સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 32

ગીતા માણેક | Mar 31, 2019, 12:11 IST

માઉન્ટબેટને નવા પ્રતિનિધિમંડળમાંના પિંગલે વેન્કટરામન રેડ્ડી તરફ જોઈને પૂછ્યું, ‘તમે કંઈ કહેવા માગો છો?’

સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 32
સરદાર પટેલ

‘અગર આલા હઝરત (નિઝામ) સ્ટૅન્ડસ્ટિલ અગ્રીમેન્ટ પર દસ્તખત કરતે હૈં તો વહ હૈદરાબાદ કે મૌત કે પૈગામ પર દસ્તખત કરને જૈસા હોગા.’ કાસિમ રાઝવીએ આવતાંવેંત જ પોતાનો ફેંસલો સુણાવી દીધો. તેણે તીખી ઉર્દૂ જબાનમાં કહી દીધું કે ભારત સરકાર સાથે વાટાઘાટ કરી રહેલું હૈદરાબાદનું પ્રતિનિધિમંડળ જેમાં વૉલ્ટર મૉન્કટન અને છત્તારીના નવાબ પણ હતા એ નપાણિયું છે.

‘મારી રીતે નવું પ્રતિનિધિમંડળ બનાવવાની તક આપો. પછી જુઓ હું હૈદરાબાદ માટે એ બધું લઈ આવીશ જેમાં આ બધા નિષ્ફળ રહ્યા છે.’

‘તમે એવું શાના પરથી કહી રહ્યા છો કે જેમાં માઉન્ટબેટનના મિત્ર મૉન્કટન નિષ્ફળ રહ્યા છે એમાં તમે સફળ રહેશો?’ પ્રતિનિધિમંડળના સભ્ય સુલતાન અહમદ ગુસ્સે થઈ ગયા.

પહેલાં તો રાઝવી કારણ આપવા તૈયાર નહોતા, પણ જ્યારે તેમના પર દબાણ કરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘તમે મારા મોંમાં આંગળાં નાખીને બોલાવો છો એટલે કહું છું. તમે લોકો સમજતા નથી કે અત્યારે હિન્દુસ્તાન પર ચારે તરફથી મુસીબતો છે. જૂનાગઢમાં નવાબ મહાબતખાન તેમને હંફાવી રહ્યા છે, કાશ્મીરમાં વિકટ સ્થિતિ છે. આ બધામાંથી હિન્દુસ્તાનને ફુરસદ જ નથી કે હૈદરાબાદને કંઈ કરી શકે. આપણી બધી જ માગણીઓ મંજૂર રાખવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો જ નથી. મને એક મોકો આપો. પછી જુઓ કે હું બધું ધાર્યું કરાવી લઉં છું કે નહીં!’ કાસિમ રાઝવીના હોઠ પર ખંધું સ્મિત હતું અને અવાજમાં ઘમંડ છલકાતો હતો.

‘તમે સરદાર પટેલને ક્યારેય મળ્યા છો? નહીંને? એટલે જ આવી ડંફાસો મારી શકો છો. તમારું તો શું, બીજું કોઈ પણ પ્રતિનિધિમંડળ મૉન્કટન લાવી શક્યા છે એનાથી વધુ મેળવી શકે એમ નથી.’ સુલતાન અહમદે રાઝવીને સીધું જ કહ્યું.

થોડ સમય ઉગ્ર દલીલો અને રકઝક ચાલી. નિઝામના મિરજાપુરી લોટા જેવા ડામાડોળ અભિગમથી કંટાળીને છેવટે મૉન્કટન, છત્તારીના નવાબ, સુલતાન અહમદ અને અન્ય એક સભ્યે પોતાનાં રાજીનામાં ધરી દીધાં. નિઝામે એ સ્વીકારી પણ લીધાં. કાસિમ રાઝવી ત્યાંથી વિદાય થયો એટલે સુલતાન અહમદે કહ્યું, ‘આ બે કોડીનો બદમાશ આદમી પાગલ થઈ ગયો છે.’

કાસિમ રાઝવી અને મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસ્લિમીનના આગેવાનોનું માનવું હતું કે હિન્દુસ્તાનની સરકાર પર આફતના ઓળા ઊતરી આવ્યા છે અને એ દિવસે-દિવસે કમજોર થઈ રહ્યું છે જેને લીધે એ હૈદરાબાદ પર કોઈ પગલાં નહીં લઈ શકે. સ્ટૅન્ડસ્ટિલ ઍગ્રીમેન્ટ દ્વારા ભારતમાં જોડાવાના મામલાને એક વર્ષ મુલતવી રાખવામાં આવશે તો ત્યાં સુધી હૈદરાબાદની સરકારને સક્ષમ થવા માટે સમય મળી રહેશે.

મૉન્કટન અને અન્ય સભ્યોનાં રાજીનામાંની સાથે જ કાસિમ રાઝવીએ પોતાની મરજીના સભ્યો એટલે કે હૈદરાબાદનું ગૃહ ખાતું સંભાળતા મોઇન નવાઝ જંગ, મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસ્લિમીનના અબ્દુલ રહીમ અને પિંગલે વેન્કટરામન રેડ્ડીનું પ્રતિનિધિમંડળ રચી નાખ્યું. કાસિમ રાઝવીના પ્રભાવમાં આવીને નિઝામે ધમકીભર્યો પત્ર ઘસડી માર્યો કે જો ભારત સરકાર સાથેની વાટાઘાટો પડી ભાંગશે તો હૈદરાબાદ પાકિસ્તાનમાં જોડાઈ જશે.

આ નવું પ્રતિનિધિમંડળ માઉન્ટબેટન સાથે વાટાઘાટો કરવા દિલ્હી પહોંચ્યું. માઉન્ટબેટને તેમને સખત શબ્દોમાં જણાવી દીધું કે ‘સ્ટૅન્ડસ્ટિલ ઍગ્રીમેન્ટ બન્ને પક્ષની સમંતિથી તૈયાર થયું હતું. હવે એમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. જો નિઝામ એના પર સહી નહીં કરે તો તેણે ભયંકર દુષ્પરિણામો માટે તૈયાર રહેવું પડશે. તમારા મનમાં જો હિન્દુસ્તાનની તાકાત વિશે કોઈ પણ ગેરમસજ હોય તો એ વહેલામાં વહેલી તકે દૂર કરી દો. હિન્દુસ્તાનને કમજોર માનવાની ભૂલ હરગિજ ન કરતા. જો તમને ખબર ન હોય તો જણાવી દઉં કે આજે પણ વિશ્વમાં મોટી લશ્કરી ફોજ ધરાવનારા દેશોમાં હિન્દુસ્તાનની ગણના થાય છે.’

માઉન્ટબેટને નવા પ્રતિનિધિમંડળમાંના પિંગલે વેન્કટરામન રેડ્ડી તરફ જોઈને પૂછ્યું, ‘તમે કંઈ કહેવા માગો છો?’

પવન સાથે પૂંઠ ફેરવનારા રેડ્ડીએ તત્ક્ષણ જવાબ આપ્યો, ‘એક્ઝાલ્ટેડ હાઇનેસનો જે અભિપ્રાય છે એ જ મારો પણ છે.’

નવું પ્રતિનિધિમંડળ ધોયેલા મૂળા જેવું હૈદરાબાદ પાછું ફર્યું. નિઝામને કદાચ ભાન થયું કે રાઝવીના ચાળે ચડીને વૉલ્ટર મૉન્ક્ટનને નહોતા જવા દેવા જોઈતા. લંડન જવા માટે બોરિયા-બિસ્તરાં બાંધી ચૂકેલા મૉન્ક્ટનને મનાવવાની તેમણે કોશિશ કરી, પણ અપમાનિત થયેલા મૉન્ક્ટન રવાના થઈ ગયા એટલું જ નહીં; રસ્તામાં નિઝામ વતી પાકિસ્તાનમાં જિન્નાહને મળતા જવાની વિનંતીને પણ તેમણે નકારી દીધી.

આ દરમ્યાન કાસિમ રાઝવીએ તેનાં જાહેર ભાષણોમાં હિન્દુસ્તાનની સરકાર અને સરદાર પટેલને ગાળો ભાંડવાનું ચાલુ રાખ્યું. હૈદરાબાદમાં મજલિસ-એ-ઇતેહાદ-ઉલ-મુસ્લિમીન દ્વારા યોજાયેલી સભામાં રાઝવીએ કહ્યું, ‘પટેલ હિટલરની જાતના છે. હૈદરાબાદની સરકાર તેમનાથી ફફડે છે. આ ડરને લીધે જ નિઝામ પાકિસ્તાનમાં નથી જોડાઈ રહ્યા. ભારત સરકારને હું ચેતવણી આપું છું કે જો તેઓ બળજબરીથી હૈદરાબાદમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે તો તેમને દોઢ કરોડ હિન્દુઓની રાખ અને અસ્થિઓ જ મળશે. ભારત સરકાર જૂનાગઢમાં કંઈ નથી કરી શકતી તો હૈદરાબાદમાં તો અમે એને પગ પણ નહીં મૂકવા દઈએ. પાકિસ્તાનના કાયદે આઝમની સાથે-સાથે આ ધરતી પરના દરેક મુસલમાનને હું અપીલ કરું છું કે તેઓ ઇસ્લામના સાચા બંદા તરીકે હિન્દુસ્તાન સામે હૈદરાબાદની મદદ કરે.’

જોકે કાસિમ રાઝવીનાં કાવતરાંઓ કારગત ન નીવડ્યાં.

૨૯ નવેમ્બર ૧૯૪૭ના દિવસે સરદારે સંવિધાનસભામાં જાહેરાત કરી, ‘કોઈ પણ પ્રકારની બળજબરી કર્યા વિના હૈદરાબાદે સ્ટૅન્ડસ્ટિલ ઍગ્રીમેન્ટ પર સહી કરી દીધી છે... મને આશા છે કે આ એક વર્ષના ગાળામાં હૈદરાબાદ અને હિન્દુસ્તાન એકબીજાની વધુ નજીક આવશે અને કાયમી જોડાણ સંભવ થઈ શકશે. આ કરારનામા પર સહી કરીને હૈદરાબાદે સ્પષ્ટ કરી દીધું છે કે એ પાકિસ્તાન સાથે જોડાવાનું નથી...’

તાળીઓ સાથે બધાએ આ જાહેરાતને વધાવી લીધી.

આ બેઠક પછી સંવિધાન ભવનની પરસાળમાંથી પસાર થતા નેહરુએ મેનનને કહ્યું, ‘ચાલો, હવે ઓછામાં ઓછા એક વરસની તો શાંતિ થઈ.’

જોકે સંવિધાનસભાની બહાર લોકોએ ચુકાદો તોળ્યો હતો, ‘નિઝામે એક માત મેળવી લીધી અને ભારતમાં જોડાવામાંથી છટકી ગયા છે.’

***

‘નમસ્કાર...’ સરદારના બંગલાના દીવાનખંડમાં પ્રવેશતાં જ હૈદરાબાદથી આવેલા ગુજરાતી વેપારી જોશીએ હાથ જોડ્યા.

‘સલામ...’ તેમની સાથે આવેલા સફેદ પાયાજામા અને કાળી અચકન, માથે તુલાલ તુર્કી ટોપી અને લાંબી દાઢી ધરાવતા પુરુષે ગરદન ટટ્ટાર રાખીને જ ઔપચારિકતા દાખવી.

સોફાસેટની સિંગલ ખુરસી પર બેઠેલા સરદારે કોઈ જ પ્રતિભાવ ન આપ્યો. દીવાનખંડની નીરવ ચુપકીદીમાં સરદારના વ્યક્તિત્વનો ઓથાર હતો. ખુરસી પર કોઈ જીવતી-જાગતી વ્યક્તિ નહીં પણ લોહપ્રતિમા ગોઠવી દીધી હોય એટલી સખતાઈ તેમના ચહેરા પર હતી.

આ ભારેખમ વાતાવરણમાં સૌથી વધુ અસ્વસ્થ જોશી થઈ ગયા હતા. કાસિમ રાઝવીને વહાલા થવા તેમણે એક રમત રમી હતી. તેમણે સરદારને પત્ર લખીને કાસિમ રાઝવી મુલાકાતનો સમય માગી રહ્યા છે એવું સૂચિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સરદારે ઉત્તર આપ્યો કે જો રાઝવી મળવા માગતા હોય તો સમય ફાળવવામાં કોઈ વાંધો નથી. આનો ફાયદો લઈને કાસિમ રાઝવી પાસે જોશીએ એવો દાવો કર્યો કે પોતે ગુજરાતી હોવાના નાતે સરદાર સાથે બહુ નિકટના સંબંધો ધરાવે છે. સરદાર તો તમને મળવા અધીરા થઈ રહ્યા છે એવી છાપ જોશીએ રાઝવીના મનમાં ઊભી કરી. જોશીનું માનવું હતું કે હૈદરાબાદનો મામલો ઉકેલવા સરદાર ગમે એ હદ સુધી જશે અને રાઝવી સાથે વાટાઘાટો કરવા માંડશે, પરંતુ સરદારનું સખત વલણ જોઈને જોશીનાં ગાત્રો શિથિલ થવા માંડ્યાં.

‘કહો, તુમ ક્યા ચાહતે હો?’ થોડી ક્ષણો વીત્યા બાદ સરદારે મૌન તોડ્યું.

આવા સીધા પ્રશ્નથી રાઝવીની આંખોમાં એટલો ક્રોધ ઊતરી આવ્યો હતો કે જાણે એમાંથી અગનજ્વાળાઓ નીકળવા માંડશે. દિલ્હીના શિયાળાની કડકડતી ટાઢમાં પણ જોશીના કપાળે પસીનો બાઝી ગયો.

‘મૈં આપકા દિલ બદલના ચાહતા હૂં.’ ઉર્દૂ ઉચ્ચારવાળી હિન્દીમાં રાઝવીએ ગુસ્સાથી ધ્રૂજતા અવાજે કહ્યું.

‘જિસકા દિલ ઝહર સે પૂરા ભરા હો ઉસકા દિલ બદલને કી ઝરૂર હોતી હૈ.’ રાઝવી તરફ સીધી નજર માંડીને સરદારે ગુજરાતી છાંટવાળી હિન્દીમાં કહ્યું.

‘આપ હૈદરાબાદ કો આઝાદ ક્યોં નહીં રહને દેતે?’ રાઝવીના અવાજમાં ઉશ્કેરાટ હતો.

‘જેટલી છૂટછાટ મેં હૈદરાબાદને આપી છે એટલી બીજા કોઈ રાજ્યને આપી નથી. આનાથી વધુ હું કંઈ આપી શકું એમ નથી.’

‘તમે હૈદરાબાદની મુશ્કેલીઓ સમજવા જ માગતા નથી.’

‘કોઈ મુશ્કેલી છે જ નહીં, સિવાય કે તમે પાકિસ્તાન સાથે કોઈ સમજૂતી કરી લીધી હોય.’ સરદારના અવાજમાં સહેજ પણ ચડાવ-ઉતાર નહોતો.

‘તમે અમારી મુશ્કેલીઓ નહીં સમજો તો અમે લડી લઈશું. હૈદરાબાદનો દરેક માણસ શહીદ થવા તૈયાર છે.’ રાઝવી ઉશ્કેરાટમાં બરાડ્યા.

‘જો તમે આત્મહત્યા કરવા માગતા જ હો તો હું તમને કઈ રીતે રોકી શકું?’

‘તમે હજી હૈદરાબાદના મુસલમાનોને ઓળખતા નથી. અમે અમારી આઝાદી માટે કોઈ પણ કુરબાની આપી શકીએ છીએ.’ રાઝવીએ ઉશ્કેરાટમાં બરાડવા માંડ્યું.

‘હિન્દુસ્તાન કેટલો ત્યાગ કરી શકે છે એ તો આખી દુનિયા જોઈ જ ચૂકી છે, હૈદરાબાદે હજી સાબિત કરવાનું બાકી છે.’ સરદાર ટટ્ટાર જ બેઠા હતા. તેમનો ચહેરો નિર્લેપ હતો અને તેમની વાણીમાં એ જ ઠંડક હતી.

ક્રોધમાં ભભૂકતા રાઝવી સોફા પરથી ઊભા થઈ ગયા. મુસલમાનોની સભામાં ભાષણ દેતા હોય એમ આગઝરતી વાણીમાં બોલવા માંડ્યા કે દીન (મઝહબ) અને મિલ્લત (મુસલમાન પ્રજા) માટે અમે લોહીની નદીઓ પણ વહાવી શકીએ છીએ.

તેમનાં આ ત્રાગાંઓની કોઈ જ અસર ન થતી હોય એમ સરદાર સ્વસ્થ બેસી રહ્યા. ઉશ્કેરાટમાં બોલતાં-બોલતાં હાંફી રહેલા રાઝવી શ્વાસ લેવા માટે રોકાયા કે તરત સરદારે એ જ સ્થિર અવાજમાં કહ્યું, ‘તમારી આંખ બંધ છે એનો મતલબ એ નથી કે સૂર્ય ઉદય નથી થયો. પ્રકાશ દૃશ્યમાન છે ત્યારે અંધકારમાં ડૂબકી લગાવવાની ભૂલ ન કરો એ તમારા હિતમાં છે.’

આ પણ વાંચો : સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 31

રાઝવી કંઈ પણ બોલે એ પહેલાં સરદાર ઊભા થઈને અંદર ચાલી ગયા. ધૂંધવાઈ રહેલા રાઝવી માટે ત્યાંથી રવાના થવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

***

ઑફિસના ટેબલની સામે તરફની ખુરસીમાં બંધ ગળાનો કોટ, માથે ગાંધી ટોપી અને આંખો પર ગોળ ફ્રેમનાં ચશ્માં પહેરેલા કનૈયાલાલ મુનશીને સરદારે પૂછ્યું, ‘મુનશી, તમે હૈદરાબાદ જશો?’ (ક્રમશ:)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK