૉ. ઓમકારને કહેલું, ‘ડોન્ટ વરી ડૉક્ટર, જેમ-જેમ રિપોર્ટ્સ આવતા જાય એમ-એમ તમને અપડેટ આપતાં રહીશું. અમને બસ અમારી હસતી-રમતી દીકરી પાછી જોઈએ છે અને એના માટે ત્રણ નહીં, ત્રણસો પાનાં ભરીને ટેસ્ટ કરવા પડે તો પણ અમે કરી લઈશું.’ ચિરાગે જોયેલું કે નમ્રતાની આંખમાં ચિરાગ પ્રત્યેની શ્રદ્ધાની ચમક હતી. એ સતત દોડતો રહ્યો છે. ઑફિસના દરેક લોકો ચિરાગની પરિસ્થિતિ ને સ્થિતિની ગંભીરતા વિશે સારી રીતે જાણતા હતા, પણ ચિરાગને લાગતું કે જાણે અહીં કોઈ પણ વ્યક્તિ એની સાથે નોકરી કરતી બીજી વ્યક્તિને ૧૧થી ૫ સિવાયના ટાઇમમાં ઓળખતી જ નથી. અહીં કામ કરતા લોકોની પણ કોઈ પર્સનલ લાઇફ હોઈ શકે, એ અંગત જીવનમાં પીડાની સળ પથરાયેલી હોઈ શકે, અઢળક ગળાડૂબ કામમાં વ્યસ્ત માણસની લાચારી પોતાના સમય માટે તરસતી હોઈ શકે, કોઈ મૂંઝાતી આંખો સિગારેટના કશ વચ્ચે સધિયારાની અપેક્ષા રાખતી હોઈ શકે, પીડાને પંપાળીને થાકેલી પીઠ કોઈની હૂંફાળી હથેળીઓની રાહ જોતી હોઈ શકે, અસહાયતાના વમળમાં અટવાયેલા પુરુષને એવા શબ્દોની શોધ હોઈ શકે, જે એને કહી શકે કે, તું ચિંતા ન કરીશ, અમે તારી સાથે છીએ. તું હિંમત રાખજે ને ગમ્મે ત્યારે કામ હોય ત્યારે કહેજે, અમે હાજર રહીશું....આ બોલનારને પણ કદાચ ખબર હોય છે કે એ આ સાંભળનારની સાથે નથી જ અને કદાચ બધી જગ્યાએ હાજર નહીં જ હોય! પણ સાંભળનારને સારું લાગે છે. આમાંનું કશું પણ એની આસપાસ કામ કરનારા લોકોમાં નથી. સપાટ ચહેરાની એવી દીવાલો જેમાં ક્યાંય કોઈ લીલું ઘાસ તિરાડનો અજવાસ લઈ પાંગરવાનું હોય. ભ્રમ એ જિવાતા જીવનની સૌથી સુંદર બાબત છે. અમુક ભ્રમ જિંદગીભર ટકી રહેવા જોઈએ, કેમ કે વાસ્તવિકતા એ કપાયેલા કાચની ધાર જેવી હોય છે. સમજદાર લોકો જિંદગીભર અમુક તમુક પ્રકારના ભ્રમનું જતન કરીને જિંદગી જીવી લેતા હોય છે, કેમ કે દરેક ભ્રમ એ માણસની મૂર્ખતા નથી હોતી. પાણી તરસતું હરણ જ્યારે વૃદ્ધ થાય ત્યારે એને મૃગજળનો આભાસ પણ જિવાડી દે છે. દિવસમાં છથી સાત કલાક ફિક્કી ટાઈ, ફૉર્મલ શર્ટ, હાફ સિગારેટ, મશીન કૉફીની સિપ, કમ્પ્યુટર સ્ક્રીન પર ઊભરાતા આંકડાઓ, કીર્બોડ પર હાંફતી આંગળી ને ડેસ્ક પર લાગેલા લાફિંગ બુઢ્ઢાને જોતી ચશ્માં પાછળની થાકેલી આંખો પણ ચિરાગને ભ્રમનું સુખ પણ નહોતી આપી શકતી. અહીં કોઈને અગિયાર વાગ્યા પહેલાં ને સાંજના સાત વાગ્યા પછી પણ તકલીફ છે એ વાત જ જાણે સિગારેટના કશમાં ફૂંકાયેલો ધુમાડો છે જે સ્મોકિંગ ઝોનની આસપાસ જ પથરાઈને મુંબઈના રસ્તાઓમાં ઓઝપાઈ જશે. ઑફિસમાં જાણે કે બધા બધી રીતે સ્થિર છે. કમ્પ્યુટરની સ્ક્રીન પર અને ચિરાગના મન પર સતત કશુંક ઉમેરાતું જાય છે અને એ જોયા કરે છે ચૂપચાપ!

***

દરેક વખતે નમ્રતા અને ચિરાગને થતું કે આ તેના જીવનનો સૌથી મુશ્કેલ સમય છે. આ પસાર થઈ જાય એ પછી સુખની સોનેરી ક્ષણો રાહ જોઈને ઊભી છે. બસ હવે આનાથી વધારે મોટી વજનદાર પીડાદાયક બીજી કોઈ તકલીફ જગતમાં હોઈ જ ન શકે. જસલોક હૉસ્પિટલમાંથી ડૉ. અનાયતા હેગડેના આસિસ્ટન્ટ ડૉ. ઓમકારે ફૂલ્સકૅપ પેજનાં ત્રણ પાનાંઓ ભરીને જાત-જાતના ટેસ્ટ લખી આપેલા. મહિનાઓ સુધી ચાલશે એવા વિષચક્રમાં પતિપત્ની ફસાયાં. બંનેએ એકબીજાને હિંમત તો આપી દીધી, પણ જેમ-જેમ ટેસ્ટનું નામ વાંચતાં ગયાં એમ-એમ બંને જણે મનમાં ચણેલા દૃઢતાના ગઢની કાંકરીઓ ધીરે-ધીરે ખરી રહી હતી. પોતાના ઘર કાંદિવલીથી બાન્દ્રા, બાન્દ્રાથી દાદર. દાદરથી ચર્ચગેટ અને ચર્ચગેટથી પાછા જુહૂ એમ જુદા-જુદા એકબીજાથી તદ્દન જુદી-જુદી જગ્યાએ પથરાયેલી લૅબમાં સમયાંતરે પહોંચવાનું. સરખું ઊભી ન રહી શકતી સાત વર્ષની દિત્યાને ઊંચકી રાખવી પડે. દિત્યાને સતત રડવાના અથવા સતત હસતા રહેવાના મૂડ સ્વિગ આવે એવી પરિસ્થિતિમાં મગજ પર સતત કંટ્રોલ રાખી દિત્યાને શાંત પાડતાં રહેવાનું, લાંબી લાઇનમાં ઊભા રહેવાનું. મુંબઈના ટ્રાફિકને ઓળંગીને બેથી ત્રણ કલાકના અંતરે આવેલી લૅબોરેટરીએ પહોંચવાનું અને લાંબી લાઇનના લીધે વારો ન આવે તો ફરી પાછું બીજા દિવસે રડતી કકળતી દિત્યાને ઊંચકીને આવી જવાનું. બંને જણને એવું લાગતું કે પીડાના કોઈ મહાપર્વતની આસપાસ એ લોકો સતત પ્રદક્ષિણા કર્યા કરે છે. ચિરાગને સતત સાથે રહેવું હોય, પણ ઑફિસનું કામ જે રીતે એના માથા પર તલવાર બનીને તોળાઈ રહેતું તો નાછૂટકે પણ ઑફિસે જવું પડતું ત્યારે નમ્રતા આ બધી લૅબમાં એકલી-એકલી દોડતી રહેતી. બ્લડ ટેસ્ટ જેવા ટેસ્ટમાં તો ખાસ વાંધો નહોતો આવતો, પણ એ સિવાયના ટેસ્ટ ચિરાગ અને દિત્યાને ખરા અર્થમાં થકવી દેતા. આંખના ટેસ્ટ માટે દિત્યા કોઈ પણ સંજોગોમાં આંખ ચકાસણીના મશીન સામે બેસવા તૈયાર જ ન થાય, એના માથામાં જાતજાત ને ભાતભાતના વાયર લગાવવામાં આવતા ને વિચારોના વેવ્સના આધારે રિપોર્ટ તૈયાર થતા. માથા પર જ્યારે વાયર લગાવવામાં આવતા ત્યારે સાતેક વર્ષની દિત્યા ડરથી કાંપી ઊઠતી અને ચિલ્લમચિલ્લી કરીને નમ્રતા-ચિરાગના હાથ પર નખ મારતી. એમઆરઆઇ ટેસ્ટ માટે દિત્યાને શાંત રાખવા ઍનેસ્થેસિયા આપવું પડતું, પણ તેના નાનકડા, પણ ઝનૂની શરીરમાં ઍનેસ્થિસિયાની લાંબી અસર રહેતી નહીં અને એમઆરઆઇ મશીનની અંદર ગયા પછી પણ એ ધમપછાડા કરતી, દાંત, ગળું, કાન, નાક, હ્રદય, મગજ, આંખ કોઈ ટેસ્ટ બાકી નહોતા રહ્યા. એમઆરઆઇ, સીટી સ્કેન, ઈઈજીના રિપોર્ટની ફાઈલો જાડી થતી. સૌથી કપરા હતા મસલ્સ ટેસ્ટ. દિત્યાને લૅબોરેટરીમાં બિછાના પર સૂવડાવી એના હાથ પગ પકડી રાખવામાં આવતા ને એના સાત સાડા સાત વર્ષના કોમળ આખા શરીરમાં ઝીણી ઝીણી નિડલ્સ લગાવવામાં આવી. અસંખ્ય સોયથી કાણેકાણું થઈ જતાં શરીરની પીડા દિત્યાની તીણી ચીસોમાં પડઘાતી. ચિરાગ અને નમ્રતાને લાગતું કે આ અસંખ્ય નિડલ્સ દિત્યાના શરીરને નહીં, જાણે તેમના પોતાના જીવ પર ચોંટી છે. હાથ જોડીને એ લોકો ડૉક્ટર્સને આ ટેસ્ટ જલદી પૂરા કરવા વિનંતી કરતાં. મસલ્સ ટેસ્ટમાં દિત્યાના શરીરે લાગેલી ઝીણી-ઝીણી સોય એ ડિજિટલ રેખાઓ ઊભી કરતી જેના આધારે રોગની સ્થિતિ ને લક્ષણો વિશેની સમજ મળી શકે. મસલ્સ ટેસ્ટની ઝીણી સોયના લીધે દિત્યાના આખા શરીરે લોહીના ઝીણા-ઝીણા ટશિયા ફૂટી નીકળતા ને આખી રાત પથારીમાં રડ્યા કરતી દિત્યાના શરીર પર નમ્રતા અને ચિરાગ પંપાળી પણ નહોતાં શકતાં. બીજા બધા ટેસ્ટમાં મોટા ભાગે ઍનેસ્થેસિયા આપીને દિત્યાને પીડાથી અજાણ રાખવાનો પ્રયત્ન કરાતો, પણ એવા ટેસ્ટ પણ હતા, જેમાં દિત્યાને ફરજિયાત ભાનમાં રાખવી પડે એમ હતું. એ ટેસ્ટમાં દિત્યાને સંપૂર્ણ જાગૃત અવસ્થામાં રાખી તેની કરોડરજ્જુના મણકામાંથી નિડલથી પાણી ખેંચવામાં આવે અને એને ટેસ્ટ માટે સ્પેન મોકલવાનું. આ ટેસ્ટ સમયે તો દિત્યાની ચીસો એટલી પીડાદાયક હતી કે નમ્રતા અને ચિરાગથી આ બધું જોઈ શકાય એમ નહોતું એટલે તેમને લૅબની બહાર મોકલી દેવાયાં હતાં. આખરે લાસ્ટમાં હૈદરાબાદમાં જિનેટિક ટેસ્ટ માટે દિત્યાના બ્લડ સૅમ્પલને મોકલવામાં આવ્યું. આખરે બધા ટેસ્ટની રિપોર્ટ ફાઈલ્સ જ્યારે જસલોક હૉસ્પિટલમાં મોકલવામાં આવી ત્યારે આ યાતનાના નવ મહિના પૂરા થઈ ગયા હતા.

***

એક અંધારાની મોટી ભરતી નમ્રતા તરફ આવે છે. મોટા પહાડ જેવી ભરતી કાળા નાગની જેમ ફેણ માંડીને નમ્રતાની નજીક આવી રહી છે. નમ્રતાને લાગે છે કે આ ભરતી તેને અંધારાના દરિયામાં તાણી જશે. એ મદદ માટે આમ તેમ બૂમ પાડે છે, પણ તેનો અવાજ નીકળતો નથી. મોટા બિસ્તર પર તે એકલી સૂતેલી છે ને આસપાસની દીવાલો ધ્રૂજી રહી છે, દીવાલો પર લાગેલી ઘડિયાળ અને તસવીરો લોલકની જેમ ઝૂલી રહ્યાં છે. આસપાસની કાચની ચીજવસ્તુઓ નીચે પડે છે, પણ એ કાચ તૂટવાના બદલે ફર્શ પર પીગળવા લાગે છે. નમ્રતા ફાટી આંખે એ પીગળી રહેલા ચિનાઈ માટીનાં, કાચનાં વાસણો અને શોપીસને જોઈ રહી છે ત્યાં પેલી અંધારાની ભરતી તેના બિસ્તર સુધી પહોંચી ગઈ. નમ્રતાએ ઓઢેલી સફેદ શાલ પર ભરતીનાં કાળાં ફીણ બાઝવા લાગ્યાં. નમ્રતા ધ્રૂજી ગઈ. તેણે શાલનો ઘા કર્યો, પણ ત્યાં સુધીમાં તેના પગ અંધારાએ પકડી લીધા હતા ને એ બિસ્તરમાંથી નીચે ખેંચાઈ રહી છે. તેણે કસકસાવીને બિસ્તરના પાયા પકડી રાખ્યા ને જોશથી પોતાના શરીરને અંધારાની ભરતીથી અળગું કરવા મથતી રહી. હાથની અને કપાળની નસો ફૂલવા લાગી, આંગળીઓ પર લોહીના ટશિયા ફૂટ્યા ને અંધારામાં કંઈકેટલીયે ઝીણી-ઝીણી સોય તેની પીઠ પર ભોંકાઈ. નમ્રતાને એટલું દર્દ થયું કે તેની ચીખ દબાઈ ગઈ... તેણે આંખો જોશથી મીંચી રાખી તો એ મોટું એમઆરઆઇ મશીન ગોળ ગોળ ફરવા લાગ્યું ને તેના ચહેરા પર ઍનેસ્થેશિયાનાં પડ બાઝવા લાગ્યાં... શ્વાસ રૂંધાયા ને ધબકારા બંધ થઈ ગયા એટલો મૂમઝારો થયો. તેણે મહામહેનતે જોર કરી શ્વાસ લેવા કર્યું ને જોયું તો આસપાસની ભરતી સાવ ગાયબ ને એ બ્લડ સૅમ્પલ ભરેલા બાથટબમાં કંઈકેટલીયે કસનળીઓ સાથે ઝબોળાયેલી હતી. એ જેમતેમ કરીને બાથટબમાંથી બહાર નીકળવા ગઈ તો કસનળીઓ તેના પગ નીચે તૂટી ને એ લપસીને પાછી બાથટબમાં પડી... તે ઝનૂનથી બાથટબની બહાર નીકળી તો ચારેબાજુથી સ્કૂલેથી પાછાં ફરતાં બાળકોની કિલકારી સંભળાઈ... રિક્ષાવાળો સોસાયટીના કંપાઉન્ડમાં ચિલ્લાઈ-ચિલ્લાઈને કહી રહ્યો હતો કે ‘મેમસાહેબ, દિત્યા નથી મળતી.’ નમ્રતાએ સીધી દોટ મૂકી.. સ્પીડ સાથે પગથિયાંઓ કૂદતી-કૂદતી એ તડકામાં ગરમ થઈને પીગળી રહેલી ડામર સડક પર દોડી અને તેના પગ ડામરમાં સજ્જડ ચોંટી ગયા. ચારે બાજુથી વાહનોનાં હૉર્ન સંભળાય છે, માથે બળબળતો સૂરજ તપી રહ્યો છે. તેના ગળે શોષ પડ્યો, માથું ભમવા લાગ્યું. ને તેણે જોયું... ક્ષણ બે ક્ષણ વિશ્વાસ ન થયો... વ્હાઇડ એંજલ ફ્લાવર ડ્રેસ પહેરેલી દિત્યા ગળામાં વૉટરબૅગ અને પીઠ પાછળ સ્કૂલબૅગ લગાવી સામે સ્માઇલ કરતી ઊભી હતી... મોટી-મોટી આંખો પટપટાવતી એ જાણે કહી રહી હતી કે ‘મમ્મી તા.... હું અહીંયાં છું...નમ્રતા દિત્યા તરફ દોડવા ગઈ, પણ એકાએક તેને લાગ્યું કે પગમાં કીડીઓ જેવું કશુંક ચડી રહ્યું છે ને નીચે જોયું તો સડક પરનો ડામર નમ્રતાના પગ પર, પિંડીઓ પર, સાથળ પર, કમર પર, છાતી સુધી, ગળાથી આગળ વધી રહ્યો છે, તેનું આખું અસ્તિત્વ ડામરમાં સજ્જડ અકબંધ અને એ બૂમ પાડવા ગઈ ને બળબળતો ગરમ ડામર ગળામાં પેસી ગયો ને નમ્રતાએ ઊલટી કરી ને પાછળથી કોઈનો હડસેલો લાગ્યો ને એ ફંગોળાઈ, હવામાં ફંગોળાતી રહી, ઝૂલતી રહી, નીચે આવી, પથ્થરો દેખાયા, એ પડી પડી ને લાંબું સૂન્ન... ધડામ કરતું કશું અથડાયું... ને પથારીમાં સૂતેલી નમ્રતાની આંખો ખૂલી ગઈ. દિત્યાના અિગ્નદાહને ચોવીસ કલાકથી વધારે સમય થઈ ચૂક્યો હતો. બહાર ડ્રૉઇંગરૂમમાં બ્રાહ્મણ ગરુડપુરાણનો પાઠ કરવા આવ્યા હતા એની ચહલ પહલ હતી... વાતાવરણમાં ગૂગળની હાજરી અકબંધ હતી. ઘરમાં ધીમા અવાજે ગાયત્રીમંત્રના જાપ ચાલતા હતા. નમ્રતાની નણંદ ફાલ્ગુની નમ્રતાના બેડરૂમમાં આવી તો પરસેવે રેબઝેબ નમ્રતા પથારીમાં હાંફી રહી હતી. ફાલ્ગુની દોડીને નમ્રતા પાસે પહોંચી ગઈ. નમ્રતા ફાલ્ગુનીને નાના બાળકની જેમ ભેટી પડી ને ફાલ્ગુનીના કૉટનના સફેદ દુપટ્ટાના પાલવથી તેણે પોતાનું મોં ઢાંકી દીધું. ફાલ્ગુની જાણે નમ્રતાના દુ:સ્વપ્નને સમજી ગઈ હોય એમ તેને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછ્યા વગર શાંતિથી અડકીને બેસી રહી ને ઉષ્માભર્યા હાથે નમ્રતાની પીઠને પંપાળવા લાગી.

***

ગણેશવિસર્જનની સવાર હતી. આખીયે પંચશીલ રેસિડેન્સીમાં સવારથી ઢોલનગારાં વાગી રહ્યાં હતાં. સોસાયટીના ગણેશને છેલ્લી વાર પોંખી લેવા નવવારી સાડી, કાચની લીલી બંગડીઓ ને નથણીમાં સજ્જ થઈ મોતીચૂર મોદકનો થાળ ધરાવવા jાીઓ અધીરી થતી હતી. પાંચમા માળેથી નમ્રતા અને ચિરાગ દિત્યાને ઊંચકીને ઊભાં હતાં અને દિત્યાને ગણેશજીનાં દર્શન કરાવી રહ્યાં હતાં. દિત્યા અત્યારે ગણેશજીને જોઈને હાથ જોડીને સ્મિત કરી રહી હતી. એક ક્ષણ માટે નમ્રતાને થયું કે એ પણ દિત્યાને લઈને નીચે જાય અને દિત્યાને ગણપતિનાં દર્શન એકદમ નજીકથી કરાવે, પણ તે ચિરાગના સ્વભાવને પણ જાણતી હતી. કોઈ પોતાની દીકરી વિશે જાહેરમાં દયા ખાય કે બાપડો બિચારો ચહેરો બનાવે એ ચિરાગને બિલકુલ ગમતું નહોતું. દર વર્ષે તો એ લોકો પોતાના ઘરે પણ ગણપતિ બોલાવતા, પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી હૉસ્પિટલની દોડાદોડીમાં પોતાના ઘરે ગણપતિની મૂર્તિ પધરાવવી મુશ્કેલ હતી. એ લોકો ગણેશજીનાં દર્શન કરતાં હતાં કે ચિરાગના ફોનમાં રિંગ વાગી. ચિરાગે દિત્યાને ઊંચકી હતી એટલે નમ્રતાએ ફોન હાથમાં લીધો તો મોબાઇલ સ્ક્રીન પર ડૉ. ઓમકારનું નામ હતું. નમ્રતાએ તરત ફોન રિસીવ કર્યો,

‘હા ડૉ. ઓમકાર. નમ્રતા બોલું છું!’

‘નમ્રતા, દિત્યાને લઈને તમે લોકો તાત્કાલિક જસલોક હૉસ્પિટલ પહોંચો.’ નમ્રતા પહેલાં તો સમજી જ ન શકી કે ડૉક્ટર શું કહી રહ્યા છે.

‘ડોક્ટર, દિત્યા અત્યારે તો ફાઇન છે. તેને કશું....’

‘મિસિસ મહેતા, હૈદરાબાદથી તમારી દીકરીના રિપોર્ટ આવી ગયા છે અને ડૉ. અનાયતા હેગડેએ તમને એની હાઉ અત્યારે ને અત્યારે હૉસ્પિટલ બોલાવ્યાં છે... યુ હૅવ ટુ કમ... કમ ફાસ્ટ!’ નમ્રતાના ધબકારા એકદમથી વધી ગયા. શું બોલવું એ તેને સમજાયું નહીં ને શરીરે પરસેવો થવા લાગ્યો.

આ પણ વાંચો : કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 14)

‘ડૉક્ટર ઓમકાર, કશું સિરિયસ તો નથી ને....’ એને લાગ્યું કે હવે એક શબ્દ પણ વધારે બોલશે તો તે રડી પડાશે. ચિરાગનું ધ્યાન નમ્રતા તરફ ગયું. તે નમ્રતાનો ફિક્કો પડી ગયેલો ચહેરો જોઈને ડઘાઈ ગયો. લગભગ દોડી પડ્યો હોય એમ દિત્યાને ઊંચકી તે નમ્રતા પાસે પહોંચી ગયો ત્યારે તેણે પણ ડૉક્ટર ઓમકારનો અવાજ સાંભળ્યો,

ગણેશવિસર્જનના દિવસે... હૉસ્પટિલ બંધ હોય ને એમ છતાં તમને તાત્કાલિક બોલાવીએ તો ઇમર્જન્સી તો હોવાની જ ને... ડૉ. અનાયતા હેગડે તમારી રાહ જોઈ રહ્યાં છે... ક્વિક ફાસ્ટ... ઝડપથી...’ ડૉ. ઓમકારનો બાકીનો અવાજ સોસાયટીનાં ઢોલનગારાંના એકાએક વધી ગયેલા અવાજમાં દબાઈ ગયો. ઢોલના થાપની ધ્રુજારી જાણે બંને પતિપત્ની અનુભવતાં હોય એમ એકબીજાની સામે ફાટી આંખે જોઈને ચિરાગ-નમ્રતા ધ્રૂજતાં રહ્યાં... (ક્રમશ:)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK