Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 13)

કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 13)

24 February, 2019 12:53 PM IST |
રામ મોરી

કંકુના સૂરજ આથમ્યા! : (પ્રકરણ - 13)

કંકુના સૂરજ આથમ્યા

કંકુના સૂરજ આથમ્યા


નવલકથા  

હૉસ્પિટલમાં દિત્યાના સાતમા બર્થ-ડેની કેક કટ થઈ. મુંબઈથી આવેલો ચિરાગ, નમ્રતા, ગઈ કાલે જ જન્મેલો દિત્યાનો નાનકડો ભઈલુ આદિત્ય, દિત્યાના જલ્પેશમામા, અરુણામામી, ફાલ્ગુનીફોઈ અને પ્રતીકફુઆ, જશોદાબહેન બધાં હાજર હતાં. ચિરાગના બન્ને હાથના ટેકે ઊભી રહેલી દિત્યા અસ્પષ્ટ, પણ ઉત્સાહી અવાજે પોતાના માટે તાળીઓ પાડી-પાડીને હૅપી બર્થ-ડે...હૅપી બર્થ-ડે બોલતી હતી. ખોળામાં સૂતેલા નાનકડા આદિત્યને દૂધ પાઈ રહેલી નમ્રતાની આંખો હર્ષથી ભીંજાઈ ગયેલી. તેના ખોળામાં દિત્યાની આવતી કાલ કિલકારી કરી રહી હતી. ચિરાગ અને નમ્રતા બન્ને એકબીજાની સામે ઉષ્માથી જોઈ રહ્યાં. જાણે જીવનના અર્ધા પ્રશ્નો શમી ગયા. હવે કોઈ પ્રશ્નના જવાબો નથી જોઈતા. દિત્યાની દરેક પ્રકારની ખોડખાંપણને સાચવી લેનાર હૂંફ આવી ગઈ છે. દિત્યાનો સ્પક્ટ અવાજ અત્યારે ધીમા અવાજે દૂધ પીતી વખતે હોંકારા આપે છે. દિત્યાની લથડાતી ચાલ આવતી કાલે ભાંખોડિયાં ભરતી હશે ને ચાંદીની ઘૂઘરીઓ રણકાવી આખા ઘરમાં દોડશે. નમ્રતા દિત્યા તરફ ભાવુક નજરે જોઈ રહી.



ચિરાગ...દિત્યા તો જતી રહી...આપણે હવે શું કરીશું? નમ્રતાનો આ પ્રશ્ન આંસુ બની ચિરાગના ગાલ પર રેલાઈ ગયો. દિત્યાનો અગ્નિદાહ પૂરો થઈ ગયો એ પછી આ નમ્રતાનું પહેલું આક્રંદ હતું. રડી-રડીને અધમૂઈ થઈ ગયેલી નમ્રતા ચિરાગના ખોળામાં હાંફી રહી હતી. ચિરાગ તેની પીઠને પંપાળી રહ્યો હતો.


નમ્રતા, અત્યાર સુધી આપણે દિત્યા માટે જીવવાનો પ્રયત્ન કરતાં હતાં, હવે આપણે એકબીજા માટે જીવવાનો પ્રયત્ન કરવો પડશે.

પણ દિત્યા વિના હવે આપણે શું કરીશું? આપણે હવે કોના વિશે વાતો કરીશું? આપણી દીકુ આપણી વાતોનું કેન્દ્રબિંદુ હતી... ચિરાગ, આપણી વાતો જ આથમી ગઈ!


નમ્રતા, મારી પાસે અત્યારે તારા કોઈ જ પ્રશ્નોના જવાબ નથી પણ એ વિશ્વાસ છે કે સમય આપણને બધા જ જવાબો આપી દેશે.

થોડી ક્ષણો ચિરાગે નમ્રતાને એમ ને એમ ખોળામાં હીબકાં ભરવા દીધી. ઘરની અંદર પથરાયેલા અંધારામાં પીડાનું અંધારું ઓગળતું રહ્યું. નમ્રતાની અંદર અટવાયેલી ભરતીઓ ઓટ બની ત્યાં સુધી તેની પીઠ સીસકતી રહી. ચિરાગ ધીરેથી ઊભો થયો અને નમ્રતાનો હાથ પકડ્યો. નમ્રતા મુરઝાયેલી વેલની જેમ ઊભી થઈ ને ચિરાગના હાથ પર જાણે કે ઢળી પડી હોય એમ પાછળ-પાછળ દોરાતી રહી. ચિરાગ તેને બેડરૂમમાં લાવ્યો. દિત્યા વિનાનો ખાલી બેડ જાણે કે નિસાસા નાખી રહ્યો હોય એમ એકલો અટુલો મૂંઝારાની ચાદર ઓઢીને બેઠો હતો. ચિરાગે લાઇટ ચાલુ કરી અને રૂમમાં પ્રકાશ પથરાયો. નમ્રતાને લાગ્યું કે હવે અહીં દિત્યા નથી... એ વાસ્તવિકતાનો દાહ આ પ્રકાશ બની ઓરડામાં પથરાઈને મનને દઝાડી રહ્યો છે. તે બેડ પર બેસી ગઈ અને બેડના જે ભાગ પર તે દિત્યાને સુવડાવતી એ ગાદલા પર હાથ ફેરવવા લાગી. ક્ષણ-બે ક્ષણ તેને લાગ્યું કે દિત્યા હજી પણ ત્યાં જ સૂતી છે તો તે ગાદલાના એ આખા ભાગને ભેટી પડી હોય એમ પથરાઈને સૂઈ રહી. ચિરાગે નમ્રતાને બેડ પર સૂઈ રહેવા દીધી અને ખુરસી પર બેસીને બારી બહાર રાતના ઊતરી આવેલા અંધારામાં લાલ-લીલી ને પીળી બત્તીઓને પહેરેલા ભરતી-ઓટ જેવા મુંબઈના રસ્તાઓને જોઈ રહ્યો.

છાતીએ પાંચ દિવસ પહેલાં જન્મેલા આદિત્યને વળગાડી નમ્રતા અમદાવાદની શ્રેય હૉસ્પિટલના દાદરા ઠેકવા લાગી. તેની છાતીએ વળગેલા નાનકડા બાળકની ગુલાબી ત્વચા એકદમ પીળી થઈ ગઈ હતી. આંખો સજ્જડ બંધ હતી ને હોઠ સુકાઈ ગયા હતા. હૉસ્પિટલની લિફ્ટને અવગણીને તે પૂરપાટ ઝડપે દાદારાઓ ચડી રહી હતી. કારનો દરવાજો બંધ કરવાની દરકાર કર્યા વગર તેની પાછળ અરુણા પણ દોડી. અરુણાની ચિંતા નમ્રતાની દોડવાની ઝડપ વિશેની હતી. પાંચ દિવસ પહેલાં થયેલા સિઝેરિયનના ટાંકા હજી પણ નમ્રતાના પેટ પર તાજા હતા. એ ટાંકામાંથી લોહી ટપકી રહ્યું હતું. પીડિયાટ્રિશ્યન ડૉ. રાજેશ ઉદાણી પાંચ દિવસની ઉંમરવાળા આદિત્યને ચેક કરે ત્યાં સુધીમાં નમ્રતા એકી શ્વાસે આખી પરિસ્થિતિ બોલી ગઈ,

ડૉક્ટર, ગઈ કાલ બપોરથી તે સૂઈ રહે છે. દૂધ પીવા માટે પણ જાગ્યો નથી...તમે જુઓ તેનું આખું શરીર....

નમ્રતા, બાળકને તાત્કાલિક ધોરણે ડૉ. હિરેન ત્રિવેદીને ત્યાં ચિલ્ડ્રન હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવું પડશે... મને આ જન્મજાત કમળાનાં લક્ષણો દેખાઈ રહ્યાં છે. કાચની પેટીમાં રાખવું પડશે... તમે લોકો સમય ન બગાડો. તાત્કાલિક શ્યામલ ચાર રસ્તા પાસે ચિલ્ડ્રન હૉસ્પિટલે પહોંચી જાઓ.

એ પછીની દરેક ઘટના ધુમ્મસના ઓળા જેવી લાગી. બે હાથ લાંબા કરીને નમ્રતા ધુમ્મસની આગળ ઊભેલાં દૃશ્યોને જોવા બહાવરી થઈને હાથ હલાવતી રહી, ઝઝૂમતી રહી ને એક પછી એક ઘટનાઓ ખરાબ સપનાની જેમ ભૂલી જવા માગતી હોય એમ ઘડીએ -ઘડીએ પોતાના ગાલ પર તમાચાઓ મારતી રહી, પણ એક પછી એક ઘટના કાળની થપાટ બની જીવતરના ગાલ પર સોળ બની ઊપસી આવી. પાંચ દિવસના આદિત્યને અમદાવાદ શ્યામલ ચાર રસ્તાએ આવેલી ચિલ્ડ્રન હૉસ્પિટલમાં ડૉ. હિરેન ત્રિવેદીને ત્યાં ઍડ્મિટ કર્યો. પાંચ દિવસના એ નવજાત શિશુ પર જાતજાતની ટેસ્ટ થવા લાગી. આદિત્યના નાનકડા શરીર પર થતા પ્ય્ત્, સોનોગ્રાફી, ઘ્વ્ સ્કૅન અને બ્લડ-ટેસ્ટ જેવી પીડાદાયક પરિસ્થિતિ નમ્રતાની છાતી પર ભરોળ બની અંકાઈ જતી. જાતજાતની કંઈ કેટલીયે સોય આદિત્યના નાનકડા હાથ પર ભોંકાતી ત્યારે નમ્રતા પોતાના નખ પોતાની હથેળી પર ભીંસી દેતી ને હોઠ પર લોહીનો ટશિયો ફૂટી આવે એટલા જોશથી દાંત દબાવતી. પોતાના દીકરાને થતી પીડા સામે આ પીડા તો કંઈ જ નથી એ વિચારી-વિચારીને તે મનોમન ધૂંધવાતી ને હૉસ્પિટલમાં કાચની પેટીમાં સૂતેલા આદિત્યને ભીની આંખે પાંપણ પલકાર્યા વિના કલાકો સુધી જોયા કરતી. જલ્પેશ નમ્રતાને કહેતો કે નમ્રતા, આપણે લોકો ચિરાગને કૉલ કરીને બોલાવી લઈએ. તેને ખબર હોવી જોઈએ.

ભાઈ, હું તેને શું કહીશ? દિત્યાના બર્થ-ડે માટે તે આવ્યો ત્યારે આદિત્ય એકદમ તંદુરસ્ત ને આ પાંચમા દિવસે તો... હું કૅરલેસ મમ્મી પુરવાર થઈશ ભાઈ. મેં મારા દીકરાનું ધ્યાન નથી રાખ્યુંને ભાઈ...સાચ્ચું કહેજે મને! નમ્રતા જલ્પેશના ખભે માથું મૂકીને રડી પડતી.

નમ્રતા, બેટા મારી વાત સાંભળ, એક ડૉક્ટર તરીકે હું તને કહી શકું કે નવજાત શિશુને જન્મજાત કમળો થવો એમાં મમ્મીનો કોઈ વાંક હોતો નથી. હજારો બાળકોને જન્મજાત કમળો હોય છે. દિવસમાં અસંખ્ય કેસ હું જોઉં છું. બબુને પણ એ બધાની જેમ જ સારું થઈ જશે. આપણે લોકો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએને ? આદિત્યને સવારથી રિકવરી આવે છે. ડૉક્ટર હિરેન ત્રિવેદીએ ખાતરી આપતાં કીધું છે કે સાંજ સુધીમાં તો રજા પણ મળી જશે... તું હિંમત રાખ. આપણે ઘરે જઈને ચિરાગને કૉલ કરીશું બસ, તું ચિંતા ન કર! નમ્રતા કાચની પેટી પાસેથી દૂર જવાનું નામ નહોતી લેતી. તે ત્યાં જ તેના બબુની પાસે ઊભી હતી. જશોદાબહેન કાચની પેટીમાં સૂતેલા આદિત્ય સામે એકીટશે જોઈ રહેતાં ને હનુમાન ચાલીસા ગણગણ્યાં કરતાં હતાં. નર્સ આવી. તેણે એ બધા લોકોને વિનંતી કરીને બહાર જવાનું કહ્યું ત્યારે નમ્રતાએ જલ્પેશને અને જશોદાબહેનને ઘરે જવા સમજાવ્યાં ને સાંજે રજા આપે ત્યારે લેવા આવી જવાનું કહી વળાવ્યાં. હવે એ રૂમમાં નમ્રતા એકલી પોતાના આદિત્ય સાથે બેઠી હતી. આસપાસ બીજી અનેક કાચની પેટી હતી જેમાં અધૂરા મહિને જન્મેલા ને જન્મતાંની સાથે જ ગંભીર કહી શકાય એવી બીમારીમાં સપડાયેલાં બાળકો સૂઈ રહ્યાં હતાં. નમ્રતાએ એક નજર એ બધી કાચની પેટીઓ તરફ કરી. અધૂરા અટવાતા સંદેહભરી શક્યતાઓના કાળની વચ્ચે જાણે કે શ્વાસ ડચકાં ખાઈ રહ્યા હતા. હૉસ્પિટલના એ રૂમની દીવાલ પર લાગેલી ઘડિયાળના કાંટાઓ રીતસરના જાણે કે મનમાં ચૂભી રહ્યા હતા. ધીમે ધીમે એ કાંટા નમ્રતાને ડંખતા બંધ થયા ત્યારે તેને સમજાયું કે એ ઘડિયાળના કાંટાઓનો ટક ટક ટક અવાજ કંઈ કેટલીયે મમ્મીઓના ધબકારા બનીને બધું સારું થઈ જશેની આશા સાથે જાણે કે થડકી રહ્યા છે. કંઈ કેટલીયે મમ્મીઓના હાથ એ દરેક કાચની પેટી પર ધીમે ધીમે ફરી રહ્યા હતા ને એ આંગળાંઓનું કંપન નમ્રતા અનુભવતી હતી. કંઈ કેટલીયે આંખો ભીંજાતી હતી ને તેનાં હીબકાં કાચની પેટીમાં આંખો બંધ કરીને સૂતાં હતાં. એ કાચની પેટીમાં સૂતેલાં બાળક અબઘડીએ આંખ ખોલશે એ ક્ષણની રાહ જોતી કંઈ કેટલીયે મમ્મીઓ ઉભડક પગે જીવતી હતી જેના અટકી ગયેલા શ્વાસ આખા ઓરડામાં તોળાઈ રહ્યા હતા. આ ઘડીએ નમ્રતાને કાચની દરેક પેટી ગર્ભ જેવી લાગી. જીવન અને મૃત્યુ વચ્ચે બંધ બૉક્સમાં માપી તોળીને ટુકડે-ટુકડે અપાતું જીવન. કાળના ઉંબર પર જીદ કરીને ઊભેલી કંઈ કેટલીયે મમ્મીઓ એકસાથે ઓરડામાં ઊભરાઈ જતી જોઈ. તેણે પોતાની આંખો સજ્જડ બંધ કરી દીધી ને મહામહેનતે વિચારોને ખંખેરી નાખ્યા. એક મમતાભરી નજર પોતાના બબુ આદિત્ય તરફ કરી. કંઈ કેટલીયે નળીઓ તેના શરીર પર લાગેલી હતી. બન્ને હાથ પર સોયનાં ઝીણાં ઝીણાં અનેક નિશાન હતાં. નાનકડી આંખો બંધ હતી. જાણે એ કશું પણ જાણતી નથી કે એની સાથે શું થઈ રહ્યું છે. નમ્રતાને થયું કે મારો દીકરો આંખો બંધ કરીને સૂતો છે તો તેને એ તો ખબર હશેને કે મારી મમ્મી ક્યાંય ગઈ નથી, પણ મારી બાજુમાં જ ઊભી છે. તેને થયું કે મારે કહેવું તો પડે જ કે હું અહીં તારી સાથે છું બેટા! મારે તેને કહેવું જોઈએ કે તું ચિંતા ન કરીશ, મમ્મા તને ક્યાંય ક્યારેય એકલો નહીં છોડે. નમ્રતા પોતાનું મોં કાચની પેટી પાસે એકદમ નજીક લઈ ગઈ જાણે એના પાંચ દિવસ પહેલાં જન્મેલા બાળકના કાનમાં કહી રહી હોય..

બબુ, હું તારી મમ્મી, જો સાંભળ બબુ. હું તને આજે જ ઘેર લઈ જઈશ હોંને. તું ચિંતા ન કરીશ. તું અહીં એકલો નથી. તેં આંખો નથી ખોલી ત્યારથી મમ્માએ તને એક ક્ષણ માટે પણ અળગો નથી કર્યો. હું તારી બાજુમાં જ ઊભી છું. તને કંઈ જોઈએ તો કહેજે હોં. ગભરાતો નહીં બબુ. તું એકલો નથી. અહીં મમ્મા છે ને ઘેર પાપા ને દિત્યા પણ તારી રાહ જુએ છે. આદિત્ય, બેટા ઘેર જવું છેને આપણે. નમ્રતા આગળ બોલી ન શકી. તેનું ગળું ભરાઈ આવ્યું ને આંખમાંથી આંસુનાં બે-ત્રણ ટીપાં નીચે ખર્યાં. તેને થયું કે મારે બબુની સામે તો ન જ રડવું જોઈએ. તે જો જોઈ જાય તો તેને કેટલું ખરાબ લાગે કે મારી મમ્મી મારા કારણે રડી રહી છે. નમ્રતાએ ફટાફટ આંસુ લૂંછી લીધાં ને થોડી વાર માટે રૂમની બહાર નીકળી ગઈ. બન્ને હાથથી સામસામી કોણી પકડી તે ધીરે ધીરે હૉસ્પિટલના પૅસેજ પર ચાલી રહી હતી. સાંજ થવા આવી હતી એટલે સાંજનો કુમાશભર્યો તડકો હૉસ્પિટલની પશ્ચિમ તરફ તરફની બારીના કાચમાંથી ચળાઈને પૅસેજમાં પથરાઈ રહ્યો હતો. નમ્રતા એક બારી પાસે ઊભી રહી ને આથમતા સૂરજને જોઈ રહી. કંકુવર્ણો લાલચટ્ટક રંગ ને કેસરી ઝાંયવાળો સૂરજ ધરતીની છાતી પર આથમી રહ્યો હતો. નમ્રતાને વર્ષો પહેલાં કૉલેજ સમયે વાંચેલી ગુજરાતી કવિ રાવજી પટેલની કવિતા ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ યાદ આવી. તે ધીમા અવાજે આથમતા સૂરજની લાલાશને જોતી ગણગણવા લાગી. થોડી વારે નમ્રતાના નામની પૅસેજમાંથી નર્સે બૂમ પાડી, નમ્રતા ચિરાગ મહેતા... આદિત્યનાં મમ્મી. ડૉક્ટર બોલાવે છે તમને.

નમ્રતાને થયું ચલો હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ. કવિતા અધૂરી મૂકીને તે ડૉક્ટર હિરેન ત્રિવેદીની કૅબિનમાં એન્ટર થઈ.

નમ્રતા, તમારા દીકરાને આજે ડિસ્ચાર્જ નહીં કરી શકાય. આદિત્યને અત્યારે કાર્ડિઍક અરેસ્ટનો અટૅક આવ્યો છે. નમ્રતા આટલું સાંભળતાં તો સટ્ટાક કરતી ઊભી થઈ ગઈ ને પોતાના દીકરો આદિત્ય જે રૂમમાં કાચની પેટીમાં મુકાયો હતો એ તરફ દોડી. હૉસ્પિટલની નર્સે નમ્રતાને પકડી રાખી, પણ તેને કાબૂમાં રાખવી મુશ્કેલ થઈ પડ્યું. તાત્કાલિક જલ્પેશ, અરુણા અને જશોદાબહેન હૉસ્પિટલ દોડી આવ્યાં. ૧૧ દિવસના આદિત્યને કાચની પેટીમાંથી બહાર કાઢી લેવાયો હતો ને તેના શરીરમાં પ્લેટલેટ્સના બાટલા ચડાવાઈ રહ્યા હતા. નર્સ અને ડૉક્ટર્સ ૧૧ દિવસના બાળકના હાથમાં નસ શોધવા રીતસરનાં ફાંફાં મારતાં હતાં. નમ્રતા માટે આ બધું બહુ પીડાદાયી થઈ પડ્યું. જલ્પેશે ડૉ. હિરેન ત્રિવેદીને રિક્વેસ્ટ કરી,

ડૉ. ત્રિવેદી, બાળકના પપ્પા મુંબઈ છે. આઇ રિક્વેસ્ટ કે તેના પપ્પા અહીં પહોંચે ત્યાં સુધી તેને વેન્ટિલેટર પર રાખો. તાત્કાલિક આદિત્યને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો. નાનકડા મોં પર વેન્ટિલેટરનો ઑક્સિજન માસ્ક લાગ્યો ત્યારે જલ્પેશ અને અરુણાની આંખો ભીની થઈ ગઈ. નમ્રતાની છાતી પર તો જાણે કે સતત કરવત ચાલતી રહેતી હતી. તે બાઘાની જેમ બધું જોયા કરતી ને નળીઓના ગૂંચવાડાની અંદર વેન્ટિલેટરમાં શ્વાસ લેતા આદિત્યને હાથ જોડીને કોઈ કારણ વગર સતત તેની માફી માગતી રહેતી હતી. અગિયારમા દિવસની એ રાત્રે જલ્પેશે ચિરાગને કૉલ કરીને અહીંની પરિસ્થિતિ અને એની ગંભીરતા જણાવી દીધી.

બારમા દિવસની વહેલી સવારે ચિરાગ જેમ-તેમ કરીને અમદાવાદ પહોંચ્યો. ચિરાગ જેવો હૉસ્પિટલમાં એન્ટર થયો અને તેણે અધમૂઈ થઈ ગયેલી નમ્રતાને જોઈ. નમ્રતાએ હૉસ્પિટલના પૅસેજમાં ચિરાગને જોયો ને સીધી દોટ મૂકી. ચિરાગ સુધી પહોંચતાં તો તે ભાંગી પડી. ચિરાગને ભેટીને તે ધþુસકે-ધþુસકે રોઈ પડી ને નીચે ચિરાગના પગ પાસે ફસડાઈ પડી. હૉસ્પિટલમાં ઊભા હતા એ તમામ લોકો આ દૃશ્ય જોઈને લાગણીલ થઈ ગયા. સૌની આંખો ભીંજાઈ ગઈ. ચિરાગે તેને બન્ને હાથે ખભેથી પકડી અને ઊભી કરી.

ચિરાગ, મેં મારું પ્રૉમિસ પાળ્યું છે. રડી નહોતી હું. તારા આવવાની રાહ જોઈ હતી. ચિરાગ. આપણો બબુ...

નમ્રતા, પ્લીઝ કામ ડાઉન. આપણે ડૉક્ટર્સ સાથે વાત કરીએ. તું ચિંતા ન કર.

ચિરાગ ડૉક્ટરની કૅબિન તરફ જવા ગયો કે નમ્રતાએ તેનો હાથ પકડી લીધો. ચિરાગ પાછું વળીને નમ્રતા સામે જોઈ રહ્યો. નમ્રતાની આંખમાં એક દૃઢતા હતી. તેણે આંસુ લૂછ્યાં ને તૂટક તૂટક અવાજે બોલી,

ચિરાગ, હું તમને રિક્વેસ્ટ કરું છું. હાથ જોડું છું. બબુને જવા દો... ચિરાગ આદિત્યને રોકો નહીં.

ચિરાગ નમ્રતાની વાત સમજી ન શક્યો. તે નવાઈથી નમ્રતા સામે જોઈ રહ્યો.

નમ્રતા, તું આ શું બોલે છે?

ચિરાગ, એ નાનકડા જીવ પર અત્યારે સારવારના નામે તેને જે અત્યાચાર અનુભવાતો હશે એનો તને અંદાજ નથી. કેટકેટલી સોય ભોંકાય છે તેના હાથ પર તું જોઈ તો જો. તે બોલી નથી શકતો એટલે તેનો કોઈ અવાજ જ ન હોય એવું થોડું હોય? તે રડી ન શકે એટલે તેને આંસુ જ ન હોય એવું થોડું હોય? ચિરાગ હું તને હાથ જોડું છું. તેનું વેન્ટિલેટર ખસેડી લે. એ નાનકડા જીવને જેટલી પીડા ભોગવવાની હતી એટલી તેણે ભોગવી લીધી. તેને પરાણે ટકાવી રાખવાનાં આપણે જેટલાં ફાંફાં મારીશું એટલો તે વધુ ને વધુ ગૂંગળાતો જશે. મને મારા દીકરા માટે ઉછીના શ્વાસ ન જોઈએ. તેને હવે શાંતિથી જવા દો. ક્ષણ-બે ક્ષણ ચિરાગ નમ્રતાની આંખોમાં સતત જોઈ રહ્યો. પીડાનાં કંઈ કેટલાંય સળ ને સુકાયેલાં અફાટ રણ તેને દેખાયાં. નમ્રતાનો હાથ પકડીને તે ડૉ. હિરેન ત્રિવેદીની કૅબિનમાં એન્ટર થયો.

ડૉક્ટર, અમારે અમારા દીકરાનું વેન્ટિલેટર ખસેડી લેવું છે. તેના જેટલા પણ શ્વાસ બચ્યા છે એ તેના પોતાના શ્વાસ તેને લેવા દઈશું. અમારા દીકરા પર હવે કોઈ જ પ્રકારની પીડાદાયી સારવાર ન થાય એવી અમારી રિક્વેસ્ટ છે.

મિસ્ટર ઍન્ડ મિસિસ મહેતા, તમારી ભાવનાઓની હું કદર કરું છુ પણ મારી વાત તમે લોકો ધ્યાનથી સાંભળો. તમારી મોટી દીકરી દિત્યા પણ કોઈ ભેદી બીમારીમાં સપડાયેલી છે. તમારું એક બાળક પ્રેગ્નન્સી દરમ્યાન પેટમાં જ મૃત્યુ પામ્યું છે અને આ ત્રીજું બાળક...

ડૉક્ટર ત્રિવેદી, તમારી વાત હું કંઈ સમજ્યો નહીં.

ચિરાગ અને નમ્રતા એકીટશે ડૉક્ટર સામે જોવા લાગ્યાં.

આદિત્યનાં બ્લડ સૅમ્પલ લેવાનાં છે... આપણે જનીનિક ટેસ્ટમાં મોકલીએ. બની શકે કે દિત્યા અને આદિત્યની બીમારી એક જ હોઈ શકે... બ્લડ રિપોર્ટની અમને ઇન્તજારી છે, બની શકે કે દિત્યાની ન ઉકેલી શકાઈ એ બીમારીના તાગ આપણને આદિત્ય પાસેથી જાણવા મળે. તમારા ભાઈ ડૉ. જલ્પેશ સાથે પણ મારી વાત થઈ ગઈ છે.

હા, તો આદિત્યનાં બ્લડ સૅમ્પલ અત્યારે જ લઈ લોને... એક બ્લડ સૅમ્પલ માટે તેને આમ પરાણે જિવાડી રાખવાનો... નમ્રતાનો અવાજ તરડાઈ ગયો.

તમારી વાત એકદમ સાચી છે નમ્રતા. તમારા દિકરાને માત્ર ને માત્ર એક બ્લડ સૅમ્પલ માટે જ પરાણે જિવાડી રાખવો પડે એમ છે. આજે સવારે જ ચેકઅપ માટે તેનું બ્લડ લેવાયું હતું અને એક વાર બ્લડ લીધા પછી બીજું બ્લડ સૅમ્પલ લેતાં પહેલાં અમારે ચોવીસ કલાક રાહ જોવી પડે. મેડિકલ સાયન્સને આપણે કેવી રીતે અવગણી શકીએ? તો ચોવીસ કલાક રાહ જોવા સિવાય છૂટકો નથી.

આ પણ વાંચો : કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ – 12)

ચિરાગ, આદિત્યને દિત્યા માટે આપણે પરાણે આમ... હજી કેટલી યાતના સહેવાની બાકી છે એ બચાડા જીવને... નમ્રતાની આંખો વરસી પડી. ચિરાગને સમજાતું નહોતું કે પીડાની હજી તો કેટકેટલી અગ્નિપરીક્ષા આપવાની બાકી છે ને દરેક અગ્નિપરીક્ષા પછી કેટકેટલા ઘાવ સંતાડી રાખવાના છે. તેની આંખની ધાર પાસેથી પાણી ગાલ પર દડ્યું, પણ કોઈ દેખે નહીં એમ તેણે મોઢું ફેરવી લીધું!

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2019 12:53 PM IST | | રામ મોરી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK