23 July, 2025 04:38 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘અટેન્શન એવરીવન!’
બીજી સવારે બ્રેકફાસ્ટ પર સોનલે ખુશખબર કહ્યા, ‘આજના ‘મિડ-ડે’ના સ્પેશ્યલ ફીચરમાં આપણી નાતમાં થનારા આગામી કાર્યક્રમની જાહેરાત પ્રમુખશ્રી મહેન્દ્રભાઈએ કરી છે...’
જુહુ રહેતા મહેન્દ્રભાઈ સૌના ફેવરિટ છે. હીરાબજારમાં ખૂબ કમાયા પછી પંચાવન વર્ષે જાહોજલાલીભરી નિવૃત્તિ માણે છે. બેઉ દીકરા પરણીને અમેરિકામાં સેટલ્ડ છે. જોકે સતત પ્રવૃત્તિમય રહેલા માણસને નવરા રહેવું ગમે નહીં એટલે પછી મુંબઈના વૈષ્ણવ સમાજમાં ઍક્ટિવ થયા, પત્ની શાલિનીબહેન પણ મંડળની પ્રવૃત્તિઓમાં એટલો જ રસ લેતાં અને એનો લાભ દેખાતો થયો. વારતહેવારે મેળાવડા થવા માંડ્યા, પ્રોગ્રામની વિવિધતાથી યુવાવર્ગ આકર્ષાયો. પછી તો બેત્રણ મહિના કોરા જાય કે નાતીલા તેમને કૉલ કરીને પૂછે : હવે નવો પ્રોગ્રામ ક્યારે આપો છો?
સૌને એકસૂત્રે બાંધી રાખવાનો મહેન્દ્રભાઈનો ઉત્સાહ હજી એવો જ હતો અને દરેક મિલનોત્સવને કંઈક નોખો અનોખો બનાવાના આઇડિયાઝ અપાર હતા. એની જાહેરાતમાં પણ નવીનતા રહેતી. જેમ કે આ વખતે તેમણે ‘મિડ-ડે’માં સ્પેશયલ ફીચરમાં આખા પાનાની ઍડ આપી હતી.
‘અરે, તમે પૂછો તો ખરા કે પ્રોગ્રામ શું છે?’
સોનલની અધીરાઈ સામે આરોહી હસી પડી, ‘લાગે છે લગ્નોત્સુક જુવાનિયાઓના મેળાવડાની વાત હોવી જોઈએ, તો જ બહેનબા ઉમંગમાં છે!’
આરોહીની મજાકમાં ભારોભાર આત્મીયતા હતી.
ગઈ રાતે પિયરમાં મહેમાન જેવું લાગવાના કથનમાં આત્મન ઊંડો ઊતરે એ પહેલાં રોમૅન્ટિક બની આરોહીએ એવો મોકો જ ન આપ્યો. ભરપૂર સુખ વરસાવતાં પતિ પર ઓળઘોળ થઈ તેણે જાતને સમજાવી હતી: મારામાં વસતી રિયારૂપી આરોહીને છતી કરવાને બદલે તેને મારામાંથી તિલાંજલિ આપવાની છેલ્લી એક જેન્યુઇન કોશિશ મને જ કરી લેવા દે. આખરે હું આત્મનને ચાહું છું અને તેને દુઃખ થાય એવું કંઈ જ નહીં કરું એટલું જો જાતને ગોખાવતી રહીશ તો રિયાવાળી આરોહી એની મેળે મરી જશે.
બસ, આ સંકલ્પની અજમાયશે સોનલ પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ હોય એમ અત્યારે તેને સોનલનો ઉમંગ ખટક્યો નહીં બલકે પોતે લાડભરી મજાક કરી શકી એ બદલાવ આરોહીને બહુ ગમતીલો લાગ્યો.
સોનલને પણ ભાભી આજે વધુ વહાલી લાગી : લો, હવે તમારે પણ માની જેમ મને ઘરમાંથી કાઢવી જ છે?
પછી થયું કે આમાં મૂળ વાત વિસરાઈ જશે એટલે રણકો ઊપસાવ્યો : કમ ટુ ધ પૉઇન્ટ. તમને યાદ અપાવી દઉં કે નવમી ઑગસ્ટે બળેવ આવે છે...
‘લો, એટલે ભાઈને ખંખેરવાની ટ્રિક મળી લાગે છે!’ માલવિકાબહેને મેંશના ટપકા જેવું બબડી ટપલી મારી, ‘ક્યારેક તારા ભાઈને પણ કંઈ આપવાનું વિચારતી હો તો!’
‘બોલી લીધું?’ માને જીભડો બતાવી તે આત્મન તરફ ફરી, ‘અરે મારા ભાઈ, આ વર્ષે બળેવ નિમિત્તે મહેન્દ્ર અંકલે ભાઈ-બહેન માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું છે, એમાં વિજેતા થનારી જોડીને સમાજનાં બેસ્ટ ભાઈ-બહેનનું બિરુદ મળશે બોલો!’
અરે વાહ! આ કંઈક નવતર. સોશ્યલ ગૅધરિંગમાં બેસ્ટ કપલ માટે ફની રાઉન્ડ્સ, વન મિનિટ ગેમ્સ રમાડાતાં હોય છે, પણ ભાઈ-બહેનની જોડીને પોંખવાનું કોઈને કેમ નહીં સૂઝ્યું હોય! ખાસ કરીને આજે જ્યારે ફૅમિલી ન્યુક્લિઅર થતી જાય છે ત્યારે સંબંધનું ઊંડાણ નવી પેઢી પામે એ માટે પણ આવી સ્પર્ધા આવકાર્ય ગણાય.
‘અંકલે ફીચરની જાહેરાતમાં આખી સ્પર્ધાનો ચિતાર આપી દીધો છે. આપણી નાતની વેબસાઇટ પર બે દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું છે. ભાઈ-બહેનની એક જ એન્ટ્રી રહેશે, એક ભાઈને એકથી વધુ બહેનો હોય કે એક બહેનને એકથી વધુ ભાઈ હોય એ તમામની એક જ એન્ટ્રી રહેશે, સ્પર્ધાના અલગ-અલગ રાઉન્ડમાં કયો ભાઈ કે બહેન ભાગ લેશે એ તેમણે રજિસ્ટ્રેશન વખતે જ ડિક્લેર કરી દેવાનું રહેશે.’
‘મતલબ તારી માસી અને મામાની મારે એક જ એન્ટ્રી પાડવાની રહે.’ માલવિકાબહેન બોલી ઊઠ્યાં.
સોનલે ભાઈ-ભાભી તરફ આંખ નચાવી, ‘લો બોલો, આ ઉંમરે માતાજીએ સ્પર્ધામાં ભાગ લેવો છે!’
‘હા, તો કેમ નહીં?’ મિડ-ડેનું પાનું જોતાં માલવિકાબહેને દીકરીને સંભળાવ્યું, ‘આમાં એજની કોઈ મર્યાદા નથી એવું સાફ લખ્યું છે. અમારાં ભાઈબહેનનાં હેત કાંઈ ઓછાં છે!’
‘હાસ્તો. ભાઈ કહેતાં તો તારી માનું મોઢું ભરાઈ જાય છે.’ દિવાકરભાઈએ તકનો લાભ લઈ લીધો.
‘એમાં તમને શાને ચૂંક આવે છે!’ માલવિકાબહેન તાડૂક્યાં, ‘તમને બહેન નથી એમાં મારો વાંક? અમારાં ભાઈ-બહેનોમાં કોઈએ બોલવું નહીં, હા!’
આરોહી હસવું ખાળવા આડું જોઈ ગઈ. જીવ થોડો ઉદાસ પણ બન્યો: આવી મીઠી નોંકઝોંક વિરાજભાઈના મામલે હું કરી શકતી હોત તો!
‘ઓ માતાશ્રી, આમ ગરજવાથી તમે કાંઈ સ્પર્ધા નથી જીતી શકવાનાં.’ સોનલે સંભળાવી દીધું, ‘તમારી કૉમ્પિટિશન કોની સામે છે એ તો જુઓ - ભાઈ આત્મન જાની અને બહેન સોનલ જાની જે સ્પર્ધામાં હોય ત્યાં ભાઈબહેનની બીજી કોઈ જોડી બેસ્ટ ઠરવાનો ચાન્સ જ નથી!’
‘હા, હા હવે. તું ને તારો ભાઈ! આમે તારા મામા ઘૂંટણના ઑપરેશનને કારણે કંઈ અમદાવાદથી આવી નથી શકવાના. એટલે તમે જીતી પણ જાઓ!’
મા સામે ચાળો કરી સોનલે આગળ ચલાવ્યું, ‘માએ કહ્યું એમ સ્પર્ધામાં ભાગ લેવાની મહત્તમ વયની મર્યાદા નથી, પણ ન્યુનતમ ઉંમર પંદર વર્ષની રાખી છે. ભાઈ કે બહેન બેમાંથી કોઈ એક તો મુંબઈનું રહેવાસી હોવું જોઈએ. સ્પર્ધાના ત્રણ રાઉન્ડ રહેશે. પહેલો રાઉન્ડ ઑનલાઇન એક્ઝામનો છે. એમાં ભાઈ-બહેનની જોડીને વૈષ્ણવ ધર્મ વિશે, બળેવના તહેવાર વિશે અને બૉલીવુડમાંથી જનરલ નૉલેજના ગણાય એવા પંદર સવાલ પુછાશે.’
ગ્રેટ. ધર્મ અને બૉલીવુડને ભેગા કરી અંકલે નવી-જૂની જનરેશન માટે ચાન્સ સમતોલ કર્યા ગણાય!
‘એમાં ઝડપી જવાબ આપી શૉર્ટલિસ્ટ થનારી પચીસ જોડી બીજા રાઉન્ડમાં જશે.’ સોનલ ટટ્ટાર થઈ, ‘આમાં ટેલિફોનિક ઇન્ટરવ્યુ રહેશે. નિર્ણાયકોની પૅનલના મેમ્બર્સ ભાઈ-બહેનની જોડીને અલગ-અલગપણે ફોન કરશે, જેનું શેડ્યુલ અગાઉથી આપી દેવાશે. આમાં ધે વિલ આસ્ક ઍનિથિંગ – આઇ મીન ભાઈને બહેનની પસંદ-નાપસંદ વિશે પૂછશે, લાઇફના બેસ્ટ–વર્સ્ટ બનાવો વિશે કે પછી મોસ્ટ મેમરેબલ રાખી ડે વિશે જાણી પછી બહેનને એ જ પ્રશ્નોત્તરી કરી જવાબ સરખાવાશે અને એ અનુસાર પંદર જોડી ત્રીજા અને છેલ્લા રાઉન્ડમાં જશે, જે બળેવની બપોરે જ્ઞાતિની વાડીમાં યોજાનારા મેળાવડામાં રમાડાશે.’
અચ્છા!
‘જાહેરાતમાં લખ્યું છે એ મુજબ એ રમતોત્સવ હશે. કૅરમ, લીંબુ-ચમચી દોડ, અંતાક્ષરી જેવી રમતોમાં ત્રણ જોડી શૉર્ટલિસ્ટ થશે અને ત્રણે રાઉન્ડના તેમના ટોટલ પરથી વિજેતા જોડી જાહેર થશે.’
વાઓ!
‘અને એ જોડી મારી ને મારા ભાઈની જ હોય એમાં મને કોઈ શક નથી!’
‘અફકોર્સ!’ આરોહીએ તાળી પાડી. પત્નીના પ્રતિભાવે આત્મનના કપાળે હળવી કરચલી ઊપસી અદૃશ્ય થઈ ગઈ.
***
‘આજે તો ખાસ રિયાભાભીના હાથની ચા પીવા આવ્યો છું!’
સાંજે ઑફિસથી આત્મન સાસરે પહોંચ્યો. જમાઈને અચાનક ભાળી નવનીતભાઈ-સંગીતાબહેન આનંદ પામ્યાં એમ થોડું મૂંઝાયાં પણ : આત્મનકુમાર ઑફિસથી બારોબાર આવ્યા, પાછા કહે છે આરોહીને પણ અહીં આવવા વિશે કહ્યું નથી! દીકરીના સંસારમાં બધું ઠીક તો હશેને!
મોં મલકાવી ચા મૂકવા રસોડે જતી રિયાના કાન બહાર જ હતા ને મનમાં ગણતરી ચાલુ થઈ ગઈ હતી : એમ કાંઈ આત્મનકુમાર મારી ચા માટે લાંબા થાય એવા નથી. આરોહીને કહ્યા વિના આવ્યા છે એટલે જરૂર કોઈ ખાસ પ્રયોજન હોવું જોઈએ. ક્યાંક નાણાભીડમાં હોય ને પૈસાની મદદ માગવા તો નહીં આવ્યા હોય! એવું હોય તો વિરાજને મારે શું કહી રોકવો? ના, સીધેસીધી ના કહીશ તો વિરાજને લાગશે કે મારી બૈરી મારી બહેનને મદદે જવાની મના ફરમાવે છે! ના રે. વિરાજનું મન એ દિશામાં તો દોડવું જ ન જોઈએ. બહુ જતનથી વિરાજને ‘મારાં માબાપ, મારી બહેન’ના વળગણથી દૂર કર્યો છે, આજ સુધી મીઠી રહી હું મારું ધાર્યું કરાવતી રહી છું એમ આ મામલે પણ કોઈ તોડ ખોળી રાખવો રહ્યો. વિરાજને આવવામાં હજી વાર છે. ત્યાં સુધીમાં હું જ આત્મનની ઊલટતપાસ લઈ ભેદ જાણી લઉં.
ત્યાં તો બહાર ડોરબેલ રણકી ને વિરાજનો સાદ સંભળાતાં ચા ગાળતી રિયાની તપેલી વચકતાં રહી ગઈ : આ વળી અત્યારમાં ક્યાં આવી ચડ્યા!
‘તમે આટલા વહેલા!’ તે રસોડામાંથી દોડી આવી. ત્યારે જાણ્યું કે આત્મને તેને મેસેજ કરતાં તે બનેવીને મળવા દોડી આવ્યો.
રિયાને સ્વાભાવિકપણે ખટક્યું.
રિયાને સમજ હતી કે પુરુષ તરીકે વિરાજ ભલે હું તેને નચાવતી હોવાનું ન સમજે, મા-આરોહીને તો એ પરખાતું જ હશે. ભલું હશે તો આરોહી આત્મનને કહેતી પણ હશે, તો મારી બલાથી. હા, તે પોતે તો મીઠી રહેવામાં ચૂકતી નહીં. પણ આજે આત્મનના એક મેસેજે વરજી દુકાન છોડી દોડી આવ્યો એમાં રિયાને કર્યુંકારવ્યું પાણીમાં જતું લાગ્યું: લગ્નનાં આટલાં વર્ષેય વિરાજમાં બુદ્ધિ ન આવી!
‘જોયું આત્મનકુમાર!’ ચા-નાસ્તો પીરસતાં તેની જીભ સળવળી, ‘અમે બોલાવીએ તો તેમની પાસે ટાઇમ ન હોય ને તમારા મેસેજે દુકાન છોડીને આવી ગયા, બોલો! તમે ન આવ્યા હોત વિરાજ તો અમે કાંઈ આત્મનકુમારને ચા પીધા વિના ન મોકલ્યા હોત! આવતાં પહેલાં મને ફોન કર્યો હોત તો તમારી પાસે આત્મનકુમારને બહુ ભાવતાં દાળસમોસા લાવવાનું કહેત. થોડા આરોહી માટે મોકલત. આમ ખાલી હાથે દોડી આવવાનું?’
વહુનું બિટ્વીન ધ લાઇન્સ સાસુ-સસરા સિવાય કોઈને સમજાય એમ નહોતું.
‘સમોસા માટે હું બીજી વાર આવીશ ભાભી, આજે તો ચૅલેન્જ આપવા આવ્યો છું.’
ચૅલેન્જ! જમાઈના રણકાએ માબાપ ડઘાયાં, વિરાજ પ્રશ્નાર્થ નજરે આત્મનને તાકી રહ્યો. તેનું એકાએક આવવું, પોતાને મેસેજ કરી બોલાવવું તેનેય સમજાતું નહોતું એમાં વળી તે પડકાર નાખે છે! જ્યારે રિયા અલર્ટ બની: આત્મનના આગમનનું મૂળ હવે ઊઘડવાનું!
‘તમે જ કહો રિયાભાભી, એક ઓપન કૉમ્પિટિશન હોય અને વિરાજભાઈ મને પરાસ્ત કરી શકે એમ હોય તો શું કેવળ હું જમાઈ છું એટલા ખાતર તેઓ ભાગ ન લે એ કેટલું વાજબી ગણાય?’
આત્મનને પરાસ્ત કરવાની વાત રિયાને રુચી ગઈ. મુખ મલકી ગયું, તોય જાળવીને બોલી, ‘એ તો વિરાજ જાણે, પણ હા, આપણો સંબંધ સ્પર્ધાની હારજીતથી પરે છે એટલું તો હું માનું છું એટલે ભાગ કેમ ન લેવો!’
‘બસ તો, ભાભીનું ગ્રીન સિગ્નલ મળી ગયું વિરાજભાઈ, અત્યારે ને અત્યારે ભાઈ-બહેનની બેસ્ટ જોડી માટેની હરીફાઈમાં તમારું રજિસ્ટ્રેશન કરાવી દો!’
ભાઈ-બહેનની જોડી. રિયા ધરતી પર પટકાઈ. વિરાજે આરોહી ભેગા રમવાનું છે જાણી કડવાશ ઘૂંટાઈ : આત્મન પણ કેવો મીંઢો છે. પહેલાં મને બાંધી દીધી, પછી હરીફાઈનો ફોડ પાડ્યો. નક્કી આરોહીએ તેને પઢાવીને તો નહીં મોકલ્યો હોય!
‘મમ્મી, આરોહીનું કહેવું પડે.’ આત્મન ગંભીર બન્યો: સ્પર્ધામાં હું ને મારી બહેન જીતીએ એ માટે તેણે ભાગ ન લેવાનું નક્કી કર્યું હોય એમ તમને કોઈને કહ્યું નહીં. તે અમારા માટે આટલું કરતી હોય તો મારાથી કેમ ચુકાય?’
નવનીતભાઈ-સંગીતાબહેન ગદ્ગદ થયાં. રિયાએ હોઠ કરડ્યો. આવી સ્પર્ધા વિશે સવારથી જાણી રાખ્યું હોત તો વિરાજને પઢાવી નાખ્યો હોત, પણ હવે શું! વિરાજને પહેલી વાર કદાચ સમજાયું નહીં કે બનેવીના મોઢે બહેનનાં વખાણ સાંભળી પોતાને શું ફીલ થઈ રહ્યું છે.
છતાં એટલું બોલ્યો : અમારા તરફથી તમને ચૅલેન્જ પાકી. હવે તો ભાઈ-બહેનની અમારી જોડી જ વિન થવાની!
ન બને. રિયાએ ત્યાં ને ત્યાં ફેંસલો ઘૂંટ્યો : એમ તો હું ભાઈ-બહેનની જોડીને પોંખાવા નહીં જ દઉં!
બાય ઑલ મીન્સ!
(વધુ આવતી કાલે)