કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 4)

14 February, 2019 12:39 PM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 4)

પ્રતીકાત્મક તસવીર

મહોબતભર્યું મનડું

વૅલેન્ટાઇન્સ ડે!

કૅલેન્ડરનું પાનું ફેરવતો અર્ણવ પળ પૂરતો સ્થિર થયો. ફરી વૅલેન્ટાઇન્સ ડે ઢૂંકડો છે. આનો મતલબ ગઈ ચૌદમી અને ત્યાર પછી મારી સાથે જે બન્યું એને વ...ર...સ... થવાનું! કંઈકેટલું બની ગયું આ વરસમાં.

‘લકી મૅન!’

પરોઢની વેળા અજાણ્યા ગુંડાઓના આક્રમણથી બેહોશ થયા પછી આંખો ખૂલી ત્યારે પોતે હૉસ્પિટલના બેડ પર હતો. ત્યાંનો સ્ટાફ એક અવાજમાં મને નસીબદાર કહેતો એમાં અતિશયોક્તિ નહોતી. અર્ણવ વાગોળી રહ્યો.

હૉસ્પિટલાઇઝ્ડ કરવામાં થોડું મોડું થયું હોત તો ઘૂંટણની નીચેથી બેઉ પગ કાપવા પડત એટલી ખરાબ હાલત હતી. બેહોશ થતાં પહેલાં પોતે ચોક્કસપણે ગુપ્તાંગ વાઢવા બાબત સાંભળેલું. આ લોકો એનો ફોડ કેમ નથી પાડતા? ખરેખર તો પગની સારવારને કારણે દવાના ડોઝે કમરથી નીચેનો ભાગ બધિર થઈ ગયેલો, કમબખ્તોએ મને નપુંસક તો નથી બનાવી દીધોને એવું પૂછવું પણ તો કોને?

અર્ણવ મનોમન મૂંઝાતો હતો ત્યાં તેણે દેખા દીધી : હાય! ફીલિંગ બેટર?

ઇરરેઝિસ્ટેબલી હૅન્ડસમ દેખાતો જુવાન નિહાર હતો. ખરેખર તો પોતે નજીકની સોસાયટીમાં ગ્રાહક સાથે રાત ગાળીને છૂટો પડ્યો ને ગલીના કોરાણે ગુંડા ભેગા થઈને નિર્દોષને પીટી રહ્યાનું દૃશ્ય સમજાતાં દોડી ગયેલો. એકની લાઠી ખૂંચવી હુમલો બોલી મદદની બૂમાબૂમ કરતાં બે-ચાર જૉગર્સ દોડી આવ્યા એટલે ગુંડાઓએ ભાગવામાં સલામતી જોઈ...

નિહાર પાસેથી ઘટનાક્રમ જાણીને અર્ણવનાં નેત્રો આભારથી વરસી પડેલાં - ઈશ્વરે તમને મારા માટે દેવદૂત બનીને મોકલ્યા! નિહારથી ત્યારે જોકે કહેવાયું નહોતું કે દેવદૂતે દેહનો ધંધો નથી માંડવાનો હોતો! પછી અર્ણવે સંકોચથી કાનમાં કહેવાની ઢબે નિહારને પૂછી લીધેલું, ‘બેહોશ થતાં પહેલાં મેં એટલું સાંભળેલું નિહાર કે તેમણે મારી જનનેન્દ્રિય વાઢવી હતી. ક્યાંક...’

પળવાર નિહાર તેના સંકોચ, ભયને માણી રહ્યો. પછી ખુલ્લા સ્મિત સાથે છાતીમાં મીઠો મુક્કો વીંઝ્યો : ડોન્ટ વરી અર્ણવ, તારી મરદાનગી સહીસલામત છે!

એ સ્મિતમાં, એ વાક્ય પછી અપાયેલી હાઇ-ફાઇમાં દોસ્તી ગંઠાઈ ગઈ. દર બીજે દહાડે-ત્રીજે દહાડે આવીને નિહાર અલકમલકની વાતોથી અર્ણવને હસાવી, ખીલવી જતો. હુમલાની પોલીસ-ફરિયાદ તો થઈ હતી, પણ ગુંડા ઝડપાય એવી કોઈ શક્યતા ક્ષિતિજે દેખાતી નથી.

‘આઇ વન્ડર તારા જેવા સજ્જન જુવાન સાથે તેમને શું વેર હોય?’

બીજા શબ્દોમાં નિહા૨ હુમલાનું પ્રયોજન જાણવા માગે છે. અર્ણવનો નિસાસો સરી ગયો - ક્યાં તો ગુંડાઓ માણસ ભૂલ્યા, ક્યાં તો આ મારી એક્સ-એમ્પ્લૉય૨નું કારસ્તાન... જોકે એની શું ફરિયાદ કરવી. જેની સાથે મને પ્રીત હતી તેણે પણ મને તરછોડ્યો!

અંતર્મુખી અર્ણવને બીજા સમક્ષ ખૂલવાની ફાવટ નહોતી, પણ નિહાર સમક્ષ અંગત જખમ ઉઘાડી દીધેલા. જેણે મારા જેવા અજાણ્યાને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો એનાથી શું પડદો હોય?

દિલના ઘા ખોલ્યા પછી મૈત્રી વધુ ગહેરી બની. નિકિતાના ઉલ્લેખે નિહાર મનોમન ચમકેલો, પણ ત્યારે અર્ણવને દેખાવા નહોતું દીધું. ત્રણ મહિનાના હૉસ્પિટલના રોકાણ દરમ્યાન પછી તો નિહાર પણ ધીરે-ધીરે ખૂલતો થયો.

‘અજાણ્યાના મદદગાર બનનાર તારા જેવા ભટકાય નિહાર ત્યારે માણસાઈમાં શ્રદ્ધા બેસે છે.’ અર્ણવ આવું કંઈક કહી જતો ત્યારે શરૂ-શરૂમાં હસી નાખતો નિહાર એક તબક્કે કહી બેઠો, ‘તું મારા વિશે જાણતો નથી અર્ણવ એટલે આમ બોલે છે. તારા આદર્શ, સંસ્કાર સામે હું તો કંઈ જ નથી. સંસારમાં ટકી જવા દેહની હાટડી માંડનારો મામૂલી એસ્કોર્ટ છું.’

હેં. અર્ણવ હેબતાયો. પેલા પરોઢિયે નિહાર ધંધેથી પરત થઈ રહ્યો હોવાનું હવે જાણ્યું, પણ આવું કરવા પાછળ નક્કર કારણ પણ હશે.

‘તારા ચારિત્ર્યમાં એબ હોત નિહાર, તું વાસનાપુરુષ રંગ૨સિયો હોત તો એ અહીંની નર્સો‍ પ્રત્યેના તારા વલણમાં પડઘાયા વિના ન રહેત. તારા સંસ્કારમાં ખોટ હોત તો તું મારા બચાવમાં કૂદ્યો ન હોત... એ કારણ પણ હવે કહી દે દોસ્ત, જેણે તને જાત વેચવા મજબૂર કર્યો‍!’

શય્યાસાથીને મનગમતી મોજ આપીને બેફામપણે માણવામાં છોછ ન રાખનારાનું સાચું અંગત હૉસ્પિટલની સ્પેશ્યલ રૂમમાં ઊઘડ્યું.

ચર્ની રોડની ચાલમાં ભાડાનું ઘર છે, પણ માથે પિતાનું છત્ર નથી. છોગામાં બીમાર મા અને નાની બહેનની જવાબદારી.

‘મારી બેની આરોહી મારી લાડલી. નાની હતી ત્યારે ગંભીર માંદગીમાં તેણે આંખોની રોશની સદા માટે ગુમાવી દીધી... પૈસાના અભાવે પોતે દીકરીનો જોઈતો ઇલાજ કરાવી ન શક્યાનો વસવસો પિતાને હણી ગયો. ત્યારથી ટકવા માટેનો મારો સંઘર્ષ શરૂ થયો. કૉલેજ સાથે પાર્ટટાઇમ જૉબ કરી, કસરતનો શોખ એટલે જિમમાં ટ્રેઇનર બન્યો. જોકે એથી દળદળ ફીટવાનું નહોતું. મા-બહેનને જોઈતી સવલત, સુરક્ષા આપવાની મારી ફરજ મને પ્રેરતી હતી. જિમમાં આવતી હાઈ સોસાયટીની ગર્લ્સ મારા શરીરથી ઍટ્રૅષ્ટ થતી. એમાંથી એકાદે સ્ટિપની ખુલ્લી ઑફર મૂકી. બદલામાં મળનારી રકમનો આંકડો સાંભળીને મારો કોઈ આદર્શ ટક્યો નહીં અર્ણવ. હું સ્વેચ્છાએ કળણમાં ખૂંચતો ગયો...

‘બટ નો રિગ્રેટ્સ. આજકાલ કરતાં ચાર વરસથી ધંધામાં છું, સારું વળતર મેળવું છું. કામ પર હોઉં ત્યારે કોઈ વાતનો છોછ રાખતો નથી. થોડીઘણી આર્થિક સધ્ધરતા આવી છે. ઘરે ફુલટાઇમ મેઇડ રાખી છે. ચાલીની નજીક એક ફ્લૅટ નોંધાવ્યો છે. અલબત્ત, બહેન કે માને મારા અસલી ધંધાની જાણ નથી. હું એસ્ટેટ એજન્ટનું કામ કરું છું અને પ્રૉપર્ટીના કામકાજે માટે રાતવરત બહાર જવાનું થાય એવું તેમણે સ્વીકારી લીધું છે.’

‘આનાથી વધુ શું સંસ્કાર હોય નિહાર?’

‘હજી મારી વાત પૂરી નથી થઈ અર્ણવ... મારી ગ્રાહક તારી એક્સ-બૉસ નિકિતા મહેતા પણ રહી ચૂકી છે.’

હેં! નિકિતાની પ્રાઇવેટ લાઇફ વિશે પ્રથમ વાર જાણીને અર્ણવ ચોંકેલો.

‘પણ હવે તેનો કૉલ એટેન્ડ નહીં કરું.’

મને મરાવવામાં જેનો હાથ હોઈ શકે તેની સાથે પ્લેઝર્સ માણવા નિહાર તૈયાર ન થાય એટલી દોસ્તી ક્યાં ઋણાનુબંધે સર્જા‍તી હશે?

દરમ્યાન અર્ણવ પરના હુમલાના ખબર સાવ છાના નહોતા. ઑફિસમાંથી બે-ચાર જણે ફોનથી ખબર પૂછ્યા. વિવાને ફેલાવેલી ફ્રૉડની ‘માહિતી’ દહોરાવી કન્ફર્મ કરવાની જિજ્ઞાસા વધુ રહેતી - આ સાચું છે?

અર્ણવ ફોન કાપી નાખતો. નિહારની હૂંફ ન હોત તો આ બધું જાણીને ટકવું મુશ્કેલ હોત.

‘તું કહેતો હો અર્ણવ તો હું હજી સિમરનને મળીને તેને ટટોલું.’

ત્રીજા મહિને ડિસ્ચાર્જ મેળવીને ઘરે આવ્યા બાદ કદી ઉદાસ થતા અર્ણવને નિહારને પૂછતો.

‘નહીં નિહાર. તું શું માને છે. આખી ન્યાત જાણે એ તેણે નહીં જાણ્યું હોય? આ સંજોગોમાંય જે ફોનની કર્ટ્સી સુધ્ધાં ન દાખવે એ બહુ દૂર થઈ ગઈ ગણાય...’ અર્ણવ માટે મુશ્કેલ હતું છતાં મક્કમ થઈને હૃદયપાટી કોરી કરી દીધેલી. ઘરમેળે કન્સલ્ટન્સીનું કામકાજ શરૂ કરીને વ્યસ્ત બનતો ગયેલો, ‘તેનો માર્ગ તેને મુબારક.’

ત્યારે એવો અંદાજ નહોતો કે સિમરનનો માર્ગ વિવાનના મુકામે મળશે!

અર્ણવની સરખામણીએ સિમરન બહુ જલદી પહેલા બ્રેક-અપને વિસારીને લાઇફમાં પૂર્વવત્ થઈ શકેલી. અર્ણવ પિટાયાના ખબર ન્યાતમાં ચર્ચાતા એથી કમકમાટી અનુભવી નહોતી. તેને ને મારે હવે શું? તેના આવા વલણ પછી માબાપથી તો કેટલુંક સમજાવાય?

‘એ તો ખેર, જેવી તેની મરજી બેટા...’ ઘરે આવ્યાના બીજા મહિને દેવયાનીબહેનનો ફોન આવેલો, ‘પણ શું છે કે તેના માટે લગ્નનો પ્રસ્તાવ આવ્યો છે, સિમરનને છોકરો ગમ્યો છે,’ દેવયાનીબહેને ફોડ પાડ્યો, ‘તારી પિછાણમાં હશે. ‘મહેતા’માં જ કામ કરે છે. વિવાન ગાંધી.’

વિ...વા...ન? અને સિમરન સાથે! અર્ણવે અનુભવેલા આંચકામાં કેવળ અચરજ હતું.

‘તમે વિવાન બાબત મારો અભિપ્રાય પૂછતા હો આન્ટી તો જાણી લો કે તેની વૅલ્યુઝ મને ક્યારેય અનુરૂપ નહોતી લાગી. સિમરનને આની જાણ છે. બટ ઍનીવે, સિમરનના માપદંડ સાથે તે બિલકુલ ફિટ થાય એમ છે!’

સાંભળીને ડઘાઈ ગયેલાં દેવયાનીબહેન ૫છી કંઈ જ બોલી નહોતાં શક્યાં. પાછળથી જાણ્યું કે બેઉ સુખરૂપ પરણીને શિમલામાં સેટલ થયાં છે. નિકિતાએ ત્યાં ખોલેલી નવી કંપનીમાં વિવાનને પ્રમોશન સાથે પોસ્ટિંગ મળ્યું છે.

‘મુંબઈની ધરતી એટલે જ હળવી લાગે છે!’ નિહાર હસાવી દેતો.

બરાબર ચાલતો થયા પછી અર્ણવે પહેલું કામ નિહારના ઘરે જવાનું કર્યું. સાવિત્રીમા મમતાભર્યાં લાગ્યાં. આરોહીને રૂબરૂ ભાળીને અવાક થઈ જવાયેલું. કાચની પૂતળી જેવી ૨૨-૨૩ વ૨સની યુવતીના શરીરનું સૌથી સુંદ૨ અંગ તો તેની આંખો હતી! કેટલી ભાવવાહી. એમાં દૃષ્ટિ જ નહીં?

‘નિહારભાઈ સાચું જ કહેતા હતા કે તમે ઓછાબોલા છો, પણ હું તો બોલવાની હોં.’

છોકરી બટકબોલી હતી એટલું જ, તેનામાં સૂઝ કેવી હતી એનું ઊંડાણ છૂટા પડતી વેળા પ્રગટ્યું, ‘ફરી જરૂર આવજો અર્ણવભાઈ, પણ મારા પ્રત્યેની દયા ઉંબરાની બહાર મૂકીને આવશો તો તમારામાં મને મારા નિહારભાઈ જેવી આત્મીયતા વર્તાશે’

અર્ણવ હેબત ખાઈ ગયેલો. નહીં દેખતી છોકરીએ મારો મનોભાવ ઝડપી પાડ્યો! ચક્ષુહીન છે પણ લાચાર નથી. ઘરના વિશ્વમાં જાતે હરીફરી લેતી આરોહી મા કે મેઇડ પર ડિપેન્ડન્ટ નથી.

‘અફકોર્સ, તને દયાની જરૂર નથી. તું તો અમારાથી ક્યાંય વધુ જુએ છે.’

ત્યારે તે ખીલી ઊઠેલી. પછી તો લગભગ દર વીક-એન્ડ નિહારની ફૅમિલી સાથે ગાળવાનો નિયમ બની ગયો. અર્ણવનું અંગત વિfવ હવે છલોછલ હતું. ઊણપ, ઉદાસી, ફરિયાદ વિનાનું; બ્રેક-અપના અવશેષ વિનાનું. નિહારે ક્યારેક ‘ડ્યુટી’ પર જવાનું થાય ત્યારે અર્ણવ તેની ગેરહાજરી વર્તાવા ન દે. નિહારની જેમ આરોહીને ફરવા લઈ જાય, પણ તે ખીલી ઊઠે દાદરની અંધશાળાની મુલાકાતમાં. ત્યાંનાં બાળકો તેને ’દીદી’ કહીને ઘેરી વળે. તેમની જોડે બચ્ચી બની જતી આરોહીની અંધતા સાંભરતી પણ નહીં. નીકળતાં પહેલાં આશ્રમની દરિયા તરફની પાળે બેસી મોજાનું ગુંફન માણતી આરોહી કવિની કવિતા જેવી લાગે. મિત્રની બહેનને ‘આવી’ નજરથી જોવાની ન હોય એવું જાતને સમજાવવું પડે.

આવા સમયે બધું જાણતી આરોહી પૂછી લે, ‘સિમરનને તો તમે ભૂલી ચૂક્યા લાગો છો અર્ણવભાઈ, પણ તમને નિકિતા મહેતા પ્રત્યેય કટુભાવ નથી? તમારા પરના હુમલાના મૂળમાં જવાની ખેવના નથી?’

‘ના.’ અર્ણવ સ્પષ્ટ હતો, ‘મને જેણે જે નુકસાન પહોંચાડવા ચાહ્યું એથી મારું કંઈ બગડ્યું નથી એટલે મેં પણ એનો હવાલો કુદરતને સોંપ્યો છે.

એ જે કરે ખરું.’

‘તમે આટલા સમજુ છો અર્ણવભાઈ તો એક વાત કહું?’ તે દૃષ્ટિહીન નજર અર્ણવ તરફ ફેરવતી, ‘તમે ભાઈને આ બિઝનેસ છોડી દેવા કેમ નથી સમજાવતા?’

ધારદાર ખામોશી છવાઈ જતી. અર્ણવથી પુછાતું નહીં, કયો બિઝનેસ?

‘એસ્ટેટ એજન્ટે રાત્રે કોઈ પ્રૉપર્ટી બતાવવાની ન હોય એટલી સમજ તો મને હોયને. ભાઈના સમર્પણનું વિચારું છું ત્યારે મારી પંગુતા ખટકે છે. હું દેખતી હોત તો નિહારભાઈને ટેકણરૂપ બની હોત...’

‘તું અને મા ખુશ રહો - નિહાર એટલું જ ઇચ્છે છે. બાકી ઘર કેમ ચલાવવું એનો ફેંસલો આપણે ઘરના મોભીની સૂઝ પર છોડી દેવો જોઈએ.’

‘તમે સાચું કહ્યું.’ તેની સમજબારી ખૂલી ગઈ. ત્યાર બાદ આ વિષય ઊખળ્યો નથી. બલકે લતાનાં ગીતોથી મોદીના વિકાસ સુધીનું કંઈકેટલું અમે ચર્ચીએ. અમારી પસંદ-નાપસંદ કેટલી મેળ ખાતી લાગે... આરોહી મને ગમવા માંડી છે. હું તેને ચાહવા લાગ્યો છું!

અત્યારે પણ આ વિચારે અર્ણવ મહોરી ઊઠ્યો. પછી મૂંઝવણ થઈ - મિત્રની બહેનને ચાહવામાં મિત્રનો દ્રોહ નથી? નિહાર પોતે તો ધંધામાં પડ્યો હોવાથી પરણવામાં માનતો નથી, પણ આરોહી બાબત એક વાર બોલી ગયેલો : મને તેના હાથ પીળા કરવાની ઉતાવળ નથી. તેને લાયક, તેને ગમતો જુવાન મળે ત્યાં સુધી રાહ જોવાની મારી તૈયારી છે.

નિહાર તેની બહેન માટે કેટલો પ્રોટેક્ટિવ, સેન્સિટિવ છે! તેને જો મારી લાગણીની જાણ થાય તો કેવું લાગશે? મને અર્ણવભાઈ કહેતી આરોહી મને પતિ તરીકે કલ્પી શકશે?

શું કરવું? હૃદયની લાગણીઓને ભીતર જ કચડી નાખવી કે પછી વૅલેન્ટાઇન્સ ડેના મુરતમાં હિંમત કરીને ઇશારો તો આપી જ દઉં?

કોને ખબર આ વખતનો વૅલેન્ટાઇન્સ ડે મને ફળે પણ ખરો!

***

ધ બેસ્ટ મોમેન્ટ ઑફ વૅલેન્ટાઇન્સ ઈવ!

પંદરમીની સવારે અખબારના મુખ્ય પાના પર તસવીર પ્રગટ થઈ.

આ પણ વાંચો : કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 3)

સંધ્યા વેળા છે. ચોપાટીના દરિયામાં પગ ભીના કરતી યુવતી સમક્ષ જુવાન ઘૂંટણિયે ગોઠવાઈને રિંગ ધરી રહ્યો છે... જાહેર સ્થળે પિયુની પ્રેમભરી હરકત યુવતીને લજ્જાથી રાતીચોળ કરી મૂકે છે. આભમાં ફેલાયેલાં કેસરિયાં કિરણો, દરિયાનાં ધસી આવતાં મોજાં ને વીંઝાતા ઠંડા પવનની લહેરખીઓના મેળામાં એક થઈ જવા ઝંખતું યુગલ... આ ક્ષણથી વધુ રોમૅન્ટિક શું હોય? આ સોહામણું દૃશ્ય સ્પેશ્યલ એટલા માટે પણ છે કેમ કે યુવતી દૃષ્ટિહીન છે! અમારા ફોટોગ્રાફર આ તક ચૂક્યા નહીં. બાય ધ વે, યુવતીએ રિંગ સ્વીકારી લીધી, એટલું વિશેષ.

પછી તો સોશ્યલ મીડિયામાં આ તસવીર વાઇરલ થઈ. એમાં જોકે કપલનું નામ ક્યાંય નહોતું, પણ....

નિકિતાના ધ્યાનમાં તસવીર આવતાં તે ચમકી ઊઠી : અરે, આ તો અર્ણવ! (આવતી કાલે સમાપ્ત)

columnists