કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-3)

15 May, 2019 01:09 PM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ - કથા સપ્તાહ

કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-3)

રાખ-અંગાર

યે મેરી કહાની

અનાહતે કડી સાંધી:

***

‘મારો બાપ વિશ્વ‌જિત છે?’

દીકરાના પ્રશ્ને દેવયાનીનું અંતરમન ઉપરતળે થઈ ગયેલું. વિશ્વ‌જિતને અનેક રીતે રીઝવ્યા પછી તેમણે સંતાન જણવાની મંજૂરી આપી હતી. છાયાબહેન-પપ્પાએ તેમની રીતે સમજાવેલી, પણ વિશ્વ‌જિતના બીજને પાડવાનો તો સવાલ જ નહોતો!

અલબત્ત, કુંવારી ગર્ભાવસ્થા સરળ નહોતી. કોર્ટમાં, સમાજમાં તીવ્ર ટીકા-કૂથલી થઈ, પણ કોઈ બાળકના પિતાનું નામ જાણી ન શક્યું. દેવયાની માટે એટલું પૂરતું હતું.

છેવટે એ ઘડી આવી પહોંચી. અનાહતની પધરામણી થઈ. કાયદામાં તોડ કાઢી પપ્પાએ તેને પોતાનું નામ આપ્યું. વરસ પછી તેમનો દેહાંત થયો, વિશ્વ‌જિત ત્યારે મારી પડખે રહ્યા.

સમય વહેતો રહ્યો. અનાહતમાં વિશ્વ‌જિતનો અણસાર નહોતો, બલકે એ ક્યાંય વધુ ખૂબસૂરત દેખાયો. અલબત્ત, કુંવારી મા બનેલી સ્ત્રી પર સમાજની બાજનજર રહેતી હોય એટલે વિશ્વ‌જિતનો આવરોજાવરો સાવ છૂપો નહોતો. અંદરખાને એવીયે ચર્ચા થતી કે અનાહત વિશ્વ‌જિતનો જ અંશ હોવો જોઈએ! વિશ્વ‌જિત-દેવયાનીનાં વ્યક્તિત્વો એવાં કે એ મોઢામોઢ પૂછવાની હિંમત ન થાય.

- પણ આ તો હવે દીકરો જ પૂછે છે... શું કરવું?

‘આ બધી વાતો માટે તું હજુ નાનો છે, બેટા,’ તેના ખભા પકડી દેવયાનીએ દીકરાને છાતીસરસો ચાંપ્યો. ‘ટ્રસ્ટ યૉર મધર. તારા પિતાનું નામ તને હું વખત આવ્યે કહીશ, પણ પ્લીઝ બેટા, વિશ્વ‌જિતઅંકલ વિશે ગમે તેવું ન ધારતો.’

માના સધિયારાએ ત્યારે તો અનાહતે જીદ પડતી મૂકી, પણ એ સવાલો તેને ખુદને તો ખોતરતા જ રહ્યા સતત.

મસ્તીખોર, રમતિયાળ અનાહત ધીરગંભીર બની ગયો. સ્કૂલમાં મજાક થતી રહેતી, પણ અનાહત આંખ આડા કાન કરી રાખતો. છાયામાસીને કનડવાનું છોડી દીધું... ખરી તકલીફ વિશ્વ‌જિતના આગમને થતી. તેમની ભેટસોગાદો અનાહત લેતો નહીં, ‘નમસ્તે’થી વધુ વાતો કરતો નહીં. માએ તેમને બ્રીફ કર્યા જ હોય, એટલે એ પણ વહાલ જતાવવામાં મર્યાદા રાખતા.

પણ સત્ય ક્યાં સુધી છૂપું રહે?

અનાહતની સોળમી વર્ષગાંઠને મહિનો થયો હશે. વિશ્વ‌જિત ઘરે આવ્યા હતા. અને આ વખતે અમેરિકા ટૂરનો પ્રસ્તાવ લઈને આવેલા. મા સાથેની તેમની ચર્ચા અનાહતના કાને પડેલી:

‘જાણું છું, થોડાં વરસોથી અનાહત આપણાથી અતડો થતો ગયો છે, પણ અમેરિકાની ટૂરની વાત સાંભળી તે ઊછળી પડવાનો.’

‘તમે તમારા દીકરાને ખુશ કરવા એટલું વિચાર્યું જીત, ગમ્યું... ’

- તમારા દીકરાને. અનાયાસે તેમની વાતો સાંભળતાં અનાહતના કાનમાં ધાક પડી.

‘મા’ તે ધસી ગયો, ‘આ માણસ જ મારો બાપ છે?’

બેઉ સમજી ગયાં કે હવે આને વળાય એમ નથી. લેટ્સ ફેસ ધેન.

‘તું ખુશકિસ્મત છે બેટા કે તારામાં વિશ્વ‌જિતનું લોહી વહે છે.’

‘જો એ ખુશકિસ્મતીની જ વાત હોય મા, તો મારા નામ પાછળ તેમનું નામ કેમ નથી?’

‘બેટા, એમાં એવું છે કે...’ દેવયાનીએ ટુકડે-ટુકડે આખી ગાથા કહી.

અનાહત વધુ ઘવાયો, ‘આ માણસે કરીઅર માટે લગ્ન નથી કરવા! તેને હું જોઈતો જ નહોતો? તેં પણ કેવળ આ પુરુષનો હું અંશ હોવાથી મને ગર્ભમાં પોષ્યો!’

‘ડોન્ટ બી નેગે‌ટિવ અનાહત. તું અમને વહાલો છે જ, પણ એ સમજવા માટે તારે અમારો સંબંધ જેવો છે એવો સ્વીકારવો પડશે.’

એ એટલું આસાન ક્યાં હતું! વિશ્વ‌જિત ડિવૉર્સી છે, મા વિડો છે - પછી કયું તત્ત્વ તેમને પરણતાં રોકે એ સમજ બહાર હતું. મોટા થતા અનાહત માટે અસહ્ય પણ બનતું ગયું. શું હાઈ સ્કૂલ કે કૉલેજ, તે પોતાના કોચલામાં પુરાઈ રહેતો. કોઈ વળી જાણી લાવતું કે એ કુંવારી માનું સંતાન છે... પછી તો ‌જિગરમાં અંગારા તપે એવી કમેન્ટ્સ કાને પડતી. મોંથી નહીં કહેનારા નજરોથી વાર કરતા. અને કૉલેજ જ શું કામ, ન્યાતમાં સગેવહાલે ક્યાંય પણ હાજરી પુરાવાનું થાય ત્યારે આ જ મહેણું ભોંકાતું - બિચારો. હજુય નાનાના નામ સાથે જીવે છે. જાણે તેને તેના બાપના નામની ખબર પણ હશે કે નહીં!

વિશ્વ‌જિત તો રાજકારણી એટલે જાડી ચામડીનો, પણ માને આ બધું કનડતું કેમ નહીં હોય!

‘છોડને યાર, છોકરો ‌‌‌રિચ છે, સાંભળ્યું છે ૨૧નો થતાં તેના નાનાજીની ત્રણેક કરોડની મિલકતનો વારસો મળ્યો છે - પાછો એક્સ્ટ્રીમલી હૅન્ડસમ! એ હામી ભરતો હોય તો તેના બાપના નામ સાથે આપણે શું કરવું છે?’

કૉલેજમાં ક્યારેક ગર્લ્સમાં પોતાના માટેની આવી ચર્ચા કાને પડતાં અનાહત જુદા જ વિચારોમાં અટવાઈ જાય - માએ પણ આવું જ કંઈક વિચારી વિશ્વ‌જિત સાથે સંબંધ બાંધ્યો હશેને! પણ માને પૈસા-પાવરની ક્યાં પડી છે? તો પછી એક જ કારણ રહ્યું - તનની જરૂરિયાત!

જાતતારણે હાંફી ઊઠેલો અનાહત. વિશ્વ‌જિત હજુય દેખાવડા લાગે એ તો માનવું પડે. તેમણે માને એવી ‌‌ચિત કરી દીધી કે તેનો મોહ આજેય ઓસર્યો નથી! એટલે તો તે વિશ્વ‌જિતને મને નામ આપવાનું નથી કહી શકતી, બલકે મને જ નામ ન માગવા મનાવી-સમજાવી લે છે! સ્ત્રી પોતાની જિસ્મની જરૂરિયાતથી આટલી લાચાર બની જતી હશે?

અભાવ જન્મતો. માસ્ટર્સ સહિત કૉલેજનાં પાંચ વરસોમાં ક્યારેક કોઈ છોકરી પ્રત્યે તેને સ્પંદન જાગ્યાં જ નહીં. વસ્ત્રો બદલતી વેળા ક્યારેય આયના સામે બર્થડે સૂટમાં ઊભો રહેતો. નિતાંત સુંદર દેહની પ્રત્યેક રેખામાં ગજબનું આકર્ષણ હતું.

મા વિશ્વ‌જિતના આવા જ દેખાવથી લલચાઈ હશે!

ઘૃણા થતી હોય એમ અનાહત મોં ફેરવી ફટાફટ વસ્ત્રો ચડાવી દેતો. યૌવનમાં સહજ હોય એવો આફરો તેણે કદી અનુભવ્યો જ નહીં.

ક્યારેક વિશ્વ‌જિત આવ્યો હોય ને દેવયાની સાથે બેસવાનો આગ્રહ કરે તો અનાહતથી બોલી જવાય - મહેમાન થોડા સમય માટે આવ્યા છે મા, મારી ચિંતા છોડ, તું તારે જે લાભ લેવાનો થતો હોય એ ઉઠાવવા માંડ.’

દીકરો કયા ‘લાભ’ની વાત કરતો હતો એ પરખાતાં દેવયાનીને તમ્મર જેવા આવી ગયેલાં. મારી પ્રીતને શારીરિક જરૂરિયાત સમજી બેઠેલા દીકરાને કેમ સમજાવવું કે તને - મને અપનાવી વિશ્વ‌જિત પૉલિટિકલ કરીઅરમાં સ્પીડબ્રેક નથી ઇચ્છતા, પણ એ શરત તો અમારા સંબંધના પાયામાં રહી છે, એનો ભંગ કરવા વિશ્વ‌જિતને મજબૂર કેમ કરી શકું?

એક જ છત નીચે રહેતાં મા-દીકરા વચ્ચે દૂરી વધતી ગઈ. એને ઓળંગવાનું સાહસ દેવયાનીમાં રહ્યું નહોતું.

એટલે તો અનાહતે ઠેઠ નવી મુંબઈમાં નોકરી શોધી તો કરવા દીધી. રાતે સૂવા પૂરતો જ ઘરે આવે એ ચલવી લીધું. દેવયાની પીછેહઠ કરતી જતી એમ અનાહત વધુ ને વધુ ઉજ્જડ બનતો જતો હતો. કાર્યસ્થાને પણ એ તો એકાંકી, અતડો જ રહેતો. રવિવારે પણ ઘરે રહેવાને બદલે દરિયે નીકળી જતો. કોઈ વાર એનો મૂડ જોઈ દેવયાની લલચાય - તું પચીસનો થયો, કોઈ છોકરી ગમી કે નહીં! કે પછી હું શોધું?

‘છોકરી! હ. બાપનું નામ ન ધરાવતા પુરુષને પસંદ કરનારી કેવી હશે મા? યા તો મારા રૂપિયાને જોનારી, યા તો તારી જેમ ઘાટીલા દેહ પર મોહનારી! શરીરની ચળે ગમે તે ઉંમરે, ગમે તે પુરુષ આગળ, ગમે તે શરતે ચળી પડે એ જાતિ પ્રત્યે જ મને નફરત થઈ ગઈ છે.’

લઈ દઈને એની એ જ વાત. હવે તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું લાગતું. સ્ત્રીજાતિને નફરત કરનારો ક્યાંક પુરુષો પ્રત્યે… કંપી ગયેલી દેવયાનીએ આશ્વાસન ખોળી કાઢ્યું - અનાહત માટે પુરુષ એટલે વિશ્વ‌જિત. એના માટે સ્ત્રી કરતાં વધુ ઝનૂન હોવાનું!

દેવયાનીના અનુમાનમાં તથ્ય હતું. રવિની એક સાંજે આવા જ વિચારોમાં અટવાયેલો એ દરિયાકિનારે એકલોઅટૂલો બેઠો હતો ત્યાં-

‘ઇતના અકેલા ક્યૂં બૈઠા હો? મૈં કંપની દૂ ક્યાં.’

પૂછતા પાવૈયાને જોઈ અનાહત પહેલાં તો ભડક્યો. કિન્નરો રેડલાઇટ એરિયાની જેમ ગ્રાહકોને જોઈતી ‘સેવા’ આપતા હોવાનું વાંચેલું. એથી કોઈ પોતાને આવીને પૂછશે એવું ધાર્યું નહોતું.

‘ચિંતા ન કરો, તમારી ઇચ્છા વિરુદ્ધ હું કંઈ નહીં કરું.’ એના સ્મિતમાં રમતિયાળપણું હતું. સાડીના પોશાકમાં તે લાગ્યો નમણો.

‘તમને ઉદાસ જોયા તો થયું, થોડા હસાવી દઉં.’ એ થોડું દૂર અંતર રાખીને ગોઠવાઈ-ગોઠવાયો.

‘મારું નામ સત્યવતી. કોઈ એને ટૂંકાવીને સત્યા પણ કહે.’

સત્યવતી-સત્યા. સ્ત્રી પણ, પુરુષ પણ.

અથવા કહો કે ન સ્ત્રી, ન પુરુષ. ન દેવયાની, ન વિશ્વ‌જિત.

એકાએક અનાહતને સત્યવતી-સત્યામાં રસ પડ્યો.

... ત્યાં સુધી કે થોડી જ મુલાકાતોમાં મામલો પ્રણય સુધી પહોંચી ગયો!

આના મૂળમાં હતી સત્યાની કાળજી. કોઈ પણ છીછરી હરકત વિના તેણે પહેલી મુલાકાતમાં રમૂજી વાતોથી તપ્ત અનાહતને સુકુન બક્ષ્યું હતું. આટલી હળવાશ અનાહતે કદી અનુભવી નહોતી.

‘તું આવતા રવિવારે ફરી આવીશ?’

પછી તો દરિયાકિનારાનો એ ખૂણો તેમના મિલનસ્થાન જેવો બની ગયો. અંતર ઊઘડતાં ગયાં. અનાહતને સમજાયું કે પોતાનાથી વધુ પીડિત, ઉપેક્ષિત તો સત્યવતી-સત્યા હતી. બાળપણમાં મેળામાંથી ઉઠાવી કિન્નર બનાવી દેવાયાની વ્યથા તેણે કેવી રીતે વેઠી હશે! પૂર્વાશ્રમનું તેને સ્મરણ નહોતું, જિંદગીને સ્વીકારી લીધેલી. અનાહત સમક્ષ હૈયું ઠાલવતાં તે રડી પડેલી ત્યારે તેને આગોસ આપતાં અનાહતે પહેલી વાર બદનમાં ઉત્તેજનાની ‌‌‌થિરકન અનુભવી હતી. પછી તેને રીઝવવામાં સત્યા કચાશ છોડે! તેનું સમર્પણ સ્નેહ જન્માવી ગયું. બેઉ હૈયે પ્રીત ઘૂંટાતી ગઈ. સત્યાએ તેનો કબીલો છોડ્યો, પાછળ કોઈ નિશાની રાખી નહોતી. બેની દુનિયામાં ત્રીજાનો અવકાશ નહોતો. નાનાજીના પૈસામાંથી અનાહતે નવી મુંબઈમાં ફલૅટ લીધો એની મા કે વિશ્વ‌જિતને ગંધ આવવા નહોતી દીધી. નોકરીએથી ત્યાં પહોંચી માને કહી દેતો કે ઓવરટાઇમમાં રોકાયો છું… કંપનીના ગેસ્ટહાઉસમાં છું...

સત્યાએ અનાહતનો ખાલીપો ભર્યો, તેણે જ પિતાનું નામ મેળવવા કોર્ટમાં જવાની સલાહ આપી...

‘હૅવ યુ ગોન મૅડ! તેં વિશ્વ‌જિત પર કેસ ઠોકી બેસાડ્યો?’ દેવયાની આઘાતથી ફાટી પડેલી.

‘મેં તેમને ઘણો સમય આપ્યો, પણ તે ન જ માને તો શું કરવું.’

હોહા મચી ગઈ હતી. કેન્દ્રમાં મંત્રીપદ સંભાળતા વિશ્વ‌જિતે તરત તો પ્રતિષ્ઠા બચાવવા કહી દીધું કે પોતે આવા કોઈ દાવાને નથી માનતા, મારો કોઈ દીકરો નથી!

આનું પોલાપણું જાણતા વિશ્વ‌જિત ચાર્ટર્ડ ફલાઇટ પકડી મુંબઈ ધસી આવ્યા હતા - આ બધું શું માંડ્યું છે, અનાહત? પૈસા જોઈએ છે, પૉલિટિક્સમાં આવવું છે? તને વિરોધ પાર્ટીવાળાએ ઉશ્કેર્યો? ચોક્કસ આ કોઈ રમત છે.

‘આ રમત નથી વિશ્વ‌જિત, બાપનું નામ લેવાની મમત છે.’

અનાહત ન જ માન્યો ત્યારે તેમણે દેવયાનીને નિહાળી - આટલાં વરસોની મારી જહેમત હું આ એક કેસથી ધોવાઈ જવા ન દઉં. આઇ કૅન ડુ ઍનીથિંગ –

તેમની ધમકી, માની સમજાવટ છતાં પોતે ડગ્યો નહોતો... અનાહતે વાગોળ્યું:

વિશ્વ‌જિતના પ્રેશરે મને નોકરીમાંથી છૂટો કરાયો, તારીખ પે તારીખ પડતી રહી તોય હામ ન ગુમાવી. વિશ્વ‌જિત નફ્ફટપણે કોર્ટમાં હાજર ન રહેતાં, જ્યારે વકીલની ઊલટતપાસના જવાબ દેતાં માને ભોંય ભારે પડતી. તોય એક ક્ષણ માટે મને તેના પ્રત્યે સહાનુભૂતિ થઈ નહોતી, થાય પણ ક્યાંથી? તે હજુય વિશ્વ‌જિતને છાવરવાનો યત્ન કરતી. વિષયઘેલી!

છેવટે સત્યનો વિજય થયો. મારા નામ પાછળ મારા બાપનું નામ લાગ્યું. સત્તાવાર રીતે હું તેમનો વંશજ હતો. આ સમગ્ર પ્રક્રિયામાં હું ટકી શક્યો હોઉં તો કેવળ સત્યાના પ્રતાપે. દુનિયાથી, માબાપથી મારું સુખ સુરક્ષિત રાખવું હતું એટલે ઘરમેળે સત્યાની માગ પૂરી મેં સંતોષ માન્યો. સત્યાએ તો એટલી પણ અપેક્ષા ક્યાં રાખી હતી?

જીવનમાં હવે ખુશીનો ધબકારો વર્તાતો. અંગારા જાણે અગ્નિ ગુમાવી રાખ બની રહ્યા હતા. મારો બાપ વિશ્વ‌જિત હોવાનું સત્ય મારા નામ પાછળ ચોંટી ચૂક્યું હતું. ભલે એ નામ પ્રત્યે, એ માણસ પ્રત્યે મને કે એને મારા પ્રત્યે કોઈ જ સંવેદના ન હોય! તેના પૈસા-પાવરમાં મને કોઈ ભાગ જોઈતો નથી એની બાંયધરી ઉચ્ચારી હોવા છતાં તે મુંબઈ આવતો ત્યારે તેની નજરમાં ઝેર જોવા મળતું- તારી જીદે મારી પ્રતિષ્ઠાનું ધોવાણ થયું. રાજકારણમાં લાગ જોઈ સોગઠી મરાતી હોય છે ને હું હાડોહાડ રાજકારણી છું માટે તારી સોગઠી ઉડાડ્યા વિના ન રહું એ યાદ રહે!

‘મારું છોડો. તમને હજુ આ સ્ત્રીની દયા નથી અવતી?’ તેમની ધમકી સામે હું વ્યંગ કરતો - હજુય બિચારીને રખાતની જેમ રાખી છે, તેને પત્નીનો દરજ્જો નથી આપવો?

આ પણ વાંચો : કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-2)

દેવયાની રડી પડતી. દીકરો જ રખાત કહે એ ઝેલવું અસહ્ય હતું. કેસ દરમ્યાન જ તેનું બહાર નીકળવાનું ઓછું થઈ ગયેલુ. સોશ્યલ ઍક્ટિવિટીઝ બંધ જ થઈ ગયેલી. મને તો જોકે એટલું જ દેખાતું કે તેનાથી હજુય વિશ્વ‌જિતને જાકારો નથી દેવાતો!

હશે. તેમને તેમના હાલ પર છોડી હું સત્યા સાથે અમૂલ્ય પળો માણતો.

- પણ છેવટે એ ચોરી પકડાઈ; અને બે હત્યાનો યોગ ઘડાઈ ગયો… અનાહત સમક્ષ દૃશ્ય ઊપસ્યું.

columnists Sameet Purvesh Shroff