સૉરી (પ્રકરણ-૪)

26 May, 2022 06:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘શેખર, મેં ખોટી વ્યક્તિને લીધે તારા પર શંકા કરી... ઇચ્છા તો બહુ છે કે એક વાર હજી બહાર આવું અને બદલો લઉં, પણ મન કહે છે કે હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી... હું તારી પાસે આવું છું... તારે જે સજા આપવી હોય એ આપજે.’

સૉરી (પ્રકરણ-૪)

સૌભાગ્ય અંજનીના યારનું બાળક છે કે નહીં એ તો હજી શંકાની એરણે ચડેલો સવાલ હતો, પણ અત્યારે અંજનીના પેટમાં વસતો સાડાચાર મહિનાનો ગર્ભ તો સોએ સો ટકા અંજનીના આડા સંબંધોનું પરિણામ હતું. 
હવે... હવે શું કરવું?
દી​િક્ષતના વિચારો સૌભાગ્ય પરથી હટીને અંજની અને અંજનીના પેટમાં આકાર લેતા ગર્ભ પર આવીને કેન્દ્રિત થયા. ગર્ભમાં રહેલા બાળકને તો આવવામાં હજી વાર હતી. એ પહેલાં અંજની સાથે શું કરવું? શું એ સંબંધોને કાયમ માટે તોડવા કે પછી સપ્તપદી સમયે લેવાયેલી પ્રતિજ્ઞાનું પાલન કરવું? 
બધું વિચાર્યા પછી એક વાત મનમાં આવતી હતી કે અંજનીને બધું સાચું કહીને અબૉર્શન માટે સમજાવવી. ધારો કે અંજની અબૉર્શન કરાવી લે તો પછી અંજનીને ફરીથી સ્વીકારવી કે નહીં? સ્વીકારે તો પહેલાં હતો એ ઉષ્મા સાથે પ્રેમ થઈ શકે ખરો? 
ના, સહેજ પણ નહીં 

lll
‘ભાઈ, મારે તો પહેલાં જમવું છે.’ શેખર ઘરમાં આવીને તરત બોલ્યો, ‘હું તમારા બેઉના આમંત્રણની રાહ જોઉં તો તમે આખું વર્ષ યાદ પણ ન કરો...’
‘અરે, મને તો થાય કે વીક-એન્ડ...’
‘વાતો નહીં...’ શેખરે અંજનીની વાત અધવચ્ચે જ કાપી, ‘પહેલાં ફૂડ...’
શેખરની વાતો સાંભળીને દી​િક્ષતના હોઠ પર સ્માઇલ આવી ગયું. ઈશ્વરે પત્ની તો દગાબાજ આપી, પણ દોસ્ત એવો આપ્યો કે દુનિયા આખીને ઈર્ષ્યા થાય. 
‘હું આજે ખાંડવી ખાવાનો છું અને તમને લોકોને એક પીસ પણ શૅર કરવાનો નથી...’ 
દી​િક્ષતે ટીવી સામે જોયું. શેખર હવે અડધો કલાક ખાવાની વાતો કરશે એની તેને ખાતરી હતી. જોકે આજે એ ખાતરી ખોટી પડવાની હતી. જો તેણે કિચન તરફ કાન માંડ્યા હોત તો તેને અંદર ચાલતી વાતો સાંભળવા મળી હોત. 
* * *
‘ભાઈ, મારું તો પેટ ફાટવાની તૈયારીમાં છે...’ 
‘પેટ ફાટે નહીં અંકલ, પેટ ફૂટે...’
‘તને કોણ શીખવે છે આવું?’ શેખરે સોફા પર ઢળીને સૌભાગ્યને સવાલ કર્યો, ‘જો મમ્મી શીખવતી હોય તો તું કઈ નહીં બોલતો ને જો ડૅડીએ શીખવ્યું હોય તો મારામાં સાચું શીખવવાની તાકાત નથી.’ 
‘દેખાવ બાપ જેવો નથી, પણ આર્ગ્યુમેન્ટ કરવાની આદત બાપની લઈ લીધી...’ 
શેખર સ્વાભાવિકપણે બોલ્યો, પણ શેખરના શબ્દોએ દી​િક્ષતના કાન સરવા કર્યા. દી​િક્ષતે છાશનો ગ્લાસ મોઢે માંડ્યો, પણ હવે તેનો જીવ શેખરની વાત પર હતો. કાશ, શેખર હજી કંઈ એવું બોલે જેને કારણે મનમાં કૂદકા મારી રહેલો સૌભાગ્ય માટેનો શંકાનો કીડો શમી જાય અને બરાબર એ જ સમયે અચાનક શેખર સોફા પર બેઠો થઈ ગયો.
‘અરે અંજની, તને ખબર છે કૉલેજમાં દી​િક્ષતને બહુ ખરાબ બીમારી હતી. અમુક વાતો તે બિલકુલ ભૂલી જાય અને એ હદે ભૂલે કે કોઈ કાળે માનવા તૈયાર ન થાય કે એવું કંઈ બન્યું હતું. ફાઇનલ એક્ઝામ સમયે તેના મનમાં એવું ઘૂસી ગયું કે તેણે બિઝનેસ સ્ટ્રૅટેજીનું પેપર આપ્યું નથી. બસ, પૂરું થઈ ગયું. અમે તેને સમજાવી-સમજાવીને થાક્યા, પણ તે માને જ નહીં અને રડ્યા કરે. છેવટે અમે એક્ઝામિનરનું ઘર શોધી દી​િક્ષતને લઈ ત્યાં ગયા. એક્ઝામિનર કહે તો પણ માને નહીં... એક જ વાત, હું પેપર આપવાનું ભૂલી ગયો.’
‘બસ, બહુ વધારે ફેંકવાની જરૂર નથી...’
‘તારો આ જ વાંધો. સાચું પણ સ્વીકારવા તૈયાર નથી...’ શેખર અંજની તરફ ફર્યો, ‘જો અંજની, તને ખબર છેને કે હું કોઈ દિવસ સમ ખોટા નથી ખાતો. આજે હું મારી સૌથી વહાલી વ્યક્તિ સૌભાગ્ય... ના, તેના નહીં બસ, દી​િક્ષતના સમ ખાઈને કહું છું કે હું જે કહું છું એ સાવ સાચું છે. જો ખોટું બોલતો હોઉં તો અત્યારે ને અત્યારે હું આ ઘરમાં...’
‘બસ...’ દી​િક્ષત ઊભો થયો, ‘કોઈ સમ નથી ખાવા... ઠીક છે, તું સાચો...’ 
‘ના, એમ નહીં. પહેલાં આખી વાત કહેવા દે...’ શેખરે ગાથા આગળ વધારી, ‘દીિક્ષતે કૉલેજમાં એક છોકરીને લવ-લેટર આપ્યો અને પછી તે ભૂલી ગયો. એક વાર દીિક્ષત એક ગર્લફ્રેન્ડની સાથે ડેટ પર ગયો અને રાતે પાછો આવી ગયો. સવારે પેલી છોકરીની સામે પણ ન જુએ. પેલીએ કારણ પૂછ્યું તો કહે કે હું તને ક્યાં ઓળખું છું?’
વાત જેમ-જેમ આગળ વધતી ગઈ એમ દી​િક્ષતને કેટલીક વાતોની ખાતરી બંધાતી ગઈ. જોકે તેને એ નહોતી ખબર કે આ અનુમાનોને કારણે તે બહુ મોટી ભૂલ કરી બેસશે.
lll
શેખરના કારણ વિનાના ગપગોળાઓ ચાલ્યા અને પછી બધા સૂઈ ગયા. જોકે દીિક્ષતને ઊંઘ નહોતી આવતી. ક્યાંથી આવે? આંખ સામે અનેક સવાલો કૂદકા મારતા હતા અને એ સવાલો વચ્ચે એક સવાલ સૌથી આગળ હતો. શું કામ શેખર અકારણ આટલું ખોટું બોલ્યો? કસમમાં અતિશય માનનારો દોસ્ત આમ અચાનક પોતાના જિગરી દોસ્તના સમ ખોટી રીતે ખાય? 
અશક્ય, અસંભવ.
ખાસ વાત કરવા માટે પોતે ફ્રેન્ડના ઘરે આવ્યો છે એ જાણતો હોવા છતાં તેણે એક પણ વાર એ વિશે વાત કરવાની કોશિશ પણ કેમ નથી કરી? બને કે અંજની સાથે તેને કોઈ વાત થઈ હોય. એ વિના શેખર આ રીતે વર્તે નહીં. 
દી​િક્ષત અંજનીનો મોબાઇલ લઈને રૂમની બહાર આવી ગયો. ગયા વીકમાં તેણે અંજનીના આઇફોનમાં સ્પાય-રેકૉર્ડિંગનો સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કર્યો હતો. જો અંજનીએ શેખરને ફોન કર્યો હશે તો રેકૉર્ડિંગ મોબાઇલમાં હશે. 
દી​િક્ષતે કૉલ-લિસ્ટ ચેક કરવાનું શરૂ કર્યું અને તેને શેખરના મોબાઇલ નંબર પર થયેલો આઉટગોઇંગ કૉલ દેખાયો. મોબાઇલમાં હૅન્ડ્સ-ફ્રી ફિટ કરી દી​િક્ષતે રેકૉર્ડિંગ ચાલુ કર્યું. થોડી ફાલતુ વાતો પછી ગંભીરતા સાથે વાત શરૂ થઈ...
‘ફરી એ જ પ્રૉબ્લેમ શરૂ થયો છે શેખર...’
‘મને લાગ્યું. સવારે દી​િક્ષતનો ફોન હતો. કહે છે કે વીક-એન્ડમાં હું ત્યાં આવું.’ 
‘લાસ્ટ ટાઇમ, પ્લીઝ...’ 
‘અંજની નો. કાં તો રિલેશન પૂરા કર અને કાં...’ શેખરનો અવાજ દબાયેલો હતો, ‘તને મેં પહેલાં પણ કહ્યું છે કે હું દી​િક્ષત પાસે ખોટું નથી બોલી શકતો...’
‘પ્લીઝ, લાસ્ટ ટાઇમ.’
‘મને કહે, ખરેખર શું થયું છે?’
‘કંઈ નહીં. તે માનવા તૈયાર નથી થતો કે હું તેનાથી પ્રેગ્નન્ટ થઈ છું... મેં સમજાવવાની બહુ ટ્રાય કરી કે તું ભૂલી ગયો છે પણ...’
‘એક મિનિટ અંજની, તું ખરેખર પ્રેગ્નન્ટ છે?!’
‘અંજની, યુ આર સચ એ ઇડિયટ... ઍટ લીસ્ટ તારે મને વાત તો કરવી હતી.’
ઓહ, શેખર જ છે અંજનીનો યાર...
lll
દી​િક્ષત ધ્રૂજી ઊઠ્યો. એક એવો દોસ્ત જેને તે પોતાનું સર્વસ્વ માનતો એ જ દોસ્ત આવો નીચ અને હલકટ નીકળ્યો. દી​િક્ષતની આંખોમાં લોહી ઊભરાયું. અંજની, સૌભાગ્ય, પેટમાં રહેલું બીજું બચ્ચું અને શેખર બધાં એકસામટાં તેની આંખો સામે આવીને અટ્ટહાસ્ય કરતાં હતાં. દી​િક્ષત અત્યારે ગદ્દારીની ચરમસીમાનો અનુભવ કરતો હતો. કુદરત પણ જાણે આ સમયની રાહ જોતી હોય એમ એ જ સમયે શેખરની રૂમનો દરવાજો ખૂલ્યો. વધુ પડતા બિયરે શેખરને છાતીમાં બળતરા શરૂ કરી હતી.
‘દી​િક્ષત...’
બાજુમાં સળવળાટ થવાને લીધે તેને ખબર પડી કે શેખર બાજુમાં ઊભો છે. શેખરે દી​િક્ષતને બે વાર બોલાવ્યો હતો, પણ હૅન્ડ્સ-ફ્રીને કારણે દી​િક્ષતને તેનો અવાજ સંભળાયો નહોતો.
‘દી​િક્ષત...’
દી​િક્ષતે હૅન્ડ્સ-ફ્રી કાઢ્યો, પણ એટલી વારમાં શેખરે જોઈ લીધું કે દી​િક્ષતના હાથમાં અંજનીનો મોબાઇલ છે અને તે મોબાઇલ ચેક કરે છે. 
‘તું... તું અંજનીના ફોન ચેક...’
‘ઓહ, આ અંજનીનો મોબાઇલ છે? હું તો સાવ ભૂલી જ ગયો...’ દી​િક્ષતના અવાજમાં કડવાશ હતી, ‘જોને, આ અગાઉની ભૂલવાની આદત હજી અકબંધ છે.’
‘અરે, વાંધો નહીં...’ શેખરે હસતાં-હસતાં કહ્યું, ‘પેલી ફિલ્મ હતીને, અજય દેવગનની, ‘યુ, મી ઔર...’’
‘ઔર... x?!? xI? (ગાળ)’
શેખર ચૂપ રહ્યો, પણ દી​િક્ષત અંદરથી ઊકળતો હતો.
‘તારી વાત માની લીધી હોત... જો તને કહ્યા વિના મેં નસબંધી ન કરાવી હોત તો.’ 
દી​િક્ષતે શેખરના ગાલ પર તમાચો ચોંડી દીધો. તમાચાનો અવાજ એટલો ભરાવદાર હતો કે અંદર રૂમમાં સૂતેલી અંજનીને તેના સપનામાં પણ એ અવાજ સંભળાયો. શેખર માટે આ વાત નવી હતી. દી​િક્ષતે નસબંધી કરાવી હોય એવું તો તેણે કે અંજનીએ સપનામાં પણ ધાર્યું નહોતું અને એટલે જ શેખરે અંજનીના કહ્યા મુજબ દી​િક્ષતની યાદદાસ્તને મુદ્દો બનાવીને બધી ચર્ચાઓ કરી હતી. શેખર અને અંજની એવું ધારતાં હતાં કે દી​િક્ષત તે બન્નેની વાત માની જશે, પણ તેને કલ્પના નહોતી કરી કે નસબંધી કરાવી ચૂકેલા દી​િક્ષત માટે તેમની વાત માનવાનો કોઈ આશરો જ નહોતો.
શેખરના ગાલ પર પડેલા તમાચાના કારણે તે હેબતાયો હતો. તેણે ધાર્યું નહોતું કે દીિક્ષત ટેબલ પર પડેલી બ્રેડ-નાઇફથી તેના પર હુમલો કરશે.
ખચાક...
દી​િક્ષતે કરેલો પહેલો ઘા શેખરના જમણા ખભા પર આવ્યો. અચાનક અને અણધાર્યા આવેલા ઘા પછી શેખર સાવચેત થયો, પણ ગુસ્સાથી ઘૂઘવાતા દી​િક્ષતે તરત બીજો ધા કર્યો. આ બીજો ઘા શેખરની છાતી અને પેટની બરાબર મધ્યમાં હતો. છ ઇંચની બ્લેડવાળી બ્રેડ-નાઇફનો આ ઘા શેખરનાં આંતરડાં બહાર કાઢી લાવ્યો. અત્યારે જે કંઈ બનતું હતું એ શેખર માટે અણધાર્યું હતું અને આમ પણ જિગરી દોસ્ત પાસે ખુલ્લા પડી ગયા પછી તેની માનસિક અવસ્થા એવી નહોતી કે તે દીિક્ષતનો સામનો કરી શકે.
‘મેં તને ભાઈથી વિશેષ માન્યો હતો અને તું જ...’ 
‘અંજ... ની....’
‘હજી અંજનીનું નામ લે છે, હરામખોર...’
દી​િક્ષતનો શાંત પડતો ગુસ્સો ફરી વાર ભડક્યો અને તેણે એ જ નાઇફથી ફરી શેખર પર હુમલો કર્યો. આ વખતે થયેલા ઘાએ શેખરને એકદમ શાંત કરી દીધો.
lll
ઘર આખું લોહીથી લથબથ હતું. હૉલમાં શેખરની લાશ હતી. પેટમાંથી બહાર આવી ગયેલા આંતરડાના ટુકડાઓ હૉલમાં વેરણછેરણ પડ્યા હતા અને એ આંતરડાનો એક ટુકડો અંજનીના ગળામાં વીંટળાયેલો હતો. અંજનીની લાશ બેડરૂમ અને હૉલને જોડતા પૅસેજમાં પડી હતી. અંજનીની હત્યા પણ બ્રેડ-નાઇફથી કરવામાં આવી હતી. અંજનીના પેટમાં છ ઇંચ જેવડો ખાડો થઈ ગયો હતો, જેમાં નિમક ભરવામાં આવ્યું હતું. એ ઘામાંથી બહાર કાઢેલા માંસને ડાઇનિંગ ટેબલ પર પડેલી પ્લેટમાં સજાવવામાં આવ્યું હતું અને એના પર સ્ટ્રૉબેરી ક્રશ અને ચૉકલેટ આઇસક્રીમનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું.
lll
સૌભાગ્યની હત્યામાં કોઈ વિકૃતિ નહોતી કરવામાં આવી, પણ છ વર્ષના બચ્ચાને મારતી વખતે તેનો બાપ કઈ હદે નિષ્ઠુર થયો હશે એ કલ્પના કોઈ પણ કરી શકે. સૌભાગ્યની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. એ લાશને બાથરૂમના ટબમાં મૂકી એ ટબને રમકડાંઓથી ભરવામાં આવ્યું હતું. 
વહેલી સવારે દી​િક્ષતે ઘરનું બારણું ખોલી નાખ્યું અને પાડોશીઓ ગભરાઈ ગયા. સોસાયટીના પ્રેસિડન્ટે પોલીસને ફોન કર્યો અને દી​િક્ષતની અરેસ્ટ થઈ.
lll
દી​િક્ષતે બૅરેકની બહાર જોયું. બહાર હજી ગાઢ અંધકાર હતો. પરોઢને હજી વાર હતી. આમ તો જેલમાં આવ્યા પછી હજારો વખત શેખરની માફી માગી, પણ હવે ક્યાં વધુ સમય રહ્યો છે.
દી​િક્ષતે આંખો બંધ કરીને હાથ જોડ્યા. 
‘શેખર, મેં ખોટી વ્યક્તિને લીધે તારા પર શંકા કરી... ઇચ્છા તો બહુ છે કે એક વાર હજી બહાર આવું અને બદલો લઉં, પણ મન કહે છે કે હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી... હું તારી પાસે આવું છું... તારે જે સજા આપવી હોય એ આપજે.’ 
દી​િક્ષતે આંખો ખોલી, પણ તેના કાનમાં હજીયે પેલા દિવસનું રેકૉર્ડિંગ વાગતું હતું જે તેણે ત્રણ મર્ડર કર્યા પછી સાંભળ્યું હતું.
‘અંજની, અગાઉ પણ તને સાથ આપ્યો; પણ એ સાથ મેં તને નહીં, મારા ફ્રેન્ડને આપ્યો છે. હું નહોતો ઇચ્છતો કે મારો દોસ્ત દુઃખી થાય અને એટલે જ મેં સૌભાગ્યના બર્થ સમયે તારા અને રાજીવના રિલેશનની વાત ખોલી નહીં અને હવે ફરી વખત? ના, નાઓ ધીસ ઇઝ ટુ મચ. આ વખતે જો તું કહે તો હું તારા વતી દી​િક્ષત સાથે ડિવૉર્સની વાત કરું, પણ હવે મારાથી તારે લીધે દી​િક્ષત પાસે દગાખોરી નહીં થાય... તને ખબર છે, તું એક એવા ઑનેસ્ટ માણસની સાથે દગાબાજી કરે છે જેણે લાઇફમાં ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું સુધ્ધાં નથી...’
દી​િક્ષતની આંખમાંથી આસુ વહેતાં હતાં. આંખમાંથી આંસુ અને મોઢામાં શબ્દો...
‘આઇ ઍમ રિયલી સૉરી દોસ્ત...’

સંપૂર્ણ

columnists Rashmin Shah