કથા-સપ્તાહ : રંગ દે ચુનરિયા (હોલી કે દિન... - 3)

20 March, 2019 01:04 PM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : રંગ દે ચુનરિયા (હોલી કે દિન... - 3)

રંગ દે ચુનરિયા

હોલી કે દિન...

હવે શું?

તારિકાના મનમાં ઊથલપાથલ મચી છે. આજે પોતે જૉગર્સ પાર્કમાં ટાઇમ કિલ કરતી હતી ત્યાં ચમકવા જેવું થયું. તેણે ઋત્વીને પાર્કમાં પ્રવેશતી જોઈ. તેની પાછળ જુવાન પ્રવેશ્યો ને બન્ને ભેગાં થઈ બાંકડે ગોઠવાયાં.

પળવાર તો મનાયું નહીં. આ સમયે તો ઋત્વી કૉલેજમાં હોય. ક્લાસ બંક કરી જુવાન સાથે પાર્કનું એકાંત ખોળવાનો મતલબ કેવો ભયંકર હતો! ઋત્વી કોઈના પ્રેમમાં છે? માય ગૉડ, એવું કદી લાગ્યું નથી. ઘરમાં કોઈને જેની ગંધ સુધ્ધાં નથી એ ભેદ આંખે ચડ્યો જ છે તો એની પૂરી ભાળ કાઢવા દે... ઋત્વીની નજરે ન ચડે એમ તે વૃક્ષની બીજી બાજુ ગોઠવાઈ. ચુંબનનો બુચકારો સંભળાતાં પરખાઈ ગયું કે યુપીના જુવાન જોડે છોકરી ઘણી આગળ વધી ગઈ છે! હવે શું?

‘બાપ રે. સાડા અગિયાર થઈ ગયા.’

ઋત્વીના અવાજે તારિકા વિચારવમળમાંથી બહાર નીકળી.

‘ફ્રેન્ડ્ઝને પેટમાં દુખતું હોવાનું કહી કૉલેજથી નીકળી છું, કૉલેજ છૂટતાં કામિની-ધારિણી ઘરે ટપકી પડે એ પહેલાં હું પહોંચી જાઉં...’

પિયુનો ગાલ ચૂમી ઋત્વી નીકળી. બન્ને સાથે આવવા-જવાનું ટાળતાં; ઋત્વીને એમાં ઝડપાઈ જવાનો ડર રહેતો. બે-ત્રણ મિનિટ પછી અજિત પણ નીકળી જાત, પણ આજે કુદરત જુદો જ ઘાટ ઘડી બેઠી હતી.

‘ક્યા યાર! નઈ તિતલી ફસાઈ ક્યા?’

તારિકા ચમકી. જરાતરા જેવું ડોકિયું કર્યું. ઓહ, અજિતનેા હમઉમ્ર જેવો કોઈ જુવાન મિત્ર તેને પૂછી રહ્યો છે! પણ તિતલી ફસાવી એનો શું અર્થ? ઓહ, ક્યાંક તે ઋત્વી માટે તો નથી બોલતોને! નહીં, ઋત્વીએ પસંદ કરેલા પાત્રમાં ખોટ હોય તો મારે એ ઝડપવી રહી! ઋત્વીને ઉગારવા જ કુદરતે આવો જોગ ગોઠવ્યો. હોઠ ભીડી તારિકાએ મોબાઇલનું વૉઇસ રેકૉર્ડિંગ બટન દબાવી વાર્તાલાપ રેકૉર્ડ કરવા માંડ્યો.

***

‘અરે, ઉધમ, તું! બૈઠ યાર - તું તો ગાંવ ગયા થા ના. કૈસે હૈ સબ કાનપુરમેં?’

‘બસ સુખરૂપ છે. તારાં બીવી-બચ્ચાં પણ મજામાં છે.’

‘હાં, ઉનસે તો બાત હોતી રહેતી હૈ. આ પણ કેવું. આપણે અહીં, પરિવાર ત્યાં.’

‘ચલ, અબ જ્યાદા સેન્ટી મત બન. બોલ આ છોકરી કોણ હતી? નવો શિકાર?’

‘એમ જ સમજ. જવાનીની આગ ઠારવા જાળ નાખવી પડે. સાચું કહું તો ધંધેવાલી ઔરતોમાં આવો લુત્ફ નથી મળતો.’

‘કાશ, તારા જેવી આવડત હોત તો અમનેય મોજ હોત. આ તિતલી જોડે કેટલેક પહોંચ્યો?’

‘ઋત્વી વધુપડતી સંસ્કારી છે એટલે લોકલ ટ્રેન જેવું લાગે છે. ચુંબનનું સ્ટેશન વટાવ્યું છે. હવે રફતાર પકડવી રહી. ત્રણ-ચા૨ મહિનાનું ઇન્વેસ્ટમેન્ટ વસૂલવું તો પડશેને.’

રેકૉર્ડિંગ પૂરું થતાં તારિકાએ મોબાઇલ ઓફ કર્યો‍. ઋત્વી થરથર ધ્રૂજતી હતી. અહર્નિશની આંખોમાં અંગારા દહેકતા હતા - વૉટ ધ હેલ ઇઝ ધીસ!

તારિકાને અહર્નિશના ગુસ્સાની જ બીક હતી... પણ સવારે અનાયાસે જે જાણ્યું એ પછી ચૂપ રહેવાય એમ નહોતું.

ના, પ્રેમ બૂરો નથી. ઋત્વી લાયક પાત્ર જોડે પ્રણયબદ્ધ હોત તો પોતે ખુશીથી તેના પડખે ભી રહેત, પણ અજિત તો રાક્ષસ છે. નાદાન કન્યાઓને માછલીની જેમ જાળમાં ફસાવતો, ફોસલાવતો શિકારી છે. તેનું ધ્યેય તો કેવળ ઋત્વીનો ઉપભોગ કરવાનું છે. ઋત્વીને લગ્નના વાયદા કરનારો પોતે પરણેલો છે, અરે, તેને બાળકો પણ છે!

અંહ, ઋત્વીની આંખો ખોલવી રહી. જરૂર પડ્યે અજિત જેવાને પહોંચી વળવા અહર્નિશને પણ વિશ્વાસમાં લેવા હિતાવહ છે. હા, અત્યારે પપ્પા-મમ્મીને ટેન્શન નથી આપવું...

એટલે રાબેતા મુજબ ઘરે આવી તારિકાએ તેમના માટે તાજેતરની બહુ વખણાયેલી ગુજરાતી મૂવી જોવાનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો... તેમના નીકળ્યા બાદ બૅન્કથી આવેલો અહર્નિશ ફ્રેશ થઈ રહ્યો, ચા-નાસ્તો પતાવ્યા ત્યાં સુધી તારિકાએ કોઈને ભનક ન આવવા દીધી કે કેવો દારૂગોળો પોતે આજે સંઘરીને બેઠી છે!

બેશક, ઋત્વી બાબતનો ધડાકો કરતાં એના છાંટા પોતાના પર પણ ઊડવાની તારિકાને સમજ હતી. બહેનની કરણીનો આઘાત પચ્યા પછી અહર્નિશને ચોકકસ સવાલ થવાનો કે એ સમયે તું જૉગર્સ પાર્કમાં શું કરતી હતી? સ્કૂલને બદલે ત્યાં ક્યાં પહોંચી ગઈ?

જવાબમાં સત્ય કહ્યા વિના મારો આરો નહીં હોય. નોકરી બાબતનું મારું જૂઠ ઉઘાડું પડી જવાનું, જાણે પછી અહર્નિશની પ્રતિક્રિયા શું હોય!

પણ એથી ઋત્વી પ્રત્યે મારી ફરજમાંથી હું કેમ ચૂકું? અરે સ્ત્રી તરીકે નાદાન કન્યાને વિકારી પુરુષની જાળમાં ફસાતી કેમ જોઈ શકું? ના, આમાં મારાં મમ્મી-પપ્પાને પણ પૂછવાનું ન હોય. સાસરીનો ભેદ પિયરમાં ખોલાય નહીં એટલી શીખ તો માએ જ મને આપી છે. વહુ તરીકે ઘરની આબરૂ સાચવવાની જવાબદારી પહેલી, આજે હું મારા સ્વાર્થે ચૂપ રહી તો કદી અહર્નિશની ચાહત ૫ર દાવો નહીં કરી શકું! આવું તો થાય જ કેમ? એટલે પહેલાં તો ઘરનાં બારી-બારણાં બંધ કરી તેણે ભાઈ-બહેનને હૉલમાં બેસાડ્યાં - તમને કંઈ કહેવું-સંભળાવવું છે.

‘ભાભી, કોઈ ફિલ્મ દેખાડવાનાં લાગે છે.’ ઋત્વી હસેલી પણ ખરી.

જોકે ‘ફિલ્મ તો આજે મેં જૉગર્સ પાર્કમાં જોઈ’થી શરૂ કરી તારિકાએ બૉમ્બશેલ જેવા ફોડ્યા.

પોતાનો ભેદ ખુલ્લો થતાં ઋત્વી ફિક્કી પડી, ક્રોધથી મુઠ્ઠી વાળતા ભાઈની બીક લાગી.

‘ભ... ભાઈ, અજિત સારો ઘરનો, સંસ્કારી જુવાન છે.’ શોષવાતા સ્વરે આટલું કહ્યું એમાંય તારિકાએ કાતર જેવી ફેરવી,

‘સારા ઘરનો, સંસ્કારી જુવાન પરણેલો પણ છે ને એકથી વધુ બાળકોનો બાપ પણ છે!’

હેં. ઋત્વી ખમી ન શકી, ‘વાહ ભાભી, તમે પરણીને બેસી ગયાં એટલે બીજાના પ્યારમાં ફાચર મારવાની?’

‘હું ફાચર નથી મારતી મારી બહેની, મારી પાસે પુરાવો છે.’

કહી તેણે મોબાઇલનું વૉઇસ રેકૉર્ડિંગ ચાલુ કરતાં ઘરમાં સ્તબ્ધતા છવાતી ગઈ. અજિતનો અવાજ ઓળખી ગયેલી ઋત્વી સમક્ષ પ્રણયની પોકળતા ઉઘાડી પડી ગઈ. હૈયું ભાંગ્યું, સમણાં તૂટ્યાં. અશ્રુ વહ્યાં. અત્યારે, ટેપ પતતાં સુધીમાં તેણે હથેળીમાં મોં છુપાવી દીધું.

‘હવે શાની મોં છુપાવે છે!’ અહર્નિશનો ગુસ્સો ફાટ્યો. નાની બહેન તેની લાડકી. પોતે કસર કરીને તેના શોખ પૂરા કરતો. કેટલાં અરમાન હતાં તેનાં લગ્નનાં. એ ૩-૪ મહિનાથી કોઈ છોકરા જોડે ફરતી હતી? આવો વિશ્વાસઘાત! આ જ તારા સંસ્કાર?

‘મમ્મી-પપ્પાની કેળવણીને વગોવાનો તને શું હક હતો?’ અહર્નિશે ઉગામેલા હાથને તારિકાએ અધવચાળ રોકી પાડ્યો, ‘આ શું કરો છો, અહર્નિશ! ઋત્વીએ તો મહોબત કરી, ધોકેબાજ તો પેલો અજિત નીકળ્યો.’ તેણે રડતી ઋત્વીને બાથમાં લીધી, ‘અત્યારે ઋત્વીને આપણી હૂંફની જરૂર છે, અહર્નિશ, તમારે તો ચટ્ટાનની જેમ તેના પડખે ઊભા રહેવાનું છે.’

એથી તો વધુ હીબકા નાખી ઋત્વી ભાભીને વળગી. ભાભીએ જે કર્યું, મારા હિતમાં કર્યું એટલું સમજાતું હતું. મમ્મી-પપ્પાનેય આઘાત ન લાગે એ માટે તેમણે કેવી ચતુરાઈથી ફિલ્મ જોવા મોકલી આપ્યાં.

‘પપ્પા-મમ્મીને જાણ કરવી પણ શું કામ? નાહક બિચારાં દીકરીની ચિંતામાં અડધાં થઈ જશે.’

કહેતી પત્નીના ઇશારે અહર્નિશે બહેનને બાથ ભીડી, ‘જે થયું એ ભૂલી જા, ઋત્વી. હવે એ મવાલી તારા અસ્તિત્વમાં ક્યાંય નહીં જોઈએ.’

‘પ્રૉમિસ, ભાઈ’ ઋત્વીએ ડૂસકો નાખ્યો. ‘આઇ ઍમ સૉરી’

થોડી વાર તેને રડવા દીધી. તારિકા પાણી લઈ આવી. અશ્રુવાટે આઘાત વહાવી ઋત્વી જરાતરા સ્વસ્થ થઈ. અજિત સાથે સંબંધ કેવી રીતે બંધાયો એનો ખુલાસો કરી ઉમેર્યું ‘બદમાશ પરણેલો છે એવું કદી જતાવ્યું નહીં.’

‘કેમ કે એ અનુભવી ખેલાડી છે. અગાઉ પણ શિકાર ફસાવી ચૂક્યો છે એવું એના મોઢે તો આપણે સાંભળ્યું. આપણા માટે સવાલ એ છે કે હવે શું?’

‘ભાભી, વિશ્વાસ રાખજો, આજ ફરી હું તેનું મોં નહીં જોઉં.’ ઋત્વીના રણકામાં ખાતરી હતી, એક ચોટે આવેલું શાણપણ હતું.

‘એ તો ખરું જ ઋત્વી, પણ...’ તારિકાએ પતિને નિહાળ્યો, ‘તેની પાસે તારા કોઈ ફિલ્મ યા ફોટા...’

બાપ રે. ઋત્વી થથરી, અહર્નિશ સમસમી ગયો.

‘અમારી સજોડે સેલ્ફી તો ખરી, ભાભી,’ યાદ આવતાં વળી ઋત્વી ધ્રુસકે ચડી, ‘હું હવે ભાવ નહીં આપું તો બદમાશ ફોટા ફરતા કરવાની ધમકીથી તેને જોઈતું માગી શકે ખરો! ’

‘એવું ન થાય એટલે હમણાં તો તારે તેને ભૂલવામાં જ રાખવો પડશે, ઋત્વી...’ તારિકાએ વિચારી રાખેલું કહેવા માંડ્યું. ‘ત્રણ દિવસ પછી હોળી છે. કૉલેજમાં હોળી-ધુળેટીની રજા સાથે એક્ઝામનું રીડિંગ વેકેશન સ્ટાર્ટ થશે, બસ, તારી પાસે આ ત્રણ દિવસનો સમય છે. આ મુદત અજિતના પણ ધ્યાનબહાર નહીં હોય. તું તેને રોજની જેમ મળતી રહે. તે તને રૂમ પર તાણી જવાના તેના પ્રયત્નો આદરશે, તારે તારી ચાલ ખેલવાની છે. અજિતના મોબાઇલનો કબજો લઈ એનો ડેટા ડિલીટ કરી દેવાનો. પછી એ ગમે એટલું ફડફડે, કશું કરી શકવાનો નહીં!’

‘ઓહ. યુ આર જિનિયસ ભાભી. આટલું તો હું કરી શકીશ.’

‘હું અને તમારા ભાઈ તમારી આજુબાજુમાં જ રહીશું, અજિતની કોઈ ચાલ ફાવવા નહીં દઈએ.’

- અને ખરેખર ત્રીજી બપોરે શિવાજી પાર્કના દરિયાકાંઠે અજિતને પ્રેમાલાપમાં ગૂંથી ઋત્વીએ સિફતથી તેનો મોબાઇલ બ્લૅન્ક કરી નાખ્યો. તેણે થમ્બ દેખાડતાં દૂરથી નજર રાખતાં અહર્નિશ-તારિકાના વદન પર રાહત પ્રસરી ગઈ.

‘હવે આપણી ઋત્વી સેફ છે.’ અહર્નિશે તારિકાનો હાથ હાથમાં લીધો, ‘એનું શ્રેય તને જાય છે. તેં જે રીતે આખી પરિસ્થિતિ હૅન્ડલ કરી, એ મારાથી પણ ન બન્યું હોત.’

તારિકાએ તૃપ્તિ અનુભવી.

‘જોને, આ ત્રણ દિવસ પણ તેં રજા પાડી-’ બોલતાં અહર્નિશને ઝબકારો થયો, એની ચમક પારખતી તારિકાને થયું ઝંઝાવાતની ઘડી આવી ગઈ.

‘અરે, તારિ, આ બધી ધમાલમાં તને પૂછવાનું સૂઝ્યું નહીં. તું એ દિવસે જૉગર્સ પાર્કમાં શું કરતી હતી? આઇ મીન, સ્કૂલમાંથી ટ્રિપ લઈ ગયેલા?’

ફાઇનલી ધ ક્વેશ્ચન. તારિકાએ ઊંડો શ્વાસ લીધો,

‘મારા ત્યાં હોવાનું કારણ હું બે દિવસ પછી કહું તો ચાલશે?’

અહર્નિશને સમજાયું નહીં - મતલબ?

‘મતલબ એ કે કાલે હોળી અને પરમ દહાડે ધુળેટી-મારો ફેવરિટ ફેસ્ટિવલ.’ તારિકાએ અહર્નિશની નજરોમાં નજર પરોવી, ‘જાણો છો, મારું તો સમણું રહ્યું છે કે ધુળેટીમાં પહેલો રંગ મારો પતિ મને નાખે, મારી કોરી સફેદ ચુનરીને લાલ, પીળા, લીલા રંગોથી એવી રંગી દે કે સાત જન્મો સુધી એ પ્રીતિનો રંગ ઊતરે નહીં.’

અહર્નિશ અભિભૂત બન્યો.

‘એવું જ હોય તારિકા, તો આપણી આ પહેલી ધુળેટી આપણા માટે એવી જ યાદગાર બની રહેશે.’

એમાં મને શંકા નથી, અહર્નિશ... તારિકાના ચિત્તમાં પડઘો પડ્યો. ફડક એટલી જ છે કે બાદમાં મારી નોકરીનું સત્ય જાણ્યા પછી ક્યાંક એ સજોડે આપણી છેલ્લી ધુળેટી તો ન બની રહેને!

ત્યારે અહર્નિશ જુદું જ વિચારતો હતો - સ્કૂલમાંથી જૉગર્સ પાર્ક જવામાં એવું કયું સીક્રેટ મિશન હશે કે તારિકા ધુળેટી સુધી ખમી જવા કહે છે? અરે એ જાણવું તો આસાન છે. તારિના મોબાઇલમાં તેના પ્રિન્સિપાલ મૅડમનો નંબર હોવાનો. તેમને કૉલ જોડી આડકતરી રીતે પૂછી લઈશ તો તેનું સીક્રેટ મળી લીધાની બેવડી સરપ્રાઇઝ તારિને ધુળેટી પર અપાય કે નહીં!

અહર્નિશનો ચહેરો ખીલી ઊઠ્યો.

***

હોલી હૈ!

ડમરું-નગારાં બાજી ઊઠ્યાં. સંધ્યાટાણે હોલિકા પ્રાગટયના મુરતની ઘડીઓ ગણાઈ રહી છે. અહર્નિશ વગેરે રહેતાં એ હરિવદન સોસાયટીના નિવાસીઓ મધ્યમ વર્ગીય, છતાં, અથવા કદાચ એટલે પણ, તહેવારો હળીમળી મનાવતા. તારિકાને તો અહીં પિયરની ચાલીની જ ખુશબૂ આવતી.

આ પણ વાંચો : કથા-સપ્તાહ : રંગ દે ચુનરિયા (હોલી કે દિન... - 3)

આજે પણ કમ્પાઉન્ડમાં હોલિકા તૈયાર છે, મહિલા વર્ગ પૂજા માટે પધારી રહ્યો છે. કાલે સવારથી બપોર સુધી સૌ અહીં જ રંગોત્સવ મનાવશે, ત્યાર બાદ જમણવાર પતાવી છૂટાં પડવાનું છે. સાસરાની પહેલી હોળી તારિકાએ મન ભરી માણી લેવી છે. કાલે ધુળેટીની ઉજવણી પછી પોતે નોકરી બાબતનું સત્ય અહર્નિશને કહી દેવાનું છે, એને લગતો અજંપો હાલપૂરતો તો ભીતર ક્યાંક દફનાવી દીધો છે.

‘ચાલ, ઋત્વી, મમ્મી-પપ્પા ક્યારનાં નીચે ઊતરી ગયાં, આપણે ક્યાંક મોડાં ન પડીએ... અહર્નિશ તમે શ્યૉર નથી આવતા?’ પૂજાની થાળી લઈ ઘર બહાર નીકળતાં તારિકાએ પૂછ્યું.

‘તમે પૂજનવિધિ પતાવી આવો, આપણે તો કાલે જોરશોરથી રંગોથી રમીશું.’

અહર્નિશની લઢણમાં છુપાયેલો પ્રણય, શરારત તારિકાના હૈયે મીઠી ગુદગુદી કરી ગયાં.

***

તારિકા-ઋત્વી નીકળ્યાં એટલે દરવાજો બંધ કરી અહર્નિશ રૂમમાં પહોંચ્યો. તારિકા તેનો મોબાઇલ ચાર્જિંગમાં મૂકી ગઈ હતી. એમાં કલ્યાણીદેવીનો નંબર ખોલી અહર્નિશે ડાયલનું બટન દબાવ્યું. કલ્યાણીદેવી દ્વારા પત્નીનો કયો ભેદ ખૂલવાનો છે એની ત્યારે કલ્પના સુધ્ધાં નહોતી! (ક્રમશ:)

columnists Sameet Purvesh Shroff