સબક (પ્રકરણ - ૧)

08 August, 2022 12:39 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘રમત-રમતમાં કેવી ઊંડાણભરી વાત કરી દીધી આણે! છોકરી જિંદાદિલ છે, ઉછાંછળી નથી. રૂપ જેટલું જ ડહાપણ પણ તેનામાં છે’

સબક

‘અભિનંદન!’
લાડની વાડીનો મુખ્ય હૉલ બિરદામણીના શબ્દભાવથી છલકાઈ ઊઠ્યો.
‘દીકરો પીએચડી થયાનાં ખૂબ-ખૂબ વધામણાં સત્યેનભાઈ-વસુધાબહેન! શિક્ષક તરીકે તમે બન્નેએ શિક્ષાના મૂલ્યને સદૈવ પ્રાધાન્ય આપ્યું અને મોરનાં ઈંડાને કંઈ ચીતરવાં પડે! તમારા એકના એક દીકરા અનિરુદ્ધે વરલીની કૉલેજમાં નોકરી કરતાં-કરતાં માંડ ૨૬ની ઉંમરે તેણે રસાયણ વિજ્ઞાનમાં ડૉક્ટરેટ કર્યું એટલે પ્રાધ્યાપક તરીકે બઢતી પણ મળી ગઈ!’
પીએચડીની ડિગ્રી અને નોકરીમાં બઢતી - દીકરાના બેવડા અચીવમેન્ટને બિરદાવવા મા-પિતાએ શનિની સાંજે ઘર નજીકની ન્યાતની વાડીમાં સગાંસ્નેહીઓનો મેળાવડો રાખ્યો હતો. હંમેશાં શિક્ષણના પ્રચાર-પ્રસારમાં અગ્રેસર રહેનાર શિક્ષક-બેલડી માટે પુત્રની સિદ્ધિ જીવન સાફલ્ય સમી હતી. દીકરો આમેય સાચા અર્થમાં કુળદીપક જેવો હતો. સંસ્કારથી ઓપતો, બુદ્ધિચાતુર્યથી શોભતો અને દેખાવડો તો એવો કે કામદેવ પણ તેની આગળ ઝાંખા લાગે! તેની સિદ્ધિને પોંખવાનો ઉત્સાહ કેમ ન હોય! 
‘પણ ફંક્શનનો આ એકમાત્ર ઉદ્દેશ નથી...’
વધામણાં દઈ મહેમાનો ખાણીપીણીમાં વ્યસ્ત બનવા માંડ્યા એ ફુરસદની ક્ષણોમાં પત્ની-પુત્ર ભેગાં ખુરસી પર ગોઠવાતાં સત્યેનભાઈએ મૂછમાં મલકતાં કહ્યું, ‘ફંક્શનમાં મુંબઈની આખી ન્યાતને તેડી છે, એમાંથી કોઈ કન્યા તને ગમી હોય તો ઇશારો કરી દેજે... મૅચમેકિંગ આમ જ થતું હોય છે!’
અનિરુદ્ધ સહેજ શરમાયો. હોઠ સુધી આવી ગયું કે...
‘હાર્ટી કૉન્ગ્રેચ્યુલેશન્સ!’
મીઠાશભર્યો એ જાણીતો રણકો સંભળાતાં જ અનિરુદ્ધ મહોરી ઊઠ્યો. નાજુક હાથ લંબાવી પોતાને અભિનંદન આપતી શ્રાવણીને અપલક નેત્રે નિહાળી રહ્યો.
‘માય ગૉડ, યુ ડાન્સ લવલી!’
બે વર્ષ અગાઉની નવરાત્રિની રાત. અનિરુદ્ધ ત્યારે અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કૉલેજમાં નવો-નવો કાયમી થયેલો, સમાંતરે પીએચડી-વર્ક ચાલુ હતું. મા ત્યારનું દીકરાને લગ્નનું કહેતી, પણ અનિરુદ્ધ થીસિસના બહાને ટાળી જતો.
એનો અર્થ એ નહીં કે તેને વયસહજ અરમાન નહોતાં! ઘટમાં ઘોડા થનગને એવી એ અવસ્થામાં તે પુરબહાર ખીલતો નવલી નવરાત્રિમાં! બેશક, નવરાત્રિ તેને માટે આસ્થાનું પર્વ તો ખરું જ, એમ નાનપણથી દાદી-નાની સાથે વતનના ગામના શેરી ગરબે ઘૂમતો અનિરુદ્ધ પછી તો દોઢિયા ને એવા કંઈ-કંઈ પ્રકારની આધુનિક શૈલીમાં પારંગત બની મેદાન ગજવતો અને રાસ રમતાં હૈયું હિલોળે ચડે, મોહક લાગતી માનુનીઓ સાથે હીંચ લેતા મનનો મોરલો ટહુકી ઊઠે. 
‘આ બધામાં તે નોખી નીકળી... શ્રાવણી!’ 
મહાલક્ષ્મીના ગ્રાઉન્ડ પર આયોજિત નવરાત્રિની મેગા ઇવેન્ટમાં બે રાત્રિ અનિરુદ્ધને નાચતો જોયા પછી, તેની સાથે રાસ રમ્યા પછી તેનાથી ન રહેવાયું, ‘તમે ખૂબ સરસ નાચો છો’ એવી તેની તારીફે અનિરુદ્ધના હૈયે મીઠું કંપન પ્રસરાવી દીધું. ના, નાચની તારીફ તો પોતે અગાઉ ઘણી વાર સાંભળી ચૂકેલો, પણ આ છોકરીના તો અવાજમાં પણ મીઠાશ છે! ૨૨-૨૩ની યુવતી આભલાવાળાં ગામઠી ચણિયાચોળીમાં કેવી કામણગારી દેખાય છે. એકાદ સખીએ તેને શ્રાવણી કહીને સંબોધી એ નામ પણ કેવું મીઠડું લાગ્યું! રાઉન્ડમાં ફરી તેની સાથે દાંડિયા ક્યારે ટકરાય એની ઉત્સુકતા રહેવા લાગી. 
તેને જોઈને મલકી પડાતું, તે પણ મીઠું મુસ્કુરાતી. બે રાઉન્ડના વિરામ દરમ્યાન ખુરસી ગોતી તે ગોઠવાયો, ને પેલી પણ અજાણતાં જ તેની બાજુની ખુરસી પર આવીને બેઠી. 
‘ડાન્સ તો તમે પણ સારો કરો છો.’ હવે ટહુકવાનો વારો અનિરુદ્ધનો હતો.
યુવતી તેની તરફ ફરી, જોતાં જ મલકી, ‘ઓહ, તમે છો!’ ઓઢણીના છેડાથી કપાળનો પ્રસ્વેદ લૂછતાં તેણે પૂછ્યું, ‘તમે ડાન્સ-ક્લાસ ચલાવો છો? તમારી લય એકદમ પર્ફેક્ટ હતી, એટલે પૂછું છું.’
જોકે અનિરુદ્ધ રસાયણશાસ્ત્ર ભણાવે છે જાણીને શ્રાવણી અચંબિત થઈ હતી. 
‘હું તો ભણવાથી દૂર ભાગનારી. અફકોર્સ મેં ઇંગ્લિશમાં ડિસ્ટિંક્શન સાથે બીએ કર્યું છે, પણ ચોપડાનું ભણતર મને ક્યારેય ગમ્યું નથી. કૉલેજમાં ધિંગામસ્તી જ વધુ કરી છે. તમે જ કહો, પંખી કદી પીંજરામાં સારું લાગે! બોલો તો?’
‘રમત-રમતમાં કેવી ઊંડાણભરી વાત કરી દીધી આણે! છોકરી જિંદાદિલ છે, ઉછાંછળી નથી. રૂપ જેટલું જ ડહાપણ પણ તેનામાં છે.’
‘શાળા-કૉલેજ પિંજર નથી, પંખીને આકાશ આપનારાં સંકુલ છે. કેવળ પાંખ હોવાથી ઉડાતું નથી, એ તો માનીશને?’ અનિરુદ્ધથી સહજભાવે તું’કારો થઈ ગયો.
પળભર તે અનિને નિહાળી રહી. પછી મલકી.
‘તમે ખૂબ સારા શિક્ષક પણ હશો એ પરખાઈ ગયું.’ વધુ વાર ગંભીર રહી ન શકાતું હોય એમ તેના સ્મિતમાં શરારત ભળી, ‘પણ જોજો હોં, મારી જેમ ક્લાસ બંક કરનારને વઢશો નહીં. નહીંતર તમારું નિકનેમ પડી જશે - અનિરુદ્ધ અકડુ કે પછી કેમિસ્ટ્રીનો કકડો.’
અનિરુદ્ધ હસી પડ્યો – ખડખડાટ, ‘માની ગયો, પ્રોફેસર્સનાં નામ બગાડવામાં તારી માસ્ટરી રહી હશે!’
તેને નિહાળતી શ્રાવણી જુદું જ બોલી, રાધર, અનાયાસ બોલાઈ ગયું, ‘તમે તો હસો છો ત્યારે પણ ખૂબ સુંદર દેખાઓ છો.’
‘હેં.’ અનિરુદ્ધ સ્થિર. શ્રાવણીની ઝૂકતી નજરને તેની નજરોએ જકડી લીધી. તારામૈત્રક ઝણઝણાટી બનીને બન્નેના રોમેરોમમાં ફરી વળ્યું.
ત્યાં શ્રાવણીએ પૂછ્યું, ‘તમને શું લાગે છે, એએસ અહીં આવે ખરા?’ 
‘એએસ? એ વળી કોણ?’
કોઈકે જોરદાર ચીંટિયો ભર્યો હોય એમ તે ઊભી થઈ, ‘તમે એએસને નથી જાણતા? આઇ મીન, રિયલી તમે બૉલીવુડના સુપરસ્ટાર અર્ણવ સિંહાને નથી જાણતા?’
‘ઓહ, એ અર્ણવ!’ અનિરુદ્ધની તાલાવેલી શમી ગઈ. મુંબઈની નવરાત્રિ ખાસ તો પાછલા બે અઢી દાયકાથી ધંધાકીય બની ગઈ છે. ટીવી-ફિલ્મ સેલિબ્રિટીઝ માટે આવી ઇવેન્ટ્સ નોટ છાપતા મશીન જેવી થઈ ગઈ છે. જાણીતા ચહેરા અહીં પણ રોજરોજ હાજરી પુરાવે છે. અનિરુદ્ધને તેમનો એટલો ચાવ નહીં, પણ શ્રાવણી પાકા ફૅનની જેમ બોલી, ‘એટલું તો અનુભવાયું.’ 
lll
અફકોર્સ, યંગ બ્રીડનો હાર્ટ થ્રોબ ગણાતા અર્ણવથી પોતે અજાણ્યો તો કેમ હોય?
ચારેક વર્ષ અગાઉ પંજાબથી બૉલીવુડમાં નસીબ ચમકાવવા મુંબઈ આવેલા જુવાનને ત્રણેક વર્ષની સ્ટ્રગલ બાદ, પચીસની ઉંમરે મેજર બ્રેક સાંપડે છે. ચાલીસીમાં પ્રવેશેલા બૉલીવુડના પ્રતિષ્ઠિત નિર્માતા-નિર્દેશક હિરેન કાજુવાલાના એચકે બૅનરની મહત્ત્વાકાંક્ષી પેશકશમાં લીડ રોલ મેળવી તેણે મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. ૧૮૫૭ના વિપ્લવનું કથાનક ધરાવતી પિરિયડ ફિલ્મના શૂટિંગમાં તેણે જાત નિચોવી દીધી એમ કહીએ તો ખોટું નહીં અને એનું પરિણામ સ્ક્રીન પર સાફ દેખાયું. ક્રાન્તિકારી આઝાદ સિંહ તરીકે અર્ણવ એવો જામ્યો કે ફિલ્મ તો બમ્પર હિટ રહી જ, તે પોતે પણ સુપરસ્ટાર તરીકે એસ્ટૅબ્લિશ્ડ થઈ ગયો. બૉલીવુડમાં આઉટસાઇડર્સને તક નથી મળતી એ સત્ય ગણો કે મીથમાં તેણે સુખદ અપવાદ સરજ્યો. તેની બીજી, ત્રીજી રિલીઝ પણ સુપરહિટ નીવડ્યા પછી તો તે નંબર વનનો દાવેદાર ગણાવા લાગ્યો. એન્ડોર્સમેન્ટમાં તે સૌથી વધુ મહેનતાણું લેનારો ઍક્ટર બન્યો. ફની, આઉટસ્પોકન, રિમાર્કેબલ ડ્રેસિંગ - અર્ણવ સિંહાના ટ્રેડમાર્ક બની ગયા. બાંદરાના વૈભવી વિસ્તારમાં આલીશાન બંગલો ખરીદનારો અર્ણવ સિંહા સોશ્યલ મીડિયામાં ભારે ઍક્ટિવ છે. 
એમ તો તેનું નામ બૉલીવુડની પ્રથમ પંક્તિની હિરોઇન ગણાતી દેવયાની જાવડેકર સાથે પણ ચર્ચાય જ છેને! દેવયાની અર્ણવથી બૉલીવુડમાં બે વર્ષ સિનિયર, પણ ઉંમરમાં વર્ષ નાની. તે પણ બૉલીવુડમાં આઉટસાઇડર તરીકે પ્રવેશેલી. તેને તક આપનાર પણ હિરેન કાજુવાલાનું જ બૅનર! અર્ણવની પ્રથમ રિલીઝ અગાઉની તેની ત્રીજી ફિલ્મ ‘જીવનધારા’ ખૂબ ચાલી, દેવયાની માટે પછી પાછું વળીને જોવાનું ન રહ્યું. સાઉથની ભર્યા બદનવાળી નાયિકાઓની સરખામણીએ સાગના સોટા જેવી જણાતી દેવયાનીનો ક્રેઝ જુવાનિયાઓમાં જેવોતેવો નહોતો. બે-ત્રણ બ્રેકઅપ બાદ તેનું નામ હવે અર્ણવ સિંહા સાથે જોડાયું છે અને બન્ને તેમની રિલેશનશિપ બાબતે સિરિયસ છે, એવું ઍટ લીસ્ટ મીડિયામાં તો જતાવતાં રહે છે.
- ‘શ્રાવણી ધેટ અર્ણવ સિંહાને રેફર કરી રહી છે, અહીંની ઇવેન્ટમાં અર્ણવ સિંહા પધારે એવી મનસા સેવી રહી છે! રિયલી ક્રેઝી ફૅન!’
‘યસ, આયૅમ ક્રેઝી અબાઉટ હિમ. તે સુંદર છે માટે નહીં, તે સફળ છે માટે નહીં... યુ નો વાય, હી ઇઝ સો જેન્યુઇન, સો ઇનોસન્ટ, સો ટ્રાન્સપરન્ટ.’
આવું સાચે જ હોય તો તો રૂડું જ, પણ સેલિબ્રિટી પોતાની ઇમેજ બિલ્ડઅપ કરતા હોય છે અને એને જમાવવા-ટકાવવા પાછળ એક આખી ટીમ કામ કરતી હોય છે એવું શ્રાવણી જેવા ફૅન્સને સમજાવવું મુશ્કેલ.
‘અફકોર્સ, એએસને હું રૂબરૂ પણ મળી છું ફિલ્મ-શૂટમાં, અવૉર્ડ ફંક્શનમાં. મારી રૂમની એક દીવાલ પર કેવળ અર્ણવની તસવીરો છે.’
અનિરુદ્ધ માટે અર્ણવ જુદી રીતે ઉપયોગી નીવડ્યો. બીજી રાતે ગરબામાં શ્રાવણીને ‘એએસના શું ખબર છે?’ પૂછતાં તે હરખઘેલી થઈ વાતો માંડે. ગરબા બાજુએ રહી જાય અને બન્ને મેદાનમાં ખૂણે ગોઠવાઈ ગપાટતાં રહે. ક્યારેક બહાર લારી પર વડાપાઉં ખાવા નીકળી જાય.
‘ભારે લુચ્ચા. અર્ણવના નામે મને ફેરવો છો!’ શ્રાવણીના ધ્યાનમાં પછી આવતું ખરું. પછી સહેજ ગંભીર થતી, ‘તમે શિક્ષક દંપતીના દીકરા છો જાણીને હું નિશ્ચિંતપણે ભળું છું, હોં. ન મારા માટે જેવું તેવું ધારતા, ન તમારા મનમાં પાપ આણતા.’
અનિરુદ્ધ આંખોથી સંમતિ પુરાવતો, આવી પળોમાં શ્રાવણી વધુ ગમતી. પેડર રોડ રહેતી શ્રાવણી વેપારી પિતા-ગૃહિણી માતાની એકની એક દીકરી છે. સ્વાભાવિકપણે તેમની લાડલી છે, પણ એથી છકી જવાનું શ્રાવણીના સ્વભાવમાં નથી, અમીરીનો આડંબર તો સહેજેય નથી. આગળ ભણવું નથી, પિતાનું મન રાખવા નરીમાન પૉઇન્ટની તેમની કૉર્પોરેટ ઑફિસે હમણાંનું જવાનું શરૂ કર્યું છે. બિઝનેસ તેને ગમવા લાગ્યો છે, પણ હા, અર્ણવ સિંહા કે તેની ફિલ્મોથી વધુ નહીં! ક્યારેક થતું, આવી વહુ મમ્મી-પપ્પાને પસંદ પડે ખરી? જવાબ આવી પળોમાં સાંપડતો - છોકરીમાં સૂઝ તો છે!
‘તકલીફ એક જ છે શ્રાવણી. નોરતાં કાલે પૂરાં. પછીથી મને એએસના ખબર કોણ આપશે?’
એનો ઇરાદો સમજાતો હોય એમ શ્રાવણી મલકેલી, ‘જાઓ, જાઓ. તમને કંઈ તે ખાસ પસંદ નથી... બધું સમજાય છે મને. પણ ઠીક છે, એએસ વિશે જાણતા રહેવું હોય તો ચોપાટીની કાપડિયા ક્લબમાં આવતા હો તો!’ 
વિશાળ સંકુલ, તરણકુંડ સહિતની સગવડ ધરાવતી કાપડિયા ક્લબ મુંબઈની મોંઘી ક્લબોમાંની એક છે. તેની મેમ્બરશિપ માટે સેલિબ્રિટીઝ વલખતી હોય છે. શ્રાવણીના પિતા વિશ્વનાથભાઈ ક્લબના મેમ્બર હતા જ, જ્યારે ક્લબના સ્થાપક નવીનભાઈએ તેમના દીકરાઓને ભણાવનાર શિક્ષક દંપતી સત્યેનભાઈ-વસુધાબહેનને સામેથી મેમ્બરશિપ ગિફ્ટ કરી હતી. ક્લબમાં બૉલીવુડ-ટેલીવુડની ઇવેન્ટ્સ થતી એમાં ક્વચિત મેમ્બર્સને આમંત્રણ પણ રહેતું. અત્યાર સુધી ક્લબના પ્રોગ્રામ્સ માટે ખાસ ઉત્સાહી નહીં એવો અનિ દરરોજ ક્લબ જતો થયો અને ત્યાંના જિમ ક્લાસમાં શ્રાવણી સાથે મુલાકાતનો દોર સંધાઈ ગયો.
આમાં ગયા વર્ષે, ‘અર્ણવ-દેવયાની ફલાણી તારીખે પરણી રહ્યાં છે’ના 
ખબર આવતાં અનિએ શ્રાવણીને ચીડવેલી, ‘જો, તારો એએસ તો પરણી જવાનો!’
‘હાય, તમે એએસને મારો કહ્યો એમાં જ હું તો મરી ગઈ. ખલ્લાસ!’
એનો અંદાજ અનિરુદ્ધને ખડખડાટ હસાવી જતો.
‘હસો નહીં, એએસ દેવયાનીને પરણે એ માટે તો મેં સિદ્ધિવિનાયકની બાધા રાખેલી. બન્નેની જોડી કેવી જામે છે!’ પછી ઠપકાભેર કહેલું, ‘તમને શું લાગ્યું, હું અર્ણવને પરણવાનાં સમણાં જોતી’તી?’
‘તું કોની સાથે પરણવાનાં સપનાં જુએ છે એ તો તું કહે તો જ ખબર પડેને.’
- આ વાક્ય અત્યારે બન્નેને સાથે સાંભરી આવ્યું હોય એમ અનિરુદ્ધ-શ્રાવણીની સુખની લાલી વધી ગઈ.
lll
- ત્યારે, ગોરેગામમાં પ્રોડ્યુસર-ડિરેક્ટર હિરેન કાજુવાળાના એચકે ફિલ્મ સ્ટુડિયોમાં આવેલી પોતાની ઑફિસમાં હિરેન સામે બેઠેલા અર્ણવ સિંહાને કહી રહ્યો છે, ‘નેકસ્ટ વીક તમારી પહેલી મૅરેજ ઍનિવર્સરી... તને નથી લગતું કે તારે દેવયાનીને કશુંક સ્પેશ્યલ ગિફ્ટ કરવું જોઈએ?’
અર્ણવે હોઠ કરડ્યો. ગિફ્ટનું તો બહાનું, ખરેખર તો... તેણે નિઃશ્વાસ દબાવી રાખ્યો. 
‘યુ હેવ ટુ ડુ ઇટ, હની. નો ચૉઇસ!’
અર્ણવે બાજુમાં બેઠેલી પત્ની તરફ જોયું. દેવયાનીની આંખો ડ્રગ્સના નશામાં તર હતી. તેણે પતિનો ખભો થપથપાવ્યો, ‘ડુ ઇટ ના, બેબી!’
ઊંડો શ્વાસ લઈ અર્ણવે ફેંસલો સુણાવ્યો, ‘ઠીક છે, આજે જ તારા ફેવરિટ ફોટોગ્રાફર્સને તેડાવી દે, હિરેન... આયૅમ રેડી ફૉર ન્યુડ ફોટોશૂટ!’
પોતાનું ન્યુડ ફોટોશૂટ કેવો રંગ દેખાડશે એની અર્ણવને ત્યારે ક્યાં ખબર હતી?

(વધુ આવતી કાલે)

columnists Sameet Purvesh Shroff