સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 33

07 April, 2019 03:25 PM IST  |  | ગીતા માણેક

સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 33

સરદાર પટેલ

‘મુનશી, તમે હૈદરાબાદ જશો?’ ઑફિસના ટેબલની સામે તરફની ખુરશીમાં બંધ ગળાનો કોટ, માથે ગાંધીટોપી અને આંખો પર ગોળ ફ્રેમનાં ચશ્માં પહેરેલા કનૈયાલાલ મુનશીને સરદારે પૂછ્યું,

‘હું? હૈદરાબાદ?’ કનૈયાલાલ મુનશીએ હાથમાંનો ચાનો કપ ટિપાઈ પર મૂકતાં પૂછ્યું.

ગુજરાતી ભાષાના જાણીતા લેખક તેમ જ ઍડ્વોકેટ અને રાજકીય નેતા કનૈયાલાલ મુનશીને સરદારે સવારના નવેક વાગ્યે તેમની ઑફિસમાં મળવા બોલાવ્યા હતા.

‘તમે તો જાણો જ છો કે આપણે યથાવત્ કરાર (સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ) હેઠળ ભારત વતી હૈદરાબાદમાં એક એજન્ટ મોકલવાનો છે. મને લાગે છે કે આ જવાબદારી તમે સારી રીતે નિભાવી શકશો.’

થોડી ક્ષણો કનૈયાલાલ મુનશી ચૂપ રહ્યા. તેમને હવે સમજાયું કે જ્યારે સરદારે તેમને સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ પર ચર્ચા કરવા બોલાવ્યા હતા ત્યારે પોતાના અભિપ્રાય ઉપરાંત સરદારના મનમાં મુનશીને હૈદરાબાદમાં એજન્ટ તરીકે મોકલવાની ગણતરી પણ ચાલી રહી હતી.

દેશ આખો આંધાધૂંધીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હતો. વિભાજનની કળ હજુ વળી નહોતી. કોમી રમખાણોના સમાચાર દેશના જુદા-જુદા વિસ્તારોમાંથી આવી રહ્યા હતા. બીજી તરફ પાકિસ્તાનથી હજારો નિરાશ્રિતોનાં ધાડાં આવી રહ્યાં હતાં. તેમની સમસ્યાઓનો કોઈ અંત દેખાતો નહોતો. કાશ્મીરમાં પરિસ્થિતિ વિકટ હતી તો બીજી બાજુ ભારતના ઉદરસમા હૈદરાબાદમાં જાણે કૅન્સર ફેલાયું હોય એવી રાજકીય અને કોમી પરિસ્થિતિ હતી.

‘બંધારણીય સભાના સભ્ય તરીકે મારા પર ઘણી જવાબદારીઓ છે એ મૂકીને હું કઈ રીતે જાઉં?’ મુનશી આ અણધાર્યા પ્રશ્ન અને હૈદરાબાદમાં એજન્ટ તરીકે જવા માટે માનસિક રીતે સજ્જ નહોતા. તો બીજી તરફ સરદાર જેવી વ્યક્તિના મદદનીશ થવાનો આ મોકો તેઓ ચૂકવા માગતા નહોતા, કારણ કે તેઓ જાણતા હતા કે સરદાર સાથે કામ કરવું એ એક લહાવો હતો. સરદાર પોતે નીડર અને સક્ષમ તો હતા જ, પણ તેમનામાં લોકોને સંગઠિત કરીને તેમની પાસેથી શ્રેષ્ઠ કામ કરાવી શકવાની આવડત હતી. પરિસ્થિતિને જોઈ, સમજી અને સૂંઘી શકવાની વિચક્ષણતા તેમનામાં હતી એ બાબતથી મુનશી વાકેફ હતા.

‘મને લાગે છે કે એક વાર બાપુ (ગાંધીજી)ને પૂછી લઉં.’

‘બાપુની સમંતિ હોય તો સોનામાં સુગંધ ભળે.’ સરદારે સ્મિત સાથે કહ્યું.

‘જો જવાનું થાય જ તો મારી એક શરત છે.’

સરદારે મુનશી તરફ નજર માંડી અને આંખના ઇશારાથી શરત વિશે પૂછ્યું.

‘બંધારણીય સભાના સભ્ય તરીકે જ જઈશ અને એ માટે વળતર પેટે એક રૂપિયો પણ નહીં લઉં.’

જોકે બંધારણીય સભાનાં બધાં કામ પડતાં મૂકીને હૈદરાબાદ જવું કે નહીં, આ જવાબદારી પોતે સારી રીતે પાર પાડી શકશે કે કેમ એવા અનેક પ્રશ્નો અને શંકાઓ કનૈયાલાલ મુનશીના મનમાં હતાં. એ સાંજે જ તેઓ જઈને ગાંધીજીને મળ્યા.

‘સરદારસાહેબની ઇચ્છા છે કે હું હૈદરાબાદ જાઉં...’ મુનશીએ આદરપૂવર્કં જણાવ્યું.

‘એનાથી તે રૂડું શું હોય? હૈદરાબાદમાં બધું વણસી રહ્યું છે. જે બધું ચાલી રહ્યું છે એનાથી હું બહુ વ્યથિત છું. વલ્લભભાઈ તો પોતાના પ્રયત્ન કરે જ છે, પણ તેમને તમારા જેવાનો સહકાર મળશે તો તેમને રાહત થશે. હું તો કહીશ કે તમારે જવું જ જોઈએ. આ તમારું કર્તવ્ય નહીં, ધર્મ છે.’

‘બાપુ, આ કામ બહુ મુશ્કેલ લાગે છે.’

‘અઘરું છે એટલે તો તમને પસંદ કર્યા છે. જો તમારા જેવી વ્યક્તિ આ જવાબદારી લેવામાં આનાકાની કરે તો કેમ ચાલશે? હૈદરાબાદનો મામલો તો પૂરો કર્યે જ છૂટકો છે.’

ગાંધીજીના આગ્રહ છતાં, કનૈયાલાલ મુનશીના મનમાં ખચકાટ હતો. બીજા દિવસે સરદારનો ફોન આવ્યો.

‘મુનશી, તમે હૈદરાબાદ જવા ક્યારે રવાના થાઓ છો?’

‘જવા અંગે હજુ મેં પાકો નિર્ણય કર્યો નથી.’

‘કોઈ પણ વિલંબ વિના તમે હૈદરાબાદ જાઓ છો. કાલે સવારે તમે આવો એટલે બધી વાતચીત અને ગોઠવણ કરી લઈએ.’ આટલું કહીને સરદારે ફોન પૂરો કર્યો.

પરિસ્થિતિનો ક્યાસ કાઢતાં સરદાર, ગાંધીજી અને કનૈયાલાલ મુનશીને હૈદરાબાદ ભારતમાં આસાનીથી વિલીન નહીં થાય એવું લાગતું હતું, પરંતુ મુનશી જ્યારે જવાહરલાલ નેહરુને મળવા ગયા ત્યારે તેમણે અવાસ્તવિક આશાવાદ વ્યક્ત કરતાં કહ્યુ, ‘હૈદરાબાદ તો ભારતમાં હાથવેંતમાં જોડાઈ જશે. એ ભારતથી ભાગીને જશે ક્યાં?’

€ € €

‘સલામાલેકુમ મુનશીજી.’ છત્તારીના નવાબના સ્થાને નિમાયેલા નવા દીવાન મીર લાયક અલી હૈદરાબાદના બોલારામ રેસિડન્સી વિસ્તારમાં કનૈયાલાલ મુનશીના ઉતારા પર પહોંચી ગયા હતા. લાયક અલી દીવાનનો હોદ્દો સંભાળે એવો કાસિમ રાઝવીનો આગ્રહ હતો. એ વખતે લાયક અલી પાકિસ્તાન સરકારમાં મહત્વના હોદ્દા પર હતા. રાઝવીના આગ્રહ પર જ્યારે નિઝામે જિન્નાહને વિનંતી કરી કે લાયક અલીને પાકિસ્તાન સરકારની સેવામાંથી છૂટા કરી હૈદરાબાદ મોકલી આપો ત્યારે પહેલાં તો જિન્નાહે આ વિનંતીને નકારી કાઢી હતી. લાયક અલી હૈદરાબાદના દીવાન તરીકે આવે એવી ઇચ્છા નિઝામની પણ નહોતી, કારણ કે તો ભારત સરકારને એવું લાગે કે લાયક અલી પાકિસ્તાન વતી વાટાઘાટો કરે છે, પરંતુ લાયક અલી જ દીવાન તરીકે હોવા જોઈએ એવી રાઝવીની હઠ સામે નિઝામનું કંઈ ન ચાલ્યું. જિન્નાહે લાયક અલીને હૈદરાબાદ મોકલતાં પહેલાં સૂચના આપી, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો હૈદરાબાદ એક સક્રિય ભાગ ભજવે એવું હું ઇચ્છું છું. લાયક અલીની વફાદારી હૈદરાબાદ કરતાંય વધુ પાકિસ્તાન તરફ હતી.

લાયક અલી અને મુનશી બન્ને નિઝામને પહેલવહેલીવાર મળવા માટે કિંગ કોઠી તરફ રવાના થયા.

આ એજન્ટ જનરલને આવકારવા નિઝામ તેમના મહેલના વરંડામાં ઊભા હતા. તેમના માથા પર રંગ ઝાંખો પડી ગયો હોવાને લીધે સફેદ ધાબાં હોય એવી કાળા રગંની ફેઝ (તુર્કી ટોપી), ઉંદરે કાતરેલું મફલર, જૂનીપુરાણી શેરવાની અને કધોણિયો અને કરચલીવાળો પાયજામો તેમણે પહેર્યો હતો. પહેલી નજરે તો મુનશીને એવું લાગ્યું કે આ કિંગ કોઠીનો કોઈ ચાકર છે, પણ જ્યારે લાયક અલીએ આ દૂબળા-પાતળા અને નોકર જેવા માણસને હૈદરાબાદી અંદાજમાં નીચે ઝૂકીને આદાબ કર્યા ત્યારે તેમને સમજાઈ ગયું કે આ જ તે એક્ઝાલ્ટેડ હાઇનેસ છે.

મુનશીએ અગાઉ પણ સાંભળ્યું હતું કે નિઝામ વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિઓમાંના એક હોવા છતાં સ્થાનિક બજારમાંથી થોડાક રૂપિયામાંથી ખરીદેલા લેંઘા પહેરતા હતા. તેમણે પોતાની ફેઝ છેલ્લાં ૩૫ વર્ષથી ધોઈ નહોતી. જ્યારે મુનશીએ આ બધું સાંભળ્યું હતું ત્યારે તેમને એ બધું જરા અતિશયોક્તિભર્યું લાગ્યું હતું, પરંતુ નિઝામનો લઘરવઘર દેખાવ જોઈને તેમને ખ્યાલ આવી ગયો કે હકીકતમાં નિઝામ વિશે જે કંઈ તેમને કહેવાયું હતું એનાથી વધુ કંજૂસાઈ તેમનામાં હતી. સોપારી ચગળી-ચગળીને કથ્થઈ થઈ ગયેલા દાંતવાળા માંદલા સ્મિત સાથે નિઝામે તેમને આવકાર્યા અને હાથ પકડીને કિંગ કોઠીમાં લઈ ગયા. તેઓ જે ઓરડામાં પ્રવેશ્યા એની દીવાલોનો રંગ ઊખડી ગયો હતો. ચારેતરફ વસ્તુઓ પર ધૂળના થર હતા. એવું લાગતું હતું કે કીમતી ચીજવસ્તુઓને લિલામ માટે રાખવામાં આવી હોય, પણ એનો કોઈ લેવાલ જડતો ન હોવાને કારણે એ ધૂળ ખાતી પડી હોય. નિઝામને ખુશ રાખવાની એક જ રીત હતી અને તે એ કે કિંગ કોઠીમાં કાયમ કંઈક આવવું જોઈએ, આપવાની વાત આવતાં જ તેમના પેટમાં ચૂંક આવતી.

નિઝામના જન્મદિને એ જ વ્યક્તિઓ તેમને મળી શકતી જેઓ તેમના માટે નજરાણારૂપે સોનાની લગડી કે સિક્કો ભેટ આપે. આવી ભેટ આપનારાઓ પાસેથી જે લગડી આવે એ નિઝામ તેમની બાજુમાં મૂકેલી કાગળની કોથળીમાં સરકાવતા જતા. એક વખત આ જ રીતે કોઈએ સોનાનો સિક્કો ભેટ આપ્યો. આ ગોળ સિક્કો તેમના હાથમાંથી સરકી ગયો અને જમીન પર દદડી રહ્યો હતો એ જોઈને નિઝામ રીતસર કૂતરાની માફક ચાર પગે એ સિક્કાની પાછળ દોડ્યા હતા! તેમના દોલતપ્રેમના આવા અનેક કિસ્સાઓ જગજાહેર હતા.

દોલતની જેમ જ આ માયકાંગલા મુસ્લિમ શાસક તેમની નિરંકુશ કામવાસના માટે પણ અતિ પ્રસિદ્ધ હતા. તેમના જનાનખાનામાં ૪૪ નાચનારીઓ, ૨૨ રખાતો, ૬ બેગમો અને કાયદેસર અને અનૌરસ સંતાનોની ગણતરી જ નહોતી. આ બધાં પોતપોતાના ભંડાકિયા જેવા ઓરડામાં રહેતાં હતાં.

હૈદરાબાદના એજન્ટ જનરલ તરીકેનું કામ શરૂ કરતાં પહેલાં મુનશીએ આ ચક્રમ રાજા સાથે એકાદ કલાકનો સમય વિતાવ્યો. આ મુલાકાત દરમિયાન નિઝામે સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ કે આખા મામલા અંગેની એક પણ વાત કરવાનું ટાળ્યું. એને બદલે તેઓ મુનશીને એક પછી એક ઢંગધડાં વિનાના સવાલો પૂછતા રહ્યા અને મુનશી એ વિશે કંઈ બોલે એ પહેલાં એના જવાબ પણ પોતે જ આપી દેતા હતા. પછી એ જવાબો પર ખુશ થઈને પોતાની જ જાંઘ પર થપાટો મારતા હતા. કનૈયાલાલ મુનશીની નિઝામ સાથેની આ પહેલી અને છેવટની મુલાકાત બની રહી. કનૈયાલાલ મુનશી હિંદુસ્તાનના એજન્ટ તરીકે હૈદરાબાદમાં રહ્યા, પણ નિઝામ સાથે ત્યાર પછી તેમની રૂબરૂ મુલાકાત થઈ નહીં.

€ € €

સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ થવાથી હૈદરાબાદમાં શાંતિ સ્થપાશે એવું માઉન્ટબેટનનું અનુમાન ખોટું પુરવાર થઈ રહ્યું હતું. છત્તારીના નવાબને હટાવીને મીર લાયક અલીને દીવાન બનાવ્યા એ વખતે સરદારે સ્પક્ટ શબ્દોમાં કહ્યું હતું, જેઓ આ રીતે જબરદસ્તી કરીને એક ગવર્નમેન્ટ હટાવી દે તેમની સાથે ઍગ્રીમેન્ટ કરવું ખતરનાક છે, પરંતુ એ વખતે માઉન્ટબેટન અને મોન્કટને કહ્યું હતું કે તમને સહી કરનાર વ્યક્તિથી શું લેવાદેવા છે, આપણું કામ થાય છેને! સરદારની આગાહી સાચી પડી રહી હતી. સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ પરની સહીઓની શાહી સુકાય એ પહેલાં જ નિઝામે બે ફતવા બહાર પાડ્યા. એક, હૈદરાબાદમાંથી કોઈ પણ કીંમતી રત્ન રાજ્યની બહાર નહીં જાય. બીજું, હિંદુસ્તાનનું ચલણી નાણું હૈદરાબાદમાં નકામા કાગળથી વધુ કશું જ નહીં ગણાય. તેમણે એવી ઘોષણા પણ કરી હતી કે વિદેશમાં જ્યાં પણ અમારા એજન્ટ્સ મોકલવા હશે અમે એ મોકલીશું.

બીજી તરફ કાસિમ રાઝવીને તેમણે છૂટો દોર આપી દીધો હતો. રઝાકારો માતેલા સાંઢની જેમ ફરી વળતા હતા. હિંદુઓ પર અત્યાચાર, લૂંટફાટ અને તેમની સ્ત્રીઓ પર બળાત્કાર થઈ રહ્યા હતા. આ બધા જ અહેવાલો સરદાર સુધી પહોંચી રહ્યા હતા અને સરદારનું હૈયું હૈદરાબાદના હિંદુઓ માટે કકળતું હતું.

‘શું થયું બાપુ?’ દીવાનખંડમાં એક તરફથી બીજી તરફ આંટા મારી રહેલા પિતાને મણિબહેનથી પૂછ્યા વિના ન રહેવાયું.

ઘડીભર તો સરદાર કશું ન બોલ્યા, પછી વ્યથિત અવાજે બોલ્યા, ‘નિઝામે પાકિસ્તાનને ૨૦ કરોડ રૂપિયાની લોન આપવાનું વચન આપ્યું છે.’

(ક્રમશ:)

મુનશીએ અગાઉ પણ સાંભળ્યું હતું કે નિઝામ વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિઓમાંના એક હોવા છતાં સ્થાનિક બજારમાંથી થોડાક રૂપિયામાંથી ખરીદેલા લેંઘા પહેરતા હતા. તેમણે પોતાની ફેઝ છેલ્લાં ૩૫ વર્ષથી ધોઈ નહોતી. નિઝામનો લઘરવઘર દેખાવ જોઈને તેમને ખ્યાલ આવી ગયો કે હકીકતમાં નિઝામ વિશે જે કંઈ તેમને કહેવાયું હતું એનાથી વધુ કંજૂસાઈ તેમનામાં હતી. નિઝામના જન્મદિને એ જ વ્યક્તિઓ તેમને મળી શકતી જેઓ તેમના માટે નજરાણારૂપે સોનાની લગડી કે સિક્કો ભેટ આપે. આવી ભેટ આપનારાઓ પાસેથી જે લગડી આવે એ નિઝામ તેમની બાજુમાં મૂકેલી કાગળની કોથળીમાં સરકાવતા જતા. એક વખત આ જ રીતે કોઈએ સોનાનો સિક્કો ભેટ આપ્યો. આ ગોળ સિક્કો તેમના હાથમાંથી સરકી ગયો અને જમીન પર દદડી રહ્યો હતો એ જોઈને નિઝામ રીતસર કૂતરાની માફક ચાર પગે એ સિક્કાની પાછળ દોડ્યા હતા! તેમના દોલતપ્રેમના આવા અનેક કિસ્સાઓ જગજાહેર હતા.

આ પણ વાંચો : સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 32

હિંદુસ્તાનના એજન્ટ તરીકે કનૈયાલાલ મુનશીની હૈદરાબાદના નિઝામ સાથેની આ પહેલી અને છેવટની મુલાકાત થઈ ત્યારની વાત.

sardar vallabhbhai patel columnists