કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 3)

13 February, 2019 12:46 PM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 3)

પ્રતીકાત્મક તસવીર

મહોબતભર્યું મનડું

‘મારા સરોગેટ સંતાન માટે તમારું બીજ લેવાનું મેં નક્કી કર્યું છે.’ નિકિતા.

ધારણા બહારનું સાંભળીને અર્ણવ ડઘાયો.

‘યુ નો, ઇટ્સ પ્રિવિલેજ. તમે તમારા લાઇફટાઇમમાં આવી જાહોજલાલી રળીને તમારા સંતાનને આપી નથી શકવાના, પણ તમારો એક અંશ અહીંનો સર્વેસર્વા બનશે એ જેવીતેવી વાત છે! બટ યસ, તમારો તેના પર કોઈ હક નહીં હોય. વી વિલ ડેફિનેટ્લી હૅવ પ્રૉપર ઍગ્રીમેન્ટ ટુમોરો. બીજ આપીને તમારે ભૂલી જવાનું...’

શું ભૂલી જવાનું? અર્ણવના દિમાગમાં હડકંપ મચ્યો - કોન ભૂલવું, મારા અસ્તિત્વના અંશને? અરે! પહેલા સંતાનને કોણ ભૂલી શકે? પિતૃપદ માતૃત્વથી તસુય ઊતરતું નથી મૅડમ, પણ એ તમને નહીં સમજાય! તમે તો મા પણ ક્યાં છો? સંતાન પણ તમારા માટે ડીલ છે!

અર્ણવને એકાએક અરુચિ થઈ. બિઝનેસવુમન તરીકે નિકિતા ગમે એટલી પોટેન્શ્યલવાળી હોય, મા બનવાનું તેના સ્વભાવ-સંસ્કારમાં નથી. નિકિતાનું માતૃત્વ પોકારતું હોત તો બીજ માટે લાગણીભીની અરજ મૂકત. તેની ખરીદીમાં મમતા તો ક્યાંય પડઘાતી નથી! રસોઈવાળા મહારાજની પત્નીને તેણે ગામમાં જમીન-ઘર દઈને સરોગસી માટે મનાવી લીધી છે. પોતાના ફિગર-સમયના બચાવ માટે કૂખ ભાડે લેનારીની પ્રાયોરિટી તેના નિર્ણયમાં જ ઝળકે છે! અરે, બાળક પાંચ વરસનું થાય ત્યાં સુધી તેના ઉછેરનો ભાર પણ તેના માથે નાખનારીના ‘સંતાન’ની મને તો દયા આવે છે. તે બિચારું હેતભૂખ્યું જ રહેવાનું! નિકિતાનું આ રૂપ અભાવ સર્જે છે. જેનામાં મમતા નથી તે સ્ત્રી કેવી? આવી બાઈને હું મારું બીજ દઈ ન શકું, મારા જ અંશને હેત માટે વલખતું જોઈ ન શકું... અસંભવ!

‘આઇ ઍમ સૉરી...’

તેના શબ્દો ગોફણ બનીને નિકિતાને વાગ્યા. ‘શું કહ્યું?’ તે જરા તપી ગઈ.

‘તમે મારી વૅલ્યુ કરી મૅડમ, થૅન્ક યુ સો મચ; પણ હું સ્પર્મ ડોનર નહીં કરું.’

‘વૉટ!’ નિકિતાને નકારનો ધક્કો લાગ્યો, બીજું કોઈ કારણ સૂઝ્યું નહીં, ‘કરોડ ઓછા પડે છે?’

‘દરેક વસ્તુ પૈસાથી નથી ખરીદાતી મૅડમ એ તો તમારા જેવા અમીર ક્યારે સમજશે?’ અર્ણવ પણ સહેજ ઊકળી ઊઠ્યો. હું પૈસાભૂખ્યો હોઈશ એવું મૅડમે કેમ ધારી લીધું? હવે તો તેની આંખ ખોલવા જ દે,

‘સરોગસીમાં કૂખ ભાડાની હોય મૅડમ, માતૃત્વ તો બીજ દેનારી સ્ત્રી પાસે હોવું જોઈએને. તમારી પાસે તો મમતાની મૂડી જ નથી. એવી સ્ત્રીને કરોડ તો શું, અબજોમાંય હું મારો અંશ નહીં આપું.’

નિકિતા સડક થઈ ગઈ. મારી ઑફિસના પગારદારની આ હિંમત! સ્પર્મનો એક ડોઝ શું માગ્યો, આ માણસ મારું મૂલ્યાંકન કરતો થઈ ગયો? હાઉ ડેર હી. નિકિતા મહેતાને નકાર સાંભળવાની આદત નથી. એમાં મારું અપમાન કરીને અર્ણવ શાહે ડબલ ગુસ્તાખી કરી છે. આઇ વોન્ટ લિવ યુ ફૉર ધીસ.

નિકિતાના ઘવાયેલા અહમે ફૂંફાડો માર્યો, ‘તારા અંશ માટે હું મરી નથી જતી અર્ણવ. તારાથીયે બહેતર ઑપ્શન મને મળી રહેશે, બટ...’ તે ટટ્ટાર થઈ, નાખોરાં ફૂલી ગયાં. ‘મને નકારનારો મારી કંપનીમાં કામ નહીં કરી શકે.’ તેણે દરવાજો દેખાડ્યો, ‘યુ આર ફાયર્ડ!’

તેની છાતી હાંફતી હતી, ચહેરો ક્રોધથી લાલચોળ બન્યો હતો. આ સ્ત્રીને કરગરવું બેઅર્થ છે. મને પણ મારું સ્વમાન વહાલું છે. મારી લાયકાતમાં મને ભરોસો છે. તેય ઊભો થઈ ગયો, ‘તમે શું દરવાજો દેખાડતાં હતાં, હું જ તમારી નોકરીને લાત મારું છું!’

ધમધમાટભેર તે નીકળી ગયો, પણ શબ્દોની એ લાત મોં પર લાગી હોય એવી ખળભળી ઊઠી નિકિતા! કોઈ મને આમ પૂંઠ દેખાડી જ કેમ શકે? તેની એંટ તો જુઓ! નો બડી કૅન સે નો ટુ નિકિતા મહેતા... અને આ માણસ મને નકારી શબ્દોથી ફિટકારી ગયો?

નો, યુ વિલ પે ફૉર ધીસ અર્ણવ, ડેફિનેટ્લી!

***

‘વૉટ!’ સિમરન માની ન શકી.

અર્ણવે ડોક ધુણાવી. નિકિતા સાથે તડાફડી પછી વૅલેન્ટાઇન્સ ડેનો રોમૅન્ટિક મૂડ રહ્યો નહોતો. નિકિતાને કહ્યા મુજબ સિસ્ટમમાં રિઝાઇન મૂકીને પોતે સીધો જ સિમરનને ત્યાં પહોંચ્યો. પહેલેથી છેલ્લે સુધીનો ઘટનાક્રમ એકશ્વાસે વર્ણવીને અર્ણવ શ્વાસ લેવા થંભ્યો ને સિમરનનું રીઍક્શન આવ્યું - વૉટ! હૉલમાં હાજર તેના પેરન્ટ્સ પણ ડઘાયા.

અર્ણવે સિમરનનો પહોંચો પસવાર્યો, ‘આઘાત લાગે એવું જ બન્યું છે સિમરન. નિકિતાનું અંગત રૂપ વરવું નીકળ્યું. હું મારા પિતૃત્વનો સોદો કેમ કરી શકું? મારો અંશ તો તને જ હોયને. એ હક બીજી કોઈ પણ સ્ત્રીને કેમ આપું?’

‘શાબાશ...’ દેવયાનીબહેન બોલી ઊઠ્યા. સિમરને હળવેથી હાથ સેરવી લીધો.

રમણીકભાઈએ ટાપશી પૂરી, ‘તમારા જેવા હોનહાર જુવાન માટે તકની ક્યાં કમી છે?’

સાંભળીને હળવાશ અનુભવતા અર્ણવનો હાથ પોતાના ગજવા તરફ વળ્યો. રિંગની ડબ્બીને સ્પર્શતાં ઝણઝણાટી વ્યાપી ન વ્યાપી કે...

‘તક તો તેમને મળી હતી ડૅડી, જેને પોતે જ વેડફી આવ્યા.’

સિમરનના વાક્યે અર્ણવનો હાથ ગજવામાં ડબ્બી પર જ ચોંટી ગયો. તેના શબ્દોમાં વ્યંગ અને વાણીમાં કડવાશ કેમ લાગે છે?

‘તમે સાચું કહ્યું અર્ણવ... આઘાત લાગે એવું જ બન્યું છે. મને પણ ઊંડો આઘાત લાગ્યો છે; પણ એ નિકિતાના પ્રસ્તાવનો નહીં, તમે ઇનકાર કર્યો એનો!’

હેં! અર્ણવનો હાથ આંચકાભેર ગજવામાંથી નીકળી આવ્યો - ખાલી!

‘આજના જમાનામાં એક કરોડ આપણા માટે તો અધધધ જ ગણાય. કોઈ શાણો માણસ હોત તો એકના બે કરોડનો ભાવતાલ કરત ને મેળવત પણ ખરો. નિકિતાની ગરજનો લાભ લેવામાં તમે કેમ ચૂક્યા?’ સિમરન ઊકળી ઊઠી.

સિમરન અભાવમાં ઊછરી હોય કે પછી અમીરીની પ્રબળ લાલસા તેને હોય એવું નહોતું; પણ હા, કરીઅર ઓરિયેન્ટેડ છોકરી ફાઇનૅન્સ ભણેલી એટલે આર્થિક પાસું પ્રથમ જોવાની ટેવ થઈ ગયેલી. સિમરનના દૃષ્ટિકોણનો અંદાજ હતો, પણ એથી તે ગલતને પણ સહી ઠેરવવા માગે એવી ધારણા નહોતી અર્ણવને.

‘છોગામાં જનાબ નોકરી છોડીને આવી ગયા! અર્ણવ, નિકિતાએ માગી-માગીને શું માગ્યું - તમારા શુક્રાણુનો એક ડોઝ? એની આટલી શું હાય-હાય!’

કોણ સિમરન આ બોલે છે? આવું માને છે! સ્ત્રીના આજે કેવાં-કેવાં રૂપ મને જોવા મળે છે! આ તો ઠીક છે, હવે વિજ્ઞાન આગળ વધ્યું છે. બાકી આવા કારણસર મારે નિકિતા સાથે દેહસંબંધ બાંધવો પડ્યો હોત તો એનીયે દરકાર ન હોત સિમરનને?

‘કોઈની ગરજનો લાભ કે ગેરલાભ લેવાના મારા સંસ્કાર નથી. મારા અસ્તિત્વના અંશની માગણી પરસ્ત્રીએ મૂકી ને તને એ કેવળ શુક્રાણુના એક ડોઝ જેવી લાગતી હોય સિમરન, એ પણ સામે મળતા રૂપિયાને કારણે તો મારા ખ્યાલથી મારે કંઈ જ કહેવાનું રહેતું નથી.’ હળવા નિસાસાભેર અર્ણવ બોલ્યો.

રમણીકભાઈ ફિક્કા પડ્યા, દેવયાનીબહેન ફફડી ઊઠ્યાં.

‘થોડી વાર પહેલાં નિકિતાને કહ્યું, હવે તને કહું છું - આઇ ઍમ સૉરી.’ તેના સૉરીમાં સંબંધના અંતની દિલગીરી હતી.

‘નિકિતાનો આભારી છું. તેણે મને પસંદ કર્યો એટલે નહીં, તને ખૂલવાની એક તક આપી એટલે...’

‘તમે જવા માગો છો, જઈ શકો છો અર્ણવ.’ સિમરને અક્કડતા દાખવી, ‘પણ જતાં પહેલાં એટલું સાંભળતા જાઓ. તમને અઠવાડિયાની મુદત આપું છું. હજીયે નિકિતાનું ધાર્યું આપીને મારું ધાર્યું મેળવી શકો તો હું તમારી, નહીંતર...’ તેનો સ્વર સહેજ ધ્રૂજ્યો, ‘હું અન્યત્ર પરણી જઈશ.’

ઇમોશનલ બ્લૅકમેઇલિંગ. સિમરન મારા માટે નહીં, એક કરોડની બોલી માટે કેટલી ડૅસ્પરેટ છે! અર્ણવે રમણીકભાઈ-દેવયાનીબહેનને નિહાળ્યાં, ‘અંકલ-આન્ટી, દીકરીનાં લગ્ન મુબારક હો.’

કહીને સિમરન તરફ નજર સુધ્ધાં માંડ્યા વિના અર્ણવ ત્યાંથી નીકળી ગયો. સિમરન ધબ દઈને બેસી પડી.

***

એ રાત્રિ ત્રણ જગ્યાએ ઉજાગરામાં વીતી.

- સિમરન સાથે સંબંધ તોડીને ઘરે આવેલો અર્ણવ ખૂબ રડ્યો હતો. પોતાની ગલતી ક્યાંય વર્તાણી નહીં. નિકિતા તો ઠીક, સિમરનને પોતે કેમ ઓળખી ન શક્યો? લગ્નમાં હજી વાર છે એવું કહ્યું ત્યારે જ મારી આંખો ખૂલી જવી જોઈતી’તી. આર્થિક સલામતી માટેનો તેનો અભિગમ એક હદ સુધી ગળે ઊતરે, એથી મારો અંશ દેવામાં પણ તેને ફરક ન પડતો હોય એ દૃષ્ટિકોણ કેમ સ્વીકાર્ય બને? જેને હું અડધું અંગ માનતો-સમજતો હતો તેને મારા અંશની દરકાર પણ ન હોય એ સ્ત્રી મારી પ્રેયસી ન હોઈ શકે! પોતાના નિર્ણયની અર્ણવને દ્વિધા નથી. એમ ઊંડે-ઊંડે આશા પણ છે - કાશ સિમરનને પોતાનો વાંક-ભૂલ સમજાય ને તે સ્વયંને સુધારીને પાછી આવે...

- નો વે! આ બાજુ કરવટ બદલતી સિમરન પણ મક્કમ છે - હું હવે અર્ણવની થઈ ન શકું! બેશક, અર્ણવ સંવેદનાનો માણસ છે એની સમજ હતી, પણ અ વન્સ ઇન અ લાઇફટાઇમ જેવી ઑફર ઠુકરાવે એ કેમ સહન થાય! રૂપિયા-પૈસાનું દાન કરીને આપણે ભૂલી નથી જતા? એમ વીર્યનું દાન દઈને ભૂલવામાં શું આભ તૂટી પડ્યું! આમાં મારા બોલનું એટલું ખોટું લાગ્યું કે સંબંધ તોડીને જતા રહ્યા! અહં, આટલા ઓવર-સેન્સિટિવ પુરુષ સાથે હું આમેય સુખી થઈ ન હોત. માતા-પિતાએ જોકે મને ઠપકારી, સાથે ગાળેલા સારા સમયને સાંભરીને નિર્ણય બદલવા કહ્યો; પણ સિમરનથી સંમત નહોતું થવાયું... ગુડ બાય અર્ણવ! સિમરને હૃદયબારી બંધ કરી દીધી.

- ત્રીજે, આલીશાન પલંગ પર પોઢેલી નિકિતા એટલી જ તડપે છે. અર્ણવની ગુસ્તાખી જંપવા નથી દેતી. આજ સુધી કોઈની હિંમત નથી થઈ કે નિકિતા મહેતાને ફટ દઈને નકાર સંભળાવી દે! અરે, એ પણ સ્પર્મનાં થોડાં ટીપાં માટે? માય ગૉડ, આઇ સ્ટીલ કાન્ટ બિલીવ ઇટ!

તેં નિકિતાને છંછેડી છે અર્ણવ, એની કિંમત તો તારે ચૂકવવી રહી. તેં મને મમતાહીન કહી તો હવે હું ક્રૂરતાની હદ સુધી જઈશ. મારા વારસ માટે હું તારાથી ક્યાંય ચડિયાતા પુરુષનું બીજ ખોળી લઈશ; પણ તું કદી બાપ નહીં બની શકે અર્ણવ એનો ઇન્તેજામ હું જરૂર પાર પાડવાની, ટેક માય વર્ડ્સ!

ઘવાયેલા અહમ્ને વેરની દિશા મળી અને પરોઢ થતાં સુધીમાં તો નિકિતાએ પ્લાન ઘડી પણ કાઢ્યો!

***

‘વિવાન, આપણે હિમાચલમાં નવું પ્રોડક્શન યુનિટ શરૂ કરી રહ્યા છીએ, ઇફ યુ નો. એનો હોલ ઍન્ડ સોલ ઇન્ચાર્જ હું તને બનાવવા માગું છું.’

હેં. વિવાનનું બગાસું અડધે અટકી ગયું. વહેલી પરોઢમાં મૅડમ ફોન રણકાવીને તાત્કાલિક ઘરે આવી જવા કહે એ જેટલું અણધાર્યું હતું એવો જ આ પ્રસ્તાવ છે. મારી એવી કૅલિબર નથી એ મૅડમ જાણે છે. તોય આટલી ફેવર કરવાનું કારણ?

‘યુ આર રાઇટ.’ બંગલાના મીટિંગ હૉલની ખુરસી પર આરામથી ગોઠવાયેલી નિકિતાએ સામી ટિપોય પરથી કૉફીનો મગ ઊંચક્યો. ‘દુનિયામાં કંઈ આપ્યા વિના કશું મળતું નથી. તને તારી આબાદી ખપતી હોય તો એક આદમીને બરબાદ કરવાનો છે.’

વિવાન ટટ્ટાર થયો, ‘મારી આબાદી માટે એક શું, એકસોને હું બરબાદ કરી શકું!’

સાંભળીને નિકિતાના વદન પર પ્રસન્નતા છવાઈ - ત્યારે તો પ્યાદું પસંદ કરવામાં મેં થાપ નથી ખાધી. અર્ણવ, તું તો હવે ગયો!

***

અર્ણવે રાતોરાત નોકરી છોડ્યાનું રહસ્ય કંપનીમાં ચર્ચાનો વિષય બની ગયું.

‘હી વૉઝ ફ્રૉડ. લાયઝનિંગની રકમ ખુદ ચાંઉ કરી જતો હોવાનું મૅડમના ધ્યાનમાં આવતાં તેમણે દરવાજો દેખાડી દીધો!’

‘અંદરની વાત’ના નામે વિવાને એટલા આત્મવિશ્વાસભેર પ્રચાર આદર્યો કે અર્ણવની કરણી સર્વસ્વીકૃત બની ગઈ. ‘હજીયે તેના પ્રત્યે જેને હમદર્દી હોય તે પણ જઈ શકે છે એવી મૅડમની સ્પષ્ટ સૂચના છે.’

આવું સાંભળ્યા પછી અર્ણવને ભૂલવામાં જ સૌએ સાર જોયો!

***

અઠવાડિયાની મુદત પૂરી થઈ. અર્ણવ ન દેખાયો. એક ફોન સુધ્ધાં નહીં. માતા-પિતાની સમજાવટ કામ ન લાગી. સિમરને અર્ણવ વિના જીવનમાં આગળ વધવાનું નક્કી કરી લીધું.

આ બાજુ અર્ણવે પણ જાતને સંભાળીને સ્વસ્થતા કેળવી. સિમરનની રાહ જોવાનો અર્થ નહોતો. દેવયાની આન્ટીએ ફોન કરીને તેનો મૂવ ઑન થવાનો નિર્ણય સંભળાવીને માફી માગી હતી : ભૂલ સિમરનની છે. તેને ક્ષમા કરીને તમે જીવનમાં ખૂબ સુખી થાઓ એવા મારા આશીર્વાદ છે.

અર્ણવની પાંપણેથી બૂંદ ખરી પડી. અશ્રુ લૂછીને તેણે પણ નવી કેડી કંડારવાનું નક્કી કરી લીધું. પ્રથમ તો નવા કામમાં જાતને વ્યસ્ત કરી દેવી છે! ત્રણ-ચાર જગ્યાએ અરજી નાખી છે, સ્ટાર્ટઅપ માટેનું પણ પ્લાનિંગ ચાલુ છે...

ધીરે-ધીરે વ્યસ્તતા તેને પૂર્વવત્ કરતી ગઈ. રોજ સવારે જૉગિંગ જવાનું શરૂ કર્યું અને...

***

આ પણ વાંચો : કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 2)

પરોઢની વેળા ગલીની બહાર નીકળતા અર્ણવને જાણે ક્યાંથી પ્રગટેલા ચાર-છ ગુંડા ઘેરીને ધડાધડ પીટવા માંડ્યા. અર્ણવને પ્રત્યાઘાતનો અવકાશ સુધ્ધાં ન મળ્યો. માથામાં લાકડીનો ઘા કરીને પટકી દીધો. તેના પગ પરથી બે-ચાર વાર મોટરબાઇક ફેરવીને આંખે અંધારાં આણી દીધાં. બેહોશ થતા અર્ણવને એટલું સંભળાયું : જલદી કર, હજી તો આનું ગુપ્તાંગ વાઢવાનું છે!

થરથરાટી પ્રસરી ગઈ. અર્ણવે હોશ ગુમાવ્યા.

- એ જ વખતે કોઈ દોડી આવ્યું. તે નિહા૨ હતો. (ક્રમશ:)

columnists