કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 14)

03 March, 2019 11:56 AM IST  |  | રામ મોરી

કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 14)

કંકુના સૂરજ આથમ્યા

નવલકથા

નમ્રતા અને ચિરાગ હૉસ્પિટલના પૅસેજમાં ઊભાં હતાં. એકબીજાની અડોઅડ. એકબીજાની પીડાની લગોલગ. બન્નેના મનમાં અત્યારે લાંબા અફાટ રણનો સન્નાટો પડઘાતો હતો. જલ્પેશ, અરુણા અને જશોદાબહેન એ લોકોથી ખાસ્સા દૂર ઊભાં હતાં. સવારના અગિયાર વાગ્યા હતા. અમદાવાદ ચિલ્ડ્રન હૉસ્પિટલનો એ આખો પૅસેજ બાળકોની કિલકારી અને રડવાના અવાજથી ઊભરાતો હતો, પણ નમ્રતા અને ચિરાગને જાણે કે અત્યારે કશું જ સંભળાતું નથી. ડૉક્ટર હિરેન ત્રિવેદી પોતાની કૅબિનમાંથી બહાર આવ્યા અને નમ્રતા તથા ચિરાગ પાસે પહોંચ્યા, ‘મિસ્ટર ઍન્ડ મિસિસ મહેતા, આદિત્યનું બ્લડ-સૅમ્પલ અમે લોકોએ લઈ લીધું છે. તમે લોકો શ્યૉર છોને કે આપણે હવે તેને વેન્ટિલેટર પર નથી રાખવો, કેમ કે વેન્ટિલેટર હટાવી લઈશું એ પછી તમારો દીકરો માંડ દસથી પંદર મિનિટ...’

ચિરાગે નમ્રતા સામે જોયું. નમ્રતાએ બે હાથ જોડીને ડૉક્ટર સામે જોયું, ‘અમારો નિર્ણય અફર છે! અમારા બબુએ પારાવાર પીડા ભોગવી લીધી છે. હવે તેને અમે અમારા બંધનમાંથી મુક્ત કરીએ છીએ!’

સામે ઊભેલા ડૉક્ટર પણ એક ક્ષણ માટે હચમચી ગયા. આ જ હૉસ્પિટલમાં પોતાનાં સંતાનોના જીવન માટે કરગરતાં અનેક માબાપ તેમણે ખૂબ નજીકથી જોયાં છે, પણ આજે પોતાના સંતાનના પીડામુક્તિના મૃત્યુ માટે દૃઢ નિર્ણય સાથે અડગ બનીને હાથ જોડતાં માબાપ તેમણે પહેલી વાર જોયાં.

ડૉક્ટર હિરેન ત્રિવેદીએ નમ્રતા અને ચિરાગ સામે હાથ જોડ્યા, ‘તમને લોકોને વંદન છે. બહુ ઓછા માબાપમાં આવી હિંમત હોય છે!’

ચિરાગે ડૉક્ટરના હાથ ઉષ્માથી દબાવ્યા અને ભીની આંખે બોલ્યો, ‘ડૉક્ટર, માબાપ બનવાની ક્ષણ સાથે જ દરેકમાં અખૂટ હિંમત આપોઆપ આવી જતી હોય છે. જન્મ બાળકનો નહીં, માબાપનો થતો હોય છે. મૃત્યુ પણ બાળકનું નહીં, માબાપનું થતું હોય છે!’

ડૉક્ટર હિરેન ત્રિવેદીને થયું કે અહીં હૉસ્પિટલના પૅસેજમાં આ રીતે ઊભા નહીં રહી શકાય. તેમણે ઝડપથી પીઠ ફેરવી લીધી જાણે આ પરિસ્થિતિને લાંબો સમય જોવા ન માગતા હોય. પોતાની કૅબિનમાં જતાં-જતાં તેમણે નર્સને સૂચના આપી દીધી. થોડી વારે આદિત્યનું વેન્ટિલેટર ખસેડી લેવામાં આવ્યું. નર્સે આદિત્યને હાથમાં તેડ્યો. આદિત્યની ૧૪ દિવસની ઝીણી આંખો બંધ હતી. નર્સ ક્ષણ-બે ક્ષણ પોતાના હાથમાં રહેલા આદિત્યને જોઈ રહી. તેને બાળક પર વહાલ થઈ આવ્યું ને તેણે આ બાળકને પોતાની છાતીચરસું ચાંપ્યું. નર્સ ધીમા પગલે ચિરાગ અને નમ્રતા પાસે આવી. ચિરાગ અને નમ્રતા હાથ ફેલાવીને ઊભાં રહ્યાં. નર્સે આદિત્યને હળવેથી ચિરાગ અને નમ્રતાના હાથમાં મૂક્યો. ચાર હાથનો ખોળો જાણે કે ઘોડિયાની ખોળ બની ગયો. ચિરાગ અને નમ્રતા આદિત્યને જાણે કે પોતાના ચાર હાથમાં ઝુલાવતાં હતાં. બન્નેની આંખો આદિત્યના ચહેરાને મનભરીને છેલ્લી વાર નિહાળી રહી હતી. નાનકડા બબુની આંખો સહેજ હળવાશથી ખૂલી. ચિરાગ અને નમ્રતાની આંખો સજળ થઈ. પૅસેજની દીવાલ પાસેથી વિન્ડોગ્લાસમાંથી ચળાઈને આવતો તડકો જાણે આખી ઘટનાને ઉષ્માથી પંપાળી રહ્યો હતો. ચિરાગે સહેજ ઝૂકીને બબુના ગાલ પર હળવેથી ચુંબન કર્યું. બબુના ચહેરા પર સ્મિત રેલાયું. નમ્રતા ભીની આંખે હરખાઈ. બન્ને જણ એકબીજાની સામે આંસુ ભરી આંખે સ્મિત કરતાં હતાં. બન્નેની આંખમાંથી આંસુ ગાલ પરથી રેલાઈને બબુના નાનકડા હાથ પર અને કુમળા ગોઠણ પર પડતાં હતાં. આંસુની બુંદ સ્પર્શ થતાં જ બબુના ચહેરા પર આછું સ્મિત આવી જતું હતું. નમ્રતાએ ઝૂકીને બબુને પોતાના ગળે એવી રીતે વળગાડ્યો જાણે ક્યાંય જવા જ નથી દેવો. ચિરાગ નમ્રતા અને બબુ બન્નેને કવર કરતો હોય એમ ભેટીને ઊભો રહ્યો. જાણે આવનારી દરેક તકલીફ કે પીડા પર સૌથી પહેલો અધિકાર તેનો હોય. બન્ને લોકો આંખો બંધ કરીને નાનકડા આદિત્યને ભેટીને હૉસ્પિટલના પૅસેજના તડકામાં ઊભા હતા. ત્રણેયના ધીમા શ્વાસ અને ધબકારા એકસૂરે ગૂંથાયા... ચિરાગ અને નમ્રતાને લાગ્યું કે આ ક્ષણે એ લોકો હૉસ્પિટલના પૅસેજમાં નથી પણ કાંદિવલીના પોતાના ફ્લૅટના પાંચમા માળે પોતાના ડ્રૉઇંગરૂમમાં બેઠાં છે. ખુલ્લી સ્લાઇડિંગ વિન્ડોમાંથી મુંબઈનો દરિયાઈ પવન ઘરમાં પ્રવેશી રહ્યો છે. વિન્ડોગ્લાસના છેડે લાગેલા ફ્લાવર પ્રિન્ટના ફૂલગુલાબી પડદાઓ ઊડાઊડ કરી રહ્યા છે. હાથમાં કૉફીનો મગ પકડીને લિવાઇઝનું વાઇટ ટી-શર્ટ અને આર્મી પ્રિન્ટની ગ્રીન શૉર્ટ્સ પહેરેલો ચિરાગ ન્યુઝપેપર વાંચી રહ્યો છે. રસોડામાં નમ્રતા ઑફ-વાઇટ પિન્કિંશ સાડીમાં નખશિખ સુંદર દેખાતી નમ્રતા પાટલી પર ફટાફટ વેલણ ફરવતી રોટલી બનાવી રહી છે. તેના વાળની લટો વારંવાર ચહેરા પર ધસી આવે છે અને લોટવાળા હાથે તે જેટલી વાર લટો કાન પાછળ ધકેલે છે એટલી વાર ચહેરો ઘઉંના લોટથી રંગાયા કરે છે. ડ્રૉઇંગરૂમમાં દિત્યા અને આદિત્ય મોટા-મોટા અવાજે તોફાન કરી રહ્યાં છે. નાનકડો આદિત્ય જે હમણાં-હમણાં દોડતાં શીખ્યો છે તે દિત્યાના પેન્સિલ કલરને નાની આંગળીઓ જોશથી ભરાવીને બટકાવી નાખે છે, દિત્યાની હોમવર્ક બુકના કાગળ ફાડી નાખે છે અને દિત્યા તેને રોકવા જાય તો આદિત્ય દિત્યાના વાળ પકડી ખેંચીને દોડી-દોડીને બેડરૂમમાં ભાગી જાય છે. ટીવી પર મોટા અવાજે કાટૂર્ના ચાલી રહ્યું છે. દિત્યા રડી રહી છે, ‘મમ્મીતા... આ બબુ મારા કલર્સ ડિસ્ટ્રૉય કરે છે... મને મારે છે...’

‘ચિરાગ, પ્લીઝ યાર... તારા છોકરાઓ મારો જીવ લઈ લેશે... થોડું તો ધ્યાન આપ... આખો રવિવાર માથે લઈ લે છે.’

‘નમ્રતા, બાળકો તોફાન નહીં કરે તો કોણ કરશે? મજા આવે છે... ભલે રમતાં.’

નમ્રતા વેલણ લઈને ડ્રૉઇંગરૂમમાં ધસી આવે છે, ‘ચિરાગ, નેક્સ્ટ રવિવારથી હું આખો દિવસ ઘરની બહાર શૉપિંગ કરવા ને ફરવા જતી રહીશ. એકલા-એકલા દિત્યા અને આદિત્યને સંભાળવાનાં થશે ત્યારે સમજાશે કે કેટલા વીસે સો થાય.’

‘ચિલ નમ્રતા, બાળકો સંભાળવાં એટલું પણ કંઈ મુશ્કેલ નથી.’

‘ઓહ એમ? તો સાચવી બતાવ. મનેય ખબર પડે કે તારાથી બે-બે બાળકો કેવી રીતે સચવાય છે?’ ચિરાગ નમ્રતાની સામે સ્મિત કરે છે અને કૉફીનો મગ સાઇડમાં મૂકી છાપું સંકેલીને ઊભો થાય છે. નમ્રતા ચિરાગના ભેદી સ્મિતને સમજવા મથતી રહે છે. નમ્રતા સાંભળી શકે એટલા ઊંચા અવાજે તાલબદ્ધ ચપટી વગાડીને ચિરાગ બોલવા લાગે છે...

‘પપ્પાનું ફેવરિટ કોણ છે?’

‘દિત્યા!’

‘આદિઈઈઈઈઈ.’

નાનકડો આદિત્ય પોતાની કાલીઘેલી ભાષામાં અને દિત્યા મોટા અવાજે તાળીઓ પાડતી. બન્ને કૂદકા મારતાં નાચવા લાગ્યાં. ચિરાગની ચપટીના તાલે બન્ને બાળકો ઝૂમી-ઝૂમીને ચિરાગને જવાબ આપતાં હતાં.

‘પપ્પા સૌથી વધુ પ્રેમ કોને કરે?’

‘દિત્યા!’

‘આદિઈઈઈઈઈ...’

દિત્યા અને આદિત્ય ચિરાગની ચપટીના તાલ પર ગોળ-ગોળ ફરતાં હતાં.

પપ્પા સાથે દરિયે ફરવા જવાનું જેને ગમે છે એ મારું ડાહ્યું-ડાહ્યું કોણ છે?

‘દિત્યા!’

‘આદિઈઈઈઈઈ.’

દરિયાનું નામ સાંભળીને બન્ને ભાઈબહેન ગેલમાં આવી જાય છે અને ચિરાગને જવાબ આપતાં-આપતાં ઉત્સાહમાં આવીને વધારે જોરથી કૂદવા લાગે છે. ચિરાગ વારાફરતી બન્ને બાળકોને પોતાના બે હાથમાં ઊંચકી ગોળ-ગોળ ફેરવીને બન્નેના ગાલે કિસ આપે છે.

‘તો પછી સૌથી પહેલું હોમવર્ક ફિનિશ કરે અને આપસમાં ઝઘડા ન કરે એ પપ્પાને વહાલાં દીકુ ને બબુ કોણ?’

જવાબમાં ફટાફટ હાથમાં પેન્સિલ પકડીને હોમવર્ક બુક પર એબીસીડી ઘૂંટતાં-ઘૂંટતાં દિત્યા બોલી, ‘દિત્યા!’

ને દિત્યાના ગાલે કિસ કરીને નાનકડો આદિત્ય તાળીઓ પાડીને બોલે છે.

‘આદિઈઈઈઈઈ.’

જવાબમાં દિત્યા આદિત્યને પોતાના બન્ને હાથમાં સમાવી લે છે અને આદિત્ય સીધો દિત્યાના ખોળામાં કૂદે છે. દિત્યાથી આદિત્યનો ભાર સહી શકાતો નથી તો બન્ને ભાઈબહેન નીચે બેઠાં-બેઠાં જ ગબડી પડે છે. નમ્રતા અને ચિરાગ બન્ને આ દૃશ્ય જોઈને જોર-જોરથી હસી પડે છે. આદિત્ય અને દિત્યાનું ધ્યાન નમ્રતાના જમણા ગાલ પર અને વાળની લટ પર લાગેલા ઘઉંના સફેદ લોટ તરફ જાય છે તો એ બન્ને ભાઈબહેન પણ તાળીઓ પાડી-પાડીને જોરજોરથી હસી પડે છે. સ્લાઇડ વિન્ડોગ્લાસમાંથી વધારે જોશથી મુંબઈના દરિયાનો એકસામટો ભીનો પવન રૂમમાં પ્રવેશે છે અને વાસંતી ફૂલોની પડદાની ફૂલગુલાબી પ્રિન્ટ એ લોકોના સુખી સંસારને વીંટળાઈ વળે છે...

...હૉસ્પિટલના પૅસેજમાં ગ્લાસવિન્ડોમાંથી તડકો એકસામટો ઢોળાયો ને ચિરાગ-નમ્રતાની પીઠ દાઝી. એ લોકોએ આંખો ખોલી. નમ્રતાએ અનુભવ્યું કે તેણે બબુને છાતીચરસો ચાંપ્યો છે. એમાં તેને થોડી ઉધરસ ચડી. બન્ને પતિ-પત્નીએ ફટાફટ ભીની આંખો લૂંછી. ૧૪ દિવસનો બબુ તૂટક-તૂટક ધીમા શ્વાસ લેતો હતો. તેના ચહેરા પરનો ગુલાબી રંગ ધીમે-ધીમે ફિક્કો પડતો જતો હતો. વેન્ટિલેટર હટાવી લીધું એ પછી તેના શરીરમાં રહેલા ઑક્સિજનની માત્રા ઘટવા લાગી એનાં નિશાન તેના ગાલ, કપાળ અને આંગળીઓની સફેદ ત્વચા પર દેખાવા લાગ્યાં હતાં. શ્વાસ એકદમથી ધીમા પડ્યા હતા. નમ્રતાને છાતીમાં ફડકો પડ્યો. તેણે ચિરાગ સામે જોયું.

‘ચિરાગ... બબુ.’

ચિરાગની ધ્રૂજતી આંગળીઓ આદિત્યના નાક પાસે ગઈ અને આદિત્યએ ડચકું ખાધું. નમ્રતા નિરાધાર રડતી રહી. ચિરાગે પણ આજે પોતાની જાતને રોકી નહીં. તે પણ ચોધાર વરસતો રહ્યો. ચાર હથેળીઓના ખોળામાં ૧૪ દિવસનો દીકરો ડચકાં ખાઈ રહ્યો હતો. શ્વાસ સાથેનો સંબંધ છોડી રહ્યો હતો. ચિરાગે હિંમત કરી અને બબુના કાન પાસે પોતાનો ચહેરો લઈ ગયો.

‘બબુ, બેટા... મમ્મી-પપ્પાને મળવા પાછો આવીશને? મમ્મી-પપ્પા તને જતાવી નથી શક્યાં, પણ તારાં પપ્પા-મમ્મી તને બહુ જ પ્રેમ કરે છે બેટા. તું જો ન રોકાવાનો હોય તો પછી આ શરીરને મુક્તિ આપ બેટા અને જો રોકાવાનો હોય તો પ્લીઝ રોકાઈ જા, કેમ કે અમે તને બહુ જ...’ ચિરાગની વાત અધૂરી રહી અને એક હળવા ડચકા સાથે બબુના શ્વાસ અટકી ગયા ને ૧૪ દિવસના ગુલાબી ફિક્કા પડી રહેલા પરવાળા જેવા નાનકડા હોઠ સહેજ ખુલ્લા રહી ગયા... ચિરાગ એક ડગલું પાછળ હટીને દીવાલના ટેકે બેસી પડ્યો, નમ્રતા ધરતીની છાતી ચિરાઈ જાય એવી ચીસ પાડી ઊઠી ને આખી હૉસ્પિટલ હચમચી ગઈ!

***

બેડ પર આડી સૂતેલી નમ્રતાએ જ્યારે આંખ ખોલી રૂમમાં નાઇટલૅમ્પનો અજવાશ પથરાયેલો હતો. થોડી ક્ષણો માટે તે જાણે કે ભૂલી જ ગઈ હતી કે તે દિત્યાની અંતિમવિધિ કરીને ઘરે આવી છે. નાઇટલૅમ્પના અજવાશમાં તેણે બેડ પર નજર કરી. બેડના જે ભાગમાં હંમેશા દિત્યા સૂઈ રહેતી એ ભાગમાં ઉજ્જડ ખાલીપો હતો. આંખનાં પોપચાં એકદમ વજનદાર લાગ્યાં. જાણે કોઈ ખરાબ સપનાનો ભાર હતો. થોડી વાર સુધી તેને લાગ્યું કે આ એક ખરાબ સપનું જ છે કદાચ... બાકી બધું બરાબર છે... કશું જ થયું નથી. બધું એમનું એમ અકબંધ છે. તે ઊભી થઈ તો તેનું ધ્યાન બારી પાસે ખુરસીમાં બેસીને એકીટશે મુંબઈના રસ્તાઓને જોઈ રહેલા ચિરાગ તરફ ગયું. તે હળવેથી ઊભી થઈ અને ચિરાગ પાસે ગઈ અને તેના પગ પાસે બેસીને ચિરાગ જે દિશામાં જોતો હતો ત્યાં જોવા લાગી. લાલ-લીલી અને પીળી લાઇટોની આંખોથી અંજાયેલા મુંબઈના રસ્તાઓ જાતજાતનાં હૉર્નથી ઉભરાયેલા હતા. નમ્રતાને થયું કે આ બધા બહાર છે એનાથી પણ વધારે મોટો કોલાહલ તો અંદર પેસેલો છે. ઉપર સ્વચ્છ આકાશ હતું જેમાં અર્ધચંદ્રમા મુરઝાયેલી અવસ્થામાં એક પાતળી વાદળીની પાછળ ઉદાસી સંતાડીને બેઠો હતો. નમ્રતાએ ચિરાગની આંખ સામે જોયું તો તેને લાગ્યું કે તેની આંખમાં પણ અધૂરા ચંદ્રમાની કોઈક ઉદાસી અકળાઈને સંતાઈ રહી છે. તેણે ચિરાગના હાથ પર પોતાનો હાથ પ્રેમથી મૂક્યો. ચિરાગની આંખની ધાર પાસેથી આંસુ છલકાયાં, ‘નમ્રતા, હું દિત્યાનો પપ્પા છું. મારો પણ તેના પર એટલો જ હક છે જેટલો તારો છે. મને પણ એટલો જ પ્રેમ મળવો જોઈએ જેટલો તને મળે. મને પણ એટલી જ પીડા મળવી જોઈએ જેટલી તને મળે. મને પણ દિત્યા સાથે એટલો સમય મળવો જોઈએ જેટલો તને મળ્યો છે...’

નમ્રતાને લાગ્યું કે જાણે ચિરાગ કોઈ સમાધિમાંથી બોલી રહ્યો છે. તેની આંખો સજળ હતી, પણ આંસુ તો જાણે તેના શબ્દ શબ્દમાંથી છલકાતા હતા.

‘...પણ એવું નથી થયું નમ્રતા. મારી દીકરી સાથે મને એટલો સમય નથી મળ્યો જેટલો સમય તું તેની સાથે રહી છે. જેટલી સરળતાથી તું તેના નામનું તેની સામે રડી શકતી હતી એટલી સરળતાથી તેની સામે હું નથી રડી શક્યો. હું તેને પ્રેમ કરતો હતો, પણ એ પ્રેમ જતાવી શકવાની કોઈ ક્ષણો મને નથી મળી. હું નથી દર્શાવી શક્યો મારો પ્રેમ. તું સતત તેની સાથે રહી છે. તેના પહેલા શ્વાસથી લઈને છેલ્લા શ્વાસ સુધી તેની આસપાસ સતત તું હતી નમ્રતા... સતત તું! નમ્રતા... આખી વાતમાં મારું અસ્તિત્વ ક્યાં છે? મારી દીકરી સાથે હું હૉસ્પિટલના બિછાને તેનો હાથ પકડીને આખો દિવસ બેસી શકું એવું સૌભાગ્ય મને નથી મળ્યું. હું તેની મૌન આંખોમાં જોઈને તેને સંભળાય છે કે નથી સંભળાતું, તેને દેખાય છે કે નથી દેખાતું એની કોઈ જ ચિંતા કર્યા વગર હું તેની પાસે બેસીને સતત બોલી શકું, હું તેને કહી શકું કે મારી પાસે તેની કઈ-કઈ યાદગાર ક્ષણો છે એ કશું જ નથી થઈ શક્યું. હું મારા પ્રેમને એક્સપ્રેસ જ નથી કરી શક્યો...’ ચિરાગનું ગળું ભરાઈ આવ્યું. આગળ બોલવાનો પ્રયત્ન કર્યો, પણ ગળામાં બાઝેલા ડૂમાએ તેને અટકાવ્યો.

નમ્રતા ચિરાગની પીઠ પર હાથ ફેરવવા લાગી. તેને થયું કે ચિરાગને બધું બોલી લેવા દઉં... મનમાં ગંઠાઈ ગયેલી પીડાની, ફરિયાદોની, જાત સાથેના સંવાદોની દરેક ગાંઠ આજે રાતે ખૂલી જવી જોઈએ.

‘નમ્રતા, હું રાતદિવસ મહેનત કરતો. એટલા માટે કે આપણી દીકરીની સારવારના ખર્ચા માટે ક્યાંય પૈસાની તંગી ઊભી ન થવી જોઈએ. મારી દિત્યાની માંદગી જો પૈસા નથી એ અભાવે અટકી જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. લાખો કરોડો ખર્ચવા પડે તો પણ હું ખર્ચીશ, પણ ઘરમાં પૈસા નથી એ અભાવે દિત્યાની સારવાર...’ તે થોડી વાર બોલતો અટકી ગયો, થોડી ઉધરસ ખાધીને ગળે ફસાયેલા ડૂમાને પાણી બનીને વહેવા દીધું. નમ્રતા એકીટશે ચિરાગને જોતી હતી... તેને થયું કે આ પુરુષે આજ સુધી આવી કેટકેટલી અધૂરપ છાતીમાં ચસોચસ ભીડી રાખી હશે. પીડા ને ફરિયાદનો સહેજ પણ અંદેશો આવવા નથી દીધો.

‘મને સતત એવું લાગે છે નમ્રતા કે હું દિત્યાની આસપાસ ક્યારેય ક્યાંય હતો જ નહીં. સતત વતુર્ળકની બહાર ધકેલાઈ જતું કેન્દ્ર હોવાનું અનુભવાયું છે. સતત તું અને દિત્યા... દિત્યા અને તું... આની આસપાસ હું મારી જિંદગી ગૂંથતો રહ્યો ને સુગરીના માળાની જેવું એક એવું કવચ બનાવ્યું જેમાં તમને સાચવી રાખ્યાં, પણ હવે લાગે છે કે એ કવચ એટલું ગીચ અને જટિલ હતું કે હું જ એમાં પ્રવેશી ન શક્યો. મારી ઑફિસના સો પ્રfનો, મારી ઑફિસનું ટેન્શન મેં તમારા સુધી ક્યારેય નથી પહોંચવા દીધું; કેમ કે મારે તમને મારા તરફથી કોઈ જ પ્રકારનો માનસિક તનાવ નહોતો આપવો. નમ્રતા, તને સપોર્ટ કરનારા તો બહુબધા હતા, મને સપોર્ટ કરનારું મારી ઑફિસમાંથી તો કોઈ જ નહોતું... એમ છતાં હું તૂટuો નહીં ને તમારી સામે સ્થિર બનીને ઊભો રહ્યો. મને લાગે છે કે એક પુરુષ તરીકેનું મારું અડગ સ્થિર હોવું એ મારી નબળાઈ હતી... પીડાને પંપાળતાં મને ન આવડ્યું ને બધું મારી અંદર ને અંદર... હું મારી દીકરીને સમય નથી આપી શક્યો પણ... પણ હું તેને બહુ જ પ્રેમ કરું છું નમ્રતા...’ ચિરાગ નાના બાળકની જેમ હીબકે ચડ્યો અને ખુરસી પરથી નીચે ફસડાઈ પડ્યો. નમ્રતા તેને ભેટીને રડતી રહી. ચિરાગને પણ લાગ્યું કે જાણે છાતી પર યુગોના યુગોથી ભંડારાયેલો કોઈ ભાર હળવો થયો.

‘ચિરાગ, સંતાનો નદીના વહેણ જેવાં હોય છે. માબાપ નદીના સામસામે ઊભેલા બે કિનારા હોય છે. નદીનું વહેણ સ્થિર નથી. એ પ્રવાહ આવે છે અને જતો રહે છે. નદીના કાંઠા એને સાક્ષીભાવે જોઈ રહે છે. પ્રવાહ માટે તો નદીના બન્ને કાંઠા એકસરખા છે. ધોવાણ થાય કે લીલ બનીને બાઝી જાય, પણ પ્રવાહ એ દરેક અવસ્થા એકસરખા ભાવે બન્ને કાંઠાને આપે છે. દિત્યા માટે આપણે જે કંઈ કર્યું એ આપણા બન્ને તરફથી હતું ચિરાગ. કાળના અãગ્નકુંડમાં પ્રેમના નામે જેટલી પણ પીડાની આહુતિ અપાઈ એ સ્વાહામાં આપણા બન્નેનો હાથ હતો. તમારી દીકરી નખશિખ જાણતી હતી કે તેના પપ્પા તેને કેટલો પ્રેમ કરે છે. પ્રેમ સાબિતીનો નહીં, અનુભવનો વિષય છે. તારે તારા પ્રેમ વિશેના કોઈ પુરાવા આપવાની જરૂર એટલે નથી કેમ કે હું ટકી શકી છું એનું કારણ માત્ર ને માત્ર તારો પ્રેમ છે ચિરાગ. તું સાચું માનીશ? હૉસ્પિટલના બિછાના પર જ્યારે આપણી દિત્યા મૃત્યુની નજીક ધકેલાતી જતી હતી ત્યારે મને એવું ક્યારેય નથી લાગ્યું કે એ રૂમમાં હું એકલી હતી. મને મારી હિંમતમાં સતત તારું હોવાપણું અનુભવાયું છે!’

ચિરાગ મન ભરીને જાત ઠાલવતો રહ્યો ને નમ્રતા તેને સાંત્વન આપતી રહી. જાણે ફરી પીડાનાં બે જાગતાં પડળ એકબીજાને આધાર આપીને પાછલી રાત સુધી એકબીજાની હૂંફમાં ધબક્યા કરવાનાં હોય!

***

અમદાવાદના બોપલમાં નાનકડા આદિત્યની અંતિમવિધિ પૂરી કરીને ચિરાગ પુરુષોના ટોળા સાથે ઘરે આવ્યો ત્યારે નમ્રતા બહાર હીંચકા પર ગુમસૂમ બેસેલી હતી. ચિરાગ નમ્રતાની પાસે આવીને બેસી ગયો. ચિરાગની બહેન ફાલ્ગુની, બનેવી, અરુણાભાભી, જલ્પેશભાઈ, જશોદાબહેન, હસુમતીબહેન બધા લોકો સ્થિર નજરે ચિરાગ અને નમ્રતા તરફ જોવા લાગ્યાં. ચિરાગે નજર નીચે રાખી અને ખોંખારો ખાઈને સંવાદનો સેતુ સાધવાનો પ્રયત્ન કર્યો, ‘નમ્રતા, બબુ સાથેના દિવસોનું જેટલું સુખ આપણા નસીબમાં હતું એ આપણે જીવી લીધું. હવે જે આપણી પાસે નથી તેની પીડાને પંપાળવા જતાં જે આપણી સાથે છે તેને ક્યાંક અન્યાય ન થઈ જાય!’

નમ્રતાએ ચિરાગે સામે કોરી નજરે જોયું. ચિરાગનાં મમ્મી હસુમતીબહેન દિત્યાને તેડીને નમ્રતા પાસે આવ્યાં. નમ્રતાએ દિત્યાનો જમણો હાથ પકડ્યો ને હથેળી ભીની આંખે ચૂમી લીધી.

‘મમ્મીતા, બબુ ક્યાં છે? પપ્પા બબુને ક્યાં મૂકી આવ્યા?’ દિત્યા બની શકે એટલા સ્પક્ટ અવાજે બોલવાનો પ્રયત્ન કરતી હતી, પણ તેના શબ્દો જાણે કે હાંફી જતા હોય એમ ઢસડાઈ-ઢસડાઈને બોલાતા હતા.

હસુમતીબહેને દિત્યાને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, ‘બેટા, બબુ છેને ભગવાનને મળવા ગયો છે... તારા હનુદાદાની પાસે ગયો છે.’

દિત્યા આ જવાબથી જાણે કે મૂંઝાઈ. તેણે જોયું કે મમ્માની આંખમાંથી આંસુ નીતરી રહ્યાં છે. તે ચિરાગ સામે જોઈને બોલી, ‘પપ્પા, મમ્મીતાને કહો કે... રડે નહીં... ભગવાન પાસે જઈને હું બબુને લઈ આવીશ!’

નમ્રતાએ દિત્યાને ઊંચકી લીધી ને પોતાનાં આંસુ લૂંછીને તેને બચ્ચીઓ ભરવા લાગી. ચિરાગે પોતાના મોબાઇલમાં મુંબઈની જસલોક હૉસ્પિટલમાં મેઇલ ટાઇપ કરી.

આ પણ વાંચો : કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 13)

‘હાય, હું ચિરાગ મહેતા. અમને કાંદિવલીથી ડૉક્ટર સ્વપ્નિલ કદમનો ડૉક્ટર અનાયતા હેગડેનો રેફરન્સ મળ્યો છે. મારી સાત વર્ષની દીકરી દિત્યા માટે અમારે ડૉક્ટર અનાયતા હેગડેની અપૉઇન્ટમેન્ટ જેટલી જલદી બની શકે એટલી જલદી જોઈએ છે. પ્લીઝ, આ અમારી વિનંતી છે, મોડું ન કરશો. અહીં શ્વાસ સંતાનના નહીં, માબાપના ખૂટી રહ્યા છે!’ (ક્રમશ:)

Raam Mori columnists weekend guide