કથા-સપ્તાહ : રિશ્તે-નાતે (સંબંધોની દુનિયા 4)

21 February, 2019 02:08 PM IST  | 

કથા-સપ્તાહ : રિશ્તે-નાતે (સંબંધોની દુનિયા 4)

પ્રતીકાત્મક તસવીર

સંબંધોની દુનિયા

‘અમદાવાદમાં બધા કેમ છે?’

રવિની બપોરે પાછી થયેલી પત્નીને આવકારતાં અતીતે પૂછ્યું. તેના માટે ચા પણ મૂકી.

‘બધા મજામાં છે...’ ટૂંકમાં જવાબ વાળતી રોમાએ લમણાં દબાવ્યાં. વૉલ્વો બસની જર્નીમાં જીપની બ્રેક ફેઇલ કરવાના વિડિયો વારંવાર જોઈને સાચે જ આંખો દુ:ખવા લાગી છે.

‘તું નીકળી આવી પછી મને સ્ફૂર્યું કે તું ત્યાં જ રોકાય ને હું અમદાવાદથી તને લઈને જૂનાગઢ પહોંચું. શિવરાત્રિની ખરી મજા જ ત્યાં.’

‘હોતું હોય!’ રોમા જરા ભડકી ગઈ. અમે મહાશિવરાત્રિનું મુરત બેસાડ્યું ને તું ત્યારે જ ગામ જવાનું વિચારે એ કેમ ચાલે?

‘તહેવાર તો આપણા ઘરે જ મનાવવાનો.’

તેની પ્રતિક્રિયા અતીતને સમજાઈ નહીં. હજી સંક્રાન્તિ યા વૅલેન્ટાઇન્સ ડે પર તું અહીં નહોતી એવું ન કહેવાયું. એકાએક તેને અહીં જ તહેવાર મનાવવાની ઘૂમરી કેમ ચડી! ગામ જવાની વાતે તે ભડકી કેમ ગઈ?

‘ચિલ રોમા. મેં તો કેવળ મારો વિચાર શૅર કર્યો‍. મમ્મી-પપ્પાને ઘણા વખતથી નથી મળ્યા. એ બહાને તેમની સાથે પણ બે દહાડા રોકાવાત, પણ આવતા વીકમાં ઇન્સ્પેક્શનને કારણે શિવરાત્રિ સાથે રજા ક્લબ થાય એમ નથી એટલે પછી તને અમદાવાદ રોકાવાનો અર્થ નહોતો.’

‘ઓહ!’ રોમાએ ધરપત અનુભવી. સ્મિત ઊપજાવ્યું. ‘મને તો તાનિયાના પ્રોગ્રામની પણ ઇન્તેજારી છે. તે શ્યૉર વલસાડ આવે જ છેને?’

‘તને પણ તાનિયાના કામમાં રસ પડ્યોને! યા, શી ઇઝ કમિંગ ટુમોરો.’

હા...શ!

***

અને મહાશિવરાત્રિની સવાર ઊગી.

‘ઑલ વેલ?’ વહેલી સવારે ફોન રણકાવીને અનુરાગે પૂછ્યું. તેને ખબર હતી કે છેલ્લી ઘડીએ રોમાની હામ ફસકી ન જાય, તે નર્વસ થઈને બાજી ન બગાડે એ માટે પોતે આજે તો તેને વારંવાર ટટોળતા રહેવું પડશે...

‘જી, અતીત હજી સૂતા છે. આમ તો આજે જાહેર રજા છે, પણ એ સવાર-સાંજના રાઉન્ડ પર તો જવાના જ. સાંજે તેમના આવ્યા બાદ મારે બ્રેકનું કામ પતાવવાનું છે...’ રોમા ગોખતી રહી.

‘આઇ નો યુ કૅન ડૂ ઇટ.’

અનુરાગના શબ્દો દ્વારા રોમાએ શ્વાસોમાં આત્મવિશ્વાસ ભર્યો.

***

જંગલનો ચકરાવો લઈને અતીત ઘરે પાછો ફર્યો ત્યારે સાંજના સાડાછ થઈ ગયા હતા. આભનો અજવાશ લુપ્ત થવાના આરે હતો.

‘તમે ફ્રેશ થઈને આવો, હું ગરમાગરમ પકોડા ઉતારી દઉં.’

ચાય-પકોડા! મારું ફેવરિટ કૉમ્બિનેશન! સીટી બજાવતો અતીત બાથરૂમમાં દાખલ થયો...

...અને ટૂલ-બૉક્સ લઈને રોમા ઘરની બહાર નીકળી. આસપાસની નિર્જનતા ચકાસીને જીપ નીચે સરકી...

***

‘યા-યા, ઇટ્સ ડન. જીપની બ્રેક ફેઇલ થઈ ચૂકી છે.’ જમી-પરવારીને અતીત વરંડામાં આંટા મારતો હતો. એ સમયે અનુરાગને ફોન જોડીને રોમાએ લેટેસ્ટ અપડેટ આપ્યું, ‘હવે નેક્સ્ટ સ્ટેપ મધરાતના સુમારે.’

‘હું જાગું જ છું રોમા. અતીત નીકળે કે તરત મને રિંગ કરજે.’

‘જી.’

***

‘હાઉ લકી આઇ ઍમ!’

અનંત જણાતી કામક્રીડાની અનન્ય પરાકાષ્ઠાના સુખાંત પછી અતીત પોતાના નસીબને વખાણતો પત્નીનાં ઉન્નત ઉરજોને ચંપાઈને સુખનિદ્રામાં પોઢી ગયો.

તેની ગહેરી ઊંઘની ખાતરી કરીને રોમાએ હળવેથી તેને દૂર સરકાવ્યો, તેનું ઓઢવાનું સરખું કર્યું. પોતે ગાઉન પહેરીને ફટાફટ તૈયાર થઈ. આખું બદન તૂટતું હતું, થાકેલું મન સુસ્તી ઝંખતું હતું; પણ યોજનાના છેલ્લા મુકામે સૂઈ જવું પરવડે નહીં. વૉશરૂમમાં ગરમ પાણીથી મોં ધોઈને તેણે તાજગી મેળવી.

બેડરૂમમાંથી નીકળતાં પહેલાં એક નજર બહાર સૂતા અતીત પર ફેંકી.

તમે મને પત્નીરૂપે પામવા બદલ ખુદને ભાગ્યશાળી માનો છો અતીત, પણ એ કેવળ ભ્રમ છે. તમારી કહેવાતી લકી જિંદગીનો કલાકેકમાં તો અંત આવી જવાનો. એ ઘડીએ મારું કાવતરું સમજાય તો મને ક્ષમા કરજો!

***

‘તાનિયા જોડે આજે વાત થઈ? તે તો વલસાડ પહોંચી જ હશેને.’ અનુરાગે કર્ન્સન જતાવી.

‘મે બી. આજે તેનો ફોન નથી આવ્યો. તે પહોંચી હોય કે ન હોય, આપણને શું ફેર પડે છે?’

રોમાની પૃચ્છામાં વજૂદ હતું. અતીત માટે ટિલ ધ મોમેન્ટ એવું જ છે કે તાનિયા વલસાડ સ્મશાનમાં જવાની છે. અતીત તેના નામે નીકળે પછી મારે મારા બયાનમાં તાનિયાનું નામ નથી લેવાનું : અતીત કંઈક કહીને રઘવાટભર્યા નીકળ્યા ખરા, પણ હું બહુ ઊંઘમાં હતી એટલે એક્ઝૅક્ટ્લી શું બન્યું એની જાણ નથી...

અલબત્ત, તાનિયા મુસીબતમાં હોવાનું જાણીને અતીત તેના તળેટીના કૉન્ટૅક્ટ્સને મદદે દોડી જવા કહે તો એ જુવાનિયાઓ અને ખુદ તાનિયા કહેવાનાં કે દોડી જવું પડે એવું મારી સાથે કંઈ જ થયું નથી, પછી અતીતે કેમ રાત માથે લીધી?

- મે બી, અતીતને બૂરું સપનું આવ્યું હોય, તાનિયાની ચિંતા પ્રેરતી હોય... એની લાયમાં તે જીપ લઈને દોડ્યો એમાં અકસ્માત કરી બેઠો બિચારો! બસ, આ જ અનુમાન સાથે તપાસનો વીંટો વળી જવાનો. જીપની બ્રેક ફેઇલ કરાઈ હતી કે પછી મેં તેને તાનિયાના નામે ધકેલેલા એ કદી જાહેર નહીં થાય!

એ દૃષ્ટિએ તાનિયાનો પ્રોગ્રામ ભલે બદલાયો પણ હોય, પણ અમને એની જાણ નથી એટલે તો એ બહુ મહત્વનું નથી.

‘બસ, આટલી જ શ્રદ્ધાથી પોલીસતપાસમાં ટકી જજે.’

અનુરાગે કૉલ કટ કર્યો. છાતીમાં ઊંડો શ્વાસ ભરીને રોમાએ ઘડિયાળમાં નજર કરી - રાતના સવાબાર.

પછી ઉપલા માળના માસ્ટર બેડરૂમ તરફ દોટ મૂકી, હાંફળી-ફાંફળી થઈને અતીતને ઢંઢોળ્યો : ઊઠો અતીત, જલદી કરો. તાનિયાનો ફોન હતો. તે કોઈ મુસીબતમાં છે - તમને મદદે તેડાવ્યા છે!

હેં! આંચકાભેર અતીત બેઠો થઈ ગયો.

***

ધાર્યા મુજબ અતીત વલસાડ ધસી જવા ઉતાવળો બન્યો.

‘તમારે જવું જ જોઈએ.’ રોમાએ ઉદારતા દાખવી, ‘તમે હાથ-મોં ધોઈ લો. ત્યાં સુધીમાં હું તમારાં કપડાં કાઢી દઉં...’ કહીને પહેલાં તો તેણે અતીતના ફોનની કૉલ-હિસ્ટરી ડિલીટ કરી દીધી. અતીત ફટાફટ તૈયાર થયો. રોમા ગોખાવતી રહી : ‘તાનિયા ખરેખર ડેન્જરમાં લાગી. એવું વ્હિસ્પર કરતી’તી કે મને કૉલ ન કરતા. જાણે સ્મશાનમાં એવું તે શું બન્યું હોય!’

‘વલસાડનો ઇન્સ્પેક્ટર મિશ્રા મને ઓળખે છે... છએક મહિના અગાઉ ફૅમિલીને લઈને ફરવા આવેલો ત્યારે અમે મળેલા. તેને વાત કરી લઉં....’

આ મુદ્દો ધ્યાનમાં હતો જ.

‘તમે વાતમાં વખત ન વેડફો અતીત, નંબર મને સેન્ડ કરી દો; હું વાત કરી લઈશ.’ રોમાએ સિફત દાખવી. અતીતની કોઈ જોડે વાત ન થાય એ તો રૂડું જને. ઉંબરે ઊભો રહીને અતીત રોમાને મિશ્રાની કૉન્ટૅક્ટ ડીટેલ શૅર કરે છે કે...

ઝાંપા આગળથી કારની હેડલાઇટનો શેરડો વીંઝાયો. અતીત-રોમાએ આંખ આડે હાથ ધર્યો. હૉર્ન બજતાં પૉર્ચનાં પગથિયાં ઊતરતો અતીત બબડ્યો પણ - અત્યારે કોણ હશે?

રોમા અંદરખાને અકળાઈ : અત્યારે કોણ ટપક્યું! સાપુતારા આવતા-જતા કોઈ વટેમાર્ગુ રાહ ભૂલ્યો હશે?

અતીતે ઝાંપો ખોલ્યો. કાર પૉર્ચના વળાંકે ઊભી રહી, હેડલાઇટ બંધ થઈ અને એમાંથી ઊતરતી વ્યક્તિને નિહાળીને અતીત થીજી ગયો, રોમા ધક્કાભેર દીવાલસરસી થઈ ગઈ.

કારમાંથી યુવતી ઊતરી હતી અને એ બીજું કોઈ નહીં ખુદ તાનિયા હતી!

‘જાણે હું ભૂત હોઉં એમ તમે બેઉ ભડકી કેમ ગયાં!’ તાનિયા પૉર્ચનાં પગથિયાં ચડી, ‘હાય રોમા, હું તાનિયા. સૉરી, કથોરા ટાઇમે વણનોતર્યા મહેમાનની જેમ આવી ચડી છું... પણ શું થાય, આજે બધું અણધાર્યું જ બનતું રહ્યું છે.’

તેની પાછળ આવતા અતીતે પત્ની સાથે નજર ટકરાવી. તેની આંખોમાં ઊગતા પ્રશ્નોનો સામનો કરવાની રોમાની હાલત નહોતી.

‘તમે તો જાણો છો, આજે હું વલસાડ સ્મશાને જવાની હતી...’

રોમા હજીયે શૉક્ડ લાગી એટલે તેને ગળે મળવાનું મુલતવી રાખીને તાનિયાએ તેની હથેળી પસવારી, પછી અતીત તરફ વળી, ‘પણ ગઈ સાંજે પપ્પાના ફ્રેન્ડસર્કલમાં મહાશિવરાત્રિ નિમિત્તે ત્રંબકેશ્વરનો પ્રોગ્રામ બન્યો. કદાચ મેં કહ્યું નહોતું કે મારા પપ્પાનું મિત્રવર્તુળ વિશાળ અને સૌ ભેગા મળીએ ત્યારે આપણી ઉંમરનાં તેમનાં છોકરા-છોકરીઓ પણ જોડાય, એ ફન મારે મિસ નહોતું કરવું એટલે ત્રંબકેશ્વરથી નાશિકના રસ્તે વલસાડ જવાનું નક્કી ઠેરવ્યું...’ તાનિયા કહેતી રહી. ‘પણ કુદરતે જાણે મને જવા દેવી ન હોય એમ ત્રંબકેશ્વરથી ફંટાયા બાદ કારમાં પંક્ચર પડ્યું, પછી એન્જિનમાં ખરાબી સર્જા‍ઈ... છોગામાં બૅટરી ડાઉન એટલે ફોન પણ ન થયો...’

અતીત હળવેથી પગથિયે બેસી ગયો. તેની ગૂંચવણ, તેની મૂંઝવણ રોમાનું કાળજું ચીરતી હતી.

‘આભમાં રાત ઊતરી આવી એ પછી સ્મશાને પહોંચાય એમ ન રહ્યું. હોટેલમાં રોકાવાને બદલે અહીં આવી ચડી. આઇ હોપ મેં તમને ડિસ્ટર્બ ન કર્યા હોય...’

હજીયે વર-બૈરીને મૂંગાંમંતર ભાળીને તાનિયા થોડી ઝંખવાઈ. રોમામાં મને ઔપચારિકતા લાગેલી, પણ અતીતનું વર્તન હંમેશાં ઉષ્માપ્રેરક રહ્યું છે. એથી તો પોતે ખેંચાઈ આવી. વિચારેલું કાલે અહીંથી જ વલસાડ જવા નીકળી જઈશ. સ્મશાનભૂમિનું મુરત કાલનું હશે, બીજું શું? પણ લાગે છે કે મારે હોટેલમાં જ સ્ટે કરવા જેવો હતો. પતિ-પત્નીમાં ઝઘડો થયો હશે? કેવી સ્તબ્ધતાનું વાતાવરણ હતું!

‘આર યુ શ્યૉર તાનિયા?’ છેવટે અતીતના હોઠ ઊઘડ્યા, ‘તેં કહ્યું એમ જ બન્યું હોય તો પછી તારા નામે વલસાડના સ્મશાનમાંથી મને ફોન કોણે કર્યો?’

હેં. તાનિયા ચમકી.

મધરાતની વેળાએ અતીતનો મોબાઇલ રણકે છે. તે સૂતો છે એટલે કૉલ રોમા રિસીવ કરે છે. ફોન તાનિયાનો છે; તે ગણગણવાની ઢબે કહે છે કે હું મુસીબતમાં છું, મને મદદ કરો! પાછી એવુંય કહે છે કે કૉલ બૅક ન કરશો, ઇટ વિલ ટ્રબલ મી મોર... રોમાએ અતીતને જગાડતાં તે વલસાડ જવા નીકળતો હતો એટલું સમજાતાં તાનિયાને પતિ-પત્નીના વદન પર છવાયેલી સ્તબ્ધતાનું મૂળ પકડાયું. એટલી જ તે મૂંઝાઈ, ‘મારા નામે કોઈએ તમારી સાથે મજાક કરી?’

મ...જા...ક. રોમાનાં નેત્રો ચકળવકળ થયાં, જાળમાં ફસાયેલી માછલીને જાણે છુટકારો મળી ગયો.

‘બની શકે અતીત...’ હવે ધ્યાન આવતું હોય એમ રોમાએ ચપટી વગાડી, ‘તમારા ફોનમાં રણકેલો નંબર તાનિયાનો સ્ટોર નંબર નહોતો, યસ!’

અતીતે ફોન ચકાસ્યો. પણ આ શું? કૉલ-હિસ્ટરી જ ડિલીટ થઈ ગયેલી? એની મેળે તો આમ બને નહીં. મેં કર્યું નથી તો કોણે હિસ્ટરી ડિલીટ કરી - રોમાએ? શું કામ? ‘તાનિયા’વાળો નંબર કોનો હતો એની જાણ નહીં થાય એ માટે? આનો શું મતલબ!

પતિની ગૂંચવણ પારખી ગયેલી રોમાએ બાજી સાચવવાની મથામણ આદરી, ‘આમાં આટલું શું વિચારવાનું અતીત! તડકે મૂકો એ ફોનકૉલને.’ રોમાએ રણકો ઊપસાવ્યો, ‘તાનિયાનું સ્વાગત તો કરીએ. આવો તાનિયા...’

કટોકટીમાં અજાણ્યો પણ વહાલો લાગે એવો રોમાએ ઉમળકો પ્રગટાવ્યો, ‘તમે હકથી આવ્યાં એ ગમ્યું. ભૂખ્યાં થયાં હશો. કશુંક ગરમાગરમ બનાવી દઉં.’

ત્રણે ઘરમાં પ્રવેશ્યાં. મુખ્ય દરવાજો બંધ કરતા અતીત માટે પત્નીનો ઉમળકો પણ સમજ બહાર હતો. રોમાનાં આજે કેવાં નવાં-નવાં રૂપ ઊઘડી રહ્યાં છે! તાનિયાના વિડિયોમાં રસ ન લેનારી અત્યારે કેવા ભાવથી તેને રસોડામાં દોરી જાય છે!

‘અતીત, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે ગેસ્ટરૂમમાં સૂઈ જશો? હું તાનિયાને ઉપર આપણી રૂમમાં લઈ જાઉં છું. અમારે ઘણાં ગપ્પાં મારવાં છે!’

રોમાની આ મહેમાનગતિ છે કે પછી મને ટાળવાની મથામણ? અતીતને સમજાયું નહીં. તાનિયા માટેય થોડું અચરજરૂપ હતું. ફોન પર રિઝર્વ જણાયેલી રોમા વાસ્તવમાં કેવી ભાવભીની નીકળી! પોતે ના-ના કરતી રહી તોય બટાટાપૌંઆ બનાવ્યા, કૉફી મૂકી... પાછું સૂવાનું સાથે! અતીત જોકે હજીયે ગૂંચવણમાં લાગ્યો એથી પણ તાનિયા સચેત થઈ, ‘મારા કારણે તમારે રૂમ બદલવાની જરૂર નથી અતીત, હું નીચે સૂઈ જઈશ.’

‘નો નો...’ અતીતને થયું કે પોતાની ચુપકી તાનિયાને ઑકવર્ડ ફીલ કરાવી રહી છે એટલે સ્મિત ઊપજાવ્યું, ‘તમે સખીઓ નિરાંતે ગપાટજો. હું ગેસ્ટરૂમમાં સૂઈ જઉં છું.’

આ પણ વાંચો : કથા-સપ્તાહ : રિશ્તે-નાતે (સંબંધોની દુનિયા 3)

હા...શ! રોમાએ ધરપત અનુભવી. અતીતના દિમાગમાં કંઈક પ્રશ્નો ઊઠી રહ્યા હશે, તેના ગળે ઊતરે એવા ખુલાસા માટે મને વિચારવાનો અવકાશ જોઈએ... તાનિયાના સૂતા પછી મારે એ જ કામ કરવાનું છે! અનુરાગનું ગાઇડન્સ લઈ લેવું પડશે... સ્ટીલ વી હૅવ સ્કો૫. બસ, અતીતના મનમાં કોઈ વહેમ ગંઠાવો ન જોઈએ, નહીંતર તેની એક્ઝિટ મુશ્કેલ બનવાની! (આવતી કાલે સમાપ્ત)

columnists