સૉરી (પ્રકરણ-૩)

25 May, 2022 08:00 PM IST  |  Mumbai | Rashmin Shah

‘યસ મિસ્ટર દી​ક્ષિત... તમારી વાત સાચી છે, પણ એવું જરૂરી નથી કે પ્રેગ્નન્સી માટે સેફ્ટી રાખો એટલે તમે સેફ છો. મેડિકલ ફીલ્ડમાં આવું તો બનતું જ હોય. અરે, ઘણી વાર મૅરેજના પંદરમા દિવસે જ વાઇફને પ્રેગ્નન્ટ થતી મેં જોઈ છે’

સૉરી (પ્રકરણ-૩)

લગ્નના ત્રીજા મહિને દી​િક્ષતને પહેલો ઝટકો લાગ્યો જ્યારે અંજનીએ કહ્યું કે મેન્સ્ટ્રુઅલ સાઇકલ ડિસ્ટર્બ છે.
‘હું પિરિયડમાં નથી થઈ...’ 
‘એટલે?’ 
‘શું તમેય ભોળા થઈને વાત કરો છો...’ અંજનીએ છણકો કર્યો, ‘એટલે કે આપણે ત્યાં હવે નાનો દી​િક્ષત આવવાનો છે...’
દી​િક્ષતે વાત અધૂરી છોડી દીધી. જોકે વાત અધૂરી છોડવાથી વિચારો છૂટતા નથી. હમણાં બાળકની કોઈ ઇચ્છા નહોતી અને ઇચ્છા નહોતી એટલે જ પૂરેપૂરી સાવચેતી રાખી હોવા છતાં અંજની પ્રેગ્નન્ટ હોય એ કેવી રીતે બને?
‘અંજની, આર યુ શ્યૉર કે પ્રેગ્નન્સીને લીધે જ તારા પિરિયડ્સ...’
‘તમેય ખરા છો...’ અંજનીએ મજાક કરી, ‘અગાઉ મને ક્યારેય આવો અનુભવ નથી થયો જેના આધારે હું તમને ખાતરીપૂર્વક કહેતી હોઉં. એવું હોય તો કોઈને પૂછીએ. ડૉક્ટર કાં મમ્મી...’
‘ના, મમ્મીને નહીં.’ 
દી​િક્ષતના મગજમાં ગડમથલ ચાલતી હતી. બને કઈ રીતે કે આટલી સેફ્ટી પછી પણ બાળક આવવાની તૈયારીઓ થઈ જાય. દી​િક્ષત પોતે જ નહીં, તે અંજની પાસે પણ સાવચેતી રખાવતો હતો અને છતાંય... 
‘હશે, કાલે ઑફિસથી વહેલો આવી જઈશ... ડૉક્ટરની ઍડ્વાઇઝ લઈએ...’ 
એ રાતે દી​િક્ષતને ઊંઘ નહોતી આવી. બને જ કઈ રીતે કે આટઆટલું ધ્યાન રાખ્યા પછી પણ પ્રેગ્નન્સી રહી જાય. કૉન્ડોમ, ટૅબ્લેટ્સ, પિરિયડ ડેટ્સ, અનસેફ ડેટ... બધું ધ્યાન રાખવા છતાં પણ...
દી​િક્ષતને એ વાતનું પણ ટેન્શન હતું કે ધારો કે અંજની પ્રેગ્નન્ટ જ હોય તો અબૉર્શન કરાવવું કે પછી ઠાકોરજીની નજરમાં પાપી પુરવાર થવાને બદલે હરિ ઇચ્છા માનીને બાળકને જન્મ આપી દેવો
lll
‘યસ મિસ્ટર દી​િક્ષત... તમારી વાત સાચી છે, પણ એવું જરૂરી નથી કે પ્રેગ્નન્સી માટે સેફ્ટી રાખો એટલે તમે સેફ છો. મેડિકલ ફીલ્ડમાં આવું તો બનતું જ હોય. અરે, ઘણી વાર મૅરેજના પંદરમા દિવસે જ વાઇફને પ્રેગ્નન્ટ થતી મેં જોઈ છે.’
‘પણ સાહેબ...’
‘મિસ્ટર દી​િક્ષત, મનમાંથી શંકા કાઢી નાખો અને મારી ઍડ્વાઇઝ માનો. બાળકને અત્યારે જન્મ આપવો હિતાવહ છે. ઉંમર વધતાં કૉમ્પ્લિકેશન્સ આવશે...’
lll
બરાબર ૯ મહિના અને ૧૬મા દિવસે બેબી બૉયનો જન્મ થયો. વડીલો કહેતા કે દીકરી પેટમાં વધુ રહે, પણ સૌભાગ્યમાં એ વાત ખોટી પુરવાર થઈ. બેબી બૉયની રાશિ કુંભ આવી. દી​િક્ષત અને અંજનીની ઇચ્છા શુભ રાખવાની હતી, પણ શેખરે સૌભાગ્ય નામ રખાવ્યું. દી​િક્ષતને વાંધો નહોતો. પતિ રાજી હોય તો પછી પત્ની ક્યાંથી વિરોધ કરી શકે. 
સૌભાગ્ય તેની મમ્મી જેવો દેખાતો હતો. પિતાનો એક પણ અણસાર સૌભાગ્યએ લીધો નહોતો. દી​િક્ષતે પણ મન મનાવી લીધું હતું. જો અંજની જેવું પ્રભાવશાળી રૂપ આવ્યું હોય તો ખોટું શું છે. આફ્ટરઑલ, દીકરાએ જન્મતા પહેલાં જ બુદ્ધિ વાપરવાની શરૂ કરી દીધી હતી. જે મેળવો એ સર્વોત્તમ મેળવો. દેખાવમાં મા અવ્વલ હતી અને બુદ્ધિમાં બાપના તોલે કોઈ આવે એમ નહોતું.
lll
સૌભાગ્યના જન્મ પછી પણ દીિક્ષત અને શેખરની દોસ્તી અકબંધ રહી. શેખર બોરીવલી છોડીને અંધેરી રહેવા ચાલ્યો ગયો. તેનો એક્સપોર્ટનો બિઝનેસ સારો ચાલતો હતો. બિઝનેસને કારણે મહિનામાં એકાદ વાર તેને ફૉરેન ટૂર પણ રહેતી. ફૉરેનથી પાછો આવે ત્યારે શેખર ભૂલ્યા વિના સૌભાગ્ય માટે કંઈ ને કંઈ લઈ આવે. દી​િક્ષતને કોઈ વાંધો નહોતો અને અંજની કંઈ કહે તો દી​િક્ષત તેને પણ ચૂપ કરી દેતો.
‘જો અંજની, મારે કે તારે આ બાબતમાં બોલવું જ શું કામ પડે... સૌભાગ્યનો હક છે શેખર પર અને શેખરની પણ ફરજ છે કે તેણે વર્ક-લોડ વચ્ચે પણ સૌભાગ્યને યાદ રાખવાનો હોય.’
સૌભાગ્ય કે અંજનીનો બર્થ-ડે દી​િક્ષત ભૂલે તો પણ રાતના બાર વાગ્યે શેખરે કરેલા મેસેજને લીધે દી​િક્ષતને બન્નેનો બર્થ-ડે યાદ આવી જાય. સૌભાગ્યના પાંચમાંથી માત્ર એક બર્થ-ડેમાં શેખર હાજર નહોતો. શેખર વિનાનો એ બર્થ-ડે સૌભાગ્યનો અત્યાર સુધીનો સૌથી નીરસ બર્થ-ડે રહ્યો હતો.
‘દી​િક્ષત, તને નથી લાગતું કે તારે અમારા ખાતર પણ ચેન્જ લાવવો જોઈએ? તને ખબર છે. સૌભાગ્યને શેખર આવે ત્યારે સૌથી વધારે મજા આવે છે, જ્યારે બીજાના ઘરે જઈને જો તું... બધાનાં બાળકો ડૅડી આવે ત્યારે ખુશ થાય અને તારું બાળક શેખરઅંકલ આવે ત્યારે ખુશ થાય...’
બાળકનું તો બહાનું હતું. હકીકતમાં તો બાળકની મા બહુ ખુશ થતી શેખરને જોઈને.
lll
‘જો તારો હાથ હલી ગયો...’ 
દી​િક્ષતે કોઈ જવાબ ન આપ્યો. સિચુએશન પણ જોખમી હતી. એક હાથમાં પાણીનો ગ્લાસ અને બીજા હાથમાં અંજનીના વાળ. જોકે અંજનીએ દી​િક્ષતને સ્ટૅચ્યુ કહીને પોતાના વાળ તો સરકાવી લીધા, પણ હવામાં રહી ગયેલો દી​િક્ષતનો જમણો હાથ સહેજ હલતો હતો.
બાથરૂમમાંથી બહાર આવીને મંદિરમાં દીવો કરતા દી​િક્ષતના ઉઘાડા શરીર પર અંજનીએ ઠંડા પાણીનાં ટીપાં ઉડાડ્યાં અને એટલે દી​િક્ષતે પાણીની બૉટલ તેના પર રેડવા માટે અંજનીને પકડી પણ. અંજનીને તરત ‘સ્ટૅચ્યુ’ ગેમ યાદ આવી ગઈ અને તેણે એનો બેનિફિટ લઈ લીધો. 
‘સાચું કહું છું... તારો આખો હાથ ધ્રૂજે છે...’ અંજનીની આંગળી અને આંખ દીિક્ષતના હાથને તાકી રહ્યાં હતાં, ‘કંઈ અમે તારા જેવા નથી. અમે હલી જઈએ તો સ્વીકારી લઈએ છીએ કે અમે હલી ગયા... તું તો... જા હવે...’
દી​િક્ષત સ્થિર જ રહ્યો એટલે અંજની છણકો કરીને કિચનમાં ચાલી ગઈ.
‘પણ... સાંભળ તો ખરી...’ અંજની મોઢું ચડાવીને જેવી કિચનમાં ગઈ કે તરત દીિક્ષત તેની પાછળ ગયો, ‘હું ન હલ્યો હોઉં તો પણ...’
‘હવે કોણ હલી ગયું?’ 
અંજની અચાનક પાછળની તરફ ફરી અને ખડખડાટ હસવા લાગી.
lll
‘તને યાદ છે, મારી સ્ટૅચ્યુની એક પનિશમેન્ટ બાકી છે...’ સૌભાગ્ય સૂઈ ગયો હતો અને દી​િક્ષતની આંખો ઘેરાતી હતી, ‘માગી લઉં અત્યારે...’
‘હં... હા...’
‘પછી ફરી નહીં જાયને...’ દી​િક્ષતે અંજનીને જકડી રહેલા પોતાના જમણા હાથની ભીંસ વધારી, ‘મને સૌભાગ્ય માટે એક કંપની જોઈએ છે...’
lll
દી​િક્ષતની આંખો ખૂલી ગઈ. રાતના અંધકાર વચ્ચે પણ દી​િક્ષતને બધું ચોખ્ખું દેખાતું હતું. તેના શરીરે પરસેવો વળવા માંડ્યો હતો. 
શું જિંદગીમાં કરેલી પહેલી અને એકમાત્ર ચોરી પણ પકડાઈ જશે? 
‘પ્રૉમિસ પૂરું ન કરવું હોય તો ના પાડી દે, પણ આમ ઊંઘવાનું નાટક રહેવા દે.’
અંજનીનો બડબડાટ હજી ચાલુ હતો અને દી​િક્ષતની આંખો સામે લાલ, લીલાં, પીળાં સાપોલિયાં ઊડતાં હતા. શું પહેલી વાર કરેલી ચોરી પણ ભગવાન પકડાવી દેશે?
lll
‘નેક્સ્ટ ટુ ઇમ્પૉસિબલ... બને જ નહીં. તું ફરી વાર પ્રેગ્નન્ટ... શક્ય જ નથી...’ દીિક્ષતનું આખું શરીર ધ્રૂજતું હતું, ‘અંજની, તારી ભૂલ હશે... પૉસિબલ જ નથી કે તું પ્રેગ્નન્ટ હોય. કદાચ... કદાચ તારી ડેટ જોવામાં ભૂલ હશે...’
‘અરે તું... તું તો એવી રીતે બોલે છે જાણે કે મને કોઈ એક્સ્પીરિયન્સ જ નથી.’ અંજનીએ દી​િક્ષતની સામે જોયું, ‘સૌભાગ્ય વખતે તું આવું બોલે એ સમજાય, પણ હજીયે...’
‘વાત એમ નથી અંજની, પણ મને... મારે... તને... કંઈ...’ 
દી​િક્ષત રીતસર થોથવાતો હતો કે કઈ રીતે અંજનીને કહેવું કે તું ભ્રમ સાથે જીવે છે. શક્ય જ નથી આ અને જો શક્ય હોય તો...
‘તને મારે બધું યાદ કરાવવાનું... રાતે ઘરે મોડું આવવું, મોડા આવીને થાક ઉતારવા બે પૅગ મારવાના અને પછી એક પણ સેફ્ટી વિના બધાં કામ કરવાનાં અને પછી ભૂલી જવાનું...’
‘વાત એ નથી કે મને શું યાદ રહે છે અને હું શું ભૂલી જાઉં છું. વાત એ છે કે...’
‘તમે તો ભાઈ બહુ યાદશક્તિવાળાને. તમે ભૂલથી બબ્બે વાર ઘરમાં શ્રીખંડ લઈને આવો, બબ્બે વાર ડ્રાઇવરને સૅલેરી આપી દો અને ભૂલ-ભૂલમાં તમે પૅન્ટ પહેર્યા વિના...’ 
‘જસ્ટ શટ અપ...’ 
દી​િક્ષત ઉશ્કેરાયો. તેનો ઉશ્કેરાટ બિલકુલ વાજબી હતો. માણસ મનની વાત ભૂલી શકે, પણ પોતાના અંગની વાત કેવી રીતે ભૂલી જાય અને એમ છતાં પણ તેનાથી એવી ભૂલ થઈ ગઈ. અંજનીના કહેવા પ્રમાણે એ ભૂલ તેનાથી થઈ.
એ દિવસે વાત અધૂરી રહી ગઈ, પણ દી​િક્ષતના મનમાં વિચારોનો લાવારસ વહેતો રહ્યો. સ્ટૅચ્યુની પનિશમેન્ટના બદલામાં સૌભાગ્યને કંપની આપે એવું પ્રૉમિસ અંજનીએ લીધું એ સાચું. આવું પ્રૉમિસ મને-કમને દી​િક્ષતે આપ્યું એ સાચું. અરે, એ પ્રૉમિસ પછી ફિઝિકલ રિલેશનશિપમાં બન્નેમાંથી કોઈ સેફટી નહોતું રાખતું એ પણ સાચું. એ પણ સાચું કે પ્રેગ્નન્સી માટે અંજની ડૉક્ટર પાસે જઈને મેડિસિન પણ લઈ આવી. સાચું, સાચું, બધું સાચું... પણ પ્રેગ્નન્સી?
અંજનીને પ્રેગ્નન્સી કઈ રીતે થાય?
દી​િક્ષતની અવઢવ વધતી હતી. એક તબક્કે તેના મનમાં જે આવ્યું હતું એ શું સાચું હતું? શું સૌભાગ્યના જન્મ સમયે બા જે બોલતાં હતાં એ સાચું કે છોકરાએ બાપનો એક પણ ગુણ લીધો નથી? 
તો શું અંજનીને કોઈની સાથે આડા સંબંધો...
મનમાં પ્રવેશેલી આ શંકાનું નિરાકરણ એક જ વ્યક્તિ પાસે થઈ શકે એમ હતું. દી​િક્ષતે મોબાઇલ કાઢીને ડૉક્ટર કિશોર જીવરાજાનીને ફોન લગાવ્યો. 
‘ડૉક્ટરસાહેબ, દી​િક્ષત વાત કરું છું. મારે બે મિનિટ વાત કરવી છે... ઇટ્સ અર્જન્ટ...’
lll
દી​િક્ષતે ટિપાઈ પરથી રિમોટ હાથમાં લઈને એસી ફાસ્ટ કર્યું. વાતાવરણમાં પ્રસરતી ઠંડકે તેના શરીરને રાહત આપી. માત્ર શરીરને, મન તો હજીયે સળગતું હતું. બળતરા થાય એવી જ વાસ્તવિકતા હતી આ. અંજનીને કોઈની સાથે આડા સંબંધો હોય એ વાતે હવે શંકા રહી નહોતી. પહેલા સંતાનના જન્મ સમયે ગામઆખાના લોકોએ તેને કહ્યું કે છોકરાએ પિતાનો એક પણ અણસાર લીધો નહીં. ત્યારે જ તેણે સમજવાની જરૂર હતી કે ક્યાંથી બાપનો અણસાર લે, તેનો બાપ જ જુદો છે. 
દી​િક્ષતની આંખ સામે સૌભાગ્ય આવી ગયો.
સૌભાગ્ય.
રંગે સહેજ શ્યામ, અંજની જેવો જ; પણ આંખો તેની માંજરી હતી. ન તો દી​િક્ષતની આંખ માંજરી હતી કે ન તો અંજનીની અને એમ છતાં તેના બાળકની આંખો બ્રાઉન હતી. સૌભાગ્યની હાઇટ પણ નહોતી. જન્મ સમયે જ ડૉક્ટરે કહ્યું હતું કે બાળકની હાઇટ સામાન્ય બાળકો કરતાં દસથી બાર ટકા જેટલી ઓછી છે. ન તો અંજનીની હાઇટ ઓછી હતી કે ન તો દી​િક્ષતની અને છતાં સૌભાગ્ય હાઇટમાં નીચો હતો.
સૌભાગ્યની એકેએક આદત અને ખાસિયત હવે દી​િક્ષતની આંખો સામે આવવા માંડી હતી. જેમ-જેમ સરખામણી થતી ગઈ એમ-એમ દીિક્ષતને સૌભાગ્ય પર કાળ ચડવા લાગ્યો હતો. આજ સુધી તે જેને પોતાનું બાળક માનીને જીવતો હતો, ચાહતો હતો એ તેનું નહીં પણ વાઇફના યારનું બાળક હતું એ જાણ્યા પછી દી​િક્ષતનું લોહી રીતસર ઊકળતું હતું.
સૌભાગ્ય અંજનીના યારનું બાળક છે કે નહીં એ તો હજી શંકાની એરણે ચડેલો સવાલ હતો, પણ અત્યારે અંજનીના પેટમાં વસતો સાડાચાર મહિનાનો ગર્ભ તો સોએ સો ટકા અંજનીના આડા સંબંધોનું પરિણામ હતું. 
હવે... હવે શું કરવું?
દી​િક્ષતના વિચારો સૌભાગ્ય પરથી હટીને અંજની અને અંજનીના પેટમાં પનપી રહેલા ગર્ભ પર આવીને કેન્દ્રિત થયા.

આવતી કાલે સમાપ્ત

columnists Rashmin Shah