સાજન-સજની: સૂરજ સાયબો, હું સૂરજમુખી (પ્રકરણ-૩)

17 April, 2024 05:44 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘તારા માટે એક કન્યા મને ગમી છે, આસુ. આ શનિવારે આપણે છોકરી જોવા જવાનું છે!’

ઇલસ્ટ્રેશન

સોમની સવારે વિશ્વનાથ નીકળ્યા પછી બાથટબના હૂંફાળા પાણીમાં છબછબિયાં કરતી રિયા વાગોળી રહી ઃ

‘મારી પ્યાસી જવાનીને કોઈ ખડતલ જુવાનની જરૂર છે એ સમજ ખૂલતાં મેં પહેલાં તો સહજપણે વિશ્વનાથને બાળક માટેની મેડિકલ ટ્રીટમેન્ટમાંથી વાર્યો, ઍઝ યુઝ્‍વલ, વિશ્વનાથ માની પણ ગયો. અને જેને દિવસરાત ઝંખતી હતી એવો એક જુવાન મારી જિંદગીમાં કેવો આકસ્મિક રીતે આવી પહોંચ્યો!

‘હૅપી બર્થ-ડે!’

દસ મહિના અગાઉની મારી વરસગાંઠની એ સવારે વિશ્વનાથ બહુ ઉત્સાહમાં હતો : ‘તારા માટે સ્પેશ્યલ ગિફ્ટ છે!’ મારી આંખે તેની હથેળી દાબી મને પૉર્ચમાં લઈ ગયો, ‘હવે જરા આંખ ખોલીને જો!’

‘અને હું જોતી જ રહી ગઈ!’

‘બ્લુ જીન્સ, રેડ ટી-શર્ટમાં વયમાં લગભગ મારા જેટલો જ ૨૬-૨૭નો જુવાન અત્યંત સોહામણો દેખાતો હતો. તેના લંબગોળ ચહેરાની પ્રત્યેક રેખામાં જાણે લોહચુંબક છે. તેના પહોળા ખભા, સશક્ત ભુજા - ઓહ, આ જુવાન વસ્ત્રહીન દશામાં તો કેવો લાગતો હશે!’

રિયાથી સિસકારો નીકળી ગયો.

‘કેવી લાગી કાર?’

‘કાર!’ પતિના પ્રશ્ને રિયાની પાંપણ ફરકી. હવે ધ્યાન જુવાન પરથી હટી આંગણામાં ઊભેલી નવીનક્કોર કાર તરફ ગયું.

‘હવેથી ટૅક્સીમાં ફરવાનું બંધ. મારી ક્વીન માટે તેની પોતાની કાર આપવાનું મને મોડું-મોડું સૂઝ્યું ખરું!’

પતિની સરપ્રાઇઝ ગિફ્ટ, ૧૦ લાખની ગાડી સુંદર જ હતી, પણ

રિયાને વધુ રસ કારની આગળ ઊભેલા જુવાનમાં પડ્યો. ‘આ કોણ છે? કારનો ડિલિવરી બૉય?’

‘આ વૈભવ છે, ચર્ની રોડની ડ્રાઇવિંગ-સ્કૂલમાં ટ્રેઇનર છે, ભાડાની કાર પણ ફેરવે છે, વચમાં મારે ઑફિસથી વાપી જવાનું થયેલું ત્યારે તેને જ લઈ ગયેલો.’

‘અચ્છા. હું ત્યારની જાણતી હોત તો તેના દેહના વૈભવને મેં ક્યારનોય માણી લીધો હોત! પર દેર આએ દુરુસ્ત આએ! વિશ્વનાથનો ડ્રાઇવર બીમાર હોવાથી આજની સરપ્રાઇઝ ગિફ્ટની ડિલિવરી માટે વૈભવ પર કળશ ઢોળી પતિદેવે અજાણતાં જ મને ન્યાલ કરી દીધી.’ 

વૈભવ અપરિણીત છે એ જાણ્યા પછી તેની જવાની માણવાના ધખારામાં રાતે પતિને વહાલી થઈ પાકું કરી નાખ્યુ ઃ ‘તમે કાર તો ગિફ્ટ કરી વિસુ, પણ મને ડ્રાઇવિંગ ક્યાં આવડે છે? ના, નાથુકાકાને તમે જ રાખો, મારે ફરવા જવું હશે ત્યારે કોઈનેય - પેલા વૈભવ જેવાનેય તેડાવી લઈશ. આખા દિવસનો ડ્રાઇવર રાખવા કરતાં આવાને કલાક પર બોલાવેલો સસ્તો પડે.’

‘પત્યું! પછી તો વૈભવને બે-ત્રણ કલાકની શૉર્ટ ટ્રિપ માટે બેચાર વાર તેડાવી ખુલ્લા ઇશારા આપતાં પાંચમી વાર તે સામેથી મને તેના કૉટેજ પર લઈ ગયો... દાદરની સાવ સાંકડી ગલીના છેડે એક જ રૂમનું પાકું મકાન હતું. આજુબાજુ કોઈ વસ્તીય નહીં. નાનકડી ઓરડીમાં એક તરફ કિચનનું પ્લૅટફૉર્મ હતું, ઘરવખરીનો થોડોઘણો સામાન અને સિંગલ બેડ.’

અત્યારે પણ આંખો મીંચીને રિયા એ બેડ

પર માણેલા પ્રથમ વારના કામસુખને મમળાવી રહી.

વૈભવના આગમન બાદ જીવનમાં કોઈ કમી નહોતી. અમીરીની એશ હું વૈભવ પર પણ લૂંટાવતી. કાર શીખવવાના બહાને મેં મહિનોમાસ પૂરતી વૈભવની સ્કૂલ જૉઇન કરી, બપોરની વેળા જાઉં, ત્યારે જેન્ટ્સ ટ્રેઇનર નવરા જ હોય, હું વૈભવ જોડે જવાનું પ્રિફર કરું એમાં ત્યાંની ફીમેલ ટ્રેઇનર - શું નામ તેનું? ઊર્જા કે

નીરજા કે એવું જ કંઈક - મને એક વાર

બોલેલી પણ ખરી ઃ અમારા લેડીઝ બૅચમાં એક જગ્યા હાલ ખાલી છે મૅમ, તમને મજા આવશે.’

‘ચાંપલી, મારે તો વૈભવને માણવાની મજા લેવી છે!’ - એવું કંઈક કહીને તેને ડઘાવી દેવાની ઇચ્છા માંડ વશમાં રાખી મેં હોઠ મલકાવેલા કે મને વૈભવની ટ્રેઇનિંગ ફાવી ગઈ છે. થૅન્ક્સ.’

અલબત્ત, કાર શીખીને મારે વૈભવને તેડાવવાનુ કારણ જતું કરવું નહોતું એટલે,

‘મહિનાથી કાર શીખવા જાઉં છું, પણ મને નથી જામતું. છોડો. એના કરતાં જરૂર પડ્યે ડ્રાઇવરને તેડાવી લેવાનો!’ વિશ્વનાથને સમજાવી દીધેલું.

‘ક્યારેક વૈભવના પૅશનેટ લવબાઇટ્સ જોઈને વિશ્વનાથની કીકીમાં શંકા ઘૂંટાય એ પહેલાં ચેતીને હું લજ્જાવાના અભિનય સાથે કહી દઉં, તમનેય જાણે નવી જવાની ચડી રહી છે. એવું જોર ઠાલવો છો કે... સાંભળીને તે પોરસાયેલો, બેવકૂફ!’

‘ક્યાં સુધી આમ ઉછીનું સુખ

માણતા રહીશું?’

મારી સાથેનું શૈયાસુખ વૈભવ

માટે પહેલું જ હતું. પરસ્પરને એકમેક તરફથી મળતી શારીરિક પરિતૃપ્તિ હૃદયબંધમાં ફેરવાઈ ચૂકી હતી. વૈભવ લગ્નનું કહેતો ને હું તેની ઓરડીમાં નજર દોડાવતી, ‘કાશ, વિશ્વનાથને બદલે તું અમીર હોત...’

સાંભળીને વૈભવની કીકી ચમકેલી,

‘વિશ્વનાથ જેટલા અમીર થવા માટે મારે કાં બીજો જનમ લેવો પડે... કાં આ જનમમાં તેને હટાવવો પડે!’

સહેજ કંપી જવાયેલું. વિશ્વનાથને હટાવવાનો અર્થ ન સમજાય એવી પોતે નાદાન નહોતી. વૈભવને ઇનકાર હોય પણ નહીં. અમે એ દિશામાં કશુંક નક્કર પ્લાનિંગ કર્યું હોત, પરંતુ એ પહેલાં -

રિયાએ કડી સાંધી ઃ

ચાર મહિના અગાઉની વાત.

‘રિયા... રિયા!’

વહેલી સવારમાં વિશ્વનાથની બૂમાબૂમે રિયાને ફાળ પડી. વિસુ વૈભવ બાબત કશુંક જાણી ગયા કે શું?

‘બદમાશ, લુચ્ચો.’

મોંમાં આવી એટલી ગાળ દેતાં વિશ્વનાથે છાપું ધર્યું- ‘આ વાંચ.’

રિયાને અખબારના કાળા અક્ષર નર્તન કરતા લાગ્યા. પરાણે સ્વસ્થતા કેળવી નજર દોડાવી, ‘ના, આમાં તો અમારા લફરાના કોઈ ન્યુઝ નથી!’

‘અરે, આ હેડિંગ તો વાંચ... નાગમણિ ભાગી ગયો!’

રિયાને હવે ગડ બેઠી કે મામલો વૈભવને લગતો નથી, હાશ! બટ વેઇટ. આ નાગમણિ એટલે તો...

‘આપણો ઇન્વેસ્ટમેન્ટ એજન્ટ!’ વિશ્વનાથ માથું પકડી સોફા પર

બેસી ગયો.

રિયાએ હવે ઝીણવટથી છાપું જોતાં હેડલાઇન ભોંકાઈ ઃ ‘ગ્રાહકોને કરોડોનો ચૂપો ચોપડી એજન્ટ ફરાર!’

‘અહેવાલનો સાર એ હતો કે વરલીમાં દસેક વર્ષથી ફાઇનૅન્સનું કામકાજ કરતો નાગમણિ વીસથી પચીસ ટકા જેટલું વાર્ષિક રિટર્ન આપવામાં માસ્ટરી ધરાવતો હતો. એ ખરેખર તો ઇન્વેસ્ટના રૂપિયા જ અંદર-અંદર ફેરવવાની તેની ચાલાકી હતી. કારોબાર ૨૦૦ કરોડના આંકડાને પાર થતાં જ જનાબ અઠવાડિયાથી પરિવાર સહિત અદૃશ્ય થઈ ગયા છે, ઑફિસે તાળું છે ને રોકાણકારોએ અત્યારે તો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે!’

‘અને આપણે તેઓમાંનાં જ એક છીએ રિયા!’ વિશ્વનાથે કપાળ કૂટ્યું. ધીરે-ધીરે કરતાં પોતે રોકાણનો આખો પોર્ટફોલિયો નાગમણિને સોંપેલો એ ઓછું હોય એમ રોકાણની ગૅરન્ટી પર બજારમાંથી થોડા મહિના પહેલાં જ ફૅક્ટરીના એક્સપાન્સન માટે ૬૦ કરોડ વ્યાજે લીધા. નાગમણિનો બૉમ્બ ફૂટતાં જ લેણદારોની ઉઘરાણી શરૂય થઈ ગઈ છે.’

રિયાએ ફૅક્ટરીમાં કે પછી ઇન્વેસ્ટમેન્ટમાં કદી રસ નહોતો લીધો, કેમ કે બેઉ મામલામાં વિશ્વનાથ એકદમ ચોક્કસ હતો. આજે પતિની વાતોમાંથી રિયાએ એટલું સત્ય તારવ્યું કે વિશ્વનાથે લેણું ચૂકવવા બંગલો, બિઝનેસ બધું વેચી નાખવું પડે. ‘અમે સાવ રસ્તા પર આવી જઈએ! અરેરે. તારી પાસે અમીરીની એક જ લાયકાત હતી - હવે એય ન રહી!’

વીત્યા આ ચાર મહિનામાં લેણદારોની ઉઘરાણી તીવ્ર બની છે. બે વાર તો ગનધારી પન્ટર ઘરે, ઑફિસ આવી ગયા.

‘આ સમસ્યાનો એક જ ઉકેલ છે - આત્મહત્યા!’

આજે સવારે જ વિશ્વનાથે કહેલા શબ્દો તાજા થતાં રિયાના હોઠ વંકાયા. ના, આ ઉકેલમાં મરવાની વાત જ નથી, વિશ્વનાથનો પ્લાન અફલાતૂન છે.

ક્યાંકથી વિશ્વનાથે જાણી રાખ્યું છે કે પેઇનકિલર તરીકે બહુ કૉમન એવી પૅરાસિટામૉલની ગોળી એકસાથે ફલાણી ક્વૉન્ટીટીમાં કે એથી વધુનો ડોઝ ગળી જાઓ તો એ પ્રાણઘાતક નીવડે... આમાં અલબત્ત તરત પ્રાણ નથી જતા. આ રીતે સુસાઇડ અટૅમ્પ કરનારને સમયસર મેડિકલ સારવાર મળી જાય તો મોટા ભાગે માણસ બચી જાય છે.

- અને વિશ્વનાથે તો ગોળી ગળીને બચી જ જવું છે! ‘લેણદારોના ત્રાસથી હું આપઘાત કરું છું’ એવું લખી જશે એટલે લેણદારો ઊલટા ગુનેગારના કઠેડામાં આવી જવાના. પરિણામે આપોઆપ તેમની ચોંપ ઢીલી પડતાં ઊગરી ગયેલો વિશ્વનાથ પત્ની સહિત વિદેશ ભાગી જાય એ સ્વાભાવિક પણ લેખાય ઃ લેણદારોએ એટલું પ્રેશર આપ્યું કે આપઘાતમાંથી ઊગરેલો તે લેણું ચૂકતે કરવાને બદલે બચેલું વેચીને દેશ જ છોડી ગયો!’

‘આમ તો કોઈને છેહ દેવો વિશ્વનાથના સ્વભાવ-સંસ્કારમાં નથી, પણ બીજાથી છેતરાયેલો જે બચ્યું એ સાચવવા છેતરપિંડી આચરવા તૈયાર થયો છે.’

‘અને એમાં અમારા માટે તક

રહેલી છે!’

રિયાના ચહેરા પર ખંધાઈ પ્રસરી. સ્નાન સમેટીને તેણે વૈભવને મેસેજ કર્યો ઃ ‘આજે મળ. એક નવું ડેવલપમેન્ટ છે.’

lll

વૉટ!

વૈભવ માની ન શક્યો. ‘વિશ્વનાથ આપઘાતનો ડ્રામા રચવા માગે છે?’

પોતાના ફુટડા દેહની મૂડીથી વૈભવ સભાન હતો. ‘શિવાય’માં જોડાયા પછી તેની નજર ઊર્જા પર હતી, પણ ધરાર જો એ છોકરી કોઈને ભાવ આપતી હોય એટલે પોતે તેની કૂથલી કરવાની મજા માણતો. ટ્રેઇનર ઉપરાંત પોતે છૂટક કામ પણ કરતો, એમાં કારની ડિલિવરી નિમિત્તે રિયાને મળવાનો યોગ સર્જાયો... ‘તેની સાથે તનની મોજશોખનો સંબંધ બહુ જલદી પ્રણયબંધનમાં ફેરવાઈ ગયો. વિશ્વનાથને હટાવવાનું વિચારતા હતા ત્યાં તેણે મૂડી ગુમાવી અને હવે વિશ્વનાથનો સુસાઇડનો મૉકડ્રિલ પ્લાન.’

‘આમાં આપણા માટે તક છે - વિશ્વનાથથી પીછો છોડાવવાની તક!’

વૈભવ તેને તાકી રહ્યો.

lll

‘જય શિવશંકર!’

સોમની સાંજે ઘર નજીકના

મહાદેવના મંદિરે દર્શન કરી સગુણાબહેન બાંકડે બેસી ચૂડીદાર ઓઢણીના ભારતીય પોશાકમા ભારે રૂપાળી લાગતી કન્યાને નિહાળી રહ્યાં.

દીકરાને માની પસંદની કન્યા સાથે પરણવાનો પડકાર આપ્યા પછી વહુને ખોળવા સગુણાબહેને આંખો તેજ કરી હતી. એમાં મંદિરે આવતાં-જતાં હમણાંની ઘણી વાર દેખાઈ જતી સોનલ તેમના ધ્યાનમાં બેઠી હતી. ‘અમારા ઘરેથી ચાર ગલી છોડીને રહેતી છોકરીના પિતા નથી, મોટો ભાઈ છે અને તેની માતા સંયુક્તાબહેન સાથે વાત થયા મુજબ પુણેથી ગ્રૅજ્યુએટ થયેલી સોનલ ઘરકામમાં કેળવાયેલી પણ છે...’

કુંવારી કન્યા ગમી હોવા છતાં તેમણે ઉતાવળ ન કરી. બેચાર ઠેકાણેથી પૂછપરછ કરાવી, બધું બરાબર જણાતાં આજે તેમણે સંયુક્તાબહેન સમક્ષ વાત મૂકી.

- અને રાતે ઑફિસથી પરત થતા દીકરાને વધામણાં દેવાની ઢબે કહ્યું ઃ ‘તારા માટે એક કન્યા મને ગમી છે, આસુ. આ શનિવારે આપણે છોકરી જોવા જવાનું છે!’

દીકરાને પડકાર ફેંકી પોતે ક્યારેક અફસોસ અનુભવતાં ઃ ‘દીકરાની પસંદને જોયા-જાણ્યા વિના મેં નકારી દીધી, એ ઠીક ન કહેવાયને? જેને ચાહે છે તેને પરણી ન શકનારો જેને પરણશે તેને ચાહી શકશે ખરો?’

ઢચુપચુ થતું મન નિર્ણયની ફેરબદલી કરે એ પહેલાં ભીતરથી અવાજ ઊઠતો - ‘એટલે શું દીકરો આંધળૂકિયું કરે ને માએ જોયા કરવાનું? બિન્દાસ બંદીની જેમ ડ્રાઇવરગીરી કરતી છોકરી વહુ તરીકે શોભતી હશે!’

એટલે પછી આકરાં બની પોતાના પડકાર પર ટકી રહ્યાં અને સોનલને જોયા-જાણ્યા પછી દ્વિધા પણ નહોતી ઃ

આસુનો પ્રસ્તાવ મૂકવાની સાથે ઊર્જાનું નામ લીધા વિના છોકરીની હાજરીમાં જ સંયુક્તાબહેનને પોતે કહ્યું પણ ખરું કે ‘આસુને એક યુવતી પ્રત્યે મોહ જાગેલો, પણ મને એ સગપણ મંજૂર નહોતું...’ આટલું જાણીને ઘરે પહોંચ્યાના અડધા જ કલાકમાં સંયુક્તાબહેનનો ફોન આવી ગયો કે ‘તમતમારે શનિવારે જરૂર આવો. મારે તો દીકરી માટે આશ્લેષ જેવો મુરતિયો જવા નહોતો જ દેવો, એમાં સોનલની પણ સંમતિ છે...’

-‘એટલે પણ મને વિશ્વાસ બેસે છે કે છોકરીમાં હીરાને પારખવાની ઝવેરીની કુશળતા છે! વળી પોતાના પતિને પ્રેયસીના વળગણથી મુક્ત કરવા જેટલું તો કોઈ પણ પત્ની હરહંમેશ કરવાની! સોનલ આટલું કરી લે પછી તેનો સંસાર સુખી, મારો દીકરો સુખી! મને બીજું શું જોઈએ!’

માના ઉત્સાહે આશ્લેષે ગૂંગળામણ અનુભવી. ‘એક તરફ ઊર્જાના સોગંદ, બીજી બાજુ માની જીદ. અલબત્ત, સોનલને જોઈ-મળી હું ઇનકાર જણાવીશ તો મા પરાણે સંબંધ નહીં જ જોડે, પણ માની વાતોથી સર્વગુણસંપન્ન જણાતી કન્યાને નકારવાનું ઠોસ કોઈ કારણ મળશે ખરું? આ કેવી કન્યા જેને મુરતિયાના પ્રણયસંબંધનોય વાંધો નથી!’

આશ્લેષ ટટ્ટાર થયો.

‘મને જોઈ-મળી સોનલ આ નિર્ણય પર આવી હોત તો એ હજી સમજાય, આખરે એવું તે શું કારણ હોય કે સોનલે કોઈ અન્ય સમક્ષ હૈયું હારી ચૂકેલા જુવાન માટે રાજી થવુ પડે?’

‘અંહ, આ વિશે જાણવું તો જોઈએ!’

-ત્યારે વરલીના ઘરમાં સંયુક્તાબહેન દીકરીને સમજાવી રહ્યા છે ઃ ‘આશ્લેષ જેવું પાત્ર હાથમાંથી જવું ન જોઈએ.’

સંયુક્તાબહેને દીવાનખંડમાં લટકતી પતિની તસવીર નિહાળી અને હળવો નિઃસાસો નાખ્યો.

દીકરીના ચિત્તમાં શું રમી રહ્યું છે એની માતાને ક્યાં ખબર હતી?

(ક્રમશ:)

columnists Sameet Purvesh Shroff