સબક (પ્રકરણ - 2)

09 August, 2022 07:40 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘લુચ્ચા. પોતાના હૈયાની વાત કહ્યા વિના મારા રુદિયાની વાત જાણવા માગો છો? જાઓ, જાઓ. એમ કંઈ અમે કહેતાં હોઈશું! છોકરીને લજ્જા નડે એટલું તો વિચારો!’

સબક (પ્રકરણ - 2)

શનિની રાતે સૂવાની મથામણ કરતી શ્રાવણીના ચિત્તમાંથી જોકે સાંજના ફંક્શનની સ્મૃતિ ઓસરતી નથી.
‘ગયા અઠવાડિયે, અર્ણવનો પીએચડીનો ફાઇનલ વાઇવા સફળતાપૂર્વક પત્યો એની બધાઈ દેતી વેળા તેમણે કહેલું કે મમ્મી-પપ્પા આનું ગ્રૅન્ડ સેલિબ્રેશન કરવાનાં છે, ન્યાતીલા તરીકે તારા ફાધરને તો ઇન્વાઇટ જશે જ, તને હું આગોતરું નિમંત્રણ પાઠવી દઉં છું...’
પોતે ભલે અર્ણવ સિંહાની ક્રેઝી ફૅન હોય, હૈયાના ચોક્કસ ખૂણે તો અનિરુદ્ધ જ ગોઠવાયાની પાકી સમજ હતી. ‘મારાથી ક્યાંય વધુ ઠરેલઠાવકા અનિરુદ્ધને તે પરખાયું જ હોય તોય કેવા કાલા થઈ પૂછે છે - તું કોની સાથે પરણવાનાં શમણાં જુએ છે એ તો તું કહે તો જ ખબર પડે?’
‘લુચ્ચા. પોતાના હૈયાની વાત કહ્યા વિના મારા રુદિયાની વાત જાણવા માગો છો? જાઓ, જાઓ. એમ કંઈ અમે કહેતાં હોઈશું! છોકરીને લજ્જા નડે એટલું તો વિચારો!’
‘બાકી ફંક્શનમાં મજા આવી. ઘરે આવતાં માએ પપ્પાને કારમાં જ કહેલું કે છોકરો સરસ છે!’
‘પણ આપણી લાડલીને ગમવો જોઈએને. એ તો આખો દિવસ અર્ણવના નામની માળા જપતી હોય છે!’ પપ્પાએ ટીખળ કરી.
અર્ણવની પહેલી ફિલ્મ આવી ત્યારે પોતે ટીનેજમાં. ‘તેનું ઘેલું એવું લાગ્યું કે જાણે-અજાણે હું અર્ણવની એન્સાયક્લોપીડિયા બનતી ગઈ. કઝિન્સ આને વિશે મજાક કરી લેતા, સખીઓ ચીડવતી, પણ મને કોઈની તમા નહીં, મને મારા અર્ણવ સાથે મતલબ! પપ્પા સમક્ષ જીદ કરી ફિલ્મફેર અવૉર્ડના પાસ મેળવતી, સ્ટુડિયોનાં ચક્કર કાપતી અને તેને રૂબરૂ થ‍વાનું બન્યું પણ ખરું. જિંદગીનો સૌથી ધન્ય દિવસ એ લાગ્યો. અર્ણવ રૂબરૂમાં પણ એટલો જ લાઇવ, એવો જ સોહામણો દેખાયો, ઉમળકાભેર સેલ્ફી પણ પડાવ્યો!
- ‘અને છતાં એવું તો ક્યારેય અનુભવ્યું નહીં કે મારે અર્ણવને પરણવું છે! બલકે દેયવાની સાથે તેના અફેરની વાતો ચગી કે પછી બન્ને સાચે જ પરણ્યાં ત્યારે ખુશી જ થઈ હતી.’
- ‘એટલે પણ પપ્પાને છણકો થઈ ગયેલો, ખોટું અર્ણવને ન વગોવો. એ તો પરણીયે ગયો.’
‘જાણું છું. મારો મતલબ એ બેટા કે અર્ણવ સિવાય તને કોઈ જુવાન ગમ્યો ખરો?’
- ‘જુઓ અનિરુદ્ધ, પપ્પા-મમ્મી પણ મારા મોઢે તમારું નામ સાંભળવા માગે છે! માએ તો એમ પણ કહ્યું કે અનિરુદ્ધ અમને ગમ્યો છે. તું કહે તો કહેણ મૂકીએ... ત્યારે તો મેં શરમાઈને વાત ઉડાડી દીધી, અનિરુદ્ધ. એમ તો હું નહીં બોલું હં, તમે પહેલ નહીં કરો ત્યાં સુધી તો નહીં જ!’
‘હાસ્તો. પુરુષ તરીકે તમારે જ પહેલ કરવાની હોયને. મારા અર્ણવે - માઇન્ડ ઇટ મિ. અનિરુદ્ધ, અર્ણવ તો આપણાં લગ્ન પછી પણ મારો જ રહેવાનો! - કેટલું રોમૅન્ટિકપણે પ્રપોઝ કર્યું હતું દેવયાનીને. ભૂલી ગયા? નૅશનલ ટીવી પર દેવયાની તેની ફિલ્મના પ્રમોશન માટે ગઈ હતી, ત્યાં બિન બુલાયે મહેમાનની જેમ ટપકી, અચાનક જ દેવયાનીના ઘૂંટણિયે પડીને તેણે રિંગ ધરી હતી - વિલ યુ મૅરી મી?’
‘માય ગૉડ! દેવયાનીએ ત્યારે શું અનુભવ્યું હશે એ એક સ્ત્રી જ સમજી શકે! અફકોર્સ, આ બધું દેખાડ્યું એટલું અણધાર્યું ન હોય એ ન સમજી શકું એટલી પણ નાદાન નથી હું. પણ ગર્લફ્રેન્ડને કંઈક સ્પેશ્યલ ફીલ કરવાનો અંદાજ આપણને તો ગમ્યો!’
‘હવે જોઈએ, તમે કઈ રીતે પ્રપોઝ કરો છો! ફિલ્મસ્ટારની દીવાની માટે કશુંક ફિલ્મી સ્ટાઇલથી જ કરો એ કેવું રહેશે?’
અને શ્રાવણીના કલ્પનાતરંગ સળવળવા લાગ્યા.
lll
કમબખ્ત હિરેન.
મોડી રાતે ફોટોશૂટ માટે એચકે સ્ટુડિયોમાં દાખલ થતા અર્ણવે મનમાં જ ગાળનો શબ્દકોશ ખાલી કરી નાખ્યો.
મોઢે તો હિરેન સામે કંઈ બોલાય એમ જ ક્યાં હતું?
પંજાબનું ગામડું છોડીને પોતે ફિલ્મો તરફ મીટ માંડી ત્યારે હિરેનનું સામ્રાજ્ય બૉલીવુડમાં જામી ચૂકેલું. નિષ્ફળ ફિલ્મમેકર છતાં અતિ ધનાઢ્ય પિતાના દીકરા એવા હિરેને કારકિર્દીનાં શરૂઆતના વર્ષોમાં ડિરેક્ટર તરીકે બે-ત્રણ ઉત્કૃષ્ટ ફિલ્મો આપી, એ સફળતાને વટાવવાનું કે ટકાવવાનું હિરેનને કોઈએ શીખવવું ન પડ્યું. બલકે પ્રોડક્શનના કન્ટ્રોલ સાથે ધીરે-ધીરે કલાકાર-કસબીઓનાં તકદીર પર પણ તેણે જાણે કબજો જમાવી દીધો. તેના વર્ચસના ટેકણરૂપ હતી વિદેશની નિર્માણ સંસ્થાઓ! ફિલ્મમેકિંગને બિઝનેસનો દરજ્જો મળ્યા પછી જાણીતા મેકર્સ વિદેશી બૅનર્સ સાથે જોડાવાનુ પસંદ કરતા થયા એમા એચકે સાથે તો મોટી-મોટી કંપનીઓના કરાર હતા. ફૉરેન ઇન્વેસ્ટમેન્ટથી બજેટ વધ્યું, કલાકારોને મોંઘા ભાવ મળતા થયા અને એ લોભનો હિરેન જેવા લાભ કેમ ન ઉઠાવે! બૉલીવુડમાં બ્રેક આપનારા ઘણા હશે, પણ હિરેન હાથ પકડે તો તો સીધું સુપરસ્ટાર પદ તમારું! કંઈકેટલાને તેણે આભે ચડાવ્યા છે અને એમાંનું કોઈ ઉપકાર ભૂલે તો સીધા પાતાળમાં પણ નાખ્યા છે!  
સંઘર્ષકાળમાં આ બધું જોતો-જાણતો ગયો એમ અરુચિ જાગવાને બદલે આગળ વધવાની ક્લુ મળતી ગઈ એમ તેણે હિરેન પર ફોકસ રાખ્યું.
મા-પિતાના દેહાંત પછી સંસારમાં એકલા પડેલા હિરેન વિશે જાતજાતની વાતો થતી. ચાલીસીમાં પ્રવેશેલો એ સિંગલ હતો.
‘બટ નૉટ વર્જિન!’ આંખ મીંચકારીને તેણે આપેલું બયાન બીજા દહાડે મુંબઈના ગ્લોસી ટૅબ્લોઇડ્સની હેડલાઇન બનેલું. અલબત્ત, તેની પ્રાઇવેટ લાઇફ વિશે જાતજાતની ગૉસિપ થતી. એમા સર્વસામાન્ય તારણ એ હતું કે તેને સ્ત્રીઓ જેટલો જ રસ પુરુષોમાં પણ છે! આના પુરાવા ન હોય, પણ અર્ણવ માટે આટલુંય પૂરતું હતું. સ્ટારપદ મળતું હોય તો દરેક પ્રકારના સમાધાનની અર્ણવની તૈયારી હતી. પોર્ટફોલિયો આપવાના બહાને હિરેનની ઑફિસમાં પગપેસારો કરી અર્ણવે તેનો પર્સનલ વૉટ્સઍપ-નંબર જાણી લીધો. પછી રોજ સવારે તેને પોતાનો ફોટો મોકલતો. રોજ શરીર પરથી એક-એક વસ્ત્ર દૂર કરતો જતો. સાવ નગ્ન બનવાનું થાય એ પહેલાં જ આ કીમિયો ફળ્યો. હિરેનની ઑફિસમાંથી ઇન્ક્વાયરી આવી. અભિમન્યુના કોઠાની જેમ નામઠામથી માંડી ઑડિશન સુધીના પડાવ પાર પાડ્યા પછી જ હિરેનને રૂબરૂ થવાનું બન્યું, નૅચરલી.
ના, તોય તે તરત નહોતો ઊઘડ્યો. કૉન્ટ્રૅક્ટની ડીલ, સ્ટોરી-સેશનના બહાને બન્ને મળતા રહેલા એમાં અર્ણવ આડકતરી રીતે કહેતો પણ ‘સર, તમે મારા તારણહાર, હું તનમનથી તમારો ગુલામ રહેવાનો!’
તેનો ભાવ પરખાતો હોય એમ હિરેન મલકાતો. ‘૧૮૫૭’માં તેણે સાચે જ અર્ણવને ફાઇનલ કર્યો, ફિલ્મની જાહેરાત અર્ણવ માટે સ્વપ્ન સમી હતી. હિરેને ત્યારે પહેલી વાર કહેલું, ‘ગુલામ પાસેથી આની ટ્રીટ લેવામાં આવશે!’
ટ્રીટ વસૂલવાની હિરેનની રીત નિરાળી નીકળી. ફિલ્મ અનાઉન્સમેન્ટની રાતે કર્જતના ફાર્મહાઉસમાં તેણે એક્સક્લુઝિવ પાર્ટી રાખેલી. ‘૧૮૫૭’નો ડિરેક્ટર વિશાલ, જાણીતી હિરોઇન કૃતિકા સિવાય દશસેક જેટલી સેલિબ્રિટીઝ હતી, જેમાં નંબર વનની દાવેદાર મનાતી દેવયાની પણ ખરી. પડદા પર જેને જોઈને રસભરી હાય નીકળી જતી એ નાયિકાને ચરસીની જેમ કસ મારતી જોઈ ડઘાઈ જવાયું. ના, પાર્ટીમાં દારૂ-ડ્રગ્સની નવાઈ ન હોય, પણ ત્યાં...
હિરેને ‘અટેન્શન પ્લીઝ’ કહીને જાહેરાત કરી - ‘હવે આજનો હીરો આપણા મનોરંજન માટે સ્ટ્રિપ ડાન્સ કરશે!’
ચિચિયારી. સિસોટી. અર્ણવ પાણી પાણી.
‘દેયવાની, આને બેચાર કસ આપી દે. બિચારાને ઠરેલો જોવામાં મજા નહીં આવે!’
હિરેનના આદેશે લડખડાતી દેવયાની ઊભી થઈ, સ્ટેજ પર ઊભેલા અર્ણવને પોતાની ફૂંકેલી સિગાર ધરી, ‘લેલે, ઔર ડર મત. યે હમ સબને કિયા હૈ. ફિલ્મમેકિંગ હિરેનનું પૅશન છે, સો આપણી આવી ફિલ્મ ઉતારી તે આપણને જેમ ફાવે એમ નચાવે છે, નાવ યુ નો! બટ હેય, આપવામાં તે દિલદાર છે. સ્ટેટસ, પૈસો, ફૅન ફૉલોઇંગ - તને કશાની ખોટ નહીં વર્તાય. પ્લીઝ હીમ ઍન્ડ હેવ એવરીથિંગ!’
બસ, પછી તો શરમ નેવે મૂકીને અર્ણવે સ્ટેજ પર આગ લગાડી દીધી...
‘...ઍન્ડ ધેન ધેર વૉઝ નો લુકિંગ બૅક! ‘૧૮૫૭’ બ્લૉકબસ્ટર રહી. હિરેનના માર્ગદર્શન મુજબ મેં મારી લાઇવ, ટ્રાન્સપરન્ટ, એનર્જેટિક ઇમેજ ઘડી, ઘણી વાર કારણ વગરની ઊછળકૂદનો કંટાળો આવે, પર ક્યા કરે, ઇમેજ જાળવવી તો પડે જ!’
‘સાચે જ, ક્યારેક થાય, આપણે આપણી જિંદગી જીવ્યે છીએ ખરા?’ દેવયાની કહેતી.
મૂળ નાગપુરની દેવયાની ફિલ્મોમાં આવે એ ફૅમિલીને પસંદ નહોતું. સફળ થયા પછી તેમણે દીકરીને સ્વીકારી, પણ દેવયાની જૂનો જખમ વીસરી નહોતી. હવે ઠોકર મારવાનો વારો તેનો હતો. અર્ણવ સાથે કર્જતવાળી રાતથી અતરંગ થવાનો સંબંધ બંધાઈ ગયેલો. અર્ણવ પોતે મા-બાપ વિનાનો એટલે સમદુખિયાપણાએ બન્ને હૈયાં હળી ચૂકેલાં. એકમેકનાં સ્ખલન છૂપાં નહોતાં, અંગત જખમ અને સફળતા વચ્ચેય એકલતાના દર્દે દેવયાનીને ડ્રગ્સના રવાડે ચડાવી હોવાની અર્ણવને સમજ હતી. ડ્રગ્સ તો તે પોતે પણ ક્યાં નથી લેતો? 
ખેર, તેમની વધતી ક્લોઝનેસ મીડિયાથી છૂપી ન રહી.
‘લેટ્સ એન્કૅશ ઇટ.’
 દેવયાની હિરેનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં લીડ રોલ ભજવી રહી હતી, તેણે જ સૂચવ્યું : ‘ફિલ્મના પ્રમોશનમાં અર્ણવ મૅરેજનો પ્રસ્તાવ મૂકે એવું ગોઠવીએ તો? ફિલ્મ રિલીઝ પછી પરણો-ન પરણો તમારી મરજી!’
‘હિરેને ભલે પબ્લિસિટી માટે કહ્યું, વી ઍક્ચ્યુઅલી મૅરિડ. બેશક, એ માટે અમારો હૈયામેળ જ કારણભૂત બન્યો અને છતાં આ ટિપિકલ મિયાંબીવી જેવું બંધન તો નથી જ. એકમેકની કંપનીમાં અમે ખુશ જ છીએ, ઍન્ડ યટ વી આર ઇન્ડિપેન્ડન્ટ. અમારા બેડરૂમ પણ જુદા છે, એની જોકે પબ્લિકને શું કામ જાણ કરવી?’
એકંદરે આવી લાઇફ જતી હતી એમાં ગયા અઠવાડિયે હિરેને પહેલી વાર ન્યુડ શૂટનો પ્રસ્તાવ મૂકતાં ભડકી જવાયેલું - ‘હું કંઈ સ્ટ્રિપર કે સ્ટ્રગલર નથી કે લોકોનું ધ્યાન ખેંચવા મારા નગ્ન ફોટો ફરતા કરું!’
 ‘યુ આર નૉટ ઍટ લક્ઝરી ટુ ચુઝ.’ હિરેનનો દમામ ઝળકેલો, ‘તારી પાછલી બે ફિલ્મ ઍવરેજ રહી હતી, આપણા જ નવા પ્રોજેક્ટ માટે ફન્ડિંગ કરતી ફૉરેન કંપની તારા નામને કારણે ખચકાય છે. ઇફ યુ વૉન્ટ ટુ બી ઇન, એનો એક જ રસ્તો છે - કશુંક સનસનીખેજ કરીને તારા હરીફો પર છવાઈ જા.’
- ‘અને એ સનસનીખેજ આઇટમ એટલે ન્યુડ ફોટોશૂટ!’
‘તું કેવળ અચ્છું શૂટ કરાવ. રેસ્ટ લીવ ટુ મી. તેને માર્કેટમાં એવી રીતે મૂકીશું કે લોકો અવાક્ બની જાય. તમારી ઍનિવર્સરી આવે છેને. તેં ખાસ દેવયાની માટે આ કર્યું, એ જાહેરાત કેવી રહે? પબ્લિશિંગ હાઉસ અમેરિકાનું છે, સો હૉલીવુડની નજર પણ પડે, હૂ નોઝ!’
‘હિરેન ફાયદા ન ગણાવે તો પણ તેની યોજનામાં હામી ભર્યા વિના છૂટકો છે?’
‘એમાં જ શાણપણ છે.’ ન્યુડ શૂટ વિશે પહેલી વાર જાણી દેવયાનીએ કહેલું, ‘આપણો આત્મા તો બધાની હાજરીમાં કપડાં ઉતારેલાં ત્યારનો સરકી ગયેલો, એના આધારે ન કહીશ. સિવાય કે તને સુસાઇડ ગમતું હોય!’
‘નો, નો જે નેમ-ફેમ છે એ છોડવી તો કોને ગમે!’
- અત્યારે પણ મન મનાવીને અર્ણવ સિંહા શૂટ માટે કપડાં ઉતારવા માંડ્યો.
lll
- અને બરાબર અર્ણવ-દેવયાનીની પ્રથમ મૅરેજ ઍનિવર્સરીના દિવસે મીડિયામાં સ્ટોરી ગાજી : ‘લગ્નતિથિ નિમિત્તે અર્ણવની દેવયાનીને ભેટ : ન્યુડ ફોટોઝ!’
જોતજોતામાં ખબર વાઇરલ થઈ ગયા, ફૉરેનના મૅગેઝિનમાં પબ્લિશ થયેલી તસવીરો સરેઆમ ફરવા લાગી.
અનિરુદ્ધે જાણ્યું ત્યારે ચીડ ઊપજી : ‘પત્નીને ઍનિવર્સરી નિમિત્તે અપાતી ગિફ્ટ પર્સનલ ગણાય, એનો આમ ગામઢંઢેરો શું કરવો! જે તમારા શરીરના કણકણથી વાકેફ હોય તેને માટે જાહેરમાં ન્યુડ થવાનું પ્રયોજન શું?’
જ્યારે અર્ણવમાં કોઈ જ ખોટ જોવા ન ટેવાયેલી શ્રાવણીના ચિત્તમાં જુદો જ પડઘો ઊઠ્યો : ‘હાઉ રોમૅન્ટિક! પત્નીને આવી એક્ઝૉટિક ગિફ્ટ આપવાનો આઇડિયા તેને અનહદ ચાહતા પતિને જ આવે! અર્ણવે ન્યુડિટીનું નહીં, દેવયાની માટે પોતાના પ્યારનું પ્રદર્શન કર્યું છે!’
‘પ્યાર...’
અને તેના ચિત્તમાં અનિરુદ્ધ ઝબક્યો.
‘ધારો કે... અનિરુદ્ધ મારી સમક્ષ પ્રેમનો એકરાર કરે - અને કરશે જ - ત્યારે હું શરત મૂકું કે તમે પણ અર્ણવ સિંહાની જેમ ન્યુડ ફોટોશૂટ કરાવી મને જીતી શકો, તો!
શ્રાવણીને થ્રિલ થઈ : ‘અનિરુદ્ધ સ્પેશ્યલ ઢબે પ્રપોઝ કરે એવું હું ઇચ્છતી હતી જ, આનાથી વિશેષ પ્રેમનો આવિર્ભાવ શું હોય? તમારે જો મારી ‘હા’ જોઈતી હોય તો ન્યુડ ફોટોશૂટ કરાવવું રહ્યું. બોલો, શરત છે મંજૂર?’
lll
‘વૉટ!’ અનિરુદ્ધ પળવાર તો માની ન શક્યો : ‘શ્રાવણી મને ન્યુડ ફોટોશૂટ કરવાનું કહે છે? લગ્ન પહેલાં તેણે મને નગ્ન જોવો છે? પ્રણયના પ્રસ્તાવ સામે આ કેવી શરત!’ 

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff