ષડ્‍યંત્ર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

28 October, 2021 08:23 AM IST  |  Mumbai | Rashmin Shah

‘માણસો કેવા ઇમોશનલફુલ હોય એ તારે જોવું હોય તો શિવાનીને મળી આવ...’

ષડ્‍યંત્ર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

ન્યુઝ-ચૅનલના રિપોર્ટરે સંતોષને અટકાવીને સવાલ પૂછવાની કોશિશ કરી.
‘આપ કો લગતા હૈ કિ સમીરને કૉર્પોરેટ-વૉર કે કારન અપની જાન ગંવાઈ હૈ? ક્યા શિવાની સમીર કે રાઇવલ કે સાથ મિલી હુઈ થી? ક્યા સમીરને ઇન્શ્યૉરન્સ કે લિએ યે કિયા? ક્યા અબ ઇસ કેસ મેં કિસી ઔર કી ગિરફ્તારી હો શકતી હૈ?’
‘નો કમેન્ટ્સ’ સાથે સંતોષ આગળ વધી ગયો. શિવાની મોઢું ખોલતી નહોતી અને જ્યાં સુધી તે મોઢું ન ખોલે ત્યાં સુધી આખો કેસ અનુમાન પર રહેવાનો હતો.
બોટમાલિક સુધાકર અને તેનો અસિસ્ટન્ટ પણ અત્યારે ૫૦૦ વાર કહી ચૂક્યા હતા કે શિવાની નીચેથી ઉપર જતી હતી ત્યારે અમને સળગતો સમીર જોવા મળ્યો હતો. હકીક્ત એ હતી કે એ સ્ટેટમેન્ટ શિવાનીને બચાવવા માટે અગત્યનું હતું. શિવાની આ કેસમાં ઇન્વૉલ્વ છે એ વાતને કોર્ટમાં પુરવાર કરવા જે મજબૂત પુરાવો જોઈએ એ હજી સુધી ડિપાર્ટમેન્ટને મળ્યો નહોતો.
સમીર પટેલની વાઇફ જ્યોતિનું સ્ટેટમેન્ટ પણ મર્ડર અને કૉર્પોરેટ-વૉર પુરવાર કરવા માટે પૂરતું નહોતું. હા, એ સ્ટેટમેન્ટથી એક વાત પુરવાર થતી હતી કે તેના પતિને શિવાની સાથે એક્સ્ટ્રામૅરિટલ રિલેશન હતાં, પણ એ કબૂલાત તો શિવાની પણ આપી ચૂકી હતી.
કરવું શું?
ઇન્સ્પેક્ટર સંતોષ એકાએક 
ફરીને ન્યુઝ-ચૅનલના રિપોર્ટર પાસેથી પસાર થયા.
સંતોષને જોઈને રિપોર્ટરે નવેસરથી વાત કરવાની કોશિશ કરી.
‘ક્યા આપ કો લગતા હૈ કિ ઇસ કેસ મેં શિવાની શાહ કિસી ઔર કૉર્પોરેટ કંપની કે સાથે મિલી હુઈ થી?’ 
‘હમે પુખ્તા સબૂત મિલે હૈં જિસસે યહ સાબિત હોતા હૈ કિ શિવાનીને સમીર પટેલ કી હત્યા કિસી રંજીસ સે નહીં, પર કૉર્પોરટ-વૉર કા હિસ્સા બન કર કી હૈ. શિવાનીને ભી ઇન બાતોં કા સ્વીકાર કિયા હૈ...’ 
અંધારું હોય ત્યારે રસ્તો તમને ન શોધે, તમારે રસ્તો શોધવા જવું પડે. 
સંતોષ અત્યારે એ જ કરતા હતા અને રસ્તો શોધતા હતા. તેમના મનમાં હતું કે આ ઇન્ટરવ્યુ શિવાનીને સાથ આપનારાને ઉશ્કેરાટ આપવાનું કામ કરશે અને તે શિવાનીને રોકવાની કોશિશ કરશે.
ઇન્સ્પેક્ટર સંતોષને ખબર નહોતી કે પોતાના આ તર્કમાં તે ખોટા છે.
સંતોષે ન્યુઝ-ચૅનલને આપેલો લાઇવ ઇન્ટરવ્યુ હજારો કિલોમીટર દૂર બેઠેલા એક માણસે જોયો અને તેને અત્યારે શિવાની પર માન થતું હતું. શિવાની પર પણ અને પોતાની માણસ ઓળખવાની પરખ પર પણ.
બધું ધારણા મુજબ આગળ 
વધતું હતું.
‘પ્લાન કોણે બનાવ્યો છે?’
દુબઈની હોટેલની રૂમમાં સમીર પટેલનું અટ્ટહાસ્ય ગુંજી ઊઠ્યું. 
ઠક... ઠક...
એ જ મિનિટે સમીરની રૂમના દરવાજે ટકોરા પડ્યા.
lll
‘માણસો કેવા ઇમોશનલફુલ હોય એ તારે જોવું હોય તો શિવાનીને મળી આવ...’ 
ગૅલરીમાં ઊભેલા સમીરે પાછળ જોયું. શરદ તેની સામે જ જોતો હતો. 
‘શિવાની એવું હતું કે હું તેના પ્રેમમાં ગળાડૂબ છું, હું તેના વિના રહી નહીં શકું. બસ, મારા કામ માટે તૈયાર થઈ ગઈ. મારે જ્યારે પણ શિવાની પાસે કામ કઢાવવાનું હોય ત્યારે હું તેની હાજરીમાં સાવ નરમ થઈ જતો. જાણે મારી લાઇફ હારી ગયો હોઉં એમ હું વર્તું એટલે તે મને સપોર્ટ આપવા તમામ કામ કરવા રાજી થઈ જાય અને આમ મારું કામ ઇઝી થવા માંડ્યું.’
‘જીજુ, આ બધી અરેન્જમેન્ટ થઈ કેવી રીતે?’ 
જ્યોતિના ભાઈ શરદે પૂછ્યું. સમીરને મળવા તે અમેરિકાથી દુબઈ આવ્યો હતો.
‘પ્લાન કેવી રીતે તમારા 
મનમાં આવ્યો?’
‘અરે મારા મનમાં કંઈ નથી આવ્યું દોસ્ત...’ સમીરે શરદના ખભા પર હાથ મૂક્યો, ‘તારી બહેન, તેનો પ્લાન હતો આ...’
‘કેવી રીતે બન્યું એ કહોને...’
‘લિસન, જ્યોતિ સ્વભાવની મોંફાટ. મનમાં આવે એ બકી નાખે...’ સમીરે વાતની શરૂઆત કરી, ‘શિવાનીને મારે માટે લાગણી હતી. વાઇફ રફ છે તો પણ હું બધું ચલાવું છું એવું ધારીને તેને મારે માટે રિસ્પેક્ટ વધતો ગયો. ધીમે-ધીમે મેં પણ શિવાનીને મારી તરફ કરી, તારી બહેનના કહેવાથી જ. એક વાર મેં મેં શિવાનીને કહ્યું કે મારે મરી જવું છે. તે તરત ઉશ્કેરાઈ ગઈ, પણ મેં તેને સમજાવ્યું કે પટેલ ઑનબોર્ડ્સની હાલત બહુ ખરાબ છે. તને તો ખબર જ છે કે કંપનીના ત્રણ પ્રોજેક્ય ટોટલ ફેલ થયા છે. ફાઇનૅન્સ કંપનીમાં પણ ૩૦૦ કરોડ રૂપિયાનો લૉસ હતો. બધી વાત આપણે છુપાવી રાખી, પણ લિમિટેડ કંપની હોવાને કારણે બૅલૅન્સશીટમાં વધુ વખત લૉસ છુપાવી શકાય એમ નહોતી. શિવાનીને આમ તો ઘણી ખબર હતી. જોકે જ્યારે તેને ખબર પડી કે કંપની ૨૫૦૦ કરોડના લૉસમાં છે ત્યારે તે હેબતાઈ ગઈ. બધી વાત કહેતાં હું રડી પડ્યો.’ 
સમીર સહેજ અટક્યો અને પછી વાત ફરી શરૂ કરી...
‘શિવાનીએ મને ઍડ્વાઇઝ આપી કે બધું ભલે જાય, પણ તમે તમારી અરેન્જમેન્ટ રાખજો. શિવાનીએ ઍડ્વાઇઝ એમ જ આપી હતી, પણ તારી બહેન શિવાનીથી ૧૦ સ્ટેપ આગળ હતી. તેણે મારી પાસે ૨૫૦ કરોડની ૧૪ ઇન્શ્યૉરન્સ પૉલિસી લેવડાવી લીધી હતી. પૉલિસી મેં જ્યોતિના કહેવાથી લીધી, પણ શિવાનીને એમ જ હતું કે હું તેની ઍડ્વાઇઝ મુજબ ચાલુ છું.’ સમીરે બિયરનો ગ્લાસ હાથમાં લીધો, ‘મારે શિવાનીને વિશ્વાસમાં રાખવાની હતી. એક વાર મેં શિવાનીને કહ્યું કે જો હું ગુજરી જાઉં તો ઇન્શ્યૉરન્સ કંપની મારી ગેરહાજરીમાં મારી ફૅમિલીને ૨૫૦ કરોડ આપશે અને જો હું ગુજરી નહીં જાઉં તો કંપનીની ખતમ થનારી આબરૂ મારો જીવ લઈ લેશે. પટેલ ઑનબોર્ડ્સની નાદારી હું સહન નહીં કરી શકું. શિવાની તરત સૉફ્ટ થઈ ગઈ અને મેં એ ઑપોર્ચ્યુનિટીનો લાભ લઈ લીધો. મેં શિવાનીને કહ્યું કે મારા મનમાં એક પ્લાન છે. જો પ્લાન સક્સેસ થશે તો હું અને તું કાયમ માટે ફૉરેન ચાલ્યાં જઈશું. મારી વાત જ શિવાનીને ખુશ કરી ગઈ અને એક દિવસ મેં તેની સામે મારો પ્લાન ખુલ્લો મૂક્યો.’
સમીરે સહેજ ઊંડો શ્વાસ લઈ વાત શરૂ કરી...
‘હું શિવાનીને લઈને બોટ પર ગયો. પહેલી વાર. ચારેક મહિના પહેલાં. મેં એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે શિવાની સાથ ન આપે તો ઠીક, પણ તેણે વિશ્વાસઘાત ન કરવો જોઈએ અને એવું બનવાનું નહોતું. મારે માટે શિવાની જીવ આપવા કે લેવા બન્ને માટે તૈયાર હતી. પ્લાન મુજબ મેં શિવાનીને સમજાવી કે આપણે જાહેરમાં ફરીએ, જેથી આપણા રિલેશનની બહાર બધાને ખબર પડે, જેને લીધે પુરાવાઓ ઊભા થશે. સાથે ફર્યા પછી તારે એક દિવસ મને બોટની વચ્ચે સળગાવીને એવું કહેવાનું કે મેં સુસાઇડ કરી લીધું.’
‘એ સમયે તમે દરિયામાં કૂદીને કિનારે આવી ગયા. રાઇટ?’
‘ના, હું બોટમાં હતો જ નહીં...’ શરદની આંખો મોટી થઈ ગઈ, ‘ઓરિજિનલ પ્લાન મુજબ મારે એટલું સાબિત કરવાનું હતું કે શિવાની સાથે જે રોજ આવે છે એ માણસનો ચહેરો આ છે અને બાકીનું કામ શિવાનીએ સ્ટેટમેન્ટથી કરવાનું હતું.’ 
‘સમજાયું નહીં...’
‘સમજાવુંને...’ સમીરે આંટી વાળેલો જમણો પગ લાંબો કર્યો. ‘બોટમાલિકને ખાતરી થઈ ગઈ એટલે હું અને જ્યોતિ યોગ્ય દિવસની રાહ જોવા લાગ્યાં. જ્યારે આ બધું બને ત્યારે ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે અવરજવર ન હોય એ જરૂરી હતું. બીજું એ કે અમે ઇચ્છતાં હતાં કે એ દિવસે બહુ વરસાદ હોય. એવો દિવસ મળી ગયો. ૧પ જુલાઈની રાતનું વાતાવરણ જોતાં ખબર પડી ગઈ કે એકાદ-બે દિવસમાં વરસાદ આવશે. તકદીર પણ સાથે છે એવું અમને લાગ્યું, ૧૬ જુલાઈની સવારે. એ દિવસે અંધેરી કબ્રસ્તાન પરથી ફોન આવી ગયો કે તમારે જેવી ડેડબૉડીની જરૂર છે એવી ડેડબૉડી આવી છે.’
શરદને હવે સમીરની રમત સમજાવા માંડી.
‘અમે જઈને ડેડબૉડી લઈ લીધી. ડેડબૉડી માટે કબ્રસ્તાનના મૌલવીને એક લાખ રૂપિયા આપ્યા. શિવાનીને બધી વાત અગાઉથી કરેલી એટલે એની કોઈ ચિંતા નહોતી. એ ડેડબૉડીને મારાં કપડાં પહેરાવીને ૧૭ જુલાઈએ શિવાની ગેટવે ઑફ ઇન્ડિયા પહોંચી ગઈ. શિવાનીએ બોટના માલિકને એવું દેખાડ્યું કે સાથે હું છું અને મેં ઘણો દારૂ પીધો છે. ડેડબૉડી બોટની ઉપરના પ્લૅટફૉર્મ પર લઈ જઈને શિવાનીએ ચૅર પર બરાબર ગોઠવી દીધી. અમે બોટ પર એટલું ફર્યાં હતાં કે અમને બોટનો નકશો મોઢે થઈ ગયો હતો. અમને ખબર હતી કે સુધાકર ડીઝલનાં કૅન ઉપરના પ્લૅટફૉર્મ પર રાખે છે. ગેટવે ઑફ ઇન્ડિયા દેખાતો બંધ થયો કે તરત શિવાનીએ ડીઝલથી જ ડેડબૉડી સળગાવી અને ચેક પણ કર્યું કે વરસાદ વચ્ચે એ પૂરેપૂરી સળગે છે કે નહીં. આગ બરાબર લાગી ગઈ એટલે તેણે પ્લૅટફૉર્મ પર રહેલા સળિયાથી ડેડબૉડી પગથિયા નજીક ધકેલી દીધી, જે મારો પ્લાન હતો. ડેડબૉડી પગથિયા નજીક કર્યા પછી શિવાની મદદ માટે દોડતી નીચે આવી અને પછી બોટનો અસિસ્ટન્ટ સાથે ઉપર આવવા તૈયાર થયો, પણ ત્યાં તો સળગતી બૉડી પગથિયેથી નીચે આવી ગઈ. આગ વધી ગઈ અને તોફાન પણ વધ્યું. હા, તોફાની દરિયો અમારા પ્લાનમાં નહોતો. આગ વધવા માંડી એટલે બધા આગથી બચવા માટે દરિયામાં કૂદ્યા અને દુનિયાને લાગ્યું કે સમીર પટેલ મરી ગયો...’
 ‘માસ્ટર માઇન્ડ. રિયલી...’ જાણે વાર્તા સાંભળતો હોય એવું શરદને લાગતું હતું, ‘બાય ધ વે, આ બધું બન્યું ત્યારે તમે ક્યાં હતા?’ 
‘૧૬મીની રાતે જ હું દુબઈ આવવા નીકળી ગયો હતો.’ 
‘તમે દુબઈમાં હો તો તમારી એન્ટ્રી વિઝા કાઉન્ટર પર...’
‘નથી, કારણ કે તારી બહેનની બુદ્ધિ મુજબ હું ચાલ્યો છું.’ સમીર ઊભો થઈ શરદ પાસે આવ્યો, ‘નકલી પાસપોર્ટ પર હું દુબઈ આવ્યો...’
lll
છ મહિના પછી...
‘અરે, હા, તારી પેલી શિવાનીએ સુસાઇડ કર્યું...’ જ્યોતિએ મોબાઇલ પર સમીરને ન્યુઝ આપ્યા. 
‘હેં?!’
‘હેં નહીં હા...’ જ્યોતિએ શાંતિથી જવાબ આપ્યો, ‘રાતે ન્યુઝ આવ્યા. જેલમાં જ સુસાઇડ કર્યું. મરતાં પહેલાં તેણે કાગળ પર કોલસાથી ચિઠ્ઠી લખી કે સમીર જીવે છે અને મને ત્યાં બોલાવવાનો છે.’
જ્યોતિની વાત સાંભળતી વખતે સમીરનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. 
‘હા, પણ ડરવાની જરૂર નથી...’ જ્યોતિએ સમીરને ધરપત આપી. ‘વાત કરી લીધી કમિશનર સાથે, તેને લાગે છે કે તારી આઇટમ ગાંડી થઈ ગઈ એટલે તેણે બફાટ લખ્યો...’
‘ક્યા બાત હૈ જાનેમન...’ સમીરે જ્યોતિને મોબાઇલ પર કિસ આપી. આ કિસ જ્યારે અપાતી હતી ત્યારે ઇન્સ્પેક્ટર સંતોષ સમીર પટેલ મર્ડરકેસની ફાઇલ ખોલીને બેઠા હતા.
‘પાટીલ, માનો યા ના માનો, ઇસ કેસ મેં કહીં ના કહીં હમને ગલતી સે અસલી મુઝરિમ કો હેલ્પ કર દી હૈ.’

સંપૂર્ણ

columnists Rashmin Shah