કથા-સપ્તાહ: સંગમતીર્થ (સંસાર-સંન્યાસ 4)

07 February, 2019 10:31 AM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ: સંગમતીર્થ (સંસાર-સંન્યાસ 4)

લધુકથા સંગમતીર્થ

‘યોગિનીદેવી...’ ઓમે તેમને ઝંઝોડ્યાં.

ઝબકતાં યોગિનીદેવીએ આમતેમ જોયું. સ્થળકાળનો ખ્યાલ આવતાં રાહતનો શ્વાસ લીધો. પછી ઓમકારની હાજરી નોંધતાં છાતી આડા બે હાથ કરી દીધા, ‘આપ અહીં શું કરો છો મહારાજ?’ તેમનાં નાખોરાં ફૂલી ગયાં.

ઓમને સમજાયું નહીં કે આ અભિનય છે કે સચ?

એવી જ એક આકૃતિ પાણીમાંથી પ્રગટી.

‘શું થયું દીદી? તમે ચીસ કેમ નાખી?’

તે હતી સાધ્વી ઋતુરાણીદેવી. ખરેખર તો હરિદ્વારથી આશ્રમની

પંદર-વીસ બહેનો આવી છે. મા આનંદમયી તો હોય જ. યોગિનીદેવીની આ આશ્રમભગિની અહીં તેમના જ ટેન્ટમાં સાથે રહે છે અને પ્રવચન સાંભળવા તે પણ આવતી હોય છે એટલી જાણ હતી. મદદનો પોકાર સાંભળી તે કેવી દોડી આવી.

‘આ મહારાજે તમારી છે...ડ...તી તો નથી કરીને?’ ઋતુરાણીએ શંકાશીલ સ્વરમાં પૂછ્યું.

યોગિનીદેવી-ઓમકારની નજરો મળી અને છૂટી પડી.

‘ના, ના... એ તો અચાનક તેમને ભાળીને હું જરા બી ગઈ એટલું જ.’ પછી ઓમ સમક્ષ હાથ જોડ્યા, ‘આપ પુરુષ વિભાગમાં સિધાવો મહારાજ.’

પાછા વળતા ઓમ માટે યામિનીદેવી રહસ્યમય બની ગઈ. સાધુને છેડવાનું પાપ ખુલ્લું ન પડે એ માટે સાધ્વીએ જતું કરવાનો ડોળ કર્યો કે પછી અનામિકના ઉચ્ચાર પાછળ બીજો જ કોઈ ભેદ છે?

ત્યારે ઋતુરાણી સાથે પોતાના તંબુ તરફ જતાં યોગિનીદેવી હળવું કાંપતાં હતાં. સારું થયું કે પોતે વાત વાળી લીધી. આઇ હોપ, ઓમે અનામિકનું નામ નોટિસ નહીં કર્યું હોય!

***

‘મન અજંપ બની ગયું છે ગુરુજી. કશુંક અણધાર્યું બનવાના ભણકારા વાગી રહ્યા છે.’ એ જ બપોરે ઓમે ગુરુજીનાં ચરણ દબાવતાં મૂંઝવણને વાચા આપી, ‘ગઈ કાલે પત્રકારને ઇન્ટરવ્યુ આપ્યો, પણ પછી ભૂતકાળનો સ્મરણપટારો ખૂલી જાય એ બહુ તડપાવે છે. એમાં વળી બ્રાહ્મમુહૂર્તમાં...’ તે કહેતો રહ્યો.

ગુરુજીને થયું કે હવે પોતાની અગમ સ્ફુરણા શિષ્યને કહી દેવી જોઈએ.

‘તારા ભણકારા સાવ ખોટા નથી વત્સ...’ ગુરુજી અદૃશ્યમાં તાકતા બોલી ગયા, ‘કુંભ માટે નીકળતી વખતે મને થયેલી સ્ફુરણા સાચી પડવાના યોગ હું જોઈ રહ્યો છું. આ વખતનો કુંભમેળો તારા સંન્યસ્તની આખરી કસોટી જેવો રહેશે ઓમ... ક્યાં તો આ પાર, ક્યાં પેલે પાર!’ ગુરુજી સહેજ હાંફી ગયા.

ઓમ સ્તબ્ધ હતો. મારી કેવી કસોટી થવાની હશે? આની સાથે યોગિનીદેવીનું ચારિhય સંકળાયું હશે? અનામિકનો શું સંબંધ હશે?

‘કાળનો પ્રવાહ એનાં પાત્રોને ગોઠવી રહ્યો છે. એના ધસમસતા પૂર સંગમતીર્થમાં શું ચમત્કાર સર્જે છે એ તો સમય જ કહેશે.’

સંસારમાં હોત તો ઓમનાં લમણાં ફાટ-ફાટ થયાં હોત, પણ સંન્યાસી તરીકે તેણે નિ:સ્પૃહતા કેળવી લીધી : સમયને સમયનું કામ કરવા દો! ગુરુ છત્ર છે પછી મારે શી ચિંતા?

***

‘દીદી, તમારે પ્રવચન સાંભળવા નથી આવવું?’ ઋતુરાણીએ પૂછ્યું.

યોગિનીદેવીનું મન ઓમકારનાથને સાંભળવા બેતાબ હતું, પણ કદમ ઊપડે એમ નહોતાં. આજે બ્રાહ્મમુહૂર્તમાં જે થયું...

હળવી કંપારી પ્રસરી ગઈ. કેટલા વખતે આજે અનામિકનું નામ હોઠો પર આવ્યું હતું! ભૂતકાળની ભૂતાવળ નાચતી થઈ ગઈ. એટલે તો સવારથી શરીરે અસુખ હોવાનું જતાવીને પ્રવૃત્તિ વિનાના તંબુમાં પડી રહી છું. બાકી તો ઓમકારનાથને સાંભળવાનું વ્યસન જેવું બની ગયું છે પાછલા ચાર-છ દિવસમાં... મા આનંદમયી સમક્ષ પણ તેમનાં છૂટથી વખાણ કરેલાં મેં.

‘સાધુ દેખાવડાય ખૂબ હોં...’ ઋતુરાણી ટહુકો પૂરતી. આશ્રમમાં મારા અગાઉથી રહેતી છતાં વયમાં વરસ નાની ઋતુરાણી સાથે મારે તો અહીં જ સતત સાથે રહેવાનું બન્યું. એક વાર તે બોલી ગયેલી : બળ્યું મારેય હિરોઇન જેવું રૂપ હોત તો ઠાઠથી સંસાર ભોગવત, આમ ભગવાં ન પહેરવાં પડત!

સૌંદર્યની ઊણપે સંન્યાસનો માર્ગ લેનારી સામાનું રૂપ પહેલાં જુએ એ બહુ સ્વાભાવિક ગણાય. ઓમકાર સુંદર નથી એવું તો કેમ કહેવાય! વિદ્વાન, ગુણવાન પણ એવા છે એટલે તો આજે બ્રાહ્મમુહૂર્તમાં જે બન્યું એ પછી તેમનો સામનો કરવાની હિંમત નથી. ના, ઋતુરાણીએ સો ટકા અનામિકનો ઉલલેખ સાંભળ્યો નથી, પણ ઓમ એ બાબત પૂછી બેઠા તો..

‘શરીરે અસુખ છે. આજે મારાથી નહીં અવાય...’

***

‘દેવીને આજે પણ અસુખ છે?’ બીજી સંધ્યાએ ઓમથી ન રહેવાયું. પ્રવચન પત્યા બાદ ઋતુરાણીને પૂછી બેઠા.

શ્રોતાગણ વિખરાઈ ચૂક્યો હતો. તટ પર સહેજ કોરાણે સાધુ-સાધ્વી સામસામે ઊભાં હતાં. ઋતુરાણીનું ચાલે તો હમણાં ઓમના અંગ સાથે ચંપાઈ જાય, પણ બળ્યાં આ ભગવાં. એમાં વળી ઓમે યોગિનીની પૃચ્છા કરતાં બળતરા જેવી થઈ.

‘દેવીના અસુખની આપને બહુ ચિંતા છે સ્વામી!’ બેવડા અર્થમાં સ્વામીનું સંબોધન વાપરીને ઋતુરાણી મીઢું મલકી, ‘એ કેવળ પ્રવચન પૂરતી કે પછી બ્રાહ્મમુહૂર્તમાં સંગમતટે સંગમ નથી થતો એની?’

ઓમકારનાથ ઓછપાયા. બીજા કોઈએ પણ કાઢ્યો હોત એવો જ અર્થ ઋતુરાણીદેવીએ પણ કાઢ્યો!

‘તમારી ગેરસમજ થાય છે દેવી. નાહતી વેળા હું તેમની પાછળ નહોતો પડ્યો.’

- જાણું છું. પાછળ તો હું તમારી પડી છું!

બ્રાહ્મમુહૂર્તમાં મોકો જોઈ કંઈક હિંમત એકઠી કરીને ચપટીક સુખની આશાએ હું તમને વળગી. બીજું કોઈ હોત તો મારી પહેલે મને સ્પર્શસુખના સ્વર્ગમાં તાણી ગયું હોત. તમે એવા ભડક્યા કે તમાશો સર્જા‍વાની ભીતિએ મારે સરકી જવું પડ્યું! ને એમાં તમે બિચારી યોગિનીને ઝડપી લીધી. પછી મારે તો અજાણપણાનો ડોળ જ રાખવો રહ્યો!

પણ ત્યારથી દેવીને અસુખ રહે છે ને એની ચિંતામાં તમે અડધા થાઓ છો તો ઉસકે સાથ આપકા ટાંકા તો નહીં બીડ ગયાના?

ઉઘરાણી કરતી તેની નજર ઓમને સચેત કરી ગઈ. ખરેખર તો દેવી મારી પાછળ પડ્યાં હતાં એવું ઉમેરવું અજુગતું લાગ્યું. અનામિક બાબત પણ મારે સીધું દેવીને જ પૂછવાનું હોય.

‘દેવીના ખબર પૂછજો.’ હાથ જોડીને ઓમકારનાથે વાર્તાલાપ સમેટી ઉતારા તરફ ચાલવા માંડ્યું એ પણ ઋતુરાણીને ખટક્યું. મારી સાથે ઊભા રહેવામાં પણ લાલ કીડી ચટકે છે, કાં? હાસ્તો. મારું જોબન ક્યાં તમારી યોગિની જેવું ફાટફાટ થાય છે!

ટલ્લા ફોડતી ઋતુરાણીએ તંબુ તરફ ચાલવા માંડ્યું. વારે-વારે ઓમની દિશામાં જોઈ લેતી તે કોઈ જોડે અથડાઈ પડી.

‘સૉરી...’ વિનમ્રભાવે કહેતો પુરુષ કેવો શાલીન લાગ્યો. ‘કોઈ બાત નહીં...’ સ્મિત ફરકાવીને તે આગળ વધવા ગઈ કે... ‘સાધ્વીજી, આપ ઓમકારનાથ કો જાનતી હૈ?’

ઋતુરાણીને બ્રેક લાગી ગઈ. હવે વધુ ધ્યાનથી પુરુષને નિહાળ્યો.

તે અનામિક હતો.

***

‘ઓમનો પત્તો મળ્યો?’ ત્રીજી સાંજે અનામિક પરત થતાં નીરજા અધીરાઈ ઊછળી.

ઓમની ભાળ તો પ્રયાગ આવ્યાના પહેલા જ દહાડે ઋતુરાણી પાસેથી મળી ચૂકેલી, પણ એવું હજી માજી-નીરજાને કહેવાનું નથી... ઓમ-નીરજા અળગાં જ રહે એટલું ગોઠવ્યા વિના ઓમનો મેળાપ કરવામાં નીરજાને ગુમાવવાની ભીતિ હતી. એ કેમ પરવડે?

આમાં કુદરત પણ સાથ દેતી હોય એમ મારો ભેટો પણ ઋતુરાણી સાથે જ થયો! પોતે ઓમ બાબત પૂછતાં તેણે રૅપિડ ફાયરની જેમ ધડાધડ પ્રશ્નો વીંઝ્યા : તમે કોણ છો, તમારે ઓમનું શું કામ છે, કોઈ છોકરીનું લફરું તો નથીને...

તેને ગોળ-ગોળ જવાબ વાળીને પોતે એટલું તો પામી લીધું કે તેને ઓમનું આકર્ષણ છે!

બસ, પછી શું. ઓમને તાત્પૂરતો સાઇડ ટ્રૅક કરીને સવાર-સાંજ ઋતુરાણીને મળતા રહી તેની નસનસ પહેચાની લીધી છે. બાઈ બિચારી અસુંદરતાથી પીડિત છે. ઓમને ભોગવવાની તેની લાલસા મેં તો તારવી લીધી. પછી જાળ નાખવામાં ચુકાય?

‘ઓમકારનાથની સાધુતા ડોળ છે. બદમાશ મારી બહેનને ધોકો દઈને બાવો બની બેઠો છે. ટીવી પર તેની ભાળ મળતાં રઘવાયો બનીને તેને શોધું છું...’ અનામિકે કથા ઘડીને નિશાન સાધ્યું. ‘તેને ઠમઠોરવામાં તમે મારી મદદ કરી શકો?’

ઋતુરાણી થોડી ડઘાયેલી. ઓમકારની બીજી બાજુ માનવી મુશ્કેલ લાગી. પોતે અનામિકને કઈ રીતે મદદ કરી શકે?

‘તમારા તંબુ વચ્ચે ઝાઝું અંતર નથી. ઓમ તેના ટેન્ટમાં એકલો છે. રાતનું અંધારું ઓઢીને તું તેના ઉતારે પહોંચી તેને ઉત્તેજિત કર. પછી પોતાનાં વસ્ત્રો જરાતરા ફાડી ઓમે તારી આબરૂ પર હાથ નાખ્યાની બુમરાણ મચાવ એટલે બહાર ઊભો હું પહેલાં આવીને તેને ધીબેડી નાખું - ચંપલે-ચંપલે ફટકારું.’

‘વાહ, આમાં મારો શું ફાયદો?’ સાધ્વીને પોતાનો સ્વાર્થ સાંભયોર્.

‘ઓમ આખેઆખો માણવા મળે એ તારો ફાયદો.’ ગરમ લોઢા પર છેવટનો હથોડો વીંઝીને અનામિકે ઘાટ ઘડી નાખ્યો, ‘તારી ફરિયાદે પોલીસકેસ થવાનો. જેલમાં જવાનું કોણ પસંદ કરે? કેસ પાછો ખેંચવાના ઉપકારમાં તું તને જોઈતું ન મેળવી શકે?’

ઋતુરાણીની કીકી ચમકી ને એના સથવારે આજ રાતનું મુરત ફાઇનલ કરીને આવ્યો છું, પણ આ બધું નીરજાને કે માજીને કહેવાનું ન હોય... અત્યારે હોટેલ પરત થયેલા અનામિકે નીરજાની પૃચ્છા સામે નિરાશા જ જતાવી, ‘દેશવિદેશના સાધુસંતોના મેળામાં ઓમની ભાળ કાઢવી દુષ્કર છે. આખો દિવસ ભટકું છું, પણ ઓમ નજરે ચડતો નથી.’

નિરાશ થતી નીરજાએ મનોમન નક્કી કરી લીધું : મા ભલે મને વારતી રહી; કાલે હું પણ અનામિક જોડે ઓમને શોધવા જવાની, એક સે ભલે દો.

રાત્રે સાવિત્રીમાના સૂતા બાદ થયું કે આ વિશે અનામિકને બ્રીફ કરી રાખવા ઘટે જેથી સવારે તેઓ મારા સપોર્ટમાં રહે...

ગાઉન પર શાલ વીંટાળીને તે ચુપકેથી હોટેલની રૂમની બહાર નીકળી. આ જ ફ્લોર પર સામેની રૂમ અનામિકની હતી. પણ આ શું? રૂમ બંધ છે ને ઠોકું છું તોય ખોલતા કેમ નથી અનામિક? હા, પોતે બહુ થાકી ગયાનું બોલતા હતા, પણ આવી ઊંઘ!

‘મૅડમ...’ લૉબીમાંથી પસાર થતા વેઇટરે તેને અનામિકનર રૂમ આગળ જોઈ માહિતી આપી : સાબ તો અભી ટૅક્સી કરકે મેલે મેં ગએ...

હે! નીરજા ગૂંચવાઈ. અનામિકે અત્યારે મેળામાં જવાની શી જરૂર પડી? અમને કહ્યું પણ નહીં! એક જ શક્યતા છે. તેમણે ત્યાં કોઈને - અરે, ત્યાં ઠેર-ઠેર ઊભા થયેલા પોલીસનાં હેલ્પ સેન્ટર્સમાં - કહી રાખ્યું હોય ને તેમને ઓમની ભાળ મળ્યાના ખબર આવ્યા હોય તો જ અનામિક આમ દોડે!

આ અનુમાન પછી નીરજાથી રોકાય એવું ક્યાં હતું?

***

મધરાતનો સુમાર છે. દિવસભરની પ્રવૃત્તિઓથી ધમધમતા સંગમતટે નીરવતા ઓઢી લીધી છે. નદીનાં નીર ચુપકેથી વહ્યાં જાય છે. પીળી બત્તીનો અજવાશ પણ મંદ લાગે એવો અંધકાર રાત્રિએ ઓઢ્યો છે.

આવામાં ઋતુરાણી ક્યાં ચાલી?

યોગિનીદેવી બેઠાં થઈ ગયાં. હમણાં બે-ત્રણ દિવસથી તેનામાં કશોક બદલાવ જરૂર આવ્યો છે. હું ઝાઝું બહાર નથી નીકળી હમણાંની, એટલી જ ઋતુરાણીની વ્યસ્તતા વધી હોય એમ તે તંબુ બહાર વધુ રહે છે. આમ તો એની એક ઊંઘે સવાર થતી હોય, ક્યારેક વૉશરૂમ જવું હોય તો રાત્રે મને લીધા વિના જતી નથી... તે મને ઊંઘતી જાણીને ક્યાં હાલી?

તેમણે તંબુના દ્વારેથી બહાર ડોકિયું કર્યું તો તે તો વૉશરૂમથી વિરુદ્ધ દિશામાં જતી દેખાઈ. આમ જ આગળ જતી રહેશે તો-તો સાધુઓનું સેક્શન આવી જશે... થોડું પાછળ ચાલીને યામિનીદેવીએ નજર દોડાવી : જુઓ, તે ત્યાં પહોંચી પણ ગઈ! અરે, આ તો ઋતુરાણી ઓ...મ..કારનાથના તંબુ તરફ જઈ રહી છે! આવા કથોરા સમયે સંન્યાસી પાસે જવાનો શું મતલબ?

અને ઓમના તંબુ આગળથી જીન પ્રગટે એમ બીજા ઓળાને પ્રગટ થતો જોઈને યોગિનીદેવી ચમકી ગયાં. થોડું વધુ ઝડપથી ચાલીને નિકટ જતાં તેમના પગને બ્રેક લાગી, હૈયું ધબકારો ચૂકી ગયું. ઋતુરાણી જેની સાથે મસલત કરતી જણાઈ તે શખ્સ સહેજ આગળપાછળ થતાં તેનો ચહેરો લાઇટના અજવાશમાં આવ્યો ને વીજળી જેવી ત્રાટકી.

અ...ના...મિ...ક!

હે ભગવાન. અનામિક અહીં શું કરે છે? ઋતુરાણી તેને જાણતી હોય એમ મળી રહી છે... તો શું અનામિકે મારી ભાળ કાઢી લીધી? હું જીવતી હોવાનો ભેદ તે જાણી ગયો?

યોગિનીદેવીના પગ પાણી-પાણી થવા લાગ્યા. છાતીમાં હાંફ ચડી. ચીસ ન ફૂટે એ માટે હોઠો પર હાથ દાબી દેવો પડ્યો તેણે.

ના, ફરી આ તરફ આવવાને બદલે ઋતુરાણી તો ઓમના તંબુ બાજુ વળી. આનો શું અર્થ? અનામિકને ઓમ સાથે શું લાગેવળગે? રાતના અંધારામાં ઋતુરાણીને ઓમના કક્ષમાં મોકલવાનો અર્થ...

આ પણ વાંચો : કથા-સપ્તાહ: સંગમતીર્થ (સંસાર-સંન્યાસ 3)

ના, અત્યારે અર્થ-અનર્થની તારવણીનો સમય નથી. અનામિકનો ઇરાદો મલિન જ હોય ને એનાથી ઓમને એક જ વ્યક્તિ ઉગારી શકે... યોગિનીદેવીએ ગુરુ દયાનંદના ઉતારા તરફ દોટ મૂકી.

ત્યારે અનામિક ગણતરી માંડતો હતો : બસ, હવે થોડી જ ક્ષણો અને ઓમકાર ઉર્ફે અક્ષનું પત્તું સાફ! ‘સાધ્વી પર બળજબરી’ આચારનારા ઓમકારને હું આખા કુંભમેળામાં બદનામ કરી મૂકીશ પછી નીરજા મૅડમે તેને મળવાનું કારણ જ નહીં રહે!

હરખાતો અનામિક એક જ વાત ભૂલ્યો કે માનવીનું આયોજન ગમે એ હોય, ધાર્યું તો ધણીનું જ થવાનું!

એણે શું ધાર્યું છે એની કોને ખબર છે? (આવતી કાલે સમાપ્ત)

columnists