અગ્નિદાહ (વાર્તા સપ્તાહઃ પ્રકરણ-1)

14 June, 2021 03:24 PM IST  |  Mumbai | Rashmin Shah

‘મસકા મારવાનું બંધ કર.’ સોમચંદ પાસેથી કામ કઢાવવાની કળા બહુ ઓછા લોકોને આવડતી હતી, ‘કામ કહે ફટાફટ...’

અગ્નિદાહ (વાર્તા સપ્તાહઃ પ્રકરણ-1)

ટ્રિન... ટ્રિન...
ટ્રિન... ટ્રિન...
સોમચંદને હવે ટેલિફોનની ઘંટડી કાનમાં વાગતી હતી. તેણે કાન પર દબાવેલા તક્યિાનો ઘા કર્યો. 
ગાળ... 
દિવસની શરૂઆત ગાળથી શરૂ થાય એવી સોમચંદને ખબર નહોતી.
હજી હમણાં વહેલી સવારે જ કેસ પૂરો કરીને તે ઘરમાં દાખલ થયા હતા.
દહેજના મામલામાં સાસરા પક્ષને ખોટો સંડોવી દેવામાં આવ્યો હતો. વાત સાવ જુદી હતી. વાઇફને આડા સંબંધ હતા અને પતિના હાથમાં પુરાવા આવી ગયા. હસબન્ડે વાઇફના પેરન્ટ્સને કહેવાની વાત કરી એટલે નૅચરલી વાઇફ ડરી ગઈ અને તેણે રાતે સળગીને સુસાઇડ કરી લીધું. દીકરીએ સુસાઇડ કર્યું એટલે તેના પેરન્ટ્સ અને ભાઈએ હસબન્ડ સામે ફરિયાદ કરી કે અમારી દીકરીને ત્રાસ આપવામાં આવતો અને દહેજ લાવવા માટે દબાણ કરવામાં આવતું.
ચાર દિવસમાં આખો કેસ સ્પષ્ટ થઈ ગયો એટલે સોમચંદ ખુશ હતો અને એ ખુશી વચ્ચે જ તેણે ઊંઘ ખેંચવાનું શરૂ કર્યું હતું. મનમાં એવો ભાવ પણ હતો કે હવે બેચાર દિવસ રજા લઈને ગુજરાત જવું. કોરોના અને એને લીધે આવેલા લૉકડાઉન વચ્ચે ક્યાંય જવા નહોતું મળ્યું અને પોતાને પણ વેકેશનની જરૂર હતી.
‘ડિટેક્ટિવ સોમંચદ...’
‘હંમ...’ 
સામેથી નામની પૃચ્છા થઈ એટલે ઊંઘરેટિયા અવાજમાં જ સોમચંદે હોંકારો ભણી દીધો. 
‘અરે યાર... હું.’ 
સામેથી ફરીથી અવાજ આવ્યો. 
આ વખતે અવાજમાં પરિચય ભળી ગયો હતો.
‘હંમ...’ 
સોમચંદને ખબર હતી કે તેને ફોન કરનારો ક્યારેય કામ વિના ફોન નથી કરતો. 
‘શું હંમ... હરિસિંહ, હરિસિંહ જનકાંત...’
‘બોલ ઇન્સ્પેક્ટર...’
‘તું પહેલાં ફ્રેશ થઈ જા.’ હરિસિંહ સમજી ગયા હતા કે સોમચંદને હવે થોડો સમય આપવો પડશે, ‘હું દસ મિનિટમાં ફોન કરું છું... ગેટ રેડી.’
‘ના...’ સોમચંદને ના પાડવામાં તકલીફ પડી પણ નકાર મોઢે આવી જ ગયો, ‘કેસનું કામ હોય તો રહેવા દે... હું ગુજરાત જાઉં છું...’
‘અરે ના, ના. કેસ નથી.’ ઇન્સ્પેક્ટરને ખોટું બોલવામાં સહેજ પણ વાંધો નહોતો, ‘તારી થોડીક સલાહ લેવાની છે, બસ.’
‘બીજાની લઈ લે, મફત જ મળશે.’ 
સોમચંદે પથારીમાં બેઠા થઈ રૂમમાં નજર દોડાવી, રિમોટ ક્યાંય દેખાતું નહોતું. 
‘સલાહના નામે પછી તું કેસ મને ભેરવી દે છે.’
‘અરે યાર, ખરેખર એવું કંઈ નથી.’ હરિસિંહની માત્ર એટલી ઇચ્છા હતી કે સોમચંદ તેને એક વાર રૂબરૂ મળે. ‘અને યાર એમાં છે એવુંને, તારા જેવી સલાહ કોઈની પાસેથી મળવાની નથી.’
‘કેમ હવે તો કેટલાય ડિટેક્ટિવ થઈ ગયા છે.’ સોમચંદની આંખો રિમોટ શોધતી હતી, ‘તારી અંધેરી-નગરીમાં પણ કેટલાય ગંડુરાજા છે.’
‘ગંડુરાજા તો થોકબંધ પણ સોમચંદ જેવો ગુજરાતી શેરલોક હોમ્સ કોઈ નથી.’
‘મસકા મારવાનું બંધ કર.’ સોમચંદ પાસેથી કામ કઢાવવાની કળા બહુ ઓછા લોકોને આવડતી હતી, ‘કામ કહે ફટાફટ...’
‘ગુજરાત જવાનું ખાસ કારણ...’
‘હા, બહેન ઘણા વખતથી ફરિયાદ કરે છે ને કોરોના પછી જવાયું જ નથી... સરપ્રાઇઝ આપવી છે આ વખતે બહેનને.’
‘ક્યારે નીકળવાનું છે?’
‘રાતે સૌરાષ્ટ્ર મેલમાં...’ સોમચંદે કહ્યું, ‘બીજી ટ્રેન ક્યાં હજી શરૂ થઈ છે?’
‘ટિકિટ લઈ લીધી હોય તો કૅન્સલ કરી નાખ...’ હરિસિંહે દોસ્તને આદેશ તો આપી દીધો પણ પછી તરત ખુલાસો પણ કર્યો, ‘સવારની ફ્લાઇટની ટિકિટ મારા તરફથી.’
‘લાંચ આપવાનું બંધ કરીને પહેલાં કામ કહે.’ 
‘ફોન પર નહીં ફાવે, જો રૂબરૂ આવે તો...’ 
‘વીસ મિનિટમાં આવું છું.’
‘ના, અડધો કલાક દીધો...’ હરિસિંહે યારીનો લાભ લીધો, ‘પણ નાહીને આવજે.’
ગાળ...
જોકે ડિટેક્ટિવ સોમચંદની ગાળ ફોનના સામા છેડે નહોતી પહોંચી. હરિસિંહને ખબર હતી કે નાહવાની વાત આવશે એટલે સામેથી કેવી-કેવી સરસ્વતી આવવાની છે અને એ સરસ્વતી સાંભળવી ન પડે એટલે જ તેણે ફોન મૂકી દીધો હતો.
સોમચંદ ઊભો થયો કે તરત તેને રિમોટ દેખાયું. 
રિમોટ પથારીમાં જ હતું.
સોમચંદ રિમોટ પર જ સૂતો હતો.
lll
‘અચ્છા, તો તને બસ મનમાં ને મનમાં થયા કરે છે કે છોકરીએ સુસાઇડ નથી કર્યું...’
ચાનો કપ નીચે મૂકીને સોમચંદે હાથ લંબાવ્યો. 
હરિસિંહ સોમચંદનો આ ઇશારો સમજી ગયા.
તેણે ખિસ્સામાંથી સિગારેટનું પૅકેટ કાઢી સોમચંદ સામે ધર્યું.
‘વાત મનમાં આવેલા વિચાર કે ભ્રમની નથી સોમ...’ સોમચંદે સિગારેટ સળગાવી એટલે હરિસિંહે વાત શરૂ કરી, ‘વાત કોઈ ગુનેગાર ન છૂટી જાય એની છે.’
‘હંમ..’ 
સોમચંદ પોતાના જ મોંમાંથી છૂટેલા ધુમાડાને હવામાં ઓસરતા જોતો હતો. તેની આંખો સિગારેટના ધુમાડા તરફ હતી, પણ મન હરિસિંહે વર્ણવેલી આખ્ખી ઘટનાની દિશામાં હતું.
lll
સમીર ઉપાધ્યાય પ્રોફેસર હતો. માનસી પણ કૉલેજમાં લેક્ચરર હતી. બન્નેને બાળકો નહોતાં અને સમીરના કહેવા પ્રમાણે એનો બેમાંથી કોઈને રંજ પણ નહોતો. રવિવારે બપોરે માનસી બહાર હતી. માનસી સાડાપાંચ-છ વાગ્યે ઘરે પાછી આવી. લૉકડાઉન ખૂલવાનું શરૂ થયું હતું એટલે માનસીએ ઘરમાં રસોઈ નહોતી કરી. મનમાં ગણતરી બન્નેની એવી હતી કે બહાર જમવા જવું, પણ પાછા આવ્યા પછી માનસી થાકી ગઈ હતી અને સમીરને ભૂખ લાગી હતી એટલે માનસીએ જ તેને બાપટના ભાજીપાંઉ લઈ આવવાનું કહ્યું. સમીર ભાજીપાંઉ લાવવા નીકળ્યો, પણ જતાં પહેલાં તેણે માનસીને કહ્યું કે તેને આવતાં નવ વાગી જશે. 
નવ વાગ્યે સમીર ઘરે આવ્યો ત્યારે ઘર અંદરથી બંધ હતું. દરવાજો બહુ ખખડાવ્યા પછી પણ એ ખૂલ્યો નહીં એટલે સમીરે ડ્રૉઇંગ-રૂમના દરવાજાની બાજુમાં બારીનો કાચ તોડીને અંદરથી બંધ થયેલો દરવાજો ખોલ્યો. 
અંદર જઈને સમીરે જોયું કે માનસીએ સળગીને સુસાઇડ કર્યું છે. સમીરે તરત જ આસપાસના લોકોને ભેગા કર્યા અને માનસીને હૉસ્પિટલે પહોંચાડી, પણ માનસીનો જીવ નીકળી ગયો હતો. 
lll
‘હરિ, શું કામ તારા મનમાં શંકા છે ને શું કામ તને એવું લાગે છે કે માનસીએ સુસાઇડ નથી કર્યું એ મને સમજાતું નથી.’
 સોમચંદની સિગારેટ પૂરી થઈ ગઈ હતી. 
‘જે વ્યક્તિ પર શંકા જવી જોઈએ એ વ્યક્તિ ઘરમાં હાજર નથી અને કોઈને બાળી નાખવાની હજી એવી કોઈ પદ્ધતિ આવી નથી કે તમે ગેરહાજર રહીને પણ કોઈને આગ લગાડી શકો. ઍટ લીસ્ટ આપણે ત્યાં તો એવી કોઈ સિસ્ટમ આવી નથી...’
હરિસિંહ સોમચંદની સામે 
જોઈ રહ્યો. 
સોમચંદનાં કપડાંમાંથી આવતી પર્ફ્યુમની સુગંધ કહેતી હતી કે સોમચંદ નાહ્યા વિના જ આવ્યો છે.
સોમચંદે સામે જોતાં હરિસિંહની આંખોમાં જોયું.
‘લુક, સમીર નિર્દોષ હોય એનાં અનેક કારણો છે.’
કારણો ગણાવવાં હોય એમ સોમચંદે જમણા હાથની પહેલી આંગળીના પહેલા વેઢા પર અંગૂઠો મૂક્યો. 
‘સમીર ઘરેથી નીકળ્યો પછી કેટલાય લોકોને મળ્યો છે અને એ બધાએ પોતાના સ્ટેટમેન્ટમાં પણ કબૂલ્યું છે કે સમીર બહાર હતો. નંબર બે, હસબન્ડ-વાઇફ બન્ને કોઈ ફાઇનૅન્શિયલ તંગી નહોતી કે જેને લીધે ઝઘડા થતા હોય. ત્રણ, એજ્યુકેટેડ લોકો એટલે દહેજ જેવી વાહિયાત વાત પણ આમાં છે નહીં. એજ્યુકેટેડ હોવાના કારણે જ બાળકો નહોતાં તો પણ બન્ને શાંતિથી લાઇફ જીવતાં હતા એ ચોથું રીઝન અને પાંચમું, મહત્ત્વનું કારણ, બન્ને પોતપોતાની આઝાદીને એકબીજાનો હક માનતાં હતાં અને એટલે એકબીજાની પ્રાઇવસીમાં પણ દખલ નહોતાં દેતાં...’
‘આ કારણો હોય એટલે એવું માની લેવાનું કે બીજું પાત્ર નિર્દોષ છે?’
‘ના, એવું માની નહીં લેવાનું પણ એવું ધારીને આગળ તો વધવું જ પડે.’
ડિટેક્ટિવ સોમચંદના તર્કમાં જાતઅનુભવનો નિચોડ હતો. હજી બાર કલાક પહેલાં જ તેણે આ જ પ્રકારના કેસમાં ખોટી શંકાના આધારે સંડોવાયેલી વ્યક્તિને છોડાવી હતી.
‘તો તું શું એમ માને છે કે માનસીનું મોત સુસાઇડ જ છે?’
‘હા, નવાણું ટકા તો આ કેસમાં આ એક જ વાત બહાર આવે છે. 
બીજું કોઈ...’
હરિસિંહે સોમચંદની વાત વચ્ચેથી કાપી.
‘પણ તારી જ થિયરીને આગળ વધારીએ તો જેમ સમીર પાસે વાઇફના મર્ડરનું કોઈ કારણ નથી તો એવી જ રીતે માનસી પાસે પણ સુસાઇડ કરવાનું કારણ નથી.’
હરિસિંહે દેશી હિસાબ માંડ્યો હતો. જો મારવા માટે કારણ અનિવાર્ય તો મરવા માટે કારણ જરૂરી હોય. 
‘હંમ... આઇ ડોન્ટ થિન્ક... જો હરિ, જરૂરી નથી કે કોઈ કારણ ન હોય તો માણસ સુસાઇડ ન જ કરે.’ 
સોમચંદે ઘડિયાળ સામે જોયું. સાડાબાર થયા હતા. સૌરાષ્ટ્ર મેલ પકડવા માટે હજી પૂરતો સમય હતો. 
‘બની શકે કે માનસી જાહેરમાં કંઈ ન બોલતી હોય પણ મનમાં ને મનમાં એ મા ન બનવાની પીડા સહન કરતી હોય અને હરિ, અત્યારે લૉકડાઉનમાં આવી છૂપી પીડા માણસને વધુ ડિપ્રેસ કરે અને એ ડિપ્રેશનમાં તે પોતાની જાતને ખતમ કરી પણ નાખે.’
‘પણ સોમ...’
‘લેટ મી ફિનિશ ફર્સ્ટ...’ સોમચંદે હરિને અટકાવ્યો, ‘આપણે ત્યાં દસમાંથી ત્રણ લોકો ડિપ્રેસ્ડ છે પણ એ ક્યારેય ડૉક્ટર પાસે જતા નથી એટલે તેનું ડિપ્રેશન બહાર નથી આવતું. આ ત્રણમાંથી એકનું ડિપ્રેશન વધે છે અને આવા દસ ડિપ્રેશનના પેશન્ટમાંથી એક છે એ ખોટું પગલું લેવાની દિશામાં ગંભીરતાથી વિચારતા થઈ જાય છે. ઇન્ફર્મેશન કર્ટસી ડો મુકુલ ચોકસી... નંબર હું આપીશ.’
‘હા સોમ, ઍગ્રી પણ એક વાત મને કહીશ તું જાતે આગ લગાવી હોય એ વ્યક્તિ એક ચીસ પણ ન પાડે એવું બને ક્યારેય?’
‘ઍગ્રી, અને એ જ સવાલ તને. જેમ જાતે બળતી વ્યક્તિ આગ લાગ્યા પછી ચીસ પાડ્યા વિના રહી ન શકે એમ કોઈના જોરજુલમથી પણ બળતી વ્યક્તિ પણ ચીસ ન પાડે એવું ન બને.’ સોમચંદને હરિસિંહ પર ગુસ્સો પણ આવતો હતો, ‘હરિ, પેઇન કોઈના બાપની સગી નથી થતી.’
‘સો યુ મીન ટુ સે, સમીર 
નિર્દોષ છે?’
બે-ચાર મિનિટ માટે અંધેરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં ખામોશી પ્રસરી ગઈ.
હરિસિંહને સોમચંદની સિક્સ્થ સેન્સ માટે જબરદસ્ત માન હતું. અગાઉ અનેક વખત માત્ર અને માત્ર સોમચંદના કારણે મુંબઈ પોલીસે કેટલાય અટપટા કેસ ઉકેલાયા હતા અને એમ છતાં આજે હરિસિંહનું મન સોમચંદની વાત સાથે સહમત થવા તૈયાર નહોતું થતું.
‘સમીરને મળ્યા વિના અને તારી વાત સાંભળીને તો હું એ જ કહું કે સમીર નિર્દોષ છે.’
હશે નહીં છે.
સોમચંદે સંભાવનાને બદલે શ્રદ્ધાપૂવર્ક વર્તમાનકાળનો ઉપયોગ કર્યો એની નોંધ હરિસિંહે લીધી. બને કે તેની ધારણા ખોટી હોય, શંકા ખોટી હોય.
‘ચા પીવી છેને?’ 
હરિસિંહે ટૉપિક બદલ્યો.
‘હા, મંગાવ...’ સોમચંદે માનસી કેસની ફાઇલ ટેબલ પર મૂકી, ‘સમીર ક્યાં છે અત્યારે?’
‘મોસ્ટ્લી હૉસ્પિટલે...’ 
‘કેમ હૉસ્પિટલે?’
‘વાઇફને બચાવતાં એ પણ દાઝ્યો છે.’ હરિસિંહ સોમચંદને આ વાત કરતાં ભૂલી જ ગયા હતા. 
‘સમીર ક્યાં દાઝ્યો છે?’ 
સોમચંદ ખુરશીમાં સહેજ ટટ્ટાર થયા.
‘બન્ને હાથમાં.’
‘હાથમાં.’ 
ડિટેક્ટિવ સોમચંદ ઊભા થઈ ગયા. હરિસિંહે સોમચંદના આવા કોઈ પ્રત્યાઘાતની અપેક્ષા નહોતી કરી. 
‘ચા કૅન્સલ કર. સમીર પાસે જવું છે આપણે.’

વધુ આવતી કાલે

Rashmin Shah columnists