ષડ્‍યંત્ર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

25 October, 2021 01:04 PM IST  |  Mumbai | Rashmin Shah

દરિયો તોફાન કરવાના પૂરેપૂરા મૂડ આવી ગયો. કિનારે બાંધી રાખવામાં આવેલી બોટ પણ કિનારો છોડી દરિયામાં જવા ઉતાવળી થઈ હોય એમ હિલોળે ચડી હતી.

ષડ્‍યંત્ર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

‘એય... અબ વાપસ આ.’ 
મન્સૂરે રાડ પાડી. મન્સૂરને પણ ખબર હતી કે ઘૂઘવાતો દરિયો તેના અવાજને પાંચ ફુટથી આગળ પહોંચવા દેવાનો નથી. આમ પણ રાતથી દરિયો તોફાની મૂડમાં હતો. કાળાંડિબાંગ વાદળો અને વાદળો વચ્ચેથી ચળાઈને આવતા પવનના ચિચિયારીભર્યા સુસવાટા દરિયાના તોફાનને વધુ બિહામણું બનાવતા હતા. 
‘પૈસે કમાને કી લાલચ મેં તુ અપની જાન ગવાંએગા...’
સામેથી પ્રતિસાદ ન આવ્યો એટલે મન્સૂર દોડીને ઉપરના પ્લૅટફૉર્મ પર ગયો. દરિયાનાં મોજાં હવે ધીમે-ધીમે ગેટવે ઑફ ઇન્ડિયા સુધી પહોંચવા માંડ્યાં હતાં.
કાલે સાંજે જ ફેરી અસોસિએશનની મીટિંગમાં નક્કી થયું હતું કે સવારે વાતાવરણ સારું હોય તો જ દરિયામાં ફેરી લઈ જવી. ગેટવે ઑફ ઇન્ડિયા આવતા ટૂરિસ્ટ પર નભતા બોટની ફેરી કરાવતા ઑપરેટરોને ઊંડે-ઊંડે ખાતરી હતી કે દરિયાનો મિજાજ કમસે કમ બે દિવસ આવો જ રહેવાનો છે અને છતાં આજે સુધાકર પોતાની રંગા બોટ લઈને દરિયામાં ફેરી કરવા ઊતરી ગયો હતો.
એક પણ ટૂરિસ્ટ દેખાયો નથી તો આ સુધાકર ફેરી કોને કરાવે છે?
પ્લૅટફૉર્મ ચડતા મન્સૂરના મનમાં વિચાર આવી ગયો, પણ પછી જવાબ, બાવીસ વર્ષથી ફેરી કરતા મન્સૂરે જાત જ મેળવી લીધો.
ઑફ સીઝનમાં દરિયાની ફેરી કરવા આવતા બે-ચાર પૅસેન્જર માટે પણ ક્યારેક બોટને દરિયામાં ધકેલવાનું મન થઈ આવે એ સ્વાભાવિક છે.
મન્સૂરે પ્લૅટફૉર્મ પર જઈને રેડ સિગ્નલ હાથમાં લીધું. દરિયો તોફાન કરવાના પૂરેપૂરા મૂડ આવી ગયો. કિનારે બાંધી રાખવામાં આવેલી બોટ પણ કિનારો છોડી દરિયામાં જવા ઉતાવળી થઈ હોય એમ હિલોળે 
ચડી હતી.
બોટ પર હવે પાંચ મિનિટથી વધારે નહીં રહેવાય. 
મન્સૂરે રેડ સિગ્નલ હાથમાં લઈ ઑન કર્યું. તેની આંખો સુધાકરની બોટ શોધતી હતી. હજી હમણાં સુધાકર દેખાતો હતો, તો હવે અચાનક તે ક્યાં ગુમ થયો. વરસતા વરસાદમાં નજર માંડવા મન્સૂરે હાથની હથેળીને આંખને છાજલી બનાવી. વરસાદનું જોર વધી ગયું હતું. આકાશમાંથી વરસતું પાણી રીતસર કાંકરા જેવું વાગતું હતું. બોટ ક્યાંય દેખાઈ નહીં એટલે ક્ષણભર તો મન્સૂરને થયું કે દરિયો સુધાકરને ગળી ગયો અને જો એવું નહીં થયું હોય તો વધુ વાર દરિયો રાહ નહીં જુએ.
‘ઓ રહી...’
એકાએક મન્સૂરનું ધ્યાન સુધાકરની બોટ તરફ ગયું.
કિનારા તરફ આવવાનો પ્રયાસ કરતી બોટના એન્જિનની તાકાત દરિયાનાં તોફાની મોજાં સામે 
વેડફાતી હતી. 
મન્સૂરે એક હાથથી પ્લૅટફૉર્મનો પાઇપ પકડ્યો અને બીજા હાથે રેડ સિગ્નલ બોટ તરફ કર્યું,
‘યહાં...’
મન્સૂરે રાડ તો પાડી, પણ તેને પોતાનો અવાજ જ નહોતો સંભળાતો. દરિયાનો ઘૂઘવાટ, વરસતા વરસાદની ગર્જના અને વહેતા પવનના સુસવાટાનું જોર એટલું હતું કે કાનમાં જઈને રાડ પાડી હોય તો પણ એ સંભળાય નહીં.
મન્સૂરે જાત સાંભળતાં સિગ્નલ સુધાકરની બોટ તરફ કર્યું, 
‘પણ આ શું?’
‘સુધાકરની બોટની પાછળના ભાગમાં કેસરી રંગની જ્વાળાઓ જેવું શું છે?’ 
મન્સૂર ધ્રૂજી ગયો.
‘આગ...’
અનુભવી મન્સૂર આગ પારખી ગયો હતો.
વરસતા વરસાદ વચ્ચે, આક્રમક બનેલા દરિયા વચ્ચે પણ જો આગ પોતાની તાકાત દેખાડતી હોય તો ધારવું કે એ આગને રોકવાની તાકાત હવે કોઈની નથી. ૨૪ કલાક દરિયા સાથે રહેનારા, દરિયાને પોતાનાં માઈ-બાપ ને ભાઈ-બહેન માનનારાઓ માટે આ નિયમ થમ્બ-રૂલ જેવો હતો અને હોય પણ કેમ નહીં? જે આગને ઓલવવા માટે પાણી જોઈએ એ આગ પાણી વચ્ચે, વરસતા વરસાદ વચ્ચે લાગે 
તો સમજી લેવાનું કે હવે તમારે બોટથી તો હાથ ધોવાના છે. જિંદગી બચાવવી હોય તો બોટ છોડીને દરિયાના આસરે આવી જાઓ. 
‘સુધાકર, આગ...’
ગળું ફાડીને જીભ બહાર આવી જાય એવી તાકાતથી મન્સૂરે રાડ પાડી. 
હવે તેને આગ ચોખ્ખી દેખાતી હતી. સુધાકર બોટના આગળના ભાગમાં આવેલી કૅબિનમાં હોય તો બોટમાં તેની સાથે હશે એ છોકરો પણ હવે કૅબિનમાં આવી ગયો હશે. વાત રહી ટૂરિસ્ટની, તો એ પણ સાંબેલાધાર વરસાદ વચ્ચે ઉપર તો નહીં જ હોય. તે પણ નીચે જ હશે અને આગના લબકારા કહે છે કે આગ ઉપરના પ્લૅટફૉર્મ પર છે.
મન્સૂરને એ પણ ખબર હતી કે ડીઝલ ભરેલાં બૅરલ બોટમાં ઉપર રાખ્યાં હોય.
‘જો આગ ડીઝલનાં બૅરલ સુધી પહોંચે તો બોટ બૉમ્બ બનીને દરિયા વચ્ચે ફૂટે અને બોટના તમામ લોકોએ જીવ ગુમાવવા પડે. હવે સુધાકરને બચાવવો કેમ?’
મન્સૂરના મનમાંથી વરસાદ અને દરિયાનું ટેન્શન ભસ્મીભૂત થઈ ગયું. તેના મન પર હવે આગ છવાયેલી હતી. મન્સૂરે આજુબાજુમાં નજર કરી. ગેટવે ઑફ ઇન્ડિયા પાસે કોઈ ઊભું હોય એવો મન્સૂરને ભાસ થયો.
‘અરે નીચે આવો.’
મન્સૂરે સુધાકરની બોટની દિશામાં રાડ પાડવાને બદલે ઉપરની તરફ રાડ પાડી. સ્વાભાવિકપણે રાડ પાડતી વખતે મન્સૂરનું ધ્યાન ઉપરની તરફ હતું. મન્સૂરનું ઉપરની તરફ જોવું, રાડ પાડવી અને રાડનો પ્રત્યુત્તર મળે છે કે નહીં એ બે-ચાર સેકન્ડ સુધી જોવું. આ તમામ પ્રક્રિયા વીસેક સેકન્ડમાં પૂરી થઈ હતી. આ ૨૦ સેકન્ડમાં સુધાકરની બોટ પર પણ એક પ્રક્રિયા બની જે મન્સૂરની ધ્યાન બહાર રહી ગઈ.
ઉપરથી કોઈ પ્રત્યુત્તર ન આવ્યો એટલે મન્સૂરે ફરી સુધાકરની બોટ તરફ જોયું અને તેની આંખોમાં અચરજની સાથે આંચકો ધરબાઈ ગયો.
સુધાકરની આખી બોટમાં આગ પ્રસરી ગઈ હતી અને હજારેક ફુટ દૂર રહેલી એ બોટે દરિયામાં સમાધિ લેવાની તૈયારી કરી લીધી હતી.
‘સુધાકર...’
મન્સૂરે રાડ પાડી કે તેના મોઢામાંથી રાડ નીકળી ગઈ એની તેને પણ 
નહોતી ખબર.
મન્સૂર અને સુધાકર વચ્ચે કોઈ સંબંધો નહોતા. એક મુસ્લિમ, એક ચુસ્ત હિન્દુ. દરિયા સાથે જ પનારો હોવા છતાં સુધાકરના ઘરે ક્યારેય મચ્છી રાંધવામાં આવી હોય એવું મન્સૂરની જાણમાં નહોતું આવ્યું.
દોસ્તી હતી બન્ને વચ્ચે. માત્ર દોસ્તી.
જો આ ક્ષણે સુધાકર કિનારે હોત અને આવી કોઈ ઘટના મન્સૂર સાથે બની હોત તો સુધાકર બીજી કોઈ જાતની પરવા કર્યા વિના સીધો ઉપર, ગેટવે ઑફ ઇન્ડિયાની ફુટપાથ પર પહોંચી ગયો હોત.
‘અરે, વો વહાં હૈ...’
આગ ઓકતી અને પાણીમાં સમાધિ લેતી બોટ પરથી મન્સૂરની નજર ત્યારે હટી જ્યારે તેનું ધ્યાન દરિયાનાં મોજાં પર ઊછળતા માણસ પર પડી.
- ‘આગ જોઈને એ લોકોએ બોટ છોડી દીધી હશે.’ 
હવે કિનારે ઊભા રહેવાની મન્સૂરની ક્ષમતા નહોતી. પોતાની મુશ્કેલી ભૂલીને માણસ જ્યારે બીજાને મદદ કરવા નીકળતો હોય છે ત્યારે તે પોતાને મળનારી યાતના પણ ભૂલી જાય છે. મન્સૂર દોડીને પ્લૅટફૉર્મ પર આવ્યો. એ સમયે બોટને પાણીમાં નાખવી એ કોઈ જેવીતેવી વાત નહોતી, પણ મન્સૂરને એવી દુનિયાદારી સાથે સહેજ પણ સંબંધ નહોતો. તે માણસાઈ માટે જીવતો અને માણસાઈ પણ કદાચ, મન્સૂર જેવા માણસોના કારણે જ હજી જીવતી હતી.
ઘર્‍ર્‍ર્ ... ઘર્‍ર્‍ર્... ઘર્‍ર્‍ર્...
મન્સૂરની ‘પરવરદિગાર’ નામની બોટ શરૂ થઈ ત્યારે તેને ખબર નહોતી કે પરવરદિગાર તેને કઈ દિશામાં લઈ જાય છે.
lll
‘વો દો થે...’ 
સુધાકર હજીયે કલાક પહેલાં ઘટેલી ઘટના યાદ કરતાં ધ્રૂજતો હતો. જો મન્સૂરે હિંમત ન કરી હોત તો આજે તે હયાત ન હોત. મન્સૂરની હિંમત ખરેખર તો હિંમત નહીં, ગાંડપણ હતું. જોકે મન્સૂરના એ ગાંડપણને કારણે સુધાકર સહિત ત્રણ વ્યક્તિનો જીવ બચ્યો હતો. સુધાકરની બોટથી ત્રણ જણને બચાવવામાં આવ્યા હતા. સ્વસ્થ થઈ ગયા પછી પણ સુધાકર એક જ વાત કહેતો હતો. 
‘વો દો લોગ થે...’ 
સુધાકરની સાથે બોટ પર રહેતો કાશીપ્રકાશ હજીયે બેભાન હતો અને જે છોકરીને બચાવી લેવામાં આવી હતી એ છોકરી પણ હજી બેશુદ્ધ હતી. છોકરીના મોઢામાંથી વારંવાર એક જ વાત નીકળતી હતી,
‘ઘર પે પતા ચલા તો ઝિંદગી બરબાદ હો જાએગી, મૈં કહીં કી નહીં રહૂંગી.’
પોલીસ આવવાની તૈયારી હતી અને મન્સૂરને ડર હતો કે પોલીસ આ ઘટનામાં સુધાકરને પણ સંડોવી દેશે.
‘સુધાકર, ઠીક સે સબ કુછ બતા...’ મન્સૂરનું શરીર તાવથી ધગતું 
હતું, ‘વર્ના, બગૈર કારન સબ કો પરેશાની હોગી.’
મુંબઈ પોલીસ અગાઉ આ પ્રકારના શંકાસ્પદ કિસ્સાઓમાં બોટના માલિક અને ફેરી ઑપરેટરને જ ગુનેગાર ગણીને આગળ વધી હતી. મુંબઈ પોલીસ એવું જ માનતી કે બોટના માલિકોમાંથી અડધોઅડધ માલિકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. એકાદ-બે કિસ્સામાં બોટમાલિકે આરડીએક્સ લાવવા-લઈ જવાનું કામ કર્યું હોવાથી મુંબઈ પોલીસની આ ગ્રંથી બંધાઈ ગઈ હતી.
‘આહ...’
એકાએક હૉસ્પિટલના ખૂણામાંથી અવાજ આવ્યો. 
‘અરે, લડકી કો હોંશ આ રહા હૈ...’
ફેરી અસોસિએશનનો પ્રમુખ હનીફ મિર્ઝા છોકરીના બેડ તરફ દોડ્યો. 
‘આહ...’
હનીફને લાગ્યું હતું કે હમણાં છોકરી ફિલ્મી સ્ટાઇલથી બોલશે, ‘મૈં કહાં હૂં...’ 
હનીફનો તર્ક ખોટો હતો.
છોકરીએ આંખો ખોલી અને પાંચ-સાત સેકન્ડ છતને તાકી રહી અને પછી બાજુમાં ઊભેલા હનીફ સામે જોયું. 
‘સમીર, સમીર મર ગયા...’
સમીર?
હનીફ અને મન્સૂર માટે આ નવું નામ હતું. નવું અને મહત્ત્વ ન હોય એવું. જોકે મુંબઈના કૉર્પોરેટ વર્લ્ડમાં આ નામ જરાસરખુંય નાનું નહોતું.
‘સમીર મરી ગયો.’
છોકરી રડવા લાગી હતી. 
છોકરીને કેમ સમજાવવી, કેમ શાંત પાડીને તેની ફૅમિલીનું ઍડ્રેસ લેવું એ ગડમથલમાંથી હનીફ કે મુશ્તાક બહાર આવે એ પહેલાં ઇન્સ્પેક્ટર સંતોષ રૂમમાં દાખલ થયા.
‘સા’બ આ ગયે.’
હનીફની પીઠ દરવાજા તરફ હતી એટલે મુશ્તાકે દબાયેલા અવાજે કહ્યું.
હનીફ તરત બેડ પાસેથી હટ્યો. છોકરીની આંખો બંધ હતી. 
‘ક્યા હાલ હૈ ઇસકા?’ ઇન્સ્પેક્ટરે ડૉક્ટર સામે જોયું.
‘પાણીનો માર છે, ચેસ્ટમાં હેરક્રૅક છે અને જમણા પગમાં ફ્રૅક્ચર.’ 
‘ઔર કુછ?’ 
ઇન્સ્પેક્ટરે છોકરીના ડાબા પગ પર હાથ મૂક્યો એટલે પેલીએ આંખો ખોલી. તેની આંખો લાલઘૂમ હતી. હનીફ આંખો જોઈને નક્કી કરી શક્યો નહીં કે આંખની લાલાશ આંસુની છે કે પછી દરિયાનાં પાણીની ખારાશની. 
‘હાય...’ છોકરીએ ઇન્સ્પેક્ટર સામે જોયું, ‘ક્યા નામ હૈ આપકા?’
‘શિવાની.’
‘બડી હિમ્મતવાલી હો, ના તો આગ કા ડર દિખા, ના હી સમંદર કે પાની કા...’  સંતોષે આજુબાજુમાં જોયું એટલે હનીફે સુધાકરના બેડ પાસે પડેલું સ્ટૂલ તેમને બેસવા આપ્યું, ‘શિવાની. સિર્ફ શિવાની યા આગે-પીછે કુછ હૈ?’
‘શિવાની શાહ.’
‘ગુજ્જુ ગર્લ?’
‘યસ...’ શિવાનીએ ફરી આંખો બંધ કરી.
‘શિવાની, પતા હૈ અભી તુમ્હેં આરામ કી ઝુર્રત હૈ. હમ કલ બાત કરેંગે... આપ સિર્ફ ઍડ્રેસ દે દો, અપને ઘર કા...’
‘ફર્સ્ટ ફ્લોર, પ્રભાકર આર્કેડ, દામોદર મેડિકલ સ્ટોર્સની સામે, જવાહરનગર, એસ. વી.રોડ, ગોરેગામ...’

વધુ આવતી કાલે

columnists Rashmin Shah