સબક (પ્રકરણ - 3)

10 August, 2022 02:11 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘ના, શ્રાવણી અર્ણવ સિંહા પાછળ પાગલ છે એમ હીરો-પ્રશંસક વચ્ચેની મર્યાદાથી સભાન છે એ પણ પોતે અનુભવ્યું છે. તેના અંતરમાં હું છું, એમાંય દ્વિધા નહોતી જ’

સબક (પ્રકરણ - 3)

‘બોલો, શરત છે મંજૂર?’
શ્રાવણીના શબ્દો અનિરુદ્ધનું એકાંત ખળભળાવી જાય છે.
ખરેખર તો શનિવારના ફંક્શન પછી મમ્મી અને પપ્પા કઈ કન્યા વધુ સારી હતી એની જ ચર્ચા કરતાં રહેતાં, એમાં શ્રાવણી જ તેમની પહેલી ચૉઇ હોવાનું પરખાતાં અનિરુદ્ધે અંતર ખોલી દીધેલું, ‘શ્રાવણીનો અર્ણવ પ્રત્યેનો ઘેલછાભાવ વહુ તરીકે એના સ્વીકારમાં આડો નહીં આવેને એ દુવિધા કહેતાં સત્યેનભાઈ હસેલા, ‘એમાં શું? તું શ્રાવણીની વાત કરે છે, આ તારી મમ્મી આજની તારીખે પણ તેના રાજેશ ખન્ના વિરુદ્ધ કંઈ કહો તો રિસાઈ જાય છે! બોલ, હવે શું કરીશ?’
અર્ણવે હસીને જવાબ વાળેલો : ‘શ્રાવણી સમક્ષ પ્રીતનો એકરાર!’
એટલે તો શ્રાવણીને આજની સાંજે તાજા શમિયાણામાં તેડાવીને હૈયું ઉઘાડી દીધું - ‘મારા ચિત્તમાં તું, મારા રુદિયે તું!’
સાંભળીને તે લજ્જાઈ, પણ પછી જાણે શું સાંભર્યું કે ટટ્ટાર થઈને સાવ અણધાર્યું બોલી ગઈ, ‘આપણને આવો સાદો એકરાર ન ફાવે. કંઈક મારા અર્ણવ જેવું કરો.’
‘મતલબ?’ અર્ણવના ઉલ્લેખે તેની ન્યુડ તસવીરનું કરતૂત ઝબકી ગયું, ‘લાગે છે શ્રાવણીને એમાંય કશું ખોટું નથી લાગ્યું!’
‘મતલબ એ પ્રોફેસરસાહેબ કે તમારે આ દ્રૌપદીને અર્જુન બની સ્વયંવરમાં જીતવી પડશે!  અને સ્વયંવરની શરત એ જ કે જે એએસએ તેની વાઇફ માટે કર્યું એ તમે મારા માટે કરી દેખાડો...’ 
પડકાર ફેંકવાની ઢબે તે બોલી હતી, ‘તમે પણ અર્ણવની જેમ ન્યુડ ફોટોશૂટ કરાવો... અહીં તમે ફોટો મોકલ્યો ને આ બાજુ આ હાથ મેં તમારા હાથમાં મૂક્યો!’
‘હેં!’
‘શ્રાવણી?’ પ્રારંભિક પ્રત્યાઘાત પચ્યા પછી અનિરુદ્ધે સમજાવા આદરી, ‘તને ખબર પણ છે ખરી, તું કેવી શરત મૂકી રહી છે? અર્ણવની જેમ મારા ફોટો ફરતા થાય તો મારા પેરન્ટ્સ શું વિચારશે?’
‘ઓહો. તમે કંઈ સેલિબ્રિટી છો કે તમારે ફોટો ફરતા કરવા પડે. તમારા ફોટો પર તો કેવળ હક મારો.’ મરી ફિટાય એવા ભાવે કહીને તેણે ઉમેર્યું, ‘અને હા, નો ચીટિંગ ઍન્ડ નો મસ્તી એઝવેલ. વસ્ત્રો ઉતારીને પણ અર્ણવે અંગત જાળવ્યું છે, એવું જ તમારે પણ કરવાનું. બસ, આટલું કરો કે હું તમારી!’
‘બબ્બે વર્ષથી રુદિયે પાંગરેલી પ્રીત હોઠે આવી ત્યારે શ્રાવણીને આ શું સૂઝ્યું!’
‘ના, શ્રાવણી અર્ણવ સિંહા પાછળ પાગલ છે એમ હીરો-પ્રશંસક વચ્ચેની મર્યાદાથી સભાન છે એ પણ પોતે અનુભવ્યું છે. તેના અંતરમાં હું છું, એમાંય દ્વિધા નહોતી જ.’
‘અર્ણવની ફર્સ્ટ ઍનિવર્સરીની ગિફ્ટમાં મને મૂલ્યોનો હ્રાસ થતો જણાય છે, શ્રાવણી એમાંથી ભળતી જ પ્રેરણા લે છે! એ મારા-શ્રાવણી વચ્ચેના મૂલ્યનો ભેદ પણ નથી સૂચવતો?’
‘ના, ના. મૂલ્યભેદ નહીં, પસંદનો જ ભેદ. અર્ણવને બદલે કોઈ અન્ય સ્ટારે આ સ્ટેપ લીધું હોત તો શ્રાવણીએ તેની ટીકા જ કરી હોત, ચોક્કસ, પણ કર્તા અર્ણવ છે એટલે શ્રાવણી માટે બધું સ્વીકાર્ય બની જાય છે! ચલો, દેવયાનીને અર્ણવે આપેલી ‘ગિફ્ટ’ બદલ શ્રાવણી ફૅન તરીકે રાજી થાય ત્યાં સુધીય બરાબર, પણ એ એવા જ વર્તનની આશા નિજી જિંદગીમાં રાખે એ કેટલું યોગ્ય? તેના સંસ્કારમાં મને સંદેહ નથી. જાણું છું, સમજું છું, શ્રાવણીની શરત પાછળ કોઈ વિકાર-વિકૃતિ નથી,  કેવળ થ્ર િલ છે. મનચાહ્યો પુરુષ પોતાનો પડકાર ઝીલી બતાવે એની થ્ર િલ. પોતે જેને હીરોવર્શિપ કરે છે તે અભિનેતાને અનુસરવાની થ્ર િલ. એટલે પણ મને શ્રાવણી પ્રત્યે ગુસ્સો નથી આવતો કે અરુચિ નથી જાગતી.
ઘરે આવ્યા પછી પણ શ્રાવણીને બેચાર વાર સમજાવાની કોશિશ કરી, પરંતુ માને એ બીજાં, ‘તમારાથી આટલી નાનકડી શરત નથી પળાતી?’
‘શરત... પ્યારમાં કોઈ શરત નથી હોતી એ શ્રાવણીને કેમ સમજાવવું? કદાચ કહું તો તો તે સામી દલીલ પણ કરી શકે કે પ્યારમાં કોઈ જ શરત ન હોય એ પણ શરત જ થઈને?’
‘ઓહ, મારે શું કરવું?’ 
- પળવાર અનિરુદ્ધ આંખો મીંચી ગયો. ખૂલી ત્યારે દ્વિધા ન રહી. જોમભર્યું મલકીને તે ઊભો થયો. લાઇટ પાડી, મોબાઇલ કૅમેરા સેટ કરીને શર્ટનાં બટન ખોલવા માંડ્યો, ‘તું પણ  જોઈ લે શ્રાવણી, તારો અનિ કપડાં વિના કેવો દેખાય છે!’
lll
‘આ છોકરી પણ ખરી છે!’
નમ્રતાબહેનને રાતે એકાદ વાર દીકરીની રૂમમાં આંટોફેરો કર્યા વિના ચાલતું નહીં. એકની એક દીકરી તેમની લાડલી હતી. શ્રાવણીમાં હજી થોડી નાદાનિયત ખરી, બાકી દિલની ચોખ્ખી ને સંસ્કારથી ઊજળી દીકરી મા-બાપનું અભિમાન હતી.
કૉલેજ પછી બેએક વર્ષથી ઑફિસ જતી થયેલી દીકરીનાં લગ્ન માટે હવે મન અધીરું બન્યું હતું એમ એની વિદાયનો  વિચાર મા-બાપને કોરી ખાતો એટલે પણ રાતે વિનાકારણ તેની રૂમમાં આવી, તેનું ઓઢવાનું સરખું કરી, તેના સાંનિધ્યનો અહેસાસ માણી લેવો ગમતો.
શ્રાવણી પણ રૂમ લૉક કરીને સૂતી નહીં. મોટા ભાગે અર્ણવના વિડિયો જોતાં-જોતાં જ સૂઈ જતી. દીકરીના કાનમાંથી હેડફોન કાઢવાનું, મોબાઇલ ચાર્જિંગમાં મૂકવાનું કામ રોજનું રહેતું.
આજે પણ મેંશના ટપકા જેવું બબડી નમ્રતાબહેને હેડફોન ઉતારી, મોબાઇલ હાથમાં લીધો કે ચમકવા જેવું થયું. ‘વૉટ્સઍપ પર ધડાધડ અનિરુદ્ધના મેસેજિસ આવી રહ્યા છેને!’
‘છોકરો હૈયું ઠારે એવો હતો. શ્રાવણી આજે તેને મળવા ગઈ હતી... ઉંમરલાયક છોકરા-છોકરી માવતરને જાણ કરી મળતાં રહે એમાં કશું ખોટું નથી. તેની સાથે શું વાત થઈ એ તો મૅડમે કહ્યું નહીં, પણ મુલાકાત પછી તે ઉત્સાહમાં હતી એ તો ચોક્કસ! અનિ તેને અડધી રાતે શું સંદેશ મોકલે છે એ વાંચી લઉં?’ 
એની જરૂર ન પડી. ઑટો સેટિંગને કારણે ડાઉનલોડ થયેલી ઇમેજ સીધી સ્ક્રીન પર ઝબકી ને નમ્રતાબહેન હાયકારો નાખી ગયા : ‘ફોનમાં અનિરુદ્ધ અડધો ઉઘાડો હતો!’
‘હે ભગવાન, સુઘડ-સંસ્કારી જણાયેલો છોકરો અડધી રાતે મારી દીકરીને આવી ગંદી તસવીરો મોકલે છે? બદમાશ!’
નમ્રતાબહેન ભાગ્યાં. જઈને પતિને જગાડ્યા, ‘જરા જુઓ તો, પેલો છોકરો આપણી લાડલીને કેવા મેસેજ મોકલે છે!’
lll
વૉટ્સઍપ પર ફાઇલ જોવાયાની બ્લુટિક આવતાં અનિરુદ્ધે માન્યું કે શ્રાવણી જાગે છે. ‘તેની શરત મેં પાળી, હવે તેનો હકાર પણ સાંભળી લઉં!’
કૉલ જોડી હજી તો તે ‘હાય શ્રાવણી’ બોલે છે ત્યાં તો સામેથી બૉમ્બ ફૂટ્યો,
‘બદમાશ, વિકૃત દિમાગ!’
શ્રાવણીને બદલે તેના પિતાની ત્રાડે ધાક પડી. આ બાજુ શ્રાવણી પણ જાગી ગઈ.
‘મારી દીકરીને તારા ઉઘાડા ફોટો મોકલીને તું કહેવા શું માગે છે, નાલાયક? આ જ તારા સંસ્કાર? ઉઠાડ, ઉઠાડ, તારા બાપને એટલે તારાં કાળાં કરતૂત તેમને કહું...’
‘બાપરે. મારા ફોટો ખોટી આંખે ચડી ગયા’નું સમજાતાં અનિરુદ્ધે ફોન કાપીને મોબાઇલ જ સ્વિચ-ઑફ કરી દીધો!
છતાં ફફડાટ તો રહ્યો જ : ‘આની રાવ મમ્મી-પપ્પાને અચૂક થવાની! અરેરે. ફોટોની શરત મેં રાખેલી એવું શ્રાવણી તેનાં માબાપને નહીં કહી શકે અને શ્રાવણીની શરત પાળવા મેં ફોટો મોકલ્યા એવું હું કહું તો મારાં મા-બાપની નજરમાં તેનું માન શું રહે! હવે?’
lll
આ શું થઈ ગયું?
શ્રાવણી હતપ્રભ છે.
‘પહેલી વાર પિતાનું દુર્વાસારૂપ જોઈને અનિરુદ્ધને  ‘આવા’  ફોટો  પાડવાનું  કહેનારી  હું  જ  છું એ  શબ્દો  જીભ બહાર નીકળ્યા  જ  નહીં. મારાં માબાપ તો એક વાર મારું કૃત્ય બક્ષી પણ દેશે, પણ જે ઘરમાં મારે વહુ બનીને જવાનું છે એ લોકો દીકરાના ‘આવા’ ફોટો માગનારી છોકરીને ચારિત્ર્યહીન જ ધારે કે બીજું કંઈ!’
‘અરેરે... મને આ શું કુમતિ સૂઝી! અનિથી અજાણતાં થયું, કોઈ બીજાને મોકલવાના ફોટો મને મોકલી અપાયા એવી કોઈ દલીલ માવતરને સ્પર્શી નહીં. સવારે ધરાર વિશ્વનાથભાઈએ સત્યેનભાઈને ફોન જોડ્યો ઃ ‘માવતરને તો દીકરાના અપલક્ષણની જાણ હોવી જ ઘટે!’
lll
‘શું? હેં! અનિએ તેના ન્યુડ ફોટો શ્રાવણીને મોકલ્યા?’
સત્યેનભાઈનો સાદ ફાટ્યો. બ્રેકફાસ્ટ પર ટેબલ પર પડખે બેસેલાં વસુધાબહેન ચમકી ગયાં. અનિરુદ્ધ આંખો મીંચી ગયો : ‘ઇટ્સ ઓવર!’
lll
‘ઇટ્સ પાર્ટી ટાઇમ!’
હિરેન કાજુવાલા તરફથી એના આગામી પ્રોજેક્ટ લૉન્ચિંગની આલાગ્રૅન્ડ પાર્ટી તેના જુહુના દરિયાકિનારે આવેલા આલીશાન ઘરે હતી, એમાં આકર્ષણરૂપ બન્યાં હજી ગયા વીકમાં મૅરેજ ઍનિવર્સરી ઊજવનારા અર્ણવ-દેવયાની!
ન્યુડ ફોટોથી અર્ણવ સિંહાએ ધમધમાટી બોલાવી દીધી હતી. કોઈએ અર્ણવની ડૅરિંગને બિરદાવી તો કોઈએ પત્ની પ્રત્યેનો પ્રેમ.  તો આજની સેલિબ્રિટીઝે દેશની સંસ્કૃતિનો દાટ વાળ્યો છે એવો બળાપો કાઢી જુદી-જુદી કલમના કેસ ઠોકનારાય ઓછા નહોતા., પણ અર્ણવને હવે તમા નહોતી, નવા પ્રોજેક્ટની ડીલ કરી હિરેને કપડાં ઉતારવાનું માનો મહેનતાણું ચૂકવી દીધું હતું.
દૂરથી મહેમાનોની હલચલ નિહાળતા હિરેને જામ લઈ જાતને પૂછ્યું, ‘વૉટ નેક્સ્ટ?’
હિરેનને જાણ હતી કે પાર્ટીમાં મલાવા કરનારા મારી પીઠ પાછળ ગાળ જ દેતા હશે, ‘બટ હૂ કૅર્સ! વીત્યાં વર્ષોમાં કિંગ મેકરની ભૂમિકા સદી ગઈ છે. સ્ટાર્સ-સુપરસ્ટાર્સને કઠપૂતળીની જેમ નચાવવામાં કેટલી મોજ પડે એ તો જેના હાથમાં તેમની ડોર હોય તે જ સમજી શકે!’
‘ના, આમાં કેવળ દેહની ભૂખ ઠારવાનો કે નામી હીરો-હિરોઇનોને પથારીમાં માણવાનો આનંદ નહોતો. સ્ટાર્સથીય ચડે એવાં શરીર બજારમાં વેચાય છે, સો મને એનો ચાવ નથી. મજા તો એ છે કે મને રાજી કરવા આ લોકો નિમ્ન હદ સુધી જતાંય ખચકાતા નથી! મારી પાર્ટીમાં તો ઘણા પાસે સ્ટ્ર િપ શોઝ કરાવ્યા, એનું રેકૉર્ડિંગ ન હોત તો પણ સૌ મારા શરણમાં રહેત, કેમ કે સેલિબ્ર િટી સ્ટેટસ પોતે જ એક લત જેવું છે. લાઇમલાઇટમાં રહેવા તેઓ કોઈ પણ હદે જવાના અને મને તેમની આ નિમ્ન હદ એક્સ્ટેન્ડ કરવામાં લુત્ફ મળે છે! લેટેસ્ટ દાખલો અર્ણવનો છે. સંભવ છે, હું પોતે ખાસ રૂપાળો નથી એટલે પણ મને આકર્ષક પુરુષોની ઈર્ષા રહેતી હશે. આવા ગરજાઉ પુરુષો ખાનગીમાં મને ગમે એ પ્લેઝર્સ માણવા દે, પણ જાહેરમાં વસ્ત્રો ઉતારે ખરા! બસ, આ તુક્કાની અજમાયશ અર્ણવ પર કરી – અત્યારે બૉલીવુડનો મોસ્ટ હૅન્ડસમ હીરો તો તે જને! ઍન્ડ સી, વિદેશી સંસ્થાના નામે હું મારું ધાર્યું કરાઉં છું એની સમજ અર્ણવને પણ હોય જ, દેવયાની પણ સમજતી જ હોય, છતાં તેમણે માનવું પડ્યું, પોતે મરજીથી, સાચે જ દેવયાની માટે કર્યું એવું દેખાડવું પણ પડ્યું!’
‘બેશક, સામે અર્ણવને પ્રૉમિસ કરેલું અસાઇનમેન્ટ આપ્યું, કેમ કે તેની ટૅલન્ટમાં ક્યાં શક છે? સવાલ છે, હવે શું? ટોચનો સ્ટાર ન્યુડ ફોટો શૂટ કરાવે એવું બૉલીવુડમાં તો કદાચ પહેલી જ વાર બન્યું. અને જો હીરો નગ્ન થઈ શકતો હોય હ િરોઇન કેમ નહીં!’
‘અહા...’ હિરેનના દિમાગમાં ઝણઝણાટી પ્રસરી ગઈ, ‘યે હુઇ ના કુછ બાત!’
‘અને કૅમેરા સામે વસ્ત્રહીન થનારી રૂપસુંદરી તો તે જ હોય... દેવયાની! પતિ જો પત્ની માટે કપડાં ઉતારે તો પત્ની પણ આવતા મહિને પતિના બર્થ-ડે પર ન્યુડ શૂટની ‘સરપ્રાઇઝ ગિફ્ટ’ આપી જ શકે!’
‘વેલ, આમેય મારે હૉલીવુડના નિર્માતા સાથે ઇન્ડિયાના બૅકગ્રાઉન્ડમાં અંગ્રેજી ફિલ્મ બનાવવાની વાટાઘાટ ચાલુ છે. પોતાની એ ફર્સ્ટ ઇન્ટરનૅશનલ થઈ શકનારી ફિલ્મ માટે દેવયાની આટલું નહીં કરે?’
lll
‘નો, નેવર!’ દેવયાની ધૂંઆપૂંઆ છે. ગઈ રાતે પાર્ટી પછી હિરેનનો આભાર માનીને પતિ-પત્ની નીકળતાં હતાં ત્યારે તેમને રોકીને હિરેને ફૉરેન ફિલ્મ વિશે કહેતાં દેવયાની ઊછળી, પણ પછી ન્યુડ શૂટનો પ્રસ્તાવ મૂકતાં સમસમી જવાયું. હિરેનને ‘વિચારીને કહીશ’ એવો જવાબ દઈ નીકળી આવ્યાં, પણ આખા રસ્તે એ બેફામ બોલતી રહેલી ઃ ‘પરવર્ટ. હું નંબર વન ઍક્ટ્રેસ, એમ કાંઈ કૅમેરા સામે વસ્ત્રહીન થતી હોઈશ? નથી જોઇતી મારે હૉલીવુડની ફિલ્મ. તારી પાર્ટીમાં વર્ષો અગાઉ કરેલા સ્ટ્ર િપ્ટીઝને તેં ઘણું વસૂલ્યું હિરેન, નાવ નો મોર!’ બબડીને અર્ણવનેય સપાટામાં લીધો, ‘તારી હાજરીમાં તે તારી બૈરીને નગ્ન થવાનું કહી ગયો ને તેં સાંભળી લીધું?’
અર્ણવ જોકે સમજતો હતો કે આ પ્રારંભિક પ્રત્યાઘાત છે. ‘મનેય ન્યુડ ફોટો-શૂટનું સાંભળી આવો જ વિદ્રોહ જાગેલો. ત્યારે દેવયાનીએ જ સમજાવેલું કે હિરેન સામે પડવાનો અર્થ સુસાઇડ કરવાનો થાય! ઍન્ડ આયૅમ સ્યૉર, ઊભરો શમ્યે તેને આ શીખ સાંભરી જશે.’
-‘પણ ના, આ વખતે કાંઈક જુદું જ થવાનું હતું!
 
(વધુ આવતી કાલે)

columnists Sameet Purvesh Shroff