સબક (પ્રકરણ - ૪)

11 August, 2022 08:06 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

અર્ણવ પાટુ મારીને નીકળી ગયો ને સર્વસ્વ ગુમાવી ચૂક્યાના ભાન સાથે હિરેને હોશ ગુમાવ્યા. આ આઘાતમાંથી તે હવે ક્યારેય ઊભરી શકવાનો નહીં. એ તો જેવાં જેનાં કરમ!

સબક

‘આ શું થઈ ગયું!’ અનિ-શ્રાવણી 
મૂંઝાય છે.
દીકરીને ઉઘાડા ફોટો મોકલનાર જુવાન વિશ્વનાથભાઈ-નમ્રતાબહેન માટે ગેરલાયક ઠરી ગયો ઃ ‘ખોટું ન લગાડતી શ્રાવણી, પણ આ તારા એએસે ન્યુડ ફોટોસેશન કરાવ્યું એના રવાડે બીજા જુવાનિયા ચડ્યા લાગે છે, નાલાયકો!’
પહેલી વાર એવું બન્યું કે શ્રાવણીએ અર્ણવ વિરુદ્ધની ટિપ્પણી સાંખી લીધી હોય. ‘ખરેખર તો અનિરુદ્ધ નહીં, હું અર્ણવના રવાડે ચડી ગણાઉં. પત્ની માટે ન્યુડ થનારો તેને કેટલું ચાહતો હશે એમ માનીને હું અનિ પાસે આવી જ ગિફ્ટ માગી બેઠી - ના, ગિફ્ટ પણ નહીં, 
શરત મૂકી બેઠી! જે બૂમરૅન્ગ થતાં સમજાય છે કે સ્ટાર્સનાં દરેક પગલાં અનુકરણીય નથી હોતાં. તેમને કદાચ સોસાયટીની પડી ન હોય, પણ સામાન્ય માણસે તો સમાજમાં જવાબ દેવાનો હોય છે, ફૅમિલીને ફેસ કરવાનું હોય છે અને એટલે જ કદાચ સંસ્કારની પરિભાષા સચવાયેલી રહે છે. આ એક સબકે 
અર્ણવ બાબત મારો મોહભંગ થયો છે, હું એટલી પરિપક્વ બની છું, પણ આમાં અનિરુદ્ધ માટે મમ્મી-પપ્પાને રાજી કરવાનો વિકલ્પ ક્યાં?
બીજી બાજુ જિંદગીમાં પહેલી વાર સત્યેનભાઈનો દીકરા પર હાથ ઊઠ્યો હતો - ‘તું શ્રાવણીને તાજમાં મળ્યો, પછી શું થયું એ તેં કહ્યું નથી. સાચું બોલ, ત્યાં તેણે ઇનકાર તો નથી ફરમાવ્યોને? એની ખીજ ઉતારવા તો તેં આવું ઘૃણાસ્પદ કૃત્ય નથી કર્યુંને, કપાતર?’  
અનિરુદ્ધ શું બોલે?
‘વિશ્વનાથભાઈ વિવેકી છે, સમાજમાં આનો ઢંઢેરો નહીં પીટે, પણ અમે તો અમારી નજરમાંથી ઊતરી જ ગયાં!’ વસુધાબહેન રડી પડેલાં. ‘માને કેમ આશ્વસ્ત કરવી!’
ઘરે તણાવનો માહોલ ખરો, પણ અનિ-શ્રાવણીને બહાર જવાની મનાઈ નહોતી એટલે કાપડિયા ક્લબમાં બન્ને મળતાં રહે છે એની જોકે ઘરનાને જાણ નથી. ક્લબની કૅન્ટીનમાં ખૂણો શોધી બન્ને બેસતતાં, પણ આગળ વધવાનો મારગ સૂઝતો નથી.  
હા, ક્લબમાં એક ન્યુઝ મળ્યા ખરા, ‘આવતા અઠવાડિયે કાપડિયા ક્લબની ઍનિવર્સરી ઇવેન્ટમાં અર્ણવ આવી રહ્યો છે! જોડે દેવયાની, પ્રોડ્યુસર-ડિરેક્ટર હિરેન પણ છે! ત્રણે પોતાના આગામી પ્રોજેક્ટ્સ પ્રમોટ કરશે.’
શ્રાવણીને જોકે ઉમંગ ન થયો. અર્ણવનું ખેંચાણ જ ક્યાં છે?
‘આ ઇવેન્ટમાં મારાં મમ્મી-પપ્પા પણ આવશે. વડીલો એક જગ્યાએ ભેગાં થાય, ઍટ લીસ્ટ વાત કરતાં થાય તો કોઈક નિવેડો આવે.’
અનિનો આશાવાદ શ્રાવણીને ટટ્ટાર કરી ગયો ઃ ‘કાશ, આવું ખરેખર થાય!’
ફંક્શનમાં શું થવાનું છે એની ક્યાં ખબર હતી?
lll
શનિની સાંજે કાપડિયા ક્લબમાં શહેરના મોભાદાર શ્રીમંતોનો મેળાવડો જામ્યો છે. ક્બબ-હાઉસને દુલ્હનની જેમ શણગારાયું છે. મમ્મી-પપ્પા સાથે આવેલી શ્રાવણી અનિરુદ્ધને ભાળી ખીલી ઊઠી. અંકલ-આન્ટીને નમસ્તે કરવાનું ચૂકી નહીં એથી વિશ્વનાથભાઈ-નમ્રતાબહેન પહેલાં કતરાયાં, પણ માફી માગતાં હોય એમ સત્યેનભાઈએ તેમની તરફ હાથ જોડતાં કૂણા પડ્યાં. તેમણે જોકે અનિરુદ્ધને ભાવ આપવાનું ટાળ્યું, પણ આટલુંય પૂરતું હતું. અનિરુદ્ધ સાથે આની ખુશી વહેંચવી હોય એમ તે પહેલા માળના બૅન્ક્વેટ હૉલમાંથી વૉશરૂમના બહાને બહાર નીકળી. પોતાની પાછલી રોમાં ગોઠવાયેલો અનિ પાછળ આવશે જ એની ખાતરી હતી.
‘હાશ. આ તરફના એક્ઝિટ ડોરની બહાર ભીડ નથી. પૅસેજમાં ઊભા હો તો સામે ગ્રીનરી જ દેખાય. પૅસેજની ડાબી-જમણી તરફ એક્ઝિટનાં પગથિયાં છે, બરાબર નીચે ગ્રીનરૂમ છે, સેલિબ્રિટી ગેસ્ટ્સ ત્યાં જ ઊતર્યા હોવાનું કોઈ બોલતું હતું ખરું. જોકે અર્ણવ-દેવયાની કે હિરેન કોઈમાં મને રસ નથી!’
ઊંડો શ્વાસ લઈને શ્રાવણી લૉબીની પાળી પર હાથ ટેકવે છે ત્યારે... 
‘તને સમજાવીને થાક્યો દેવયાની કે તું ન્યુડ શૂટ નહીં કરે તો હિરેન મારી પણ કરીઅર બરબાદ કરી નાખશે...’ 
કાનાફૂસી કરતો અવાજ અર્ણવનો છે એ શ્રાવણીને તો જોયા વિના પરખાયું. સાચવીને નજર નીચે નાખી તો...
‘અહા, આ તો સાચે જ દેવયાની અને અર્ણવ!’
‘કરીઅર... કરીઅર!’ ત્રાસી હોય એમ દેવયાનીએ અર્ણવને ઝંઝોડ્યો, ‘અર્ણવ, આ શબ્દનો તને બોજ નથી લાગતો? શું નથી આપણી પાસે ને છતાં આપણે આટલાં બેબસ! ચાલને, આ બધું છોડીને ક્યાંક જતાં રહીએ...’
‘વાહ દેવયાની...’ અર્ણવે દેવયાની સાથે નજરસંધાન કર્યું, ‘ધારો કે મારા ન્યુડ શૂટ પહેલાં મેં બધું છોડવાની વાત કરી હોત તો તારો સાથ મળ્યો હોત?’
દેવયાનીની નજર ઝૂકી ગઈ.
‘તો પછી તું મારી પાસે એવી અપેક્ષા કેમ રાખી શકે?’
તેમના સંવાદ શ્રાવણીને સ્તબ્ધ કરી ગયા. તેની પાછળ આવી પહોંચેલો અનિરુદ્ધ પણ અવાક્ બન્યો.
પોતાના લોભે હિરેન જેવાની કઠપૂતળી બની રહેલા સ્ટાર્સને શું કહેવું! અર્ણવ બાબત શ્રાવણીનો મોહભંગ થઈ ચૂકેલો, છતાં ન્યુડ શૂટમાં પ્યાર ક્યાંય હતો જ નહીં એ સત્ય કડવું લાગ્યું. ‘અને આ કેવો હીરો! પોતાની પત્નીને કોઈ ન્યુડ શૂટનું કહે તો તેની ફેંટ પકડવાની હોય કે દલાલી કરવાની હોય!’
‘અનિ, તમે આપણા પેરન્ટ્સને તેડાવી લાવો, પ્લીઝ’ કહીને તે નીચેની તરફ ભાગી.
‘ચલ, રૂમમાં જઈએ. અહીં કોઈ જોઈ-સાંભળી જશે તો...’
કહી અર્ણવ દેવયાનીનો હાથ પકડીને ગ્રીનરૂમ તરફ વળે છે ત્યારે ‘એક મિનિટ!’ કહેતી શ્રાવણી લૉનમાં તેમની સામે ઊભી રહી ગઈ. ઉપર, અનિરુદ્ધની વિનવણીએ તેના માવતર ભેગાં શ્રાવણીનાં માબાપ પણ ‘દીકરીને કાંઈ થયું કે શું’ની ધાસ્તીમાં બહાર આવીને ઊભાં.
‘શીશ...’ અનિએ ધીમેકથી કહ્યું, ‘ચૂપચાપ નીચેનું દૃશ્ય જોતાં રહો...’
લૉનમાં અર્ણવ-દેવયાની સાથે ઊભેલી શ્રાવણીને વડીલો નિહાળી રહ્યા. સમજાયું તો અનિને પણ નહીં કે શ્રાવણી કરવાની છે શું!
‘આઇ થિન્ક, આ છોકરીને મેં 
ક્યાંક જોઈ છે... મે બી, માય ફૅન?’ અર્ણવ દેવયાનીના કાનમાં ગણગણ્યો. 
દૂર ઊભેલા બાઉન્સર્સને એટલે જ ઇશારાથી રોક્યા.
 ‘સૉરી, હું આપની થોડી મિનિટ લઈશ. મારે એક છોકરીની વાત કરવી છે, અર્ણવ સિંહાજી,  જે આપની ભરચક ફૅન હતી.’
ઉપર વિશ્વનાથભાઈ-નમ્રતાબહેન ટટ્ટાર થયાં, નીચે અર્ણવ મલક્યો.
અર્ણવ માટેની ક્રેઝિનેસ કહીને શ્રાવણી ઉમેરે છે,
‘અને એ છોકરીનો તમારી ઇમેજમાં વિશ્વાસ જુઓ સર, કે તમારા ન્યુડ ફોટોશૂટમાં તેણે પત્નીને અનહદ પ્રેમ કરતા પુરુષને નિહાળ્યો. એનું પરિણામ એ આવ્યું કે એ છોકરીએ તેને પ્રપોઝ કરનાર જુવાન સામે શરત મૂકી કે તું તારા આવા ફોટો પાડી દેખાડ તો હું તને વરું!’
‘હેં...’ મા-બાપ ચમકી ગયાં. સત્યેનભાઈ-વસુધાબહેન મોં વકાસી ગયાં. અનિરુદ્ધ પણ ડઘાયો.
અર્ણવે તાળી ઠોકી, ‘બ્રાવો.’ દેવયાનીય મીંઢું મલકી.
‘પણ અહીં ટ્વિસ્ટ આવ્યો. જુવાનના ફોટો છોકરીને બદલે તેના પેરન્ટ્સની આંખે ચડતાં એ નાલાયક ઠર્યો, તેનાં મા-બાપને ફરિયાદ થઈ, તે બિચારા જીવ સંતાપે છે કે અમારે ત્યાં આવો કપાતર ક્યાં પાક્યો!’
અર્ણવે ટીચટીચ કર્યું.
‘જુવાનની વિવશતા એ છે કે તે જો સત્ય કહે તો જેને ચાહે છે એ છોકરી વગોવાય. દીકરાના ન્યુડ ફોટો માગનારી કન્યા કુસંસ્કારી ગણાય, તેને વહુ બનાવવા કયાં મા-બાપ રાજી થાય?’
શ્રાવણી હાંફી ગઈ, ‘મા-બાપના રોષે, તેમના વલોપાતે છોકરીને સમજાયું કે જે ખોટું છે એ ખોટું જ છે. સમાજની સભ્યતા વસ્ત્રો ધારણ કરવામાં છે, ગુફાયુગથી માણસ વલ્કલ ધારણ કરે છે એ ઉતારવાં જ હોય તો એ પહેલાંના યુગમાં જઈને વસોને. સોસાયટીનું વાતાવરણ શું કામ ડહોળો છો?’
હવે અર્ણવ-દેવયાની ગિન્નાયાં, ‘વૉટ ધ હેલ. આ કેવી સ્ટોરી વર્ણવી રહી છે તું છોકરી!’
‘સ્ટોરી નહીં સત્ય.’ શ્રાવણીના સ્વરમાં ટંકાર ભળ્યો, ‘મેં કહેલો શબ્દેશબ્દ સત્ય છે, કેમ કે એ છોકરી હું છું.’
‘હેં!’ હવે અર્ણવ-દેવયાની ડઘાયાં.  વિશ્વનાથભાઈ-નમ્રતાબનહેનને પ્રતિક્રિયા સૂઝતી નહોતી. સત્યેનભાઈ-વસુધાબહેનને આંચકો પચાવતાં વાર લાગી. અનિરુદ્ધ ગભરાયો કે લજ્જાયો નહીં. પ્રેયસીની કબૂલાતમાં નફટાઈ નહીં, નિખાલસતા હતી, હિંમત હતી.
‘બાકી તારી જગ્યાએ હું હોત દેવયાની તો મારા ધણીનાં કપડાં ઉતારવા માગતી ત્રાહિત વ્યક્તિને મેં ધોકે-ધોકે પીટી હોત, ને મારું વસ્ત્રહરણ કરવાની મનસા રાખનારને અનિરુદ્ધે ભોંયમાં ગાડ્યો હોત!’ હાંફી ગઈ શ્રાવણી, ‘દાંપત્ય આને કહેવાય એએસ, પ્રણય આને કહેવાય!’
અર્ણવ-દેવયાની કાંઈ જ બોલવાની સ્થિતિમાં નહોતાં.
‘તને હું હીરો માનતી હતી, પણ જે બીજાના દબાણમાં પોતાનાં વસ્ત્રો ઉતારે, પત્નીને ઉતારવા સમજાવે એ તો ઝીરો વૅલ્યુને પણ લાયક નથી!’
કહી શ્રાવણી લૉન પર થૂંકી, 
‘યુ કાન્ટ બી માય હીરો, યુ કૅન નૉટ બી એ હીરો!’
અર્ણવ-દેવયાનીને એ થૂંક, એ શબ્દો મોં કાળું કરવા જેટલાં વસમાં લાગ્યાં, પણ શું થાય!
lll
‘આયૅમ સૉરી!’
ઉપર આવીને શ્રાવણી પોતાના-અનિના પેરન્ટ્સની માફી માગતાં રડી પડી. અનિએ તેને ટેકણ આપતાં વડીલોએ એકમેક સામે જોઈ લીધું. અનિમાં માનેલી એબ ખરેખર એબ નહોતી, શ્રાવણીની જ ડિમાન્ડ હતી અને એ વળી એક ફિલ્મ-અભિનેતા પરથી પ્રેરિત હતી એ જાણ્યા-સમજ્યા પછી આમાં દોષ પણ કોને દેવો?  
‘પપ્પા-મમ્મી...’ અનિરુદ્ધે 
વડીલોને નિહાળ્યાં, ‘અમારી નાદાની બક્ષી ન શકો?’
અને વસુધાબહેને પહેલ કરી. આગળ આવીને શ્રાવણીના માથે હાથ ફેરવ્યો, ‘છોકરી, તેં જે કર્યું, અર્ણવની અસરમાં કર્યું, પણ છેવટે તો તારા મનના માનેલા જુવાન સાથે કર્યું, એમાં વિકાર હોત તો તું આમ આવી હિંમત દાખવી જ ન શકત...  હું તો આને પ્યાર ગણીશ અને તમને પણ કહીશ કે બેઉ ફરી કોઈ નાદાની કરે એ પહેલાં તેમને પરણાવી દઈએ!’
અને વડીલોના હાસ્યમાં પાછલા થોડા દિવસની તાણ, ગુસ્સો, ગ્રંથિ - બધું વીસરાતું ગયું. ફંક્શન પડતું મૂકીને તેઓ અનિ-શ્રાવણીનું મોઢું મીઠું કરાવવા નીકળી ગતાં એનો આનંદ જ હોયને!
lll
લૉનમાં મળેલી કન્યા ફંક્શનમાં દેખાઈ નહીં, પણ તેના વેણ અર્ણવ-દેવયાનીના જિગરને જખમી કરી ગયેલા. એમાં વળી કાર્યક્રમમાંથી છૂટાં પડતી વેળા હિરેને અર્ણવને તાકીદ કરી ઃ ‘મને કાલ સુધી દેવયાનીની હા જોઈએ, નહીં તો...’
ઘરે આવ્યા પછી એક તરફ તેની ધમકી ગુંજે છે, તો બીજી બાજુ 
શ્રાવણીનો તુચ્છકાર.
અને ભીતરના ઘમ્મરવલોણાએ અર્ણવને નિર્ણય પર પહોંચાડી દીધો.
lll
‘વોય રે!’ હિરેનની ચીસ સરી ગઈ. દેવયાનીનું ‘યસ’ કહેવા આવેલો અર્ણવ આજે સામેથી મને પથારીમાં તાણી ગયો. વસ્ત્રો સરકાવીને અચાનક અસ્ત્રાથી મરદાનગી વાઢી લીધી. પાછો મોબાઇલમાં મારી અવદશાની ફિલ્મ ઉતારે છે! બદમાશ!’
‘અવાજ બંધ...’ અર્ણવે ડારો આપ્યો, ‘બહુ નચાવ્યાં તેં અમને બધાંને, પણ યાદ રાખ, તારી આ નામરદાનગીનો વિડિયો તેં ઉતારાવેલા અમારા દરેક વિડિયો પર ભારે પડશે... તારી તમામ કઠપૂતળીઓ આજથી આઝાદ છે!’
અર્ણવ પાટું મારીને નીકળી ગયો ને સર્વસ્વ ગુમાવી ચૂક્યાના ભાન સાથે હિરેને હોશ ગુમાવ્યા. આ આઘાતમાથી તે હવે ક્યારેય ઊભરી શકવાનો નહીં. એ તો જેવાં જેનાં કરમ!
lll
ઘરે આવી અર્ણવે ઘટનાનો ચિતાર આપતાં દેવયાની સ્તબ્ધ બની. ‘મરદાનગી ગુમાવી ચૂકેલો હિરેન પોલીસ-ફરિયાદ કરવાથી રહ્યો, 
એનો વિડિયો ઊતર્યા પછી વાઘ નહોર વગરનો બની ગયો, અને એ અર્ણવે કર્યું? એને માટે, મારા માટે, અમારા જેવાં સૌકોઈ માટે!’
એ જ વખતે દૂર ક્યાંક લતાનું ગીત ગુંજી ઊઠ્યું: દિલ મેં તુઝે બિઠા કે...’
અને તેણે અર્ણવને સીનાસરસો ચાંપ્યો, ‘આજે તમારી નજર ઉતારવાનું મન થાય છે.’
બે હૈયાં ચસોચસ ભીંસાયાં એ તેમના સંબંધની પણ નવી શરૂઆત હતી!
lll
કથાના ઉપસંહારમાં એટલું જ કે અર્ણવ-દેવયાનીનો બદલાવ દેખીતો બન્યો.
દેવયાનીએ જૂની રાવ-ફરિયાદ ભૂલીને પેરન્ટ્સને તેડાવી લીધાં. ઘર ભર્યુંભાદર્યું થઈ ગયું. હવે ડ્રગ્સની જરૂર નથી વર્તાતી. પોતાનું એનજીઓ શરૂ કરી તેમણે સમાજસેવા પણ આરંભી દીધી છે. ક્યારેક કોઈ આ વિશે પૂછે તો અર્ણવ એટલું જ કહે છે : અમે સ્ટાર્સ તો લોકોની પ્રેરણા બનીએ છીએ, પણ ક્યારેક કોઈ ફૅન અમને સબક શીખવાડી જાય ત્યારે આવું બનતું હોય છે!
lll
અર્ણવે ઉલ્લેખેલી ફૅન પોતે જ તેની સમજ હોવા છતાં, અર્ણવ-દેવયાની હવે સાચા અર્થમાં અનુસરવા યોગ્ય બન્યાં છતા શ્રાવણીને એનો કોઈ હરખશોક નથી. તે પોતાના સંસારમાં સુખી છે. અનિરુદ્ધ–શ્રાવણીની પ્રીત રૂમના એકાંતમા કેવો મેઘમલ્હાર વરસાવે છે એ જોકે જાહેર શું કામ કરવું? કોઈના અંગતને અંગત રાખવાનો સબક આપણે સૌ યાદ રાખીએ તો કેવું?

સમાપ્ત

columnists Sameet Purvesh Shroff